Home Blog Page 1875

ખેડા: ખરાખરીનો જંગ!

ખેડા: આ જિલ્લો તમાકુની ખેતી માટે જાણીતો છે. જ્યારે ખેડા લોકસભા બેઠકમાં અમદાવાદ જિલ્લાના બે વિસ્તારનો પણ સમાવેશ થાય છે. ખેડા લોકસભા બેઠક જેમાં ખેડા અને આણંદનો સમાવેશ થાય છે. આ બેઠક આમ તો વર્ષોથી કોંગ્રેસનો ગઢ રહી છે. પણ 2014માં મોદી લહેરમાં અહીં ભગવો લહેરાયો. અને સતત બે ટર્મથી દેવુસિંહ ચૌહાણ ચૂંટણી જીતતા આવ્યા છે. આ બેઠક પર ત્રણ વખત ભાજપ, બે વખત સ્વતંત્ર પક્ષ, એક વખત સંસ્થા કોંગ્રેસ, એક વખત અપક્ષ તેમજ એક વખત જનતા દળે વિજયનો સ્વાદ ચાખ્યો છે.

ઉમેદવાર

ભાજપ: દેવુસિંહ ચૌહાણ

વર્ષ 1989થી 2002 વર્ષ સુધી આકાશવાણી કેન્દ્રમાં એન્જિનિયર તરીકે સેવાઓ આપ્યા બાદ 2002માં રાજીનામું આપી જાહેર જીવનમાં પ્રવેશ કર્યો. વર્ષ 2007માં ભાજપના ઉમેદવાર તરીકે માતર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય તરીકે ચૂંટાયા. વર્ષ 2009માં ખેડા લોકસભાના ઉમેદવાર તરીકે માત્ર 746 મતોથી હાર થઈ. વર્ષ 2012માં પુનઃ ભાજપના ઉમેદવાર તરીકે માતર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય તરીકે ચૂંટાયા. વર્ષ 2014માં 16મી લોકસભામાં ભાજપના ઉમેદવાર તરીકે ખેડા લોકસભા સાંસદ સભ્ય તરીકે પ્રથમ વાર ચૂંટાયા હતા. વર્ષ 2016થી 2021 સુધી ખેડા જિલ્લા ભાજપ અધ્યક્ષપદે રહી સાંસદ ઉપરાંત સંગઠનની જવાબદારી સંભાળી. 7 જુલાઈ 2021 ભારત સરકારના સંચાર રાજ્ય પ્રધાન તરીકે શપથ લીધા.

કોંગ્રેસ: કાળુસિંહ ડાભી

1985માં જાહેરજીવનની કારકિર્દી શરૂ કરી. 1991માં પ્રથમ વખત સરપંચ તરીકે ચૂંટાયા હતા. વર્ષ 2017માં કપડવંજ વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા. 2022માં રાજેશ ઝાલા સામે તેમનો પરાજય થયો હતો. કઠલાલ તાલુકા કોંગ્રેસ પ્રમુખ તરીકે જવાબદારી નિભાવી છે.

PROFILE

  • ખેડા લોકસભા બેઠકમાં 7 વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. જેમાં દસક્રોઈ, ધોળકા, માતર, નડિયાદ, મહેમદાવાદ, મહુધા અને કપડવંજ વિધાનસભાનો સમાવેશ થાય છે.
  • 2019માં યોજાયેલી 17મી લોકસભા ચૂંટણીમાં ભાજપના દેવુસિંહ ચૌહાણ આ બેઠક પરથી વિજેતા બન્યા હતા. તેઓ 3,67,145 વોટની લીડથી જીત્યા હતા.

 

  • મતદારોની સંખ્યા

કુલ મતદારો    21,50,110

પુરુષ મતદાર   11,04,559 

સ્ત્રી મતદાર     10,45,481

વિધાનસભા બેઠકોની સ્થિતિ

બેઠક પક્ષ વિજેતા વોટ લીડ
દસક્રોઈ ભાજપ બાબુ જમનાદાસ 1,59,107 91,637
ધોળકા ભાજપ કિરીટસિંહ ડાભી 84,773 84,773
માતર ભાજપ અશાભાઈ પરમાર 84,295 15,851
નડિયાદ ભાજપ પંકજ દેસાઈ 1,04,369 53,871
મહેમદાવાદ ભાજપ અર્જુનસિંહ ચૌહાણ 1,08,541 45,604
મહુધા ભાજપ સંજયસિંહ મહીડા 91,900 25,689
કપડવંજ ભાજપ રાજેન્દ્રકુમાર ઝાલા 1,12,036 31,878

ખેડા બેઠકની વિશેષતા

  • અગાઉ બૃહદ ખેડા બેઠક હતી. બૃહદ ખેડા બેઠકનું ખેડા અને આણંદમાં વિભાજન થયું.
  • 1951 અને 1957ની લોકસભા ચૂંટણીમાં ખેડા બેઠકનો મુંબઇ સ્ટેટમાં સમાવેશ થતો હતો.
  • પ્રથમ લોકસભા ચૂંટણીમાં ખેડા દક્ષિણ બેઠક પર સરદાર પટેલના પુત્રી મણીબહેન પટેલ અને ઉત્તર બેઠક પર ફુલસિંહજી ડાભી ચૂંટાયા હતા.
  • 1962માં યોજવામામાં આવેલી લોકસભા ચૂંટણીમાં ખેડા લોકસભા બેઠક પર સ્વતંત્ર પક્ષના ઉમેદવાર ચૂંટાયાં હતાં.
  • એક સમયે કોંગ્રેસનો ગઢ ગણાતી બેઠક પર છેલ્લી બે ચૂંટણીમાં ભાજપને જીત મળે છે.
  • કોંગ્રેસ તરફથી દિનશા પટેલ આ બેઠક પરથી પાંચ ટર્મ સાંસદ રહ્યા હતા.

