Home Blog Page 179

Oscar 2026: જોર્ડન અને જેસી બકલીને બેસ્ટ એક્ટરનો એવોર્ડ, જુઓ સંપૂર્ણ યાદી

2026નો ઓસ્કાર લોસ એન્જલસના ડોલ્બી થિયેટરમાં યોજાયો હતો. 98મા એકેડેમી એવોર્ડ્સમાં લિયોનાર્ડો ડીકેપ્રિયોની “વન બેટલ આફ્ટર અધર” ફિલ્મનો દબદબો રહ્યો.

“વન બેટલ આફ્ટર અધર” ફિલ્મે બેસ્ટ ફિલ્મ સહિત છ એવોર્ડ જીત્યા. રાયન કૂગલરની “સિનર્સ” ફિલ્મે ચાર એવોર્ડ જીત્યા. માઈકલ બી. જોર્ડનને “સિનર્સ” ફિલ્મ માટે બેસ્ટ અભિનેતા અને જેસી બકલીને “હેમનેટ” ફિલ્મ માટે બેસ્ટ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો. જાણો કોણે જીત્યો 98મા એકેડેમી એવોર્ડ.વિજેતાઓની સંપૂર્ણ યાદી

બેસ્ટ ફિલ્મ: વન બેટલ આફ્ટર અધર
બેસ્ટ અભિનેતા: માઈકલ બી. જોર્ડન (સિનર્સ)
બેસ્ટ અભિનેત્રી : જેસી બકલી (હેમ્નેટ)
બેસ્ટ દિગ્દર્શક : પોલ થોમસ એન્ડરસન (વન બેટલ આફ્ટર અધર)
બેસ્ટ સહાયક અભિનેતા : સીન પેન (વન બેટલ આફ્ટર અધર)
બેસ્ટ સહાયક અભિનેત્રી : એમી મેડિગન (વેપન્સ)
બેસ્ટ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મ : સેન્ટિમેન્ટલ વેલ્યુ
બેસ્ટ એડિટિંગ : વન બેટલ આફ્ટર અધર
બેસ્ટ ઓરિજિનલ સ્ક્રીનપ્લે : સિનર્સ (રાયન કૂગલર)
બેસ્ટ એડેપ્ટેડ સ્ક્રીનપ્લે : વન બેટલ આફ્ટર અધર (પોલ થોમસ એન્ડરસન)
બેસ્ટ ઓરિજિનલ સોંગ : ગોલ્ડન (કે:પોપ ડેમન હન્ટર્સ) (EJAE, માર્ક સોનેનબ્લિક, જોંગ ગ્યુ ક્વાક, યૂ દ્વારા)
બેસ્ટ સંગીત (મૂળ સ્કોર) : સિનર્સ
બેસ્ટ સિનેમેટોગ્રાફી : સિનર્સ
બેસ્ટ સાઉન્ડ : F1
બેસ્ટ ડોક્યુમેન્ટરી ફીચર ફિલ્મ : મિસ્ટર નોબડી અગેઇન્સ્ટ પુટિન
બેસ્ટ ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મ : ઓલ ધ એમ્પ્ટી રૂમ્સ
બેસ્ટ વિઝ્યુઅલ ઇફેક્ટ્સ : અવતાર: ફાયર એન્ડ ફાયર એશ
બેસ્ટ એનિમેટેડ ફીચર ફિલ્મ : કે:પોપ ડેમન હન્ટર્સ
બેસ્ટ એનિમેટેડ શોર્ટ ફિલ્મ : ધ ગર્લ હૂ ક્રાઇડ પર્લ્સ
બેસ્ટ મેકઅપ અને હેરસ્ટાઇલ : ફ્રેન્કેસ્ટાઇન
બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઇન : ફ્રેન્કેસ્ટાઇન

આ વર્ષના ઓસ્કરમાં અનેક રેકોર્ડ અને સફળતાઓ જોવા મળી. જેસી બકલેએ “હેમ્નેટ” માટે બેસ્ટ અભિનેત્રીનો ઓસ્કાર જીતીને ઇતિહાસ રચ્યો. આ જીત સાથે તે આ સન્માન મેળવનાર પ્રથમ આઇરિશ અભિનેત્રી બની.

બેસ્ટ અભિનેતાનો એવોર્ડ જીતનાર માઈકલ બી. જોર્ડન આ એવોર્ડ જીતનાર છઠ્ઠા અશ્વેત અભિનેતા બન્યા. આ તેમનો પહેલો ઓસ્કાર છે. જોર્ડને “સિનર્સ” માં જોડિયા બાળકોની ભૂમિકા ભજવી હતી. તે આવું કરનાર પ્રથમ વ્યક્તિ છે.લિયોનાર્ડો ડી કેપ્રિયોની “વન બેટલ આફ્ટર અધર” એ 2026 ના ઓસ્કારમાં બેસ્ટ ચિત્ર સહિત છ પુરસ્કારો જીત્યા. આમાં બેસ્ટ દિગ્દર્શક, બેસ્ટ અનુકૂલિત સ્ક્રીનપ્લે, બેસ્ટ સંપાદન, બેસ્ટ સહાયક અભિનેતા અને બેસ્ટ કાસ્ટિંગનો સમાવેશ થાય છે.

“સિનર્સ” માટે ઓટમ ડ્યુરાલ્ડ આર્કાપાવે બેસ્ટ સિનેમેટોગ્રાફી માટે ઓસ્કાર જીત્યો, આ શ્રેણીમાં ઓસ્કાર જીતનાર પ્રથમ મહિલા અને એવોર્ડ જીતનાર પ્રથમ અશ્વેત મહિલા બન્યા.

