Home Blog Page 1712

સાયન્સ સિટી ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાશે

અમદાવાદ: 21મી જૂનના રોજ સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે 10મા યોગ દિવસની ‘યોગા ફોર સેલ્ફ એન્ડ સોસાયટી’ થીમ પર ઉજવણી કરવામાં આવશે. ગુજરાત સાયન્સ સિટી ખાતે પણ 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. જેમાં ગાંધી આશ્રમ શાળાની 50 જેટલી વિદ્યાર્થિનીઓ અને એસ.એસ. ડિવાઈન સ્કૂલના 200 વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં રસ ધરાવતા લોકો ભાગ લેશે. વહેલી સવારે 7 વાગ્યાથી 9 વાગ્યા સુધી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.27મી સપ્ટેમ્બર 2014ના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં સંબોધન કર્યું હતું. જેમાં તેમણે 21 જૂનના દિવસને સમગ્ર વિશ્વમાં યોગ દિવસ તરીકે ઉજવવાનો અનુરોધ કર્યો હતો. તેમના એ અનુરોધનો સ્વીકાર કરીને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ડિસેમ્બર 2014માં 21 જૂનને યોગ દિવસ તરીકે ઉજવવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. ત્યારથી સમગ્ર વિશ્વમાં 21 જૂને યોગ દિવસ મનાવવામાં આવે છે.આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી માટે સાયન્સ સિટી દ્વારા યોગના નિષ્ણાતો તેમજ ગુજરાત સ્ટેટ યોગ બોર્ડના સભ્યોને આમંત્રિત કરવામાં આવ્યા છે. જેઓ વિદ્યાર્થીઓ, યુવાનો, મહિલાઓ અને વડીલોને જુદાં-જુદાં યોગાસનો અને પ્રાણાયમ શીખવાડશે. તેમજ સહભાગીઓને યોગનું મહત્વ સમજાવી તેની જાગૃતિ વિશે વાત કરશે. આશરે 400થી 500 જેટલા લોકો યોગ દિવસની ઉજવણીમાં સહભાગી થશે.

T20 World Cup : ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે મુકાબલો

T20 વર્લ્ડ કપ 2024નો સુપર-8 રાઉન્ડ શરૂ થઈ ગયો છે અને ટીમ ઈન્ડિયા પ્રથમ વખત આ રાઉન્ડમાં પ્રવેશવા જઈ રહી છે. સુપર-8ની પોતાની પ્રથમ મેચમાં ભારત અને અફઘાનિસ્તાન આમને-સામને છે. આ મેચ આજે સાંજે બાર્બાડોસના બ્રિજટાઉનમાં રમાશે. ભારતીય ટીમે ગ્રુપ સ્ટેજમાં 4માંથી 3 મેચ જીતી હતી. ટીમ ઈન્ડિયા આ વર્લ્ડ કપમાં પહેલીવાર કેરેબિયન મેદાનમાં રમશે, જ્યારે અફઘાનિસ્તાને તેની તમામ મેચો અહીં વેસ્ટ ઈન્ડિઝમાં રમી છે. ટીમ ઈન્ડિયાના બેટ્સમેનોનું પ્રદર્શન અત્યાર સુધી બહુ સારું નથી રહ્યું પરંતુ બોલરોએ અજાયબી કરી છે. આવી સ્થિતિમાં વર્લ્ડ કપમાં સારું ફોર્મ દેખાડનાર અફઘાનિસ્તાન માટે પડકાર આસાન નહીં હોય.

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે અત્યાર સુધી કુલ 8 T20 મેચ રમાઈ છે, જેમાં ટીમ ઈન્ડિયાએ 6 મેચ જીતી છે, જ્યારે એક મેચ ટાઈ રહી હતી. આ પણ ટીમ ઈન્ડિયાએ ડબલ સુપર ઓવરમાં જીત મેળવી હતી. એક મેચ અનિર્ણિત રહી હતી.

 

NEET પરીક્ષાની આગામી તારીખ શું હશે, પરીક્ષા કેમ રદ કરવામાં આવી?

દેશમાં પેપર લીકનો વિવાદ અટકતો નથી. એક તરફ NEET પેપર લીક અને બીજી બાજુ NEET પેપર લીકનો વિવાદ. નવા ખુલાસાથી ખળભળાટ મચી ગયો છે. તેથી આજે કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી અને દરેક સવાલોના જવાબ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. શિક્ષણ મંત્રાલયે સ્વીકાર્યું કે પેપરમાં કંઈક ખોટું હતું, તેથી જ UGC-NEET 2024ની પરીક્ષા રદ કરવામાં આવી છે. મંત્રાલયે એમ પણ કહ્યું કે પરીક્ષાની નવી તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. શિક્ષણ મંત્રાલયના સંયુક્ત સચિવ ગોવિંદ જયસ્વાલે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે અમારા માટે વિદ્યાર્થીઓનું હિત સર્વોપરી છે. આમાં કોઈપણ પ્રકારનું સમાધાન કરવામાં આવશે નહીં. તેમણે કહ્યું કે આ મામલે સીબીઆઈ તપાસ ચાલી રહી છે, અમે રિપોર્ટ પર કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવા તૈયાર છીએ.

