Home Blog Page 182

પંચાંગ 15/03/2026

રિસોર્ટ પોલિટિક્સઃ કોંગ્રેસે ધારાસભ્યોને શિમલા ખસેડ્યા

નવી દિલ્હી: રાજ્યસભા ચૂંટણીને લઈને કોંગ્રેસમાં રિસોર્ટ પોલિટિક્સ ચાલુ છે. પહેલા કોંગ્રેસે ઓડિશાના 14 ધારાસભ્યોને ભુવનેશ્વરથી બેંગલુરુ મોકલ્યા હતા, જ્યાં તેમને રામનગરના બિદાદી રિસોર્ટમાં રાખવામાં આવ્યા છે. કર્ણાટકના ઉપ મુખ્ય મંત્રી ડી.કે. શિવકુમાર તેમની સારસંભાળ કરી રહ્યા છે.

એ જ રીતે કોંગ્રેસે હરિયાણાના 37માંથી 31 ધારાસભ્યોને ચંડીગઢથી શિમલા નજીક કુફરી સ્થિત ‘દ ટ્વીન ટાવર્સ’ રિસોર્ટમાં રાખ્યા છે. તેમની મેજબાની હિમાચલ પ્રદેશના મુખ્ય મંત્રી સુખવિંદર સિંહ સુક્કુ કરી રહ્યા છે. રિસોર્ટની બહાર હિમાચલ પોલીસ તૈનાત છે અને ધારાસભ્યોને બહાર જવાની જરૂર ન પડે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. કોંગ્રેસે આ રિસોર્ટમાં 33 રૂમ બુક કરાવ્યા છે.

 હિમાચલ જવા પહેલાં હુડ્ડાના ઘરે બેઠક

હિમાચલ જવા પહેલાં કોંગ્રેસના ધારાસભ્યોની ચંડીગઢમાં ભૂપિન્દ્ર સિંહ હુડ્ડાના નિવાસસ્થાને બેઠક મળી હતી, જેમાં તમામ 37 ધારાસભ્યો હાજર રહ્યા હતા. હરિયાણા વિધાનસભામાં કુલ 90 ધારાસભ્યો છે. તેમાં ભાજપ પાસે 48 ધારાસભ્યો છે, જ્યારે ઇનેલોના 2 અને 3 નિર્દલીય ધારાસભ્યોના સમર્થનથી ભાજપ પાસે કુલ 53 ધારાસભ્યોનું સમર્થન છે.

એક રાજ્યસભા બેઠક જીતવા માટે 31 મત જરૂરી છે. ભાજપ પોતાના ઉમેદવાર સંજય ભાટિયાને જિતાડ્યા પછી 22 મત બચશે. બીજી તરફ કોંગ્રેસ પાસે 37 ધારાસભ્યો છે અને તે પોતાના ઉમેદવાર કર્મવીર બૌદ્ધને સરળતાથી જિતાડી શકે છે, જે બાદ તેની પાસે છ મત બચશે.

સતીશ નાંદલે ચૂંટણીનું ગણિત બગાડ્યું

આ દરમિયાન ભાજપ સમર્થિત નિર્દલીય ઉમેદવાર સતીશ નાંદલે ઉમેદવારી નોંધાવીને ચૂંટણીનું ગણિત બદલી નાખ્યું છે. નાંદલને જીતવા માટે નવ મત જરૂરી છે, જે કોંગ્રેસમાં ક્રોસ-વોટિંગ વગર શક્ય નથી. આ જ કારણથી કોંગ્રેસે પોતાના 31 ધારાસભ્યોને હિમાચલ ખસેડ્યા છે. જે છ ધારાસભ્યો હિમાચલ ગયા નથી, તેમાં વિરોધ પક્ષના નેતા ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા, જુલાનાથી ધારાસભ્ય વિનિશ ફોગાટ, બાદલીના કુલદીપ વત્સ, પુન્હાનાના મોહમ્મદ ઇલિયાસ, ટોહાનાના પરમવીર સિંહ અને પંચકુલાના ચંદ્રમોહન બિશ્નોઈનો સમાવેશ થાય છે.

