ગેનીબેન ઠાકોરે ધારસભ્યપદેથી રાજીનામું આપ્યું છે. તેમણે આજે 13 જૂનને ગુરુવારે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીને પોતાનું રાજીનામું સુપરત કર્યું હતું. ગેનીબેન તાજેતરમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠા બેઠક ઉપર સંસદસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યાં છે. કોંગ્રેસની ટિકિટ ઉપર ચૂંટણી લડી રહેલાં ગેનીબેને ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીને 30,000 કરતાં વધુ મતથી હરાવ્યાં હતાં. ગુજરાતમાં ભાજપનો 26માંથી 25 બેઠક ઉપર વિજય થયો હતો જ્યારે એકમાત્ર બનાસકાંઠાની બેઠક ઉપર કોંગ્રેસના ગેનીબેન ચૂંટાઈ આવ્યાં હતાં. આ રીતે તેમણે ગુજરાતમાં સતત ત્રીજી વખત તમામ 26 બેઠકો જીતીને રેકોર્ડ બનાવવાની ભાજપની આશા પર પાણી ફેરવ્યું હતું.
ગેનીબેન છેલ્લી બે મુદતથી ઉત્તર ગુજરાતમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાતા રહ્યાં હતાં. 2017ની વિધાનસભા ચૂંટણીમાં તેમણે જે શંકરભાઈ ચૌધરીને હરાવ્યા હતા એ જ શંકરભાઈ ચૌધરી હાલ વિધાનસભાના અધ્યક્ષ અને ગેનીબેને શંકરભાઈને પોતાનું રાજીનામું સુપરત કર્યું હતું.
ગુજરાત રાજ્ય શૈક્ષણિક બોર્ડ સાથે સંકળાયેલી તમામ શાળાઓનું ઉનાળુ વેકેશન પૂર્ણ થયું છે. દોઢ મહિના જેટલી ઉનાળા વેકેશનની રજાઓ બાદ શાળાના પ્રાંગણમાં બાળકોનો કિલકિલાટ શરૂ થઇ ગયો છે. સમગ્ર રાજ્યની પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક સહિતની શાળાઓનું વર્ષ 2024-25નું 13 જુનને ગુરુવારથી શૈક્ષણિક કાર્ય શરૂ થઇ ગયું છે.
ઉનાળુ વેકેશન પૂર્ણ થયું, પરંતુ સમગ્ર રાજ્યમાં ગરમીનું પ્રમાણ યથાવત છે. આકરી ગરમીમાં નાના ટાબરિયા થી માંડી તરુણ વિદ્યાર્થીઓ શાળાઓમાં તાલીમાર્થે જશે. શાળાઓનું વેકેશન લંબાવાની માંગ કરાઇ હતી પરંતુ શિક્ષણ વિભાગ દ્વારા 13 જૂનથી જ શાળાઓને શરૂ કરવા આગ્રહ રાખ્યો હતો.
સમગ્ર રાજ્યમાં ગ્રાન્ટેડ, નોન ગ્રાન્ટેડ (ખાનગી) તેમજ મહાનગર પાલિકાના સાથે સંકળાયેલી અંદાજે 53 હજાર જેટલી શાળાઓ છે. જેમાં 80 લાખ જેટલા બાળકો અભ્યાસ કરે છે.
ગુરુવારની સવારથી જ અમદાવાદ શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારની અનેક શાળાઓએ શાળા પ્રવેશોત્સવ ભારે ઉત્સાહથી ઉજવ્યો હતો.
શાળાઓને શણગારવામાં આવી હતી. પ્રથમ દિવસે જ નાના ભૂલકાંને સંકુલમાં શિક્ષણ સાથે મૈત્રી ભર્યુ વાતાવરણ ઉભુ કરવા પ્રયત્નો કરાયા હતા. નવા સ્વચ્છ યુનિફોર્મ, સ્કૂલ બેગ, પાઠ્ય પુસ્તકો સાથે આવેલા બાળકોને ગોળ, ધાણાં, ચોકલેટ સાથે કપાળે તિલક કરી નવા શૈક્ષણિક સત્રમાં આવકાર અપાયો હતો. કિલ્લોલ કરતાં કેમ્પસમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.
