Home Blog Page 1700

શરદ પવાર જૂથનો દાવોઃ 18 વિધાનસભ્યો ‘ઘરવાપસી’ માટે તૈયાર

મુંબઈઃ મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એક વાર મોટો ઊલટફેર જોવા મળી શકે છે. શરદ પવારની પાર્ટી તરફથી ફરી એક વાર દાવો કરવામાં આવ્યો હતો કે અજિત પવાર જૂથના કેટલાક વિધાનસભ્યો તેમની સાથે આવે એવી શક્યતા છે. લોકસભા ચૂંટણીમાં આઠ લોકસભા સીટો પર જીત નોંધાવ્યા પછી પવારના નેતૃત્વ પાર્ટીવાળી NCPનો જુસ્સો બુલંદ છે.

પક્ષના વડા શરદ પવારે પત્રકારો સાથે વાતચીત કરતાં કહ્યું હતું કે 19માંથી 18 વિધાનસભ્યો તેમના પક્ષમાં છે. તેઓ ક્યારેય પણ તેમની પાર્ટીમાં સામેલ થાય એવી સંભાવના છે. તેમણે જણાવ્યું હતું કે આગામી વિધાનસભાની ચૂંટણી પહેલાં આ બધા 18-19 વિધાનસભ્યો તેમના પક્ષમાં ભળી જાય એવી અપેક્ષા છે. જોકે તેમણે કહ્યું હતું કે તેઓ બધા વિધાનસભ્યોને સામેલ કરાવતાં પહેલાં તેમના સહયોગીઓની સલાહ જરૂર લેશે. ત્યાર પછી તેઓ તેમના વિશે કોઈ નિર્ણય લેશે.

ભૂતપૂર્વ  કેન્દ્રીય મંત્રી સૂર્યકાંત પાટિલના NCP-શરદ પવાર જૂથમાં પરત આવવા દરમ્યાન મિડિયાથી વાત કરી રહ્યા હતા. જે પણ પાર્ટીને તોડવાવાળા વિધાનસભ્યો રહ્યા છે, જો તેઓ પાર્ટીમાં સામેલ થશે તો પાર્ટી વધુ મજબૂત થશે. જે લોકોએ પક્ષમાં રહીને પાર્ટીને નુકસાન પહોંચાડ્યું છે, તેમને અમે પરત નહીં લઈએ, કેમ કે અમારે અમારા કાર્યકર્તાઓની ભાવનાઓનું સન્માન કરવાનું છે, એમ તેમણે કહ્યું હતું.

છેલ્લાં કેટલાંક વર્ષોમાં મહારાષ્ટ્રમાં શિવસેના અને NCPમાં મોટી તૂટ જોવા મળી હતી. એક બાજુ શિંદેના નેતૃત્વમાં શિવસેનામાં તૂટ થઈ હતી, તો અજિત પવારના નેતૃત્વમાં NCPમાં તૂટ જોવા મળી હતી. બંને જગ્યે પાર્ટી બળવાખોર નેતાઓની પાસે ગઈ હતી.

 

 

 

 

 

 

 