બંગાળમાં મહાજંગલરાજના અંતનું કાઉન્ટડાઉન શરૂઃ  PM મોદી

કોલકાતાઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે પશ્ચિમ બંગાળના પ્રવાસે છે. કોલકાતામાં તેમણે રૂ. 18,680 કરોડથી વધુની વિકાસ યોજનાઓનો પ્રારંભ કર્યો હતો. આ યોજનાઓમાં માર્ગ, રેલવે, બંદર અને શિપિંગ ક્ષેત્ર સાથે જોડાયેલા અનેક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ સામેલ છે. આ પ્રસંગે યોજાયેલી જનસભામાં PM મોદીએ બંગાળની મમતા બેનર્જી સરકાર પર આકરા પ્રહાર કર્યા. તેમણે રાજ્ય સરકારને તાનાશાહી ગણાવી અને કહ્યું કે ટૂંક સમયમાં બંગાળમાં સરકાર બદલાશે અને અહીં કાયદાનું શાસન સ્થાપિત થશે.

એ પહેલાં PM મોદીએ પુરુલિયા–આનંદ વિહાર ટર્મિનલ એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી હતી અને અમૃત ભારત સ્ટેશન યોજનાના અંતર્ગત પશ્ચિમ બંગાળનાં છ પુનર્વિકસિત રેલવે સ્ટેશનોનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે આજે કોલકાતાની ધરતી પરથી પશ્ચિમ બંગાળ અને પૂર્વ ભારતના વિકાસનો નવો અધ્યાય લખાઈ રહ્યો છે. માર્ગ, રેલવે અને બંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડાયેલી રૂ. 18,000 કરોડથી વધુની યોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ થયું છે, જેનાથી વેપાર અને ઉદ્યોગને પ્રોત્સાહન મળશે અને લાખો લોકોનું જીવન સરળ બનશે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે દેશમાં રેલવેને આધુનિક બનાવવા માટે ઝડપી અભિયાન ચાલી રહ્યું છે અને કેન્દ્ર સરકારનો સંકલ્પ છે કે પશ્ચિમ બંગાળ આ અભિયાનમાં પાછળ ન રહે. તેથી રાજ્યના રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ઝડપી વિકાસ માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

પ્રવાસ દરમિયાન તેઓ કોલકાતામાં ભાજપની ‘પરિવર્તન સંકલ્પ યાત્રા’માં પણ જોડાયા, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. તેમણે જણાવ્યું હતું કે બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડનો ઈતિહાસ સાક્ષી છે કે જ્યારે પણ બંગાળ દેશને દિશા આપે છે, ત્યારે આ મેદાન બંગાળનો અવાજ બને છે. અંગ્રેજ શાસન સામે અહીંથી ઊઠેલી અવાજે દેશવ્યાપી ક્રાંતિ સર્જી હતી અને અંતે અંગ્રેજોના શોષણનો અંત આવ્યો હતો. આજે અહીંથી નવા બંગાળની ક્રાંતિનો શંખનાદ થયો છે.

તેમણે કહ્યું હતું કે હવે બંગાળમાં નિર્મમ સરકારનો અંત નિશ્ચિત છે અને મહાજંગલરાજનો પણ અંત આવશે. તેમણે આરોપ લગાવ્યો કે ટીએમસીએ આ રેલીમાં આવનારા લોકોને ‘ચોર’ કહી અપમાનિત કર્યા, પરંતુ સાચા ચોર કોણ છે તે બંગાળની સમજદાર જનતા જાણે છે. પોતાની સત્તા જતી જોઈ રાજ્ય સરકાર ગભરાઈ ગઈ છે.

કોંગ્રેસની માનસિકતાને કારણે જ BSP બનાવવી પડીઃ માયાવતી

લખનૌઃ ઉત્તર પ્રદેશનાં ભૂતપૂર્વ મુખ્ય મંત્રી માયાવતીએ બહુજન સમાજ પાર્ટી (BSP)ના સ્થાપક કાંશીરામના અનુયાયીઓ અને સમર્થકોને કોંગ્રેસથી સતર્ક રહેવાની સલાહ આપી છે. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસની દલિતવિરોધી માનસિકતા અને વિચારોને કારણે જ BSPનું ગઠન કરવું પડ્યું હતું. માયાવતીએ એ પણ કહ્યું હતું કે કોંગ્રેસે આંબેડકરને ક્યારેય યોગ્ય સન્માન આપ્યું નથી અને કાંશીરામના નિધન સમયે એક દિવસનો પણ રાષ્ટ્રીય શોક જાહેર કર્યો નહોતો.

