Home Blog Page 170

કેરળના લગભગ 70 ટકા વિધાનસભ્યો સામે ફોજદારી કેસઃ ADR

નવી દિલ્હીઃ કેરળના હાલના લગભગ 70 ટકા વિધાનસભ્યોએ પોતાના વિરુદ્ધ ફોજદારી કેસ પેન્ડિંગ હોવાની માહિતી આપી છે અને અડધાથી વધુ વિધાનસભ્યો કરોડપતિ છે, એમ એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)ના એક રિપોર્ટમાં આ માહિતી સામે આવી છે. ADR અને ‘કેરળ ઇલેકશન વોચ’ દ્વારા કરવામાં આવેલા વિશ્લેષણમાં 132 વર્તમાન વિધાનસભ્યોના સોગંદનામાની સમીક્ષા કરવામાં આવી હતી, જેમાં જાણવા મળ્યું કે 92 વિધાનસભ્યો સામે ફોજદારી કેસ ચાલી રહ્યા છે.

આમાંથી 33 વિધાનસભ્યો (અંદાજે 25 ટકા)એ ગંભીર ફોજદારી કેસ નોંધાયેલા હોવાની માહિતી આપી છે. આ કેસોમાં હત્યા અને હત્યાના પ્રયાસ જેવા આરોપો સામેલ છે. રિપોર્ટ મુજબ બે વિધાનસભ્યો સામે ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 302 હેઠળ હત્યાના કેસ પેન્ડિંગ છે, જ્યારે ત્રણ વિધાનસભ્યો સામે કલમ 307 હેઠળ હત્યાના પ્રયાસના આરોપ છે. આ ઉપરાંત, ત્રણ વિધાનસભ્યો સામે મહિલાઓ વિરુદ્ધના ગુનાઓ સંબંધિત કેસ હોવાનું જાહેર કરવામાં આવ્યું છે, જેમાં એક બળાત્કારનો કેસ પણ સામેલ છે.

આંકડા મુજબ  CPI(M)ના 58માંથી 43 વિધાનસભ્યો (74 ટકા) સામે ફોજદારી કેસ છે, જ્યારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના 21માંથી 19 વિધાનસભ્યો (90 ટકા)એ પોતાના વિરુદ્ધ આવા કેસ પેન્ડિંગ હોવાની માહિતી આપી છે. અન્ય પક્ષોમાં ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી (CPI)ના 44 ટકા અને ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ (IUML)ના 86 ટકા વિધાનસભ્યોએ પણ આવા કેસ જાહેર કર્યા છે.

આર્થિક સ્થિતિ અંગે 72 વિધાનસભ્યો (55 ટકા)એ એક કરોડ રૂપિયા કરતાં વધુ સંપત્તિ જાહેર કરી છે. તમામ 132 વિધાનસભ્યોની કુલ સંપત્તિ 363.78 કરોડ રૂપિયા નોંધાઈ છે, જ્યારે પ્રતિ વિધાનસભ્ય સરેરાશ સંપત્તિ 2.75 કરોડ રૂપિયા છે.

પાંચ વર્ષ સુધી ભારતના ગેસ સપ્લાય પર અસરઃકતાર એનર્જી

નવી દિલ્હીઃ કતાર એનર્જીના CEO અને ઊર્જા મામલાના રાજ્ય મંત્રી સાદ અલ-કાબીએ જણાવ્યું હતું કે ઈરાનના હુમલાઓને કારણે કતરની LNG એક્સપોર્ટ ક્ષમતાનો લગભગ 17 ટકા ભાગ નષ્ટ થયો છે, જેને કારણે દર વર્ષે અંદાજે 20 અબજ ડોલર જેટલું આવકનું નુકસાન થયું છે.

