વાસ્તુ: ઘર કે એપાર્ટમેન્ટમાં અગ્નિદોષ હોય તો આ મુશ્કેલીઓ આવી શકે

શું તમને છેતરાવું ગમે? શું તમે કોઈને ક્યારેય વિનંતી કરી છે કે મહેરબાની કરીને તમે મને છેતરો. આવું કોઈને ગમે પણ નહિ. અને કોઈ આવું કહે પણ નહિ. પણ કોઈને છેતરવાનું હોય તો? એમાં પોતાનો લાભ હોય તો મન લલચાઈ જાય. જે વ્યવહાર કોઈ અન્ય વ્યક્તિ પોતાની સાથે કરે અને ન પસંદ આવે એવો વ્યવહાર અન્યની સાથે કરવો ન જોઈએ એને જ સાચો ધર્મ કહી શકાય. બાકી બધી વિવિધ વિચારધારાઓ છે. ખોટા વાયદા કરવા, કોઈની ભલમનસાઈનો ફાયદો ઉઠાવવો, કોઈની લાગણી સાથે રમત કરવી આ બધું જ છેતરામણી જ કહેવાય. જોકે આપણે માત્ર ભૌતિકતાને છેતરવા સાથે જોડીએ છીએ. આ પ્રકારના નકારાત્મક વિચારો પણ વાસ્તુ નિયમો સાથે જોડાયેલા છે.

મિત્રો, આ વિભાગ આપનો જ છે. જો આપને પણ કોઈ સમસ્યા કે સવાલ હોય તો આપ નીચે જણાવેલા ઈમેઈલ પર પૂછી શકો છો.

સવાલ: સરજી. હું એક સાવ ભલી ભોળી, સંસ્કારી સ્ત્રી છુ. ધાર્મિક પણ ખરી. આઠ વરસ પહેલા અમે બે કરોડનો ફ્લેટ ખરીદ્યો. એક વાસ્તુશાસ્ત્રીને બોલાવ્યા. અમે પેન્ટ હાઉસ લીધેલું એટલે ઈચ્છા થઇ કે આટલા રૂપિયા ખર્ચીએ છીએ તો સુખી થઈએ ને? એ માણસે કોઈ રકમ એડવાન્સમા ન માંગી. એ ઘરે આવ્યા એટલે એમના જ્ઞાનનો અમને પરિચય થઇ ગયો. દિશાઓ જોયા વિના એમને બધી ખબર પડવા લાગી. એમના સૂચનો પુરા થયા એટલે મારા દીકરાએ મને અંદર લઇ જઈને સમજાવ્યું કે આ માણસે તો એક પણ રૂપિયો માંગ્યા વિના બધું કહી દીધું. મેં એને સમજાવ્યું કે પણ આપણે અત્યારે ફી આપવાની કહી હતી. અને એમણે ફી પણ નક્કી કરી છે. પણ પછી મારા દીકરાએ સમજાવ્યું કે એના કરતા આપણે એ પૈસા ઇન્ટીરીયરમાં વાપરીએ ને?

અમે એવું કહીને વાત ટાળી દીધી કે પૈસા અને કાર્ડ ઉતાવળમાં જુના ઘરે ભૂલી ગયા છીએ. એ જતા રહ્યા. અઠવાડિયા પછી એમણે ફી માંગી એટલે મારા દીકરાએ ઉંધી વાત કરી કે મેં તો તમને પાંચ હજાર વધારે આપ્યા હતા. અમારે પાછા લેવાના છે. થોડી વારમાં એમણે મારા દીકરાએ આપેલા એકાઉન્ટમાં પાંચ હજાર મોકલી આપ્યા. મારો દીકરો બોલ્યો પણ ખરો કે મોટો આવ્યો હતો અંતર્યામી. એને સમજાયું નહિ કે આપણે એને છેતરવાના છીએ? હું પણ મારા દીકરાની આવડત પર વારી ગઈ. એ પછી મને કેટલાક સવાલો થયા એટલે એમને ફોન કર્યો પણ અમારા નંબર બ્લોક થઇ ગયા હતા.

