Home Blog Page 1857

ચૂંટણી વચ્ચે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ

આજે ગુજરાતમાં લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. ગુજરાતની 25 બેઠકો પર મતદાન શરૂ છે. એકબાજુ કાળઝાળ ગરમી પડી રહી છે તો બીજી તરફ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. આકરી ગરમીની વચ્ચે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદે દસ્તક લીધી હતી. અરવલ્લીના મોડાસાના ગ્રામ્ય પંથકમાં કમોસમી વરસાદ પડયો હતો. આ સાથે અંબાજી પંથકના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. સાબરકાંઠાના ઇડર તાલુકા ના કડિયાદરામાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો.

 

કેટલાક જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો

ગુજરાતમાં એક તરફ મતદાનનો માહોલ છે આજે વહેલી સવારે 7 વાગ્યાથી મતદાનની પ્રક્રિયા શરુ થઈ હતી ત્યારે બીજી તરફ હવામાન વિભાગે આજે આકરી ગરમીની પણ આગાહી કરી હતી જેથી લોકો અસહ્ય ગરમીમાં મતદાન કરવા માટે પહોંચ્યા હતા. ત્યારે આ બધાની વચ્ચે બપોર બાદ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. મોડાસાના ગ્રામ્ય પંથકમાં કાળઝાળ ગરમીમાં એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો જે બાદ માવઠું થયું હતું. ટીંટોઇ સહિત આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. અંબાજી હડાદ પંથકમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. બપોર બાદ આકાશમાં વીજળીના કડાકા સાથે ભારે પવન ફૂંકાયો હતો. દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. સુરતમાં પણ કમોસમી વરસાદે દસ્તક દીધી હતી. સુરત શહેરમાં અડાજણ , ભાઠા , કતારગામ , જહાંગીરપુરા અને પીપલોદ સહિતના વિસ્તારમાં માવઠુ થયુ હતું.

વિધાનસભાની પેટાચૂંટણીમાં 47 ટકા નોંધાયું મતદાન

રાજ્યમાં લોરશાહીના મહાપર્વના ત્રીજા તબક્કાનું મતદાન યોજાઈ રહ્યું છે. ત્યારે બપોરે 3 વાગ્યા સુધીમાં લગભગ 47.03 ટકા જેટલું મતદાન થયું જેમાં સૌથી વધુ મતદાન વલસાડ જિલ્લામેં નોંધાયું છે. વલસાડમાં હાલ વલસાડ જિલ્લામાં 58 ટકા મતદાન નોંધાયું છે.

આ ઉપરાંત રાજ્યની 5 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી માટે પણ મતદાન થઈ રહ્યું છે. જેમાં ખંભાત, વિજાપુર, વાઘોડિયા, પોરબંદર અને માણાવદર બેઠકનો સમાવેશ થાય છે. રાજ્યની પાંચ વિધાનસભાની પેટાચૂંટણીમાં સરેરાશ 47 ટકા મતદાન થયું છે. વાઘોડિયા બેઠક પર સૌથી વધુ 52.76 ટકા, તો વિજાપુર બેઠક પર 50.53 ટકા, માણાવદરમાં સૌથી ઓછુ 40.09 ટકા મતદાન નોંધાયું છે.

વિધાનસભાની કુલ 5 બેઠકો પર 24 ઉમેદવારો મેદાને છે. જેમાંથી સૌથી વધુ વિજાપુર સીટ પર 12 ઉમેદવારો જ્યારે વાઘોડિયામાં સીટ પર માત્ર 2 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે વાઘોડિયા બેઠકના ભાજપના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા સંપત્તિ મામલે સૌથી આગળ છે. તેની કુલ સંપતિ 153 કરોડથી વધી છે. વાઘોડિયા બેઠકના ભાજપના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા પાસે મોટી સંપત્તીની સાથે તેમના પર સૌથી વધુ દેવુ પણ છે. ધર્મેન્દ્રસિંહ પર 38 કરોડથી વધુનું દેણું છે.

