અમદાવાદ: ગુજરાત સાયન્સ સિટી દ્વારા 14 જુલાઈએ ફોટો, રીલ અને વીડિયો સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. એક્વેટિક ગેલેરી, રોબોટિક્સ ગેલેરી અને નેચર પાર્કની ત્રીજી વર્ષગાંઠ નિમિત્તે આ આયોજન કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ અને સામાન્ય લોકોમાં વિજ્ઞાન પ્રત્યે અભિરૂચિ વધે તે માટે ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત સાયન્સ સિટી દ્વારા અવાર-નવાર વિજ્ઞાન વિષયક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું રહે છે. આગામી 16 જુલાઈએ ગુજરાત સાયન્સ સિટીના ફેઝ-2માં આવતી એક્વેટિક ગેલેરી, રોબોટિક્સ ગેલેરી અને નેચર પાર્કની ત્રીજી વર્ષગાંઠ છે. જે નિમિત્તે ગુજરાત સાયન્સ સિટી દ્વારા ફોટો સ્પર્ધા, રીલ સ્પર્ધા અને વીડિયો સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. ‘SCIENCE CITY- THE EDUTAINMENT HUB’ની થીમ પર 14 જુલાઈએ આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેનું પરિણામ 16 જુલાઈએ જાહેર કરવામાં આવશે.ત્રણેય સ્પર્ધામાં પ્રથમ ત્રણ નંબર પ્રાપ્ત કરનાર સહભાગીઓને અનુક્રમે રૂપિયા 10,000, રૂપિયા 7000 અને રૂપિયા 5000નું ઈનામ આપવામાં આવશે. સહભાગી સ્પર્ધકોએ 14 જુલાઈએ રૂપિય 349ની કોમ્બો ઓફરની ટિકિટ લઈને પોતાની જાતે જુદી જુદી ગેલેરીઓમાં મુલાકાત લઈને ફોટો અને વીડિયો ઉતારવાના રહેશે અને સાંજના 7 વાગ્યા સુધીમાં સબમિટ કરાવવાના રહેશે.
સ્પર્ધામાં ભાગ લેવા માંગતા લોકો https://forms.gle/Hc7YEPREAsPHoY6FA આ લિંક પર ક્લિક કરીને પોતાનું નામ નોંધાવી શકશે.
નવી દિલ્હીઃ શંભુ બોર્ડર પર લગાવવામાં આવેલા બેરિકેડિંગ દૂર કરવાનો નિર્દેશ આપતાં સુપ્રીમ કોર્ટે હરિયાણા સરકારને ફટકાર લગાવી છે. કોર્ટે રાજ્ય સરકારને સવાલ કર્યો છે કે તેઓ હાઇવે કેવી રીતે અવરોધી શકે? અમારો આદેશ છે કે અંબાલાની પાસે શંભુ બોર્ડર પર લગાવવામાં આવેલા તમામ અવરોધને દૂર કરવામાં આવે અને ટ્રાફિક નિયંત્રિત કરો, એમ કોર્ટે કહ્યું હતું.
કોર્ટે કિશાન આંદોલન દરમ્યાન પ્રદર્શન કરી રહેલા 22 વર્ષના યુવકના મોતની ન્યાયિક તપાસની વિરુદ્ધ હરિયાણાની અરજી પર સુનાવણી ટાળતા આ ટિપ્પણી કરી છે. જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ ઉજ્જવલ ભુઇયાંની ખંડપીઠે હરિયાણા સરકારને આ નિર્દેશ આપ્યા હતા.
શું છે મામલો?
શંભુ બોર્ડર પર ખેડૂતો છેલ્લા પાંચ મહિનાથી ધરણાં પર બેઠા છે. કોર્ટે કહ્યું હતું કે ખેડૂતો નાગરિક છે, તેમને ભોજન અને સારી સારવારની સુવિધા આપો. આ પહેલાં પંજાબ અને હરિયાણા હાઇકોર્ટે સપ્તાહમાં બોર્ડર ખોલવાના આદેશ આપ્યા હતા. હાઈકોર્ટે આ નિર્ણય જાહેર હિતની અરજીની સુનાવણી દરમિયાન આપ્યો હતો. કોર્ટે પંજાબ અને હરિયાણા બંને રાજ્યોની સરકારને કાયદો અને વ્યવસ્થા જાળવવા આદેશ આપ્યો હતો. તેમણે વિરોધ દરમિયાન એક ખેડૂતના મોતની તપાસ માટે SIT બનાવવાનું પણ કહ્યું હતું.
