Home Blog Page 1731

ગુજરાત : શાળામાં આજથી નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ

ગુજરાતમાં 54 હજારથી વધુ શાળામાં આજથી નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ થયો છે. જેમાં 1.15 કરોડ વિદ્યાર્થીઓના કિલ્લોલથી શાળાઓના કેમ્પસો ફરી ગુંજી ઊઠશે. તા.27, 28 અને 29મી જૂન આ ત્રણ દિવસ દરમિયાન શાળા પ્રવેશોત્સ યોજાશે. તથા ધોરણ.11માં પાછલા વર્ષોની સરખામણીએ દોઢ લાખ જેટલા વધુ વિદ્યાર્થી પ્રવેશ મેળવશે.

રાજ્યની 54 હજારથી વધુ શાળાઓમાં પડેલા 35 દિવસનું ઉનાળુ વેકેશન આજે પૂર્ણ થતા આજથી વર્ષ-2024-25ના નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ થશે. ઉનાળુ વેકેશન દરમિયાન સૂમસામ રહેલા શાળાઓના કેમ્પસ 1.15 કરોડથી વધુ વિદ્યાર્થીઓના કિલ્લોલથી ફરી ગૂંજી ઊઠશે.આ વખતે રાજ્યની તમામ શાળાઓમાં તા.27, 28 અને 29મી જૂન એમ ત્રણ દિવસ દરમિયાન પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડના એકેડેમિક કેલેન્ડર મુજબ, રાજ્યની સ્કૂલોમાં તા.6મે-2024થી તા.9 જૂન-2024 સુધીનું વેકેશન જાહેર કરાયું હતું, જે અન્વયે પ્રાથમિક નિયામક કચેરી દ્વારા તો પરિપત્ર પણ કરી દેવાયો હતો.

પરંતુ શાળાના શિક્ષકો સહિતના કર્મચારીઓ લોકસભા ચૂંટણીની કામગીરીમાં રોકાયેલા હોવાથી જાહેર કરેલ વેકેશન મોકૂફ રાખવાનો નિર્ણય લઈ તારીખમાં ફેરફાર કરાયો હતો. જે મુજબ તમામ શાળા અને કોલેજોમાં તા.9 મેથી ઉનાળુ વેકેશન જાહેર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આમ 43 હજારથી વધુ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી પ્રાથમિક શાળાઓ તેમજ 11,400થી વધુ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી હાઈસ્કૂલ મળી 54 હજારથી વધુ સ્કૂલોમાં તા.9મી મેથી તા. 12 જૂન સુધીનું 35 દિવસનું ઉનાળુ વેકેશન આપવામાં આવ્યુ હતુ, જે આજે પૂર્ણ થયુ છે.

રાજ્યમાં વધુ 30 જેટલી નવી નિવાસી શાળાઓનો પ્રારંભ થશે, કુલ સંખ્યા 50 નિવાસી શાળામાં 20 હજાર વિદ્યાર્થીને પ્રવેશ અપાશે. તથા નમો લક્ષ્મી, નમો સરસ્વતી અન્વયે આ વખતે પ્રથમવાર 12થી 14 લાખ વિદ્યાર્થીઓને રૂ.1,650 કરોડ સ્કોલરશીપ મળશે. તેમજ ધોરણ.11માં પાછલા વર્ષોની સરખામણીએ દોઢ લાખ જેટલા વધુ વિદ્યાર્થી પ્રવેશ મેળવશે. તથા વર્ગ-1નાં 8 જેટલા અધિકારીઓની ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે બઢતી આવશે.

NEETના 1563 વિદ્યાર્થીઓના ગ્રેસ માર્કસ રદ, NTA એ વિદ્યાર્થીઓને આપ્યા બે વિકલ્પ

મેડિકલ પ્રવેશ પરીક્ષા NEETમાં 1,563 વિદ્યાર્થીઓને આપવામાં આવેલા ગ્રેસ માર્કસ રદ કરવામાં આવશે. કેન્દ્રએ આ માહિતી સુપ્રીમ કોર્ટને આપી છે. ગુરુવારે સર્વોચ્ચ અદાલતને આપેલા નિવેદનમાં, કેન્દ્રએ જાહેરાત કરી કે આ 1,563 વિદ્યાર્થીઓને ફરીથી પરીક્ષા આપવાનો વિકલ્પ આપવામાં આવશે.

NTAએ સુપ્રીમ કોર્ટને કહ્યું છે કે ગ્રેસ માર્કસ મેળવનારા 1563 વિદ્યાર્થીઓને બે વિકલ્પ આપવામાં આવી રહ્યા છે. કાં તો આ ઉમેદવારો ગ્રેસ માર્કસ વિના NEET UG કાઉન્સેલિંગ માટે હાજર થઈ શકે અથવા ફરીથી NEET પરીક્ષા માટે હાજર થઈ શકે છે. NTA માત્ર 1563 વિદ્યાર્થીઓ માટે જ Re-NEET યોજશે જેઓ 6 પરીક્ષા કેન્દ્રો પર હાજર રહ્યા હતા. અસરગ્રસ્ત વિદ્યાર્થીઓ માટે NEET UG પુનઃ પરીક્ષા 23 જૂને લેવામાં આવશે.

NTAના વકીલે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે આજે જ પુનઃ પરીક્ષા માટે નોટિફિકેશન જારી કરવામાં આવશે. NEET રિ-પરીક્ષાનું પરિણામ જૂનમાં જ જાહેર કરવામાં આવશે જેથી જુલાઈમાં શરૂ થનારી કાઉન્સેલિંગને અસર ન થાય. 1563 વિદ્યાર્થીઓ પૈકી જેઓ પરીક્ષામાં બેસશે નહીં, તેમનું પરિણામ ગ્રેસ માર્કસ વિનાના સ્કોરકાર્ડના આધારે જ માન્ય રહેશે.