મુંબઈ: લોકસભા ચૂંટણીમાં સારા પ્રદર્શન બાદ ભારત ગઠબંધનના પક્ષોનો ઉત્સાહ ચરમસીમાએ છે. ભારતીય ગઠબંધનએ માત્ર ભાજપને ચૂંટણીમાં બહુમતી મેળવવાથી નથી અટકાવી પરંતુ 235 બેઠકો જીતીને NDAને પડકાર પણ આપ્યો હતો.
હવે વિવિધ રાજ્યોના રાજકીય પક્ષો વિધાનસભા ચૂંટણીમાં પણ જીતના દાવા કરી રહ્યા છે. મહારાષ્ટ્રમાં પણ વિરોધ પક્ષોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું અને 48માંથી 41 બેઠકો જીતી હતી. હવે રાજ્યમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા એનસીપી (શરદ જૂથ)ના વડા શરદ પવારે મોટો દાવો કર્યો છે.
હું રાજ્યમાં સરકાર બદલીશઃ શરદ પવાર
શરદ પવાર ઘણા દિવસોથી મહારાષ્ટ્રમાં તેમની સરકાર આવવાની વાત કરી રહ્યા છે. કાર્યકર્તાઓને ચૂંટણી માટે તૈયાર રહેવાની સૂચના આપતા પવારે ગઈ કાલે ખેડૂતો અને ગ્રામજનો સાથે બેઠક કરી અને સરકાર બદલવાની વાત કરી.
તેમણે દાવો કર્યો કે,’થોડી રાહ જુઓ, હું સરકાર બદલવાનો છું, પરંતુ ખેડૂતોની સમસ્યા માટે દરેકને રસ્તા પર ઉતરવું પડશે.’
શિંદે સરકાર ખેડૂતો માટે કંઈ કરી રહી નથી
પુરંદર તાલુકામાં ખેડૂતો સાથે વાતચીત દરમિયાન શરદ પવારે કહ્યું કે જ્યાં સુધી સરકાર નહીં બદલાય ત્યાં સુધી અમે ખેડૂતો માટે કંઈ કરી શકીશું નહીં. પવારે વધુમાં કહ્યું કે અમે ખેડૂતો માટે જે નવી નીતિઓ લાવવા માંગીએ છીએ તે સરકાર બદલાયા પછી જ થશે.
તેમણે કહ્યું કે મને નથી લાગતું કે શિંદે સરકાર ખેડૂતો માટે કંઈ કરવા માંગે છે. તેથી હું થોડા મહિનામાં સરકાર બદલીશ.
ગુજરાતમાં ધો.10માં બેઝિક-ગણિત સાથે પાસ થયેલ વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર આવ્યા છે. જેમાં ધો.10માં બેઝિક-ગણિત સાથે પાસ થયેલ વિદ્યાર્થી પણ A ગ્રૂપમાં પ્રવેશ મેળવી શકશે. સ્ટાન્ડર્ડ ગણિતમાં પાસ હોવું ફરજિયાતનો નિયમ રદ કરાયો છે. જેમાં પ્રવેશની ક્ષમતાને લઈ બોર્ડ દ્વારા ટૂંક સમયમાં કેટલાક નિયમો જાહેર કરવામાં આવશે.
ધોરણ.10માં બેઝિક ગણિત સાથે પાસ થયેલા વિદ્યાર્થીઓને પણ A ગ્રુપમાં પ્રવેશપાત્ર ગણવામાં આવશે. ધોરણ.11 સાયન્સમાં A ગ્રુપમાં પ્રવેશ માટે ધોરણ.10 સ્ટાન્ડર્ડ ગણિત સાથે પાસ કરવુ ફરજિયાત હોવા અંગેનો નિયમ રદ કરી દેવામાં આવ્યો છે. શિક્ષણ બોર્ડ દ્વારા આજે બુધવારે કરાયેલી જાહેરાત મુજબ, ધોરણ.10માં બેઝિક ગણિત સાથે પાસ થયેલા વિદ્યાર્થીઓને પણ A ગ્રુપમાં પ્રવેશપાત્ર ગણવામાં આવશે. પ્રવેશને લઈ મુશ્કેલી અને વ્યવસ્થા ખોરવાય નહી એ માટે શિક્ષણ બોર્ડ દ્વારા કેટલાક નિયમો પણ જાહેર કરવામાં આવશે. આ વખતે સાયન્સમાં વધુમાં વધુ વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવે એ માટે શિક્ષણ વિભાગ દ્વારા કેટલાક નિયમો હળવા કરવામાં આવ્યાં છે, જેમાં વધુ એક આ નિર્ણય લેવાયો છે.