 

 

 

ગેનીબેન ઠાકોરે નકલી CRPF બની ફરતા યુવકને ઝડપી પાડ્યો

ગુજરાતમાં મતદાન પૂર્ણ થવામાં હવે ગણતરીની મિનિટોનો સમય બાકી છે. ત્યારે કોંગ્રેસે ગેરરીતિ અને બોગસ વોટિંગની 17 ફરિયાદ કરી છે. બીજી તરફ ક્ષત્રિયોએ પણ મતદારોને રોકવામાં આવતા હોવાનો આક્ષેપ કર્યો છે. ત્યારે બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે વીડિયો બનાવી નકલી CRPF બની લોકોને ડરાવી ભાજપ તરફ વોટિંગ કરાવતા એક યુવકની ફરિયાદ કરી હતી.

ગેનીબેને વીડિયોમાં કહ્યું હતું કે, અમે દાંતા તાલુકાના ધરેડા વશી અને સિયાવાડા ગામે બુથ મથક પર આવ્યા ત્યારે પાલનપુરનો એક યુવાન ગાડીમાં નકલી પોલીસની પ્લેટ લગાવી મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટ કરવાં મજબૂર કરી રહ્યો છે. આ યુવકની સામે રાજ્ય પોલીસ વડા, જિલ્લા પોલીસ વડા અને ચૂંટણી પંચ ફરિયાદ નોંધીને યોગ્ય કાર્યવાહી કરે. બીજી બાજુ ગુલાબસિંહ રાજપૂતે ટ્વિટ કરીને કહ્યું હતું કે, દાંતા તાલુકાના ધરેડા વશી અને સિયાવાડા ગામે બુથ મથક પર બહારના જીલ્લાના સમાજનાં યુવાનો ગાડીમાં નકલી પોલીસની પ્લેટ લગાવી મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટ કરવાં મજબૂર કરી રહ્યા છે શુ બનાસકાંઠા જીલ્લાનુ પોલીસ અને વહિવટી તંત્ર ભાજપના હાથા બનીને કામ કરી રહ્યુ છે? આવા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે.

બીજી તરફ પ્રકાશ ચૌધરી નામના યુવકને ગેનીબેન અને ટોળાએ માર માર્યો હોવાનો આક્ષેપ થયો છે. યુવકે જીવના જોખમે એસ.પી પાસે મદદ માગી હતી હોવાનું જણાવ્યું હતું. પ્રકાશ ચૌધરી ધરેડા શાળામાં બોગસ મતદાન કરતો હોવાનું ગેનીબેને નિવેદન આપ્યું હતું. તો સામે પ્રકાશ ચૌધરીએ ગેનીબેન સહિતના ટોળાંએ માર માર્યાનો આક્ષેપ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, મતદાન પ્રક્રિયા દરમિયાન ગુજરાત કોંગ્રેસે ચૂંટણી કમિશનર સમક્ષ વિવિધ પ્રકારની 17 ફરિયાદો કરી છે. આ ફરિયાદો માટે કોંગ્રેસમાં 20 વકીલોની ટીમનો કંટ્રોલ રૂમ ધમધમી રહ્યો છે. લીગલ સેલના ચેરમેન યોગેશ રવાણી,કન્વીનર નિકુંજ બલ્લર, બાલુભાઈ પટેલ સાથે સંકલન કરીને ફરિયાદો કરવામાં આવી રહી છે.

મતદાતાઓ માટે સુરતમાં ખાણી પીણીની વાનગીઓમાં ઑફર

સુરત:18 વર્ષ પૂર્ણ થતાં દેશના દરેક નાગરિકને મતદાનનો અધીકાર પ્રાપ્ત થાય છે. મતદાન જાગૃતિ માટે સરકાર પણ ખુબ પ્રયાસ કરે છે. આ સાથે કેટલાય લોકો અને સંસ્થાઓ પણ આ કામમાં લાગેલા છે. તારીખ 7મી મે લોકસભાના મતદાન અવસરે લોકો મતદાન કરે એ હેતુથી સુરતમાં ઘણી જગ્યાએ મતદાતા ગ્રાહકો માટે ઑફર આપવામાં આવી હતી.

ડિંડોલીમાં છાંયડો સંસ્થા દ્વારા મતદાન બુથ નજીક વિના મતદાતા અને અન્ય તમામ માટે છાશ વિતરણનું આયોજન કરાયું હતું. છાશ વિતરણ કરી રહેલા યુવાનોના જણાવ્યા અનુસાર ભર બપોરે મતદાન માટે આવતા લોકો તેમજ કોઈપણ રાગદારી માટે મતદાન દિવસે છાશ વિતરણ કરીને ઠંડક આપવાનો પ્રયાસ કરાયો હતો.

