Home Blog Page 1889

અવકાશી સહેલગાહ ફૂટપાથ પર?

દિલ્હી: તમને રોડ પર બેઠાં-બેઠાં જ અવકાશી નજારાનો અનુભવ થવા માંડે! અવકાશી તારા દેખાવા માંડે તો? એક અમેરિકન યુ-ટ્યુબરને શેરીમાં બેઠાં-બેઠાં આવા જ અવકાશી નજારાનો અનુભવ થયો. વાત જાણે એમ છે કે, દિલ્હીની શેરીમાં આ યુ-ટ્યુબરને હિન્દી ફિલ્મ ‘પ્યાસા’નું ગીત ‘સર જો તેરા ચકરાયે…’ વાળા જ્હોની વોકર જેવા એક મુહમ્મદભાઈ મળી ગયા, જેઓ વ્યવસાયે તેલ માલિશ કરનારા છે.વીડિયો-શેરિંગ પ્લેટફોર્મ પર 1.2 મિલિયન સબસ્ક્રાઈબર્સ ધરાવતા અમેરિકન યુટ્યુબર ડેઇલી મેક્સે માથાં અને ખભાની મસાજ કરાવવાનો એક વીડિયો પોસ્ટ કર્યો હતો. ક્લિપમાં, તે દક્ષિણ દિલ્હીના બજારમાં મુહમ્મદ વારિસ નામની વ્યક્તિનો સંપર્ક કરે છે. ક્લિપમાં મેક્સ કહે છે કે, ‘તેણે આ ભાઈને મસાજ કરતા જોયો છે. જે સખત મહેનત કરી રહ્યો છે, કામમાં સારો દેખાવ કરી રહ્યો છે; હું આ વ્યક્તિ પાસેથી માથાંનો મસાજ કરાવવા માટે ઉત્સાહિત છું. આ એક સારો જ મસાજ હશે!’

વીડિયોમાં થોડી ક્ષણો પછી, મિસ્ટર મેક્સ મુહમ્મદભાઈની કુશળતાથી સંપૂર્ણપણે આશ્ચર્યચકિત થતાં દેખાય છે અને મસાજ તકનીકનો આનંદ માણતા જોવા મળી રહ્યાં છે. ‘એલોન મસ્કે આ વ્યક્તિને નોકરી પર રાખવાની જરૂર છે. કારણ કે, હું હમણાં જ અવકાશ ભ્રમણ પર હતો,’ એવી મેક્સે રમૂજી ટિપ્પણી કરી. અને આ જ વાત તેણે પોતાના વીડિયોની કેપ્શનમાં પણ લખી છે. ‘આ કોસ્મિક ઈન્ડિયન હેડ મસાજથી મને તારાઓ દેખાય છે.’

વધુમાં ઉમેર્યું, ‘ભારતમાં સ્ટ્રીટ મસાજ શા માટે આટલું સારું છે? આ મારા માટેનો અત્યાર સુધીનો શ્રેષ્ઠ મસાજ છે,’ 32-વર્ષીય યુટ્યુબરે મજાક કરતાં કહ્યું કે, ‘આ જ વાત મારા વતન અમેરિકામાં એટલી હદ સુધી અલગ છે કે, આ માણસ પર ત્રણ બાબતે ચાર્જ લાગે કે,  તેણે માત્ર મારા વાળ જ ના ખેંચ્યા, પરંતુ માથામાં મુક્કા પણ માર્યા.’ક્લિપના અંતમાં તે કહે છે કે, ‘મસાજ એટલો સારો હતો કે, મારા ખિસ્સામાં જેટલા રૂપિયા હોય તે બધા લેવાને તે લાયક છે.’ તેણે તેમને પૈસા ચૂકવ્યા અને જતા પહેલાં હાથ મિલાવ્યા.

આ ભારતીય સેલિબ્રિટી નહી કરી શકે મતદાન!

જેમ જેમ ભારતમાં 2024ની લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ લોકશાહી પ્રક્રિયાઓ પ્રત્યે દેશની પ્રતિબદ્ધતા સ્પષ્ટ થાય છે. 19 એપ્રિલથી 1 જૂન સુધી સાત તબક્કામાં ચૂંટણી યોજાવાની સાથે પ્રથમ તબક્કામાં 62% મતદાન થયું છે. ઉત્તેજના સ્પષ્ટ છે કારણ કે વિવિધ રાજ્યોના નાગરિકો મતદાન કેન્દ્ર તરફ જાય છે, જે દેશનું  નક્કી કરે છે. જો કે, આ લોકતાંત્રિક ઉત્સાહ વચ્ચે, ભારતીય ફિલ્મ ઉદ્યોગની નોંધપાત્ર હસ્તીઓ છે જેઓ એમનો મત નહીં આપી શકે.