બહુજન સમાજ પાર્ટીનાં સુપ્રીમો માયાવતીએ સોશિયલ મિડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને લખ્યું હતું કે બધાને ખબર છે કે કોંગ્રેસ પાર્ટી ઘણાં વર્ષો સુધી કેન્દ્રમાં સત્તામાં રહી હોવા છતાં દલિતોના મસીહા અને ભારતીય બંધારણના મુખ્ય શિલ્પી બાબા સાહેબ ડો. ભીમરાવ આંબેડકરને ક્યારેય યોગ્ય આદર-સન્માન આપ્યું નથી અને તેમને ‘ભારત રત્ન’થી પણ સન્માનિત કર્યા નહોતા.

તો પછી આ પાર્ટી હવે માન્યવર કાંશીરામજીને કેવી રીતે આ સન્માન આપી શકે?તેમણે લખ્યું હતું કે કોંગ્રેસે જ્યારે કેન્દ્રમાં સત્તા ધરાવી હતી ત્યારે કાંશીરામજીના નિધન સમયે એક દિવસનો પણ રાષ્ટ્રીય શોક જાહેર કર્યો નહોતો. તે સમયે ઉત્તર પ્રદેશમાં રહેલી સપા સરકારએ પણ રાજ્ય શોક જાહેર કર્યો નહોતો. આ ઉપરાંત બીજી ઘણી પાર્ટીઓ પણ દલિત સમાજને નામે બનેલાં સંગઠનો અને પાર્ટીઓ સાથે મળી તેમના નામનો રાજકીય લાભ લેવા પ્રયાસ કરતી રહે છે.

 કોંગ્રેસથી સાવચેત રહેવાની અપીલ

BSPપ્રમુખે કહ્યું હતું કે આ બધી પાર્ટીઓ હવે વિવિધ રીતો અપનાવીને કાંશીરામજી દ્વારા બનાવવામાં આવેલી પાર્ટીને કમજોર કરવાની કોશિશ કરી રહી છે. તેથી તેમના અનુયાયીઓ અને સમર્થકોને હંમેશાં સતર્ક રહેવું જોઈએ. ખાસ કરીને કોંગ્રેસ પાર્ટીથી જરૂર સાવચેત રહેવું જોઈએ, કારણ કે તેની દલિતવિરોધી માનસિકતા અને વિચારોને કારણે જ BSP બનાવવી પડી હતી.

 રાહુલ ગાંધીએ શું કહ્યું હતું?

માયાવતીનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી શુક્રવારે લખનૌમાં કાંશીરામની જયંતી કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. તેમણે કાંશીરામને શ્રદ્ધાંજલિ આપતાં કહ્યું હતું કે જો નેહરુ જીવિત હોત તો કાંશીરામ કોંગ્રેસ તરફથી મુખ્ય મંત્રી બન્યા હોત.

જેલમાંથી સોનમ વાંગચુક થશે મુક્તઃ કેન્દ્ર સરકારે NSA હટાવ્યો

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે તેણે સોનમ વાંગચુકની ધરપકડ રદ કરવાનો નિર્ણય લીધો છે. વાંગચુકને ગયા વર્ષે સપ્ટેમ્બરમાં લેહમાં થયેલા વિરોધ પ્રદર્શનના મામલે કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. તેમને NSA હેઠળ અટકાયતમાં રાખીને રાજસ્થાનની જોધપુર જેલમાં રાખવામાં આવ્યા હતા.