અથવા લાઈન ચોપાટી પાસે જેમણે મતદાન કર્યું હોય એ મતદાતા માટે એક ચા પર એક ચા ફ્રી ની ઑફર રાખવામાં આવી હતી. તો અતુલ બેકરી દ્વારા પણ આજના દિવસે મતદાન કરનાર લોકો માટે એક પેસ્ટ્રી પર એક પેસ્ટ્રી ફ્રીની ઑફર આપવામાં આવી હતી. આ સિવાય પણ શહેરમાં કેટલાક ખમણ, વડાપાંવ વગેરે વિક્રેતાઓ દ્વારા જુદી જુદી ઑફર અપાઇ હતી.

(અરવિંદ ગોંડલિયા, સુરત)

IPL 2024: 55 મેચો પછી પણ પ્લેઓફમાં કોઈ ટીમનો પ્રવેશ નહીં

નવી દિલ્હીઃ IPL 2024માં ઉત્તેજના હજી વધી રહી છે. 10 ટીમોની વચ્ચે જારી ટ્રોફી જીતવાના જંગમાં અત્યાર સુધી 55 મેચો રમાઈ ચૂકી છે, પણ હજી સુધી એક પણ ટીમ પ્લેફઓફ માટે ક્વોલિફાય નથી થઈ શકી. હજી પણ આ ટુર્નામેન્ટમાં 15 મેચો રમાવાની બાકી છે. MI સિવાય બાકીની બધી નવ ટીમો પ્લેઓફ માટે ક્વોલિફાય કરવાની રેસમાં છે. KKR અને RRની ટીમો 16-16 પોઇન્ટ સાથે પહેલા અને બીજા ક્રમાંક પર છે.

આ ટુર્નામેન્ટમાં KKRની ટીમ 11 મેચ રમી છે, જેમાં આઠ જીતી છે અને ત્રણ હારી છે. ટીમના 16 પોઇન્ટ છે અને ત્રણ મેચ બાકી છે. એક જીત સાથે આ ટીમ ટોચની ચાર ટીમોમાં જગ્યા પાકી કરી લેશે.

આ સીઝનમાં RR અત્યાર સુધી 10 મેચ રમી ચૂકી છે, જેમાં આઠ જીતી છે અને બે હારી છે. ચાર મેચ બાકી છે. એક જીત સાથે ટીમ પ્લેઓફ માટે ક્વોલિફાય કરી લેશે. આ ટીમ બીજા ક્રમે છે.

આ સ્પર્ધામાં CSK 12 અંક સાથે ત્રીજા ક્રમાંકે છે, જેમાં ટીમ છ મેચ જીતી છે અને પાંચ હારી છે. હવે ત્રણ મેચ બાકી છે. આ ટીમે બે મેચ મોટા અંતે જીતવી પડશે, જેથી ટીમ પ્લેઓફની રેસમાં ક્વોલિફાય કરી શકશે.

આ સીઝનમાં SRH 12 અંક સાથે ચોથા ક્રમાંકે છે, જેમાં ટીમ છ મેચ જીતી છે અને પાંચ હારી છે. હવે બાકીની ત્રણ મેચોમાંથી બે મેચ મોટ અંતે જીતવી પડશે તો ટોચની ચાર ટીમોમાં ક્વોલિફાય થઈ શકશે.

આ ટુર્નામેન્ટમાં LSGનો રનરેટ -0.371 છે. જેથી આવામાં પ્લેઓફમાં પહોંચવા માટે ત્રણ મેચોમાં બે મેચ કે ત્રણે મેચ જીતવી પડશે. આ DCએ પણ પ્લેફઓફમાં પહોંચવા બાકીની ત્રણે મેચ જીતવી પડશે.

આ સાથએ RCBએ બાકીની ત્રણે મેચો મોટા અંતરથી જીતીને પ્લેઓફમાં પહોંચી શકે છે. એ સાથે PBKએ પ્લેફઓફમાં પહોંચવા માટે બાકીની ત્રણે મેચો જીતવા સાથે બાકીની ટીમોનાં પરિણામો પર નિર્ભર રહેવું પડશે. એ જ રીતે GTએ પણ પ્લેઓફમાં ત્રણે મેચ મોટા અંતરે જીતવા સાથે બાકીની ટીમોનાં પરિણામો પર નિર્ભર રહેવું પડશે.