હરિયાણા સરકારને ડર છે કે જો બેરિકેડ હટાવીને રસ્તો સાફ કરવામાં આવશે તો પંજાબના ખેડૂતો ફરી દિલ્હી તરફ કૂર કરશે. બીજી બાજુ, હાઇકોર્ટના ચુકાદાની વિરુદ્ધ આ મામલે વ્યૂહરચના બનાવવામાં ખેડૂતો લાગેલા છે. ખેડૂત સંગઠનોએ 13 જુલાઈએ સંયુક્ત બેઠક કરીને કોઈ નિર્ણય લેવાની વાત કહી હતી.
ગાંધીનગર: રાજ્યના ખેડૂતોનો બાગાયતી ખેતી તરફ રસ વધ્યો છે કારણ કે ફળ, શાકભાજી, મસાલા અને ફૂલ જેવા બાગાયતી પાકોની ખેતી વધુ ઉત્પાદન અને આવક આપે છે. છેલ્લાં કેટલાંક વર્ષો દરમિયાન રાજ્યમાં બાગાયતી પાકોનું વાવેતર વધ્યું છે. વધતી જતી વસ્તીની સાથે બાગાયતી ઉત્પાદનોની માંગમાં પણ વધારો થયો છે. બાગાયતી ઉત્પાદનોની માંગને પહોંચી વળવા રાજ્ય સરકાર દ્વારા બાગાયતી પાકોના વાવેતર વિસ્તારમાં વધારો કરવા અનેકવિધ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.રાજ્ય સરકારે બાગાયતી પાકના વાવેતર અને બાગાયતી ખેતીમાં આધુનિક પદ્ધતિઓને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે, તેમ કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું. તેમણે વધુ વિગતો આપતા કહ્યું હતું કે, બાગાયતી ખેતીમાં સફળતા માટે અદ્યતન પદ્ધતિ, તકનીકો અને ઉત્પાદન કૌશલ્યની ખાસ જરરૂરિયાત રહે છે. રાજ્યના ખેડૂતોને બાગાયતી ખેતીની અદ્યતન પદ્ધતિઓ અંગે તાલીમબદ્ધ કરવા તેમજ યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવા રાજ્ય સરકારે ગાંધીનગર, અમરેલી, બનાસકાંઠા અને દાહોદ જિલ્લામાં નવા સેન્ટર ઓફ એક્સેલેન્સ સ્થાપવાનો નિર્ણય કર્યો છે. આ માટે રાજ્ય સરકાર આગામી ત્રણ વર્ષ માટે સેન્ટર દિઠ રૂ. ૧૦ કરોડ મળી કુલ રૂ. ૪૦ કરોડ રકમ ફાળવવામાં આવી છે.આ સેન્ટર ઓફ એક્સેલેન્સ કાર્યરત થતા બાગાયતી પાકોની ખેતી કરતા ખેડૂતોને તેનો લાભ મળશે સાથે જ અન્ય ખેડૂતોને પણ બાગાયતી ખેતી કરવાની પ્રેરણા અને માર્ગદર્શન મળશે. આમ, રાજ્યમાં બાગાયત ખાતા દ્વારા કુલ ૧૭ સેન્ટર ઓફ એક્સેલેન્સ કાર્યરત થશે. નવા સેન્ટર ઓફ એક્સેલેન્સને વધુ આધુનિક બનાવવામાં આવશે. આ કેન્દ્રો ખાતે શાકભાજી, ફળ અને મસાલા પાકોના ટેકનોલોજી આધારિત નિદર્શન, આધુનિક નર્સરી, પાક કૌતુકાલય, રક્ષિત ખેતીના નિદર્શનો, ટ્રેનીંગ કેન્દ્ર, સૂક્ષ્મ સિંચાઇ પદ્ધતિ, વોટર હાર્વેસ્ટ સ્ટ્રક્ચર, સંકલિત પેક હાઉસ અને સંગ્રહ વ્યવસ્થા જેવી સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે
મુંબઈ: અક્ષય કુમારને લઈ એક ચિંતાજનક સમાચાર સામે આવ્યાં છે.અક્ષય કુમાર કોરોનાથી સંક્રમિત થયા છે. કોરોના પોઝિટિવને કારણે તે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં સામેલ થઈ શકશે નહીં. અભિનેતાના ચાહકો માટે ખુશીની વાત એ છે કે આજે તેમની ફિલ્મ ‘સરફિરા’ સિનેમામાં રિલીઝ થઈ છે.
ઈન્ડિયા ટુડેના અહેવાલ મુજબ- છેલ્લા બે દિવસથી અક્ષય કુમારની તબિયત સારી ન હતી. તે સતત સરફિરાના પ્રમોશનમાં વ્યસ્ત હતા. જ્યારે તેની તબિયત સારી ન હતી ત્યારે તેણે ટેસ્ટ કરાવ્યો તો તે કોરોના પોઝિટિવ આવ્યા. કોવિડના સંક્રમણ બાદ તેમણે પોતાને આઈસોલેટેડ કરી દીધા છે. તે ડોકટરોની સલાહ પર ધ્યાન આપી રહ્યો છે અને સાવચેતી રાખી રહ્યો છે. અક્ષયના સમાચારથી ચાહકો પરેશાન છે. અક્ષય 12મી જુલાઈએ અંબાણી પરિવારના સેલિબ્રેશન મિસ કરશે.