આલિયા ભટ્ટ

પોતાની અભિનય કૌશલ્યથી ચાહકોના દીલ પર રાજ કરતી આલિયા ભટ્ટ કપૂર ભારતમાં મતદાન નથી કરી શકતી. હકીકતમાં આલિયાની માતા સોની રાઝદાન બ્રિટિશની નાગરિક્તા ધરાવે છે. આલિયાનો જન્મ પણ બ્રિટિશમાં જ થયો હતો. માટે એની પાસે પણ ભારતીય નાગરિક્તા નથી. જેના કારણે એ ભારતીય ચૂંટણીમાં મતદાન નથી કરી શકતી. નહીં આપી શકે.

કેટરીના કૈફ

બોલિવૂડની જાણીતી અભિનેત્રી કેટરિના કૈફ લોકસભા ચૂંટણીમાં મતદાન કરી શકશે નહીં. કેટરિનાનો જન્મ હોંગકોંગમાં કાશ્મીરી મૂળના બ્રિટિશ ઉદ્યોગપતિ અને અંગ્રેજ વકીલને ત્યાં થયો હતો. તેની અભિનય કારકિર્દી બનાવવા એ લંડન અને પછી ભારત આવી. ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં એનું નોંધપાત્ર યોગદાન હોવા છતાં, એની બ્રિટિશ નાગરિકતા ભારતીય ચૂંટણીઓમાં મત આપવા માટે એને અયોગ્ય બનાવે છે.

જેકલીન ફર્નાન્ડીઝ

જેકલીન ફર્નાન્ડીઝ મિસ યુનિવર્સ શ્રીલંકા સ્પર્ધા જીતવાથી લઈને ભારતમાં લોકપ્રિય અભિનેત્રી બનવા સુધીની એની સફર એના પ્રતિભા અને સખત મહેનતનો પુરાવો છે. બોલીવૂડમાં એને લગભગ દરેક ટોયના કલાકારો સાથે કામ કર્યું છે.  જેકલીનનો જન્મ બહેરીનમાં શ્રીલંક પિતા અને મલેશિયન માતાને થયો હોવાના કારણે એની પાસે શ્રીલંકાની નાગરિકતા છે. માટે એ ભારતીય ચૂંટણીઓમાં મતદાન નથી કરી શકતી.

ઇમરાન ખાન

ઇમરાનખાન જન્મથી અમેરિકન છે. મેડિસન, વિસ્કોન્સિનમાં સોફ્ટવેર એન્જિનિયર પિતા અને વૈજ્ઞાનિક માતાના ઘરે જન્મેલો ઇમરાન ખાને નાની ઉંમરે જ બોલીવૂડમાં કામ કરવાનું શરૂ કરી દીધું હતું. પરંતુ આજે પણ એની પાસે અમેરિકાનો પાસપોર્ટ છે. એ ભલે કામ ભારતમાં કરે પણ એની નાગરિક્તા અમેરિકન છે. મામા આમિરખાનની સાથે અનેક વખત કામ કરી ચૂકેલો આ કલાકાર ભારતમાં મતદાન નથી કરી શકતો.

સની લિયોની

એડલ્ટ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી બોલીવૂડમાં ડગ માંડનાર સની લિયોની કેનેડિન-અમેરિકન નાગરિકતા ધરાવે છે. ભારતીય કાયદા પ્રમાણે ફકત ભારતીય નાગરિકોને જ મત આપવાનો અધિકાર છે. સની ભલે બોલીવૂડમાં કામ કરે પરંતુ એની પાસે યુએસનું નાગરિક્ત હોવાના કારણે વોટ આપી શકશે નહીં.

નોરા ફતેહી

બોલીવૂડમાં ડાન્સિંગ ક્વિન તરીકે પોતાની અલગ ઓળખ ઉભી કરનાર નોરા કેનેડિયન-મોરોક્કનની છે. ત્યાં જ જન્મેલી અને ઉછરેલી નોરા પાસે કેનેડાની નાગરિક્તા છે. જેથી એ ભારતમાં પોતાનો મત આપી શકતી નથી.

નરગીસ ફખરી

અમેરિકન અભિનેત્રી અને મોડલ નરગીસ ફખરી “રોકસ્ટાર” અને “મદ્રાસ કેફે” જેવી ફિલ્માં કરેલી ભૂમિકાઓથી બોલિવૂડમાં ખ્યાતના મેળવી છે. ભારતમાં એની સક્રિય કારકિર્દી હોવા છતાં, ફખરીની યુએસ નાગરિકતાને કારણે એ મતદાન કરી શકશે નહીં.

