
ચોખાના લોટની વેજ રોસ્ટી
ચોખાનો ઝીણો દળાવેલો લોટ જો ઘરમાં હોય તો તેની ઈન્સ્ટન્ટ વેજ રોસ્ટી બનાવી શકાય છે! જેનો સ્વાદ મસાલા ઉત્તપા જેવો લાગે છે. તેમાં ઉમેરવામાં આવતાં વેજીટેબલ્સને કારણે તે સ્વાસ્થ્યપ્રદ પણ છે અને સ્વાદિષ્ટ પણ લાગે છે!

સામગ્રીઃ
- ચોખાનો ઝીણો લોટ 1 કપ
- ખાટું દહીં ½ કપ
- આદુ-મરચાંની પેસ્ટ 2 ટી.સ્પૂન
- ખમણેલું ગાજર 1 કપ
- ઝીણી સમારેલી કોબી 1 કપ
- સિમલા મરચું ઝીણું સમારેલું 1 કપ
- ટામેટું ઝીણું સમારેલું 1 કપ
- કાળાં મરી પાઉડર 1 ટી.સ્પૂન
- મીઠું સ્વાદ મુજબ
- બેકીંગ સોડા ½ ટી.સ્પૂન
- સમારેલી કોથમીર ½ કપ
- સફેદ તલ
- તેલ
રીતઃ ચોખાના લોટમાં આદુ-મરચાંની પેસ્ટ તેમજ ખાટું દહીં ઉમેરીને 1 કપ જેટલું પાણી થોડું થોડું ઉમેરીને જેરણી વડે હળવે હળવે ચારવીને નહીં જાડું કે ના પાતળું એવું ખીરું બનાવી લો.
આ ખીરામાં બધાં સુધારેલાં શાક કોબી, ગાજર, ટામેટું અને સિમલા મરચું, સમારેલી કોથમીર તેમજ સ્વાદ મુજબ મીઠું મેળવી દો. (તમારી પસંદગીના શાક પણ ઉમેરી શકો છો)

આ ચોખાની રોસ્ટી બનાવતી વખતે તેમાં ½ ટી.સ્પૂન બેકીંગ સોડા નાખીને ચમચી વડે સરસ રીતે મેળવી દો.

ઢોસા અથવા નાના પેનમાં ½ ટી.સ્પૂન તેલ ગરમ કરી તેમાં થોડાં તલ છાંટીને એક થી બે ચમચા જેટલું ખીરું રેડી દો. ગેસની આંચ ધીમી કરીને તવા ઉપર ઢાંકણ ઢાંકીને 2-3 મિનિટ થવા દો. ત્યારબાદ ઢાંકણ ખોલીને તવેથા વડે આ રોસ્ટી એક પ્લેટમાં કાઢી લો. હવે તવામાં ફરીથી ½ ટી.સ્પૂન તેલ રેડી ઉપર થોડા તલ ભભરાવીને આ જ રોસ્ટીની બીજી સાઈડ શેકી લો.
આ રોસ્ટી કોથમીર-ફુદીનાની ચટણી તેમજ ખજૂર-ગોળની ખાટી-મીઠ્ઠી ચટણી સાથે બહુ જ સ્વાદિષ્ટ લાગશે! અથવા ટોમેટો કેચ-અપ સાથે પણ પીરસી શકાય છે.