મરામત કામગીરીને કારણે આગામી ત્રણથી પાંચ વર્ષ સુધી દર વર્ષે લગભગ 12.8 મિલિયન ટન LNG ઉત્પાદન પ્રભાવિત રહેશે. તેની અસર ચીન, ભારત તેમ જ યુરોપ અને એશિયાના અનેક દેશોના ગેસ સપ્લાય પર પડી શકે છે. છેલ્લા કેટલાક દિવસોમાં ઈરાન દ્વારા કરાયેલા હુમલાઓમાં કતારની 14 LNG ટ્રેનોમાંથી ઓછામાં ઓછા બે અને તેની બે ગેસ-ટુ-લિક્વિડ (GTL) સુવિધાઓમાંથી એકને નુકસાન થયું છે, એમ તેમણે કહ્યું હતું.

તેમણે કહ્યું હતું કે મેં સપનામાં પણ વિચાર્યું નહોતું કે કતાર અને આખો વિસ્તાર આવા હુમલાનો ભોગ બનશે, ખાસ કરીને રમજાનના મહિનામાં. કોઈ મિત્ર મુસ્લિમ દેશ તરફથી આ પ્રકારનો હુમલો થશે એવું કલ્પનામાં પણ નહોતું. સરકારી માલિકીની કંપનીએ જણાવ્યું હતું કે નુકસાન પામેલી બે LNG ટ્રેનોને કારણે ઇટાલી, બેલ્જિયમ, દક્ષિણ કોરિયા અને ચીનને LNG સપ્લાય માટે થયેલા પાંચ વર્ષ સુધીના કરારો પર આકસ્મિક ઘટના જાહેર કરવાની ફરજ પડી શકે છે.

પહેલા શત્રુતા સમાપ્ત કરવી પડશે — અલ-કાબી

ઈરાન પર તેના ગેસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ઇઝરાયલના હુમલાઓ પછી ઈરાને ખાડી દેશોના તેલ અને ગેસ પ્લાન્ટ્સ પર સતત હુમલા શરૂ કર્યા છે. બુધવારે કતારના સૌથી મોટા LNG પ્લાન્ટ રાસ લાફાન પર ઈરાની મિસાઈલ હુમલા બાદ તણાવ વધુ વધ્યો, જેને પગલે કતાર એનર્જીએ LNG ઉત્પાદન પર આકસ્મિક ઘટના જાહેર કરી. અલ-કાબીએ જણાવ્યું કે ઉત્પાદન ફરી શરૂ કરવા માટે સૌપ્રથમ શત્રુતા બંધ થવી જરૂરી છે.

 કોની ક્યાં ભાગીદારી

તેમણે જણાવ્યું હતું કે આ હુમલાઓને કારણે સમગ્ર વિસ્તાર 10થી 20 વર્ષ પાછળ ધકેલાઈ ગયો છે અને આ વિસ્તાર સુરક્ષિત રોકાણ સ્થળ તરીકેની તેની છબી પણ ખરડાઈ ગઈ છે. નુકસાન પામેલા LNG પ્લાન્ટોમાં અમેરિકન તેલ કંપની એક્સોનમોબિલ ભાગીદાર છે, જ્યારે નુકસાન પામેલા GTL પ્લાન્ટમાં શેલ કંપની ભાગીદાર છે, જેના સમારકામમાં લગભગ એક વર્ષ લાગી શકે છે, એમ તેમણે કહ્યું હતું.

પંચાંગ 20/03/2026

આભ ફાટ્યું કે આફત? અમદાવાદથી દ્વારકા સુધી વાવાઝોડા સાથે વરસાદનું તાંડવ

ગુજરાતના હવામાનમાં આજે એકાએક એવો પલટો આવ્યો કે જાણે ચોમાસું વહેલું બેસી ગયું હોય. અમદાવાદ શહેરમાં બપોરની આકરી ગરમી બાદ સાંજે અચાનક આકાશ વાદળોથી ઘેરાઈ ગયું હતું. તેજ ગતિએ ફૂંકાયેલા પવન અને ધૂળની ડમરીઓને કારણે વિઝિબિલિટી એટલી ઓછી થઈ ગઈ કે વાહનચાલકો માટે રસ્તા પર ચાલવું મુશ્કેલ બન્યું હતું. ત્યારબાદ પડેલા વરસાદી ઝાપટાએ વાતાવરણમાં ઠંડક તો પ્રસરાવી, પરંતુ ઓફિસથી ઘરે જઈ રહેલા લોકો ટ્રાફિક જામમાં ફસાયા હતા. હવામાન વિભાગની આગાહી મુજબ હજુ પણ આગામી થોડા દિવસો સુધી આ પ્રકારની મિશ્ર ઋતુનો અનુભવ થવાની શક્યતા છે.