ધોરણ.10ની બોર્ડ પરીક્ષામાં દર વર્ષે સૌથી વધુ વિદ્યાર્થીઓ ગણિત વિષયમાં નાપાસ થતા હતા. જેથી શિક્ષણ બોર્ડ દ્વારા વર્ષ-2021-22થી ધોરણ.10માં બેઝિક એટલે કે સહેલુ ગણિત અને સ્ટાન્ડર્ડ એટલે કે, અધરૂ ગણિત એવા બે વિકલ્પ વિદ્યાર્થીઓને આપવાના શરૂ કર્યાં હતા. બે વિકલ્પ આપતી વખતે બોર્ડ દ્વારા એવી જોગવાઈ કરવામાં આવી હતી કે, જે વિદ્યાર્થીએ ધોરણ.10 ગણિત બેઝિક સાથે પાસ કરેલ હોય તે ધોરણ.11માં વિજ્ઞાન પ્રવાહમાં ‘B’ ગ્રુપમાં પ્રવેશ મેળવી શકે પરંતુ ‘A’ અથવા ‘AB’ ગ્રુપમાં પ્રવેશ મેળવી ન શકે. A ગ્રુપમાં પ્રવેશ મેળવવો હોય તો સ્ટાન્ડર્ડ ગણિત સાથે જ ધોરણ.10 પાસ કરવુ ફરજિયાત છે.
નરેન્દ્ર દામોદરદાસ મોદીએ ત્રીજી વાર વડા પ્રધાન તરીકે શપથ લઈ કામગીરી આરંભી દીધી. તેમની સાથે સાથે તેમના નવા વરાયેલા પ્રધાનોએ પણ પોતપોતાનાં ખાતાંમાં કામ શરૂ કરી દીધું. આ દરમિયાન વિરોધ પક્ષો, ટીકાકારો તરફથી ચૂંટણીપરિણામો વિશે વડા પ્રધાનની ટીકા થઈ, પણ એમણે પ્રતિ આક્ષેપ કે દલીલ કર્યા વિના પોતાના કામ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. બલકે એમણે એક વક્તવ્યમાં કહ્યું કે પ્રતિસ્પર્ધીઓ તરફ પૂર્વગ્રહ રાખવાને બદલે આપણે આપણાં કામ પર ફોકસ કરવું જોઈએ.
આમાંથી આપણે આપણી જાતને એક સવાલ કરવાનો કે અણગમતી વ્યક્તિ પ્રત્યેનાં પૂર્વગ્રહ, વેર, બદલો કે દ્વેષ રૂપી બેડીનાં બંધન જરૂરી કે એમાંથી મુક્તિ?
એક પ્રસંગ જોઈએઃ વર્ષો પહેલાં ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એ. પી. જે. અબ્દુલ કલામ અને આફ્રિકાના રાષ્ટ્રપુરુષ નેલ્સન મંડેલા દક્ષિણ આફ્રિકામાં મળ્યા. શ્વેત વર્ચસ્વ વિરુદ્ધ લડાઈ લડનારા નેલ્સન મંડેલાને રાજદ્રોહના આરોપસર કેદ કરવામાં આવેલા. લગભગ 27 વર્ષ એમણે કાળકોટડીમાં રહેવું પડેલું. ડૉ. કલામે મુલાકાતમાં નેલ્સન મંડેલાને પ્રશ્ન પૂછ્યો કે, ‘સત્યાવીસ વર્ષના કારાવાસ બાદ તમે કાળકોટડીમાંથી બહાર નીકળ્યા ત્યારે એ મુક્તિની અનુભૂતિ કેવી હતી?’