ગાંધી આશ્રમના અનુભવી સંચાલક અમૃતભાઈ મોદીનું અવસાન

અમદાવાદ: ગાંધી આશ્રમ વિશેની વાત આવે એટલે અમૃતભાઈ મોદી અચૂક યાદ આવે. 50 વર્ષ કરતાં પણ વધારે સમયથી ગાંધી વિચાર ધારા, ગાંધી આશ્રમના સંચાલન સાથે જોડાયેલા અમૃતભાઈ મોદીનું 25-6-2024, મંગળવારની સવારે દેહાવસાન થયું છે. વર્ષો સુધી ગાંધી આશ્રમમાં સતત કામગીરી કરનાર અમૃતભાઈની અંતિમયાત્રા એમના નિવાસસ્થાનેથી નીકળી ગાંધી આશ્રમ આવી હતી.આશ્રમના પ્રાંગણમાં લાવવામાં આવેલા પાર્થિવ દેહના દર્શને મોટી સંખ્યામાં ગાંધી આશ્રમ સાથે સંકળાયેલા લોકો ઉમટી પડ્યા હતા. જેમાં કાર્તિકેય સારાભાઈ, જયેશભાઈ પટેલ, ડાયરેક્ટર અતુલ પંડ્યા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સો વર્ષ જૂના ગાંધી આશ્રમમાં 50 વર્ષ કરતાં પણ વધારે સમય અમૃતભાઈ મોદીએ ગાંધી વિચાર અને આશ્રમને સમર્પિત કર્યો હતો.ગાંધીનગરની નજીક આવેલા સાદરા ગામના વતની અમૃતભાઈ મોદી વિદ્યાર્થી કાળથી ગાંધી વિચારોના વાંચનમાં રુચી ધરાવતા હતા. કોંગ્રેસના સેવાદળમાં જોડાયા બાદ કેન્દ્રના સંચાલક પણ રહ્યા. ભીંત પત્ર લેખન, શ્રમ, ગામ સફાઈ, સેવા કાર્યો અને સાંસ્કૃતિક કાર્યોમાં અમૃતભાઈ ઉત્સાહપૂર્વક ભાગ લેતા હતા. એસ.એસ.સી પછી શિક્ષણ જગતથી માંડી સેક્રેટરીએટમાં કારકુન સુધી ચાર નોકરીઓ બદલી હતી.1955ની ગાંધી આશ્રમની 7 દિવસની સર્વોદય વિચાર શિબિર બાદ સાબરમતીના આ આશ્રમને સમર્પિત થઈ ગયા હતા. મહેસાણા જિલ્લામાં જ્યારે ભૂદાનનું કાર્ય શરૂ થયું, ત્યારે એમણે ચાર વર્ષમાં 1100 ગામડામાં પદયાત્રા કરી હતી. ગુજરાત સર્વોદય મંડળની રચના બાદ ગાંધી આશ્રમમાં મંત્રી તરીકે ફરજ બજાવી. સર્વોદય મંડળના મુખપત્ર ‘ભૂમિપુત્ર’ માટે 1962થી 1969 વડોદરા ગયા. ત્યારબાદ મહાનુભાવો સાથે ગુજરાતભરમાં ભૂદાનની પ્રવૃત્તિ માટે ભાગ લીધો હતો.અમૃતભાઈ મોદી સતત લખતા એમણે ઘણાં પુસ્તકોનું લેખન અને સંપાદન કર્યુ હતું. એમણે એક સાથે પાંચ સામયિકોનું સંપાદન કર્યુ હતું. જેમાં ‘ગ્રામ નિર્માણ’, ‘કલ્યાણ યાત્રા’, ‘હિંસા વિરોધ’, ‘સ્ત્રી જીવન’ અને ‘સુવિચાર’નો સમાવેશ થાય છે. લાંબા સમયથી ગાંધી આશ્રમ સાથે જોડાયેલા હોવાથી દેશ દુનિયામાંથી આવતા મુલાકાતીઓને ગાંધી વિચાર, આશ્રમનો પરિચય કરાવતા. સમગ્ર જીવન સાદાઈથી જીવનાર અમૃતભાઈ ગાંધી આશ્રમને છોડ્યા પછી ઉંમરના પડાવ પર પહોંચ્યા અને દુનિયામાંથી વિદાય લીધી.


ગાંધી આશ્રમ સાથે વર્ષોથી જોડાયેલા લતાબહેન પરમાર ચિત્રલેખા.કોમને કહે છે, “અમૃતભાઈ અમારા માટે પિતા સમાન હતા. એ નિવૃત્તિ પછી સતત 30 વર્ષ પ્રવૃત્તિ કરતાં રહ્યાં હતાં. લેખન, વાંચન, ચિંતન અને મનન સતત એમનું ચાલું જ રહેતું હતું. કોરોના દરમિયાન પણ એમણે બે પુસ્તકો લખ્યાં હતાં… ‘વિદ્યાર્થીઓને ગાંધીના પત્રો’ અને ‘ગાંધી જીવન -વિચાર ઝલક ‘… સૌથી જૂનાં હોવાને કારણે ગાંધીવિચાર અને ગાંધી આશ્રમ વિશે, કોઈ પણ વ્યક્તિ વિશેષની ગાંધી સાથેની વાત, ઓળખ માટે એમની અવશ્ય જરૂર પડતી હતી. આજે એ અમૃતભાઈ મોદી અનંત યાત્રાએ નીકળી ગયા છે.”

(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)

કાશીમાં બાબાના દર્શન કરી નીતા અંબાણીએ ચાટની લિજ્જત માણી

મુંબઈ: જૂલાઈમાં અંબાણી પરિવારના ઘરે લગ્નનો પ્રસંગ આવી રહ્યો છે. લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ત્યારે નીતા અંબાણી ગઈકાલે એટલે કે 24 જૂને બાબા વિશ્વનાથને તેમના પુત્ર અનંત અંબાણીના લગ્ન માટે આમંત્રણ પત્ર આપવા માટે કાશી પહોંચ્યા હતાં.

