Home Blog Page 1676

રિષી સુનકની સ્પીચમાંથી શું શીખવા જેવું?

અબ કી બાર 400 પારઃ બ્રિટનની ચૂંટણીમાં લેબર પાર્ટી 400 થી વધારે બેઠક જીતીને સત્તામાં આવી એ પછી સોશિયલ મિડીયામાં વાઇરલ થયેલી આ મજાક સિવાય બ્રિટનની ચૂંટણીને હમણાં જ પૂરી થયેલી ભારતની ચૂંટણી સાથે કાંઇ કરતા કાંઇ લેવાદેવા નથી, પણ આમ છતાં છેલ્લા એક દાયકામાં રાજકીય ઉથલપાથલ અને બ્રેકિઝટ સહિતની અનિશ્ચિતતાઓ વચ્ચે ઘેરાયેલા ગ્રેટ બ્રિટનને મળેલી સ્થિર સરકાર, ચૌદ વર્ષે લેબર પાર્ટીની સત્તા-વાપસી અને સત્તાનું હસ્તાંતરણ ઘણું કહી જાય છે.

મિથ્યા આત્મગૌરવ અને સમજ્યા કારવ્યા વિના સોશિયલ મિડીયામાં ફેંકાતા અધકચરાં અભિપ્રાયોથી દૂર હટીને, જો સમજવું જ હોય તો, બ્રિટનની આ ચૂંટણી પછી આટલું સમજવાની જરૂર છેઃ

એકઃ ગ્રેસ. હારને ખેલદિલીથી સ્વીકારતાં આવડવું જોઇએ. 10, ડાઉનિંગ સ્ટ્રીટ (બ્રિટનના વડાપ્રધાનનું સત્તાવાર નિવાસસ્થાન) છોડતી વખતે રિષી સુનકે આપેલી સ્પીચ અને નવનિયુક્ત વડાપ્રધાન સ્ટાર્મરની સ્પીચ સાંભળજો. લાગણીના ઊબકા કે આડંબર વિના, સામેના પક્ષને દુશ્મન ગણ્યા વિના હાર કે જીતને કઇ રીતે સ્વીકારાય એ શીખવા જેવું છે. સુનકની સ્પીચમાં ક્યાંય સ્ટાર્મર કે લેબર પાર્ટી માટે ડંખ નહોતો. ઉલ્ટાનું, એમણે એ હદ સુધી કહ્યું કે, અમારી સરકારની સફળતા એ હવે તમારી સફળતા છે. એનો ઊંડો અર્થ એ થાય કે, સફળતા હંમેશા રાષ્ટ્રની હોય છે, સત્તાપક્ષની નહીં. ‘આઇ એમ સોરી’ – હાર્યા પછી આટલું કહીને સુનકે બ્રિટીશરોનાં દિલ જીતી લીધાં!

બેઃ રિષી સુનકે પોતાના વંશીય મૂળનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, બે પેઢી પહેલાં મારો પરિવાર બ્રિટનમાં આવ્યો. આજે મારી બન્ને દીકરી બ્રિટનમાં દીવાળી વખતે દીવડાઓ પ્રગટાવે છે અને હું બ્રિટનનો પીએમ બની શકું છું. આ બધું બ્રિટીશ મૂલ્યોને આભારી છે. કેટલી સચોટ વાત! વાસ્તવમાં, આ બ્રિટીશ લોકશાહી મૂલ્યોને આભારી છે કે વિદેશી મૂળની કોઇ વ્યક્તિ ફક્ત ને ફક્ત લાયકાતના ધોરણે ટોચના બંધારણીય પદે બેસી શકે છે. કોઇ બ્રિટીશરે, રિષી સુનકનો વંશીય મુદ્દે વિરોધ કર્યાનું સાંભળ્યું? અમેરિકામાં કમલા હેરીસ, બ્રિટનમાં રિષી સુનક કે અન્ય રાષ્ટ્રોમાં ભારતીય મૂળના લોકો ટોચના પદે બિરાજે ત્યારે કારણવગર હરખપદૂડા થઇને સોશિયલ મિડીયામાં મફતના ફટાકડાં ફોડનારાઓ આમાંથી ધડો લઇ શકે (જો લેવાની તૈયારી હોય તો) કે, એમની સફળતામાં એમની વ્યક્તિગત ક્ષમતા અને એ દેશમાં પ્રવર્તતા મૂલ્યોનો ફાળો છે, એમના ‘ભારતીય મૂળના હોવાપણા’ નો નહીં!