મંડેલાનો ઉત્તર હતોઃ ‘જેલની બહાર નીકળતી વખતે હું વિચારતો હતો કે હું તો બહાર નીકળીશ, પણ તિરસ્કાર અને કટુતા કાળકોટડીમાં જ મૂકી જવાનાં છે. મને જેલમાં પૂરનાર, મને યાતના આપનાર વિશે કડવાશ સાથે બહાર નીકળીશ તો આઝાદી પછી પણ જેલમાં જ હોઈશ.’
વગર કારણે પૂર્વગ્રહના અને નકારાત્મકતાના સવાસો મણના બોજા માથે લઈને ફરતા હતા એને અત્યારે ફગાવી નહીં દઈએ તો ક્યારે ફગાવીશું? શું થોડું જતું ન કરી શકીએ? એનો ફોન ન આવ્યો… તો શું થયું? તમે એને ફોન કરીને જે ગેરસમજ દૂર કરવાનો પ્રયત્ન ન કરી શકો?
બીજો એક ઉતારી નાખવા જેવો બોજ છે ચાલશે…નો અભિગમ. આપણી પ્રગતિને અવરોધતું જો કોઈ એક મોટું સ્પીડબ્રેકર હોય તો એ છેઃ ચાલશે. આ મનોવૃત્તિ આપણને ટોળામાંનો માણસ બનાવી મૂકે છે.
રતન તાતા કે મુકેશ અંબાણી કે બિરલા જેવા અનેક વેપાર સાહસિકો શા માટે અલગ તરી આવે છે? કેમ કે એમણે ક્ષુલ્લક અથવા બીજાની દષ્ટિએ નક્કામાં ગણાતાં કામો પણ પૂરી લગન સાથે કર્યાં છે.
અમેરિકામાં રંગભેદની નીતિ સામે અવાજ ઉઠાવનારા પાદરી માર્ટિન લ્યુથર કિંગ કહેતા કે ‘રસ્તા પરથી કચરો સાફ કરવાનું કામ પણ એવી રીતે કરવું, જાણે માઈકલ એન્જેલો પેઈન્ટિંગ બનાવતો હોય. એને એવી રીતે કામ કરતો જોઈને ઈશ્વર પણ બોલી ઊઠે કે વાહ, અહીં કચરો વાળનારી એક ઉત્તમ વ્યક્તિ છે.
જો તમે તમારું કામ આત્મસંતોષની ખાતરી સાથે કરો તો પછી તમારી મહત્તા બતાવવા વાજાં વગાડવાની જરૂર પડતી નથી. તમારું કામ જ બોલશે. નક્કી કરો કે તમે કોઈને બતાવી આપવા કામ કરો છો કે માત્ર પતાવી દેવા?
પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે ભૂજ-ભૂકંપમાં કરેલાં રાહતકાર્ય જોઈને 2002માં ગુજરાતનાં મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીએ કહેલું કે ‘પ્રમુખસ્વામી મહારાજને દીવાલમાં એક ઈંટ ચણવાનું કામ સોંપ્યું હોય તો એ એવી રીતે કરશે, જાણે ભગવાનના મસ્તક પર મુગટ મૂકતા હોય.’
મોદીજીના આ વિધાનનો પડઘો પડે છે પ્રમુખ સ્વામીએ દેશદુનિયામાં સર્જેલાં ભવ્ય મંદિરોમાં, અક્ષરધામ જેવાં સર્જનોમાં, સમાજને આપેલા તાલીમબદ્ધ સંતોમાં, ભવ્ય-દિવ્ય ઉત્સવમાં અને રાહતકાર્યોના ઊંડાણમાં.
તો હવેથી ચાલશે…ના અભિગમને ભૂલી આપણાં કાર્યક્ષેત્રમાં મન લગાવીને મંડી પડીએ. પછી એ અભ્યાસ હોય કે નોકરી કે સ્પૉર્ટ્સ કે બિઝનેસ કે ઘરકામ કે સેવાકાર્યો.
