વિદ્યાર્થીઓના કિલકિલાટ સાથે નવા શૈક્ષણિક સત્રની શરૂઆત

ગુજરાત રાજ્ય શૈક્ષણિક બોર્ડ સાથે સંકળાયેલી તમામ શાળાઓનું ઉનાળુ વેકેશન પૂર્ણ થયું છે. દોઢ મહિના જેટલી ઉનાળા વેકેશનની રજાઓ બાદ શાળાના પ્રાંગણમાં બાળકોનો કિલકિલાટ શરૂ થઇ ગયો છે. સમગ્ર રાજ્યની પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક સહિતની શાળાઓનું વર્ષ 2024-25નું 13 જુનને ગુરુવારથી શૈક્ષણિક કાર્ય શરૂ થઇ ગયું છે.

ઉનાળુ વેકેશન પૂર્ણ થયું, પરંતુ સમગ્ર રાજ્યમાં ગરમીનું પ્રમાણ યથાવત છે. આકરી ગરમીમાં નાના ટાબરિયા થી માંડી તરુણ વિદ્યાર્થીઓ શાળાઓમાં તાલીમાર્થે જશે. શાળાઓનું વેકેશન લંબાવાની માંગ કરાઇ હતી પરંતુ શિક્ષણ વિભાગ દ્વારા 13 જૂનથી જ શાળાઓને શરૂ કરવા આગ્રહ રાખ્યો હતો.

સમગ્ર રાજ્યમાં ગ્રાન્ટેડ, નોન ગ્રાન્ટેડ (ખાનગી) તેમજ મહાનગર પાલિકાના સાથે સંકળાયેલી અંદાજે 53 હજાર જેટલી શાળાઓ છે. જેમાં 80 લાખ જેટલા બાળકો અભ્યાસ કરે છે.

ગુરુવારની સવારથી જ અમદાવાદ શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારની અનેક શાળાઓએ શાળા પ્રવેશોત્સવ ભારે ઉત્સાહથી ઉજવ્યો હતો.

શાળાઓને શણગારવામાં આવી હતી. પ્રથમ દિવસે જ નાના ભૂલકાંને સંકુલમાં શિક્ષણ સાથે મૈત્રી ભર્યુ વાતાવરણ ઉભુ કરવા પ્રયત્નો કરાયા હતા. નવા સ્વચ્છ યુનિફોર્મ, સ્કૂલ બેગ, પાઠ્ય પુસ્તકો સાથે આવેલા બાળકોને ગોળ, ધાણાં, ચોકલેટ સાથે કપાળે તિલક કરી નવા શૈક્ષણિક સત્રમાં આવકાર અપાયો હતો. કિલ્લોલ કરતાં કેમ્પસમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.

(પ્રજ્ઞેશ વ્યાસ)