કેન્દ્ર સરકારે નિવેદનમાં જણાવ્યું હતું કે “સોનમ વાંગચુકને 26 સપ્ટેમ્બર, 2025એ NSAની જોગવાઈ હેઠળ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. તેઓ આ કાયદા હેઠળની અટકાયતની અવધિનો લગભગ અડધો સમય પસાર કરી ચૂક્યા છે. સરકાર લદ્દાખના વિવિધ હિતધારકો અને સમુદાયના નેતાઓ સાથે સક્રિય રીતે વાતચીત કરી રહી છે જેથી વિસ્તારમાં રહેનાર લોકોની આશાઓ અને ચિંતાઓનો ઉકેલ લાવી શકાય.સરકારના જણાવ્યા મુજબ હાલ બંધ અને વિરોધ પ્રદર્શનનું વાતાવરણ સમાજના શાંતિપૂર્ણ સ્વભાવ માટે હાનિકારક સાબિત થઈ રહ્યું છે. તેનો પ્રભાવ વિદ્યાર્થીઓ, નોકરી શોધનારાઓ, વેપારીઓ અને પર્યટકો સહિત સમાજના અનેક વર્ગો તેમ જ અર્થતંત્ર પર પડી રહ્યો છે. સરકારે વધુમાં જણાવ્યું હતું કે NSA હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરીને સોનમ વાંગચુકની અટકાયત તાત્કાલિક અસરથી રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

સુપ્રીમ કોર્ટમાં 17 માર્ચે સુનાવણી

સુપ્રીમ કોર્ટ વાંગચુકની અટકાયતને પડકારતી અરજી પર સુનાવણી 17 માર્ચ સુધી મુલતવી રાખી હતી. સુનાવણી દરમિયાન સરકારના અધિકારીઓએ કોર્ટને જણાવ્યું કે વાંગચુકનાં નિવેદનો યુવાનોને નેપાળ અને બાંગ્લાદેશ જેવા દેશોમાં થયેલાં આંદોલનો જેવી રીતે વિરોધ પ્રદર્શન કરવા પ્રેરિત કરી શકે છે. સરકારનું કહેવું હતું કે આવાં નિવેદનો સંવેદનશીલ સરહદી વિસ્તારમાં અસ્થિરતા પેદા કરી શકે છે.

 વાંગચુકને કેમ અટકાયત કરવામાં આવી હતી?

પર્યાવરણ કાર્યકર સોનમ વાંગચુકને ગયા વર્ષે 26 સપ્ટેમ્બરે લદ્દાખ પોલીસે કસ્ટડીમાં લીધા હતા. લદ્દાખને રાજ્યનો દરજ્જો આપવાની અને છઠ્ઠી અનુસૂચિ લાગુ કરવાની માગને લઈને ‘લેહ એપેક્સ બોડી’ (LAB) દ્વારા બોલાવવામાં આવેલા બંધ દરમિયાન હિંસા ફાટી નીકળી હતી. આ હિંસામાં ચાર લોકોનાં મોત થયાં હતાં અને લગભગ 90 લોકો ઘાયલ થયા હતા. કેન્દ્રના ગૃહ મંત્રાલયે આ હિંસાની જવાબદારી વાંગચુક પર મૂકી હતી.

દેશભરમાં ગેસ સિલિન્ડરની જમાખોરી સામે સરકાર એક્શનમાં, હજારો સિલિન્ડર જપ્ત

નવી દિલ્હીઃ દેશભરમાં ગેસ સિલિન્ડરની જમાખોરીના કેસ સામે આવી રહ્યા છે. એક તરફ સામાન્ય લોકો લાંબી લાઈનોમાં ઊભા છે, તો બીજી તરફ જમાખોરો મોટી સંખ્યામાં સિલિન્ડરો છુપાવીને રાખ્યા છે. એ દરમિયાન સરકાર આવા જમાખોરો સામે સતત કાર્યવાહી કરી રહી છે અને અત્યાર સુધી હજારો સિલિન્ડરો જપ્ત કરવામાં આવ્યા છે.

મિડલ ઈસ્ટમાં ચાલતા યુદ્ધ વચ્ચે હવે ભારતમાં એલપીજીનું સંકટ વધુ ગંભીર બનતું જઈ રહ્યું છે. જોકે ભારત સરકાર વારંવાર લોકોને પેનિક બુકિંગ ન કરવા અપીલ કરી રહી છે. તેમ છતાં ગેસ એજન્સીઓ અને ગોડાઉન બહાર લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે. ઘણા લોકો નોકરીમાંથી રજા લઈને સવારે જ લાઈનમાં ઊભા રહી જાય છે, પરંતુ સાંજ સુધીમાં પણ ઘણા લોકોને સિલિન્ડર મળતો નથી.