સૂર્યકુમાર યાદવની પત્નીએ સાડી પહેરી અને વાળમાં લગાવ્યું ‘મોમ-ટુ-બી’

ભારતીય ક્રિકેટ જગતમાં પોતાની આક્રમક બેટિંગ માટે જાણીતા સ્ટાર ખેલાડી Suryakumar Yadav ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. પરંતુ આ વખતે કારણ તેમની ક્રિકેટિંગ પરફોર્મન્સ નહીં પરંતુ તેમની વ્યક્તિગત જીવન સાથે જોડાયેલી ખુશખબર છે. સોશિયલ મીડિયા પર તાજેતરમાં એક વીડિયો વાયરલ થયો છે જેમાં તેમની પત્ની Devisha Shettyના બેબી શાવર સમારંભની ઝલક જોવા મળે છે.

તાજેતરમાં ICC Men’s T20 World Cup 2026માં ભારતની સફળતા બાદ ચર્ચામાં રહેલા Suryakumar Yadav હવે પોતાની ફેમિલી લાઇફને લઈને ચર્ચાનો વિષય બન્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર એવી અટકળો ચાલી રહી હતી કે તેઓ જલ્દી જ પિતા બનવાના છે. હવે વાયરલ થયેલા વીડિયોએ આ ચર્ચાઓને વધુ તેજ બનાવી દીધી છે.

વાયરલ વીડિયોમાં એક સુંદર રીતે સજાવાયેલ બેન્ક્વેટ હોલમાં બેબી શાવર ફંક્શન યોજાયેલું જોવા મળે છે. ત્યાં એક મોટું બેનર પણ નજરે પડે છે જેમાં લખેલું છે કે “Welcome to the Baby Shower of Devisha and Surya”. આ દ્રશ્યો જોઈને ચાહકો ખૂબ ખુશ થયા છે અને સોશિયલ મીડિયા પર દંપતીને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.

વિડિયોમાં Suryakumar Yadav અને Devisha Shetty હાથમાં હાથ નાખીને ગ્રાન્ડ એન્ટ્રી કરતા જોવા મળે છે. બંનેના ચહેરા પર માતા-પિતા બનવાની ખુશી સ્પષ્ટ દેખાઈ રહી છે. ખાસ કરીને દેવિશાનો બેબી બંપ પણ વીડિયોમાં સ્પષ્ટ જોવા મળતા ચાહકોમાં વધુ ઉત્સાહ જોવા મળ્યો હતો.

આ ખાસ પ્રસંગે Devisha Shettyએ પરંપરાગત અંદાજમાં સુંદર ગોલ્ડન સિલ્ક સાડી પહેરી હતી. સાડી પરનો ઓરેન્જ બોર્ડર તેમની સુંદરતાને વધુ ઉછાળી રહ્યો હતો. તેમણે આ સાડી સાથે ઓરેન્જ કલરના હાફ સ્લીવ્સ બ્લાઉઝ પહેર્યો હતો, જેના પર કરાયેલ સીક્વેન્સ વર્ક કેમેરામાં ચમકતું નજર આવી રહ્યું હતું.

દેવિશાએ પોતાના લુકને પરંપરાગત દાગીનાઓ સાથે પૂર્ણ કર્યો હતો. ગળામાં સોનાનો નેકલેસ, કાનમાં ગોલ્ડન ઇયરિંગ્સ, હાથમાં કડાં, માથે ટીકા અને કમર પર કમરબંધ સાથે તેઓ ખૂબ ગ્રેસફુલ દેખાઈ રહી હતી. તેમ છતાં તેમના લુકમાં સૌથી ખાસ વાત તેમના વાળમાં લગાવેલી હેર એક્સેસરી હતી.

રાજ્યસભાની 11 બેઠકો પર કેટલું ક્રોસ વોટિંગ?

નવી દિલ્હીઃ દેશનાં ત્રણ રાજ્યોની કુલ 11 રાજ્યસભા બેઠકો માટે આજે મતદાન થયું છે. પરિણામો પણ થોડા સમય પછી જાહેર કરવામાં આવશે. આ વખતે રાજ્યસભાની કુલ 37 બેઠકો માટે ચૂંટણી થવાની હતી, જેમાંથી 26 ઉમેદવારો પહેલાથી જ નિર્વિરોધ ચૂંટાઈ ચૂક્યા છે. આજે જે ત્રણ રાજ્યોમાં રાજ્યસભા માટે મતદાન થયું તેમાં બિહારની પાંચ બેઠકો, હરિયાણાની બે બેઠકો અને ઓડિશાની ચાર બેઠકો સામેલ છે.

બિહારની પાંચ બેઠકો માટે છ ઉમેદવારો મેદાનમાં છે, જ્યારે હરિયાણાની બે બેઠકો માટે 3 ઉમેદવારો અને ઓડિશાની ચાર બેઠકો માટે 5 ઉમેદવારો વચ્ચે સ્પર્ધા છે. 

પાંચમી બેઠક પર અસલી ટક્કર

NDA તરફથી નીતીશકુમાર અને નીતિન નવીન સહિત પાંચ ઉમેદવારો મેદાનમાં છે. નીતીશકુમાર, રામનાથ ઠાકુર, નીતિન નવીન અને ઉપેન્દ્ર કુશવાહાની જીત લગભગ નિશ્ચિત માનવામાં આવી રહી છે. પરંતુ અસલી મુકાબલો પાંચમી બેઠક માટે છે, જ્યાં NDAના શિવેશકુમાર રામ અને મહાગઠબંધનના અમરેન્દ્રધારી સિંહ ઉર્ફે એડી સિંહ આમને-સામને છે.