આ તો વાત થઈ ભૂલવાની. બીજી એક વાત યાદ રાખવાની છેઃ ઈશ્વરનો સતત સહવાસ. કારણ? કારણ કે પરમાત્મા પરમ પ્રેરણાનો, અખૂટ ઊર્જાનો સ્રોત છે. ભગવાન તમારી સાથે હશે તો વિજય નિશ્ચિત છે. મહાભારતમાં જયદ્રથનો વધ કરી અર્જુન છાવણીમાં પરત ફર્યા ત્યારે ભગવાન શ્રીકૃષ્ણે એમને શાબાશી આપી. તે વખતે અર્જુન કહે છેઃ પ્રભુ જેની પડખે ઊભા હોય તેના વિજયમાં શું આશ્ચર્ય છે?
(સાધુ જ્ઞાનવત્સલદાસ -બી.એ.પી.એસ)
(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)
આજના દિવસ સાવચેતી રાખવી, ગુસ્સા પર કાબુ રાખવો, વાહન ધીમે ચલાવવું, કામકાજ અર્થે કઈ બહાર મુસાફરીના યોગ બને છે. સહકર્મચારી સાથે કામની બાબતમાં ખટપટના થાય તેનું ધ્યાન રાખવું, વેપારમાં નાનું અને ગણતરી પૂર્વકનું જ કામ કરવુ યોગ્ય છે, ભક્તિ અને દાનકર્મ કરવું સારું કહી શકાય.
આજનો દિવસ સરસ અને મસ્તીમજાક વાળો છે, તમને તમારા કામમાં અન્યનો સાથ સહકાર સારો મળે તમારા કામની પ્રશંસા થાય, નવીનકામનું આયોજન થઇ શકે છે , પ્રિયજન સાથેના કોઈપણ પ્રકારના મતભેદ થયા હોયતો તેને સુધારવાની તક મળે, વેપારના કામકાજમાં સારો પ્રતિસાદ મળી શકે છે.
આજના દિવસે સાવચેતી રાખવી અને કોઇપણ પ્રકારના વાદવિવાદથી દુર રહેવું સલાહ ભર્યું છે, મુસાફરી કંટાળાજનક અને સમયનાવ્યય વાળી બની શકે છે, વાહન ધીમે ચલાવવું, વેપારમાં જોખમથી દુર રહેવું, શકય હોયતો ભક્તિમાં સમય વધુ ફાળવવો ઇચ્છનીય છે, એકંદર દિવસ શાંતિથી પસાર કરવો સારો.
આજનો દિવસ સામાન્ય છે, કામકાજમાં થોડી વ્યસતા જોવા મળે અને પરિણામે કામપ્રત્યેનો અણગમો અને માનસિકથાકની લાગણી અનુભવાય, ક્યાંકને ક્યાંક ધીરજનો અભાવ વધુ વર્તાય. અગત્યના કામની વાતચીતમાં ધીરજ અને ગણતરીપૂર્વક કામ કરવું યોગ્ય કહી શક્ય, વેપારમાં નાનું કામ કરવુજ યોગ્ય છે.
આજનો દિવસ સરસ છે તમારામાં આત્મવિશ્વાસ સારો જોવા મળે, ભૂતકાળના કોઈ કામની કદર થાય તેમાં તમને સારા સંતોષની લાગણી અનુભવો, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે આજે વધુ મેહનતથી સારા ફળ મળે તેવી આશા રાખી શકાય. વેપારમાં અનુભવથી કામ કરોતો લાભ થઇ શકે છે.
આજના દિવસે સાવચેતી રાખવી અને તેમાં પણ વાણીસયમ રાખવો જરૂરી છે, હિતશત્રુથી સજાગ રહેવું, વાહન ધીમે ચલાવવું, વેપારમાં જોખમથી દુર રહેવું, પ્રિયજન સાથે કોઈપણ બાબતપર વાદવિવાદ કરવો ઇચ્છનીય નથી કેમકે તેમની લાગણી દુભાઈ શકે છે, મનને એકાગ્ર કરવાથી શાંતિ અનુભવી શકશો.