નીતા અંબાણી કાશી વિશ્વનાથ મંદિરના દર્શન કરવા પહોંચ્યા હતા, અહીં દર્શનની સાથે તેમણે પુત્ર અનંત અંબાણીના લગ્નનું આમંત્રણ પત્ર પણ આપ્યું હતું. મંદિરની એક અલગ જ માન્યતા છે, તમને જણાવી દઈએ કે આ મંદિર પણ 12 જ્યોતિર્લિંગમાં આવે છે. આ મંદિર પવિત્ર ગંગા નદીના પશ્ચિમ કિનારે આવેલું છે. મંદિરના મુખ્ય દેવતા વિશ્વનાથ અથવા વિશ્વેશ્વર તરીકે ઓળખાય છે, જેનો અર્થ થાય છે બ્રહ્માંડનો રાજા. વાસ્તવમાં વારાણસી શહેરને કાશી પણ કહેવામાં આવે છે, તેથી જ આ મંદિરને કાશી વિશ્વનાથ મંદિર કહેવામાં આવે છે. અહેવાલો અનુસાર, નીતા અંબાણીએ અહીં 1.5 કરોડ રૂપિયા ભેટમાં આપ્યા હતાં.

માતા અન્નપૂર્ણાને ખોરાક અને પોષણની દેવી તરીકે ઓળખવામાં આવે છે. તેમનું આ મંદિર વારાણસીના સૌથી મહત્વપૂર્ણ મંદિરોમાંનું એક છે. તમે પહેલાથી જ જાણો છો કે કાશી હિન્દુઓ માટે ખૂબ જ પવિત્ર શહેર છે. ત્યાં બધે મંદિરો દેખાય છે. તે મંદિરોમાંથી એક ખૂબ જ ખાસ અન્નપૂર્ણા દેવી મંદિર છે. આ મંદિરનું નિર્માણ 18મી સદીમાં મરાઠા પેશવા બાજીરાવે કરાવ્યું હતું. એવું માનવામાં આવે છે કે માતા અન્નપૂર્ણા વાસ્તવમાં માતા પાર્વતીનું એક સ્વરૂપ છે. આ મંદિરમાં પણ નીતા અંબાણીએ 1 કરોડ રૂપિયાનો પ્રસાદ ચઢાવ્યો હતો અને દેવી માતાને લગ્નની કંકોતરી આપી આશીર્વાદ લીધા હતાં.

પૌરાણિક માન્યતા અનુસાર, સતીના શરીરનો એક ભાગ વારાણસીમાં પડ્યો હતો અને તે જ જગ્યાએ વિશાલાક્ષી મંદિરનું નિર્માણ થયું હતું. વારાણસીમાં છ પવિત્ર સ્થળો છે – પવિત્ર નદી ગંગા, વિશ્વનાથ મંદિર, વિશાલાક્ષી મંદિર, કાલા ભૈરવ મંદિર, ધુધરાજ ગણેશ મંદિર અને દંડપાણી શિવ મંદિર. વિશાલાક્ષી મંદિર આધ્યાત્મિક ઊર્જાનું કેન્દ્ર છે. અહીં આવતા ભક્તો માતા વિશાલાક્ષીનાં આશીર્વાદ મેળવવા માટે ચોક્કસ આવે છે. નીતા અંબાણીએ આ મંદિરમાં પણ દર્શન કરી લગ્નની કંકોતરી આપી હતી.

તો બીજી બાજુ બનારસમાં નીતા અંબાણીએ એક દુકાનની અંદર ચાટની પણ મજા માણી હતી. તેણીને ચાટનો સ્વાદ એટલો પસંદ આવી ગયો કે રસોયાને તેની રેસિપી પણ પૂછી લીધી. જેના જવાબમાં દુકાનદારે કહ્યું કે તેણે ઘણી બધી સામગ્રી ઉમેરી છે અને લોટનો પણ ઉપયોગ કર્યો છે. પછી નીતા અંબાણીએ જમતી વખતે ચાટના ખૂબ વખાણ કર્યા અને દુકાનદારે હાથ જોડીને વખાણનું સ્વાગત કર્યું. તેમજ નીતા અંબાણીએ દૂકાનદારને પણ લગ્નનું આમંત્રણ આપતાં કહ્યું લગ્નમાં આવવાનું છે હો…પાલકચાટ, રગડા પેટિસ અને ફાલૂદા બનાવવા.
બનારસની ગલીઓમાં ચાટનો આનંદ માણ્યા બાદ તેણીએ ઘાટ પર આરતીમાં પણ ભાગ લીધો હતો.