 ઓડિશામાં ચોથી બેઠક માટે જંગ

ક્રોસ વોટિંગની ભીતિ વચ્ચે બિહારમાં કોંગ્રેસના ત્રણ અને આરજેડીના એક ધારાસભ્ય મતદાન માટે હાજર રહ્યા નહોતા. હરિયાણામાં સ્વતંત્ર ઉમેદવાર સતીશ નાંદલને કારણે રાજકીય સમીકરણોમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. જો નવ ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું હોય તો કોંગ્રેસનું ગણિત બગડી શકે છે, તેથી મતદાન પહેલાં કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને લઈને હિમાચલ પ્રદેશ ગઈ હતી.

ઓડિશામાં ભાજપના બે ઉમેદવારો અને BJDના એક ઉમેદવારની જીત લગભગ નિશ્ચિત માનવામાં આવે છે. ચોથી બેઠક માટે કઠિન સ્પર્ધા છે. જો ઓડિશામાં કોંગ્રેસના આઠ ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું હોય તો પરિણામોમાં મોટો ફેરફાર આવી શકે છે.

 દર બે વર્ષે ચૂંટણી

રાજ્યસભાના દરેક સભ્યનો કાર્યકાળ છ વર્ષનો હોય છે, પરંતુ બધા સભ્યોનો કાર્યકાળ એકસાથે શરૂ કે પૂર્ણ થતો નથી. તેના બદલે દર બે વર્ષે એક તૃતીયાંશ સભ્યો નિવૃત્ત થાય છે અને તેમની જગ્યાએ નવી ચૂંટણી યોજાય છે. આ વ્યવસ્થા કારણે સભામાં હંમેશાં અનુભવી સભ્યો રહે છે અને કામકાજ સતત ચાલતું રહે છે.

LPGની અછત વચ્ચે હવે દૂધના સંકટની આશંકા

નવી દિલ્હીઃ ઈરાન-અમેરિકા યુદ્ધને કારણે ઊભા થયેલા ઊર્જા સંકટની અસર હવે રસોડાના બજેટ બાદ તમારા દૂધના સપ્લાય અને સવારની ચા પર પણ પડી શકે છે. મહારાષ્ટ્રની અનેક ડેરીઓના માલિકોએ ચેતવણી આપી છે કે LPGની અછતને કારણે દૂધના પ્રોસેસિંગ, પેશ્ચ્યુરાઇઝેશન અને પેકેજિંગનું કામ ગંભીર રીતે પ્રભાવિત થઈ રહ્યું છે. જેને કારણે આવનારા દિવસોમાં દૂધનો સપ્લાય ખોરવાઈ શકે છે.

હકીકતમાં દૂધને સુરક્ષિત રાખવા માટે તેને નિશ્ચિત તાપમાન પર ગરમ કરીને પેશ્ચ્યુરાઇઝ કરવું જરૂરી હોય છે, જેમાં મોટી માત્રામાં ઊર્જાનો ઉપયોગ થાય છે. ગેસના અનિયમિત સપ્લાયને કારણે નાની અને મધ્યમ સ્તરની ડેરીઓ માટે દૂધ બગડવાથી બચાવવું મોટી પડકારરૂપ સ્થિતિ બની ગઈ છે.

ડેરી ઉદ્યોગ સામે સૌથી મોટો પડકાર દૂધના પ્લાસ્ટિક પેકેટ અને કાર્ટનની અછત છે. દૂધના પેકેટ બનાવતી ફેક્ટરીઓને પૂરતો ગેસ મળતી નથી, જેને કારણે ઉત્પાદન ધીમું પડી ગયું છે. ગોવર્ધન ડેરીના સ્થાપક દેવેન્દ્ર શાહે જણાવ્યું હતું કે હાલમાં તેમની પાસે પેકેજિંગ મટીરિયલનો સ્ટોક માત્ર 10 દિવસ માટે જ બચ્યો છે. જો જલદી સપ્લાય સામાન્ય નહીં થાય તો દૂધનો સપ્લાય જાળવી રાખવો મુશ્કેલ બની જશે. ચેમ્બુર સ્થિત સુરેશ ડેરીના મેનેજર શારિબ શેખે પણ પુષ્ટિ કરી છે કે આગામી 10 દિવસમાં સ્થિતિ સુધરશે નહીં તો આખો ડેરી ઉદ્યોગ મોટા સંકટમાં ફસાઈ શકે છે.

હોટેલોમાં માગ ઘટી, ઓછા ભાવે વેચાઈ રહ્યું છે દૂધ

ગેસની અછતે માત્ર પેકેજિંગ નહીં, પરંતુ દૂધની માગ પર પણ અસર કરી છે. હોટેલ, રેસ્ટોરાં અને હોલસેલ ગ્રાહકોએ દૂધના ઓર્ડર ઘટાડ્યા છે, કારણ કે LPGની અછતને કારણે તેમણે પોતાના મેનુ નાના કર્યા છે. બોમ્બે મિલ્ક પ્રોડ્યુસર્સ એસોસિયેશનના અધ્યક્ષ સી.કે. સિંહ મુજબ તાજેતરમાં ભેંસના દૂધના ત્રણ મોટા ઓર્ડર રદ થયા છે. નાની ડેરીઓ પાસે દૂધ સંગ્રહ કરવાની પૂરતી ક્ષમતા ન હોવાથી તેઓ ગાય અને ભેંસનું દૂધ ઓછી કિંમતે વેચવા મજબૂર બન્યા છે.