જમાખોરો સામે કાર્યવાહી

સરકાર કાળાબજારી અને જમાખોરી સામે કડક વલણ અપનાવી રહી છે. દરેક રાજ્યમાં પોલીસ અને પ્રશાસન એક્શન મોડમાં છે. મોંઘા ભાવમાં સિલિન્ડર વેચનારા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરીને તેમને જેલ સુધી મોકલવામાં આવી રહ્યા છે. અનેક હોટેલ અને રેસ્ટોરાં હવે ઇન્ડક્શન અથવા કોલસાના સહારે કામ ચલાવવા મજબૂર બન્યા છે. સંકટના સમયે લાભ લેવા પ્રયત્ન કરનારાઓ સામે કાર્યવાહી ચાલી રહી છે અને એલપીજી સિલિન્ડરની કાળાબજારી તથા જમાખોરી પર સરકારની કડક નજર છે. મુંબઈથી લઈને ઉત્તર પ્રદેશ સુધી એલપીજી સંગ્રહ કરીને રાખનારા લોકો સામે કાર્યવાહી થઈ રહી છે.

ભોપાલમાં હજારો સિલિન્ડર જપ્ત

મધ્ય પ્રદેશના ભોપાલમાં એક બંધ પડેલી ગેસ એજન્સીમાંથી પોલીસ અને પ્રશાસને મળીને 668 સિલિન્ડર જપ્ત કર્યા છે. અહીં ત્રણ ટ્રક ભરેલાં સિલિન્ડર મળ્યાં છે, જે સંકટના સમયમાં મોટી સફળતા માનવામાં આવી રહી છે. રજિસ્ટરમાં નોંધ કર્યા વગર રાખેલા 1574 સિલિન્ડર પણ મળી આવ્યાં છે. કહેવામાં આવે છે કે આ બંધ ગેસ એજન્સી લોકો પાસેથી મોંઘા ભાવે એલપીજી સિલિન્ડર વેચતી હતી.

છત્તીસગઢમાં પણ 741 સિલિન્ડર જપ્ત

એલપીજી સંકટ વચ્ચે છત્તીસગઢ સરકાર પણ એક્શન મોડમાં છે. રાજ્યમાં અલગ-અલગ જિલ્લાઓમાં 102 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરમિયાન 741 સિલિન્ડર જપ્ત કરવામાં આવ્યાં છે. રાયપુરમાં સૌથી વધુ 392 સિલિન્ડર જપ્ત થયાં છે. એલપીજી સિલિન્ડર જમા કરીને રાખનારા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે.

વર્તમાન જીવનશૈલીને ટકાવી રાખવાનો ડર અને ચિંતા ઘાતક ઠરે…

પૂજ્ય દાદા તરીકે ઓળખાતા પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી આઠવલે ભગવાનમાં શ્રદ્ધા રાખવા વિશે ઘણી વાર કહેતાઃ નિર્બળનું બળ રામ.

ખરું પૂછો તો આપણી પાસે એના સિવાય કોઈ વિકલ્પ પણ નથી. જ્યારે આપણે પોતાની રીતે વિચારવાનું શરૂ કરીએ છીએ ત્યારે ગોટાળા થયા વગર રહેતા નથી. ડર, ચિંતા, ગુસ્સો, નિરાશા, લઘુતાગ્રંથિ, અસલામતી એ બધી જ લાગણીઓ આપણે ભગવાન પરનો ભરોસો છોડીને પોતાના વિચારો પર વધારે વિશ્વાસ કરવા લાગીએ ત્યારે જન્મતી હોય છે. બધી જ ચિંતાઓ ભગવાન પર છોડી દેવાનો અખતરો કરી જુઓ.