ત્રણઃ રિષી સુનક જ્યારે વડાપ્રધાન બન્યા ત્યારે આપણે ત્યાં કેટલાક લોકો એમના ભારતીય મૂળને લઇને (અને નારાયણ મૂર્તિના જમાઇ હોવાને લઇને) ઉન્માદે ચડેલા. જાણે સુનકના વડાપ્રધાન બનવાથી ભારતે અંગ્રેજો સામે દોઢસો વર્ષની ગુલામીનો બદલો ન લઇ લીધો હોય! સુનકને આપણે જ તલવાર લઇને બ્રિટીશરો સામે લડવા મોકલ્યા હોય અને સુનકે બ્રિટનની ગાદી કબજે કરી હોય એવો આફરો ચડેલો આ લોકોને. વાસ્તવમાં, સુનકની કાર્યકાળ દરમ્યાન ભારત-બ્રિટન વચ્ચે એવી કોઇ ઐતિહાસિક સમજૂતી નથી થઇ , જેમાં ભારતને વિશેષ લાભ મળ્યો હોય. સુનક એવું કરી પણ ન શકે, કેમ કે એ બ્રિટનના વડા તરીકે એ એના દેશને જ વફાદાર હોય એ સ્વાભાવિક છે. ભારતીય મૂળ ધરાવતાં હોવા છતાં સુનક એ પહેલાં બ્રિટીશર છે એ સમજવાની જરૂર હતી. એ વાતમાંથી શીખવાનું એટલું જ કે, આવતીકાલે કમલા હેરીસ અમેરિકાની પ્રેસિડેન્ટ બને તો પણ બહુ ગાઇ-વગાડીને ઊછળકૂદ કરવી નહીં.

ચારઃ રહી વાત સ્ટાર્મરના નેતૃત્વમાં ભારત અને બ્રિટનના સંબંધોની. સુનકના જવાથી કે સ્ટાર્મરના આવવાથી હવે ભારત સાથે સંબંધો કથળશે કે અચાનક સુધરી જશે એવું માની લેવાની જરૂર નથી. વર્ષ 2019માં જ્યારે લેબર પાર્ટીએ જર્મી કોર્બિનના નેતૃત્વમાં કશ્મીરમાં માનવીય સંકટ છે એ મતલબનો ઠરાવ મૂક્યો ત્યારે આ જ સ્ટાર્મરે એનો વિરોધ કરીને આ મામલાને ભારતનો આંતરિક મામલો ગણાવેલો. યાદ રહે, સ્ટાર્મર માનવઅધિકારોના હિમાયતી ગણાય છે. ભારતના અર્થતંત્રનું કદ અને બજારને જોતાં બ્રિટન આપણને અવગણી શકે એમ પણ નથી એટલે મુક્ત વેપારની સમજૂતીના મુદ્દે સ્ટાર્મર કઇ રીતે આગળ વધે છે એ જોવાનું રહે છે.

પાંચઃ યાદ રહે કે વિદેશનીતિ, પછી એ કોઇપણ દેશની સાથે હોય, હંમેશા એકબીજા દેશની ગરજના આધારે જ ઘડાતી હોય છે. એમાં લાગણીઓને કોઇ સ્થાન નથી હોતું. આપણો દેશ જેટલો મજબૂત, દુનિયાના દેશોને આપણી જેટલી ગરજ અને આપણને એમની જેટલી ગરજ એટલા સંબંધો મજબૂત એ વિદેશનીતિનો વણલખ્યો, પણ પાયાનો નિયમ છે. ઇન શોર્ટ, બીજા દેશમાં સત્તા પરિવર્તન થાય ત્યારે એની પાછળ એ દેશનું આતરિક રાજકારણ અને આંતરિક પરિબળો જવાબદાર હોય છે. એને ભારત કે ભારતીય મૂળ સાથે સીધી રીતે જોડીને જોવાની જરૂર નથી.

(લેખક ચિત્રલેખા.કોમના એડિટર છે.)

સુરતમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, એક મહિલાનું રેસ્ક્યૂ

સુરત: શહેરના સચિન વિસ્તારમાં પાંચ માળની ઈમારત ધરાશાયી થતા કાટમાળ નીચે ૧૦ જેટલા લોકો દબાયા હોવાની આશંકા છે. ફાયર અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. જે.સી.બી.ની મદદથી કાટમાળ હટાવવાની કામગીરી ચાલી રહી છે.આ બિલ્ડિંગમાં ૧૫ જેટલા લોકો રહેતા હોવાની પ્રાથમિક માહિતી મળી છે. જે ઈમારત ધરાશાયી થઈ છે તે જર્જરિત હોવાની માહિતી પણ સામે આવી છે. મહત્વની વાત એ છે કે આ બિલ્ડીંગ સાત વર્ષ પહેલા જ બની હોવાની વાતો પણ સામે આવી છે. જો આ સત્ય હોય તો આ ઈમારત બનાવવામાં હલકી કક્ષાનો માલ સામાન વપરાયો હોવાનું ફલિત થાય છે.દુર્ઘટનાની જાણ થતાં સુરત જિલ્લા કલેક્ટર, પોલીસ કમિશનર, ફાયરની ટીમ, સ્થાનિક નેતાઓ સહિત અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સમગ્ર ઘટનાક્રમ વચ્ચે કાટમાળ નીચે દબાયેલી એક મહિલાને ફાયર વિભાગના જવાનો દ્વારા સુરક્ષિત બહાર કાઢવામાં આવી છે. મહિલાની બચાવવા માટેની બૂમો સાંભળી તાત્કાલિક બહાર કાઢવામાં આવી અને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. હજુ પણ બિલ્ડીંગના કાટમાળ નીચે અન્ય લોકો દબાયા હોવાની આશંકા છે.

ચોકીદાર પાસેથી મળેલી પ્રાથમિક માહિતી અનુસાર, 30 ફ્લેટમાંથી ચાર-પાંચ ફ્લેટમાં જ લોકો રહેતા હતા. અંદર એક જ પરિવાર હતો બાકી બધાં લોકો કામ માટે બહાર ગયા હતા. બચાવ કામગીરી હાલ ચાલી રહી છે.

(અરવિંદ ગોંડલિયા – સુરત)

અમદાવાદ : રથયાત્રા માટે પોલીસ તંત્ર સજ્જ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં પ્રતિ વર્ષે અષાઢી બીજે યોજાતી પરંપરાગત 147મી રથયાત્રા શાંતિ-સલામતી સાથે સફળતાપૂર્વક પાર પાડવાની પોલીસ તંત્રની સજ્જતાની ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠકમાં ઝીણવટ પૂર્વક સમીક્ષા કરી હતી. મુખ્યમંત્રીએ અમદાવાદ સહિત રાજ્યમાં અનેક સ્થળોએ યોજાતી રથયાત્રા જન ઉમંગ અને ઉલ્લાસનું ધર્મપર્વ છે તે સંદર્ભમાં કહ્યું કે, ભગવાનના દર્શન માટે લોકો જુના, જર્જરીત મકાનો કે ભયજનક ઇમારતોનો સહારો ન લે તે માટે પોલીસ અને સ્થાનિક પાલિકા તંત્ર સતર્ક રહે તે આવશ્યક છે. તેમણે આવા પોઇન્ટ પર પોલીસ બંદોબસ્ત ગોઠવીને લોકોને જાનમાલની સલામતીના કારણોસર ત્યાં જતા અટકાવવા ખાસ તાકીદ કરી હતી.

1931 જવાનો તૈનાત રહેશે

અમદાવાદમાં ભક્તિભાવપૂર્ણ વાતાવરણમાં યોજાતી આ રથયાત્રા 16 કિલોમીટર લાંબા રૂટ પરની કાયદો વ્યવસ્થા તેમજ રથયાત્રા દરમિયાનની સુરક્ષા-સલામતી વ્યવસ્થાઓ અંગે અમદાવાદ શહેર પોલીસ કમિશનરે વિસ્તૃત પ્રેઝન્ટેશન કર્યું હતું.અમદાવાદ પોલીસ કમિશનરે જણાવ્યું કે, રથયાત્રાને સફળ બનાવવા માટે આઈ.જી. કક્ષાથી લઈને પોલીસ કર્મીઓ સુધી કુલ મળીને 18700થી વધુ સુરક્ષા કર્મીઓ ખડે પગે ફરજરત રહેવાના છે.રથયાત્રામાં જોડાનારા રથો, ટ્રક, અખાડા અને ભજન મંડળીઓ, મહંતોની સુરક્ષા માટે રથયાત્રા સાથે મુવિંગ બંદોબસ્તમાં 4500 જેટલા પોલીસ કર્મીઓ જોડાવાના છે. સમગ્ર યાત્રામાં ટ્રાફિક અડચણ નિવારવા અને સુચારૂ ટ્રાફિક સંચાલન માટે ટ્રાફિક બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશનરના નેતૃત્વમાં 1931 જવાનો તૈનાત રહેશે. 16 જેટલી ક્રેઇનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.