સુપ્રીમ કોર્ટે કાઉન્સિલિંગ પર પ્રતિબંધ મૂકવાનો ઇનકાર કર્યો

સુપ્રીમ કોર્ટે ગુરુવારે ફરી એકવાર NEET કાઉન્સિલિંગ પર પ્રતિબંધ મૂકવાનો ઇનકાર કર્યો હતો. હવે આ મામલે 8 જુલાઈએ સુનાવણી થશે. સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું કે કાઉન્સેલિંગ ચાલુ રહેશે અને અમે તેને રોકીશું નહીં. સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો અમારા નિર્ણયમાં પરીક્ષા રદ કરવાનો મુદ્દો સામેલ હશે તો કાઉન્સેલિંગ પણ આપોઆપ રદ થઈ જશે. તેથી વિદ્યાર્થીઓએ તેની ચિંતા ન કરવી જોઈએ.

નોંધનીય છે કે ગુરુવારે સુનાવણી હાથ ધરાયેલી ત્રણ અરજીઓમાં એવી માંગ કરવામાં આવી હતી કે ગ્રેસ માર્કસ આપવામાં ગેરરીતિઓ છે, તેથી NEET UG પરીક્ષા ફરીથી લેવામાં આવે. NEET પરિણામોને પડકારતી અરજીકર્તાઓએ કાઉન્સેલિંગ પર પ્રતિબંધ મૂકવાની પણ માંગ કરી છે.

ત્રણ પિટિશનમાંથી એક ફિઝિક્સ વાલાના સીઈઓ અલખ પાંડેએ દાખલ કરી છે. તેમણે દાવો કર્યો છે કે ગ્રેસ માર્ક્સ આપવાનો NTAનો નિર્ણય મનસ્વી છે. NTAએ વિદ્યાર્થીઓને જાણ કર્યા વિના અચાનક ગ્રેસ માર્ક્સ સાથેનું પરિણામ જાહેર કર્યું. આ અંગે કોઈ પૂર્વ સૂચના આપવામાં આવી ન હતી.

અહેવાલો અનુસાર, પાંડેને લગભગ 20,000 વિદ્યાર્થીઓની ફરિયાદો મળી છે જે દર્શાવે છે કે લગભગ 1500 વિદ્યાર્થીઓને 70 થી 80 માર્ક્સ સુધીના ગ્રેસ માર્ક્સ મળ્યા છે. બીજી અરજી SIO સભ્યો અબ્દુલ્લા મોહમ્મદ ફૈઝ અને ડૉ. શેખ રોશન મોહિદ્દીન દ્વારા દાખલ કરવામાં આવી છે, જેમાં NEET UG 2024 ના પરિણામો પાછા ખેંચવાની અને પરીક્ષા નવેસરથી યોજવાની માંગ કરવામાં આવી છે.

અરજદારોએ એનટીએ પર ગ્રેસ માર્કસ આપવામાં મનસ્વીતાનો આરોપ મૂક્યો હતો અને કહ્યું હતું કે 720માંથી 718 અને 719 માર્ક્સ મેળવવું અશક્ય છે. NTA પર આરોપ છે કે તેણે સમય ગુમાવવા માટે કેટલાક વિદ્યાર્થીઓને ગ્રેસ માર્ક્સ દ્વારા બેક ડોર એડમિશન આપવાનો પ્રયાસ કર્યો હતો. અરજદારોએ શંકા વ્યક્ત કરી છે કે એક કેન્દ્રમાંથી 6 ટોપર્સ કેવી રીતે હોઈ શકે. અરજીમાં પેપર લીકની તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી NEET કાઉન્સિલિંગ પર પ્રતિબંધ મૂકવાની પણ માંગ કરવામાં આવી છે. આ મામલે SITની રચના કરવાની પણ માંગ કરવામાં આવી છે.

ત્રીજી અરજી NEET ના ઉમેદવાર જરિપિતિ કાર્તિક દ્વારા દાખલ કરવામાં આવી છે, જેમાં પરીક્ષા દરમિયાન વેડફાયેલા સમય માટે વળતર તરીકે ગ્રેસ માર્ક્સ આપવામાં આવે છે અને તે જે રીતે આપવામાં આવે છે તેને પડકારતી હતી.

પાકિસ્તાનની સંસદમાં ભારતની ચૂંટણી પર કેમ થઈ રહી છે ચર્ચા?

ભારતના વિપક્ષી નેતાઓ ચૂંટણી પંચ અને ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનો (EVM) પર સવાલો ઉઠાવતા રહે છે. જોકે, પાકિસ્તાની સંસદમાં વિપક્ષી નેતાએ ઈવીએમ અને ભારતીય ચૂંટણી પ્રણાલીના વખાણ કર્યા છે. પાકિસ્તાનના વિપક્ષી નેતા શિબલી ફરાઝે પાકિસ્તાનની ચૂંટણી પ્રણાલી પર સવાલો ઉઠાવ્યા અને કહ્યું કે ભારતે આટલી મોટી ચૂંટણી કોઈપણ પ્રકારની ધાંધલધમાલ વગર કરાવી.

પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફે પાકિસ્તાનની ચૂંટણી પ્રક્રિયા અને ધાંધલ ધમાલ પર સવાલ ઉઠાવતા કહ્યું કે, ‘હું આપણા દુશ્મન દેશનું ઉદાહરણ આપવા માંગતો નથી, ત્યાં હમણાં જ ચૂંટણી થઈ છે… 80 કરોડ લોકોએ મતદાન કર્યું.. કેટલા હજાર મતદાન મથકો બનાવ્યા.. એક જ જગ્યાએ એક વ્યક્તિ માટે પણ મતદાન મથકો બનાવ્યા. એક મહિના કરતાં વધુ સમય સુધી ચૂંટણીઓ યોજાઈ, ઈવીએમનો ઉપયોગ કરીને ચૂંટણી યોજાઈ.

તેમણે વધુમાં કહ્યું, ‘આ સમયગાળા દરમિયાન, શું એક પણ અવાજ ઉઠ્યો હતો કે ચૂંટણીમાં ધાંધલ ધમાલ થઈ હતી? અમે પણ એવું જ ઈચ્છીએ છીએ. અમે નથી ઈચ્છતા કે આ દેશ આ ચૂંટણીમાં ફસાઈ જાય કે આ ચૂંટણી જીતી કે ન જીતનાર માને. આનાથી આપણી રાજનૈતિક વ્યવસ્થા સંપૂર્ણપણે પોકળ થઈ ગઈ છે. આપણે પણ આપણી ચૂંટણીઓ મુક્ત અને ન્યાયી રીતે કેમ ન કરાવી શકીએ?