શું અમૂલ અને મધર ડેરી પર પણ પડશે અસર?

રાહતની વાત એ છે કે દેશની સૌથી મોટી ડેરી સહકારી સંસ્થાઓ પર હાલમાં આ સંકટની ખાસ અસર દેખાતો નથી. અમૂલના MD જયેન મહેતાએ જણાવ્યું કે તેમની ગેસની લગભગ 80 ટકા જરૂરિયાતો પૂરી થઈ રહી છે અને બાકીની અછત તેઓ ડીઝલ તથા અન્ય વૈકલ્પિક ઈંધણથી પૂરી કરી રહ્યા છે. આ ઉપરાંત અમૂલ પોતાના દૂધના પેકેટ સ્વયં બનાવે છે, તેથી તેમને પેકેજિંગની અછતનો પ્રશ્ન નથી.

કોંગ્રેસી ધારાસભ્યોને લાંચની ઓફર આપવાના આરોપમાં ભાજપના બે નેતાની ધરપકડ

બેંગલુરુઃ કર્ણાટક પોલીસે રવિવારે આઉટર બેંગલુરુમાંથી ભાજપના બે નેતાઓની ધરપકડ કરી છે. તેમના પર રાજ્યસભા ચૂંટણીમાં ક્રોસ-વોટિંગ કરાવવા માટે ઓડિશા કોંગ્રેસના આઠ ધારાસભ્યોને પ્રતિ વ્યક્તિ 5-5 કરોડ રૂપિયાની લાંચ આપવાનો પ્રયાસ કરવાનો આરોપ છે. ધરપકડ કરાયેલા બંનેની ઓળખ બિરેન્‍દ્ર પ્રસાદ અને બ્યાતારાયણપુરા સુરેશ તરીકે થઈ છે. આ કેસમાં અન્ય બે આરોપી — અજિત કુમાર સાહુ અને સિમાન્ચલ મહાકુડ — હજુ ફરાર છે.

બેંગલુરુ સાઉથના પોલીસ અધિક્ષક શ્રીનિવાસ ગૌડા આરએ જણાવ્યું હતું કે આરોપીઓને ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 173 (ચૂંટણીમાં લાંચ) અને 352 (શાંતિ ભંગ કરવા અથવા અન્ય ગુનો કરવા માટે ઇરાદાપૂર્વક અપમાન કરવું) તેમ જ પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટની કલમ 7 હેઠળ ધરપકડ કરવામાં આવી છે. આ કલમ હેઠળ કોઈ સરકારી કામ કરવા કે ન કરવા બદલ સીધી રીતે અથવા તૃતીય પક્ષ મારફતે ગેરકાયદે લાંચ માંગવી અથવા સ્વીકારવી ગુનો ગણાય છે.

કોંગ્રેસના ધારાસભ્યોને લાંચ આપવાનો પ્રયાસ

ઓડિશામાં કોંગ્રેસ વિધાનમંડળ દળના ઉપનેતા અશોકકુમાર દાસે ચૂંટણીને પ્રભાવિત કરવા માટે તેમના ધારાસભ્યોનું અપહરણ કરવાની ભાજપની કથિત યોજનાની ફરિયાદ નોંધાવી હતી, જેને આધારે આ ધરપકડ કરવામાં આવી. એક પોલીસ અધિકારી મુજબ ચારેય આરોપીઓ બેંગલુરુના વન્ડરલા રિસોર્ટમાં પ્રવેશવામાં સફળ થયા હતા અને ત્યાં રોકાયેલા ઓડિશા કોંગ્રેસના ધારાસભ્યોને લાંચ આપવાનો પ્રયાસ કર્યો હતો.

કોંગ્રેસના પ્રથમ વખત ચૂંટાયેલા આઠ ધારાસભ્યોને “ક્રોસ-વોટિંગના જોખમ”થી બચાવવા માટે રિસોર્ટમાં રાખવામાં આવ્યા છે. આ ધારાસભ્યોમાં રાજન એક્કા, અશોક દાસ, અપ્પાલા કુમાર સ્વામી, મંગુ કિલો, પવિત્ર સોઉંથા, નીલમાધવ હિક્કા, પ્રફુલ્લ પ્રધાન અને સત્યજિત ગોમોંગોનો સમાવેશ થાય છે.

 આજે મતદાન

ઓડિશામાં રાજ્યસભાની ચાર બેઠકો માટે સોમવારે ચૂંટણી યોજાઈ રહી છે. સત્તારૂઢ ભાજપે ત્રણ ઉમેદવાર અને બિજુ જનતા દળ (BJD)એ એક ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે. BJDએ કોંગ્રેસના સમર્થન સાથે પ્રખ્યાત યુરોલોજિસ્ટ ડૉ. દત્તેશ્વર હોતાને પણ ઉમેદવાર બનાવ્યા છે, જે ઓડિશા મેડિકલ યુનિવર્સિટીના પૂર્વ ડિરેક્ટર રહી ચૂક્યા છે. 147 સભ્યોની ઓડિશા વિધાનસભામાં જીતવા માટે દરેક ઉમેદવારને 30 મત જરૂરી છે. હાલ વિપક્ષી BJD પાસે 48 અને કોંગ્રેસ પાસે 14 ધારાસભ્યો છે.