શરૂઆતમાં અમે ખુબ સુખી થયા. પછી કપરો સમય આવ્યો. ગયા અઠવાડીએ મારા ઘરે પૂજા હતી. અમારા ગુરુજી આવ્યા હતા. એ તો પૈસા વિના પધરામણી જ ન કરે. એમણે કહ્યું કે અમારા ઘરમાં વાસ્તુ દોષ છે. અમને પેલા વાસ્તુવાળા ભાઈ પર ખુબ ગુસ્સો આવ્યો. તપાસ કરતા ખબર પડી કે અમારા એપાર્ટમેન્ટમાં અગ્નિમાં અન્ડરગ્રાઉન્ડ પાણીની ટાંકી છે. મેં પેલા ભાઈને ફોન કર્યો તો હજુ પણ મારો નંબર બ્લોક છે. મારો દીકરો પણ ગુસ્સામાં છે. એ તો કહે છે કે એ માણસને દેખાડી દઈએ. પણ મને લાગે છે કે એના કરતા એમને ફરી વાર ફી ની લાલચ આપીને બોલાવીએ. જો માથાકૂટ કરશે તો થોડા પૈસા આપી દઈશું. અથવાતો ત્યારે ટાંકી વિષે કેમ ન કહ્યું એવું કહીને ભગાડી મુકીશું. પણ મારા પુત્રવધુ હવે આવું કરવાનું નથી ઈચ્છતા. દુનિયામાં દરેક માણસો સ્વાર્થી જ હોય છે ને? એમાં ખોટું શું છે? અમારા ધંધામાં અમને પણ ઘણા લોકો ઓછા પૈસા આપે, ટુકડા કરીને આપે. તો ચલાવી જ લઈએ છીએ ને? પેલી ટાંકીનો ઉપાય પણ આપો ને.

જવાબ: આપનો સવાલ સાચે જ રસપ્રદ છે. પેલા માણસે તમને વધારે પૈસા આપ્યા તો પણ તમે એને ન સમજ્યા. એ પોતે તમારી સાથેના કર્મના બંધનમાંથી મુક્ત થઇ ગયો. તમે તો હજુ પણ પોતાની યશગાથા ગાવ છો. અને ફરી એને છેતરવાના સપના પણ જુઓ છો. કોઈ માણસ તમારા પર વિશ્વાસ કરે છે તો એ સાચવવાની જવાબદારી પણ તમારી જ ગણાય. તમારી બધી જ સમસ્યા મેં અહી નથી વર્ણવી. તમારી સાથે કોઈ ખોટું કરે એટલે તમે એવું અન્ય સાથે કરો એવો કોઈ જ નિયમ નથી. મફતમાં મળેલું જ્ઞાન ક્યારેય ન પચે.

તમે તમારા ગુરુજીને પૈસા આપ્યા કારણકે તમે એમનાથી ડરો છો. બાકી તમારા વિચારો પ્રમાણે તમે એમને પણ છેતરી શકો. કોઈ તમને બ્લોક કરી શકે. તમે તમારા વિચારોથી જ દુખી છો. સ્વસ્થ રહેવા માટે સ્વસ્થ વિચારધારા પણ જરૂરી છે. આખી દુનિયા ખરાબ છે ને તમે જ સારા છો એ શક્ય નથી.

અગ્નિમાં અન્ડર ગ્રાઉન્ડ ટાંકી કેટલી ઊંડી છે, ક્યાં છે, અને એનું માપ કેટલું છે એ જાણવું જરૂરી છે. ભારતીય વાસ્તુમાં ગણિતનું ખુબ મહત્વ છે. આપે અન્યની વાત વધારે કરી છે અને તમારો જરૂરી પ્રશ્ન અધુરો છોડ્યો છે. અગ્નિના દોષથી આવી માનસિકતા આવી શકે.

સુચન: પૂર્વઅગ્નિના દ્વાર નકારાત્મક હોય છે.

(આપના સવાલો મોકલી આપો Email: vastunirmaan@gmail.com)