Home Blog Page 1740

ગોલ્ડ ETFએ તોડ્યા રોકાણના રેકોર્ડ

સોનાના ભાવ છેલ્લા એક મહિનાથી ભારે વોલેટાઈલ રહ્યા છે. સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભાવ ઓલટાઈમ હાઈ બાદ કિંમતોમાં થોડી નરમાશ આવતી જોવા મળી રહી છે.ભૈતિક તણાવ અને સેન્ટ્રલ બેન્કોથી ખરીદીથી સોનાની કિંમતોને મળ્યો હતો સપોર્ટ. જ્યારે સોનાની કિંમતોમાં તેજી આવતા ગોલ્ડ ઈટીએફમાં પણ રોકાણ વધ્યું છે.

દેશમાં ગોલ્ડ ઈટીએફ રૂપિયા 827.43 કરોડનું રોકાણ નોંધાયુ છે. જ્યારે ગતવર્ષે ગોલ્ડ ઈટીએફમાં 103.12 કરોડનું રોકાણ થયુ હતું. 2024ના પ્રથમ પાંચ માસમાં ગોલ્ડ ઈટીએફમાં કુલ રૂ. 2459.78 કરોડનું ચોખ્ખુ રોકાણ નોંધાયુ છે.
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના રિપોર્ટ પ્રમાણે, વૈશ્વિક સ્તરે સતત 12 મહિને ગોલ્ડ ઈટીએફમાં વેચવાલી નોંધાયા બાદ મેમાં રોકાણ વધ્યું છે. મે-2024 દરમિયાન વૈશ્વિક સ્તરે ગોલ્ડ ઈટીએફમાં રોકાણ 0.5 અબજ ડોલરની વૃદ્ધિ થઈ છે.

ગોલ્ડ ETF શું છે?

ગોલ્ડ ઈટીએફ એ ભૌતિક સોનાની જેટલુ જ કિંમતી પરંતુ તેનું ઈલેક્ટ્રોનિક સ્વરૂપ છે. ગોલ્ડ ઈટીએફ (એક્સચેન્જ-ટ્રેડેડ ફંડ)નો ઉદ્દેશ ભૌતિક સોનાની કિંમતોને અનુસરતાં રોકાણકારોને તેની સમકક્ષ રિટર્ન આપવાનો છે. જેમાં સોનાની ગણતરી યુનિટમાં થાય છે. 1 યુનિટ=1 ગ્રામ. અર્થાત તમે લઘુત્તમ 1 ગ્રામ સોનાની ખરીદી ગોલ્ડ ઈટીએફ પેટે કરી શકો છો.

 

મુંબઈ: બેડરૂમમાંથી લટકતી હાલતમાં મળ્યો આ અભિનેત્રીનો મૃતદેહ

મુંબઈ: તાજેતરમાં એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાંથી એક ખૂબ જ દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. સમાચાર છે કે એક પ્રખ્યાત અભિનેત્રીએ પંખાથી લટકીને આત્મહત્યા કરી લીધી છે. તે અભિનેત્રી છે નૂર માલબીકા દાસ, જેણે વર્ષ 2023માં રિલીઝ થયેલી કાજોલની વેબ સિરીઝ ‘ધ ટ્રાયલ’માં કામ કર્યું હતું. પોલીસને નૂરનો મૃતદેહ તેના ફ્લેટમાં પંખા સાથે લટકતો મળી આવ્યો હતો. માનવામાં આવે છે કે નૂરે બેડરૂમના પંખા સાથે લટકીને આત્મહત્યા કરી લીધી છે. અભિનેત્રીના મૃત્યુના સમાચારથી સમગ્ર ઈન્ડસ્ટ્રીને આઘાત લાગ્યો છે.

પોલીસને કોણે જાણ કરી?
આ ઘટના વિશે વાત કરતા મુંબઈ પોલીસે જણાવ્યું કે ઓશિવરા પોલીસને અભિનેત્રીના પડોશીઓએ ફ્લેટમાંથી આવતી દુર્ગંધ અંગે જાણ કરી હતી. આ પછી માહિતી મળતાની સાથે જ પોલીસ અભિનેત્રીના ઘરે પહોંચી અને દરવાજો તોડીને નૂરના ફ્લેટમાં પ્રવેશ્યા તો પોલીસને અભિનેત્રીનો મૃતદેહ પંખાથી લટકેલી હાલતમાં જોવા મળ્યો. હાલ પોલીસે અભિનેત્રીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. રિપોર્ટ આવ્યા બાદ જ વધુ માહિતી મળશે.

