Home Blog Page 1710

અમદાવાદમાં વટ સાવિત્રી વ્રતની ઉજવણી..

અમદાવાદ: હિન્દુ પંચાગ મુજબ દર વર્ષે જેઠ મહિનામા વટ સાવિત્રીનું વ્રત કરવામાં આવે છે. આ વર્ષે વ્રત 21 જૂન શુક્રવારે કરવામાં આવશે. આ દિવસે સૌભાગ્યવતી મહિલાઓ પતિના લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્ય માટે આ વ્રત કરે છે. આ સાથે સંતાનના ઉત્તમ ભવિષ્ય માટે વડના ઝાડની પૂજા કરે છે.

જૂના કે નવ નિર્મિત મંદિરોના પ્રાંગણમાં પવિત્ર વડની પૂજા થતી જ હોય છે. વટ સાવિત્રી વ્રત અને ઉત્સવો, તહેવારો વખતે ઘટાદાર વડના વૃક્ષ નીચે મહિલાઓ વિશેષ પૂજા અર્ચના કરે છે.

વહેલી સવારથી જ અમદાવાદ શહેરના મંદિરોમાં મોટી સંખ્યામાં મહિલાઓ વટ સાવિત્રી વ્રતની પૂજા કરતી જોવા મળી. મંદિરની સાથે માર્ગો પર આવેલા વિશાળ વડની પણ પૂજા થઈ. નવ વસ્ત્ર, પુષ્પ, પૂજા સામગ્રી અને સુતરની આંટી સાથે પ્રદક્ષિણા કરી વટ સાવિત્રી વ્રતે હજારોની સંખ્યામાં મહિલાઓએ વડનું પૂજન કર્યુ. 

(પ્રજ્ઞેશ વ્યાસ)

 

સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ ગાંધીનગર ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી

11 ડિસેમ્બર 2014 ના રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા દર વર્ષે તા. 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (International Yoga Day) તરીકે ઉજવવાનો ઠરાવ અપનાવવામાં આવ્યો ત્યારથી દર વર્ષે સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ (SWAC) હેઠળના તમામ એરફોર્સ સ્ટેશનો પર યોગ દિવસની (Yoga Day 2023) ઉજવણી કરવામાં આવી હતી. 21 જૂન 2024 ના રોજ પૂરા ઉત્સાહ સાથે તમામ કર્મચારીઓ અને તેમના પરિવારોએ પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો.

આયુષ મંત્રાલય દ્વારા જારી કરાયેલ સામાન્ય યોગ પ્રોટોકોલ મુજબ યોગ અને ધ્યાન સત્ર હાથ ધરવામાં આવ્યું હતું. આ યોગ સત્રમાં વિવિધ આસનો (સ્ટ્રેચિંગ, સ્ટેન્ડિંગ, સિટિંગ, પ્રોન, સુપિન અને શ્વાસ લેવાની કસરત વગેરે) અને ધ્યાનનો સમાવેશ થાય છે.

એર માર્શલ નર્મદેશ્વર તિવારી, અતિ વિશિષ્ટ સેવા મેડલ, વાયુ સેવા મેડલ, સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ અને રિચા તિવારી, AFFWA પ્રમુખ (પ્રાદેશિક) એ મુખ્ય મથક SWAC ખાતેના સત્રમાં હાજરી આપી હતી. AOC-in-C એ સહભાગીઓને આરોગ્ય અને સુખાકારી માટે તેમના રોજિંદા સમયપત્રકમાં યોગનો સમાવેશ કરવા માટે આગ્રહ કર્યો.

સુરતના ઐતિહાસિક કિલ્લામાં સી.આર.પાટીલની હાજરીમાં યોગ દિનની ઉજવણી

સુરત: કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલની અધ્યક્ષતામાં સુરતના ચોક સ્થિત ઐતિહાસિક કિલ્લા ખાતે સુરત મહાનગર પાલિકા આયોજિત ‘૧૦મા આંતરરાષ્ટ્રીય યોગ દિન’ની ઉજવણી કરાઇ હતી. ‘સ્વયં અને સમાજ માટે યોગ’ થીમ પર આધારિત ઉજવણીમાં આશરે ૬૦૦ લોકોએ સામૂહિક યોગાભ્યાસ અને પ્રાણાયામ કર્યા હતા. સાથે જ સ્વસ્થ જીવન માટે નિયમિત યોગાભ્યાસ કરવા સૌ સામૂહિક રીતે સંકલ્પબદ્ધ થયા હતા.