NEET પેપર લીક અંગે શિક્ષણ મંત્રાલયે કહ્યું કે આ મામલે બિહારમાંથી અનેક પ્રકારના ઈનપુટ આવી રહ્યા છે. જ્યાં સુધી કોઈ નક્કર ઇનપુટ ન આવે ત્યાં સુધી કોઈ પણ નિષ્કર્ષ પર પહોંચવું અકાળ ગણાશે. જોઈન્ટ સેક્રેટરીએ કહ્યું કે અમે બિહાર, ગુજરાત કનેક્શન અને ગ્રેસ માર્ક સંબંધિત તમામ મુદ્દાઓને ગંભીરતાથી જોઈ રહ્યા છીએ. તેમણે કહ્યું કે બિહારમાં EOUની તપાસ ચાલી રહી છે, ગ્રેસ કેસ ઉકેલાઈ ગયો છે, સરકારે રિપોર્ટ મંગાવ્યો છે. જો કંઈક ખોટું જણાશે તો કાર્યવાહી કરવામાં આવશે.

ગૃહ મંત્રાલય તરફથી ઇનપુટ મળ્યા હતા

NET પેપર લીક અંગે સંયુક્ત સચિવ ગોવિંદ જયસ્વાલે પણ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે કેન્દ્રીય ગૃહ મંત્રાલય તરફથી મળેલા ઈનપુટ બાદ એવું લાગતું હતું કે આ મામલામાં કંઈક ગરબડ છે, ત્યારબાદ કાર્યવાહી કરવામાં આવી હતી અને પરીક્ષા રદ કરવામાં આવી હતી. હવે પરીક્ષાની નવી તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. તેમણે કહ્યું કે યુજીસીને અનિયમિતતાઓ અંગે ઈનપુટ મળ્યા હતા અને આ ઈનપુટ ટેક્નિકલ પ્રકૃતિનું હતું. આ મામલે તપાસ ચાલી રહી છે. પુરાવા મળ્યા બાદ અમે કાર્યવાહી કરવા તૈયાર છીએ.

VIDEO : ચીને ફરી કર્યો ગલવાન જેવો હુમલો

ચીને ફરી એકવાર ગલવાન જેવી ઘટનાને અંજામ આપ્યો છે. આ વખતે તેણે દક્ષિણ ચીન સાગરમાં ફિલિપાઈન્સ નેવીને નિશાન બનાવ્યું છે. હથોડા અને છરીઓથી સજ્જ ચીની સૈનિકોએ ફિલિપિનો સૈનિકોને ઘેરી લીધા અને તેમની બોટ પર હુમલો કર્યો.

ફિલિપિનો અધિકારીઓના જણાવ્યા અનુસાર, ચીની સૈનિકોએ અમારા નૌકાદળના સૈનિકોને સેકન્ડ થોમસ શોલ ખાતે તૈનાત સૈનિકોને ખોરાક અને શસ્ત્રો સહિતનો પુરવઠો લઈ જવાથી રોકવાનો પ્રયાસ કર્યો અને બોટ પર હુમલો કર્યો. વાસ્તવમાં ચીને બીજા થોમસ શોલને લઈને હંગામો મચાવ્યો છે. ચીન તેના નકશામાં આ સમુદ્ર પર દાવો કરે છે. જ્યારે અન્ય થોમસ શોલ પર ફિલિપાઇન્સનો કબજો છે, 1999માં ફિલિપાઇન્સ નૌકાદળનું એક જહાજ શોલ પર ઉતારવામાં આવ્યું હતું. તે દક્ષિણ ચીન સાગરના સ્પ્રેટલી ટાપુઓમાં ડૂબી ગયેલો ખડક છે. જે ફિલિપાઈન્સના પલાવાનથી 105 નોટિકલ માઈલ પશ્ચિમમાં છે. આ એક વિવાદિત વિસ્તાર છે અને તાઈવાન અને વિયેતનામ સહિતના અન્ય દેશો પણ આ વ્યસ્ત જળમાર્ગ પર દાવો કરે છે.

ચીની સૈનિકો આઠ મોટરબોટમાં આવ્યા હતા

આને લઈને ચીન અને ફિલિપાઈન્સ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. આ વખતે, ચીની કોસ્ટ ગાર્ડના કર્મચારીઓ આઠ મોટરબોટમાં આવ્યા અને ફિલિપાઈન નૌકાદળની બે ફ્લેટેબલ બોટ પર વારંવાર હુમલો કર્યો, તેમના જહાજોને ચાકુ, છરીઓ અને હથોડીઓથી નુકસાન પહોંચાડ્યું. દલીલો અને વારંવારના મુકાબલો પછી, ચાઈનીઝ કોસ્ટ ગાર્ડના કર્મચારીઓ ફિલિપાઈન નૌકાદળના જહાજોમાં સવાર થયા અને આઠ M4 રાઈફલો જપ્ત કરી, ફિલિપાઈન સુરક્ષા અધિકારીઓએ એસોસિએટેડ પ્રેસને જણાવ્યું. આ હથિયારો બોક્સમાં પેક કરવામાં આવ્યા હતા.

પશ્ચિમ બંગાળના સ્થાપના દિન નિમિત્તે ગાંધીનગરમાં કાર્યક્રમનું આયોજન

પશ્ચિમ બંગાળના સ્થાપના દિવસે આજે ગાંધીનગરમાં રાજભવનમાં વિશેષ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતમાં વસતા બંગાળી પરિવારોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ પશ્ચિમ બંગાળના નાગરિકોને શુભકામનાઓ પાઠવતાં કહ્યું કે, કલા અને કૌશલ્યની ભૂમિ બંગાળે હંમેશા સાંસ્કૃતિક વિરાસતને નવી ચેતના પ્રદાન કરી છે.