કોણ હતી નૂર મલબિકા?
તમને જણાવી દઈએ કે 32 વર્ષની નૂર મલબીકા આસામની રહેવાસી હતી. તેણે ઘણી હિન્દી ફિલ્મો અને વેબ સિરીઝમાં લીડ એક્ટ્રેસ તરીકે કામ કર્યું છે. જેમાં ‘સિકિયાં’, ‘વોકમેન’, ‘ટીખી ચટની’, ‘જગણ્યા ઉપાયા’, ‘ચાર્મસુખ’, ‘દેખી અનદેખી’, ‘બેકરોડ હસ્ટલ’ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. આ સિવાય, તે છેલ્લે ડિઝની પ્લસ હોટસ્ટાર પર સ્ટ્રીમ થયેલી ‘ધ ટ્રાયલ’માં જોવા મળી હતી. આ શોમાં કાજોલ અને જીશુ સેનગુપ્તા પણ જોવા મળ્યા હતા. નૂર સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ હતી. તેણે પાંચ દિવસ પહેલા તેનો હસતો વીડિયો શેર કર્યો હતો, જેમાં તે એકદમ ગ્લેમરસ લાગી રહી હતી.

ક્રૂડમાં આવી સ્થિરતા, સોના-ચાંદીની ચમક ઘટી

ભારતીય શેરબજારની સળંગ ત્રણ દિવસની તેજીને આજે વિરામ લાગ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટી 50એ આજે સર્વોચ્ચ ટોચ નોંધાવ્યા બાદ પ્રોફિટ બુકિંગ વધતાં ઘટાડે બંધ રહ્યા હતા. રોકાણકારોની મૂડી આજે 1.67 લાખ કરોડ વધી છે.

સોના-ચાંદીની ચમકમાં ઘટાડો આવતો જોવા મળી રહ્યો છે. વૈશ્વિક બજારમાં ભાવ 23161 ડૉલરની આસપાસ કારોબાર કરી રહ્યા છે. તો સ્થાનિક બજારમાં શરૂઆતી કારોબારમાં ફ્લેટ કામકાજ જોવા મળ્યું. જ્યારે ચાંદી પણ મામૂલી તેજી સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે. નોંધનીય છે કે  USના મજબૂત રોજગાર આંકડાઓના કારણે સોનાની કિંમતો પર દબાણ બન્યું. તો ક્રૂડ ઓઈલમાં ત્રણ સપ્તાહની નરમાશ બાદ સ્થિર કારોબાર રહ્યો, જ્યાં બ્રેન્ટના ભાવ 80 ડૉલરની પાસે પહોંચ્યા તો, તો nymex ક્રૂડમાં 75 ડૉલરની આસપાસ કારોબાર જોવા મળ્યો. ઉલ્લેખનીય છે કે ક્રૂડની કિંમતોને USમાં વ્યાજ દર ઘટવાની આશાએ સપોર્ટ મળતો દેખાયો.

મેટલ્સનીમાં પણ વેચવાલી સાથેનો કારોબાર જોવા મળ્યો. જ્યાં શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં મોટાભાગની મેટલ્સમાં નરમાશ રહી. ઝિકમાં સૌથી વધુ વેચવાલી રહી. આ સાથે જ વૈશ્વિક બજારમાં કોપરના ભાવ ઘટીને 1 મહિનાના નીચલા સ્તરની પાસે પહોંચ્યા, માગ ઘટવાના કારણે અને ડૉલર ઇન્ડેક્સમાં નરમાશથી મેટલ્સની કિંમતો પર અસર જોવા મળી.