આ અવસરે કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલએ કહ્યું કે, પ્રધાનમંત્રીએ વિશ્વના ૧૭૬ દેશોમાં યોગનો પ્રચાર કર્યો છે. જેથી યોગને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઓળખ મળી છે. વધુમાં મંત્રીએ યોગને સ્વસ્થ જીવનનો મૂળમંત્ર ગણાવતા લોકોને નિયમિત યોગાભ્યાસ કરવા અપીલ કરી હતી. આ પ્રસંગે સુરતના સાંસદ મુકેશ દલાલ, સ્થાયી સમિતિ ચેરમેન રાજન પટેલ, માજી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશ પટેલ, શહેર પક્ષ પ્રમુખ નિરંજન ઝાંઝમેરા, શાસક પક્ષ નેતા શશિબેન ત્રિપાઠી સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને યોગપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(અરવિંદ ગોંડલિયા – સુરત)

મોબ લિન્ચિંગઃ પાકિસ્તાનમાં ભીડે સંદિગ્ધને જીવતો સળગાવ્યો

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં ભીડે ધર્મને નામે પોલીસ સ્ટેશનમાંથી કાઢીને એક સંદિગ્ધ વ્યક્તિને જીવતી સળગાવી દીધી હતી. પોલીસે જણાવ્યું હતું કે ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતના સ્વાત જિલ્લાના મદ્યન વિસ્તારમાં આ ઘટના બની હતી. સ્વાત જિલ્લાના DPO ડો. જાહિદુલ્લા ખાને જણાવ્યું હતું કે આ હંગામામાં આઠ લોકો ઘાયલ પણ થયા છે. તેમણે જણાવ્યું હતું કે કુરાનના અપમાનને મામલે પોલીસ આરોપીને ભીડથી બચાવીને સ્ટેશનમાં લઈ ગઈ હતી, પરંતુ ભીડે પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો હતો અને સંદિગ્ધ વ્યક્તિને પોતાની સાથે લઈ ગઈ હતી.

આ ભીડે પોલીસ સ્ટેશન અને સ્ટેશનમાં ઊભેલાં વાહનોમાં આગ પણ લગાડી દીધી હતી. આ સિવાય કથિત આરોપીને પણ આગના હવાલે કર્યો હતો. પોલીસ કેસની તપાસ કરી રહી છે. અત્યાર સુધી આ પૂરો કેસ સામે નથી આવ્યો, એમ DPOએ કહ્યું હતું. સોશિયલ મિડિયા પર ઘટનાથી જોડાયેલા કેટલાય વિડિયો વાઇરલ થઈ રહ્યા છે, જેમાં જોઈ શકાય છે કે રસ્તા પર પડેલા મૃતદેહને ભીડે આગને હવાલે કરી દીધો હતો. મૃતદેહને આગ લગાવ્યા પછી ભીડ ચારે બાજુ ઊભી હતી અને જશ્ન મનાવી રહી હતી. એક અન્ય વિડિયોમાં ભીડ પોલીસ સ્ટેશનની બહાર હંગામો કરતી નજરે ચઢી રહી છે.

મદ્યનમાં ભારે પોલીસ દળ તહેનાત કરવામાં આવ્યાં છે અને ટેન્શનને ઓછું કરવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. મદ્યન સ્વાત ખીણનું પ્રસિદ્ધ પર્યટન સ્થળ છે, આ ઘટનાની તપાસના આદેશ પણ મુખ્ય મંત્રીએ આપ્યા છે. પોલીસ સ્થિતિને નિયંત્રણમાં કરવા જરૂરી પગલાં ભરી રહી છે.