ABSLMCએ આદિત્ય બિરલા સન લાઇફ નિફ્ટી PSE ETF લોન્ચ કર્યું

મુંબઈઃ આદિત્ય બિરલા સન લાઇફ AMC લિ. (ABSLAMC)ની આદિત્ય બિરલા સન લાઇફ નિફ્ટી PSE ETFએ નિફ્ટી PSE ઇન્ડેક્સને ટ્રેક કરતું ઓપન એન્ડેડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ લોન્ચ કર્યું છે. આ ન્યુ ફંડ ઓફર (NFO)ની બીજી મે, 2024થી 16 મે, 2024 સુધી ખુલ્લી રહેશે.

ETF રોકાણકારોને ભારતની પબ્લિક ક્ષેત્રની કંપનીઓ (PSEs)માં મૂડીરોકાણ કરવાની ઉત્તમ તક પૂરી પાડે છે, જે આગળ અર્થતંત્રને વેગ આપવા માટે જવાબદાર છે. છેલ્લા એક દાયકામાં જાહેર ક્ષેત્રની કંપનીઓ માટે માગમાં વધારો, નાણાકીય સપોર્ટ, બજારની સ્થિતિ અને સારું મૂલ્યાંકન- વગેરે સાનુકૂળ સંજોગો પેદા થયા છે. આ સાથે PSEsમાં કોર્પોરેટ ગવર્નન્સ, વેપારની વ્યહૂરચના, કાર્યક્ષમતામાં સુધારો થયો છે. જેને પગલે રોકાણકારોના વિશ્વાસમાં વધારો, નફાશક્તિમાં સુધારો અને મૂલ્યમાં પણ વધારો થયો છે.

આ યોજના સંયુક્ત લાભ આપે છે, જ્યાં રોકાણકારો તેજીવાળા બજારમાં જાહેર ક્ષેત્રની અગ્રણી કંપનીઓમાં મૂડીરોકાણ દ્વારા ઊંચો લાભ –બંને ઊંચું ડિવિડન્ડ યિલ્ડ અને લાંબા ગાળાનો ગ્રોથ મેળવી શકે છે. વધારામાં આ કંપનીઓને સરકારનું પીઠબળ હોવાથી વ્યક્તિગત શેરોની તુલનાએ આ કંપનીઓના શેરોમાં ઓછી વોલેટિલિટી હોય છે, કેમ કે આ યોજનામાં સમાવિષ્ટ શેરોનું પાવર, ઓઇલ એન્ડ ગેસ, કેપિટલ ગુડ્ઝ, મેટલ્સ, ફાઇનાન્શિયલ સર્વિસિસ ક્ષેત્રની કંપનીઓ વગેરે પર ધ્યાન કેન્દ્રિત હોય છે.

આ ETFમાં મૂડીરોકાણ દ્વારા મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત જેવી રાષ્ટ્રીય પ્રાથમિકતાઓ હોવાથી રોકાણકારોને ભારતીય અર્થતંત્રમાં ભાગ લેવાની તક મળે છે. વળી, આ મૂડીરોકાણની તક રોકાણકારોને વિસ્તૃત શૃંખલા પૂરી પાડે છે, કેમ કે લાંબા ગાળાના હોલ્ડર (રોકાણકર્તા)ને લાંબા ગાળાના વિકાસ, વ્યક્તિગત આવક પર ધ્યાન કેન્દ્રિત અને જે રોકાણકારોને વૈવિધ્યકરણની ઇચ્છા રાખતા હોય તેમને આ ETF PSE સેક્ટરની કંપનીઓમાં ઊંચું મૂલ્ય મેળવી શકે છે.

નવા ફંડના લોન્ચ પર ટિપ્પણી કરતાં ABSLAMCના MD અને CEO એ. બાલાસુબ્રમણિયને કહ્યું હતું કે જાહેર ક્ષેત્રની કંપની ભારતીય અર્થતંત્રની કરોડરજ્જુ છે અને આદિત્ય બિરલા સન લાઇફ નિફ્ટી PSE ETF થકી અમે રોકાણકારો સતત વિકાસ કરવાની અને આ કંપનોમાં મૂડીરોકાણ થકી લાભ કરવાની તક આપીએ છીએ. આ જાહેર ક્ષેત્રની કંપનીઓ દેશને 2047 સુધી રૂ. સાત લાખ કરોડનું અર્થતંત્ર બનાવવાની દિશામાં અને વિકસિત ભારતની દિશામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે. આ સાથે ETF આ કંપનીઓની મજબૂત સ્થિતિ અને સ્થિરતાનો લાભ ઉઠાવવા માટે એક સુવિધાજનક તક પૂરી પાડે છે, જેથી નિફ્ટી PSE ઇન્ડેક્સ પર નજર રાખવા સાથે રોકાણકારોએ આ કંપનીઓમાં મૂડીરોકાણ કરવાની તક મળે છે.