ફરાજે કહ્યું કે વિશ્વની સૌથી મોટી લોકશાહી હોવા છતાં ભારતે છેતરપિંડીના આરોપો વિના તેની વિશાળ ચૂંટણીઓ સફળતાપૂર્વક યોજી છે. ફરાઝની પ્રશંસા ભારતની ચૂંટણી પ્રણાલીની શક્તિ અને પારદર્શિતા તરફ નિર્દેશ કરે છે અને કાર્યક્ષમતા અને વિશ્વસનીયતાનું એક મોડેલ સેટ કરે છે જે પાકિસ્તાન સહિત અન્ય લોકશાહીઓ માટે ઉદાહરણ તરીકે સેવા આપી શકે છે. નોંધનીય છે કે લોકસભા ચૂંટણી જીત્યા બાદ રાહુલ ગાંધીએ હાલમાં જ વાયનાડમાં બોલતા ચૂંટણી પંચ પર સવાલો ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે, ‘ચૂંટણી પંચે વડાપ્રધાનની ચૂંટણીલક્ષી જરૂરિયાતો અનુસાર ચૂંટણીની રચના કરી હતી.’

પાકિસ્તાનના પીએમ અને નવાઝ શરીફે પીએમ મોદીને તેમની જીત પર અભિનંદન પાઠવ્યા હતા

ભારતીય જનતા પાર્ટીની આગેવાની હેઠળના એનડીએ ગઠબંધનને લોકસભા ચૂંટણીના પરિણામોમાં બહુમતી મળી, ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ત્રીજી વખત પદના શપથ લીધા. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે પણ તેમની જીત પર તેમને અભિનંદન પાઠવ્યા છે.

શાહબાઝ શરીફે ટ્વીટમાં લખ્યું છે કે, નરેન્દ્ર મોદીને ભારતના વડાપ્રધાન તરીકે શપથ લેવા બદલ અભિનંદન.

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને પીએમએલ-એનના વડા નવાઝ શરીફે પીએમ મોદીને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા છે. તેણે સોશિયલ મીડિયા સાઈટ X પર એક ટ્વીટમાં લખ્યું કે, ‘ત્રીજી વખત સત્તા સંભાળવા બદલ મોદીજીને મારા હાર્દિક અભિનંદન. તાજેતરની ચૂંટણીઓમાં તમારા પક્ષની સફળતા દર્શાવે છે કે જનતાને તમારા નેતૃત્વમાં વિશ્વાસ છે. ચાલો આપણે નફરતને આશામાં ફેરવીએ અને દક્ષિણ એશિયાના બે અબજ લોકોના ભાગ્યને આકાર આપવાની તકનો લાભ લઈએ.

શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાની વધી મુશ્કેલી, ફસાયા આ કેસમાં

મુંબઈ: બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી કુંદ્રા અને તેના બિઝનેસમેન પતિ રાજ કુન્દ્રા ફરી એકવાર ચર્ચામાં છે. મુંબઈ સેશન્સ કોર્ટે પોલીસને શિલ્પા અને રાજ કુન્દ્રા સામે તપાસ કરવાનો આદેશ આપ્યો છે. વાસ્તવમાં, એક બુલિયન વેપારીએ અભિનેત્રી અને તેના પતિ પર છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે. જેના કારણે કોર્ટે બંને સામે તપાસના આદેશ આપ્યા છે. કોર્ટમાં દાખલ કરવામાં આવેલ છેતરપિંડીનો કેસ પ્રથમ દૃષ્ટિએ એક કોગ્નિઝેબલ ગુનો છે. કોર્ટે આ કેસમાં કહ્યું છે કે પ્રાથમિક દૃષ્ટિએ એવું લાગે છે કે અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રા વિરુદ્ધ બુલિયન વેપારી દ્વારા કોર્ટમાં દાખલ કરવામાં આવેલ છેતરપિંડીનો કેસ સાચો છે.

આરોપો સાચા સાબિત થશે તો કાર્યવાહી કરવામાં આવશે
સેશન્સ કોર્ટના જજ એનપી મહેતાએ બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (BKC)ને બુલિયન વેપારી પૃથ્વીરાજ સરેમલ કોઠારીની ફરિયાદમાં લાગેલા આરોપોની તપાસ કરવાનો નિર્દેશ આપ્યો છે. આ સિવાય કોર્ટે પોતાના આદેશમાં કહ્યું છે કે જો તપાસ બાદ આરોપ સાચો સાબિત થાય તો પોલીસે આ કેસમાં આઈપીસીની તમામ જરૂરી કલમો હેઠળ એફઆઈઆર નોંધવી જોઈએ અને અભિનેત્રી અને તેના પતિ વિરુદ્ધ યોગ્ય તપાસ કરવી જોઈએ. .

કોર્ટે તપાસનો આદેશ આપ્યો હતો
કોર્ટે કહ્યું કે જો આરોપીઓ દ્વારા કોઈ કોગ્નિઝેબલ ગુનો (પોલીસ અધિકારના ગુનાને કોગ્નિઝેબલ ગુનો કહે છે જેમાં ગુનાના આરોપીને વગર વોરંટે પકડવાની સત્તા પોલીસ ધરાવે છે) કરવામાં આવ્યો હોય તો પોલીસ બંને સામે જરૂરી કાર્યવાહી કરી શકે છે. શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રા સત્યયુગ ગોલ્ડ પ્રાઈવેટ લિમિટેડ નામની કંપનીના સ્થાપક હોવાનું કહેવાય છે અને કોઠારી વતી કોર્ટમાં હાજર રહેલા વકીલે જણાવ્યું હતું કે 2014માં એક સ્કીમ શરૂ કરવામાં આવી હતી, જેના હેઠળ રોકાણ કરવા ઈચ્છુક વ્યક્તિઓ અરજી કરી રહ્યા હતા આ માટે, રાહત દરે સોનાની સંપૂર્ણ ચૂકવણી કરવી પડશે અને પરિપક્વતાની તારીખે વ્યક્તિને સોનાનો એક નિશ્ચિત જથ્થો આપવામાં આવશે.