યાત્રાધામ દ્વારકા અને પાવાગઢમાં પણ કુદરતનો અનોખો મિજાજ જોવા મળ્યો છે. દ્વારકા જગત મંદિરના સાનિધ્યમાં ભારે ગાજવીજ સાથે પડેલા વરસાદે રસ્તાઓને નદીઓમાં ફેરવી દીધા હતા. ભદ્રકાળી ચોક જેવા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી શ્રદ્ધાળુઓને ભારે હાલાકી ભોગવવી પડી હતી. બીજી તરફ, પંચમહાલના પાવાગઢ ડુંગર પર વહેલી સવારથી જ ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ ગઈ હતી. પવનની ગતિ એટલી તેજ હતી કે યાત્રિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને રોપ-વે સેવા બંધ કરી દેવામાં આવી હતી, જેના કારણે વૃદ્ધો અને અશક્ત ભક્તોએ ભારે હૈયે પગપાળા દર્શન માટે જવું પડ્યું હતું.

સૌરાષ્ટ્રના રાજકોટ અને અમરેલીમાં પણ સ્થિતિ ગંભીર જોવા મળી છે. રાજકોટમાં ગાજવીજ સાથે પડેલા વરસાદ દરમિયાન આત્મીય યુનિવર્સિટી પાસે તોતિંગ વૃક્ષ ધરાશાયી થતા પાર્ક કરેલા વાહનોનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. શહેરના નીચાણવાળા વિસ્તારો અને નાળામાં પાણી ભરાઈ જવાથી જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું. અમરેલીના વડિયા પંથકમાં સતત બીજા દિવસે કમોસમી વરસાદે દેખા દીધી હતી, જ્યાં તેજ પવનને કારણે બજારના સાઈનબોર્ડ ઉડ્યા હતા અને ખેડૂતોના તૈયાર પાકને મોટા નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. જૂનાગઢના ભેસાણમાં તો બરફના કરા સાથે વરસાદ પડતા લોકોમાં આશ્ચર્ય સાથે ભય પણ જોવા મળ્યો હતો.

સરહદી જિલ્લા બનાસકાંઠા અને કચ્છમાં વાવાઝોડાએ આર્થિક નુકસાન પહોંચાડ્યું છે. વાવ અને થરાદ પંથકમાં ફૂંકાયેલા તોફાની પવનને કારણે સોલર પ્લાન્ટની પ્લેટો હવામાં ફંગોળાઈ હતી, જેનાથી રોકાણકારોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે. કંડલામાં એક વિશાળ મોબાઈલ ટાવર પત્તાના મહેલની જેમ ધરાશાયી થયો હતો, જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. જામનગરમાં અનેક મકાનોના છાપરા ઉડવાની ઘટનાઓ બની છે, જ્યારે મોરબીના નવલખી બંદરે દરિયો તોફાની બનતા તંત્ર સાબદું થયું છે.

આ સંકટ સમયે રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી છે. ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતો માટે ખાસ એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. ખેડૂતોને કાપણી કરેલો પાક તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસેડવા અને એપીએમસીમાં રહેલો જથ્થો તાડપત્રીથી ઢાંકવા સૂચના અપાઈ છે. જંતુનાશક દવાઓનો છંટકાવ હાલ પૂરતો અટકાવવા પણ સલાહ આપવામાં આવી છે. તૈયાર થયેલા ધાણા, કલોંજી અને શાકભાજીના પાક પર માવઠાની માઠી અસર થવાની શક્યતાને પગલે જગતનો તાત ચિંતિત છે. સરકારે કોઈપણ સહાય કે માર્ગદર્શન માટે કિસાન કોલ સેન્ટરનો નંબર પણ જાહેર કર્યો છે.