કલ્કી કોચલીન

ભારતીય સિનેમામાં તેના કામ માટે પ્રખ્યાત અભિનેત્રી કલ્કી કોચલીન ફ્રેન્ચ નાગરિક છે. તેમનો જન્મ અને ઉછેર ભારતમાં થયો હોવા છતાં, તેની પાસે ફ્રેન્ચ નાગરિકતા છે માટે એ અહીં મત નહીં આપી શકે. જો કે કલ્કીનું નામ ફ્રાંસની મતદાર યાદીમાં પણ નથી. માટે એ કોઈ પણ જગ્યાએ પોતાનો મત આપી શકતી નથી.

ઇલિયાના ડીક્રૂઝ

અભિનેત્રી ઇલિયાના ડી’ક્રૂઝ, તેલુગુ અને હિન્દી સિનેમામાં તેની ભૂમિકાઓ માટે જાણીતી છે, તે પોર્ટુગીઝ મૂળની છે અને તેની પાસે પોર્ટુગીઝ પાસપોર્ટ છે. તેણે 2014 માં પોર્ટુગીઝ રાષ્ટ્રીયતા પ્રાપ્ત કરી, જે ગોવાના ભૂતપૂર્વ પોર્ટુગીઝ પ્રદેશમાં તેના પરિવારના ઇતિહાસ સાથે મેળ ખાય છે. ભારતમાં તેની સફળ કારકિર્દી અને ભારતીય સંસ્કૃતિ સાથે જોડાણ હોવા છતાં, તેની પોર્ટુગીઝ નાગરિકતાનો અર્થ એ છે કે તેઓ ભારતીય ચૂંટણીઓમાં મતદાન કરવા માટે અયોગ્ય છે.

દીપ્તિ નવલ

વીતેલા સમયની પીઢ ભારતીય અભિનેત્રી દીપ્તિ નવલ એમના ઉમદા અભિનય અને દિગ્દર્શન માટે જાણીતા છે. તેઓ ઘણા વર્ષો સુધી ભારતીય ફિલ્મ સિનેમાનો મહત્વનો હિસ્સો છે, તેમ છતાં એમની અમેરિકન નાગરિકતાને કારણે એમણે ક્યારેય ભારતમાં મતદાન કર્યુ નથી.

પ્રિયંકા ગાંધીની ધરમપુરમાં જ જનસભા કેમ?

રાજ્યમાં આગામી 7 મેના રોજ મતદાન યોજાશે. તમામ પાર્ટીના કેન્દ્રીય નેતાઓ ગુજરાતની ધરાએ ઉતાર્યા છે. કોંગ્રેસ અને ભાજપ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. ભાજપની હેટ્રિક થશે કે ભાજપના મૂળ કોંગ્રેસ ઉખાડશે એ જોવાનું રહ્યું.

આજે પ્રિયંકા ગાંધી વલસાડ લોકસભા બેઠકના ઉમેદવાર અનંત પટેલ માટે પ્રચાર કરવા ગુજરાત પ્રવાસે પહોંચ્યા હતા. પ્રિયંકા ગાંધીએ વલસાડના ધરમપુરમાં જન સભાનું આયોજન કર્યું હતું. જેમાં ભાજપ પર તીખા પ્રહારો સાથે સળગતા પ્રશ્નોનો પણ વરસાદ કર્યો. આ આગાઉ પર વિધાનસભા ચૂંટણી વખતે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અનંત પટેલ માટે ભારત જોડો યાત્રા છોડી પ્રચાર કરવા માટે પહોંચ્યા હતા. તો 2019માં પ્રિયંકા ગાંધી ગુજરાત મુલાકાતે આવ્યા હતા. જે બાદ તેઓ CWCની મીટિંગમાં હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે પ્રિયંકા ગાંધી વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર કર્યો ન હતો. તો તેઓ લાંબા સમય બાદ પ્રચાર માટે નિકળ્યા છે.

પ્રચાર માટે વલાસાડ બેઠક કેમ?