 

રાજ્યમાં હવામાન વિભાગ આગાહી, ક્યાં જિલ્લા પર થશે મેઘ મહેર?

રાજ્યના લગભગ 70% વિસ્તારમાં ચોમાસું પ્રસરી ગયું છે. અને ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં મેઘ રાજ મન મુકી વરસી રહ્યા છે. ત્યારે મંગળવાર સાંજ સુધીની વાત કરીએ તો 24 કલાકમાં 153 તાલુકામાં વરસાદ નોંધવામાં આવ્યો હતો. આજે ચોમાસું મુંદ્રાથી લઇને મહેસાણા સુધી પહોંચી ગયું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં આગામી સાત દિવસ કેટલાક વિસ્તારમાં સામાન્યથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગે આગામી સાત દિવસની આગાહી વ્યક્ત કરી છે. હવમાન વિભાગે મંગળવાર માટે પંચમહાલ અને વડોદરામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. એટલે કે પંચમહાલ અને વડોદરા ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તો બીજી બાજુ અમદાવાદ અને ગાંધીનગરમાં ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.

આવતી કાલની વાત કરીએ તો, આવતી કાલે આણંદ, પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરામાં ભારે વરસાદનું પૂર્વાનુમાન છે. આ સાથે સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. વધુમાં હવામાન વિભાગે આખા રાજ્યમાં ગાજવીજ થવાની શક્યતા વ્યક્ત કરી છે. ગુરૂવારે પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરામાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ સાથે અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથમાં પણ ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહીમાં જણાવ્યુ છે કે, શુક્રવારે એટલે કે, 28મી જૂનના રોજ આણંદ, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરામાં ભારે વરસાદ થશે. આ સાથે આ તમામ જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. શનિવાર માટે હવામાન વિભાગે જણાવ્યુ છે કે, સુરત, ડાંગ, નવસારી. દમણ, દાદરા નગરી હવેલીમાં ભારે વરસાદ થશે. 30મી તારીખે પણ આખા રાજ્યમાં ગાજવીજ સાથા વરસાદની આગાહી આપવામાં આવી છે. પહેલી જુલાઇના રોજ પણ આખા ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી આપવામાં આવી છે.

હવામાન વિભાગ દ્વારા બે દિવસ દક્ષિણ ગુજરાતનો દરિયો ન ખેડવા માટે માછીમારોને સૂચન આપવામાં આવ્યું છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં 35થી 45 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાશે આ સાથે પવનની મહત્તમ 55 કિમી પ્રતિકલાકની ઝડપે ફૂ્ંકાઇ શકે છે. આ સાથે તેમણે જણાવ્યુ છે કે, આજે મધ્યગુજરાતમાં સિસ્ટમ સક્રિય થતા અતિભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે.

સેન્સેક્સ સૌપ્રથમ વાર 78,000ને પાર, નિફ્ટી રેકોર્ડ ઊંચાઈએ

અમદાવાદઃ નિફ્ટી જૂન કોન્ટ્રેક્ટ સિરીઝ પહેલાં શેરોમાં તેજીની આગેકૂચ થઈ હતી. જેને પગલે સેન્સેક્સ 78,054 અને નિફ્ટી 23,721ના સ્તરે બંધ થયો હતો. નિફ્ટી બેન્ક 902 પોઇન્ટની તેજી સાથે 52,606ના સ્તરે બંધ થયો હતો. નિફ્ટી મિડકેપ ઇન્ડેક્સ 209 પોઇન્ટની તેજીની સાથે 55,369ના સ્તરે બંધ થયો હતો. રોકાણકારોની સંપત્તિમાં રૂ. 16,000 કરોડનો વધારો થયો હતો. જોકે ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ પણ જોવા મળ્યું હતું.