 

 

 

 

 

 

 

 

હરિયાણામાં સરકાર પર રાજકીય સંકટ ઘેરાયું

લોકસભા ચૂંટણી વચ્ચે હરિયાણામાં સત્તારૂઢ ભાજપ સરકારને મોટો ઝટકો લાગ્યો છે. આને કારણે, મંગળવારે ત્રણ અપક્ષ ધારાસભ્યોએ જાહેરાત કરી કે તેઓએ રાજ્યમાં નાયબ સિંહ સૈનીની આગેવાની હેઠળની સરકારને સમર્થન પાછું ખેંચી લીધું છે. ત્રણ ધારાસભ્યો સોમબીર સાંગવાન, રણધીર ગોલેન અને ધરમપાલ ગોંદરે પણ કહ્યું કે તેઓએ ચૂંટણી દરમિયાન કોંગ્રેસને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે.

ત્રણેય ધારાસભ્યોએ રોહતકમાં હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભૂપિન્દર સિંહ હુડ્ડા અને રાજ્ય કોંગ્રેસ અધ્યક્ષ ઉદય ભાનની હાજરીમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં આ જાહેરાત કરી હતી. અપક્ષ ધારાસભ્ય ગાઉન્ડરે કહ્યું, અમે સરકારમાંથી સમર્થન પાછું ખેંચી રહ્યા છીએ. અમે કોંગ્રેસને અમારું સમર્થન આપી રહ્યા છીએ. અમે ખેડૂતોના મુદ્દાઓ સહિત વિવિધ મુદ્દાઓ પર આ નિર્ણય લીધો છે.

બાળકીએ દોરેલા ચિત્ર પર વડાપ્રધાને ઓટોગ્રાફ આપ્યો

અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું મતદાન કેન્દ્ર શહેરના રાણીપ વિસ્તારની નિશાંત સ્કૂલમાં છે. જ્યારે ગૃહ મંત્રી અમિત શાહનું મતદાન કેન્દ્ર નારણપુરા વિસ્તારના કામેશ્વર મહાદેવની બાજુમાં આવેલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરીમાં છે. વડાપ્રધાન અને ગૃહ મંત્રી ગુજરાતના સ્થાનિક હોવાથી જબરજસ્ત લોક ચાહના ધરાવે છે. સભા સરઘસમાં તો એમને જોવા મળવા ટોળા ઉમટી પડે પણ મતદાન કરવા આવે ત્યારે એક અલગ જ ઉત્સાહનો માહોલ જોવા મળે છે. આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન પહેલાં લોકો પક્ષના ઝંડા, પ્લેકાર્ડ, ખેસ, ટોપીઓ સાથે સમગ્ર વિસ્તારમાં માર્ગોની બંને તરફ ગોઠવાઇ ગયા હતા.રાણીપના બલોલ નગરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ પગપાળા મતદાન મથક સુધી લોકોનું અભિવાદન ઝિલતા ઉમળકા સાથે પહોંચ્યા હતા. નિશાંત સ્કૂલમાંથી જ્યારે નરેન્દ્ર મોદી મતદાન કરીને પરત ફર્યા ત્યારે લાગણીસભર દ્રશ્યો સર્જાયા. પ્લેકાર્ડ લઇને ઉભેલા બાળકોને જઇને મળ્યા. બાળકોને વ્હાલથી માથે હાથ ફેરવી સાંત્વના આપી.. ઓટોગ્રાફ આપ્યા હતા. સોસાયટીના નાકે પાળી પર કલાકોથી વડાપ્રધાનને મળવાની રાહ જોતી અને પોતે બનાવેલું ચિત્ર બતાવવા આતુર બાળકી તરફ નજર પડતાં જ વડાપ્રધાન એની નજીક ગયા. રેલિંગની પેલે પારથી બાળકીએ બનાવેલું નરેન્દ્ર મોદીનું ચિત્ર લઇ એની પર પેનથી વડાપ્રધાને ઓટોગ્રાફ આપ્યો. બાળકી અને નરેન્દ્રભાઇના ચાહકો વડાપ્રધાનની બાળકો પ્રત્યેની લાગણી જોઇ ભાવવિભોર થઇ ગયા. આજ રીતે નારણપુરામાં અમિત શાહ જે મતદાન કેન્દ્ર પર મત આપે છે એ બુથની બહાર એક બાળકી કેન્દ્રના ગૃહમંત્રીનું પોટ્રેટ ચિત્ર તૈયાર કરી ઉભી હતી. અમિતભાઇએ બાળકીને મળીને ઓટોગ્રાફ આપ્યા હતા.સામાન્ય રીતે ભારત દેશમાં બાળકો કે યુવાનો ફિલ્મ સ્ટાર્સ કે ક્રિકેટ પ્લેયર્સના જબરા ફેન હોય છે. એમની સાથે ફોટા પડાવવા અને ઓટોગ્રાફ માટે પડા પડી કરે છે. જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતમાં મુખ્ય મંત્રી હતા ત્યારથી જ દરેક વર્ગના લોકો એમની સાથે ફોટા પડાવવા અને ઓટોગ્રાફ્સ માટે પડાપડી કરે છે. જે એમના વર્ષોના જાહેર જીવનની લોકપ્રિયતા બતાવે છે.