 

 

 

 

 

 

કોંગ્રેસને ફેંક્યા પડકાર, સરદારની ભૂમિ પર PMનો હુંકાર

લોકસભા ચૂંટણીના તીજા તબક્કાના મતદાનને પાંચ દિવસ બાકી છે. ત્રીજા તબક્કાનું મતદાન 7 મેના રોજ થશે. જેમાં કુલ 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો (UTs)માં 94 બેઠક પર મતદાન થશે. જેમાં ગુજરાતની 25 બેઠકો પર મતદાન થશે. જ્યારે એક બેઠક પર ભાજપને બિનબરીફ વિજય મળ્યો છે.

ભાજપ મતદારોનો રિઝવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાતના પ્રવાસે છે. આજે આણંદના વલ્લભ વિદ્યાનગર ખાતે જાહેર સભાને સંબોધન કરી હતી. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદી આજે સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, જૂનાગઢ અને જામનગરમાં જનસભા સંબોધશે.

આણંદમાં મોટી સંખ્યામાં જનમેદીને સંબોધન કરતા PM મોદી કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે ‘કોંગ્રેસના 60 વર્ષના શાસનમાં ભારતની 60 ટકા ગ્રામીણ વસ્તી પાસે શૌચાલય નહોતું, 10 વર્ષમાં અમે બનાવ્યા. માત્ર ત્રણ કરોડ ગ્રામીણ ઘર સુધી જ નળથી પાણી પહોંચતુ, અમે 10 વર્ષમાં 14 કરોડ નળથી જળ પહોંચાડ્યું. દેશના લોકોએ 60 વર્ષ સુધી કોંગ્રસનું શાસન જોયું છે જ્યારે લોકોએ ભાજપના દસ વર્ષના સેવાકાળને પણ જોયું છે. પહેલા શાસનકાળ હતો, હવે સેવા કાળ છે.

PMના પડકાર

આ ઉપરાંત કોંગ્રેસ સામે પડકાર ફેકતા તેમણે કહ્યું કે “દેશને લેખિતમાં ગેરંટી આપે કે તેઓ સંવિધાન બદલીને ધર્મના આધાર પર મુસ્લિમોને આરક્ષણ નહીં આપે. SC, ST, OBC ને મળતા આરક્ષણમાં ફેરફાર નહીં કરે અને તેમના અધિકારી નહીં છીનવે. જે રાજ્યમાં કોંગ્રેસ કે સાથી પક્ષોની સરકાર છે તેઓ વોટ બેંકની રાજનીતિ નહિં કરે”.

PM મોદીએ પાકિસ્તાન પર કર્યો કટાક્ષ 

પાકિસ્તાનની વર્તમાન સ્થિતિનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે ‘આતંકી એક્સપોર્ટ કરનાર અત્યારે લોટ માગવા તરસે છે.’ રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા વડાપ્રધાન મોદીએ વધુમાં કહ્યું કે ‘પાકિસ્તાનના લોકો શહજાદાને PM બનાવવા માગે છે.

PM મોદીએ સરદાર સાહેબના આશીર્વાદ માગવા સાથે ચા વાળાએ અર્થવ્યવસ્થાને સુધારી હોવાની વાત કરતા કહ્યું કે ‘આ ગુજરાતી ચા વાળાએ દેશની અર્થવ્યવસ્થા 11માં નંબરથી પાંચમા સ્થાને પહોંચાડી. 140 કરોડ લોકોના સપના પુરા કરવા મને સરદાર સાહેબની ભૂમિના આશીર્વાદ જોઇએ. આખા દેશમાંથી આશીર્વાદ મળે, પણ જ્યારે સરદારની ભૂમિ પરના આશીર્વાદ મળે ત્યારે ચાર ચાંદ લાગી જાય છે.’

નોંધનિય છે કે PM મોદી 2જી મેના રોજ ચાર જન સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આણંદમાં જન  સભાને સંબોધન કર્યા બાદ તેઓ સુરેન્દ્રનગરના વઢવાણા, જૂનાગઢ અને જામનગરમાં જન સભાને સંબોધન કરશે.

 

19 વર્ષ બાદ સંજય નિરુપમની ‘ઘર વાપસી’, આ પાર્ટીમાં થશે સામેલ

મુંબઈ: શિવસેના સાથે રાજકીય કરિયર શરૂ કરનાર સંજય નિરુપમ 19 વર્ષ બાદ ફરી ‘ઘર વાપસી’ કરશે.કોંગ્રેસમાંથી હાંકી કાઢવામાં આવ્યા બાદ તેઓ મહારાષ્ટ્રની એકનાથ શિંદેના નેતૃત્વવાળી શિવસેનામાં જોડાવા જઈ રહ્યા છે. સંજય નિરુપમે કહ્યું કે બાલા સાહેબ ભવનમાં સીએમ શિંદે સાથે મુલાકાત કર્યા પછી, તે નક્કી કરવામાં આવ્યું છે કે તેઓ 3 મેના રોજ તેમના તમામ સાથીઓ સાથે શિવસેના (શિંદે જૂથ)માં જોડાશે અને પ્રચાર જોરશોરથી કરશે. વાસ્તવમાં શિવસેના છોડ્યા બાદ નિરુપમ 2005માં કોંગ્રેસમાં જોડાયા હતા અને તેમને મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહાસચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેઓ 2009ની લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના દિગ્ગજ નેતા રામ નાઈકને સાંકડા અંતરથી હરાવીને ઉત્તર મુંબઈથી સાંસદ તરીકે ચૂંટાયા હતા.