સુરતમાં કુદરતનો કહેર: પાલિકાનું ‘મોતનું બોર્ડ’ પડતા નિર્દોષ શ્રમિકનું મોત

હીરાનગરી સુરતમાં આજે કાળઝાળ ગરમી વચ્ચે અચાનક વાતાવરણનો મિજાજ પલટાયો હતો અને જોતજોતામાં મિની વાવાઝોડાએ શહેરને બાનમાં લીધું હતું. આ તેજ પવન માત્ર ધૂળની ડમરીઓ જ નહીં, પરંતુ મોતનો પયગામ લઈને આવ્યો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. પર્વત પાટિયા વિસ્તારમાં આવેલ શાયોના પ્લાઝા પાસે જ્યારે લોકો પોતાની દિનચર્યામાં વ્યસ્ત હતા, ત્યારે અચાનક ફૂંકાયેલા પવનના ઝાપટાએ સુરત મહાનગરપાલિકાના એક વિશાળ લોખંડના હોર્ડિંગ્સને જમીનદોસ્ત કરી દીધું હતું. કમનસીબે, આ ભારેખમ બોર્ડ ત્યાં જ ટેબલ લગાવીને ગુજરાન ચલાવતા ૪૮ વર્ષીય નીતિનભાઈ જયંતિભાઈ વાજા પર ખાબક્યું હતું. લોખંડના એંગલો અને પતરાના વજન નીચે દબાઈ જવાને કારણે નીતિનભાઈનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. મૂળ રાજકોટના વતની અને સુરતમાં રહી પરિવારનો આધાર બનેલા આ શ્રમિકના મોતના સમાચારથી સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

વાવાઝોડાની આ ભયાનકતા માત્ર એક વિસ્તાર પૂરતી સીમિત નહોતી. શહેરના નાનપુરા, ઉમરા અને પીપલોદ જેવા પોશ વિસ્તારોમાં પણ કુદરતે તાંડવ મચાવ્યું હતું. નાનપુરામાં એક તોતિંગ વૃક્ષ કાર પર પડતા કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો, જોકે સદનસીબે કારમાં સવાર લોકોનો આબાદ બચાવ થયો હતો. ઉમરા ગામમાં મુખ્ય માર્ગ પર વૃક્ષ ધરાશાયી થતા કલાકો સુધી વાહનવ્યવહાર ખોરવાયો હતો અને પોલીસને રસ્તો બંધ કરવાની ફરજ પડી હતી. સિંગણપોરની ભરચક શાક માર્કેટમાં પણ અચાનક વૃક્ષ પડતા ગ્રાહકો અને વેપારીઓમાં ભાગદોડ મચી ગઈ હતી. પવનની ગતિ એટલી તીવ્ર હતી કે આકાશમાંથી લોખંડના પતરા ઉડતા જોવા મળ્યા હતા, જેના કારણે રાહદારીઓમાં ભયનો માહોલ ફેલાયો હતો.

મિલકતોના નુકસાનની વાત કરીએ તો, કતારગામ અને ડભોલી વિસ્તારમાં રૌદ્ર દ્રશ્યો જોવા મળ્યા હતા. અશોકવાટિકા પાસે આવેલા એક કોમર્શિયલ શોપિંગ સેન્ટરના ત્રીજા માળેથી આખેઆખો પતરાનો શેડ કાગળની જેમ ઉડીને નીચે રસ્તા પર પડ્યો હતો. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જે જોઈને કોઈ પણના રુવાડા ઉભા થઈ જાય તેમ છે. પૂણા વિસ્તારમાં પણ લોખંડના પોલ નમી પડવાની અને હોર્ડિંગ્સ ફાટી જવાની અનેક ફરિયાદો પાલિકાના કંટ્રોલ રૂમમાં નોંધાઈ છે. આ મિની વાવાઝોડાએ સુરત મહાનગરપાલિકાની પ્રી-મોન્સૂન કામગીરી અને જોખમી હોર્ડિંગ્સ ઉતારવાની વાતો પર સવાલો ઉભા કર્યા છે.