નેતા સુભાષચંદ્ર બોઝ વિના આઝાદીનો સંગ્રામ અશક્ય જણાય છે. રાજા રામમોહનરૉય અને ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર જેવા સમાજ સુધારકો તથા રવીન્દ્રનાથ ટાગોર બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય અને શરદચંદ્ર ચટ્ટોપાધ્યાય જેવા મહાન સાહિત્યકારોએ બંગાળને સજીવતાપૂર્ણ પ્રાંતની ઓળખ આપી છે એમ કહીને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ કહ્યું કે, બંગાળની ધરતી એ સમય-સમય પર આ રાષ્ટ્રને નવીન ચિંતન આપ્યું છે.

એમ. એસ. યુનિવર્સિટી, વડોદરા અને ભારતીય વિદ્યા ભવન સ્કૂલ, વડોદરામાં અભ્યાસ કરતી બંગાળી છાત્રાઓ અને બંગાળ કલ્ચરલ એસોસિએશન, અમદાવાદની બહેનોએ રાજભવનમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને લેડી ગવર્નર દર્શનાદેવીની ઉપસ્થિતિમાં બંગાળી નૃત્યો અને ગીતોનો રંગારંગ કાર્યક્રમ પ્રસ્તુત કર્યો હતો. રાજ્યપાલએ બંગાળી ગીત-સંગીત અને કલાની પ્રશંસા કરતાં કહ્યું કે, સંબંધોમાં પરસ્પર તાલમેલ અને લય હોય તો જ સંગીત અને નૃત્યમાં લય અને તાલમેલ સંભવ છે. શાંતિ ભારતનો મૂળ મંત્ર છે ત્યારે ‘એક ભારત-શ્રેષ્ઠ ભારત’ની સંકલ્પના સાથે યોજાઈ રહેલા આવા કાર્યક્રમોથી ભિન્ન-ભિન્ન પ્રદેશોના નાગરિકો વચ્ચે આદાન-પ્રદાન સુદ્રઢ થાય છે,જે એકતાને અખંડ બનાવે છે. આ ઉપરાંત રાજ્યપાલએ પશ્ચિમ બંગાળના સૌ નાગરિકોને સ્થાપના દિવસના અભિનંદન આપ્યા હતા.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ બંગાળ કલ્ચરલ એસોસિએશન, અમદાવાદના કોરિયોગ્રાફર સુમોના લાહિરી, ગ્રુપ લીડર રીટા કર અને એમ.એસ. યુનિવર્સિટી, ભારતીય વિદ્યાભવન સ્કૂલ, વડોદરાના ગ્રુપ લીડર મધુમિતા રૉય ચૌધરીનું સન્માન કર્યું હતું. સમારોહના આરંભે બંગાળ કલ્ચરલ એસોસિએશનના અધ્યક્ષ અજોય દાસ અને સેક્રેટરી ગૌતમ લાહિરીએ રાજ્યપાલનું અભિવાદન કર્યું હતું. આ અવસરે ગુજરાતમાં સેવારત બંગાળી ઉચ્ચ અધિકારીઓ, અધિક મુખ્ય સચિવ સી.વી.સોમ,  ભારતીય થલસેનાના બ્રિગેડિયર સંજીવ સેનગુપ્તા, કર્નલ ચિત્રા બેનર્જી, ભારતીય તટરક્ષક દળના કમાન્ડન્ટ અનિમેશ મજુમદાર, ડેપ્યુટી કમાન્ડન્ટ ચાંદની બેનર્જી, દક્ષિણ-પશ્ચિમ વાયુ કમાન્ડના પ્રિન્સિપલ મેડિકલ ઑફિસર એર કોમોડોર રાજીવ ભટ્ટાચાર્ય અને બંગાળના નાગરિકો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ મહિલાઓ સુપર વુમન નથી, એ સ્ત્રી જ છે!

‘આદિત્ય, મારે તને નથી કહેવું છતાં આજે કંટાળીને વાત કરવી પડે છે. પૂર્વા હવે એક બાળકની માતા છે, હું કહી કહીને થાકી, હવે તું જ એને સમજાવ કે થોડો સમય દીકરા આરવને પણ આપે.’ પૂર્વાનાં સાસુએ દીકરા આદિત્યને સળી કરતા કહી દીધું. જોકે આ પ્રથમવારનું નથી. આરવના જન્મ પછી સાત મહિને પૂર્વાએ ફરીથી જોબ શરુ કરી ત્યારથી ઘરમાં આ જ રામાયણ ચાલે છે. સાસુને લાગે છે વહુ ગૃહિણી બનીને રહે તો પુત્રનો યોગ્ય સંસ્કાર સાથે ઉછેર કરી શકે. એમને ક્યાં ખબર છે કે આ આલીશાન ફ્લેટના હપ્તા, કાર, આવનારા સમયમાં બાળકને સારી શાળામાં ભણાવવાનો ખર્ચ, સામાજિક ખર્ચ, મેડિકલ.. આ બધું આદિત્ય એકલો ક્યાંથી પહોંચી વળે? પાછી પૂર્વાની નોકરી સારી છે, ઉચ્ચ પગાર છે.