ગુજરાતમાં વરસાદી માહોલ છવાયો

દેશના અનેક રાજ્યોમાં ચોમાસાનું આગમન થઈ ચૂક્યુ છે ત્યારે હવે ગુજરાતમાં પણ ધીરે ધીરે વરસાદી માહોલ જામી રહ્યો છે. ગુજરાતનાં કુલ 35 તાલુકાઓમાં વરસાદી માહોલ છવાયો છે. જેમાં એકથી ત્રણ ઈંચ સુધી મેઘ ખાબક્યો છે. તેમજ અમરેલીના બાબરામાં બે કલાકમાં 3 ઈંચ, છોટા ઉદેપુરના કવાંટમાં પોણા બે ઈંચ વરસાદ ખાબક્યો છે. અમદાવાદના એસજી હાઈવે, ઘાટલોડિયા, વસ્ત્રાપુર, પાલડી સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ આવ્યો હતો. તથા તિલકવાડા, ડોલવણ અને નાંદોદમાં સવા ઈંચથી વધુ જ્યારે જાંબુઘોડામાં એક ઈંચ વરસાદ પડયો છે.

રવિવારે સાંજના 4થી 6 વાગ્યા સુધીના 2 કલાકમાં રાજ્યનાં કુલ 35 તાલુકાઓમાં વરસાદી માહોલ છવાયો હતો, જેમાં સૌથી વધુ અમરેલીના બાબરા તાલુકામાં બે કલાકમાં ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત છોટા ઉદેપુરના ક્વાંટમાં પોણા બે ઈંચ, નર્મદા જિલ્લાના તીલકવાડા અને નાંદોદમાં સવા ઈંચ અને તાપી જિલ્લાના ડોલવણ વ્યારા અને સોનગઢમાં પણ સવા ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. તાપીના વ્યારા, જાંબુઘોડા સહિતના વિસ્તારોમાં પણ એક ઈંચ જ્યારે અમરેલીના ખંભાળિયા અને ભરૂચનાં નેત્રંગ તાલુકામાં અડધા ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. અમદાવાદમાં પણ રાતના આઠ વાગ્યા પછી વાતાવરણમાં પલટો આવ્યો હતો. ભારે પવન સાથે એસજી હાઈવે, પ્રહલાદનગર, મકરબા, ન્યૂ રાણિપ, જગતપુર, ઘોડાસર, ઈસનપુર, રખિયાલ મણિનગર, કાંકરિયા, પાલડી, વસ્ત્રાપુર, ઘાટલોડિયા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડયો હતો.

વરસાદી માહોલ છવાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ભરૂચના શુક્લતીર્થ ગામમાં ભારે પવન ફુંકાતા વડનું વૃક્ષ ઘરાશાયી થતાં કાર અને રીક્ષા દબાઈ ગઈ હતી, જેમાં મહિલા સહિત ત્રણનાં મોત નીપજ્યા છે. આ ઉપરાંત વડોદરાના અકોટા ખાતે વીજળી પડતાં એક યુવકનું મોત નીપજ્યું હતું. સો વર્ષ જૂનું વૃક્ષ ધરાશાયી થતાં વૃક્ષ નીચે કાર અને રીક્ષા દબાઈ ગઈ હતી. રીક્ષામાં બેઠેલ એક મહિલાનું ઘટના સ્થળ પર જ જ્યારે કારમાં સવાર બે યુવકના સારવાર દરમિયાન મોત નીપજ્યાં હતાં. આ ઉપરાંત વડોદરાના અકોટામાં વીજળી પડતા એક આધેડનું મોત નીપજ્યું હતું.

રાજ્યમાં શાળાઓ ક્યારે શરૂ થશે 13 કે 20 જૂન? જાણો

ઉનાળા વેકેશનને પૂર્ણ થવાના આડે હવે ગણતરિના દિવસો બાકી છે. ત્યારે વિદ્યાર્થીઓ અને વાલીઓ અસમંજસમાં છે કે શાળાઓ ક્યારે શરૂ થઈ રહી છે. કારણ કે આજકાલ અફવાઓ ચાલી રહી છે કે ઉનાળું વેકેશન લંબાવવામાં આવ્યું છે. જોકે ગુજરાત બોર્ડ દ્ધારા આ બાબતે સ્પષ્ટાતા કરવામાં આવી છે કે શાળોઓમાં નવું શૈક્ષણિક સત્ર 13મી જૂનથી શરૂ થશે.