19 વર્ષ કોંગ્રેસમાં કામ કર્યું

કોંગ્રેસમાં તેમના 19 વર્ષના રોકાણ દરમિયાન તેમણે મુંબઈ એકમના પ્રમુખ પદ સહિત અનેક હોદ્દાઓ સંભાળ્યા હતા.ગત મહિને કોંગ્રેસે તેમને અનુશાસનહીન અને પક્ષ વિરોધી પ્રવૃતિઓને કારણે છ વર્ષ માટે પાર્ટીમાંથી હાંકી કાઢ્યા હતા. તેમની હકાલપટ્ટીના થોડા દિવસો પહેલા જ નિરુપમે પાર્ટીને મુંબઈ ઉત્તર પશ્ચિમ લોકસભા બેઠક પર નિર્ણય લેવા માટે એક સપ્તાહનું અલ્ટિમેટમ આપ્યું હતું.

શું કહ્યું એકનાથ શિંદે?
શિવસેના પક્ષના અધિકારીઓની બેઠક બાદ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ બુધવારે પત્રકારોને જણાવ્યું કે સંજય નિરુપમ ટૂંક સમયમાં શિવસેનામાં જોડાશે. આ પ્રસંગે નિરુપમ પણ તેમની સાથે હતા, પરંતુ શિંદે તેને સૌજન્ય બેઠક ગણાવી હતી.આ દરમિયાન શિંદેએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુંબઈમાં બે ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે. મુંબઈમાં 20 મેના રોજ મતદાન થશે.

નિરુપમ બિહારના રહેવાસી છે
મૂળ બિહારના રહેવાસી નિરુપમે 1990ના દાયકામાં પત્રકારત્વ દ્વારા રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. તેઓ મુંબઈથી પ્રકાશિત અવિભાજિત શિવસેનાના હિન્દી મુખપત્ર ‘દોપહર કા સામના’ના સંપાદક બન્યા. તેમના કામથી પ્રભાવિત થઈને તત્કાલીન શિવસેના પ્રમુખ બાળ ઠાકરેએ તેમને 1996માં રાજ્યસભામાં મોકલ્યા. નિરુપમ શિવસેનાના સ્વર નેતા તરીકે ઉભરી આવ્યા.

2005માં શિવસેના છોડી દીધી હતી. તે સમયે શિવસેના મુંબઈમાં સ્થાયી થયેલા ઉત્તર ભારતીય મતદારોને પોતાની તરફેણમાં લેવાનો પ્રયાસ કરી રહી હતી. જોકે, નિરુપમને ત્યારે આંચકો લાગ્યો જ્યારે શિવસેનાએ તેમને 2005માં રાજ્યસભાનું સભ્યપદ છોડવાનું કહ્યું. શિવસેના સાથેના મતભેદોને કારણે તેમણે આખરે 2005માં પાર્ટી છોડી અને પછી કોંગ્રેસમાં જોડાયા.

ઉપ રાજ્યપાલે દિલ્હી મહિલા પંચમાંથી 223 કર્મચારીઓને દૂર કર્યા

નવી દિલ્હીઃ દિલ્હીના ઉપ રાજ્યપાલે દિલ્હી મહિલા પંચમાંથી 223 કર્મચારીઓને તત્કાળ અસરથી દૂર કર્યા છે. આરોપ છે કે દિલ્હી મહિલા પંચના તત્કાલીન અધ્યક્ષ સ્વાતિ માલીવાલે નિયમોથી વિરુદ્ધ જઈને વગર મંજૂરીએ તેમની નિયુક્તિ કરી હતી. આ આદેશમાં DCW અધિનિયમનો હવાલો આપવામાં આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે પંચમાં માત્ર 40 પદ સ્વીકૃત છે અને DCWની પાસે કર્મચારીઓની નિમણૂક કરવાનો અધિકાર નથી.

DCW ડિપાર્ટમેન્ટના એડિશનલ ડિરેક્ટર તરફથી જારી આદેશમાં કહેવામાં આવ્યું હતું કે નવી નિયુક્તિઓથી પહેલાં જરૂરી પદોનું કોઈ મૂલ્યાંકન નથી થયું અને ના તો વધરાના નાણાકીય બોજની મંજૂરી લેવામાં આવી હતી. દિલ્હી મહિલા પંચના કર્મચારીઓને દૂર કરવાનો આદેશ એવા સમયે આવ્યો છે, જ્યારે લોકસભા ચૂંટણી ચાલી રહી છે, જેથી આપ પાર્ટી તરફખી ઉપ રાજ્યપાલ વિનય કુમાર સકસેનાની આ કાર્યવાહીનો વિરોધ થાય એવી શક્યતા છે. હવે સવાલ એ છે કે દરેક સરકારી નિયુક્તિ માટે નાણાં વિભાગ સહિત કેટલાય અન્ય વિભાગોથી મંજૂરી લેવાની હોય છે, ત્યારે કઈ રીતે 200થી વધુ કર્મચારીઓની નિયુક્તિ કરી લેવામાં આવી? આટલું જ નહીં, આ બધાને આટલા દિવસોથી કામ કેવી રીતે કરવા દેવામાં આવ્યું.