CCTV કેમેરાથી બાજ નજર રખાશે

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રથયાત્રા દરમિયાન સોશિયલ મીડિયા પ્લેટફોર્મના માધ્યમથી કોઈ અફવા કે ખોટા-ગેરમાર્ગે દોરતા સમાચારો, વિગતો ક્યાંય પ્રસિદ્ધ થાય તો તેની સામે ત્વરાએ સત્ય હકીકતથી લોકોને વાકેફ કરવા પર પોલીસ તંત્ર વિશેષ ધ્યાન આપે તેવું સૂચન કર્યું હતું. આ સંદર્ભમાં પોલીસ કમિશનરે રથયાત્રામાં પૂરતા મોનિટરિંગ પ્રબંધન અંગે જણાવ્યું કે, 47 જેટલા લોકેશન્‍સ પરથી 96 કેમેરા, 20 ડ્રોન, 1733 બોડીવોર્ન કેમેરા દ્વારા લાઈવ મોનિટરિંગ કરાશે. આ ઉપરાંત 16 કિલોમીટરના સમગ્ર રથયાત્રા રૂટ પર ખાનગી દુકાન ધારકોની સહભાગીતાથી 1400 જેટલા સી.સી.ટી.વી. કેમેરાથી પોલીસ કંટ્રોલરૂમ દ્વારા બાજ નજર રખાશે.

બજેટ 23 જુલાઈએઃ નાણાપ્રધાન રોજગારીનો પટારો ખોલે એવી શક્યતા

નવી દિલ્હીઃ સંસદીય કાર્ય મંત્રી કિરણ રિજિજુએ શનિવારે જણાવ્યું હતું કે સંસદનું બજેટ સત્ર આગામી 22 જુલાઈથી 12 ઓગસ્ટ દરમ્યાન આયોજિત કરવામાં આવશે. નાણાપ્રધાન નિર્મલા સીતારામન 23 જુલાઈએ બજેટ રજૂ કરશે. નાણાપ્રધાન આગામી બજેટમાં યુવાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે એવી શક્યતા છે, કેમ કે સરકાર બજેટમાં મોટા એલાન કરે એવી શક્યતા છે.

મોદી સરકાર ત્રીજા કાર્યકાળમાં યુવાઓ માટે રોજગારીનો પિટારો ખોલે એવી શક્યતા છે. બજેટમાં સર્વિસ સેક્ટર પ્રોત્સાહન યોજનાને લાગુ કરવા માટે CIIએ સરકારને સૂચન કર્યું છે. આ ક્ષેત્રમાં એનિમેશન, ગેમિંગ, રિટેલ, હોસ્પિટાલિટી, ટુરિઝમ, ફિલ્મ-મનોરંજન જેવાં ક્ષેત્ર સામેલ છે. PLI યોજનાઓથી સેગમેન્ટને ઘણો લાભ મળ્યો છે. એને અન્ય ક્ષેત્રમાં પણ લાગુ કરવાનું સૂચન છે.

દેશમાં કૌશલ વિકાસ યોજનાઓથી યુવાઓને ઘણો લાભ મળ્યો છે. નવી તકો પેદા કરવા માટે કૌશલ વિકાસને પ્રોત્સાહન આપવું જોઈએ, એમ સંસ્થાએ કહ્યું હતું. દેશમાં વડા પ્રધાન કૌશલ વિકાસ યોજના 4.0 ચલાવવામાં આવી રહી છે, જેમાં આવનારા કેટલાંક વર્ષોમાં વધુ ને વધુ યુવાઓને નોકરી આપવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.

વડા પ્રધાન મોદીના નેતૃત્વવાળી NDA સરકારના ત્રીજા કાર્યકાળમાં નાણાપ્રધાન પહેલું બજેટ રજૂ કરશે, જેને લઈને સામાન્ય જનતામાં ઘણી ઉત્સુકતા છે, કેમ કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું હતું કે એમાં કેટલાંક ઐતિહાસિક પગલાંની જાહેરાત કરવામાં આવશે. નાણાપ્રધાન દ્વારા ગરીબ, ખેડૂતો, મજૂરો અને મહિલાઓ અને યુવાઓ માટે બજેટમાં જાહેરાત થાય એના પર સૌની નજર છે.

નાણાપ્રધાન બજેટમાં ટેક્સ રિફોર્મ રજૂ કરે એવી શક્યતા છે, જેનો ઉદ્દેશ લોઅર ઇન્કમ પર ટેક્સ બોજ ઓછો કરવાનો છે.