કોરોના પોઝિટિવ બાદ તે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં પણ હાજરી આપશે નહીં. અગાઉ, અક્ષયે અનંત-રાધિકાના લગ્ન પહેલાના સમારોહમાં હાજરી આપી હતી.પ્રિ-વેડિંગમાં તેણે સવારે ત્રણ વાગ્યા સુધી ડાન્સ પણ કર્યો હતો. અક્ષયના આગમન સાથે અનંત-રાધિકાનું પ્રી-વેડિંગ ફંક્શન વધુ ક્રેઝી બની ગયું હતું. હવે દરેક તેને અનંત-રાધિકાના લગ્નમાં મિસ કરશે.
મોટી વાત એ છે કે આજે અક્ષયની ફિલ્મ સરફિરા પણ રિલીઝ થઈ છે. સરફિરા એક બાયોપિક છે જેમાં જીઆર ગોપીનાથના જીવનની ઘટનાઓ દર્શાવવામાં આવી છે.ફિલ્મને પહેલા દિવસે દર્શકોનો મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. અક્ષય ફિલ્મની રિલીઝને લઈને ખૂબ જ ઉત્સાહિત દેખાઈ રહ્યો હતો. આ ફિલ્મનું નિર્દેશન સુધા કોંગારાએ કર્યું છે. ફિલ્મમાં અક્ષય ઉપરાંત રાધિકા મદાન પણ લીડ રોલમાં છે.સરફિરામાં સીમા બિસ્વાસ, પરેશ રાવલ અને જય ઉપાધ્યાયે પણ મહત્વની ભૂમિકાઓ ભજવી છે.
અમદાવાદ: અમદાવાદના શેલા વિસ્તારમાં આવેલી શાંતિ એશિયાટિક સ્કૂલમાં લાગેલી આગને મોકડ્રીલમાં ખપાવીને સમગ્ર મામલા પર પડદો પાડવા પ્રયત્નો કરવામાં આવ્યો હોવાનો આરોપ ખુદ વાલીઓએ લગાવ્યો છે. સમગ્ર મામલે વાલીઓનું ટોળું સ્કૂલમાં પહોંચી ગયું હતું અને સ્કૂલમાં સેફ્ટીના મુદ્દાને લઇને હોબાળો મચાવ્યો હતો.બનાવની વાત કરવામાં આવે તો ગુરૂવારે સવારે શેલાની શાંતિ એશિયાટિક સ્કૂલના ક્લાસરૂમના ACમાં ધુમાડો નીકળતા વિદ્યાર્થીઓ ડરી ગયા હતા. જેથી સ્કૂલ સ્ટાફ તેમને હોલમાં લઇ ગયો હતો. આ ઘટનાની જાણ થતાં વાલીઓએ સ્કૂલમાં પહોંચીને વિદ્યાર્થીઓની સેફ્ટીને લઇને સવાલો કર્યા હતા. વાલીઓના જણાવ્યા અનુસાર શાળાના બીજા માળે અને બેઝમેન્ટમાં આગ લાગી હતી અને જે જગ્યા પર આગ લાગી હતી તે જગ્યા પર કલર કરી દેવામાં આવ્યો છે. આ ઘટના બાદ સ્કૂલમાં ઇમરજન્સી એક્ઝિટનું બોર્ડ પણ લગાવી દેવામાં આવ્યું છે. તો બીજી તરફ સ્કૂલ સંચાલકો દ્વારા સમગ્ર ઘટનાને એક મોકડ્રીલમાં ખપાવી દેવાનો પ્રયાસ કરવામાં આવતો હોવાનો વાલીઓએ આક્ષેપ કર્યો છે. કારણ કે સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા મોકડ્રીલ અંગે વાલીઓને કોઇપણ પ્રકારની જાણ કરવામાં આવી ન હતી.વાલીઓ ડાયેક્ટરની ચેમ્બરમાં ઘૂસી જઇને હોબાળો મચાવતાં મહિલા પોલીસ સહિતનો સ્ટાફ સ્કૂલમાં દોડી આવ્યો હતો. સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા પહેલાં સીસીટીવી બતાવવાની ખાતરી આપવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ સ્ટાફ ઓછો હોવાનું અને સીસીટીવી એક્સસ ન હોવાનું કહીને આનાકાની કરવામાં આવી હતી. પરંતુ વાલીઓ દ્વારા ઉગ્ર હોબાળો કરવામાં આવતાં સંચાલકો દ્વારા 5 વ્યક્તિઓને સીસીટીવી બતાવવા માટે સહમતિ દર્શાવી હતી. જોકે વાલીઓની માંગ હતી કે જો મોકડ્રીલ હતી તો સીસીટીવીને સ્કૂલના મેદાનમાં પ્રોજેક્ટર લગાવીને જાહેરમાં બતાવવામાં આવે. આખરે સંચાલકો વાલીઓની માંગ સામે ઝૂક્યા હતા અને સીસીટીવી જાહેરમાં બતાવ્યા હતા. સંચાલકો દ્વારા જાહેરમાં વાલીઓને સીસીટીવી ફૂટેજ બતાવ્યા બાદ વાલીઓનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો હતો અને સ્કૂલ માથે લીધી હતી. વાલીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે અધૂરા સીસીટીવી ફૂટેજ બતાવવામાં આવ્યા છે. આ મોકડ્રીલ નહી પરંતુ રીતસરની આગ લાગી હોવાનો બનાવ છે. જો આ મોકડ્રીલ હતી તો ફાયર બ્રિગેડ અને ડી.ઓ સ્ટાફ કેમ હાજર ન હતો. વાલીઓના આવાં અનેક સવાલોના જવાબ હજુ સુધી શાળા પ્રશાસન આપી શક્યું નથી.