ગુજરાતમાં આ વખતે ગરમીના પ્રકોપાના કારણે રાજ્ય શાળા સંચાલક મંડળ અને વાલી અધિકાર ગ્રૂપ દ્વારા માંગ કરવામાં આવી હતી કે શાળાઓ 13મી જૂનના બદલે 20મી જૂનથી શરૂ કરવામાં આવે. જોકે આ અંગે હવે ગુજરાત શિક્ષણ બોર્ડ, પ્રાથમિક શિક્ષણ નિયામક અને અમદાવાદના DEO કચેરીના પદાધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે વેકેશનની તારીખ લંબાવવામાં નહીં આવે.

અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ આ મામલે જણાવ્યું હતું કે, ‘વાલીઓએ આવી ખોટી માહિતીથી દોરવાઈ જવું નહીં. વેકેશનની મુદત એક સપ્તાહ વધારવા માટેની એક અરજી શાળા સંચાલક મંડળ દ્વારા કરવામાં આવી હતી પરંતુ શાળાઓ રાબેતા મુજબ જ શરૂ થઈ રહી છે.

નોંધનીય છે કે  ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળે મુખ્યમંત્રીને આકરી ગરમીને કારણે વેકેશન લંબાવવા પત્ર લખ્યો હતો. જેમાં હીટવેવના કારણે શાળાના વેકેશનનો સમય એક અઠવાડિયા લંબાવવા રજૂઆત કરી હતી. સાથે જ લોકસભાની ચૂંટણી કારણે નવી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની અરજીઓનો નિર્ણય પડતર હોવાની રજૂઆત કરી હતી. શાળાઓ 13 જૂનના બદલે 20 જૂને શરુ કરવા ભલામણ કરી હતી.

જોકે હવે શાળાઓમાંથી પણ વાલીઓના વોટ્સએપ ગ્રુપ પર નવું શૈક્ષણિક સત્ર 13 જૂનથી શરૂ થઈ રહ્યું છે એવા મેસેજ આવવાના શરૂ થઈ ગયા છે. માટે અફવાઓનો અંત આવતા વિદ્યાર્થીઓ પણ 13 જૂન અને ગુરુવારે શાળાએ જવાની તૈયારી કરવામાં લાગી ગયા છે.

આ તે રાષ્ટ્રપતિ ભવનમાં કેવી હલચલ?

નવી દિલ્હી: ગઈકાલે  એટલે કે 9મી જૂનના સતત ત્રીજી વખત નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. જેમાં લગભગ 7000થી વધુ લોકો આમંત્રણ મોકલવામાં આવ્યું હતું. આ સાથે જ દેશના વડાઓ પણ શપથ ગ્રહણ મહોત્સવમાં હાજરી આપી હતી.

નરેન્દ્ર મોદી દેશના ત્રીજી વખત વડાપ્રધાન બની ગયા છે. પ્રધાનમંત્રી સાથે 72 મંત્રીઓએ પણ શપથ લીધા હતા. આ સમારોહમાં દેશ-વિદેશના દિગ્ગજ નેતાઓબોલિવૂડ કલાકારોવેપાર-જગતની હસ્તીઓ સહિત સાત હજારથી વધુ મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે શપથ ગ્રહણ મહોત્સવ દરમિયાન રાષ્ટ્રપતિ ભવનમાં એક અનોખી હલચલ જોવા મળી હતી. હાલ એ અજાણી અનોખી હલચલનો વિડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. સૂત્રોનું માનીએ તો આ પડછાયો કોઈ દીપડાનો હોય તેવી અટકળો લગાવવામાં આવી રહી છે. વિડિયો વાયરલ થવાની સાથે જ અનેક પ્રશ્ન પણ ઉભા થઈ રહ્યા છે. આ દીપડો રાષ્ટ્રપતિ ભવનમાં શું કરી રહ્યો છેસાથે સુરક્ષાને લઈ પણ કેટલાક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.

(સૌજન્ય: we, the people of india)

દીપડાનો વાયરલ થયેલો વીડિયો 12 સેકન્ડનો છે, જેમાં શપથ લીધા બાદ મંત્રી દુર્ગાદાસ હસ્તાક્ષર કરતા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન તેમની પાછળ રાષ્ટ્રપતિ ભવનની સીડીઓ પર એક જંગલી પ્રાણી પસાર થતો જોવા મળી રહ્યો છે. જોકે આ કયું જંગલી પ્રાણી છે, તે હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી. પરંતુ એવો અંદાજ લગાવી રહ્યો છે કે, આ દીપડો હતો.