હાલમાં સુરત મહાનગરપાલિકા અને ફાયર બ્રિગેડની ટીમો યુદ્ધના ધોરણે રસ્તાઓ સાફ કરવાની અને જોખમી લટકતા પતરાઓને ઉતારવાની કામગીરી કરી રહી છે. મૃતક નીતિનભાઈના દેહને સ્મીમેર હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે અને પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ હજુ પણ આગામી સમયમાં પવન ફૂંકાવાની શક્યતા હોવાથી તંત્ર દ્વારા નાગરિકોને કામ વગર ઘરની બહાર ન નીકળવા અને ખાસ કરીને હોર્ડિંગ્સ કે જૂના વૃક્ષો નીચે ઉભા ન રહેવા કડક સૂચના આપવામાં આવી છે.

અમદાવાદમાં ‘ધૂળની આંધી’ બાદ મેઘરાજાની બેટિંગ

ગુજરાતના વાતાવરણમાં છેલ્લા કેટલાક દિવસોથી જોવા મળી રહેલી ગરમી વચ્ચે આજે અચાનક કુદરતે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. હવામાન વિભાગ દ્વારા ૧૮ થી ૨૧ માર્ચ દરમિયાન કરવામાં આવેલી કમોસમી વરસાદની આગાહી અમદાવાદમાં સાચી ઠરી છે. બપોર પછી શહેરના આકાશમાં કાળાડિબાંગ વાદળો ઘેરાયા હતા અને જોતજોતામાં અંદાજે ૪૦ કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયેલા તેજ પવને ધૂળની ડમરીઓ ઉડાડતા વાતાવરણ ધૂંધળું બની ગયું હતું. આ મિની વાવાઝોડાને કારણે એસ.જી. હાઈવે, પ્રહલાદનગર અને સેટેલાઈટ જેવા વિસ્તારોમાં વિઝિબિલિટી એટલી ઓછી થઈ ગઈ હતી કે વાહનચાલકોને ધોળે દિવસે હેડલાઈટ ચાલુ કરવાની ફરજ પડી હતી. ઓફિસથી ઘરે પરત ફરી રહેલા હજારો અમદાવાદીઓ આ અચાનક આવેલી આફતમાં અટવાઈ પડ્યા હતા.

વાવાઝોડાની આ તીવ્રતાએ શહેરના ગ્રીન કવરને પણ નુકસાન પહોંચાડ્યું છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના ગાર્ડન વિભાગના જણાવ્યા મુજબ, શહેરના અલગ-અલગ વિસ્તારોમાં કુલ ૧૬ જેટલા તોતિંગ વૃક્ષો જમીનદોસ્ત થયા છે. ખાસ કરીને ઉત્તર-પશ્ચિમ ઝોનમાં તેની સૌથી વધુ અસર જોવા મળી છે, જ્યાં ગોદરેજ ગાર્ડન સિટી અને ઝાયડસ રોડ જેવા વિસ્તારોમાં જ ૯ વૃક્ષો પડી જવાની ઘટનાઓ બની છે. સદનસીબે, કોર્પોરેશનની ટીમોએ તાત્કાલિક એક્શનમાં આવીને રસ્તા પર પડેલા વૃક્ષોને દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી, જેના કારણે ટ્રાફિકની સમસ્યામાં થોડી રાહત મળી હતી. આ માવઠાને કારણે વેજલપુર, સરખેજ અને મકરબા જેવા વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડતા ગરમીમાં તો ઘટાડો થયો છે, પરંતુ ખેડૂતો અને ખુલ્લામાં વેપાર કરતા લોકો માટે આ વરસાદ ચિંતાનો વિષય બન્યો છે.