પરંતુ પોતે ના કહી છતાં નોકરી શરુ કરી એવા ખોટા અહમના કારણે સાસુ વિમલાબહેન પૂર્વા નોકરી કરે છે એ સહન કરી શકતા નથી અને વારંવાર એ વાતે પૂર્વાને મહેણાં મારે છે.

હકીકતમાં તો પૂર્વા યોગ્ય રીતે બાળક, ઘર-પરિવાર બધી જ જવાબદારી સારી રીતે નિભાવે છે.

જ્યારે પણ સમય સાથે કોમ્પ્રોમાઇઝ કરવાનું હોય તો એ આદિત્યને કહે છે, તમે ચિંતા ના કરશો, હું સંભાળી લઈશ. છતાં સાસુને એનાથી સંતોષ નથી.

પરંતુ આ સમસ્યા ફક્ત એક પૂર્વાની જ નથી. હકીકતમાં મોટાભાગની વર્કિંગ વીમેન આ સમસ્યાનો સામનો કરે છે.

કેવીક છે આ સમસ્યા? શું કરી શકાય એ માટે?

..તમે તો દેવી માનીને એને હાંસિયામાં ધકેલી મુકો છો!

જાણીતા સમાજશાસ્ત્રી ગૌરાંગભાઈ જાની ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા કહે છે કે, “મહિલાઓ બેવડી, ત્રેવડી એમ અનેક પ્રકારની જવાબદારી નિભાવી રહી છે. હકીકતમાં બહેનોને પોતાના કામ માટે મુક્તિ મળવી જોઈએ. નોકરીના સમયે ઓફિસમાં હાજર તો હોય છે જ, સાથે જ એના મનોજગતમાં એનું ઘર પણ હોય છે. મહિલાઓની જે પરિસ્થિતિ હોય છે એ સ્થિતિમાંથી ક્યારેય પુરુષોએ પસાર નથી થવું પડતું. કામકાજી મહિલા સવારે ઘરના બધા જ કામ કરીને નિકળે છે. પાછું ઓફિસમાં પણ પોતાના કામને ન્યાય આપવો પડે. આપણે એને કહીએ કે આ બંને વચ્ચે સંતુલન જાળવવા, પરંતુ એ માત્ર સમતુલન નથી. બહુ મોટી વ્યથા અને પીડા છે. ઘણીવાર એની બેવડી ભૂમિકા બખૂબી નિભાવી રહી હોય એવી મહિલાની આપણે પીઠ થાબડીએ છીએ. પણ પુરુષોને જો એમ કહેવામાં આવે કે તે ઘરનું બધું કામ પૂર્ણ કરીને નોકરી પર જાય..તો કેટલા પુરુષો એ કામ કરી શકે? પરુષો રોજ પોતાની પત્નીને નોકરી અને ઘરકામ સાથે કરતા જૂએ તો છે, પરંતુ જાતે એ કરી નથી શકતા. હજુ પણ મોટા પ્રમાણમાં બેવડી ભૂમિકા નિભાવી રહેલી મહિલાઓને પરિવાર કે પોતાના કહી શકાય એવી વ્યક્તિનો જોઈએ એટલા પ્રમાણમાં સપોર્ટ નથી મળતો.”

વધુમાં એ કહે છે કે, “આપણે વ્યાપક રીતે મહિલાઓની બેવડી ભૂમિકાનું મૂલ્ય નથી સ્વીકાર્યુ. તમે સ્ત્રીને દેવી કહો છો, ટીવી પરની જાહેરખબરમાં એમના ચાર-પાંચ હાથ બતાવો છો. નોકરી કરતી, ઘરકામ કરતી, બાળકો સાચવતી એવી અનેક ભૂમિકા નિભાવતી મહિલાઓના ચિત્ર રજૂ કરો છો, એનું ગૌરવ માનો છો પરંતુ આ ગૌરવ કરવા જેવી વાત નથી. હકીકતમાં તો તમે એને દેવી માનીને એને હાંસિયામાં ધકેલી મૂકો છો. એને મદદ કરવા પણ તૈયાર નથી. મહિલા જો નોકરી પર ચૂક કરે તો એને ત્યાં પણ સાંભળવાનું અને ઘરે બરાબર ન કરી શકે તો ત્યાં પણ મહેણાં-ટોણાંનો ભોગ બનવાનું. વર્કિંગ વુમનને સપોર્ટ કરતી હોય એવી કામ કરવાની જગ્યા પણ ઘણી ઓછી છે. વર્કફ્રોમ હોમ કરતી મહિલાને પણ બે ફર્મ સંભાળવાની હોય છે. હજુ પણ ઓફિસમાં કે ઘરમાં મહિલાઓને મદદરૂપ બની શકાય એવુ વાતાવરણ ઉભુ કરવામાં આપણે નિષ્ફળ રહ્યાં છીએ.”