દિલ્હી મહિલા પંચનાં અધ્યક્ષ સ્વાતિ માલીવાલે DCWના પદથી રાજીનામું આપી દીધું હતું. તેમને આપ પાર્ટીએ નોમિનેટ કરીને રાજ્યસભામાં મોકલ્યાં હતાં. જે 223 કર્મચારીઓને પદથી દૂર કરવાનો આદેશ આપ્યો હતો, તેમને સ્વાતિ માલીવાલના કાર્યકાળ દરમ્યાન રાખવામાં આવ્યા હતા. સ્વાતિ માલીવાલ પર આરોપ છે કે તેમણે નિયમોને નેવે મૂકીને કર્મચારીઓની ભરતી કરી હતી.  

 

 

 

 

 

 

 

મિસ યુનિવર્સનો તાજ જીત્યા બાદ જ્યારે ફોટોશૂટમાં બેભાન થઈ સુષ્મિતા સેન

મુંબઈ: બૉલિવૂડ અભિનેત્રી સુષ્મિતા સેને 1994માં મિસ યુનિવર્સનો તાજ જીત્યો હતો, જેનું એક આઇકોનિક ફોટોશૂટ પણ કરવામાં આવ્યું હતું, જે તાજમહેલની સામે થયું હતું. ડિઝાઇનર રિતુ કુમારે તે સમયનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં સુષ્મિતા સેનની એક ઝલક જોઈ શકાય છે. આ સાથે તેણે કેપ્શનમાં લખ્યું, સુષ્મિતા સેન મિસ યુનિવર્સ ફોટોશૂટ. વધુ વિગતો આપતા તેણે લખ્યું કે, “1993માં મેં મિસ ઈન્ડિયા ટીમ સાથે સ્પર્ધકો માટે કપડા ડિઝાઈન કરવાની ડીલ કરી હતી. 1994માં સુષ્મિતા સેને અમેરિકામાં મિસ ઈન્ડિયાનો ખિતાબ જીત્યો હતો. તે એક ઐતિહાસિક ક્ષણ હતી અને હું ખૂબ જ ખુશ હતી. તેનો એક ભાગ બનવા માટે સ્પર્ધકો માટે કપડાં બનાવવા માટેના મિસ ઈન્ડિયા સાથેની મારી ડીલના ભાગ રૂપે તેણીએ અમેરિકાનો પ્રવાસ કર્યો ત્યારે મને તેના કપડા બનાવવાનું કામ સોંપવામાં આવ્યું અને મેં તેને બાંધણી અને જરદોજી આપ્યા, કુર્તાના સુટ્સ મોકલવાનું શરૂ કર્યું. જે ખૂબ પસંદ કરવામાં આવી હતી.”

રિતુ કુમારે શૂટ પહેલા શું થયું અને પછી કેવી રીતે સુષ્મિતા સેને ગુલાબી સાડીમાં ફોટોશૂટ કરાવ્યું તે વિશે જણાવ્યું. તે કહે છે કે શૂટ દરમિયાન અભિનેત્રી બેહોશ થઈ ગઈ હતી. તેણે લખ્યું કે જ્યારે તે ટૂર પછી દિલ્હી પહોંચી તો મને ફોન આવ્યો કે તાજ પેલેસ આવવાનું છે. પહોંચ્યા પછી મને ખબર પડી કે શૂટિંગ તાજમહેલની બહાર થશે. પરંતુ તેને મોકલવામાં આવેલા કપડાં શોર્ટ્સ અને ટી-શર્ટ હતા. એટલા નાના કે તેઓ કબરની બહાર પહેરી ન શકાય! તેથી રાત્રે અમે એક દુકાન ખોલી અને બ્લાઉઝ સાથે ગુલાબી સાડી તૈયાર કરી. અમને અન્ય કેટલીક મહત્વપૂર્ણ વસ્તુઓ પણ મળી અને થોડા કલાકોમાં અમે શૂટિંગ માટે તૈયાર થઈ ગયા. શૂટિંગ ખૂબ જ વ્યસ્ત હતું અને નબળી સુષ્મિતા એક વખત બેહોશ પણ થઈ ગઈ હતી, પરંતુ ફોટોઝ અમારી મહેનતનું મૂલ્ય હતું.

 

View this post on Instagram

 

A post shared by Ritu Kumar (@ritukumarhq)

ઉલ્લેખનીય છે કે સુષ્મિતા સેન બીવી નંબર 1, ડુ નોટ ડિસ્ટર્બ, મૈં હું ના, મૈને પ્યાર ક્યૂ કિયા અને તુમકો ના ભૂલ પાયેંગે અને નો પ્રોબ્લેમ જેવી ફિલ્મોમાં જોવા મળી છે. જ્યારે તેણે ઇન્ટરનેશનલ એમી નામાંકિત શ્રેણી આર્યા સાથે અભિનયમાં પુનરાગમન કર્યું, જેની ત્રીજી સીઝન આવી ગઈ છે. આ સિવાય તે તાલી ફિલ્મમાં ટ્રાન્સજેન્ડર એક્ટિવિસ્ટ શ્રીગૌરી સાવંતની ભૂમિકામાં જોવા મળી હતી.