આ કુદરતી આફત વચ્ચે બાવળા-સરખેજ હાઈવે પર આવેલા સરી ગામે એક મોટી હોનારત ટળી હતી. ચૈત્રી નવરાત્રીના પર્વ નિમિત્તે મેલડી માતાજીના મંદિરે ભક્તો માટે વિશાળ મંડપ બાંધવામાં આવ્યો હતો, જે વાવાઝોડામાં ઉખડીને સીધો હાઈવોલ્ટેજ વીજ લાઈન પર જઈ પડ્યો હતો. સામાન્ય રીતે ૧૧ KV ની લાઈન પર લોખંડ કે ભીના કપડાનો મંડપ પડવાથી મોટો બ્લાસ્ટ થઈ શકે છે, પરંતુ આ લાઈન આધુનિક ઇન્સ્યુલેટેડ હોવાને કારણે કોઈ કરંટ ઉતર્યો ન હતો અને સેંકડો શ્રદ્ધાળુઓના જીવ બચી ગયા હતા. જોકે, બાવળાના મેળામાં પવનને કારણે સ્ટોલ અને મંડપોને નુકસાન થયું હોવાના અહેવાલો પણ પ્રાપ્ત થયા છે.

હવામાન વિભાગે સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અત્યંત મહત્વનું ‘નાઉકાસ્ટ’ જાહેર કર્યું છે. સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર અને બોટાદ સહિત સુરેન્દ્રનગરમાં ‘રેડ એલર્ટ’ આપવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં આગામી કલાકોમાં ભારે પવન અને વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ પડવાની શક્યતા છે. તંત્ર દ્વારા માછીમારો અને ખેડૂતોને ખાસ સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે. અમદાવાદમાં પણ હજુ વાદળછાયું વાતાવરણ જળવાઈ રહેશે અને પવનની ગતિ તેજ રહી શકે છે, તેથી નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા અને સુરક્ષિત સ્થળે રહેવા અપીલ કરવામાં આવી છે.

૨૦ માર્ચ ૨૦૨૬

Chitralekha Gujarati – 30 March, 2026

Please click on above magazine cover to read magazine online. Due to piracy of “Chitralekha” magazine pdf by some of the subscribers we are not providing pdf download option from here on till we get possible solution. PLEASE COOPERATE WITH US.

જાપાન અને નાટોને ટ્રમ્પની સીધી ચેતવણી

મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ અને ઈરાન-અમેરિકા વચ્ચેના તણાવની વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર પોતાના આક્રમક અંદાજમાં દુનિયા સમક્ષ પોતાની વાત મૂકી છે. મીડિયા સાથેની વાતચીત દરમિયાન જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેઓ ઈરાન પર લાદવામાં આવેલા તેલના પ્રતિબંધો હટાવશે અથવા ત્યાં અમેરિકી સેના તૈનાત કરશે, ત્યારે ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં નકારો ભણ્યો હતો. તેમણે કહ્યું કે તેઓ હાલમાં ક્યાંય પણ પોતાની સેના મોકલી રહ્યા નથી. ટ્રમ્પે રમૂજી અંદાજમાં ઉમેર્યું હતું કે જો તેઓ આવું કંઈક કરી પણ રહ્યા હોત, તો તેઓ કોઈને અગાઉથી જાણ ન કરત. તેમના મતે લોકો માત્ર અટકળો લગાવતા હોય છે, જ્યારે વાસ્તવિકતા અને રણનીતિ કંઈક અલગ જ હોય છે.