હું ભગવાનને ઘણી વખત કહેતો હોઉં છું, “ભગવાન તમે જ મને ચિંતાઓ આપી છે, હવે તમે જ એ પાછી લઈ લો. હવે એ તમારી સમસ્યા છે, મારી નહીં.” આટલું કહ્યા બાદ હું થોડી વાર આંટો મારવા નીકળી પડું છું અને વહેલી-મોડી એ સમસ્યા દૂર થઈ જાય છે. ક્યારેક તો માનવામાં ન આવે એ રીતે મને આવો અનુભવ થયો છે. ભગવાનને મહત્ત્વ આપો. એને ખબર પડવા દો કે એના વગર આપણે કંઈ કરી શકતા નથી. તમે કંઈ પણ કહો, આ હકીકત છે. ભગવાનને બધું કહેવાની આદત પડી ગયા બાદ આપણું ચિત્ત વધુ ને વધુ પ્રમાણમાં ભગવાનમાં રત થઈ જાય છે. આપણું મન જેટલું વધારે પ્રમાણમાં ભગવાનમાં ચોંટેલું રહેશે એટલી જ વધારે શાંતિ અનુભવાશે. એ વખતે જીવન સુંદર બની જશે અને તમે કહેશો, “લાઇફ ઇઝ બ્યૂટિફુલ.”

આપણી સંપત્તિ માટેના નિર્ણયો પણ ભગવાનને લેવા દો. આપણને કેટલું અને ક્યારે મળવું જોઈએ એ તેના પર છોડી દો. મારો મિત્ર અજય પોતે ક્યાંક વાંચેલું આ વાક્ય કેટલીય વાર મને કહેતો, “સમયથી પહેલાં અને નસીબથી વધારે કોઈને કંઈ મળતું નથી.”

ભગવાનને જેટલું આપવું હશે એ આપશે એવું દૃઢપણે માનવા લાગીએ તો સંપત્તિ સાથે જોડાયેલી આપણી લાગણીઓ અદૃશ્ય થઈ જશે અને આપણી પાસે યોગિક સંપત્તિ આવી કહેવાશે.

સંપત્તિની જરૂરિયાત દરેક માણસ માટે અલગ અલગ હોય છે. એ જેટલી વધારે પ્રમાણમાં આવે, એટલી અસલામતી પણ વધારે લેતી આવે. પોતાની વર્તમાન જીવનશૈલીને ટકાવી રાખવાને લગતો ડર અને ચિંતા ઘાતક ઠરે છે. આપણે જીવન કરતાં જીવનશૈલીને વધુ મહત્ત્વ આપવા લાગીએ ત્યારે આવું થાય છે.

જ્યારે સંઘર્ષનો કાળ ચાલતો હોય ત્યારે પરિવારજનોને, મિત્રોને મળીને અને શોખના વિષયોમાં આગળ વધીને આપણને સારું લાગતું હોય છે. એ વખતે આપણી પાસે કેટલી ભૌતિક ચીજવસ્તુઓ છે અને આપણી જીવનશૈલી કેવી છે એનું કોઈ મહત્ત્વ રહેતું નથી. સમય જતાં દરેકની જીવનશૈલી બદલાતી હોય છે. જ્યારે અનેક કાર, ટીવી, નોકર, વગેરે આવી જાય ત્યારે, આપણે વધુ ને વધુ પ્રમાણમાં ફરવા જવા લાગીએ, વધુ ને વધુ પ્રમાણમાં રેસ્ટોરાંમાં ખાવા જવાનું શરૂ કરી દઈએ ત્યારે એ બધી જ સુખસુવિધાઓ છિનવાઈ જવાનો ડર વધારે સતાવવા લાગે છે. એ તબક્કે આપણને મિત્રો અને પરિવારજનો, આપણા અલગ અલગ શોખ એ બધામાંથી આનંદ મળતો બંધ થઈ જાય છે.

અમારા એક પરિચિતે એક પાર્ટ ટાઇમ અને એક ફુલ ટાઇમ ઘરનોકર રાખ્યા છે. એ ઉપરાંત એક પાર્ટ ટાઇમ રસોઈયો અને એક ડ્રાઇવર છે. હવે ક્યારેક ડ્રાઇવર રજા માગે ત્યારે તેઓ અપસેટ થઈ જાય છે. ક્યારેક તો ડ્રાઇવર કયા સમયે કોને કારમાં લઈ જશે એ બાબતે પરિવારમાં દલીલો થવા માંડે છે. ડ્રાઇવર આવવા પહેલાં કારના ઉપયોગ બાબતે ક્યારેય આવી દલીલબાજી થતી ન હતી. પહેલાં પણ એક જ કાર હતી અને બધા એડજસ્ટ કરી લેતા.