Oscar 2026: ઓસ્કારના રેડ કાર્પેટ પર નિક અને પ્રિયંકા છવાયા

પ્રિયંકા ચોપરાએ 2026 ના ઓસ્કાર(Oscar 2026)માં રેડ કાર્પેટ પર પતિ નિક જોનાસ સાથે શાનદાર એન્ટ્રી કરી હતી.

અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ આ વર્ષે ઓસ્કારમાં એવોર્ડ પ્રેઝન્ટર તરીકે હાજરી આપી હતી. તે તેના પતિ નિક જોનાસ સાથે રેડ કાર્પેટ પર જોવા મળી હતી. બંનેએ રેડ કાર્પેટ પર સાથે પોઝ આપ્યા હતા અને પાપારાઝી સામે બંનેએ સરસ પળો શેર કરી હતી.

પ્રિયંકા સુંદર સ્ટ્રેપલેસ સફેદ ગાઉનમાં દેખાઈ

આ શાનદાર સાંજ માટે પ્રિયંકાએ એક અદ્ભુત સ્ટ્રેપલેસ સફેદ ડાયોર ગાઉન પસંદ કર્યો હતો. જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. પ્રિયંકાએ કાળા પોઇન્ટેડ હીલ્સ અને ચમકતા ડાયમંડ નેકલેસથી પોતાનો લુક પૂર્ણ કર્યો હતો. તેના વાળ સીધા અને સ્લીક હતા. તેનો મેકઅપ લાઈટ અને ચમકતો હતો.

આ કપલ ક્લાસિક રેડ કાર્પેટ લુકમાં જોવા મળ્યું હતું

નિક જોનાસ ક્લાસિક બ્લેક વેલ્વેટ ટક્સીડો, સફેદ શર્ટ અને બો ટાઈમાં સ્ટાઇલિશ દેખાતો હતો. તેમના પોશાક ક્લાસિક રેડ કાર્પેટ માટે એકદમ પર્ફેક્ટ હતાં.

રેડ કાર્પેટ પર પહોંચતા પહેલા પ્રિયંકાએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર તેના ચાહકો સાથે તેની તૈયારીઓની ક્લિપ્સ શેર કરી. એક ટૂંકા વિડીયોમાં તે નિક જોનાસ સાથે સફેદ ડાયોર ગાઉનમાં એવોર્ડ સમારોહ માટે તૈયાર થતી જોવા મળી.

અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ આ વર્ષના ઓસ્કારમાં પ્રેઝન્ટર તરીકે હાજરી આપી હતી. તેણીએ સ્પેનિશ અભિનેતા જેવિયર બાર્ડેમ સાથે શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મ શ્રેણીના વિજેતાઓની જાહેરાત કરી હતી.

PM મોદીની મિમિક્રી કરવી પડી ભારેઃ સરકારી શિક્ષક સસ્પેન્ડ

ભોપાલઃ મધ્ય પ્રદેશના શિવપુરી જિલ્લામાં LPG સિલિન્ડરની વધતી કિંમતો પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીની શૈલીની મિમિક્રી કરીને બનાવેલો એક વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થયા બાદ એક સરકારી શિક્ષકને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ કાર્યવાહી સત્તારૂઢ ભાજપના એક ધારાસભ્યની ફરિયાદ પછી કરવામાં આવી હતી. આ નિર્ણય પર પ્રશ્ન ઉઠાવતાં વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા ઉમંગ સિંઘારે કહ્યું હતું કે હવે લોકતંત્રમાં પ્રશ્ન પૂછવો અને અભિવ્યક્તિની સ્વતંત્રતા પણ ગુનો બની ગઈ છે.

જિલ્લા શિક્ષણ અધિકારી વિવેક શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે પોહરી વિકાસખંડના એક સરકારી પ્રાથમિક શાળાના શિક્ષક સાકેત પુરોહિતે તાજેતરમાં એક વિડિયો બનાવી સોશિયલ મિડિયા પર પોસ્ટ કર્યો હતો. અધિકારીએ જણાવ્યું હતું કે વિડિયોમાં તેમણે વડા પ્રધાનની શૈલીની મિમિક્રી કરીને ગેસ સિલિન્ડરની કિંમતો અંગે વ્યંગાત્મક ટિપ્પણી કરી હતી.

આ વિડિયોમાં શિક્ષક કહેતા દેખાય છે કે ગેસના ભાવ વધવાથી લોકો ફરી ચુલા પર બનાવેલી રોટલી ખાવા લાગશે, જેને કારણે અમીર અને ગરીબ વચ્ચેનું અંતર ઓછું થઈ જશે. શિક્ષકનો આ વિડિયો સોશિયલ મિડિયામાં ઝડપથી વાયરલ થયો હતો. ત્યાર બાદ પિછોર વિસ્તારના ભાજપ ધારાસભ્ય પ્રીતમ લોધીએ જિલ્લા શિક્ષણાધિકારીને ફરિયાદ કરી કાર્યવાહી કરવાની માગ કરી હતી.

શું છે આરોપ?