મુંબઈ:સાંઈ મકરંદ દવેની યાદમાં કાંદિવલીમાં કાર્યક્રમનું આયોજન

મુંબઈ: મકરંદ દવે એટલે એક માત્ર કવિ, લેખક કે સાહિત્યકાર જ નહી પણ એક સંત અને ઋષિ કક્ષાની હસ્તી પણ ગણાય. આ સાંઈ મકરંદ દવેના આધ્યાત્મિક વિશ્વ અને કાવ્ય વિશ્વમાં તરબોળ થવા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મકરંદ દવેની રચના અને સર્જન સાથે સાંજ વિતાવવા આગામી 4 મેના રોજ કાંદિવલી એજયુકેશન સોસાયટી (કેઈએસ) અને તેના દ્રારા સ્થાપિત ગુજરાતી ભાષા ભવન તરફથી એક પ્રોગ્રામ યોજવામાં આવ્યો છે.

આ પ્રસંગ “અદીઠો સંગાથઃ સાંઈ મકરંદ સાથે” શિર્ષક હેઠળ ઉજવાશે. જેમાં કેઈએસના પ્રેસિડન્ટ મહેશ શાહ વકતા તરીકે મકરંદ દવેના આધ્યાત્મિક વિશ્વમાં લઈ જનારું ગહન છતાં સરળ શૈલીમાં વકતવ્ય રજૂ કરશે, જયારે બીજા વકતા તરીકે દિનેશ પોપટ મકરંદ દવેના કાવ્ય વિશ્વ વિશે રસપ્રદ પ્રસ્તુતિ કરશે. આ બંને મહેશ શાહ અને દિનેશ પોપટ વરસોથી મકરંદ દવેના સર્જનના ભાવક છે. આ સાથે જાણીતા ગાયક જોની શાહ મકરંદ દવેના કેટલાંક ગીતો રજૂ કરશે.

આ કાર્યક્રમમાં ગુજરાતી તખ્તાના સુવિખ્યાત કલાકાર સનત વ્યાસ મકરંદ દવેની રચનાઓનું તેમની શૈલીમાં પઠન કરશે. જયારે કે સુપ્રસિધ્ધ ચિંતક- સાહિત્યકાર ડો.દિનકર જોષી પોતાના આશીર્વચન સાથે મકંરદ દવે વિશેની કેટલીક યાદો વાગોળશે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જાણીતા લેખિકા અને પ્રબુધ્ધ જીવનના તંત્રી ડો.સેજલ શાહ કરશે.

કાર્યક્રમનું સ્થળઃ કેઈએસ ઈન્ટરનેશનલ સ્કુલ, ત્રીજે માળે, ઈરાની વાડી નં.3, કાંદિવલી-વેસ્ટ.
સમય અને વારઃ શનિવાર, સાંજે 4:30

 

૦૨ મે, ૨૦૨૪

મનોરથો સ્વપ્ન મહીં હશે, તો સિદ્ધિરૂપે કાર્ય વિશે જન્મશે…

અમેરિકાના કોઈ દૂરસુદૂર ગામડે રહેતો એક ખેડૂતપુત્ર પિતા સાથે ન્યૂ યૉર્ક ફરવા આવ્યો. ૧૪ વર્ષની ઉંમરના એ કિશોરે ન્યૂ યૉર્કની એક આલીશાન હોટેલ સામે જોઈ પિતાને પૂછ્યું: ‘ચાલોને, આ હોટેલમાં એક રાત એક દિવસ રહીએ…’

પિતાએ કહ્યું, ‘માય સન, એટલા પૈસા આપણી પાસે ક્યાં છે?’

થોડું વિચારીને પુત્રએ કહ્યું: ‘ડૅડ, જો એ હોટેલ જ આપણી હોય તો… તો ગમે તેટલા દિવસ રહેવાય.’

પિતા કહે, ‘કેવી ઊંચી ઊંચી વાત કરે છે.’

-પણ ૧૪ વર્ષની ઉંમરના એ ટીનએજરે સપનું મનમાં રાખ્યું. એણે પોતાનાં દિલદિમાગમાં ભવિષ્યનો એક નકશો બનાવ્યોઃ ‘મારે ન્યૂ યૉર્કમાં એક હોટેલ બનાવવી છે.’

પછી અપાર સંઘર્ષ કરીને એ ભણ્યો. ભણતર પૂરું કરીને આમતેમથી પૈસા ભેગા કરીને એક નાનકડો બિઝનેસ શરૂ કર્યો. એક હાટડી માંડી, ક્રમે ક્રમે વેપાર વધતો ગયો. સારીએવી મૂડી ભેગી થતાં એણે 1925માં ટેક્સાસના ડલ્લાસમાં પહેલી ફાઈવ સ્ટાર હોટેલ ખોલી. થોડાં વર્ષ બાદ એણે જે શહેરમાં પિતાને પોતાની હોટેલ શરૂ કરવાની વાત કરેલી તે ન્યૂ યૉર્ક સિટીમાં એક નહીં, બે હોટેલ ખરીદીને એને હિલ્ટનની માલિકીની બનાવી. કોનરાડ હિલ્ટન નામના એ કિશોરના નામની આજે દુનિયાભરમાં હોટેલોની હારમાળા ખડી થઈ ગઈ છે. આ છે દઢ નિશ્ચયનું, મનમાં કંડારેલા ભાવિના ચિત્રનું પરિણામ.