વીડિયોમાં દેખાતા પ્રાણીના ચિત્ર પરથી એવો અંદાજ લગાવી રહ્યો છે કે, આ લગભગ દીપડો જ હતો. કેટલાક લોકોનું કહેવું છે કે, ત્યાં કદાચ કોઈ પાલતુ પ્રાણી છે. જોકે હજુ સુધી આ વિડિયોને કોઈ પુષ્ટિ સામે આવી નથી. બીજી તરફ સોશિયલ મીડિયા યુઝર્સે આ વીડિયોની ખરાઈ પર પણ શંકા વ્યક્ત કરી રહ્યા છે.

આ તારીખે શરૂ થઈ શકે છે લોકસભાનું સંસદીય સત્ર

લોકસભા ચૂંટણીના પરિણામો પછી નવી સરકારની રચના થઇ ગઇ છે. ભાજપના નેતૃત્ત્વમાં NDAના નેતાઓએ મંત્રી પદના શપથ પણ લઇ લીધા છે. હવે લોકસભાનું પ્રથમ સેશન 18 કે 19 જૂનથી શરૂ થઇ શકે છે. પ્રથમ સત્રની શરૂઆત નવા ચૂંટાયેલા સાંસદોના શપથ ગ્રહણ સાથે શરૂ થશે. ત્યાર પછી  સાંસદો તરફથી લોકસભા અધ્યક્ષની ચૂંટણી કરવામાં આવશે.

સંસદનું પ્રથમ સત્ર 18થી 20 જૂન ત્રણ દિવસ સુધી ચાલશે. સૌથી પહેલા રાષ્ટ્રપતિ પ્રોટેમ સ્પીકરને શપથ લેવડાવશે. પ્રોટેમ સ્પીકર તે બાદ તમામ 543 સાંસદ સભ્યોને શપથ લેવડાવશે. 20 જૂને જ  લોકસભાના અધ્યક્ષની ચૂંટણી યોજાઇ શકે છે. 21 જૂને રાષ્ટ્રપતિનું બન્ને સદનોને સંયુક્ત અભિભાષણ યોજાઇ શકે છે.

ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદીએ રવિવારે રાષ્ટ્રપતિ ભવનમાં ત્રીજી વખત વડાપ્રધાન પદના શપથ લીધા હતા. એમની સાથે 71 સભ્યના મંત્રી મંડળના સભ્યોએ પણ શપથ લીધા હતા. વડાપ્રધાનના નેતૃત્ત્વમાં નવી કેબિનેટમાં 30 મંત્રી, 5 સ્વતંત્ર પ્રભાર ધરાવતા રાજ્ય મંત્રી અને 36 રાજ્ય મંત્રી સહિત કૂલ 71 સાંસદોને મંત્રી પદના શપથ લેવડાવવામાં આવ્યા છે.

નોંધનીય છે કે મોદીના કેબિનેટમાં ગુજરાતના 6, મહારાષ્ટ્રના 6, ઉત્તર પ્રદેશના 9, ઓરિસ્સાના 3, બિહારના 8, કર્ણાટકના 5, મધ્ય પ્રદેશના 4, જમ્મુ કાશ્મીર અને અરૂણાચલ પ્રદેશના 1-1, રાજસ્થાનના 4, હરિયાણાના 3 સાંસદોને તક મળી છે. હવે પીએમ મોદી આગળની રણનીતિ નક્કી કરશે.

મોદી કેબિનેટ 3.0માં ગુજરાતના એકમાત્ર મહિલા પ્રધાન

ભાવનગર લોકસભા બેઠક પરથી ભાજપે નિમુબેન બાંભણિયા આપી ટીકિટ અને એમનો ભવ્ય વિજય પણ થયો. હવે મોદી કેબિનેટ 3.0માં સ્થાન પ્રાપ્ત કરનાર નિમુબેન ગુજરાતના એકમાત્ર મહિલા પ્રધાન હશે. એ પ્રથમ વખત જ લોકસભાની ચૂંટણી લડયા, અને પહેલી જ વારમાં અગાઉના બે ટર્મના સાંસદના રેકોર્ડ તોડ્યા છે. ભાવનગરમાં ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવારને જોરદાર ટક્કર આપીને હવે તેઓ કેન્દ્રીય મંત્રીમંડળમાં સ્થાન મેળવશે.