એશિયન બજારોની તેજી અને બ્લુ ચિપ બેન્કોમાં તેમ જ IT શેરોની ધૂમ ખરીદીને પગલે શેરોમાં લાલચોળ તેજી થઈ હતી. નિફ્ટી બેન્કમાં સમાવિષ્ટ એક્સિસ બેન્ક, ICICI બેન્ક અને HDFC બેન્કની આગેવાની હેઠળ બેન્ક શેરોમાં ધૂમ તેજી થઈ હતી. વેપારી વાહનોની મજબૂત માગના અહેવાલો પછી બેન્ક શેરોમાં રોકાણકારોએ લેવાલી કાઢી હતી. આ સાથે ઓઇલ માર્કેટિંગ કંપનીના શેરોમાં પણ તેજી થઈ હતી. BSE સેન્સેક્સ 712 પોઇન્ટ ઊછળી 78,054ના મથાળે અને નિફ્ટી 184 પોઇન્ટની તેજી સાથે 23,721ના સ્તરે બંધ થયો હતો.

BSEમાં લિસ્ટેડ કંપનીઓની કુલ એમ-કેપ રૂ. 435.76 લાખ કરોડે પહોચ્યું હતું, જે સોમવારે રૂ. 435.60 લાખ કરોડ હતું. આ પ્રકારે BSEમાં લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ આશરે રૂ. 16,000 કરોડ વધ્યું હતું.

એક્સચેન્જ પર કુલ 4000 શેરોમાં કામકાજ થયાં હતાં, એમાં 1805 શેરો તેજી સાથે બંધ થયા હતા, જ્યારે 2077 શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો. 118 શેરો સપાટ બંધ થયા હતા. આ સિવાય 312 શેરો 52 સપ્તાહની ઊંચી સપાટીને સ્પર્શ્યા હતા, જ્યારે 21 શેરો 52 સપ્તાહના નીચલા સ્તરે પહોંચ્યા હતા.

 

 

 

 

 

 

યોગી સરકાર પેપર લીક પર વટહુકમ લાવી

ઉત્તર પ્રદેશમાં કોન્સ્ટેબલની ભરતી પરીક્ષા અને RO-ARO પરીક્ષામાં પેપર લીકને જોતા યોગી સરકાર કડક બની છે. યોગી સરકાર હવે યુપી પબ્લિક એક્ઝામિનેશન ઓર્ડિનન્સ 2024 લાવી છે. આ અંતર્ગત જો પેપર લીકમાં દોષી સાબિત થશે તો આજીવન કેદ અને 1 કરોડ રૂપિયાનો દંડ થશે. યોગી કેબિનેટે આ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. જો પેપર લીક અથવા અન્ય કારણોસર પરીક્ષાને અસર થાય છે, તો તેના પર થયેલા ખર્ચની ભરપાઈ સોલ્વર ગેંગ પાસેથી વસૂલાત દ્વારા કરવામાં આવશે. તેમજ પરીક્ષામાં ગેરરીતિમાં સંડોવાયેલી કંપનીઓ અને સર્વિસ પ્રોવાઈડર્સને કાયમ માટે બ્લેક લિસ્ટ કરવામાં આવશે.

નોંધનીય છે કે લોકસભા ચૂંટણી દરમિયાન સીએમ યોગી આદિત્યનાથે નકલ માફિયાઓ પર કાર્યવાહી કરવા માટે કડક કાયદો લાવવાની વાત કરી હતી. હવે સરકારે આ મામલે મોટું પગલું ભર્યું છે. એક પ્રેસ નોટમાં, સરકારે કહ્યું કે નકલી પ્રશ્નપત્રોનું વિતરણ, નકલી રોજગાર વેબસાઇટ્સ બનાવવી વગેરેને પણ સજાપાત્ર અપરાધ બનાવવામાં આવ્યા છે. કાયદાની જોગવાઈઓનું ઉલ્લંઘન કરવા બદલ ઓછામાં ઓછી બે વર્ષથી આજીવન કેદની સજા અને 1 કરોડ રૂપિયા સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે.

આ ઉપરાંત પરીક્ષાને અસર થાય તો સોલ્વર ગેંગ પાસેથી નાણાકીય બોજ વસૂલવાની અને પરીક્ષામાં ગેરરીતિ આચરનાર કંપનીઓ અને સર્વિસ પ્રોવાઈડર્સને કાયમ માટે બ્લેકલિસ્ટ કરવાની જોગવાઈ છે. ગુનેગારની સંપત્તિ પણ જપ્ત કરી શકાય છે. જામીન પણ સરળતાથી નહીં મળે.