આજનો દિવસ સારો છે, તમે તમારા પ્રિયજનને સારીરીતે કોઈબાબતમાં ખુશ કરી થોડું ધાર્યું કામ કરાવી લો તેવું બનવા જોગ છે, વેપારમાં અનુભવ મુજબ કામ લાભ કરાવી શકે છે, નજીકના કોઈ ધાર્મિકસ્થળ કે પ્રસંગમાં જવાથી તમને જૂનીઓળખાણ કે જુનાસ્મરણો તાજા થાય તેવું બની શકે છે.
આજનો દિવસે શાંતિ અને સાવચેતી રાખવી તેમાંપણ ખાસ ગુસ્સાને કાબુમાં રાખવો અને વિવાદથી દુર રહેવું સલાહ ભર્યું છે, વાહન ધીમે ચલાવવું, મુસાફરીમાં ધ્યાન રાખવું, વેપારમાં જોખમન કરવું, પ્રિયજન સાથે કોઈવાત બાબત દલીલબાજીન કરવી, ધાર્મિકબાબતમાં મન સ્થિર રાખશોતો શાંતિ સારી રહેશે.
આજનો દિવસ સરસ છે અને તેમાં પણ ભાગ્ય સાથ આપે તેવું કયાંક બની શકે, વેપારમાં લાભ થઈ શકે છે, ધાર્મિકપ્રસંગકે ધાર્મિકસ્થળની મુલાકાત થઈ શકે છે અને તેમાં કોઈ સદ્કાર્ય કરવાની ભાવના જાગે, જૂનીઓળખાણ તાજી થાય, તમારી પરોપકાર કરવાની વૃતી આજે વધુ જોવા મળી શકે છે.
આજનો દિવસ સામાન્ય છે, નાનાકામમાં દિવસ પસાર થઇ જાય તેમજ કામકાજ બાબત વડીલકે ઉપરી અધિકારી સાથે વાદવિવાદના કરવો. વાર્તાલાપ દરમિયાન ક્યાય ગેરસમજના થાયકે અપશબ્દ પ્રયોગના થાયતે બાબત ધ્યાન રાખવું જરૂરી છે, વેપારમાં નાનું કામ કરવું, શાંતિથી દિવસ પસાર કરવો.
આજનો દિવસ સામાન્ય છે, મિત્રો,પરિચિતો સાથે નવીનકાર્યનું આયોજન થઇ શકે છે તેમજ પ્રવાસ પણ ક્યાંક થઈ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં સારું રહે, વેપારમાં નાનું કામજ કરવું યોગ્ય કહી શકાય., આજે તમારામાં ધાર્મિકભાવના વધુ જોવા મળે અને ભક્તિ અને દાન કર્મ કરવા મન પ્રેરાય તેવું બની શકે છે.
આજનો દિવસે ધીરજ અને સાવચેતી રાખવી, તમને નકારત્મકવિચાર વધુ આવી શકે છે, વિવાદથી દુર રહેવું, વાહન ધીમે ચલાવવું, પાડવા-વાગવાથી સાચવવું, ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું, અગત્યની વાતચીતમાં વ્યવહારુ અભિગમ રાખવો ઇચ્છનીય છે, વેપારમાં જોખમથી દુર રહેવું.
મુંબઈ: મહારાષ્ટ્રના નાગપુરમાં હત્યાનો એક સનસનીખેજ મામલો સામે આવ્યો છે. અહીં એક પુત્રવધૂએ તેના સસરાની હત્યા કરી નાખી કારણ કે તે તેના સસરાની 300 કરોડની સંપત્તિ પર તેની નજર હતી. સસરાની હત્યા કરાવવા માટે તેણે બે સોપારીના હત્યારાનો સંપર્ક કર્યો અને તેમને 1 કરોડ રૂપિયાની સોપારી આપી. આ પછી આરોપીએ એક કાર ખરીદી અને વૃદ્ધાને કચડી મારી નાંખ્યો. આરોપીઓએ હત્યાને અકસ્માત બતાવવાનો પૂરો પ્રયાસ કર્યો હતો પરંતુ પોલીસે તેનો પર્દાફાશ કર્યો હતો.