 

 

 

 

 

 

 

 

 

અમિત શાહ આજથી બે દિવસીય ગુજરાત પ્રવાસે

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. જેઓ આજે ગાંધીનગર ખાતે 102મા આંતરરાષ્ટ્રીય સહકાર દિવસ નિમિતે કાર્યક્રમમાં હાજરી આપશે અને ત્યારબાદ બપોરે 2 વાગ્યે બનાસકાંઠાના થરાદ તાલુકાના ચાંગડા ગામે સહકારી પાયલટ પ્રોજેકટની મુલાકાત લઈ દૂધ ઉત્પાદક મહિલાઓને ઝીરો ટકા વ્યાજના Rupay કાર્ડનું વિતરણ કરશે.

કેન્દ્ર સરકાર ખેડૂતોને મોટી ભેટ આપવા જઈ રહી છે. મોંઘવારીના મારથી ખેડૂતોને બચાવવા અને તેમના ખેતી ખર્ચમાં ઘટાડો કરવા કેન્દ્ર સરકાર નવી યોજના શરૂ કરવા જઈ રહી છે, જે અંતર્ગત સરકાર નેનો-ફર્ટિલાઇઝર્સ પર સબસિડી આપશે. આ સાથે નેનો-ખાતરને ખેડૂતોમાં લોકપ્રિય બનાવવામાં આવશે. સાથે જ ખેડૂતો માટે ખેતીનો ખર્ચ પણ ઘટશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે તેનું લોકાર્પણ કરશે.

કેન્દ્રીય મંત્રી અમિત શાહ આજે સાંજે 5 વાગ્યે ગોધરાના મહુલિયા ગામ ખાતે સહકારી પાયલટ પ્રોજેક્ટની મુલાકાત લઈ ગોધરાની પંચામૃત ડેરી ખાતે રાજ્યની જિલ્લા સહકારી બેંકો અને ડેરીના ચેરમેન સાથે બેઠક કરશે. જ્યારે 7 જુલાઈના રોજ સવારે 4 કલાકે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જગન્નાથ મંદિર ખાતે મંગળા આરતીમાં ભાગ લેશે અને સવારે 10:30 કલાકે નારણપુરા ખાતે SLiMS હોસ્પિટલનું ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ તેઓ સવારે 11 કલાકે આંબાવાડી ખાતે વિદ્યાર્થી ભવનના ઉદ્ઘાટન કાર્યક્રમમાં હાજરી આપશે.

સરકારી કંપનીઓ પાસેથી કરોડોનો GST વસૂલ્યો પણ જમા ના કરાવ્યો!

અમદાવાદ: ગુજરાત સ્ટેટ સીડ કોર્પોરેશન લિમિટેડ અને ગુજરાત પ્રદૂષણ બોર્ડ સહિતની સરકારી 80થી 90 કંપનીઓમાં માનવબળ (હ્મુયન રિસોર્સિસ) પૂરું પાડતી કંપનીએ બિલમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ વસૂલ્યો. પરંતુ તેને સરકારમાં જમા કરાવ્યો નહી. આમ કરીને GST મેસર્સ ઝેરઝેક્સ એચ. આર. સર્વિસિસ પ્રાઈવેટ લિમિટેડના વીરભદ્ર પ્રતાપસિંહ ચૌહાણે અંદાજીત 7 કરોડ રૂપિયાની GST ચોરી કરી. જેના કારણે તેમની ધરપકડ કરવામાં આવી છે. વીરભદ્રસિંહે પોતનો ગુનો કબૂલ કરી લીધો છે.ગાંધીનગર સ્થિત CGST કચેરીના સિનિયર અધિકારી સાથે ચિત્રલેખા.કોમ સાથે વાત કરી. તેમણે જણાવ્યું કે સામાન્ય રીતે જો કોઈ વેપારી એક કંપની પાસેથી GST વસૂલે છે તો સામે તે વેપારીને ઈનપુટ ટેક્સ ક્રેડિટ મળે છે. પરંતુ અહીં સરકારી કચેરીઓ હોવાથી કોઈને ઈનપુટ ટેક્સ ક્રેડિટ મળતું ન હતું. સામે છેડે વીરભદ્રસિંહ તેની બેલેન્સ સીટમાં પણ ખુબ જ ફોર્જિંગ કરી રહ્યો હતો. આ કૌભાંડ વીરભદ્રસિંહ 2017ના વર્ષથી કરી રહ્યો હતો. વાત ત્યારે બહાર આવી જ્યારે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા પોતાના ત્યાં કોન્ટ્રાક્ટથી રાખેલાં વ્યક્તિઓનો TDS સરકારમાં ભર્યો. અને તેનાં બિલ મૂકતાં CGST ડિપાર્ટમેન્ટના ધ્યાનમાં આવ્યું કે, મેસર્સ ઝેરઝેક્સ એચ. આર. સર્વિસિસ પ્રાઈવેટ લિમિટેડ નામની કંપની અહીં સર્વિંસ પ્રોવાઈડ કરે છે. જે GST સાથેના બિલ સરકારમાં મૂકે છે. પરંતુ તેનો GST રજિસ્ટ્રેશન  નંબર (GSTIN – 24AAACX2026L1ZG) તો વર્ષ 2019માં જ રદ થઈ ગયો હતો. કારણ કે કંપનીએ ક્યારેય GST રિટર્ન ફાઈલ કર્યું જ ન હતું. વીરભદ્રસિંહની કંપનીએ આચરેલી ગેરરીતિનો અંદોજો આવતા ગુરૂવારે તેમની ઓફિસમાં દરોડા પાડવામાં આવ્યા હતા અને તેમની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ શુક્રવારે તેમને ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની અદાલતમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમને 15 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.