આ ફરિયાદમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે એક સરકારી શિક્ષક દ્વારા આ રીતે વડા પ્રધાન અને જનપ્રતિનિધિઓની મિમિક્રી કરીને ટિપ્પણી કરવી સરકારી સેવા આચરણ નિયમો વિરુદ્ધ છે. તેમનું કહેવું હતું કે આથી સમાજમાં અયોગ્ય સંદેશ જાય છે. જિલ્લા શિક્ષણ અધિકારીએ તપાસ કરાવી, જેમાં શિક્ષકનું કૃત્ય શાસકીય સેવકોના આચરણ નિયમો સામે હોવાનું માનવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે ત્યાર બાદ મધ્ય પ્રદેશ સિવિલ સેવા નિયમો હેઠળ સાકેત પુરોહિતને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

સસ્પેન્ડ કરાયેલા શિક્ષક સાકેત પુરોહિતે કાર્યવાહી એકતરફી હોવાનું કહી જણાવ્યું હતું કે તેમને ન તો કારણ બતાવો નોટિસ આપવામાં આવી અને ન પોતાનો પક્ષ રજૂ કરવાની તક મળી. તેમણે કહ્યું હતું કે સાંભળ્યા વિના લેવાયેલો નિર્ણય યોગ્ય નથી.

રમજાનમાં કરાચી બેહાલ: ગેસની અછતથી જનતાની મુશ્કેલીઓ અનેક ગણી વધી

કરાચીઃ રમજાનના પવિત્ર મહિનામાં પાકિસ્તાનનું કરાચી શહેર ગંભીર ગેસ સંકટનો સામનો કરી રહ્યું છે. શહેરના 70 ટકાથી વધુ વિસ્તારોમાં ગેસ સપ્લાય લગભગ ઠપ થઈ ગઈ છે, જેના કારણે રોજા રાખનારાઓને સેહરી અને ઇફ્તાર તૈયાર કરવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. સ્થાનિક મિડિયા રિપોર્ટ્સ અને સોશિયલ મિડિયા પરની ફરિયાદોથી સ્થિતિની ગંભીરતા સ્પષ્ટ થાય છે.

 અઘોષિત ગેસ કાપથી હાહાકાર

સુઈ સધર્ન ગેસ કંપની (SSGC)ના નેટવર્કમાં ગેસ પ્રેશર એટલું ઓછું છે કે ઘણા વિસ્તારોમાં 12થી 15 કલાક સુધી અઘોષિત લોડશેડિંગ થઈ રહ્યું છે. જ્યારે સરકારે માત્ર રાત્રે જ કાપ કરવાની વાત કરી હતી. ગેસ ન મળતા લોકો મજબૂરીમાં 3000થી 4,000 રૂપિયા પ્રતિ સિલિન્ડર જેટલું મોંઘું LPG ખરીદવા મજબૂર બન્યા છે.

 ઈરાન સંઘર્ષની અસર: LNG સપ્લાય પર સંકટ

કરાચીમાં સર્જાયેલું ગેસ સંકટ ઈરાન દ્વારા સ્ટ્રેટ ઓફ હોર્મુઝની નાકાબંધીને કારણે વધુ ગંભીર બન્યું છે, જેને કારણે LNG આયાત પર ભારે અસર પડી છે. છેલ્લાં બે અઠવાડિયાથી ચાલી રહેલા મધ્ય-પૂર્વ સંઘર્ષને કારણે સમુદ્રી માર્ગ અવરોધિત થતાં પહેલાંથી જ દબાણ હેઠળ રહેલી શહેરની ગેસ વિતરણ વ્યવસ્થા સંપૂર્ણ રીતે ખોરવાઈ ગઈ છે.

 જાહેરાત વગર ગેસ સપ્લાયનો સમય બદલાયો

પરિસ્થિતિ બગડતાં SSGCએ શાંતિથી નવો સપ્લાય સમયપત્રક અમલમાં મૂક્યો છે.

સેહરી માટે: સવારે 3:30થી 6:00 સુધી

ઇફ્તાર પહેલાં: સાંજે 3:30થી 7:00 સુધી

પરંતુ આ સમયમાં પણ ગેસ પ્રેશર એટલું ઓછું રહે છે કે સામાન્ય રીતે રસોઈ બનાવવી લગભગ અશક્ય બની જાય છે.

 અનેક વિસ્તારો સૌથી વધુ અસરગ્રસ્ત

ક્લિફ્ટન, DHA, નોર્થ કરાચી, ફેડરલ B એરિયા, ગુલબર્ગ અને ઓરંગી ટાઉન જેવા ઘણા વિસ્તારોમાં ઘણા દિવસોથી ગેસ ખૂબ ઓછા પ્રેશરમાં આવી રહ્યો છે અથવા બિલકુલ નથી આવતો. લોકોનું કહેવું છે કે સપ્લાય માત્ર થોડી મિનિટો માટે આવે છે અને તેમાં પણ પ્રેશર એટલું ઓછું હોય છે કે ચૂલો સળગાવવો મુશ્કેલ બની જાય છે.

મોંઘવારી અને રમજાનથી મુશ્કેલીઓ વધી

ગેસ સંકટ વચ્ચે LPGના વધેલા ભાવોએ ઘરના બજેટ પર ભારે અસર પાડી છે. પહેલેથી ચાલી રહેલી મોંઘવારી અને રમજાનના વધેલા ખર્ચ વચ્ચે ગેસની અછતથી જનતાની મુશ્કેલીઓ અનેક ગણી વધી ગઈ છે. લોકો હવે ઇલેક્ટ્રિક સ્ટોવ અને અન્ય મોંઘા વિકલ્પો અપનાવવા મજબૂર બન્યા છે.