આ અગાઉ પણ વિધાનસભા ચૂંટણીને લઈને રાહુલ ગાંધી ધરમપુર ખાતે પ્રચાર અર્થે પહોંચ્યા હતા. જે બાદ આજે પ્રિયંકા ગાંધી ધરમપુર પહોંચ્યા હતા. વલસાડ લોકસભાની બેઠકની ભૌગોલિક વિવિધતા અંગે વાત કરીએ તો અહીં આદિવાસી વિસ્તાર, કાંઠાવિસ્તાર, ઔદ્યોગિક ક્ષેત્ર, શહેરી અને ગ્રામ્ય વિસ્તારનો સમાવેશ થાય છે. વિસ્તાર પ્રમાણે પ્રશ્નો પણ અલગ-અલગ છે. પારડી, ધરમપુર, કપરાડા, નાના પૌંઢા જેવાં નાનાં શહેરોમાં શિક્ષણ, આરોગ્ય અને જાહેર પરિવહન સંબંધિત મુદ્દાઓ મુખ્ય છે. જ્યારે આદિવાસી વિસ્તારમાં જંગલ, જમીન, પાર-તાપી લિંક અને રોજગારી મુખ્ય મુદ્દાઓ છે. આ બેઠક પર 18.48 લાખ મતદારો પૈકી 9.60 લાખથી વધુ મતદારો ઢોડિયા, કુકણા અને વારલી સમાજના છે. એમાં સૌથી મોટો સમુદાય ઢોડિયા પટેલ છે, જેના 4 લાખ મતદારો છે. એ બાદ કુકણા સમાજના 3 લાખ જેટલા મતદારો છે. જ્યારે વારલી જાતિના 2,58,980 મતદારો છે. વલસાડ અને ડાંગમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ભારે સક્રિય છે અને એનો સીધો જ લાભ ભાજપને મળી શકે છે. ડાંગ અને વલસાડ જિલ્લાના અંતરિયાળ ગામોમાં સંઘની સક્રિયાને પગલે અહીં પહોંચવામાં ભાજપને ઘણી સરળતા રહી છે. વાંસદા બેઠકને બાદ કરતાં આ લોકસભા બેઠક હેઠળ આવતી વિધાનસભાની લગભગ બેઠકોમાં ભાજપનો દબદબો રહ્યો છે. ત્યારે એવુ માનવામાં આવે છે કે ધરમપુરમાં કોંગ્રેસનો દબદબો સારો હોવાથી એજ વિસ્તાકમાં પ્રિયંકા ગાંધીની જન સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

ટોચની ચાર IT કંપનીઓમાં FY24માં 70,704 કર્મચારીઓ ઘટ્યા

નવી દિલ્હીઃ અનિશ્ચિત માગના માહોલમાં દેશની પાંચ સૌથી મોટી IT સર્વિસિઝ કંપનીઓમાંની ચારમાં નાણાકીય વર્ષ 2024માં આશરે 70,704 કર્મચારીઓ ઓછા થયા છે. આ કંપનીઓ ટાટા કન્સલટન્સી સર્વિસિઝ (TCS)  ઇન્ફોસિસ, વિપ્રો અને ટેક મહિન્દ્રા છે. છેલ્લા પાંચ વર્ષોમાં IT સર્વિસિઝ કંપનીઓમાં કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો હતો. જોકે આ પાંચ કંપનીઓમાં માત્ર HCL ટેકે માર્ચ 2024 ત્રિમાસિક ગાળામાં નવા કર્મચારીઓની ભરતી કરી હતી.

દેશની સૌથી મોટી IT કંપની TCSમાં આ વર્ષે 13,249 કર્મચારીઓની સંખ્યા ઘટી હતી.ગયા વર્ષના અંતે કંપનીમાં 6,01,546 કર્મચારીઓ હતો. કંપનીમાં 19 વર્ષોમાં સૌપ્રથમ વાર કર્મચારોની સંખ્યામાં ઘટાડો થયો હતો. આ સાથે ઇન્ફોસિસે આ વર્ષે 25,994 કર્મચારીઓ ઘટાડ્યા હતા. ઇન્ફોસિસે 23 વર્ષોમાં પહેલી વાર કર્મચારીઓની સંખ્યા ઘટાડી હતી.

વિપ્રો આ વર્ષે નાણાકીય વર્ષમાં અને માર્ચ ત્રિમાસિકમાં કર્મચારીઓની સંખ્યામાં અનુક્રમે 24,516 અને 6180નો ઘટાડો કર્યો હતો. ટેક મહિન્દ્રાએ વર્ષ 2024માં તેના કર્મચારીઓની સંખ્યામાં 6945નો ઘટાડો કર્યો હતો, જ્યારે માર્ચ, 2024માં 795 કર્મચારીઓનો ઘટાડો કર્યો હતો.

જોકે આ વલણથી ઊંધામાં  HCL ટેકે નાણાકીય વર્ષ 2024માં આશરે 1537 કર્મચારીઓની ભરતી કરી હતી. કંપનીએ 12,141 ફ્રેશર્સ કર્મચારીઓને જોડ્યા હતા. કંપનીએ માર્ચ, 2024 સુધીમાં 2725 કર્મચારીઓને જોડ્યા હતા. માર્ચ ત્રિમાસિકમાં કંપનીમાં 2,27,481 કર્મચારીઓ હતા. કંપનીની યોજના વર્ષ 2025માં વધુ 10,000 ફ્રેશર્સને કંપની સાથે જોડવાની છે.