જે ઘડીએ આપણી સુવિધાઓ અને આનંદ આપનારી બાબતોમાંથી પરિવાર, મિત્રો, શોખ એ બધું લુપ્ત થઈ જાય છે ત્યારે ચિંતા અને ડરની લાગણી ઘર કરી જાય છે. સારી જીવનશૈલી રાખવાની કોઈ ના પાડતું નથી, પરંતુ જો એ જીવનશૈલી તમારા મનની નબળાઈ બની જશે તો તમારું મન ચકરાવે ચડી જશે.

ભગવાન પર ભરોસો રાખો અને બધી ચિંતાઓ એના પર છોડીને પ્રસન્ન જીવન જીવો. યોગિક વેલ્થનો આનંદપૂર્વક ઉપભોગ કરો.

(લેખક દેશના જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર છે. ફાઈનાન્સિયલ પ્લાનિંગ સંબંધિત વિષયો એમણે ઘણા લેખો-પુસ્તકો લખ્યા છે. આર્થિક આયોજન અને રોકાણ સંબંધિત સેમિનારોમાં એ વક્તા તરીકે જોવા-સાંભળવા મળે છે. ‘યોગિક વેલ્થ’ નામનું એમનું પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું છે. યોગના અભ્યાસી અને શિસ્તબધ્ધ જીવનશૈલી ધરાવતા લેખકના અનુભવનો નીચોડ આ લખાણોમાં દેખાઇ આવે છે.)

(આપનાં મંતવ્યો અને સવાલો જણાવો gmashruwala@gmail.com)

જરૂર મુજબ તરત મળશે નવા PNG કનેક્શનઃ ગુજરાત સરકારનું એલાન

અમદાવાદ: દેશમાં ચાલુ LPG સપ્લાયની અછત વચ્ચે ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો છે. સરકારે જાહેરાત કરી છે કે જ્યાં સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન (City Gas Distribution) પાઇપલાઇન નેટવર્ક ઉપલબ્ધ છે, ત્યાં રેસ્ટોરાં, હોટેલ, શૈક્ષણિક સંસ્થાઓ અને સામાજિક-ધાર્મિક સંસ્થાઓને તેમની જરૂરિયાત મુજબ નવાં PNG કનેક્શન તાત્કાલિક આપવામાં આવશે.

મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં નક્કી કરવામાં આવ્યું કે આવી સંસ્થાઓ અરજી કરશે તો તેમને તરત જ કનેક્શન આપવામાં આવશે. આ બેઠક દરમિયાન રાજ્યમાં PNG અને પેટ્રોલિયમ ઉત્પાદનોની સ્થિતિની સમીક્ષા પણ કરવામાં આવી હતી.

રાજ્યમાં પૂરતો કુદરતી ગેસ ઉપલબ્ધ

ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવેલો આ નિર્ણય પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષના કારણે વૈશ્વિક ઊર્જા પુરવઠા પર પડેલા પ્રભાવને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. સરકારી જાહેરાત મુજબ મુખ્ય મંત્રીએ જણાવ્યું કે જ્યાં સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન પાઇપલાઇન ઉપલબ્ધ છે, ત્યાં રેસ્ટોરાં, હોટેલ, શૈક્ષણિક તેમ જ સામાજિક-ધાર્મિક સંસ્થાઓ નવા PNG કનેક્શન માટે માગ કરશે તો તેમને તેમની જરૂરિયાત મુજબ તરત જ કનેક્શન આપવામાં આવશે.

આ બેઠકમાં જણાવાયું કે ઘરેલુ ઉપયોગ માટે પાઇપલાઇન ગેસ વાપરતા નાગરિકો માટે રાજ્યમાં પૂરતી માત્રામાં કુદરતી ગેસ ઉપલબ્ધ છે અને ઘરગથ્થુ સપ્લાયમાં કોઈ અછત નહીં રહે.

 કેન્દ્ર અને રાજ્ય સરકારોની સતત નજર

રાજ્ય સરકારે જણાવ્યું હતું કે રાજ્યમાં ઘરેલુ વપરાશ માટે LPG અને PNGનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. ભારત પોતાની ઊર્જાનો મોટો હિસ્સો પશ્ચિમ એશિયાથી આયાત કરે છે, છતાં હાલની પરિસ્થિતિ છતાં કોઈ તાત્કાલિક સમસ્યા નથી.