સ્વર્ગ કે નર્ક – બધું આપણા દૃષ્ટિકોણ પર નિર્ભર

સદગુરુ: તમને જે કોઈપણ પરિસ્થિતિમાં મૂકવામાં આવ્યા હોય, તમે તેને કાં તો તેને આશીર્વાદમાં પલટાવી શકો છો અથવા તો તેને શાપરૂપ બનાવી શકો છો. સૌથી ભયાનક પરિસ્થિતિને પણ તમે ઘણી જ પ્રભાવશાળી રીતે સંભાળી શકો છો. દ્વિતીય વિશ્વ યુદ્ધની એક ચોક્કસ ઘટના છે. 13 વર્ષની એક છોકરી હતી. તે સમયે, 1939માં હિટલર ઓસ્ટ્રિયામાં યહૂદીઓને કોન્સન્ટ્રેશન કેમ્પ (કેદીઓને એકત્રિત કરીને એક સ્થળે રાખવાની જગ્યા)માં રાખતો હતો. એક સરસ મજાની સવારે સૈનિકો યહૂદીઓનાં ઘરોમાં ઘૂસીને અને પુખ્તો તથા બાળકોને વિખૂટાં પાડીને લઈ જતા હતા.

13 વર્ષની એક છોકરી અને તેના આઠ વર્ષના ભાઈને રેલવે સ્ટેશને લઈ જવામાં આવ્યાં. તે સમયે શિયાળો શરૂ થયો હતો અને ઓસ્ટ્રિયામાં ઠંડી પ્રસરવા માંડી હતી. સમૃદ્ધ પરિવારનાં એ બાળકો ત્રણ દિવસ સુધી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર રહ્યાં. તેમનાં માતા-પિતાને ક્યાં લઈ જવાયાં તેની તેમને ખબર ન હતી. પણ બાળકો થોડા સમય માટે જ દુખી રહ્યાં, ત્યાર પછી તેમને કશુંક મળી ગયું અને બંને રમવા માંડ્યાં. છોકરો ફૂટબોલ જેવી કોઈ રમત રમવા માંડ્યો. ત્રણ દિવસ પછી એક ગુડ્ઝ ટ્રેઇન આવી અને દરેક વ્યક્તિ તેના ડબ્બામાં ધકેલી દેવાઈ. તે સમયે છોકરીનું ધ્યાન ગયું કે તેનો ભાઈ તેનાં શૂઝ પહેરવાનું ભૂલી ગયો હતો. તેને ઘણો ગુસ્સો આવ્યો. તેણે તેના ભાઈનો કાન આમળ્યો અને ગાલ પર તમાચો લગાવી દીધો, કારણ કે આવી હાડ ગાળતી ઠંડીમાં શૂઝ વિના ટકવું ઘણું કપરૂં હતું. ત્યાર પછીના સ્ટેશને છોકરા-છોકરીઓને અલગ પાડી દેવાયાં.

સાડા પાંચ વર્ષ પછી, 1945માં, તે છોકરી કોન્સન્ટ્રેશન કેમ્પમાંથી બહાર આવી. તેને જાણવા મળ્યું કે તેના પરિવારના તમામ સભ્યો મોતને ભેટ્યાં હતાં, જેમાં તેના નાના ભાઈનો પણ સમાવેશ થતો હતો. તે ક્ષણે, રહી-રહીને તેને એક જ વાત યાદ આવતી હતી – નાના ભાઈ સાથે વીતાવેલી છેલ્લી ક્ષણો. તેનો કાન આમળીને અને તેને તમાચો મારીને તેણે તેની સાથે કેટલું ખરાબ વર્તન કર્યું હતું. તે પછી તેણે સંકલ્પ કર્યો, ‘આજથી, હું જેને પણ મળું, જે પણ ચહેરો મારી નજર સામે આવે, તેની સાથે હું એવી રીતે વાત કરીશ કે જાણે તેની સાથેની મારી તે છેલ્લી વાતચીત હોય, જેથી મને સંતાપ ન થાય.’

જો તમે સજાગ હોવ, જો તમે દરેક માનવીમાં જે છે તેના સંપર્કમાં છો, અને તમને નર્કમાં મૂકવામાં આવે, તો ત્યાં પણ તમે તમારૂ જીવન બનાવી શકો છો. અન્યથા, તમને સ્વર્ગમાં મૂકવામાં આવે, તો પણ તમે ખરાબી જ કરશો. કોણે તમને કહ્યું છે કે તમે સ્વર્ગમાં નથી? એ વાતની શું ખાતરી છે કે તમે (ઓલરેડી) સ્વર્ગમાં નથી? ના. તો, તમે એવું શા માટે વિચારો છો કે હજી એવું કોઈ સ્થળ મોજૂદ છે, જે આ જગ્યા કરતાં વધુ સારૂં છે? આના કરતાં પણ વધારે સારૂં સ્થળ અસ્તિત્વ ધરાવે છે – આવો ભયાનક વિચાર એવા લોકોના દિમાગની ઊપજ છે, જેમણે પોતાના અસ્તિત્વને નર્કસમાન બનાવી નાંખ્યું. જો તમે સ્વયંમાંથી સ્વર્ગ બનાવશો, જો તમે પરમ આનંદમાં છો, તો પછી શા માટે તમે અન્યત્ર જવા ઈચ્છશો?

ધારી લો કે આ સ્વર્ગ છે અને તમે તેને ગુમાવી દીધું તો? ધારો કે આ સ્વર્ગ છે અને તમને કદી તેનું ભાન જ ન થયું, તો? – જીવન જીવવાનો આ કેટલો ખરાબ માર્ગ છે! અને હું તમને કહું છું, તમારા અનુભવનો આધાર તમારી અંદર છે. જો તમે તેનો દોરીસંચાર પોતાના હાથમાં લઈ લેશો, તો તમે આ ક્ષણે જ તેનામાંથી સ્વર્ગ ઊભું કરી શકો છો.