પેપર લીકના કારણે પ્રશ્નો ઉભા થયા હતા

હકીકતમાં, ઉત્તર પ્રદેશમાં ઘણી ભરતી પરીક્ષાઓમાં ગેરરીતિના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. ખાસ કરીને UP પોલીસ કોન્સ્ટેબલ ભરતી અને RO/ARO ભરતી પરીક્ષાના પેપર લીક થયા બાદ ઘણા પ્રશ્નો ઉભા થયા હતા. જેમાં પરીક્ષા આપતી સંસ્થાઓ પણ સકંજામાં આવી હતી. આવી સ્થિતિમાં સીએમ યોગીએ તેને ગંભીરતાથી લઈ નવી વ્યવસ્થા કરવા અને ફૂલપ્રૂફ પરીક્ષા યોજવા માટે કાયદો બનાવવા સૂચના આપી હતી. હવે યોગી સરકાર આ અંગે વટહુકમ લાવી છે.

ઓવૈસીએ સંસદમાં ‘જય પેલેસ્ટાઈન’ ના નારા લગાવ્યા

હૈદરાબાદના સાંસદ અને AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ 18મી લોકસભાની કાર્યવાહીના બીજા દિવસે સંસદના સભ્ય તરીકે શપથ લીધા. શપથ લેતી વખતે ઓવૈસીએ ‘જય પેલેસ્ટાઈન’ના નારા લગાવીને વિવાદ સર્જ્યો હતો. પ્રોટેમ સ્પીકરે અસસુદ્દીન ઓવૈસીને લોકસભાના સભ્ય તરીકે શપથ લેવા માટે બોલાવ્યા હતા. ઓવૈસી આવ્યા અને બિસ્મિલ્લાના પાઠ કર્યા પછી સાંસદ તરીકે શપથ લીધા. સાંસદ તરીકે શપથ લીધા બાદ તેમણે બહાર નીકળતી વખતે ‘જય ભીમ, જય તેલંગાણા અને બાદમાં જય પેલેસ્ટાઈન’ના નારા લગાવ્યા હતા. જેના કારણે ભાજપના સાંસદોએ સંસદમાં હંગામો શરૂ કર્યો હતો.

ઓવૈસી પાંચમી વખત ચૂંટણી જીતીને સંસદ પહોંચ્યા

હૈદરાબાદ લોકસભા સીટ પરથી અસદુદ્દીન ઓવૈસી સતત પાંચમી વખત જીત્યા છે. આ વખતે અસદુદ્દીન ઓવૈસીને કુલ 6,61,981 મત મળ્યા અને તેમણે ભાજપની માધવી લતાને 3,38087 મતોથી હરાવ્યા. અગાઉ 2019ની ચૂંટણીમાં ઓવૈસી કુલ 58.95% વોટ શેર સાથે જીત્યા હતા.

‘ગદર 3’ માં કામ કરવાને લઈ અમીષાએ મૂકી આવી શરત

મુંબઈ: અમીષા પટેલ બૉલિવૂડની જાણીતી અભિનેત્રી છે. તેણે ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે. ગત વર્ષે જ તે ફિલ્મ ‘ગદર 2’માં જોવા મળી હતી, જે તેની બ્લોકબસ્ટર ફિલ્મ ‘ગદર’નો બીજો ભાગ હતો. હવે તેણે ‘ગદર’ ફ્રેન્ચાઈઝીના ત્રીજા ભાગ ‘ગદર 3’ વિશે વાત કરી છે અને તેનો ભાગ બનવાની ઈચ્છા વ્યક્ત કરતી વખતે એક શરત પણ મૂકી છે.

જો તે સ્ક્રિપ્ટથી ખુશ હશે તો જ ગદર 3 માટે સંમત થશે

ગત શનિવારે, એટલે કે 22 જૂને અભિનેત્રીએ તેના એક્સ એકાઉન્ટ પર કોઈપણ પ્રશ્નો પૂછવા માટે એક સત્રનું આયોજન કર્યું હતું. આ દરમિયાન એક ફેને તેને પૂછ્યું કે શું ‘ગદર 3’માં તેનો સ્ક્રીન ટાઈમ વધારી શકાશે? આના જવાબમાં તેણે કહ્યું કે તે ફિલ્મ માટે ત્યારે જ હા કહેશે જ્યારે તે સ્ક્રિપ્ટથી સંપૂર્ણપણે ખુશ હશે. અભિનેત્રીએ વધુમાં કહ્યું કે ‘ગદર 2’ એક શાનદાર ફિલ્મ હતી, જે ફિલ્મની મૂળ વાર્તા અનુસાર બનાવવામાં આવી હતી. જો તમે ઈચ્છો છો કે તમારી ફિલ્મ પસંદ કરવામાં આવે તો તેને પ્રાથમિકતા આપવી જરૂરી છે. એક અભિનેતા તરીકે સ્વાર્થી ન બનીને ફિલ્મને પ્રાથમિકતા આપવી જરૂરી છે.