હજુ પણ પુરુષપ્રધાન સમાજ ગયો નથી

KSMVS (કલ્યાણી સાહસિક મહિલા વિકાસ સંઘ)ના પ્રમુખ હેતલ અમીન ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા કહે છે કે, “ઘરમાં શાંતિ રહે એ માટે વર્કિંગ વુમનને ઘરના દરેક કામ મને કે કમને કરવા જ પડે છે. બીજી એક વાત એ પણ છે કે જો મહિલા ઘરના કામ પતાવ્યા વગર જ નોકરી પર નીકળી જાય તો એ ઓફીસમાં પણ પોતાનું કામ યોગ્ય રીતે નથી કરી શકતી. ગૃહિણી અને વર્કિંગ વુમનની બેવડી ભૂમિકા નિભાવવામાં મહિલા પીસાઇ જાય છે. ઓફિસમાં મિટીંગ હોય અને ઘરે મહેમાન આવવાના હોય કે ઘરે કોઈ પ્રસંગ હોય અને એ જ દિવસે ઓફિસનું પણ મહત્વનું કામ હોય તો એ દિવસ મહિલા માટે ઘણો કપરો રહે છે. પરિવારનો સપોર્ટ મળે તો જ મહિલા વર્કિંગ પ્લેસ પર આગળ વધી શકે છે.”

એ વધુમાં કહે છે “મારી સાથે જોડાયેલી અનેક મહિલાઓ એમના પ્રશ્નોની અમારી સાથે ચર્ચા કરે છે. મને કહે છે કે મેડમ, મારા દિયરના લગ્ન છે. અઠવાડિયા માટે ગામડે જવાનું છે તો એ સમયે મારું કામ બગડે ને મોટું નુકસાન થશે. કોમ્પિટિશનનો જમાનો છે. હવે ત્યાં એ એમ ન કહી શકે કે હું બે દિવસ જ આવીશ. આવા તો અનેક પ્રશ્નો એમને થતા હોય. હવે સમય એવો થઈ ગયો છે કે વર્કિંગ વુમન ધારે એ કરી શકે. એની શક્તિ અમાપ છે. પરંતુ એને એ માટે આ બધા સામાજિક દાયરામાંથી થોડીક ફ્રીડમ આપવી જરૂરી છે. મહિલાને જ્યારે પુરુષ સમકક્ષ ગણવામાં આવે છે. તો એને કેમ સામાજિક બંધન નડે છે, તારે સામાજિકમાં આટલું કામ તો કરવું જ પડશે, એવુ કેમ કહેવામાં આવે છે?  જો કે મારા પરિવારને મે સમજાવ્યાં અને એ મને સમજે છે સહકાર આપે છે તો હું આ સ્ટેજ પર પહોંચી શકી છું. વાસ્તવિક્તા એ પણ છે કે હજુ પણ પુરુષપ્રધાન સમાજ ગયો નથી. પ્રાઈમ મિનિસ્ટરથી લઈને ઉચ્ચ હોદ્દા પર કામ કરતી દરેક મહિલાને પોતાના દાયરામાં આવતુ કામ તો કરવું જ પડે છે. હું લગભગ દરેક મોટી પોસ્ટ પર રહેલી મહિલાઓ સાથે કામ કરું છું અમારી મિટિંગમાં આ વિષય ઘણીવાર ચર્ચાતો હોય કે આપણે સ્ત્રી છીએ તો સ્ત્રી તરીકે બધું જતું કરવું જ પડે છે.”

ખાલી સપોર્ટ કરે તો પણ મહિલા બધું જ મેનેજ કરી શકે

IITRAM (ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ટેકનોલોજી રિસર્ચ એન્ડ મેનેજમેન્ટ)ના સિવિલ એન્જિનિયરિંગ વિભાગના એસોસિયેટ પ્રોફેસર અને હેડ ડો. જયદેવી જયરામન ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા કહે છે કે, આપણું કલ્ચર જ એવું છે કે દરેક કામમાં મહિલાને જ આગળ આવવું પડે છે. બાળકનું ધ્યાન તો માતા જ રાખી શકે. પરંતુ વર્કિંગ વુમન માટે પરિવાર અને સોસાયટીનો સહકાર ખૂબ જરૂરી છે. એવું નથી કે પરિવાર જ બધુ કામ કરે કે બાળકોનો ઉછેર કરે, પણ ખાલી સપોર્ટ કરે તો પણ મહિલા બધુ જ મેનેજ કરી શકે. ખાસ કરીને સમાજમાં ઇન લો(સાસરીયા)ની અપેક્ષા એવી હોય છે કે પુત્રવધુ ભલે નોકરી કરે પરંતુ ઘરના કામ કરીને. પરંતુ એને છૂટ મળવી જોઈએ એવો વિચાર નથી કરતા. વર્કિગ વુમન જ્યારે કામ માટે બહાર નીકળે છે ત્યારે એને અનેક નાની-નાની બાબતોનું ધ્યાન રાખવું પડે છે.