ઉલ્લેખનીય છે કે, ભાજપે ભાવનગર બેઠક પરથી તળપદા કોળી સમાજમાંથી આવતા નિમુબેન બાંભણીયાને ટિકીટ આપી અન નિમુબેને પહેલી વારમાં જ સિક્સર મારી. ગુજરાતમાં એક તો ભાવનગર અને બીજી ભરૂચ બેઠક પર આપ અને કોંગ્રેસે ગઠબંધન કરી ઇન્ડિયા ગઠબંધન હેઠળ ચૂંટણી લડી. ભાવનગરમાં ભાજપ તરફથી નિમુબેન પ્રથમ વખત લોકસભાની ચૂંટણી લડ્યા. તો ઇન્ડિયા ગઠબંધન તરફથી આમ આદમી પાર્ટીના ઉમેશ મકવાણા મેદાને હતા.

ભાવનગરમાં કોળી સમાજનું પ્રભુત્વ વધુ છે અને તે ત્યાં સ્થાનિક રાજકરણ પર પણ અસર કરે છે. કોળી સમાજમાંથી આવતા નિમુબેન 2005થી 2020 સુધી સતત 3 ટર્મ ભાવનગર મનપામાં કોર્પોરેટર રહી ચૂક્યા છે. બે વખત તેઓ મેયર પણ રહી ચૂક્યા છે અને સંગઠનાત્મક કામોમાં તેમની પકડ પણ વધુ મજબુત છે. નિમુબેન શહેર સંગઠનમાં મહિલા પ્રમુખ અને ઉપપિરમુખની જવાબદારી નિભાવી ચૂક્યા છે. સાથે જ પ્રદેશમાં પણ અમરેલી, સુરન્દ્રનગર, ભાવનગર શહેર મહિલા મોરચા તથા જુનાગઢના પ્રભારી પણ રહી ચૂક્યા છે.

નિમુબેનની છાપ આદર્શ તેમજ સાલસ વ્યક્તિ તરીકેની છે અને સ્થાનિક રાજકારણમાં જમીની સ્તર પર તેમની પકડ સારી છે. એટલે ચૂંટણી દરમિયાન પણ રાજકોટ, જૂનાગઢ અને અમરેલીમાં નિરીક્ષક તરીકે સેવા આપી ચૂક્યા છે. સાથે જ સેવાભાવી સંસ્થાઓ સાથે પણ જાડોયેલા છે. નિમુબેન અખિલ ભારતીય કોળી સમાજ, નવી દિલ્હીમાં સભ્ય છે. આ સાથે રાષ્ટ્રીય મહિલા મોરચા મહામંત્રી પણ છે. નિમુબેનની છબી સાફ છે અને હવે તેઓ મોદી કેબિનેટ 3.0માં ગુજરાતના એકમાત્ર મહિલા પ્રધાન હશે.

આવ્યો રે મેઘરાજ, કહેર લાવ્યો રે મેઘરાજ!

રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે ગુજરાતના કેટલાક વિસ્તારમાં મેઘ મહેર જોવા પણ મળી રહી છે. ત્યારે ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર ગુજરાતમાં 12 જૂન સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે ગતરોજ વહેલી સવારથી જ વલસાડથી શરૂ થયેલી મેઘમહેર સમગ્ર રાજ્યમાં જોવા મળી રહી હતી. ગુજરાતના ચારેય ઝોનમાં ભારેથી સામાન્ય વરસાદ વરસ્યો હતો.

ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદ છાંટાથી લઈ ભારે વરસાદ જોવા મળ્યો. નોંધનીય છે કે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 72 તાલુકામાં વરસાદ ખાબક્યો હતો. જેમાં સૌથી વધુ વરસાદ તાપીમાં પોણા ચાર ઈંચ વરસાદ વરસ્યો હતો. તેમજ વલસાડ જિલ્લામાં રાત્રે પણ વરસાદ જોવા મળ્યો હતો. ભારે વરસાદથી વલસાડ અને તાપામાં વરસાદી પાણી વહેતા થયા.