વીરભદ્રસિંહની કંપનીએ 80 થી 90 જેટલી સરકારી કંપનીઓને સર્વિસ પૂરી પાડી હતી. તેમની પાસેથી 18% લેખે GST ચાર્જ વસૂલ કર્યો. આ કરચોરી તે 2017ના વર્ષથી કરતા આવ્યા છે. ત્યારે સૌથી મોટો સવાલ એ થાય છે કે આટલાં વર્ષોથી કોઈપણ અધિકારીને આ વાતની ગંધ કેમ આવી નહિં? સરકારી ચોપડે તો આ કૌભાંડ માત્ર 6.74 કરોડ રૂપિયાનું જ છે. પરંતુ વર્તુળોનું કહેવું છે કે વાસ્તવમાં આ આંકડો મોટો હોઈ શકે છે.  આ કેસમાં જવાબદાર કંપનીના ડિરેક્ટર વીરભદ્રસિંહ પ્રતાપસિંહ ચૌહણની CGST એક્ટની કલમ 69 હેઠળ ધરપકડ કરવામાં આવી છે. જેમાં તેમને વધુમાં વધુ માત્ર 5 વર્ષની સજાની જોગવાઈ છે.

PM મોદીએ બ્રિટનના નવા PM કિઅર સ્ટારમર સાથે વાત કરી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રિટનના નવા વડા પ્રધાન કિઅર સ્ટારમર સાથે વાત કરી અને તેમને વડા પ્રધાન તરીકે ચૂંટાવા બદલ અભિનંદન પાઠવ્યા. નોંધનીય છે કે બ્રિટનમાં તાજેતરમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં લેબર પાર્ટીએ ઐતિહાસિક જીત હાંસલ કરી, 650માંથી 412 બેઠકો કબજે કરી અને 14 વર્ષ બાદ સત્તામાં પરત આવી.

લેબર પાર્ટીના વરિષ્ઠ નેતા કિઅર સ્ટારમર બ્રિટનના નવા વડાપ્રધાન તરીકે ચૂંટાયા છે. શનિવારે તેમની સાથે વાત કરતા, વડા પ્રધાન મોદીએ તેમને બ્રિટનના વડા પ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળવા અને ચૂંટણીમાં લેબર પાર્ટીની નોંધપાત્ર જીત બદલ અભિનંદન આપ્યા હતા. વાતચીતમાં, બંને નેતાઓએ ભારત-યુકે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને વધારવા માટે તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો.

પીએમ મોદીને ભારત આવવાનું આમંત્રણ
વડા પ્રધાન કાર્યાલય દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, બંને રાજ્યોના વડાઓ ભારત અને બ્રિટન વચ્ચેના મુક્ત વેપાર કરાર એટલે કે FTAને ટૂંક સમયમાં અંતિમ સ્વરૂપ આપવા માટે કામ કરવા માટે પણ સંમત થયા હતા. આ સિવાય વડાપ્રધાન મોદીએ કીર સ્ટારરને ભારત આવવાનું આમંત્રણ પણ આપ્યું હતું.