બુલિયન વેપારીના વકીલોએ શું કહ્યું?
પીડિત બુલિયન ટ્રેડરના વકીલોનું કહેવું છે કે આવી સ્કીમ વિશે વાંચીને જ સ્પષ્ટ થશે કે સોનું તે સમયે બજાર કિંમતને ધ્યાનમાં લીધા વિના સંબંધિત ડિરેક્ટરને આપવામાં આવશે, જે બતાવવા માટે પૂરતું છે કે આવી કોઈ યોજના નથી. જેના આધારે આવી યોજના બનાવવામાં આવી હતી.

5 વર્ષ પૂરા થવા છતાં સોનું મળ્યું નથી
અહેવાલ મુજબ, શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા કોઠારીને મળ્યા હતા અને તેમને સમયસર સોનું આપવાનું આશ્વાસન આપ્યું હતું. બંનેની ખાતરી પર કોઠારીએ સ્કીમમાં રૂ. 90 લાખનું રોકાણ કર્યું હતું. આ અંતર્ગત તેમને 2 એપ્રિલ 2019ના રોજ 5 વર્ષ પૂરા થવા પર 5000 ગ્રામ 24 કેરેટ સોનું આપવાનું વચન આપવામાં આવ્યું હતું. તેમને કહેવામાં આવ્યું હતું કે બજાર કિંમતને ધ્યાનમાં લીધા વિના તેમને સોનું આપવામાં આવશે, પરંતુ 5 વર્ષ પૂરા થવા પર પણ શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાની કંપનીએ પોતાનું વચન પૂરું કર્યું ન હતું કે કોઠારીને તેમની કંપની પાસેથી સોનું મળ્યું ન હતું. જો કે, આ પહેલીવાર નથી જ્યારે શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રા વિવાદમાં ફસાયા હોય, આ પહેલા પણ અભિનેત્રી અને તેના બિઝનેસમેન પતિનું નામ ઘણા વિવાદોમાં ફસાયું છે.

આ છે અમદાવાદના નગરદેવી..

અમદાવાદના મધ્યમાં ભદ્રના કિલ્લા નજીકના ચોકમાં આદ્યશક્તિસ્વરૂપ ભદ્રકાળી માતાજી બિરાજે છે. મોગલ સામ્રાજ્યના બાદશાહ, સુબા અમલદારો સહિત આખુંય નગર જેની સમક્ષ શીશ ઝુકાવીને પૂજા અર્ચના કરતા. ભદ્રકાળી માતાને નગરદેવી કહેવામાં આવે છે. ઇ.સ.૧૪૧૧માં જ્યારે અહમદશાહે કર્ણાવતી નગરીની સ્થાપના કરી ત્યારે ભદ્રનો કિલ્લો બનાવ્યો હતો. એ સમયે પણ અહીં ભદ્રકાળીનું મંદિર હતું. અહમદશાહના પછીના બાદશાહો પણ ભદ્રકાળીમાં આસ્થા રાખતા. મુગલ સુબા આઝમખાન તરફથી ભદ્રકાળીને ચુંદડી અર્પણ થતી. એવી માન્યતા છે કે મરાઠાયુગમાં  પ્રકટ થયેલા ભદ્રકાળી માતાજી પાંડવોની કુળદેવી ગણાય છે.

ગુજરાતભરના લોકો ભદ્રની આસપાસના વિસ્તારમાં ભરાતા બજારમાં ખરીદી કરવા આવે છે. નવરાત્રિમાં તો માનવ મહેરામણ ઉભરાય છે. શ્રધ્ધાળુઓ પગપાળા માના દર્શન કરવા આવે છે. ‘મા’ને રોજ નવી ચુંદડી ઓઢાડવામાં આવે છે. ચૈત્ર મહિનામાં ભક્તો દ્વારા અનુષ્ઠાન કરાય છે. તંત્ર ચુડામણિ ગ્રંથમાં શક્તિપીઠોનું વર્ણન કરાયું છે એમાં ભદ્રકાળીનું વર્ણન છે. ચોરસ બાંધકામને ભદ્ર કહેવાય છે એટલે કાલી સાથે ભદ્ર શબ્દ લાગતા ભદ્રકાલી કહેવાયાં. સમગ્ર નગરને આ દેવીના આશીર્વાદ હોવાથી અમદાવાદ બારે દરવાજા બહાર વિકસતું જાય છે. નગરની જાહોજલાલી વધતી જાય છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)

ઉનાળામાં ક્યા પીણાં સારા, ક્યા ખરાબ?

પાણીને જીવનજળ કહ્યું છે. આપણા શરીરમાં ૬૨થી ૬૫ ટકા પાણી હોય છે. સામાન્ય વ્યક્તિને પાણી વગર પાંચ દિવસથી વધારે ચાલે નહીં. તમારે બેથી અઢી લિટર પાણી પીવું જોઈએ. બેથી અઢી લિટરમાં પાણી સાથે પીણાં પણ ગણાય તો સવાલ એવો થાય કે પીણાં તો ઘણાં જ છે. પણ આ પીણાંમાં સારા કયા અને ખરાબ એટલે નુકસાનકારક કયા? પહેલાં આપણે કેટલાં પીણાં (પાણી હોય તેવા પ્રવાહી) પીએ છીએ તેની વિગત જોઈએ.

ઉનાળામાં, તમારે હીટ સ્ટ્રોકથી બચવા માટે તમારા શરીરમાં હાઇડ્રેશન જાળવી રાખવું જોઈએ.