બાળકોને સમય ન આપી શકવાની પણ ગીલ્ટી ફીલ થાય

IITRAMના લેબ આસિસ્ટન્ટ પૂનમ પટેલ ચિત્રલેખા.કોમને કહે છે, ‘સપોર્ટ હોય પણ જે કામ તમારે કરવાનું એ તમારે જ કરવું પડે છે. ટાઇમ મેનેજમેન્ટ વર્કિંગ વુમન માટે ખુબ મોટી ચેલેન્જ છે. આઠ નવ કલાકની નોકરી કરીને જ્યારે ઘરે આવો ત્યારે ડીનર તૈયાર કરવું, બાળકોને અભ્યાસ કરાવવો ઘરના અન્ય કામ જોવા એની વચ્ચે તમારી પાસે સમય જ નથી રહેતો. અને જો તમારી માટે બળજબરીથી તમે થોડો સમય નિકાળી પણ લો તો સામે અન્ય કામ અટકી પડે છે. સરકારી નોકરી હોય કે ખાનગી વર્કિંગ વુમન સોમથી શનિ મશીનની જેમ કામ કરે છે. એ પણ સમયસર. ઘણીવાર તો બાળકોને સમય ન આપી શકવાની પણ ગીલ્ટી ફીલ થતી હોય. મને પર્સનલ સપોર્ટ મળે છે. પરંતુ અનેક મહિલાઓને નથી મળતો. ઘણીવાર તો બાળકની શાળાના ગ્રુપમાં તમે અન્ય માતાને ઓળખતા પણ નથી હોતા. મધર્સનું ગ્રુપ હોય, તમારું નામ એમાં હોય પણ તમે ઓળખો કોઈને નહીં. બાળકોના મિત્રોને પણ મળી નથી શકતા. સંતાનોને શાળાએ લાવવા-મુકવા જવાની જવાબદારી નિભાવવી હોય પણ વર્કના કારણે એ પણ નથી કરી શકતા. આવા બધા અનેક સમસ્યાઓનો સામનો રોજ રોજ વર્કિંગ વુમન અને હાઉસ વાઈફની બેવડી ભૂમિકા નિભાવી રહેલી મહિલાઓને કરવો પડે છે.’

ઘર, પરિવાર, બાળકો, સામાજિક કામ અને દરેક વ્યવહાર-તહેવારોને પરફેક્ટ બનાવવા પોતાની ફરજ પૂર્ણ કરવા હંમેશા અથાગ પ્રયત્નોમાં રહેતી મહિલાઓ માટે ‘તે તો વર્કિંગ વુમન છે, સંતાનોના ઉછેરની તેને શું ખબર કે પછી તેને શું, હમણાં સમય થશે એટલે મેડમ ઓફિસ નીકળી જશે, કે પછી તેને તો બાળકોની પડી જ નથી’ એ પ્રકારનાં શબ્દો બોલતાં પહેલાં આ બધી બાબતો ધ્યાને લેવી જોઇએ.

(હેતલ રાવ)

EDની રૂ. 20,000 કરોડની બેન્ક લોન હેરફેર મામલે કાર્યવાહી

નવી દિલ્હીઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (EDએ) એમટેક ગ્રુપ અને એના પ્રમોટરની વિરુદ્ધ મની લોન્ડરિંગ મામલે તપાસના સિલસિલામાં દિલ્હી, મુંબઈ અને નાગપુર સહિત 35 સ્થળોએ દરોડા પાડ્યા હતા. કંપની અને તેના પ્રમોટર વિરુદ્ધ રૂ. 20,000 કરોડથી વધુની બેન્ક લોનની હેરફેર કરવાનો આરોપ છે. એમટેક ગ્રુપ અને એના ડિરેક્ટરો –અરવિંદ ધામ, ગૌતમ મલ્હોત્રા અને અન્યની વિરુદ્ધ દરોડા પાડવામાં આવી રહ્યા છે.

 પ્રાપ્ત માહિતી મુજબ ગુરુગ્રામ, નોએડા, મુંબઈ અને નાગપુરમાં ગુરુવાર સવારથી 35 કોમર્શિયલ અને રહેણાક સ્થળોએ દરોડા પાડવામાં આવી રહ્યા છે. CBI દ્વારા એમટેક ગ્રુપની SIL લિની વિરુદ્ધ FIR નોંધ્યા પછી આ મામલામાં મની લોન્ડરિંગની તપાસ કરી રહી છે. CBIની FIRમાં કેટલીય લિસ્ટેડ કંપનીઓ પર રૂ. 20,000 કરોડથી વધુની બેન્ક લોનની છેતરપિંડી કરવાનો આરોપ છે.

સરકારને રૂ. 10,000-15,000 કરોડનું નુકસાન!

સુપ્રીમ કોર્ટે પણ આ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સાથે તપાસના નિર્દેશ આપ્યા હતા. EDના જણાવ્યાનુસાર આ છેતરપિંડીથી સરકારી ખજાનાને આશરે રૂ. 10,000-15,000 કરોડનું નુકસાન થયું છે. EDનું માનવું છે કે બેન્કથી લેવામાં આવેલી લોનની રકમ રિયલ એસ્ટેટ, વિદેશી મૂડીરોકાણ અને નવા ઉદ્યોગોમાં લગાવવામાં આવ્યા હતા. વધુ લોન હાંસલ કરવા માટે ગ્રુપની કંપનીઓમાં ખોટાં વેચાણ, સંપત્તિ, દેવાં અને નફો દેખાડવામાં આવ્યો હતો, જેથી NPA (નોન પર્ફોર્મિંગ એસેટ) ચોપડામાં જોવા ના મળે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

EDએ જણાવ્યું હતું કે શેલ કંપનીઓને નામે હજારો-કરોડોની સંપત્તિઓ બનાવવામાં આવી હતી અને બેનામી ડિરેક્ટરો અને શેરહોલ્ડરોના માધ્યમથી નવાં નામો હેઠળ હજી પણ નાણાં જમા કરવામાં આવી રહ્યાં છે.

 

 

 

 

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ બનશે ગુજરાતના મહેમાન..