કોઈ પણ સિદ્ધિ હાંસલ કરવા માટે પ્રથમ સંકલ્પનું બીજ હૃદયમાં વવાવું જોઈએ અને તે સંકલ્પ અંગેનું ચિત્ર (visualization) સ્પષ્ટ કરીને નિયત સમયમર્યાદામાં શ્રદ્ધાપૂર્વક પુરુષાર્થ આદરવામાં આવે તો સિદ્ધિનાં શિખરો સર કરી શકાય.

ભવિષ્યમાં અમુક સમયે તમે શું બનવા માંગો છો? અથવા શું પામવા માંગો છો? તેનું સ્પષ્ટ ચિત્ર એ જ વિઝ્યુલાઈજેશન છે. વિઝ્યુલાઇજેશન એ આત્મવિશ્વાસથી સક્ષમ લોકોનો ગુણ છે. તે ધ્રુવના તારાસમાન છે. તે આપણને સતત માર્ગદર્શન આપી આપણો માર્ગ પ્રશસ્ત કરે છે. આપણી સર્જનાત્મક રીતે વિચારવાની, કલ્પના કરવાની ક્ષમતાનો ઉપયોગ દરરોજ થોડો સમય કાઢીને કરવાથી આશ્ચર્યભર્યાં પરિણામો લાવી શકાય છે. વિઝ્યુલાઈઝેશનથી જ વિઝન સાકાર થાય છે.

તમારી પાસે કશુંક સારું છે, અને તેના આધારે કોઈ ઉચ્ચ ધ્યેયની પ્રાપ્તિનું સ્વપ્ન ન જુઓ તો તમે એને ક્યારેય પ્રાપ્ત કરી શકશો નહીં. જે કંઈ અવરોધો છે તે તમારા મનના છે. માટે મનમાં સફ્ળતાનું ચિત્ર જોવાનું શરૂ કરી દો. પ્રમુખસ્વામી મહારાજના ગુરુ યોગીજી મહારાજનો સંકલ્પ હતોઃ ‘દિલ્હીમાં યમુનાના કાંઠે મંદિર કરવું છે.’ સાઠ-સિત્તેર વર્ષ પહેલાં સૌને આ કઠિન લાગતું હતું, પરંતુ પ્રમુખસ્વામીના મનમાં મહારાજના અક્ષરધામ સાકાર જ હતું. પરિણામે ૩૫ વર્ષના સંઘર્ષ પછી દિલ્હીમાં મળેલી જમીન પર માત્ર ૫ વર્ષમાં ભવ્ય અક્ષરધામનું સર્જન કર્યું. ગિનેસ વર્લ્ડ રેકોર્ડ્સમાં વિશ્વના સૌથી મોટા હિંદુ મંદિર’ તરીકે સ્થાન પામેલા આ બેનમૂન પરિસ, ભારતીય મંદિર પરંપરાની જાણે વ્યાખ્યા જ બદલી નાંખી.

અહીં સ્વામી વિવેકાનંદનું વિધાન યાદ આવે છે કે ‘એક વિચાર, એક આદર્શ પકડો. એને જ તમારું જીવન જ બનાવી દો. એના જ વિચાર કરો, એનાં જ સપનાં જુઓ. એને તમારો શ્વાસપ્રાણ બનાવો. તમારું મસ્તિષ્ક, સ્નાયુઓ, જ્ઞાનતંતુઓ શરીરનું પ્રત્યેક અંગ તરૂપ કરી નાખો.’

તો, આજના આ દિવસે કોઈ ઉચ્ચ સંકલ્પ કરીએ. આપણાં મન અને મસ્તિષ્કને તે શ્રેષ્ઠ વિચારથી સમૃદ્ધ કરીએ. એને આપણું સપનું બનાવીએ. એક એવા સુખમય સંસારની કલ્પના કરીએ, જ્યાં સૌ કોઈ પ્રેમ અને શાંતિથી જીવી શકે.

કહે છેને કે, પરાગ જો અંતરમાં હશે, તો તે પાંગરીને કદી પુષ્પ ખીલશે; મનોરથો સ્વપ્ન મહીં હશે, તો સિદ્ધિરૂપે કાર્ય વિશે જન્મશે.

(સાધુ જ્ઞાનવત્સલદાસ -બી.એ.પી.એસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)

રાશિ ભવિષ્ય 02/05/2024

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, ધાર્મિક,સામાજિક કારણસર મુસાફરી થઈ શકે છે, મિત્રોકે પરિચિત વ્યક્તિથી કોઈ સારા કાર્યઅંગેની ચર્ચાવિચારણા થઇ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં સારો પ્રતિભાવ મળે તેમજ તમારા અન્ય કોઈ કામનું આયોજન પણ થઇ શકે છે, વેપારમાં નાનું કામ કરવુ સલાહ ભર્યું કહી શકાય.


આજનો દિવસ સાવચેતી રાખવી, વાણીવર્તન પર કાબુ રાખવો જરૂરી છે, પડવા-વાગવાથી સંભાળવુ, ઘરમાં વડીલકે ઓફીસમાં ઉપલીઅધિકારી સાથે ગેરવર્તનના થાયતે બાબતની તકેદારી રાખવી, યુવાવર્ગે પ્રિયજન સાથે વિવાદકે દલીલબાજીથી દુર રહેવું, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું સલાહ ભર્યું કહી શકાય.