  • પાણી
  • લીંબુનું પાણી
  • ગ્લુકોઝનું પાણી
  • પાણી નાખીને બનાવેલા બધા જ પ્રકારના લાલ (રોઝ), લીલા (ખસ), પીળા (પાઇનેપલ) નારંગી (ઓરેન્જ), બ્રાઉન (કાલાખટ્ટા) વગેરે ખાંડ કે ચાસણીનાં શરબતો, જેમાં બદામ, પિસ્તા, ઇલાઈચી, કેસર, લીચી, ઠંડાઈ, મેંગો, ચીકુ, દાડમ, ફાલસા વગેરેના અર્ક નાખેલા શરબતો પણ ગણાય. (for non diabetics)
  • ઘરમાં જ્યુસર કે ક્રશરથી કાઢેલા બધા જ પ્રકારના fresh ફ્રુટના જ્યુસ
  • દૂધી, કાકડી, ટમેટાં વગેરે કાચા શાકભાજીનો fresh જ્યુસ
  • નાળિયેરનું પાણી
  • ચા,
  • કૉફી 
  • દૂધ
  • છાસ
  • દૂધપૌવા
  • દૂધમાં બધા જ પ્રકારનાં ફળો નાખી બનાવેલા મિલ્ક શેક. 
  • દૂધમાં ઈંડું નાંખીને બનાવેલ શેક
  • બધા જ શાકભાજીના બનાવેલા સૂપ
  • લસ્સી

 

યાદ રાખો કે પાણીથી માંડીને લસ્સી સુધીના કોઈપણ પીણાં સારા કે ખરાબ કહેવા માટે તેના ગુણદોષ જાણવા જોઈએ.

  1. દરેક પીણું ચોખ્ખું હોવું જોઈએ:

પાણી અને તેમાંથી બનાવેલાં બધાં જ પીણાં જંતુમુક્ત – (બૅક્ટિરિયા-વાયરસ- એલર્જન-ફુગ પેરેસાઈટ કૃમી વગેરે) હોવા જોઈએ.

પાણીને પીણું બનાવતા પહેલા પાણીને ઉકાળીને, ગાળીને એકવાગાર્ડમાં પસાર કરીને ચોખ્ખું બનાવવું જોઈએ. આમ જો ના થાય તો આ પાણી કે પીણું પીવાથી મરડો, ઝાડા, ટાઇફોઈડ, કૉલેરા, કૃમિના રોગો થાય.

ઘરમાં તો ચોખ્ખું શુદ્ધ પાણી પીવાની વ્યવસ્થા તમે કરી હોય પણ જ્યારે બહાર કોઈ પણ પીણા બનાવેલા હોય તેમાં જે પાણી નાખ્યું હોય એની શુદ્ધતા વિષે ખાતરી ના હોય તો એવાં પીણાં પીવાનું ટાળજો. પીધા વગર ના રહેવાય તો પેટના રોગોથી પીડાવાની તૈયારી રાખશો.

2. ખૂબ ખાંડ નાખેલી હોય તેવાં પીણાં ના પીશો:

ખાંડમાં ફક્ત કૅલરી હોય પણ તેમાં પોષકતત્ત્વના નામે મીંડું. એક ગ્રામ ખાંડમાં પાંચ કૅલરી અને એક ચમચીમાં પાંચ ગ્રામ ખાંડ હોય એટલે કે એક ચમચી ખાંડની ૨૫ કૅલરી ગણાય. જેટલી વધારે કૅલરી તમારા શરીરમાં જાય એટલું તમારું વજન વધે.

‘વધારે વજન એટલે રોગને આમંત્રણ’ એ ન્યાયે ઢીંચણના સાંધાનો વા, બી.પી. ડાયાબિટીસ, સ્ટ્રોક અને હાર્ટએટેક આ બધા રોગો કૅલરી વધે તેવા ખાંડવાળા બધાં જ પીણાં વધારે પીવાની ટેવથી થઈ શકે. આવાં પીણાંમાં બધાં જ શરબતો, ચા, કૉફી, ચૉકલેટ, કોકો, દૂધ, છાસ, Soft drinks વગેરેનો સમાવેશ થાય છે.

3. કેફીન આવે તેવાં પીણાં ના લેશો:

કોકોકોલા, ચૉકલેટ, ચા અને કૉફી આ બધામાં કેફીન છે, જેનાથી ટેવ પડે છે, વધારે પીવાનું મન થાય છે. કારણ તાત્કાલિક સ્ફૂર્તિ આવે છે. પણ શરીરમાં ૬૦ મી. ગ્રામથી વધારે કેફીન લેશો તો લિવર ખરાબ થશે. ૨૦૦ મી. ગ્રામથી વધારે એકસાથે લેવામાં હાર્ટએટેક આવશે.

ગર્ભવતી સ્ત્રી ૭૦ મી. ગ્રામથી વધારે કેફીન લે તો બાળક ખોડવાળું આવી શકે. ૧૦૦ મી. ગ્રામ જેટલું કેફીન રોજ લેવામાં આવે તો એસિડિટી, અલ્સર અને હાર્ટબર્ન અચૂક થશે. ૫૦ મી. ગ્રામ જેટલું કેફીન લેવાથી તમને તાવ આવશે અને તાવ ઉતારવા મેટાસિન કે ઍસ્પિરિન આપશો તોપણ કેફીનને લીધે તાવ જલદી નહીં ઊતરે.

વધારે કેફીનથી માથું પણ દુખે અને વધારે કેફીનથી (૧૦૦૦ મી. ગ્રામથી વધારે) શરીરમાં ધ્રુજારી થાય, બાથરૂમ વધારે જવું પડે. શ્વાસ ચઢે, માથું દુખે, હૃદયના ધબકારા અનિયમિત થાય. એક કપ ચામાં કેફીનનું પ્રમાણ ૨૦ મી. ગ્રામ, કૉફીના કપમાં ઇન્સ્ટન્ટ કૉફીમાં ૬૦ મી. ગ્રામ, બુકોફીમાં ૮૪ મી. ગ્રામ, એક કોકોકોલામાં ૪૦ મી. ગ્રામ, ચૉકલેટાલિક્વીડ)માં ૪૦ મી. ગ્રામ કેફીન હોય. બને ત્યાં સુધી ૫૦ થી ૬૦ મી. ગ્રામ કેફીનથી વધારે લેશો નહીં.