(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)

 

સુરતમાં એક પરિવારની ત્રણ પેઢીએ એક સાથે મતદાન કર્યુ

સુરત: ઘોડ દોડ રોડ પર આવેલી સેન્ટ ઝેવિયર્સ શાળાના મતદાન મથકમાં બુધિયા પરિવારની ત્રણ પેઢીના સભ્યોએ સાથે મતદાન કરીને લોકશાહી પર્વની ઉજવણી કરી હતી.

આ પરિવારમાં 74 વર્ષીય દાદા સાંવરપ્રસાદ બુધિયા તથા તેમના ૫૦ વર્ષીય પુત્ર વિશાલભાઈ અને વિશલભાઈની બે પુત્રીઓ ખુશી અને ઝીલ મતદાન માટે આવ્યા હતા. પ્રથમવાર મતદાન કરનાર ખુશીએ ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા જણાવ્યું કે, જયારે કોઈ પ્રસંગની રાહ જોઈએ તેમ મતદાન માટે ઘણા દિવસોથી રાહ જોતી હતી. પ્રથમવાર મતદાન કરીને દેશના જવાબદાર નાગરિક તરીકેની ફરજ અદા કરી છે. નાની બહેન ૧૮ વર્ષીય ઝીલે પણ પ્રથમવાર મતદાન કરીને કહ્યું કે, લોકશાહીના પર્વમાં ભાગીદાર થયાનો આનંદ અને ગૌરવ છે.

 

(અરવિંદ ગોંડલિયા, સુરત)

લોકશાહી પર્વની ઉજવણીમાં મહિલાઓનો અમુલ્ય ફાળો

ત્રીજા તબક્કાનું મતદાન શરૂ છે. અને રાજ્યમાં 3 વાગ્યા સુધીમાં લગભગ 47.3 ટકા જેટલુ મતદાન થઈ ચૂક્યું છે. ત્યારે આ લોકશાહીના અવસામાં બોટાજના જિલ્લાના નાના બાળકોને લઈ મતદાન મથકે પહોંચેલી મહિલાઓને માટે જિલ્લા મતદાન કેન્દ્રએ રાહત આપી છે. મતદાન મથક ખાકે ઘોડિયામાં રાખવામાં આવ્યા છે. જેથી મહિલાઓને બાળકોની ચિંતા કરવી ના પડે. આ ઉપરાંત બાળકોની સાર સંભાળ આંગણવાડીની બહેનો રાખશે.

તો બીજી બાજુ લોકશાહી પર્વની ઉજવણી માટે લોકોને ઉંમર આડે આવતી નથી. ઉંમર માત્ર આંકડા છે જેની ઉદાહરણ પુરુ પાડ્યું છે મોરબી તાલુકાના તેજીબને કલાભાઈ શરશીયા જેમણી ઉંમર 107 વર્ષ હોવા છતા પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચ્યા હતા.આ ઉંમરેને ધ્યાને મતદાન કેન્દ્ર અધિકારીઓ દ્વારા તેજીબેનનું સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત કેટલીક એવી મહિલાઓનું પણ લોકશાહીના પર્વની ઉજવણી મહત્વનો ફાળો છે જેમની ઉંમર હોવા છતા પણ મતદાન માટે અગ્રેસર રહ્યા હોય.

લોકસભા સામાન્ય ચૂંટણી 2024ના મતદાન પ્રસંગે પીવીજીટી કાથોડી પરિવારેની મહિલાઓ લગભગ  75 વર્ષમાં પહેલા મતધિકારનો લાભ ઉઠાવ્યો હતો. ચૂંટણી પંચની પ્રસંસનીય કામગીરીને લઈ 75 વર્ષથી વંચીક લોકોને પણ દેશના મહાપર્વમાં ભાગ લેવાનો પ્રથમ વખત લાભ મળ્યો છે.