આ સંવાદ દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પે પોતાની આર્થિક સિદ્ધિઓનો ઉલ્લેખ કરવાની એક પણ તક છોડી ન હતી. તેમણે ગર્વ સાથે જણાવ્યું કે કેવી રીતે તેમના શાસનકાળમાં અમેરિકી શેરબજાર એટલે કે વોલ સ્ટ્રીટે તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. તેમણે યાદ અપાવ્યું કે જ્યારે તેમણે ડો જોન્સ ઇન્ડેક્સ 50,000 ને પાર કરવાની વાત કરી હતી, ત્યારે લોકો તેને અશક્ય માનતા હતા. પરંતુ તેમની નીતિઓને કારણે આ આંકડો માત્ર એક વર્ષમાં જ હાંસલ કરી લેવાયો છે. તેવી જ રીતે એસએન્ડપી ઇન્ડેક્સનું 7,000 ના સ્તરને વટાવવું એ પણ તેમના મતે એક ઐતિહાસિક વિજય છે. ટ્રમ્પનું માનવું છે કે જ્યારે દેશની અર્થવ્યવસ્થા મજબૂત હોય અને તેલના ભાવ નિયંત્રણમાં હોય, ત્યારે જ આંતરરાષ્ટ્રીય સ્તરે કડક નિર્ણયો લેવાની શક્તિ મળે છે.

ઈરાનના મુદ્દે આકરા પ્રહારો કરતા ટ્રમ્પે જણાવ્યું કે ઈરાનનું નેતૃત્વ હવે સંપૂર્ણપણે ખતમ થઈ ચૂક્યું છે. તેમણે ઈરાનને સમગ્ર વિશ્વ અને ખાસ કરીને મધ્ય પૂર્વ માટે મોટો ખતરો ગણાવ્યો હતો. જોકે, આ બાબતે તેમણે અમેરિકાની ભૂમિકા અંગે એક નવો વળાંક આપતા કહ્યું કે અમેરિકા ક્યાં સુધી એકલા હાથે બીજાની રક્ષા કરશે? તેમણે ખાસ કરીને જાપાનનો ઉલ્લેખ કરતા કહ્યું કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ જેવા સંવેદનશીલ રસ્તાઓ પરથી જાપાનના તેલનો 90% હિસ્સો પસાર થાય છે, જેની સુરક્ષા હાલમાં અમેરિકા કરી રહ્યું છે. હવે જાપાન જેવા સમૃદ્ધ દેશોએ આગળ આવીને પોતાની ઉર્જા સુરક્ષાની જવાબદારી જાતે સંભાળવી જોઈએ.

આટલું જ નહીં, ટ્રમ્પે બ્રિટન અને નાટો (NATO) ના દેશો પર પણ કટાક્ષ કરવાનું ચૂક્યા ન હતા. તેમણે કહ્યું કે નાટો મદદ કરવા ઈચ્છે છે પરંતુ હવે ઘણું મોડું થઈ ગયું છે. બ્રિટન દ્વારા વિમાનવાહક જહાજો મોકલવાની ચર્ચા પર ટિપ્પણી કરતા તેમણે કહ્યું કે બ્રિટનની જરૂર યુદ્ધ પહેલા હતી, યુદ્ધ જીતી ગયા પછી નહીં. આ નિવેદનો પરથી સ્પષ્ટ થાય છે કે ટ્રમ્પ અમેરિકાને વૈશ્વિક ‘પોલીસમેન’ ની ભૂમિકામાંથી બહાર કાઢીને અન્ય દેશોને આત્મનિર્ભર બનાવવા માંગે છે. દરમિયાન, એવી પણ માહિતી સામે આવી છે કે ઇઝરાયલી વડાપ્રધાન નેતન્યાહૂને ઈરાનના તેલ અને ઉર્જા ક્ષેત્રો પર હુમલો ન કરવાની સલાહ આપવામાં આવી હતી, જેથી વૈશ્વિક સપ્લાય ચેઈનને અસર ન થાય. હવે જોવાનું એ રહેશે કે ટ્રમ્પના આ નિવેદન બાદ ઈરાન અને અન્ય સાથી દેશોની શું પ્રતિક્રિયા રહે છે.

Madhuri’s Fashion Struggles & Shah Rukh’s Bloody Photo -Candid Talk with Photographer Jayesh Sheth