“@Keir_Starmer સાથે વાત કરીને આનંદ થયો. યુકેના વડા પ્રધાન તરીકેની તેમની પસંદગી બદલ તેમને અભિનંદન. અમે અમારા બંને દેશોના લોકો અને વૈશ્વિક ભલા માટે અમારી વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવા આતુર છીએ,” PM મોદીએ એક પોસ્ટમાં લખ્યું. ટ્વિટર ભારત-યુકે આર્થિક સંબંધોને વધુ ગાઢ બનાવવા માટે પ્રતિબદ્ધ છે.

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ સાથે અથડામણ, એક જવાન શહીદ

જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં એક જવાન શહીદ થયો છે. કુલગામના મુદરગામ વિસ્તારમાં ચાલી રહેલા એન્કાઉન્ટરમાં તે પહેલા ઘાયલ થયો હતો, ત્યારબાદ તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેનું મોત નીપજ્યું હતું. આ વિસ્તારમાં હજુ પણ ઓપરેશન ચાલુ છે. આ વિસ્તારમાં ત્રણથી ચાર આતંકીઓ છુપાયા હોવાના સમાચાર છે. ભારતીય સેનાના જવાનો સતત આતંકવાદીઓને શોધવામાં વ્યસ્ત છે.

વિસ્તારને સંપૂર્ણ રીતે ઘેરી લેવામાં આવ્યો છે. ઈન્ટેલિજન્સ ઈનપુટના આધારે સેના અને પોલીસે ઓપરેશન શરૂ કર્યું હતું. જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદીઓ તેમની નાપાક ગતિવિધિઓથી બિલકુલ હટતા નથી. ભારતીય સેના સતત ઓપરેશન ચલાવી રહી છે. છેલ્લા કેટલાક દિવસોમાં ભારતીય સૈનિકોએ અનેક ઓપરેશન હાથ ધર્યા છે. એન્કાઉન્ટરમાં અનેક આતંકીઓ અને આતંકવાદીઓ માર્યા ગયા છે.

જમ્મુ-કાશ્મીર છેલ્લા કેટલાક દાયકાઓથી આતંકવાદનો સામનો કરી રહ્યું છે. કેન્દ્રશાસિત પ્રદેશમાં આતંકવાદને ખતમ કરવા માટે અનેક અભિયાનો સતત ચલાવવામાં આવી રહ્યા છે. ગયા મહિને પણ અનેક ઓપરેશન હાથ ધરવામાં આવ્યા હતા. લગભગ 10 દિવસ પહેલા ડોડામાં સુરક્ષાદળોએ 3 આતંકીઓને ઠાર કર્યા હતા. માર્યા ગયેલા ત્રણેય આતંકવાદીઓ પાકિસ્તાની નાગરિક હતા. તેની પાસેથી મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો મળી આવ્યો હતો.

મુંબઈ: કિકેટ ટીમની વિક્ટ્રી પરેડ બાદ મરીન ડ્રાઈવ પર જામ્યો કચરાનો ઢગ

મુંબઈ: દેશમાં પાછા ફર્યા પછી ભારતીય ક્રિકેટ ટીમે મુંબઇના મરીન ડ્રાઇવ પર ઓપન બસ પર વિજય પરેડ કરી હતી. ટી 20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા 4 જુલાઈના રોજ બાર્બાડોસથી ભારત પરત ફર્યા હતાં. તે જ દિવસે મુંબઇમાં વિજય પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. વિજય પરેડ ચાહકો માટે ખૂબ જ જોવાલાયક હતી, પરંતુ આ પરેડે મુંબઇને મોટો આંચકો આપ્યો. હકીકતે, આ પરેડ પછી મરીન ડ્રાઈવ પર ગંદકીનો ગંજ જોવા મળ્યો. મરીન ડ્રાઈવ પર 11,000 કિલો કચરો દૂર કરવામાં આવ્યો.

બીએમસી (Brihanmumbai Municipal Corporation)એ વિજય પરેડ પછી આખી રાત મરીન ડ્રાઇવ સાફ કરી. એક અહેવાલમાં જણાવાયું કે સ્વચ્છતા દરમિયાન 11,000 કિલો કચરો કાઢવામાં આવ્યો. લગભગ 100 કર્મચારીઓ આ સ્વચ્છતામાં રોકાયેલા હતા. વિજય પરેડ નરીમાન પોઇન્ટથી વાનખેડે સ્ટેડિયમ સુધી શરૂ થઈ હતી. પરેડ જોવા માટે લાખો ચાહકોની ભીડ ઉમટી હતી. આ પરેડ પછી ઘણા લોકો રસ્તા પર જોવા મળ્યા હતાં. આ સિવાય પાણીની બોટલો કચરાના સ્વરૂપમાં મળી આવી હતી. આ સફાઈ માટે આખી રાત લાગી હતી. એકત્રિત કચરો 2 મોટા ડમ્પર અને 5 જીપોમાં ભરીને લઈ જવામાં આવ્યો હતો.

બીએમસીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું કે “ટી 20 ક્રિકેટ વર્લ્ડ કપ 2024 માં વિજય પછી ભારતીય ક્રિકેટ ટીમને આવકારવા માટે મોડી રાત સુધી મુંબઇની મરીન ડ્રાઇવ પર ક્રિકેટ ચાહકોની ભીડ જામી હતી.”

તેમાં આગળ લખવામાં આવ્યું હતું કે, “ભવ્ય સ્વાગત પછી અને એકવાર ભીડ ગાયબ થઈ ગયા પછી BMCએ સમગ્ર મરીન ડ્રાઈવ વિસ્તારમાં એક ખાસ રાતોરાત સફાઈ અભિયાન હાથ ધર્યું હતું. આ વિસ્તારની સંપૂર્ણ સફાઈ કરવામાં આવી હતી અને મરીન ડ્રાઈવ પર ચાલવા આવતાં મુંબઈકર્સને ગંદકીનો સામનો ન કરવો પડે તે માટે સંપૂર્ણપણે સફાઈ હાથ ધરવામાં આવી હતી.

BMCના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે સ્વચ્છતા અભિયાન દરમિયાન બે મોટા ડમ્પરો અને પાંચ નાની જીપોમાં ભરીને કચરો ભેગો કર્યો હતો.

ટેલ્કમ પાઉડરથી કેન્સર થવાનું જોખમઃ WHO

નવી દિલ્હીઃ ઉનાળાની ગરમીમાં લોકો પરસેવાની વાસને દૂર કરવા માટે ટેલ્કમ પાઉડરનો ઉપયોગ કરતા હોય છે. બાળકોથી માંડીને વયોવૃદ્ધ દ્વારા આ પાઉડરનો ઉપયોગ કરવામાં આવતો હોય છે, પરંતુ WHOએ ટેલ્કમ પાઉડરને લઈને સનસનીખેજ ખુલાસો કર્યો છે. વિશ્વ આરોગ્ય સંસ્થાની કેન્સર એજન્સીએ શુક્રવારે ટેલ્ક પાઉડર મનુષ્યો માટે સંભવતઃ કેન્સરકારી હોવાનો દાવો કર્યો છે.

એક બહારના નિષ્ણાતે પણ આ દાવા પર એ જ પ્રકારે સચેત રહેવાની સલાહ આપી છે, જે રીતે ધૂમ્રપાન માટે સાવધાન કરવામાં આવે છે. WHOની આંતરરાષ્ટ્રીય અનુસંધાન એજન્સી કેન્સર (IARC)એ કહ્યું હતું કે આ નિર્ણય સીમિત પુરાવાને આધારિત હતો. ટેલ્ક મનુષ્યોમાં ડિમ્બગ્રંથિના કેન્સરનું કારણ બની શકે છે. પર્યાપ્ત પુરાવા એ ઉંદરોમાં કેન્સરથી જોડાયેલો હતો અને એ માનવ કોશિકાઓમાં કેન્સરજન્ય લક્ષણ દેખાય છે.

ધ લેન્સર્ટ ઓન્કોલોજીમાં પ્રકાશિત એજન્સીના નિષ્કર્ષો અનુસાર ટેલ્કની કારણાત્મક ભૂમિકા પૂરી રીતે સ્થાપિત ના કરી શકાય. આ ઘોષણા અમેરિકી દવા અને સૌંદર્ય પ્રસાધનની દિગ્ગજ કંપની જોન્સન એન્ડ જોન્સન દ્વારા ટેલ્કમ આધારિત પાઉડર ઉત્પાદનોની સુરક્ષા વિશે ગ્રાહકોને ગુમરાહ કરવાના આરોપોને નિપટાવવા માટે 700 મિલિયન ડોલરની ચુકવણી કરવા પર સહમતી દર્શાવ્યાના થોડાં સપ્તાહ પછી આવી છે. કંપનીએ ખોટું કામ કરવાની વાત સ્વીકારી નહીં, પણ કંપનીએ 2020માં ઉત્તરી અમેરિકી બજારમાંથી ઉત્પાદનો પરત ખેંચ્યા હતા.