જ્યારે બીજી બાજુ મહિલા મતદાનને પ્રેરણા આપવા માટે મતદાન કેન્દ્ર પર મહેંદી અને નેલ આર્ટની સેવા ઉપલબ્ધ કરવા આવી છે. ગારીયાધારના માનપુર બુથ પર લોકશાહી પર્વની ઉજવણીમાં સગર્ભા બહેને પણ મતદાન કરી ઉદાહરણ પૂરું પાડયું.

 

દેશમાં ત્રીજા તબક્કામાં ત્રણ કલાક સુધી 51.71 ટકા મતદાન

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં આજે 11 રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની 93 બેઠકો પર મતદાન થયું છે. ત્રીજા તબક્કામાં બંગાળમાં 63.1 અને UPમાં 46.78 ટકા મતદાન થયું છે. મહારાષ્ટ્ર અને બિહાર ત્રીજા તબક્કામાં ત્રણ કલાક સુધી દેશમાં 50.71 ટકા મતદાન થયું છે.

દેશમાં સવારે સાત વાગ્યાથી મતદાન શરૂ થયું છે અને સાંજે છ વાગ્યા સુધી ચાલુ રહેશે. જોકે  જે મતદારો સાંજે 6 વાગ્યા સુધીમાં મતદાન મથક પર પહોંચી ગયા હશે તેમને ત્યાં સુધી મતદાન કરવાની મંજૂરી આપવામાં આવશે.ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર બપોરે 3 વાગ્યા સુધી 53.60% મતદાન થયું હતું. સૌથી વધુ મતદાન પશ્ચિમ બંગાળમાં 63.11% અને મહારાષ્ટ્રમાં સૌથી ઓછું 42.63% હતું. આ ઉપરાંત આસામમાં 63.08%, બિહારમાં 46.69%, છત્તીસગઢમાં 58.19%, દાદરા અને નગર હવેલી દમણ દીવમાં 52.43%, ગોવામાં 61.39%, ગુજરાતમાં 47.03%, કર્ણાટકમાં 54.20%, મધ્યપ્રદેશમાં 54.09% ઉત્તર પ્રદેશમાં 46.78% મતદાન થયું હતું.બિહારમાં વોટિંગ દરમિયાન હાર્ટ એટેકથી બે લોકોના મોતના સમાચાર છે. તે જ સમયે, પશ્ચિમ બંગાળમાં, મુર્શિદાબાદના બીજેપી ઉમેદવાર અને ટીએમસી સમર્થક વચ્ચે ઘર્ષણ થયું.

આ તબક્કામાં, ગૃહ મંત્રી અમિત શાહ, આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા અને ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા સહિત 7 કેન્દ્રીય મંત્રી અને 4 પૂર્વ મુખ્ય મંત્રીની પ્રતિષ્ઠા દાવ પર છે.ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર ત્રીજા તબક્કામાં કુલ 1352 ઉમેદવારો મેદાનમાં છે. તેમાંથી 1229 પુરૂષ અને 123 (9%) મહિલાઓ છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર)ના અહેવાલ મુજબ, 244 ઉમેદવારો ગુનાહિત બેકગ્રાઉન્ડ ધરાવે છે. 392 ઉમેદવારો પાસે 1 કરોડ કે તેથી વધુની સંપત્તિ છે.

ત્રીજા તબક્કા સુધીમાં ત્રણ વાગ્યા સુધીમાં રાજ્યોમાં આ પ્રમાણે  મતદાન થયું છે. આસામમાં 63.08 ટકા,  બિહારમાં 46.70 ટકા, છત્તીસગઢમાં 58.20 ટકા, દાદરા નગરહવેલીમાં 52.43 ટકા, ગોવામાં 61.39 ટકા,  ગુજરાતમાં 47.03, કર્ણાટકમાં 54.20 ટકા,  મધ્ય પ્રદેશમાં 54.09 ટકા, મહારાષ્ટ્રમાં 42.63 ટકા,  ઉત્તર પ્રદેશમાં 46.78 ટકા અને  પશ્ચિમ બંગાળમાં 63.11 ટકાનું મતદાન થયું હતું.