અન્ય એક પ્રશ્નના જવાબમાં અભિનેત્રીએ નિર્દેશક સાથેના તેના સંબંધો વિશે કહ્યું કે તે તેના માટે પરિવાર સમાન છે. અભિનેત્રીએ લખ્યું, અમારા સર્જનાત્મક મતભેદો ફિલ્મના સારા માટે છે, પરંતુ અમારો એકબીજા પ્રત્યેનો આદર અને સ્નેહ તેના કરતા ઘણો ઊંડો છે. તેથી, જો અમે બંને ગદર 3થી સંતુષ્ટ હોઈશું, તો અમે આ ફિલ્મમાં કામ કરીશું. તે કરવું મારા માટે આનંદની વાત હશે.

‘હમરાજ 2’માં જોવા મળશે

આ દરમિયાન અભિનેત્રીએ તેની આગામી ફિલ્મની પણ જાહેરાત કરી છે. તેણે કહ્યું કે તેની આગામી ફિલ્મોમાં ‘હમરાજ 2’નો સમાવેશ થાય છે, જે તેની 2002માં આવેલી ફિલ્મ ‘હમરાજ’ની સિક્વલ છે. તેણે કહ્યું કે હાલમાં આ ફિલ્મ તેના પ્રી-પ્રોડક્શન સ્ટેજમાં છે. દિગ્દર્શકની જોડી અબ્બાસ-મસ્તાનનો ઉલ્લેખ કરતાં તેણે કહ્યું કે સ્ક્રિપ્ટ પર કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. તમને જણાવી દઈએ કે અમીષાએ વર્ષ 2000માં રિલીઝ થયેલી બ્લોકબસ્ટર ફિલ્મ ‘કહો ના પ્યાર હૈ’થી પોતાના એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. આ પછી તે ઘણી ફિલ્મોમાં જોવા મળી.

HCએ CM કેજરીવાલના જામીનનો આદેશ રદ કર્યો

નવી દિલ્હીઃ દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ હાલ જેલમાં જ રહેશે. હાઇકોર્ટે કેજરીવાલને રાહત ના આપતાં નિયમિત જામીન પર વચગાળાનો સ્ટે જારી રાખ્યો હતો. ગયા ગુરુવારે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે કેજરીવાલને દિલ્હી લિકર નીતિ કેસમાં મની લોન્ડરિંગના આરોપના મામલામાં નિયમિત જામીન આપ્યા હતા.

દિલ્હીની નીચલી કોર્ટે કેજરીવાલને 20 જૂને જામીન આપી મોટી રાહત આપી હતી, જોકે આજે દિલ્હી હાઈકોર્ટે તેમના જામીન પરનો આદેશ રદ કરી  દીધો હતો. જસ્ટિસ સુધીર કુમાર જૈનની ખંડપીઠે રાઉઝ એવન્યુ કોર્ટના આદેશને રદ કરી દીધો છે. કોર્ટે સુનાવણીમાં કહ્યું કે  કેજરીવાલને જામીન આપતી વખતે નીચલી અદાલતની વેકેશન બેન્ચે તેમની વિવેકબુદ્ધિનો ઉપયોગ કર્યો હતો. હાઈકોર્ટે કહ્યું હતું કે અમે બંને પક્ષોને સાંભળ્યા, પરંતુ નીચલી અદાલતે EDના દસ્તાવેજો અને PMLAની કલમ 45ની બેવડી શરતોને ધ્યાને ન લીધા હતા.