તિરુવનંતપુરમઃ અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનમિક ઝોને વિઝિન્જમ પોર્ટમાં તેના સૌપ્રથમ ’મધર શિપ’ના આજે આગમનની ઘોષણા કરી છે. વૈશ્વિક ટ્રાન્સશિપમેન્ટમાં ભારતના પ્રવેશને ચિહ્નિત કરતી આ એક સીમાચિહ્નરૂપ ઘટના ભારતના દરિયાઈ ઇતિહાસમાં એક નવા યુગમાં મંગલાચરણનો આરંભ કરવા સાથે વિઝિંજમને આંતરરાષ્ટ્રીય વેપારના માર્ગોમાં નિર્ણાયક ખેલાડી તરીકે સ્થાપિત કરે છે.
કેરળના CM પિનરાઈ વિજયનને હસ્તે આ સમારંભ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. કેરળના બંદર મંત્રી વી.એન. વસાવાના અધ્યક્ષપદે યોજાયેલા આ સમારોહમાં કેન્દ્રના બંદર, શિપિંગ અને જળ માર્ગોના મંત્રી સર્બાનંદ સોનોવાલે મુખ્ય મહેમાનપદે હાજરી આપી હતી.
અત્યાધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સુવિધાઓથી સજ્જ ભારતના પ્રથમ સ્વચાલિત બંદરની આ સાથે શરૂઆત પણ થઇ છે, જે આધુનિક કન્ટેનર હેન્ડલિંગ સાધનો અને વિશ્વ-કક્ષાના ઓટોમેશન અને IT સિસ્ટમ્સ સાથે મોટાં જહાજોનું સંચાલન કરવા માટે સમર્થ છે. 8000-9000 TEUs (વીસ-ફૂટ સમકક્ષ એકમો)ની ક્ષમતા સાથેનું સાન ફર્નાન્ડો મર્સ્ક દ્વારા સંચાલિત 300-મીટર-લાંબા કન્ટેનર જહાજ તેમ જ લગભગ 2000 કન્ટેનરને ખાલી કરવા અને 400 કન્ટેનરની અંદરની હિલચાલ માટે આ બંદર ઉપરની ઉપલબ્ધ સેવાઓથી લાભાન્વિત થશે.
અદાણી પોર્ટ્સ એન્ડ SEZ લિમિટેડ (APSEZ)ના મેનેજિંગ ડિરેક્ટર કરણ અદાણીએ વિઝિંજમના મહત્વ પર પ્રકાશ પાડતાં જણાવ્યું હતું કે અમારા બંદર પર સાન ફર્નાન્ડોનું આગમન એ ભારતની સામુદ્રિક તવારીખમાં એક નવી ગૌરવશાળી સિદ્ધિનું પ્રતીક છે ભારતના પ્રથમ ટ્રાન્સશિપમેન્ટ ટર્મિનલ અને સૌથી મોટા ડીપ વોટર પોર્ટે વ્યાપારી કામગીરીનો આરંભ કર્યો છે તેનાથી વિશ્વને અવગત કરવા આ એક સંદેશવાહક છે. એમ તેમણે અત્યાધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિશે વાત કરતાં ઉમેર્યું હતું. “ભારતના મુન્દ્રા પોર્ટ સહિત અન્ય કોઈ પોર્ટ આપણી પોતાની અત્યાધુનિક આ ટેક્નોલોજીઓ ધરાવતું નથી. તેમણે કહ્યું હતું કે અમે અહીં પહેલેથી જ જે સુવિધા પ્રસ્થાપિત કરી છે તે દક્ષિણ એશિયાની સૌથી અદ્યતન કન્ટેનર હેન્ડલિંગ ટેક્નોલોજી છે. અને એક વાર અમે ઓટોમેશન અને વેસલ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ સંપૂર્ણ સજ્જ થશે ત્યારે વિઝિંજમ તક્નિકી દ્રષ્ટિએ વિશ્વનાં સૌથી વધુ અત્યાધુનિક ટ્રાન્સશિપમેન્ટ બંદરો પૈકીના એક તરીકે તેની પોતાની શ્રેણીમાં ઊભરી આવશે.