4. ક્રિમ એટલે કે ચરબી વધારે હોય તેવાં પીણાં પણ પ્રમાણસર લો:

જ્યારે તમે દૂધવાળી ચા, કૉફી, કોલ્ડકોફી, લસ્સી, ક્રિમવાળું દૂધ, વધારે ચરબી વાળો દૂધપાક, મિલ્ક શેક, બાસુંદી, ખીર, દૂધપૌવા વગેરે લો છો ત્યારે ચરબી તો વધારે લો છો જ પણ ખાંડ પણ લો છો.

વધારે ચરબીવાળા પીણાથી તમારા શરીરમાં કૉલેસ્ટ્રોલ વધશે પરિણામે હાર્ટએટેક અને બી.પી. બંને થવાની શક્યતા વધી જશે. ચરબીવાળા ખોરાકથી વજન પણ વધશે અને પહેલાં જણાવેલી ઘણી તકલીફો થશે. આ કારણથી રોજ આવાં પીણાં લેવાનું ટાળશો. રોગ થતા અટકશે.

5. તાજાં ફળોના રસ લેવા પડે:

તાજાં ફળોની છાલ જ્યાં કાઢી નાખવાની હોય ત્યાં છાલ વગર અને જ્યાં છાલ કાઢવાની ના હોય ત્યાં હોલ ફ્રુટનો રસ (ગર્ભ પલ્પ સાથે) કાઢીને સવાર સાંજ લેવો જોઈએ.

શરીરમાં લોહી બનાવવા, એન્ઝાઈમ, હોર્મોન અને ન્યુરો ટ્રાન્સ્કીટર્સ બનાવવા માટે ખૂબ વિટામિન અને મિનરલ્સ જોઈએ જે ફ્રુટ જ્યુસમાંથી ખૂબ મળે. ફળના ગર્ભ(પલ્પ)માં ખૂબ ફાઇબર હોય જેથી કબજિયાત ના થાય, જેથી હરસ ભગંદર થતા અટકે.

ફળોના રસમાં ખાંડ ‘કોમ્પ્લેક્ષ કાર્બોહાઈડ્રેટ’ના સ્વરૂપે હોય જેથી ડાયાબિટીસ ના થાય. હોય તો વધે નહીં.

ફાઇબરનો એક વિશેષ ફાયદો શરીરમાં ખોરાક લીધો હોય તેના સ્ટાર્ચ અને ચરબી જે આંતરડામાં જલદી પાચન ન થવાથી ચોંટી ગયા હોય તે ફાઈબરથી દૂર થાય, જેથી વજન ઓછું થાય અને હાર્ટઍટેક ના આવે.

6. કાચા શાકભાજીના રસ લેવા જોઈએ:

તાજા ફળોના રસની માફક તાજાં શાકભાજીના રસ પણ લેવાથી શરીરને જોઈતા આયર્ન, કોબાલ્ટ, મૈંગેનીઝ, વિટામિન ‘બી’ કૉમ્પ્લેક્ષ, વિટામિન ‘સી’ વગેરે ખૂબ પ્રમાણમાં મળે છે અને ઉપરના બધા જ ફાયદા થાય છે.

7. બધા પ્રકારના કઠોળની પ્રવાહી દાળ (મગ, અડદ, ચણા વગેરે) લેવી જોઈએ:

આપણા શરીરને જરૂરી બધા જ પ્રોટીન આ બધા કઠોળમાંથી મળે છે. શરીરના દરેક અંગોની વૃદ્ધિમાં અને રિપેરીંગમાં આ પ્રોટીન ખૂબ મદદ કરે છે. તેનાથી ગમે તેવી ભૂખ લાગી હોય તોપણ જલદીથી પેટ ભરાઈ જાય છે તેથી વજન કાબૂમાં રહે છે. વિશેષમાં કઠોળમાં રહેલા ફાઈબર્સથી પણ પેટ સાફ રહે છે. વજન ઓછું થાય છે. કોલેસ્ટ્રોલ ઓછું થાય છે.

8. ફક્ત અર્ક (એસેન્સ) નાખેલા શરબતો લેવા જોઈએ નહીં:

આ બધા જ શરબતોમાં ન્યુટ્રિશનની રીતે કાંઈ ના હોય, ખાંડ વધારે હોય અથવા સેકેરિન હોય. આ બંને વસ્તુ તમને નુકસાન જ કરે. ડાયાબિટીસ થવાના ચાન્સ વધે. સૅકેરિનથી સ્વાદ તો બગડે જ પણ તમને કૅન્સર થવાના ચાન્સ વધી જાય.

9. શાકભાજીના / ટમેટાના સૂપ:

હોટેલમાં કે પાર્ટીમાં સૂપ બને ત્યાં સુધી ના લેવાય તો સારું. ઘરમાં બનાવેલ સૂપ જ પીઓ. ભૂખ ઓછી લાગશે. વજન ઓછું થશે.

10. તેલ, ઘી, માખણ વગેરે પ્રમાણસર લેવાના છે :

૩૦થી ૪૦ ગ્રામ (ત્રણથી ચાર ચમચી) તો કોલેસ્ટ્રોલ વધશે નહીં. ખાસ ધ્યાન રાખો કે તમારા શરીરનું વજન ઘી-તેલ અને તેમની બનાવટોથી જ વધે છે.

11. છેલ્લી વાત રહી આલ્કોહૉલનીજે કદાપિ ના લેવાય:

આલ્કોહૉલથી ટેવ પડે, વજન વધે, લિવર ખરાબ થાય. ગોલ બ્લેડર અને પેન્ક્રિયાસના કેન્સર થવાના ચાન્સ વધે. રોજના બે પેગના મર્યાદામાં આલ્કોહૉલ પીવાથી કોલેસ્ટ્રોલ ઓછું થાય તેવો રિપોર્ટ છે, પણ આવો પ્રયોગ કરવાની જરૂર નથી.

પાણી અને પીણાંની પસંદગીના ઉપરના બધા જ પોઇન્ટસ નક્કી કરી પીણાં ને પાણી લેશો, જેથી શરીરની સુખાકારી જળવાઈ રહે, લાંબું જીવાય અને તંદુરસ્ત રહેવાય.