રાજ્યમાં વરસાદની ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે, પરંતુ પ્રથમ વરસાદમાં જ રાજ્યના અલગ-અલગ વિસ્તારમાં 5 લોકોનાં મોત થયાં છે. ભરૂચમાં વૃક્ષ નીચે દબાઈ જતાં ત્રણનાં મોત તો વડોદરામાં વીજળી પડતા એકનું મોત જ્યારે અમરેલીમાં એક બોલેરો ગાડી તણાઈ જતા બોલેરો ચાલકનું મોત નીપજ્યું છે.

હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આજે અમદાવાદ, બોટાદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ તેમજ સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ સહિતમાં ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે વરસાદ વરસી શકે છે.

મોદીના શપથ પર પાકિસ્તાની PM શાહબાઝ શરીફે કરી આ પોસ્ટ, જાણો શું કહ્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સતત ત્રીજી વખત દેશના પીએમ બનવા પર તમામ દેશો અભિનંદન સંદેશ મોકલી રહ્યા છે. રવિવારે (9 જૂન, 2024)ના રોજ પીએમ મોદીના શપથ ગ્રહણ સમારોહમાં માલવિડના પ્રમુખ મોહમ્મદ મુઈઝુએ પણ હાજરી આપી હતી. બંને દેશો વચ્ચે ચાલી રહેલા તણાવપૂર્ણ સંબંધો વચ્ચે આ કાર્યક્રમમાં તેમની ભાગીદારીને સકારાત્મક વલણ તરીકે જોવામાં આવી રહી છે. આ દરમિયાન પાડોશી દેશ પાકિસ્તાને પણ પીએમ મોદીને અભિનંદન પાઠવ્યા છે.

પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને કહ્યું કે નરેન્દ્ર મોદીને ભારતના વડાપ્રધાન બનવા પર અભિનંદન.

અગાઉ જ્યારે પાકિસ્તાનને આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે પીએમ મોદીને અભિનંદન આપવાનું ઉતાવળ છે કારણ કે તેમણે પીએમ તરીકે સત્તાવાર રીતે શપથ લીધા નથી. ઉલ્લેખનીય છે કે શનિવારે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મુમતાઝ ઝહરા બલોચે પીએમ મોદીના સતત ત્રીજી વખત વડાપ્રધાન બનવાના સવાલ પર કહ્યું, ‘અમને ભારતની ચૂંટણી પ્રક્રિયા પર ટિપ્પણી કરવાનો અધિકાર નથી. ભારતીય નાગરિકોનો અધિકાર છે કે તેઓ કોને તેમના નેતા તરીકે પસંદ કરવા માગે છે. નરેન્દ્ર મોદીએ હજુ સુધી સત્તાવાર રીતે પીએમ તરીકે શપથ લીધા નથી, તેથી તેમને અભિનંદન આપવાનું વહેલું છે.

ઝહરા બલોચે વધુમાં કહ્યું કે, પાકિસ્તાન હંમેશા ભારત સહિત તેના તમામ પડોશીઓ સાથે સારા અને સહયોગી સંબંધો ઈચ્છે છે. પાકિસ્તાન હંમેશા જમ્મુ-કાશ્મીર સહિત તમામ મુદ્દાઓને ઉકેલવા માટે રચનાત્મક વાતચીતની વકાલત કરતું આવ્યું છે.

આ પહેલા પીએમ મોદીએ શાહબાઝ શરીફને સતત બીજી વખત પાકિસ્તાનના વડાપ્રધાન બનવા પર અભિનંદન પાઠવ્યા હતા. પાકિસ્તાનમાં આ વર્ષની શરૂઆતમાં ચૂંટણી યોજાઈ હતી અને શહેબાઝ શરીફે બીજી વખત 5 માર્ચે વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા.

નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત પીએમ પદના શપથ લીધા છે. તેમણે રાષ્ટ્રપતિ ભવનમાં તેમના નવા કેબિનેટ સાથે શપથ લીધા. મોદી સરકાર 3.0માં કુલ મંત્રીઓની સંખ્યા 72 છે, જેમાંથી 30 મંત્રીઓ કેબિનેટનો ભાગ હશે.