વિઝિંજમ માત્ર ભારતમાં ટ્રાન્સશિપમેન્ટ ટ્રાફિકની હિલચાલને જ સરળ નહીં, બનાવે પરંતુ ભારતને જોડતા US, યુરોપ આફ્રિકા અને ભારતીય ઉપખંડ વચ્ચેના મુખ્ય માર્ગોના ટ્રાફિકને નિયંત્રિત કરવામાં પણ વ્યૂહાત્મક રીતે સ્થિત આ બંદર મહત્વની ભૂમિકા ભજવશે અને આમ વિઝિંજમ US,યુરોપ, આફ્રિકા અને દૂર પૂર્વના આંતરરાષ્ટ્રીય વેપાર માર્ગોમાં નિર્ણાયક ભૂમિકા અદા કરી રહ્યું છે.
મુંબઈ: મુકેશ અંબાણી અને નીતા અંબાણીના લાડકા નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ આજે એટલે કે 12મી જુલાઈના રોજ લગ્ન કરવા જઈ રહ્યા છે. લગ્ન માટે વિવિધ દેશ-વિદેશથી મહેમાનો મુંબઈ પહોંચી રહ્યાં છે. લગ્નની તૈયારીઓ વચ્ચે મહેમાનોનું પણ આગમન શરૂ થઈ ગયું છે. અનંત અંબાણી અને રાધિકાના લગ્નમાં ઘણા વિદેશી મહેમાનો આવવાના છે. તેઓ એરપોર્ટ અને હોટલની બહાર જોવા મળી રહ્યા છે. લગ્ન માટે ઘણા પ્રખ્યાત લોકો પહોંચ્યા છે.
લાલુ પ્રસાદ યાદવ મુંબઈ પહોંચ્યા
બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી લાલુ પ્રસાદ યાદવ અને તેજસ્વી યાદવ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના ભવ્ય લગ્ન માટે મુંબઈ પહોંચ્યા હતા. ‘બેબી કોમડાઉન’ માટે જાણીતા સિંગર રેમા પણ બ્લેક આઉટફિટ પહેરીને મુંબઈ પહોંચ્યા છે. અનંત અંબાણી અને રાધિકાના લગ્નની ગેસ્ટ લિસ્ટ મોટી થઈ રહી છે.અંબાણીના લગ્નમાં હાજરી આપવા માટે બ્રિટનના પૂર્વ વડાપ્રધાન ટોની બ્લેર તેમની પત્ની ચેરી બ્લેર સાથે મુંબઈ પહોંચ્યા હતા. ભારે વરસાદ વચ્ચે તે ખાનગી એરપોર્ટની બહાર નીકળતા જોવા મળ્યા હતા.
વિદેશી મૉડલ અભિનેત્રી કિમ કાર્દાશિયન અને ખલો કાર્દાશિયન અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના સ્ટાર-સ્ટડેડ લગ્ન માટે હૉલીવૂડ અંદાજમાં મુંબઈ પહોંચી છે. બંને ખૂબ જ સ્ટાઇલિશ અંદાજમાં ભારત પહોંચ્યા અને એરપોર્ટ પર તેમનું ભારતીય અંદાજમાં સ્વાગત કરવામાં આવ્યું. દુનિયાની સૌથી મોટી ઈલેક્ટ્રોનિક્સ કંપની સેમસંગના માલિક હાન જોંગ અનંત અંબાણીના લગ્નમાં હાજરી આપવા ભારત આવ્યા છે. તે પણ એરપોર્ટ પર જોવા મળ્યા હતા.
બ્રિટનના પૂર્વ વડાપ્રધાન બોરિસ જોનસન અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના ભવ્ય લગ્ન માટે મુંબઈ પહોંચ્યા હતા. બોરિસ સંપૂર્ણ વેકેશન સ્ટાઇલમાં દેખાયા. તે કારમાં બેસીને હોટલ તરફ જતો જોવા મળ્યા હતાં. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન માટે પ્રિયંકા ચોપરા તેના પતિ હોલીવુડ સિંગર નિક જોનાસ સાથે અમેરિકાથી મુંબઈ આવી છે. લગ્ન સમારોહ માટે પહોંચેલી પ્રિયંકા તેના પતિ સાથે કેઝ્યુઅલ આઉટફિટમાં એરપોર્ટ પર જોવા મળી હતી. જોકે અનંત અંબાણીના લગ્ન પહેલા પીસીએ પોતાના ભાઈ સિદ્ધાર્થનો બર્થડે સેલિબ્રેટ કર્યો હતો.