લોકસભા ચૂંટણીમાં NDA સરકારનો વિજય થયો. અને ફરીથી નરેન્દ્ર મોદીએ ફરીથી કેન્દ્રમાં સરકાર બનાવી છે. ત્યારે લોકસભા ચૂંટણી બાદ પ્રથમ વખત કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અમદાવાદ મુલાકાતે આવશે. મળતી માહિતી અનુસાર તારીખ 21 જુનના રોજ અમિત શાહ ગુજરાતના મહેમાન બનશે. બે સ્માર્ટ શાળા સહિતના અનેક પ્રોજેકટનું લોકાર્પણ અમિત શાહના હસ્તે થશે. આ ઉપરાંત વિશ્વ યોગ દિવસની ઉજવણી પોતાના મત વિસ્તારમાં કરશે. ગાંઘીનગરમાં પણ કેટલાક વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે કેન્દ્રીય ગૃહમંત્રી.

વિશ્વ યોગ દિવસની કરશે ઉજવણી

ગુજરાતમાં આ વર્ષના આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો મુખ્ય કાર્યક્રમ બનાસકાંઠાના સરહદી ગામ અને સીમાદર્શન માટે સુપ્રસિદ્ધ નડાબેટ ખાતે યોજાવાનો છે.રાજ્ય સરકારના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને બોર્ડર સિક્યોરિટી ફોર્સ – BSFના સહયોગથી આ રાજ્યકક્ષાનો કાર્યક્રમ યોજાશે. જેમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ હાજરી આપશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી તથા રમત-ગમત રાજ્યમંત્રી હર્ષ સંઘવી નડાબેટમાં યોજાનારા મુખ્ય કાર્યક્રમમાં જોડાવાના છે. અમિત શાહ ગાંધીનગર લોકસભા બેઠકથી ભાજપના ઉમેદવાર હતા. જ્યાં તેમણે કોંગ્રેસને રેકોર્ડ બ્રેક મતોથી હરાવ્યા.

 

ગરમીમાં લાભકારી કાકડી-કીવીનું શરબત

ગરમીના દિવસોનો ઉકડાટ થકવી નાખે છે શારીરિક તેમજ માનસિક રીતે પણ! ગરમી તેમજ લૂ ને લીધે ડાયેરિયા, વોમિટીંગની સમસ્યામાં તેમજ પાણી વધુ ના પીવાને કારણે ડીહાઈડ્રેશની સમસ્યા થઈ શકે છે.

ભારે ગરમીના દિવસોમાં થોડી થોડી વારે પાણી પીવાની સલાહ મળે છે. પરંતુ આખો દિવસ પાણી પીવાનું પણ ગમતું નથી. તેવામાં કોઈ હેલ્ધી ડ્રિન્ક મળે જે સ્વાદ સુધારવાની સાથે ગરમીની લૂ થી પણ બચાવે સાથે સાથે તાજગી પણ આપે!

કીવી અને કાકડીનું હેલ્ધી ડ્રિન્ક આવું જ એક સ્વાસ્થ્યવર્ધક પીણું છે. કાકડી અને કીવી સ્વાસ્થ્ય માટે બહુ જ લાભકારી છે. કાકડીમાં તો લગભગ 90 ટકા પાણી હોય છે. જે શરીરમાંની પાણીની અછત દૂર કરવામાં મદદરૂપ થાય છે.

કઈ રીતે બનાવશો આ સ્વાસ્થ્યવર્ધક પીણું –

સામગ્રીઃ

  • કીવી 2 નંગ
  • કાકડી 1 નંગ
  • આદુનો ટુકડો ½  ઈંચ
  • કાળા મરી પાઉડર ¼ ટી.સ્પૂન
  • સ્વાદ મુજબ મીઠું
  • થોડા બરફના ટુકડા
  • પાણી 1 કપ અથવા જરૂર મુજબ

રીતઃ કાકડી તેમજ કીવીને છોલીને ધોઈને તેના ટુકડા કરી લો.  મિક્સીમાં પાણી તેમજ બરફના ટુકડાને બ્લેન્ડ કરી લો. ત્યારબાદ તેમાં ફળના ટુકડા, આદુને ઝીણું ખમણીને નાખીને તેને બ્લેન્ડ કરી લો.

ત્યારબાદ તેને ગરણીથી ગાળીને તેમાં કાળા મરી પાઉડર તેમજ સ્વાદ મુજબ મીઠું નાખીને પીવાના ઉપયોગમાં લો.

કાકડી શરીરને હાઈડ્રેટ રાખે છે. ત્યારે કીવીમાં વિટામીન સી, વિટામીન ઈ, પોટેશિયમ, ફોલેટ, કોપર, સોડિયમ, એન્ટીઓક્સિડન્ટ્સ અને ફાઈબર સારા પ્રમાણમાં મળી રહે છે. જે શરીરને અનેક રોગોથી બચાવે છે.

ગપસપ, બાળકોને ભવિષ્યના નિર્ણય લેવામાં મદદરૂપ?

દરેક બાળકના માતા-પિતા મોટે ભાગે પોતાના બાળકોની મિત્રતા સારી છે કે નહીં તે ચકાસતાં હોય છે. કેમ કે, બાળકો પર તેમની આસપાસના વાતાવરણ, મિત્રતાની ઘણી જ ઉંડી છાપ લાંબા ગાળા માટે રહી જાય છે!