આજનો દિવસ તમારો સારો છે તમે આનંદ ખુશીની લાગણી અનુભવો, તમારી મનની વાત કોઈ સમજી શકે નોકરીકે વ્યવસાયમાં ફેરબદલીની ઈચ્છા કરનાર માટે સારા સમાચાર પ્રાપ્ત થઇ શકે, કોઈપણ કામનું આયોજન સારી રીતે થઇ શકે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે, આજે ઉત્સાહ સારો જોવા મળે.


આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, તમારી કોઈપણ મિલનમુલાકાત નવીવાત કરાવે, કોઈ પ્રસગોપાત મુસાફરી થઇ શકે છે, અણધાર્યા નાણાકીયખર્ચ પણ આવી શકે, માર્કેટિંગક્ષેત્રમાં જુનાઅટકેલા કામ કરવાથી લાભ થઈ શકે છે, વેપારમાં નાનુંકામ કરવુંજ યોગ્ય છે,કામકાજમાં વ્યસ્તતા જોવા મળે.


આજનો દિવસ તમે શાંતિ અને કુનેહથી પસાર કરવો જેથી તમે કોઈપણ પ્રકારની સમસ્યાથી દુર રહી શકો, ખટપટી વ્યક્તિથી દુર રહેવું, કામકાજ દરમિયાન તમને થોડો સહકાર ઓછો મળી શકે છે તેમજ અન્યના કામકાજની ભૂલથી તમારા સમયનો પણ વ્યય થઇ શકે છે. વેપારના કામકાજમાં જોખમન કરવું.


આજનો દિવસ સામાન્ય છે, તમને થોડી કોઈ કારણસર માનસિકચિંતાના કારણે અજંપો રહે, કામકાજમાં ધીરજ અને શાંતિનો અભાવ વર્તાય. માર્કેટિંગક્ષેત્રમાં પ્રતિસાદ ઓછો જોવા મળી શકે, વેપારમાં નાનું અને ગણતરીપૂર્વકનું કામકાજ કરવું યોગ્ય છે, સહકર્મચારી સાથે કામકાજમાં સહકાર થોડો ઓછો જોવા મળે.


આજનો દિવસ સારો છે, તમારી લાગણીને સારો સંતોષ અને ખુશી મળે, કામકાજનો પ્રતિસાદ સારો રહે પસંદગીના કાર્ય કરવાથી તમને ઉત્સાહ વધે, પરિચિત સાથે મિલનમુલાકાતનો પ્રતિસાદ સારો મળે, જે લોકો સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર છે તેઓ માટેવધુ મહેનત કરવી સારી કહી શકાય, વેપારમાં લાભ થઈ શકે છે.


આજના દિવસે થોડી સાવચેતી રાખવી જરૂરી છે ,ક્યાય તમારી ટીકાકે તમારી સામે દલીલબાજીથી તમે નાખુશી અનુભવો. હિતશત્રુથી દુર રહેવું, વાણીવિલાસ દરમિયાન ખોટા શબ્દપ્રયોગના થાય તેનું પણ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. વેપારના કામકાજમાં જોખમન કરવું અને ધીરજ રાખી કામ કરવાની સલાહ છે.


આજનો દિવસ સારો છે, તમરી લાગણીની કદર સારી રીતે થાય, જુનાપ્રસોંગો યાદ આવવાથી ખુશી અનુભવાય, ભૂતકાળમાં કોઈની સાથે મનદુઃખ થયું હોયતો તેને સુધારવાની તક મળે, સામાજિક, ધાર્મિક, રાજકીય કામકાજમાં તમને યોગ્ય પ્રતિસાદ મળે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે.


આજના દિવસે ચોકસાઈ અને ધીરજ રાખવી જરૂરી છે, તમારી વિચારસરણી થોડી નકારત્મક થાય તેવી કોઈ વાત બની શકે છે, બિનજરૂરી વાર્તાલાપથી દુર રહેવું, મુસાફરી કંટાળાજનક રહે, વેપારમાં બિનજરૂરી જોખમથી દુર રહેવું, વાતવાતમાં ઉશ્કેરાટના આવે તેનું ધ્યાન રાખવું સારું, શાંતિથી દિવસ પસાર કરવો.


આજનો દિવસ સારો છે, તમારા ધાર્યા કામ પર પડે , નસીબ સાથ આપે, તમારી સાથે થયેલ કોઈ મિલન મુલાકાત યાદગાર બને, માર્કેટિંગક્ષેત્રમાં તમારા પરિચિત સાથે કામકરવાથી ફાયદો થઇ શકે છે. થોડી ધાર્મિકભાવના પણ વધુ જોવા મળે, વેપારના કામકાજમાં લાભ કે નવીનતક દેખાઈ શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં સમયનો બગાડ થઈ શકે છે, વેપારના કામકાજમાં નાનું અને આયોજન પૂર્વકનું કામકાજ યોગ્ય છે, કોઈની સાથે કામની બાબતમાં દલીલબાજીના કરવી, યુવાવર્ગને ઈતરપ્રવૃતીમાં ધ્યાન વધુ જાય અને ક્યાંક બિનજરૂરી નાણાકીયખર્ચ પણ થઈ શકે, મુસાફરી થોડી કંટાળાજન બની શકે છે.