 

 

 

 

 

 

HCએ CM અરવિંદ કેજરીવાલના જામીન પર સ્ટે મૂક્યો

નવી દિલ્હીઃ CM અરવિંદ કેજરીવાલને મની લોન્ડરિંગ કેસમાં આંચકો લાગ્યો છે. EDની દખલ પછી દિલ્હી હાઇકોર્ટે આ કેસની સુનાવણી પૂરી થવા સુધી તેમના જામીનને હાલપૂરતા અટકાવી દીધા છે.   કેજરીવાલની જામીન અરજી સામે દિલ્હી હાઈ કોર્ટે કહ્યું હતું કે  નીચલી કોર્ટનો આદેશ સુનાવણી સુધી હોલ્ડ પર રહેશે. એટલે કે જ્યાં સુધી હાઈકોર્ટ કેસની સુનાવણી નહીં કરે ત્યાં સુધી કેજરીવાલ તિહાડ જેલમાંથી મુક્ત નહીં થાય. રાઉઝ એવન્યુ કોર્ટ ગુરુવારને રૂ. એક લાખના પ્રાઇવેટ મુચલકા પર કેજરીવાલને નિયમિત જામીન આપ્યા હતા.

દિલ્હી હાઈકોર્ટે અરવિંદ કેજરીવાલને આપવામાં આવેલી જામીન વિરુદ્ધ EDની અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાની મંજૂરી આપી. હાઈકોર્ટે કહ્યું હતું કે જ્યાં સુધી અમે કેસની સુનાવણી નહીં કરીએ ત્યાં સુધી નીચલી કોર્ટનો આદેશ અસરકારક રહેશે નહીં. EDએ તેમના જામીનનો વિરોધ કરતાં કહ્યું હતું કે ટ્રાયલ કોર્ટના આદેશની કોપી તેમને અત્યાર સુધી નથી મળી.

EDએ કેજરીવાલને જામીન આપનારા નીચલી કોર્ટના જામીનના આદેશને હાઇકોર્ટમાં પડકાર્યા હતા. EDએ એસએલપીમાં કહ્યું હતું કે તપાસના મહત્ત્વના દોરમાં કેજરીવાલને જામીનથી તપાસમાં અસર પડશે, કેમ કે કેજરીવાલ CMના મહત્ત્વના પદે છે.

હાઇકોર્ટે કેજરીવાલના વકીલ અભિષેક મનુ સિંધવીની એ દલીલ ફગાવી દીધી હતી કે હવે સુનાવણી જરૂર નથી. જસ્ટિસ સુધીર જૈને કહ્યું હતું કે જ્યાં સુધી હાઇકોર્ટમાં સુનાવણી લંબિત છે, ત્યાં સુધી નીચલી કોર્ટનો આદેશ પ્રભાવી નહીં થાય. EDના હાઇકોર્ટમાં જવાને મુદ્દે રાજ્યસભાના સાંસદ સંજય સિંહે કહ્યું હતું કે અત્યાર સુધી નીચલી કોર્ટનો આદેશ આવ્યો નથી કો કયા આધારે ED હાઇકોર્ટ પહોંચી છે?

દિલ્હી લિકર કેસથી જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં EDએ કેજરીવાલની ધરપકડ 21 માર્ચે કરી હતી. EDએ તેમને નવ વાર સમન્સ મોકલ્યા હતા, પણ તેમણે એક પણ સમન્સનો જવાબ નહોતો આપ્યો. ત્યાર બાદ તેમની EDએ ધરપકડ કરી હતી. હવે તેમને કોર્ટે નિયમિત જામીન આપ્યા હતા, પણ હાઇકોર્ટે એના પર સ્ટે મૂક્યો હતો.

10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી..

ઇતિહાસમાં પ્રથમવાર ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પરના ઝીરો પોઇન્ટ, નડાબેટ, બનાસકાંઠા ખાતે યોગ દિવસની રાજયકક્ષાની ઉજવણી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં કરવામાં આવી. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા યોગ દિવસની ઉજવણી નિમિત્તે  શ્રીનગરથી કરાયેલા સંબોધનનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું.

રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના લોકોને શુભેચ્છાઓ પાઠવતાં યોગને દૈનિક જીવનમાં અપનાવવા આહવાન કર્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે “રાજ્યમાં સવા કરોડ કરતાં વધુ લોકો આજે વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં સહભાગી બન્યા છે, એ આનંદની વાત છે. છેવાડાના માનવી સુધી યોગને પહોંચાડવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. રાજ્યમાં યોગના પ્રચાર-પ્રસાર માટે 51 યોગ સ્ટુડિયોની સ્થાપના કરવામાં આવી છે.” યોગના માહાત્મ્ય વિશે વધુ વાત કરતાં જણાવ્યું હતું કે “યોગ આરોગ્ય સુખાકારીનું સબળ માધ્યમ બન્યું છે. તણાવમુક્ત અને આરોગ્યપ્રદ જીવનશૈલી માટે યોગ ઉત્તમ ઉપાય છે. યોગ આત્મવિશ્વાસ નહિ, આત્મસંયમ છે. સ્વાસ્થ્ય સુખાકારી માટે યોગ સર્વોત્તમ છે.”

વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ સીમાવર્તી ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના આયોજન બદલ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો. યોગ દિવસની શુભકામનાઓ પાઠવતાં કહ્યું કે, “આજે આખી દુનિયા યોગના મહત્વને સમજવા લાગી છે, જ્યાં માનવતા છે ત્યાં યોગ છે. શરીરના સુખ માટે નહીં, પરંતુ સંપૂર્ણ સુખની અનુભૂતિ યોગ દ્વારા થાય છે. મનની શાંતિ, ચિત્તની શુદ્ધિ અને બુદ્ધિના વિકાસ સહિત આત્માના શાશ્વત સુખ માટે યોગ જરૂરી છે.”

રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શીશપાલ રાજપૂતે વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં સહભાગી બનેલા તમામનું સ્વાગત કરી તેમને આવકાર્યા હતા. તેમણે આંતરરાષ્ટ્રીય યોગ પ્રોટોકોલ અનુસાર વિવિધ આસનો અને પ્રાણાયામનું નિદર્શન કરી યોગ કરાવ્યા હતા. રોજિંદા જીવનમાં યોગ અપનાવવામાં આવે તો યોગી, નિરોગી બનવાની સાથે સમાજમાં સહયોગી અને ઉપયોગી બનવાની પ્રેરણાત્મક ઊર્જા મળતી હોવાનું, તેમણે જણાવ્યું હતું.

21 મી જૂનને વિશ્વભરમાં ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે ‘સ્વયં અને સમાજ માટે યોગ’ થીમ પર રાજ્યમાં પણ વિવિધ જગ્યાએ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. રાજ્યકક્ષાની ઉજવણીમાં યુવક સેવા અને સાંસ્કૃતિક બાબતો વિભાગના અગ્ર સચિવ અશ્વિની કુમાર, BSF આઈ.જી. અભિષેક પાઠક, પૂર્વ સાંસદ પરબત પટેલ, ધારાસભ્યો સર્વશ્રી કેશાજી ચૌહાણ, પ્રવીણ માળી, અનિકેત ઠાકર, લવિંગજી સોલંકી, બનાસકાંઠાના કલેકટર વરુણકુમાર બરનવાલ, પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, સુઇગામ પ્રાંત અધિકારી કાર્તિક જીવાણી સહિત અધિકારી ગણ,  કર્મચારી ગણ, યોગ ટ્રેનરો, યોગ પ્રેમીઓ, યોગાભ્યાસુઓ સહિત 3000 જેટલા લોકો સહભાગી બન્યા હતા.

