રામદેવ, બાલકૃષ્ણને પરિણામો ભોગવવાં માટે તૈયાર રહેવા ‘સુપ્રીમ’ આદેશ

નવી દિલ્હીઃ પતંજલિ આયુર્વેદની ભ્રામક જાહેરાત કેસમાં સુપ્રીમ કોર્ટે બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણને કડક ફટકાર લગાવી હતી. કોર્ટે  વગર શરતે રામદેવના માફીનામાનો સ્વીકાર કરવાથી ઇનકાર કરી દીધો હતો. જસ્ટિસ અમાનુલ્લાહ અને જસ્ટિસ હિમા કોહલીની ખંડપીઠે આ મામલે સુનાવણી કરતાં કહ્યું હતું કે તમે ત્રણ-ત્રણ વાર અમારા આદેશોને નજરઅંદાજ કર્યા છે અને એનું પરિણામ ભોગવવું પડશે. અમે આંધળા નથી. એ સાથે ખંડપીઠે આ મામલે કેન્દ્ર સરકારથી મળેલા જવાબથી કોર્ટ સંતુષ્ટ નહીં જોવાનું જણાવ્યું હતું.

કોર્ટે રામદેવને કહ્યું હતું કે ખુદને કાયદાથી પર ના સમજો, કાયદો સૌથી ઉપર છે. કોર્ટે રામદેવના વકીલ મુકુલ રોહતગીને કહ્યું હતું કે સોગંદનામું કોર્ટમાં આવતાં પહેલાં પબ્લિકની પાસે હતું, જ્યારે સુપ્રીમ કોર્ટની વેબસાઇટની PDFમાં નહોતું.

રોહતગીએ કહ્યું હતું કે રામદેવે પણ વિના શરત માફી માગી છે, ત્યારે જસ્ટિસ અમાનુલ્લાએ કહ્યું હતું કે  તમે સોગંદનામામાં છેતરપિંડી કરી રહ્યા છો. આ કોણે તૈયાર કર્યું છે? મને આશ્ચર્ય છે. કોર્ટે રામદેવના વિના શરત માફી માગવાના સોગંદનામાનો સ્વીકાર કરવાથી ઇનકાર કર્યો હતો. જસ્ટિસ અમાનુલ્લાએ કહ્યું હતું કે આ લોકોએ ત્રણ-ત્રણ વાર અમારા આદેશને નજરઅંદાજ કર્યા છે.

શું છે IMAનો કેસ?

IMAએ આરોપ લગાવ્યો છે કે પતંજલિએ કોવિડડ19 વેક્સિનેશનની વિરુદ્ધ એક બદનામ કેમ્પેન ચલાવ્યું હતું. એના પર કોર્ટે ચેતવણી આપી હતી કે પતંજલિ આયુર્વેદ તરફથી ખોટો અને ભ્રામક જાહેરાત તરત બંધ થવી જોઈએ. ખાસ કરીને બીમારીઓને ઠીક કરવાના ખોટા દાવા કરતા પ્રત્યેક ઉત્પાદન માટે રૂ. એક કરોડ સુધીના દંડની સંભાવના જાહેર કરી હતી.