 

 

 

 

 

 

 

પ્રચારમાં સામ-સામે રહેતાં પક્ષો, અહીં જોવા મળે એક છત નીચે

અમદાવાદ: લોકસભા ચૂંટણીમાં બે તબક્કામાં આવતની લોકસભા બેઠકો પર મતદાન પૂર્ણ થયું છે. જ્યારે ત્રીજા તબક્કામાં આવતી બેઠકો પર દરેક પક્ષના સ્ટાર પ્રચારકો પ્રચંડ બહુમતિ માટે પ્રચાર કરી રહ્યા છે. સભાઓ, રેલીઓ, ભાષણો દ્વારા મતદાન મોટા પ્રમાણમાં થાય એ માટે મથામણ કરી રહ્યા છે. આ સભા, સરઘસ અને રેલીઓ માટે ક્યા પક્ષનું પ્રતિનિધિત્વ કરો છો..? એ બતાવવા ખેસ, ટોપીઓ, ઝંડા, બિલ્લા જેવું પક્ષના નિશાનવાળું ચૂંટણી મટિરીયલ તો જોઈએ.ભારતમાં કોંગ્રેસ, ભારતીય જનતા પાર્ટી, આમ આદમી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી, સમાજવાદી પાર્ટી, સી.પી.આઈ, એ.આઈ.એમ.આઈ.એમ જેવી અનેક નાની-મોટી પાર્ટીઓ જમ્મુ-કાશ્મીરથી કન્યાકુમારી સુધી અને ગુજરાતથી અરુણાચલ પ્રદેશ સુધી અસ્તિત્વ ધરાવે છે. કેટલાંક રાજ્ય અને પ્રાંતમાં સ્થાનિક પાર્ટીઓનો પણ દબદબો છે. આ તમામ પાર્ટીઓના પોતાના ચૂંટણી સિમ્બોલ છે. ચૂંટણી વખતે ટોપીથી માંડી ઝંડા સુધી તમામ સામગ્રી તૈયાર કરાવી પક્ષનો પ્રચાર કરવામાં આવે છે.અમદાવાદમાં ચૂંટણી મટીરીયલ તૈયાર કરતા ઈમરાન ખાન ચિત્રલેખા.કોમને કહે છે અત્યારના આધુનિક ટેકનોલોજીના જમાનામાં સોશિયલ મીડિયા પર પ્રચાર પ્રસાર થાય છે. એમ છતાં આજે દેશના તમામ પક્ષો ચૂંટણીના પ્રચાર માટે ઝંડાથી માંડી ટોપી-ખેસ જેવું મટિરિયલ તૈયાર કરાવે છે. સકારાત્મક રીતે જોઈએ તો કોર્પોરેશનથી માંડી લોકસભા સુધીની તમામ ચૂંટણીઓમાં ઈલેકશન મટિરિયલ બનાવતા લાખો લોકોને રોજગારી મળે છે.

કારણ કોઈપણ ઉમેદવાર કે કાર્યકર પોતાના વિસ્તારમાં જાતે પ્રચાર માટે જાય ત્યારે એમને ખેસ, ટોપી, ઝંડા, બેનર્સ જેવું ચૂંટણી મટિરિયલ તો જોઈએ. આ પ્રચાર સામગ્રી, સિમ્બોલથી જ ખબર પડે કે કઈ પાર્ટીના કાર્યકર્તાઓ છે.શહેરના દાણીલીમડા અને આસપાસના ઔધોગિક વિસ્તારમાં મોટાપાયે ચૂંટણીની સામગ્રી તૈયાર થાય છે. શાહપુર વિસ્તારમાં સિલાઈ, કટિંગ અને પેકિંગના કામ દ્વારા અસંખ્ય લોકો રોજગારી મેળવી રહ્યા છે.

(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)

રાજ્યમાંથી ડ્રગ્સની ત્રણ ફેક્ટરી પકડાઈઃ 10ની ધરપકડ

ગાંધીનગરઃ રાજ્યમાં ATS અને NCB એ મોટું ઓપરેશન પાર પાડ્યું છે. રાજસ્થાન અને ગુજરાતમાં મોટી કાર્યવાહી કરીને ડ્રગ્સ બનાવતી ત્રણ ફેકટરી ઝડપી છે. આ ત્રણે ફેક્ટરીમાંથી ખાસ કરીને ગાંધીનગરથી ઝડપાયેલી ફેક્ટરીમાંથી 25 કિલોથી વધુ MD ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. આ કાર્યવાહી દરમિયાન કુલ 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ ગુજરાત ATS અને NCBએ આજે રાજસ્થાન અને ગુજરાતમાં મોટી કાર્યવાહી કરીને રાજસ્થાનમાંથી ડ્રગ્સની બે ફેક્ટરી તેમ જ ગુજરાતમાંથી એક ફેકટરી ઝડપી છે અને અહીં ફેક્ટરીમાંથી જ સપ્લાય કરવામાં આવી રહ્યું હતુ. આ ફેક્ટરીમાં અલગ-અલગ ડ્રગ્સ માટેનું રો મટીરિયલ તૈયાર કરવામાં આવતું હતું. અહીંથી ડ્રગ્સ બનાવીને અન્ય રાજ્યો અને અન્ય દેશમાં મોકલવામાં આવતું હતું.