આખરે શત્રુઘ્ન સિન્હાએ જમાઈરાજા સાથે કરી મુલાકાત

બઈ: સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલ લગ્ન કરવા જઈ રહ્યા છે અને આ સમાચારની પુષ્ટિ થઈ ગઈ છે. સોનાક્ષી અને ઝહીર 23 જૂને લગ્ન કરવા જઈ રહ્યા છે. પહેલા એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે સોનાક્ષીનો પરિવાર તેના નિર્ણયથી ખુશ નથી. પરંતુ હવે પિતા શત્રુઘ્ન સિંહાએ આ તમામ અહેવાલોને ખોટા ગણાવ્યા છે. એક તરફ શત્રુઘ્ન સિન્હા પહેલા જ સ્પષ્ટ કરી ચુક્યા છે કે તેમને સોનાક્ષી અને ઝહીરના લગ્નથી કોઈ વાંધો નથી અને તેઓ તેમની પુત્રીના લગ્નમાં ચોક્કસપણે હાજરી આપશે. ત્યારે બીજી તરફ શત્રુઘ્ન સિન્હા તેમની પત્ની પૂનમ સિંહા સાથે જમાઈ રાજા ઈકબાલ રતનસીના ઘરે પહોંચ્યા હતાં, જેણે એ દાવાઓ પર પણ પૂર્ણવિરામ લગાવી દીધું કે તેઓ સોનાક્ષી-ઝહીરના લગ્નથી ખુશ નથી. અહીં તેણે તેના ભાવિ જમાઈ ઝહીર ઈકબાલ સાથે પેપ્સને પોઝ પણ આપ્યા હતાં. આ દરમિયાન બંને એકબીજા સાથે વાત કરતા અને હસતા જોવા મળ્યા હતા.

સેલિબ્રિટી પાપારાઝી વિરલ ભાયાણીએ શત્રુઘ્ન સિન્હાનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં પીઢ અભિનેતા તેમના ભાવિ જમાઈ ઝહીર ઈકબાલ અને વેવાઈ ઈકબાલ રતનસી સાથે પોઝ આપતા જોવા મળે છે. આ વીડિયો સામે આવ્યા બાદ યૂઝર્સ પણ તેના પર ઘણી પ્રતિક્રિયા આપી રહ્યા છે, કારણ કે અત્યાર સુધી એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે સોનાક્ષીના પેરેન્ટ્સ શત્રુઘ્ન સિંહા-પૂનમ સિંહા અને ભાઈ લવ સિંહા અને ઝહીર સાથે તેણીના લગ્નથી ખુશ નથી.

ગઈકાલે રાત્રે જ શત્રુઘ્ન સિંહા તેની પત્ની પૂનમ સિંહા સાથે ઈકબાલ રતનસીના ઘરે પહોંચ્યા હતા, જ્યાં પેપ્સે તેને કેમેરામાં કેદ કરી લીધા હતા. આ દરમિયાન પેપ્સે શત્રુઘ્ન અને તેની પત્ની પૂનમને પોઝ આપવા કહ્યું. જ્યારે પૂનમ પેપ્સને અવગણીને આગળ વધી, ત્યારે શત્રુઘ્ન રોકાયા અને તેના ભાવિ જમાઈ અને વેવાઈ સાથે પોઝ આપ્યો. ઘણા યુઝર્સ આ વીડિયો પર પ્રતિક્રિયા આપી રહ્યા છે. જ્યાં એક તરફ કેટલાક યુઝર્સ સિંહા પરિવારને ટ્રોલ કરી રહ્યા છે તો કેટલાક એવા પણ છે જેઓ વર-કન્યાને સકારાત્મક પ્રતિક્રિયા આપીને અભિનંદન આપી રહ્યા છે.

લગ્ન બાદ સોનાક્ષી બાંદ્રામાં જોવા મળી

બીજી તરફ, સોનાક્ષી હાલમાં જ મુંબઈના બાંદ્રા વિસ્તારમાં લગ્નની તૈયારીઓ વચ્ચે જોવા મળી હતી. આ દરમિયાન અભિનેત્રી સફેદ આઉટફિટમાં જોવા મળી હતી. પરંતુ, જ્યારે પેપ્સે તેને પોઝ આપવાનું કહ્યું ત્યારે અભિનેત્રીએ ના પાડી દીધી. એટલું જ નહીં સોનાક્ષી સિવાય તેના પિતા પણ બાંદ્રા પહોંચ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે સોનાક્ષી અને ઝહીર બાંદ્રામાં બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીની રેસ્ટોરન્ટ બાસ્ટિયનમાં તેમના લગ્નનું રિસેપ્શન હોસ્ટ કરવા જઈ રહ્યા છે.