જાણો સમગ્ર મામલો
તમને જણાવી દઈએ કે 22 મે, 2024 ના રોજ શુભમ નગર માનેવાડાના 82 વર્ષીય પુરુષોત્તમ પુટ્ટેવારનું નાગપુરના માનેવાડા ચોક પાસે કારની ટક્કરમાં મૃત્યુ થયું હતું. નાગપુર પોલીસે 6 જૂને ગઢચિરોલીમાં ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટના આસિસ્ટન્ટ ડાયરેક્ટર અર્ચના મનીષ પુટ્ટેવાર (પાર્લેવાર)ની ધરપકડ કરી હતી, જે લગભગ રૂ. 300ની મિલકત માટે રૂ. 1 કરોડનો કોન્ટ્રાક્ટ આપીને તેમના સસરાની નિર્દયતાથી હત્યા કરવાના આરોપમાં ધરપકડ કરી હતી. પોલીસે શરૂઆતમાં પુરુષોત્તમ પુટ્ટેવારના અકસ્માતની નોંધ કરી તેની તપાસ કરી હતી પરંતુ તપાસમાં સામે આવ્યું કે આ કાવતરું છે. પછી બહાર આવ્યું છે કે તેની માસ્ટરમાઇન્ડ પુરુષોત્તમ પુટ્ટેવારની પુત્રવધૂ અર્ચના પુટ્ટેવાર છે, જે ત્રણ વર્ષથી ગઢચિરોલીના ટાઉન પ્લાનિંગ વિભાગમાં સહાયક નિયામક તરીકે કાર્યરત છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, નાગપુરના પુટ્ટેવાર પરિવારમાં લગભગ 300 કરોડ રૂપિયાની સંપત્તિને લઈને કેટલાક વર્ષોથી વિવાદ ચાલી રહ્યો હતો. ગઢચિરોલીમાં ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટમાં કામ કરતી અર્ચના પુટ્ટેવારે સચિન ધર્મા અને નીરજ ઉર્ફે નાઇટી નિમ્જે બંનેની મદદથી ડ્રાઇવર સાર્થક બાગડેને સોપારી આપીને તેના સસરાની હત્યા કરાવી હોવાનું બહાર આવ્યું હતું. અર્ચનાનો પતિ મનીષ ડોક્ટર છે અને તેની સાસુ શકુંતલા ઓપરેશનને કારણે હોસ્પિટલમાં હતા. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે પુરુષોત્તમ તેની પત્નીને મળ્યા બાદ ઘરે જઈ રહ્યા હતા ત્યારે કારે તેને ટક્કર મારી હતી અને અકસ્માતનો બનાવટી પ્રયાસ કરવામાં આવ્યો હતો.
અર્ચના ટાઉન પ્લાનિંગ વિભાગના આસિસ્ટન્ટ ડિરેક્ટર
અર્ચના પુટ્ટેવાર છેલ્લા 3 વર્ષથી ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ, ગઢચિરોલીમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કરી રહી હતી. આ સાથે અર્ચના પાર્લેવાર ચંદ્રપુર જિલ્લાના પ્રભારી હતા અને બે જિલ્લાના વડા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, ગઢચિરોલી ટાઉન પ્લાનિંગ વિભાગના આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે અર્ચના પાર્લેવારનો કાર્યકાળ વિવાદાસ્પદ હતો. તેના વિશે ઘણી ફરિયાદો નાગપુરના ઉચ્ચ કાર્યાલયથી મંત્રાલય સુધી ગઈ હતી, પરંતુ તે ફરિયાદોને દબાવવા માટે સત્તાનો ઉપયોગ કરતી હોવાથી, કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. આરોપી અર્ચનાને કોણ સમર્થન આપી રહ્યું છે તેની ચર્ચાએ પણ જિલ્લામાં જોર પકડ્યું છે. અર્ચના પુટ્ટેવારના રાજકીય સમર્થનને કારણે નાગપુરની વરિષ્ઠ કચેરીમાં હજુ પણ 40 કેસોની તપાસ ચાલી રહી છે પરંતુ કાર્યવાહી શૂન્ય હોવાનું કહેવાય છે. આ સંદર્ભે જો પુટ્ટેવારના મોબાઈલનું સીડીઆર કાઢીને ઝીણવટભરી તપાસ કરવામાં આવે તો અનેક ચોંકાવનારા ખુલાસા થવાની આશા છે.