રાંચીઃ ઝારખંડમાં બંગલાદેશીઓની ઘૂસણખોરી અને આદિવાસીઓની ઘટતી વસતિનો મામલો સમાચારોમાં છે. ઝારખંડ હાઇકોર્ટે રાજ્ય સરકારને આદેશ આપ્યો છે કે એ સંથાલ પરગણમાં રહી રહેલા બંગલાદેશી ઘૂસણખોરીઓની ઓળખ કરીને તેમની ગણતરી કરે અને ડિપોર્ટ કરવાનો એક્શન પ્લાન કોર્ટને જણાવે. હાઇકોર્ટમાં જસ્ટિસ સુજિત નારાયણ પ્રસાદ અને જસ્ટિસ અરુણકુમાર રાયની બેન્ચે દુમકા, પાકુડ, જામતાડા, દેવધર, સાહેબગંજ અને ગોડ્ડા જિલ્લાના DMને આદેશ આપ્યો છે કે તેઓ કોર્ટેને જણાવે કે આ જિલ્લાઓમાં કેટલા ઘૂસણખોરો રહી રહ્યા છે.
જમશેદપુરમાં રહેતા દાનિયાલ દાનિશે ઝારખંડ હાઇકોર્ટમાં PIL ફાઇલ કરી હતી કે સંથાલ પરગણામાં મોટી સંખ્યામાં ઘૂસણખોરો દાખલ થયા છે, જેનાથી અહીંની ડેમોગ્રાફી ચેન્જ થઈ રહી છે અને આદિવાસીઓની સંખ્યા ઘટી રહી છે. અરજીકર્તા દાનિયાલે કોર્ટને કહ્યું હતું કે સંથાલ પરગણામાં બંગલાદેશી ઘૂસણખોર આદિવાસી મહિલાઓથી લગ્ન કરીને તેમનું ધર્મ પરિવર્તન કરી રહ્યા છે અને તેમની જમીનોને ગિફ્ટ ડીડ દ્વારા હડપી રહ્યા છે. આ ઘૂસણખોરો આદિવાસી મહિલાઓથી લગ્ન કરીને તેમને નામે રિઝર્વ પોસ્ટને રિમોટથી ચલાવી રહ્યા છે, એમ તેમણે કહ્યું હતું.
દાનિયાલે અરજીમાં હાઇકોર્ટને પણ કહ્યું હતું કે ઝારખંડના બંગાળથી લાગતા જિલ્લાઓમાં ઘૂસણખોરો મોટી સંખ્યામાં મસ્જિદો અને મદરેસા કાયમ કરી લે છે. સંથાલ પરગણામાં ઘૂસવું એટલું સરળ છે, કેમ કે બંગલાદેશ માત્ર 15 કિલોમીટર દૂર છે. સંથાલ પરગણાની સરહદ પશ્ચિમ બંગાળથી લાગે છે અને ત્યાં બંગલાદેશ બોર્ડરથી વધુ દૂર નથી.
2011માં સંથાલ પરગણાના બધા જિલ્લાઓમાં આદિવાસીઓની વસતિ માત્ર 28 ટકા રહી ગઈ હતી, જ્યારે 1951માં જ્યાં મુસલમાન 10 ટકાથી ઓછા હતા, એ વધીને આશરે 23 ટકા થયા છે. આ સાથે પાકુડ જિલ્લામાં મુસલમાનોની વસતિ છેલ્લાં 10 વર્ષોમાં 40 ટકા વધી ગઈ છે, જ્યારે સાહિબગંજ જિલ્લામાં મુસ્લિમ વસતિ 37 ટકા વધી ગઈ છે.
છાપુ ખોલીએ અને નકારાત્મક સમાચારો દેખાય ત્યારે દુખ થાય. પણ એ માત્ર સમાચાર છે. એ ઘટનાઓ તો આપણી આસપાસ જ બને છે. આપણે એ ન બને એના માટે શું કર્યું? માત્ર અણગમો દેખાડવાથી કશું જ નહિ થાય. કશુક તો કરવું જ પડશે. બાકી આવનારી પેઢી માટે આ દુનિયા જીવવા લાયક નહિ રહે.
મિત્રો આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સમસ્યા કે સવાલ હોય તો આપ પણ નીચે જણાવેલા ઈમેઈલ પર પૂછી શકો છો.