તો આવી જ બાબતોને લગતા વર્તમાનમાં અનેક અભ્યાસ થઈ રહ્યાં છે. મનોવિજ્ઞાન એટલું વિકસિત થઈ રહ્યું છે કે, બાળકોના વિકાસને લગતા દરેક પાસાંને લઈને જરૂરી અભ્યાસો થઈ રહ્યાં છે.આવા જ એક અભ્યાસ મુજબ, બાળકો તેમના મિત્રો સાથે ભેગા મળીને આપસમાં ગપ્પાં મારતા હોય છે. આપસની આ ગપસપ તેમને ભવિષ્યના મહત્વના નિર્ણય લેવામાં મદદરૂપ થાય છે એવું તારણ નીકળ્યું છે!

ગપસપથી બાળકો તેમના માટે વિશ્વાસુ મિત્રને ઓળખી શકે છે. જો કે, વાતચીત સાચી હોય તો! જો આ જ ગપસપ ખોટી હોય, તેમાંની વાતો જો અફવા માત્ર હોય તો સામે છેતરાવાના જોખમ પણ ઉભા થઈ શકે છે!

બાળકો સતત શીખતા અને વિકાસ કરતા હોય છે. શરૂઆતના વર્ષોમાં તેમને મળતાં અનુભવો તેમના સામાજિક અને ભાવનાત્મક વિકાસ પર મહત્વની અસર કરે છે. તાજો અભ્યાસ એ બાબત પર પ્રકાશ ફેંકે છે કે, કઈ રીતે રમતના મેદાન પરની સામાન્ય અફવાઓ સુદ્ધાં બાળકની તેમના સાથીદાર વિશેની ધારણાને પ્રભાવિત કરે છે.

‘રોયલ સોસાયટી ઓપન સાયન્સ’માં પ્રકાશિત અધ્યયનમાં, લેખકોએ લખ્યું છે કે, ‘નકારાત્મક ગપસપના આધાર પરથી બાળકો તેમનો આગામી વ્યવહાર શીખી શકે છે. તેઓ પરિસ્થિતિ પ્રમાણે અનુકૂલન સાધીને તે અનુસાર વર્તણૂંક કરી શકે છે. જેથી ભવિષ્યમાં કોઈ દુષ્ટ વ્યક્તિ સાથે પનારો પડે તો તેને કારણે થતી હાનિકારક પરિસ્થિતિઓને ટાળી શકાય. એવી કોઈ વ્યક્તિ જે ખોટા ઈરાદાવાળી હોઈ શકે અને જે બાળકનું શોષણ અથવા નુકસાન કરી શકે છે.’

સંશોધકોને તપાસમાં જાણવા મળ્યું કે, કઈ રીતે બાળકો ગપસપની દુનિયામાં વિચરે છે. તેમણે જોયું કે, બાળકો અનેક સ્ત્રોતો દ્વારા મળતી સકારાત્મક અફવાઓને સહેલાઈથી સ્વીકારી લે છે. પરંતુ એની સામે અધ્યયનમાં બીજી ચિંતાજનક બાબત એ સામે આવી કે, કોઈ એક પણ નકારાત્મક અફવા તેમના માનસપટ પર એટલી ઉંડી છાપ છોડે છે કે, લક્ષિત સહાધ્યાયી સાથે મિત્રતા બનાવતા તેઓ બહુ જ સાવધ બની જાય છે.

આ એકતરફી વિશ્વાસ પાછળના કારણો હજુ અસ્પષ્ટ છે. વૈજ્ઞાનિકોનું અનુમાન છે કે, આ કુદરતી સંરક્ષણ તંત્ર કહીએ અથવા કહીએ કે, સ્વયંસ્ફુરણા હોઈ શકે છે. જે બાળકને એવી વ્યક્તિથી મિત્રતા કરતા બચાવે છે, જેનો તેમના ઉપર કદાચ સારો પ્રભાવ નથી રહ્યો.

જાપાનના સંશોધકોએ 7 વર્ષની વયજૂથના બાળકોને સારા, ખરાબ કે તટસ્થ ગપસપ સાથેના કઠપૂતળીના અમુક વિડિયો બતાવ્યા. તેમાં હકારાત્મક ગપસપ સાથેની કઠપૂતળીઓને બાળકોએ વધુ પુરસ્કૃત કરી. જ્યારે ફક્ત એક જ ખોટી અફવાએ તેનું મૂલ્યાંકન ઘટાડ્યું. અભ્યાસ સૂચવે છે કે, બાળકો સર્વસંમતિ તેમજ ન્યાયીપણાને વધુ મૂલ્ય આપે છે. સારા કાર્યોને પુરસ્કૃત કરે છે. જ્યારે નકારાત્મકતાને ઝડપથી સજા કરે છે.

અભ્યાસનું આ એક બહુ જ આશ્ચર્યજનક તારણ છે કે, બાળકો બહુવિધ બાતમીદારો તરફથી મળતી હકારાત્મક બાતમીને તરત સ્વીકારી લે છે. પરંતુ કોઈ એ જ વાત કોઈ એક તરફથી મળતી હોય તો તેને નથી સ્વીકારતા. જ્યારે, નકારાત્મક ગપસપ પર સ્ત્રોતોની સંખ્યાને ધ્યાનમાં ન લેતા, કોઈ એક તરફથી પણ મળતી નકારાત્મક બાતમીને તેઓ સાચી માનીને તેના પર પૂરો આધાર રાખી લે છે.