વાસ્તુ: ઘર કે એપાર્ટમેન્ટમાં અગ્નિદોષ હોય તો આ મુશ્કેલીઓ આવી શકે

શું તમને છેતરાવું ગમે? શું તમે કોઈને ક્યારેય વિનંતી કરી છે કે મહેરબાની કરીને તમે મને છેતરો. આવું કોઈને ગમે પણ નહિ. અને કોઈ આવું કહે પણ નહિ. પણ કોઈને છેતરવાનું હોય તો? એમાં પોતાનો લાભ હોય તો મન લલચાઈ જાય. જે વ્યવહાર કોઈ અન્ય વ્યક્તિ પોતાની સાથે કરે અને ન પસંદ આવે એવો વ્યવહાર અન્યની સાથે કરવો ન જોઈએ એને જ સાચો ધર્મ કહી શકાય. બાકી બધી વિવિધ વિચારધારાઓ છે. ખોટા વાયદા કરવા, કોઈની ભલમનસાઈનો ફાયદો ઉઠાવવો, કોઈની લાગણી સાથે રમત કરવી આ બધું જ છેતરામણી જ કહેવાય. જોકે આપણે માત્ર ભૌતિકતાને છેતરવા સાથે જોડીએ છીએ. આ પ્રકારના નકારાત્મક વિચારો પણ વાસ્તુ નિયમો સાથે જોડાયેલા છે.

મિત્રો, આ વિભાગ આપનો જ છે. જો આપને પણ કોઈ સમસ્યા કે સવાલ હોય તો આપ નીચે જણાવેલા ઈમેઈલ પર પૂછી શકો છો.

સવાલ: સરજી. હું એક સાવ ભલી ભોળી, સંસ્કારી સ્ત્રી છુ. ધાર્મિક પણ ખરી. આઠ વરસ પહેલા અમે બે કરોડનો ફ્લેટ ખરીદ્યો. એક વાસ્તુશાસ્ત્રીને બોલાવ્યા. અમે પેન્ટ હાઉસ લીધેલું એટલે ઈચ્છા થઇ કે આટલા રૂપિયા ખર્ચીએ છીએ તો સુખી થઈએ ને? એ માણસે કોઈ રકમ એડવાન્સમા ન માંગી. એ ઘરે આવ્યા એટલે એમના જ્ઞાનનો અમને પરિચય થઇ ગયો. દિશાઓ જોયા વિના એમને બધી ખબર પડવા લાગી. એમના સૂચનો પુરા થયા એટલે મારા દીકરાએ મને અંદર લઇ જઈને સમજાવ્યું કે આ માણસે તો એક પણ રૂપિયો માંગ્યા વિના બધું કહી દીધું. મેં એને સમજાવ્યું કે પણ આપણે અત્યારે ફી આપવાની કહી હતી. અને એમણે ફી પણ નક્કી કરી છે. પણ પછી મારા દીકરાએ સમજાવ્યું કે એના કરતા આપણે એ પૈસા ઇન્ટીરીયરમાં વાપરીએ ને?

અમે એવું કહીને વાત ટાળી દીધી કે પૈસા અને કાર્ડ ઉતાવળમાં જુના ઘરે ભૂલી ગયા છીએ. એ જતા રહ્યા. અઠવાડિયા પછી એમણે ફી માંગી એટલે મારા દીકરાએ ઉંધી વાત કરી કે મેં તો તમને પાંચ હજાર વધારે આપ્યા હતા. અમારે પાછા લેવાના છે. થોડી વારમાં એમણે મારા દીકરાએ આપેલા એકાઉન્ટમાં પાંચ હજાર મોકલી આપ્યા. મારો દીકરો બોલ્યો પણ ખરો કે મોટો આવ્યો હતો અંતર્યામી. એને સમજાયું નહિ કે આપણે એને છેતરવાના છીએ? હું પણ મારા દીકરાની આવડત પર વારી ગઈ. એ પછી મને કેટલાક સવાલો થયા એટલે એમને ફોન કર્યો પણ અમારા નંબર બ્લોક થઇ ગયા હતા.