સવાલ: આપણે બેરોજગારીની વાત કરીએ છીએ. પણ શું શિક્ષણ પદ્ધતિ અને વ્યવસ્થા એને સુધારવા સક્ષમ છે? મારે ડોક્ટર બનવું હતું. એની પરીક્ષા પણ મેં પાસ કરી. પણ એ પરીક્ષા પહેલા જે ઘાતકી રીતે એ લોકો કાનમાંથી ફીટ કરેલી ઝીણી બુટ્ટીઓ પકડથી કાપતા હતા એ જોઇને મારા રુંવાડા ઉભા થઇ ગયેલા. હું રાજસ્થાની છું. નાનપણથી એક મીલીમીટર થી પણ નાની બુટ્ટી કાનમાં વાળીને ફીટ કરેલી. એને કાઢવું અશક્ય હતું. જો એટલી નાની બુટ્ટી પણ ડરાવતી હોય તો એ વ્યવસ્થા નિર્ભય શિક્ષણ ક્યાંથી આપશે? એ વિચારે મેં એડમીશન ન લીધું. અમે નાની જગ્યામાં રહેતા લોકો વધારે લાગણીશીલ હોઈએ. જયારે પેપર ફૂટી ગયાના સમાચાર આવ્યા ત્યારે મને મારો નિર્ણય યોગ્ય લાગ્યો.
મેં બીજી એક સંસ્થામાં એડમીશન લીધું. મારાં શિક્ષક મને ઈશારા કરતા. રૂપાળા હોવું એ ગુન્હો નથી. મેં મારા આચાર્યને ફરિયાદ કરી. એમને જાણે મેં કોઈ સત્તા આપી દીધી હોય એમ એ પણ હાલતા ચાલતા કમરની આસપાસ અડપલા કરી લેતા. મેં વિરોધ કર્યો એટલે એ બંને મારી વિરુદ્ધ વિદ્યાર્થીઓને ચડાવવા લાગ્યા. બે એક વિદ્યાર્થીઓ તો ક્લાસ ચાલતો હોય અને મને અડવાની શરતો પણ મારતા. પહેલા વરસમાં હું પહેલો આવ્યો. આચાર્યે મને મળવા બોલાવીને કહ્યું કે સાહેબને રીઝવ્યા વિના નંબર ન આવે. તમે મને બહુ ગમો છો. મારે ભણવું હતું એટલે હું ત્યાંથી બહાર નીકળી ગયો. પણ ધીમે ધીમે એમની લોલુપતા વધતી ગઈ. મારા વિષે ગમે તેવી વાતો ફેલાવા લાગી. એક દિવસ એમણે મને બોલાવીને કહ્યું કે તમારા સાહેબે મને કહ્યું છે કે હવે તમારે મને સંભાળવાનો છે. જરાક આમથી આમ જ કરવાનું છે. મારી ધીરજ ખૂટી ગઈ અને ઓફિસનો દરવાજો ખોલીને એમને ખુલ્લા પાડીને હું નીકળી ગયો. મારા બે વરસ બગડ્યા. મારે ગામ પણ છોડવું પડ્યું.
નવી જગ્યાએ એડમીશન લીધું. ત્યાં ફરીથી પહેલો નંબર આવ્યો. એક વિષયમાં ધાર્યા કરતા ઓછા માર્ક આવ્યા હોવાથી મેં પેપર રીચેક કરાવ્યું. એ લોકોનો વિદ્યાર્થીઓ સાથેનો વ્યવહાર જોયા પછી દુખ થયું. મારું પેપર હાથમાં આવ્યું ત્યારે સમજાયું કે મારું પેપર તપસ્યા વિના ઉચ્ચક માર્ક આપી દેવામાં આવ્યા હતા. મેં રજૂઆત કરી તો મને કહેવામાં આવ્યું કે આવું તો ચાલે. પાસ થઇ ગયા છો પછી તકલીફ ક્યાં છે? યુનીવર્સીટી માંથી જે નંબર આપ્યો હતો તે કોઈ ઉપાડતું નથી. મારી પાસેથી ફી લીધા પછી પણ જાણે એમની કોઈ જવાબદારી ન હોય એ રીતે ચાલે છે. મારા નજીકના લોકો સમજાવે છે કે બહુ માથાકૂટ ન કરવી જોઈએ. એ લોકો નાપાસ કરશે. શું આવા લોકો ભારતના ભવિષ્યનું નિર્માણ કરશે? વિદ્યાર્થી હોવું એ ગુન્હો છે? અને આવા ડરપોક માનસ વાળા લોકો દેશને ક્યાં લઇ જશે? મારે ખરેખર શું કરવું જોઈએ? આવી ડીગ્રી મને સફળ બનાવી શકશે?