(અમદાવાદસ્થિત ડો. નિધિ દવે હોમિયોપેથી પ્રેક્ટીશનર છે. પરિવારમાં ચોથી પેઢીના ફિઝીશ્યન એવા ડો. નિધિ હોમિયોપેથી કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર હોવાની સાથે યુનાઇટેડ યુરોપિયન ગેસ્ટ્રોએન્ટ્રોલોજી સાથે પણ સંકળાયેલા છે. વન-મિલિયન યુથ એક્શન ચેલેન્જના એમ્બેસેડર છે અને વિવિધ હોસ્પિટલ્સ સાથે કન્સલ્ટન્ટ તરીકે પણ જોડાયેલા છે.)

ભારતમાં 70 લાખ WhatsApp એકાઉન્ટ બંધ કરાયા

વોટ્સએપે કેટલાક ભારતીય એકાઉન્ટ્સ પર મોટી કાર્યવાહી કરી છે અને તેમના પર પ્રતિબંધ મૂક્યો છે. આ સંખ્યા 71 લાખ છે અને પ્રતિબંધ બાદ તેઓ આ પ્લેટફોર્મનો ઉપયોગ કરી શકશે નહીં. રિપોર્ટમાં ખુલાસો થયો છે કે આમાંના મોટાભાગના એકાઉન્ટ્સ સાયબર છેતરપિંડી અને કૌભાંડો સાથે સંબંધિત છે, જ્યારે અન્ય એકાઉન્ટ્સે WhatsAppની નીતિઓનું ઉલ્લંઘન કર્યું છે. વોટ્સએપે તેનો માસિક રિપોર્ટ જાહેર કર્યો છે. મેટાની મેસેજિંગ એપ વોટ્સએપે ખુલાસો કર્યો છે કે તેણે લગભગ 71 લાખ ભારતીય એકાઉન્ટને પ્રતિબંધિત કરી દીધા છે. આ એકાઉન્ટ્સ 1 એપ્રિલ, 2024 થી 30 એપ્રિલ, 2024 વચ્ચે બનાવવામાં આવ્યા છે. આ લોકોએ એપનો દુરુપયોગ કર્યો છે. કંપનીએ એમ પણ કહ્યું કે જો યુઝર્સ ભવિષ્યમાં કંપનીની પોલિસીનું ઉલ્લંઘન કરશે તો તેમના પર પણ પ્રતિબંધ લગાવવામાં આવશે.

WhatsApp

WhatsApp એડવાન્સ લર્નિંગ મશીનને અનુસરે છે

વોટ્સએપે કુલ 71,82,000 એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. આ તમામ ખાતા 1 એપ્રિલથી 30 એપ્રિલ 2024 વચ્ચે બંધ કરવામાં આવ્યા છે. વાસ્તવમાં, કંપની એડવાન્સ મશીન લર્નિંગ અને ડેટા એનાલિસિસનો ઉપયોગ કરે છે, જેના દ્વારા શંકાસ્પદ પ્રવૃત્તિ ધરાવતા એકાઉન્ટ્સની ઓળખ કરવામાં આવે છે. ભારત સહિત સમગ્ર વિશ્વમાં તેના અબજો વપરાશકર્તાઓ છે, જેઓ દરરોજ આ એપ્લિકેશનનો ઉપયોગ કરે છે અને એકબીજાને સંદેશા, ફોટા, વિડિયો અને ઑડિયો સંદેશાઓ વગેરે મોકલે છે.

એપ્રિલ 2024માં વોટ્સએપને લગભગ 10 હજાર રિપોર્ટ્સ મળ્યા, જે અલગ-અલગ નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા હતા. તેમાંથી, રિપોર્ટના આધારે માત્ર 6 ખાતાઓ પર કાર્યવાહી કરવામાં આવી છે અને ઘણા હજુ પણ પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યા છે. આ દર્શાવે છે કે કંપની એકાઉન્ટ પ્રતિબંધ માટે મજબૂત માપદંડનો ઉપયોગ કરે છે.

પાણી મુદ્દે દિલ્હી સરકારને SC તરફથી ફટકો, કોર્ટે હસ્તક્ષેપ કરવાનો કર્યો ઇનકાર..

પડોશી રાજ્યો પાસેથી વધુ પાણીની માંગણી સુપ્રીમ કોર્ટમાં પહોંચતા દિલ્હી સરકારને મોટો ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે આ મામલે પોતાનો આદેશ આપવાનો ઈન્કાર કરી દીધો છે અને નિર્ણય અપર યમુના રિવર બોર્ડ પર છોડી દીધો છે.

કોર્ટે કહ્યું કે રાજ્યો વચ્ચે પાણીની વહેંચણીનો મુદ્દો જટિલ છે. આ દરમિયાન હિમાચલ પ્રદેશે પણ વધારાનું પાણી મોકલવાના તેના અગાઉના નિવેદનને પાછું ખેંચ્યું છે અને કહ્યું છે કે તેની પાસે વધારાનું પાણી નથી.

જસ્ટિસ પ્રશાંત કુમાર મિશ્રા અને પ્રસન્ના બી વરાલેની બેન્ચે કહ્યું કે યમુનાના પાણીની રાજ્યો વચ્ચે વહેંચણી એ એક જટિલ વિષય છે અને આ કોર્ટ પાસે ટેકનિકલ કુશળતા નથી. કોર્ટે કહ્યું કે આ મુદ્દો UYRB પર છોડવો જોઈએ. સુપ્રીમ કોર્ટે UYRBને શુક્રવારે તમામ પક્ષકારોની બેઠક બોલાવવા અને આ મુદ્દે ઝડપથી નિર્ણય લેવા જણાવ્યું હતું. ઉપરાંત દિલ્હી સરકારને માનવતાના આધાર પર વિચારણા માટે સાંજે 5 વાગ્યા સુધીમાં બોર્ડ સમક્ષ અરજી સબમિટ કરવાનો નિર્દેશ આપ્યો હતો.