LPG સિલિન્ડરની સપ્લાય અને વિતરણ સતત અને અવરોધ વિના ચાલુ રહે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો સતત નજર રાખી રહી છે. આ નિર્ણયથી એવા હોટેલ, રેસ્ટોરાં, સ્કૂલ-કોલેજ અને ધાર્મિક-સામાજિક સંસ્થાઓને રાહત મળશે, જે PNGનો ઉપયોગ કરવા ઇચ્છે છે અને LPG સપ્લાયમાં અવરોધ વચ્ચે સરળતાથી ગેસ મેળવી શકશે.

મોજતબા ખોમિનીની માહિતી આપનારને US આપશે એક કરોડ ડોલરનું ઇનામ

વોશિંગ્ટનઃ અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટે ઈરાનના નવા સુપ્રીમ લીડર આયાતોલ્લા મોજતબા ખોમિની અને અન્ય મોટા અધિકારીઓ વિશે માહિતી આપનાર માટે એક કરોડ ડોલરનું ઇનામ જાહેર કર્યું છે. સ્ટેટ ડિપાર્ટમેન્ટની યાદીમાં સામેલ 10 લોકોમાં ઈરાનના ગૃહમંત્રી એસ્કંદર મોમેણી, સુરક્ષા પ્રમુખ અલી લારીજાની અને ગુપ્તચર તથા સુરક્ષા મંત્રી ઇસ્માઈલ ખતીબ પણ સામેલ છે.

સ્ટેટ ડિપાર્ટમેન્ટે માહિતી આપનાર લોકોને Tor અથવા Signal મારફતે માહિતી મોકલવા અપીલ કરી છે. તેમણે જણાવ્યું છે કે તમારી માહિતીને આધારે તમને અન્ય દેશમાં પુનર્વસાવવામાં આવી શકે છે અને ઇનામ મેળવવા માટે પાત્ર બની શકો છો. સ્ટેટ ડિપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ આ લોકો ઈરાનની ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)ના વિવિધ વિભાગોને કમાન્ડ અને માર્ગદર્શન આપે છે, જે વિશ્વભરમાં આતંકવાદી પ્રવૃત્તિઓની યોજના બનાવે છે, તેને સંગઠિત કરે છે અને અમલમાં મૂકે છે. અમેરિકાનો “Rewards for Justice” કાર્યક્રમ એવી ગુપ્ત માહિતી માટે રોકડ ઇનામ આપે છે, જેના દ્વારા વોન્ટેડ વ્યક્તિઓને પકડવામાં અથવા તેમની સામે કેસ ચલાવવામાં મદદ મળે.

મોજતબા ખોમિનીના પિતા આયાતુલ્લા અલી ખોમિની 28 ફેબ્રુઆરી, 2026એ ઈરાન વિરુદ્ધ શરૂ થયેલા અમેરિકા-ઇઝરાયેલ યુદ્ધ દરમિયાન થયેલા બોમ્બમારામાં માર્યા ગયા હતા. માનવામાં આવે છે કે મોજતબા ખોમિની પણ અમેરિકા-ઇઝરાયેલના હુમલામાં ઘાયલ થયા છે. તેઓ જાહેરમાં દેખાયા નથી, જોકે ગુરુવારે તેમણે પોતાનું પ્રથમ નિવેદન જાહેર કર્યું હતું.

ઈરાની સેનાનો દાવો — દુશ્મનના 111 ડ્રોન નષ્ટ

મધ્ય-પૂર્વ યુદ્ધ શરૂ થયા પછીથી અત્યાર સુધી ઈરાની સેનાએ દુશ્મનના 111 ડ્રોન નષ્ટ કરી દીધા છે. ગાર્ડ્સે ફાર્સ પ્રાંત ઉપર એક MQ-9 ડ્રોન અને તબ્રીઝમાં બીજું એક વિમાન પણ તોડી પાડ્યું હોવાનું જણાવ્યું હતું. આ સાથે અત્યાર સુધી નષ્ટ કરાયેલા વિવિધ પ્રકારના ડ્રોનની કુલ સંખ્યા 111 થઈ છે.

પંચાંગ 14/03/2026