જવાબ: સ્ત્રીઓ સાથે છેડતી વિશે ઘણી વાતો સાંભળી હતી. પણ હવે પુરુષો સાથે પણ આવું શરુ થયું એ આઘાતજનક છે. આપણે ત્યાં જે સ્ત્રી પર બળાત્કાર થયો હોય એને જોવાની દ્રષ્ટી બદલાઈ જતી હોવાથી યા તો એ ગભરાઈને વાતને છુપાવતી યા આત્મહત્યા કરી લેતી. જેણે ગુન્હો કર્યો છે એ ફરી ગુન્હો કરવા તૈયાર રહેતો. વળી તમારી સાથે જેવું થયું એવું લોકો પણ માને છે કે જેની છેડતી થઇ છે એની છેડતી કરવાનો અધિકાર બધાને છે. આ સાચે જ દુખદ વાત છે. નકારાત્મક સમાચાર જલ્દી ફેલાય છે. એટલે જ અફવા ફેલાવવાવાળા ફાવે છે. તમે સાચો નિર્ણય લીધો છે. જો કોઈ વિરોધ નહિ કરે તો સમાજમાં ગંદકી વધતી જશે.
લાગણીશીલ હોવું અને લાગણીપ્રધાન હોવું એમાં ફર્ક છે. કેટલાક નિર્ણય લેવામાં પ્રેક્ટીકલ થવું જરૂરી છે. સમાજમાં ભૌતિકતા જે રીતે ઘર કરી રહી છે એ જોતા તમે માત્ર લાગણીથી નિર્ણય લેશો તો તમે કશું જ નહિ કરી શકો. બિન જરૂરી ચર્ચાઓમાં ન પડો. અંગત વાત બધાને ન કહો. દરેક જગ્યાએ લેખિતમાં રજૂઆત કરી અને એની કોપી તમારી પાસે રાખો. જવાબ ન આવે તો ફરી લેખિત રીમાઈન્ડર આપો. આ સહેલું નથી. ગુસ્સો કાબુમાં રાખીને શાંત મનથી કરવું પડશે. લોખંડ પર કાટ લાગે તો એ પ્રાણઘાતક બને. પણ એને કાઢવામાં તકેદારી રાખીએ તો એને કાઢી શકાય. પણ જો એ કાટ આપણા શરીરમાં જાય તો આપણને મારી પણ શકે. માત્ર ડીગ્રી કોઈને સફળ ન બનાવી શકે. તમારું જ્ઞાન, અનુભવ અને વ્યવહાર એના માટે જવાબદાર છે. સક્ષમ બનો. ડીગ્રી જરૂરી છે. એ લઇ લો.
સુચન: બરાબર ઇશાન ખૂણામાં આવેલા દ્વાર સકારાત્મક છે એ માન્યતા ખોટી છે.
સુરતમાં ફરી એક વખત તર્થ કાંડ જેવી દુર્ઘટના સામે આવી છે. ગતરાત્રીના બેફામ બનેલી ઓડીએ દસ ટુ વ્હીકલને હડફેટે લીધા હતા. સુરતના વેસુ કેનાલ રોડ પર બેફામ ગતિએ ઓડીને દોડાવી રહેલા નશામાં ધૂત નબીરાએ 10 જેટલા વાહનચાલકોને ઉડાડ્યા હતા. આ અકસ્માતમાં ત્રણ વાહન ચાલકોને ગંભીર ઈજા પહોંચી છે. આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ પહોંચી નથી.
ગત મોડી રાતે સુરતના આઇકોનિક રોડ પર બેફામ ગતિએ દોડી આવેલી ઓડી કારે રોડની કિનારે ઊભેલી આઠથી દસ બાઇકને અડફેટે લઇ લીધી હતી. જેથી બાઇક સવાર અને આસપાસ ઊભા રહેલા લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ નબીરો લોકોથી બચવા વધુ સ્પીડે ગાડી ચલાવી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. અકસ્માત સર્જ્યા બાદ કારના ડાબા ટાયરમાં પંક્ચર પડી જતા 150 મીટર આગળ જઈ ગાડી રોકાઈ ગઈ હતી. અકસ્માત બાદ સ્થાનિકો દ્વારા કારનો પીછો કરતા નબીરો પકડાય ગયો હતો. ઘટનાની જાણ થતા પોલીસનો કાફીલો આવી પહોંચ્યો હતો, અને કારના ડ્રાઈવરની અટકાયત કરી હતી. પોલીસે મોડી રાતે તેની સામે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી હતી.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ એક મહિના પહેલા 7 જૂનના રોજ મોડી રાત્રે સુરતના મોટા વરાછા રિંગ રોડ પર ગમખ્વાર અકસ્માત થયો હતો. પૂરપાટ ઝડપે આવી રહેલી હોન્ડા સિટીના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતાં 7 લોકોને ઉડાડ્યા હતા, જેમાં ત્રણ લોકોના મૃત્યુ થયા હતા તો પાંચને ઈજા પહોંચી હતી.