દિલ્હી હાઈકોર્ટે કહ્યું હતું કે EDના એડિશનલ સોલિસિટર જનરલ રાજુએ દલીલ કરી હતી કે નીચલી અદાલતે કહ્યું હતું કે આટલા બધા દસ્તાવેજો વાંચવા શક્ય નથી. આવી ટિપ્પણી સંપૂર્ણપણે અયોગ્ય હતી. આના પરથી લાગી રહ્યું છે કે ટ્રાયલ કોર્ટે રેકોર્ડ પર ધ્યાન આપ્યું નથી.દિલ્હીની રાઉઝ એવ્યુ કોર્ટે કેજરીવાલને 20 જૂન ગુરુવારે જામીન આપ્યા હતા જેના વિરોધમાં EDએ દિલ્હી હાઈકોર્ટમાં અપીલ કરી હતી. EDએ હાઈકોર્ટમાં દલીલ કરી હતી કે ટ્રાયલ કોર્ટમાં અમને આ મામલે અમારી દલીલો રજૂ કરવા માટે પર્યાપ્ત સમય જ નહોતો અપાયો. EDએ PMLAની કલમ 45નો હવાલો પણ આપ્યો હતો. ED વતી એએસજી રાજુએ કહ્યું હતું કે અમારો કેસ મજબૂત છે. આ સાથે તેમણે સિંઘવીની હાજરીનો પણ વિરોધ કર્યો હતો. EDએ કહ્યું હતું કે તપાસ હવે અંતિમ તબક્કામાં છે ત્યારે કેજરીવાલને મુક્ત કરવાથી તપાસ પર અસર થશે, કેમ કે આરોપી મુખ્ય મંત્રી જેવા મહત્ત્વપૂર્ણ હોદ્દા પર નિયુક્ત છે.

 

 

 

 

 

 

 

 

 

 

આતુરતાનો અંત…કંગનાની ઈમરજન્સી ફિલ્મ આ તારીખે થશે રિલીઝ

મુંબઈ: કંગના રનૌતની આગામી ફિલ્મ ઈમરજન્સીની છેલ્લા વર્ષથી રાહ જોવાઈ રહી છે. ફિલ્મની રિલીઝ ડેટ બે વખત મોકૂફ રાખવામાં આવી હતી. પરંતુ હવે આખરે ફાઈનલ રિલીઝ ડેટ સામે આવી ગઈ છે.

મણિકર્ણિકા ફિલ્મ્સના બેનર હેઠળ બનેલી ફિલ્મ “ઈમરજન્સી” શરૂઆતમાં 24 નવેમ્બર 2023ના રોજ રિલીઝ થવાની હતી, પરંતુ કેટલાક કારણોસર તે થિયેટરોમાં આવી શકી ન હતી. બાદમાં ફિલ્મની રિલીઝ ડેટ 7 મહિના માટે મોકૂફ રાખવામાં આવી હતી અને તે 14 જૂન, 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની જાહેરાત થઈ હતી. પરંતુ કંગના રનૌતની ચૂંટણી યાત્રાને કારણે તે પણ મોકૂફ રાખવામાં આવી હતી.

લોકસભા ચૂંટણીમાં કંગના રનૌતની જીત બાદ આખરે ઈમરજન્સી ફિલ્મની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે. 25 જૂને અભિનેત્રીમાંથી સાંસદ બનેલી કંગનાએ ચાહકોને ખુશખબર આપી છે. તેણે ફિલ્મનું નવું પોસ્ટર રિલીઝ કર્યું છે અને જણાવ્યું છે કે ફિલ્મ ક્યારે સિનેમાઘરોમાં આવી રહી છે. પોસ્ટરમાં અભિનેત્રી ઈન્દિરા ગાંધીના લૂકમાં જોવા મળી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Kangana Ranaut (@kanganaranaut)

આ દિવસે ઈમરજન્સી થશે રિલીઝ00

આ પોસ્ટર સાથે કંગના રનૌતે જણાવ્યું કે આ ફિલ્મ આ વર્ષે 6 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. પોસ્ટની સાથે અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું, “સ્વતંત્ર ભારતના સૌથી કાળા અધ્યાયના 50મા વર્ષની શરૂઆત. કંગના રનૌતની ઈમરજન્સી 6 સપ્ટેમ્બર 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ. ભારતીય લોકશાહીના ઈતિહાસના સૌથી વિવાદાસ્પદ એપિસોડની વિસ્ફોટક ગાથા.”

મણિકર્ણિકા ફિલ્મ્સના બેનર હેઠળ બનેલી ફિલ્મ ઈમરજન્સીમાં કંગના રનૌત માત્ર મુખ્ય ભૂમિકામાં જ નથી જોવામાં આવી, પરંતુ તેણે આ ફિલ્મનું દિગ્દર્શન અને નિર્માણ પણ કર્યું છે. આ ફિલ્મમાં અનુપમ ખેર, દિવંગત અભિનેતા સતીશ કૌશિક, શ્રેયસ તલપડે, મહિમા ચૌધરી અને મિલિંદ સોમન જેવા કલાકારો જોવા મળશે. આ ફિલ્મમાં 1975માં ભારતની સૌથી કાળી અધ્યાય ઈમરજન્સીની ગાથા કહેવામાં આવશે.