આ પહેલાં થોડા દિવસ અગાઉ દહેગામમાંથી કેમિકલની આડમાં ધમધમી રહેલી ડ્રગ્સ ફેક્ટરીનો પણ પર્દાફાશ થયો છે. DRIની તપાસમાં ડ્રગ્સનું દહેગામ કનેક્શન સામે આવ્યું છે. તપાસ કરવા પહોંચેલા અધિકારીઓની આંખો ત્યારે ફાટી ગઇ જ્યારે ખુલાસો થયો કે મેઘશ્રી એગ્રી ફાર્મા કંપનીના આડમાં ઉત્પાદિત થયેલા ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે.

 

 

 

 

 

 

 

ભાજપે મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનની ટિકિટ કાપી

ભાજપે લોકસભા ચૂંટણી માટે મહારાષ્ટ્રમાં વધુ એક બેઠક માટે તેના ઉમેદવારની જાહેરાત કરી છે. પાર્ટીએ મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનની ટિકિટ રદ કરી છે અને ઉજ્જવલ નિકમને ઉમેદવાર બનાવ્યા છે. ભારતીય જનતા પાર્ટીએ આજે ​​લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની 15મી યાદી જાહેર કરી છે. ભાજપે પૂનમ મહાજનની ટિકિટ રદ કરી છે. જ્યારે આતંકવાદી કસાબને ફાંસી આપનાર વકીલ ઉજ્જવલ નિકમને ઉત્તર મધ્ય મુંબઈથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે ઉજ્જવલ નિકમ દેશના સૌથી પ્રખ્યાત સરકારી વકીલોમાંના એક છે, તેમણે આતંકવાદી અજમલ કસાબને ફાંસી, 1993 બોમ્બ વિસ્ફોટ, ગુલશન કુમાર હત્યા કેસ અને પ્રમોદ મહાજન હત્યા કેસ જેવા હાઈપ્રોફાઈલ કેસોમાં સરકારનું પ્રતિનિધિત્વ કર્યું છે.


પૂનમ મહાજનની વાત કરીએ તો તે 2006માં તેના પિતા પ્રમોદ મહાજનની હત્યા બાદ ભાજપમાં જોડાઈ હતી. 2009માં, તેણીએ ઘાટકોપર વેસ્ટમાંથી પહેલીવાર સાંસદની ચૂંટણી લડી હતી, પરંતુ હારી ગઈ હતી. 2014માં તેમણે મુંબઈ નોર્થ સેન્ટ્રલ સીટ પરથી કોંગ્રેસના પ્રિયા દત્તને હરાવ્યા હતા. તમને જણાવી દઈએ કે પૂનમ એક પ્રશિક્ષિત પાયલટ છે. તેણે અમેરિકાના ટેક્સાસથી તેની ટ્રેનિંગ લીધી છે. તેની પાસે 300 કલાકનો ઉડાનનો અનુભવ છે. 2012 માં બ્રાઇટન સ્કૂલ ઓફ બિઝનેસ એન્ડ મેનેજમેન્ટમાંથી B.Tech ડિગ્રી પૂર્ણ કરી.

કોંગ્રેસ નેતાનું વિવાદિત નિવેદન, ‘વડાપ્રધાન મોદી ગુજરાતી નથી…’

રાજ્યમાં લોકસભા ચૂંટણીની ધમ-ધમાટ ચાલી રહી છે. ત્યારે ભાજપ નેતાના વિવાદિત નીવેદનનો નિવેડો આવ્યો નથી. તો બીજી બાજુ સુરત લોકસભા બેઠકથી કોંગ્રેસે ઝટકો મળ્યો. જ્યાં ભાજપ બિનબરીફ વિજેતા બીની. તો હવે ગુજરાતના રાજકારણને ગરમાવતું વધુ એક નિવેદન સામે આવ્યું છે. કોંગ્રેસના નવસારીના ઉમેદવારે એક સભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને એવું નિવેદન આપ્યું કે વિવાદ ઉભો થયો છે.

ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે ત્રીજા તબક્કામાં આગામી સાતમી મેએ મતદાન થવાનું છે. અને આ માટે એક તરફ કોંગ્રેસ નેતાઓ મતદારોને રિઝવવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. તો બીજી બાજુ કોંગ્રેસના નેતા દ્વારા PM વિરુદ્ધ વિવાદિત નિવેદન આપવાથી વિવાદનો વંટોળ ઉભો થયો છે.

કોંગ્રેસના નવસારી બેઠકના ઉમેદવાર નૈષધ દેસાઈએ શુક્રવારે ધરમપુરની સભા દરમિયાન નૈષધ દેસાઈએ બફાટ કર્યો હતો. નૈષધ દેસાઈએ પોતાના ભાષણ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બિન ગુજરાતી ગણાવ્યા હતા. કોંગ્રેસ ઉમેદવારે નરેન્દ્ર મોદી ગુજરાતી નથી એમ ત્રણવાર રટણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે કોઈ કારણ કે સંદર્ભ વગર જ નૈષધ દેસાઈએ આ નિવેદન આપતા અનેક સવાલો ઉભા થયા છે.

શું કહ્યું નૈષધ દેસાઈએ ?

નવસારી બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નૈષધ દેસાઈએ સભામાં ગાંધીજીનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે ‘ ગાંધીજી જ્યારે શહીદ થયા ત્યારે ‘હે રામ’ કહ્યું હતું,  દુનિયાના મહાન રામ ભક્ત મોહનદાસ કરમચંદ ગાંધી એ ગુજરાતી, નરેન્દ્ર મોદી ગુજરાતી નથી…નથી…..નથી.’ નોંધનીય છે કે ધરમપુરમાં આજે પ્રિયંકા ગાંધીની સભાનું આયોજન થયું હતું.

બીજા તબક્કાની બે ડઝન સીટો પર સત્તાવિરોધી લહેર?

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના બીજા તબક્કામાં 13 રાજ્યો અને જમ્મુ-કાશ્મીરની જે 88 સીટો પર ચૂંટણી થઈ હતી, એમાં 26 સીટો એવી છે, જ્યાં સત્તાવિરોધી લહેર હોઈ શકે છે. એમાં 18 સીટો પર ભાજપ અને આઠ પર કોંગ્રેસ સતત ત્રણ ચૂંટણીથી જીતી રહી છે. ત્રણ સીટો એવી છે-જ્યાં છેલ્લી ત્રણ ચૂંટણીમાં શિવસેનાની જીત થઈ હતી. 2019માં 56 સીટો પર NDA અને 25 UPAને ગઈ હતી. સાત અન્ય પાર્ટીઓને મળી હતી.

કેરળની બધી 20 લોકસભા સીટો પર બીજા તબક્કામાં મતદાન થયું હતું. કોંગ્રેસ માટે 26 મેએ મતદાન સૌથી વધુ અપેક્ષા કરવાવાળો બીજા તબક્કાનું મતદાન છે.  બીજા તબબક્કામાં લોકસભા ક્ષેત્રો અને કેરળના મોટા ભાગનાં સંસદીય ક્ષેત્રોમાં પણ ગ્રામીણ વસતિની સરેરાશ 76.1 ટકા હતું, જ્યારે બધાં ક્ષેત્રોનું મળીને એ 76.9 ટકા હતું.

ગઈ કાલે જે ક્ષેત્રોમાં મતદાન થયું હતું, એ વિસ્તારોમાં મતદાન 2009 પછી હંમેશાં રાષ્ટ્રીય સરેરાશથી વધુ રહ્યું છે. આ સિવાય આ સીટો પર રાષ્ટ્રીય સરેરાશની તુલનામાં 2009 પછી મતદાનમાં વધારો જોવા મળ્યો છે. આ 88 લોકસભા ક્ષેત્રોમાં 39માં 2009માં રાષટ્રીય સરેરાશથી વધુ મતદાન થયું છે. એ સંખ્યા 2014માં 44 અને 2019માં 50 લોકસભા ક્ષેત્ર હતી. પહેલા તબક્કામાં મતદાનની ટકાવારીમાં ઘટાડા પછી બીજા તબક્કામાં વધુ મતદાનનું વલણ બાકીના પાંચ તબક્કામાં પણ જારી રહેશે કે કેમ? એ જોવું રહ્યું.

 

 

 

 

‘સુપર 30’ ના જિનિયસ અને તેમના વિદ્યાર્થીની અમેરિકામાં ભાવુક મુલાકાત

અમેરિકા: પોતાનો વિદ્યાર્થી વિદેશમાં સફળ હોય અને ત્યાં અચાનક મળી જાય અને જે રીતે એ સમ્માન આપે તેનાથી મોટો પુરસ્કાર કોઈ શિક્ષક માટે શું હોય શકે! પ્રખ્યાત ગણિતશાસ્ત્રી આનંદકુમારની અમેરિકામાં તેમના ભૂતપૂર્વ વિદ્યાર્થી સાથેની હૃદયસ્પર્શી મુલાકાત કોઈ ફિલ્મી દ્રશ્ય જેવી જ હતી!