શરૂઆતમાં અમે ખુબ સુખી થયા. પછી કપરો સમય આવ્યો. ગયા અઠવાડીએ મારા ઘરે પૂજા હતી. અમારા ગુરુજી આવ્યા હતા. એ તો પૈસા વિના પધરામણી જ ન કરે. એમણે કહ્યું કે અમારા ઘરમાં વાસ્તુ દોષ છે. અમને પેલા વાસ્તુવાળા ભાઈ પર ખુબ ગુસ્સો આવ્યો. તપાસ કરતા ખબર પડી કે અમારા એપાર્ટમેન્ટમાં અગ્નિમાં અન્ડરગ્રાઉન્ડ પાણીની ટાંકી છે. મેં પેલા ભાઈને ફોન કર્યો તો હજુ પણ મારો નંબર બ્લોક છે. મારો દીકરો પણ ગુસ્સામાં છે. એ તો કહે છે કે એ માણસને દેખાડી દઈએ. પણ મને લાગે છે કે એના કરતા એમને ફરી વાર ફી ની લાલચ આપીને બોલાવીએ. જો માથાકૂટ કરશે તો થોડા પૈસા આપી દઈશું. અથવાતો ત્યારે ટાંકી વિષે કેમ ન કહ્યું એવું કહીને ભગાડી મુકીશું. પણ મારા પુત્રવધુ હવે આવું કરવાનું નથી ઈચ્છતા. દુનિયામાં દરેક માણસો સ્વાર્થી જ હોય છે ને? એમાં ખોટું શું છે? અમારા ધંધામાં અમને પણ ઘણા લોકો ઓછા પૈસા આપે, ટુકડા કરીને આપે. તો ચલાવી જ લઈએ છીએ ને? પેલી ટાંકીનો ઉપાય પણ આપો ને.

જવાબ: આપનો સવાલ સાચે જ રસપ્રદ છે. પેલા માણસે તમને વધારે પૈસા આપ્યા તો પણ તમે એને ન સમજ્યા. એ પોતે તમારી સાથેના કર્મના બંધનમાંથી મુક્ત થઇ ગયો. તમે તો હજુ પણ પોતાની યશગાથા ગાવ છો. અને ફરી એને છેતરવાના સપના પણ જુઓ છો. કોઈ માણસ તમારા પર વિશ્વાસ કરે છે તો એ સાચવવાની જવાબદારી પણ તમારી જ ગણાય. તમારી બધી જ સમસ્યા મેં અહી નથી વર્ણવી. તમારી સાથે કોઈ ખોટું કરે એટલે તમે એવું અન્ય સાથે કરો એવો કોઈ જ નિયમ નથી. મફતમાં મળેલું જ્ઞાન ક્યારેય ન પચે.

તમે તમારા ગુરુજીને પૈસા આપ્યા કારણકે તમે એમનાથી ડરો છો. બાકી તમારા વિચારો પ્રમાણે તમે એમને પણ છેતરી શકો. કોઈ તમને બ્લોક કરી શકે. તમે તમારા વિચારોથી જ દુખી છો. સ્વસ્થ રહેવા માટે સ્વસ્થ વિચારધારા પણ જરૂરી છે. આખી દુનિયા ખરાબ છે ને તમે જ સારા છો એ શક્ય નથી.

અગ્નિમાં અન્ડર ગ્રાઉન્ડ ટાંકી કેટલી ઊંડી છે, ક્યાં છે, અને એનું માપ કેટલું છે એ જાણવું જરૂરી છે. ભારતીય વાસ્તુમાં ગણિતનું ખુબ મહત્વ છે. આપે અન્યની વાત વધારે કરી છે અને તમારો જરૂરી પ્રશ્ન અધુરો છોડ્યો છે. અગ્નિના દોષથી આવી માનસિકતા આવી શકે.

સુચન: પૂર્વઅગ્નિના દ્વાર નકારાત્મક હોય છે.

(આપના સવાલો મોકલી આપો Email: vastunirmaan@gmail.com)

 

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

૨૧ જૂન, ૨૦૨૪