હિમાચલે પોતાનું નિવેદન પાછું ખેંચ્યું

દિલ્હી માટે વધારાનું 136 ક્યુસેક પાણી આપવાનું વચન આપનારી હિમાચલ સરકારે પણ પોતાનું વલણ બદલી નાખ્યું છે. સુપ્રીમ કોર્ટે ગુરુવારે હિમાચલ પ્રદેશ દ્વારા તેના અગાઉના નિવેદનને પાછું ખેંચ્યું હતું અને કહ્યું હતું કે તેની પાસે વધારાનું 136 ક્યુસેક પાણી નથી.

દિલ્હી સરકાર દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી હતી જેમાં એવી માગણી કરવામાં આવી હતી કે હરિયાણાને હિમાચલમાંથી છોડવામાં આવતા વધારાના પાણીને દિલ્હી સુધી વિના અવરોધે પહોંચવા દેવાનું કહેવામાં આવે. આકરી ગરમી વચ્ચે દિલ્હીમાં લોકો પાણીની ગંભીર કટોકટીનો સામનો કરી રહ્યા છે. દિલ્હી સરકારનો આરોપ છે કે હરિયાણા યમુનામાં ઓછું પાણી છોડી રહ્યું છે જેના કારણે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની ક્ષમતા ઘટી ગઈ છે.

IIT ગાંધીનગરને મળ્યો સ્ટાર કેમ્પસ એવોર્ડ-2024

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી ગાંધીનગર (IITGN) ને જળ સંરક્ષણ અને વ્યવસ્થાપનની શ્રેણીમાં પ્રતિષ્ઠિત સ્ટાર કેમ્પસ એવોર્ડ 2024થી સન્માનિત કરવામાં આવી છે. અર્થ ડે નેટવર્ક ઈન્ડિયા દ્વારા પ્રસ્તુત કરાયેલ આ પ્રતિષ્ઠિત સન્માન જળ સંસાધનોના સંરક્ષણ અને પર્યાવરણીય કારભારીને પ્રોત્સાહિત કરવા માટે નવીન અને ટકાઉ પ્રણાલીઓના અમલીકરણમાં IITGNના અનુકરણીય પ્રયાસોને માન્યતા આપે છે. આ પુરસ્કારો દ્વારા, અર્થ ડે નેટવર્કનો ઉદ્દેશ પર્યાવરણને બચાવવાનો છે.

સંસ્થાએ એક વ્યાપક જળ વ્યવસ્થાપન વ્યૂહરચના અમલમાં મૂકી છે, જેમાં નવીન ગટર વ્યવસ્થા, વરસાદી પાણીનો સંગ્રહ અને વિવિધ હેતુઓ માટે ટ્રીટેડ પાણીનો પુનઃઉપયોગ સામેલ છે. જળ સંરક્ષણ અને વ્યવસ્થાપનમાં IITGN ની નોંધપાત્ર સિદ્ધિઓ પર્યાવરણીય સ્થિરતા પ્રત્યેના તેના સમર્પણનું ઉદાહરણ છે.

IITGN ની જળ વ્યવસ્થા પહેલની વિશિષ્ટ વિશેષતાઓમાંની એક તેની નવીન વિકેન્દ્રિત વેસ્ટવોટર ટ્રીટમેન્ટ સિસ્ટમ છે, જે કાર્યક્ષમ અને ઇકો-ફ્રેન્ડલી ગંદાપાણીની સારવાર સુનિશ્ચિત કરવા માટે ગટરના રૂટ ઝોન ટ્રીટમેન્ટનો ઉપયોગ કરે છે. કેમ્પસમાં 0.6 એમએલડી પ્રત્યેકની ક્ષમતાવાળા બે ઇકો-ફ્રેન્ડલી સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ (એસટીપી) છે, જે ગટરના પાણીને ટ્રીટ કરે છે, અને બાગાયત અને સિંચાઈના હેતુઓ માટે દરરોજ આશરે 5.5 લાખ લિટર સપ્લાય કરે છે.

આ ઉપરાંત IIT ગાંધીનગરે વ્યાપક વરસાદી પાણી સંગ્રહ પ્રણાલીઓ અમલમાં મૂકી છે, જેમાં ભૂગર્ભમાં સંગ્રહીત ટાંકીમાં છત પરના વરસાદી પાણી સંગ્રહ કરવાની ક્ષમતા છે. આ ટાંકીઓમાં અંદાજે 64 લાખ લિટરની કુલ સંગ્રહ ક્ષમતા છે. સંગ્રહિત વરસાદી પાણીનો ઉપયોગ કેમ્પસમાં ઘરેલું પાણી પુરવઠો વધારવા માટે થાય છે.

સાંસદ ગેનીબેને ધારાસભ્યપદેથી આપ્યું રાજીનામું

ગેનીબેન ઠાકોરે ધારસભ્યપદેથી રાજીનામું આપ્યું છે. તેમણે આજે 13 જૂનને ગુરુવારે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીને પોતાનું રાજીનામું સુપરત કર્યું હતું. ગેનીબેન તાજેતરમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠા બેઠક ઉપર સંસદસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યાં છે. કોંગ્રેસની ટિકિટ ઉપર ચૂંટણી લડી રહેલાં ગેનીબેને ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીને 30,000 કરતાં વધુ મતથી હરાવ્યાં હતાં. ગુજરાતમાં ભાજપનો 26માંથી 25 બેઠક ઉપર વિજય થયો હતો જ્યારે એકમાત્ર બનાસકાંઠાની બેઠક ઉપર કોંગ્રેસના ગેનીબેન ચૂંટાઈ આવ્યાં હતાં. આ રીતે તેમણે ગુજરાતમાં સતત ત્રીજી વખત તમામ 26 બેઠકો જીતીને રેકોર્ડ બનાવવાની ભાજપની આશા પર પાણી ફેરવ્યું હતું.


ગેનીબેન છેલ્લી બે મુદતથી ઉત્તર ગુજરાતમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાતા રહ્યાં હતાં. 2017ની વિધાનસભા ચૂંટણીમાં તેમણે જે શંકરભાઈ ચૌધરીને હરાવ્યા હતા એ જ શંકરભાઈ ચૌધરી હાલ વિધાનસભાના અધ્યક્ષ અને ગેનીબેને શંકરભાઈને પોતાનું રાજીનામું સુપરત કર્યું હતું.