(સદ્‍ગુરુ, જગ્ગી વાસુદેવ)

ભારતના પચાસ સૌથી પ્રભાવશાળી લોકોમાં સ્થાન પામેલા, સદ્ગુરુ એક યોગી, દિવ્યદર્શી, યુગદ્રષ્ટા અને ન્યૂયોર્ક ટાઇમ્સના બેસ્ટ સેલિંગ લેખક છે. સદ્ગુરુને અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે 2017માં ભારત સરકાર દ્વારા ભારતનો સર્વોચ્ચ વાર્ષિક નાગરિક પુરસ્કારપદ્મ વિભૂષણઆપવામાં આવ્યો છે. સાથે તેઓ વિશ્વના સૌથી મોટા લોક અભિયાન, કોન્શિયસ પ્લેનેટમાટી બચાવોના સ્થાપક છે જે અબજથી વધુ લોકો સુધી પહોંચ્યું છે.

રાજ્યસભા ચૂંટણી માટે મતદાન શરૂઃ ક્રોસ મતદાનની આશંકા

નવી દિલ્હીઃ બિહાર, હરિયાણા અને ઓડિશામાં રાજ્યસભા ચૂંટણી 2026 માટે વિધાનસભાના મતદાન કેન્દ્રોમાં ધારાસભ્યો મતદાન કરી રહ્યા છે. ત્રણેય રાજ્યોમાં ભાજપ અને વિરોધ પક્ષ વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે. ક્રોસ વોટિંગની આશંકા વચ્ચે આજે મતદાન થઈ રહ્યું છે. હરિયાણા અને ઓડિશા બંને રાજ્યોમાં પક્ષોએ પોતાના ધારાસભ્યોને રિસોર્ટમાં રાખ્યા હતા, જેથી ધારાસભ્યોની ખરીદી-વેચાણ અટકાવી શકાય. બિહારમાં આરજેડીની જીત AIMIMના સમર્થન પર નિર્ભર માનવામાં આવી રહી છે. રાજ્યસભા ચૂંટણી માટે મતદાન 16 માર્ચે સવારે 9 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી થશે. મતગણતરી એ જ દિવસે સાંજે પાંચ વાગ્યાથી શરૂ થશે.

બિહાર રાજ્યસભા ચૂંટણીનું ગણિત

બિહારની પાંચ રાજ્યસભા બેઠકો માટે યોજાઈ રહેલી ચૂંટણીમાં કુલ છ ઉમેદવારો મેદાનમાં છે, જેમાં સત્તારૂઢ NDAના પાંચ અને વિરોધ પક્ષનો એક ઉમેદવાર છે. મુખ્ય મંત્રી નીતિશ કુમાર અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન પણ ચૂંટણી મેદાનમાં છે. NDAના અન્ય ઉમેદવારોમાં કેન્દ્રીય મંત્રી અને JDUના નેતા રામનાથ ઠાકુર, રાષ્ટ્રીય લોક મોર્ચાના ઉપેન્દ્ર કુશવાહા અને ભાજપ રાજ્ય એકમના મહાસચિવ શિવેશ કુમારનો સમાવેશ થાય છે.

વિરોધ પક્ષ તરફથી રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના અમરેન્દ્ર ધારી સિંહ ઉમેદવાર છે. RJD પાસે માત્ર 25 ધારાસભ્યો છે. મહાગઠબંધનના સાથીઓના વધારાના 10 મત હોવા છતાં અમરેન્દ્ર ધારી સિંહને જિતાડવા માટે પાર્ટીને ઓછામાં ઓછા વધુ છ ધારાસભ્યોના સમર્થનની જરૂર છે. RJDને ‘ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદ-ઉલ-મુસ્લિમિન’ (AIMIM)ના પાંચ ધારાસભ્યોના સમર્થન પર ખાસ વિશ્વાસ છે.

પાંચમી બેઠક પર અટક્યો છે મામલો

આંકડાકીય રીતે NDA ચાર બેઠકો પર મજબૂત સ્થિતિમાં છે, જ્યારે પાંચમી બેઠક માટે તેની પાસે થોડા મતોની કમી છે. આ કારણે વિરોધ પક્ષે RJDના અમરેન્દ્ર ધારી સિંહને ઉમેદવાર બનાવી ચૂંટણીને રસપ્રદ બનાવી દીધી છે.

ઓડિશામાં ક્રોસ વોટિંગની શક્યતા

ચોથી બેઠક માટેનો મુકાબલો રસપ્રદ માનવામાં આવી રહ્યો છે, કારણ કે ભાજપ કે બીજેડી — બંને પાસે જીત માટે પૂરતું સંખ્યાબળ નથી, જેને કારણે ક્રોસ વોટિંગની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. 147 સભ્યોની ઓડિશા વિધાનસભામાં ભાજપના 79 ધારાસભ્યો છે અને તેને ત્રણ અપક્ષ ધારાસભ્યોનું સમર્થન મળ્યું છે. બીજી તરફ, બે ધારાસભ્યોના સસ્પેન્શન બાદ BJD પાસે 48 સભ્યો છે. કોંગ્રેસના 14 ધારાસભ્યો છે અને એક ધારાસભ્ય માર્ક્સવાદી કોમ્યુનિસ્ટ પાર્ટીનો છે.