‘સુપર 30’ શૈક્ષણિક સંસ્થાના સ્થાપક આનંદકુમારને ફિલ્મોમાં ભજવાય તેવા દ્રશ્યનો સાક્ષાત્કાર અમેરિકામાં થયો. તેઓ ન્યુજર્સીના એક મોલમાં પોતાના વિદ્યાર્થીઓ માટે ખરીદી કરી રહ્યાં હતા. ત્યાં અચાનક તેમનો ભૂતપૂર્વ વિદ્યાર્થી સંદીપ ચૌધરી સામે આવી ગયો અને બહુ જ ભાવુક થઈ તેમને પગે લાગ્યો. એટલું જ નહીં તેમણે ખરીદેલી વસ્તુના રૂપિયા પણ પોતે ચૂકવી દીધા અને તેઓ રોકાયા હતા તે સ્થાને તેમને પોતાની ગાડીમાં મૂકી ગયો.

આ વાત આનંદ કુમારે તેમના X એકાઉન્ટ પર પોસ્ટ કરતાં લખ્યું કે, ‘મારા જીવનમાં ઘણીવાર એવી ઘટનાઓ બને છે, જે ફિલ્મી લાગે છે. આજે જ હું ન્યુજર્સીના મોલમાં બાળકો માટે થોડો સામાન ખરીદી રહ્યો હતો કે, અચાનક પાછળથી અવાજ આવ્યો…આનંદ સર, તમે અહીં અમેરિકામાં છો. એ આગળ આવીને મારા પગે પડ્યો અને બોલ્યો કે, ‘સર હું સંદીપ ચૌધરી, તમારો વિદ્યાર્થી!’ પછી શું તેણે મને મોલમાં સામાનના પૈસા પણ આપવા ન દીધા. એણે જાતે સામાનના પૈસા ચૂકવી દીધા અને બોલ્યો કે, ‘આજે હું અહીં સુધી પહોંચ્યો છું, તે તમારા જ તો આશિર્વાદ છે.’ વધુમાં મારું જ્યાં રોકાણ હતું. ત્યાં સુધી તે પોતાની ગાડીમાં મને મૂકવા આવ્યો. મારા જેવા શિક્ષકને આનાથી વધુ ગર્વની વાત કઈ હોઈ શકે!’

આનંદ કુમારની ઓનલાઈન પોસ્ટ વાયરલ થયા બાદ એક લાખથી વધુ લોકોએ તે જોઈ. લોકોની કમેન્ટ કંઈક આ પ્રકારની હતી. એક યુઝરે લખ્યું, ‘સર, તમે ભારતનું ગૌરવ છો! વર્તમાન યુગના મહાન ગણિતશાસ્ત્રી અને સાચા શિક્ષક.’ બીજી કમેન્ટ હતી, ‘તમે એક સાચા શિક્ષક છો. પ્રભુ તમને વધુ શક્તિ આપે જેથી તમે હજુ વધુ બાળકોને શિક્ષણ આપીને તેમનું ભલુ કરી શકો.’ અન્ય એકે લખ્યું, ‘વિદ્યાર્થી દ્વારા તમને આ જે સન્માન મળ્યું છે. તે જ તો ખરી કમાઈ છે. બાકી બધું શૂન્ય છે, નશ્વર છે.’

 

આનંદ કુમાર એક સુપ્રસિદ્ધ ગણિતશાસ્ત્રી અને શિક્ષક છે. જેઓ આઈ.આઈ.ટી.માં પ્રવેશ માટે ગરીબ અને વંચિત વિદ્યાર્થીઓ માટે ‘સુપર 30’ નામના એક કોચિંગ ક્લાસ ચલાવે છે. તેમના જીવન પર આ જ નામે ‘સુપર-30’ હિન્દી ફિલ્મ પણ બની છે. જેમાં તેમનું પાત્ર જાણીતા અભિનેતા ઋત્વિક રોશને ભજવ્યું છે. 2023માં તેમને સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આનંદ કુમારે એક નવું ઓનલાઈન શૈક્ષણિક પ્લેટફોર્મ લોન્ચ કરવાની યોજનાનું પણ અનાવરણ કર્યું છે. આ પહેલનો હેતુ ભારતમાં વંચિત વિદ્યાર્થીઓને સુલભ શિક્ષણ આપવાનો છે.