નેપાળમાં પડી ગઈ પુષ્પ કમલ ‘પ્રચંડ’ની સરકાર
નવી દિલ્હીઃ નેપાળમાં વડા પ્રધાન પુષ્પ કમલ ‘પ્રચંડ’ની સરકાર પડી ગઈ છે. વડા પ્રધાન પુષ્પ કમલ દહલ ‘પ્રચંડ’ શુક્રવારે સંસદમાં વિશ્વાસનો મત હારી ગયા હતા, જેનાથી 19 મહિના સુધી સત્તામાં રહ્યા પછી તેમણે પદ છોડવું પડ્યું હતું. ભૂતપૂર્વ વડા પ્રધાન કેપી શર્માના નેતૃત્વવાળી CPN-UML દ્વારા તેમની સરકારથી ટેકો પરત લીધા પછી પ્રચંડે વિશ્વાસ મત લેવા માટે મજબૂર થવું પડ્યું હતું.
નેપાળના વડા પ્રધાન પુષ્પ કમલ દહલ સંસદના નીચલા ગૃહમાં વિશ્વાસ મત મેળવી શક્યા નહીં. તેમના સમર્થનમાં માત્ર 63 મત પડ્યા જ્યારે વિરોધમાં 193 મત. આમાં એક સાંસદે મતદાનમાં ભાગ લીધો ન હતો. સંસદમાં કુલ 258 સાંસદો હાજર હતા. વિશ્વાસ મત મેળવવા માટે ઓછામાં ઓછા 138 મતની જરૂર હતી.ગયા સપ્તાહે તેમની સરકારમાંથી કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ નેપાળ-યુનિફાઇડ માર્ક્સવાદી લેનિનવાદી (CPN-UML)એ પોતાનું સમર્થન પાછું ખેંચી લીધું હતું. પ્રચંડ 25 ડિસેમ્બર, 2022એ પદ સંભાળ્યા પછી ચાર વખત વિશ્વાસ મત મેળવવામાં સફળ રહ્યા, પરંતુ આ વખતે તેમને નિષ્ફળતા મળી હતી.
આગામી PM કોણ?
નેપાળી કોંગ્રેસના અધ્યક્ષ શેર બહાદુર દેઉબા પહેલેથી જ આગામી વડા પ્રધાન તરીકે ઓલીનું સમર્થન કરી ચૂક્યા છે. નેપાળી કોંગ્રેસ પાસે પ્રતિનિધિ સભામાં 89 બેઠકો છે, જ્યારે CPN-UML પાસે 78 બેઠકો છે. આ રીતે બંનેની સંયુક્ત સંખ્યા 167 છે, જે નીચલા ગૃહમાં બહુમતી માટે જરૂરી 138થી ઘણી વધારે છે. નેપાળી કોંગ્રેસના અધ્યક્ષ શેર બહાદુર દેઉબાએ પહેલેથી જ ઓલીને આગામી વડા પ્રધાન તરીકે સમર્થન આપી દીધું છે.
Anant-Radhika Wedding: કઈંક આવા અંદાજમાં વેન્યુ પર પહોંચ્યા મોંઘેરા મહેમાનો
મુંબઈ: આખરે એ સમય આવી ગયો છે….મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મચર્ન્ટ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યાં છે. અંબાણી પરિવાર સુંદર પરિધાનમાં સજ્જ થઈ જાન લઈને પહોંચી ગયા છે. આ સાથે દેશ વિદેશથી આવેલા મોંઘેરા મહેમાનો પણ ટીપટોપ તૈયાર થઈને માંડવે પહોંચી ગયા છે. બૉલિવૂડ સ્ટાર્સથી લઈને વિદેશની પ્રખ્યાત હસ્તીઓ ભારતીય પરિધાનમાં સજ્જ થઈ ફંક્શનમાં સામેલ થઈ છે.


ખાસ અવસર પર અનંત અંબાણીએ દાદા ધીરુભાઈ અંબાણી કર્યા યાદ.
કાર્દશિયન બહેનો હોય કે દેશના મોટા રાજકારણીઓ, અંબાણી પરિવારના લાડકા પુત્રના લગ્નમાં મોટી હસ્તીઓ સામેલ થવા આવી છે. 16 વખતના WWE ચેમ્પિયન જૉન સીના મુંબઈ ભારતીય આઉટફિટ સાથે વેડિંગ વેન્યુ પર પહોંંચ્યા છે.








(તમામ તસવીરો: દીપક ધૂરી)
Opinion: પૈસા હોય તો, ડોક્ટર બનાય?
મેડિકલ શિક્ષણમાં પ્રવેશ મેળવવો એ માત્ર કારકિર્દીનો માર્ગ નથી, તે તો સેવાની સાધના છે. આ પવિત્ર સાધનામાં ડગ માંડવા માટે અનેક વિદ્યાર્થી મહેનત અને સંઘર્ષ કરે છે. જ્યારે સંઘર્ષની તપતી આગમાંથી પસાર થાય ત્યારે રાજ્ય સહિત દેશને એક સારા ડોક્ટર મળે છે. જ્યારે નાનપણથી ડોક્ટર બનવાનું સપનું ધરાવતો સામાન્ય ઘરનો વિદ્યાર્થી એકાએક લાગેલા તોતિંગ ફી વધારાના બોજ તળે દબાય, ત્યારે વિદ્યાર્થીનું સપનું નહીં દેશનું ભવિષ્ય કચડાઈ જાય છે.
સરકારી મેડિકલ કોલેજોમાં થયેલ ફી વધારો કેટલો વ્યાજબી?

આ વખતે ઓપિનિયમ વિભાગમાં જાણો, શું છે મેડિકલ શિક્ષણ સાથે સંકળાયેલા લોકોના મત..
યુવરાજસિંહ જાડેજા, વિદ્યાર્થી નેતા

રાજ્યનું તંત્ર આખા દેશમાં ગુજરાત મોડલ સ્થાપના કરવાની વાત કરી રહ્યું છે. ગુજરાતની સમાનતાએ રાજસ્થાન કે મધ્ય પ્રદેશમાં ખૂબ જ ઓછી ફીમાં વિદ્યાર્થી MBBS બની શકે છે. તંત્ર દ્વારા વારંવાર એવું રટણ કરવામાં આવે છે કે, શિક્ષણ આપણી પ્રાથમિક જરૂરિયાત છે. તો આપણી પ્રાથમિક જરૂરિયાત તો સસ્તી હોવી જોઈએને, આપણને પોષાય તેવી હોવી જોઈએ. આ ફી વધારા બાદ ગરીબ કે મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ મેડિકલ લાઈનમાં જવાનું વિચાર નહીં કરે. શિક્ષણ મોંઘું થવાની પહેલી અસર સિદ્ધિ બેરોજગારી પર પડી રહી છે. ફી વધારાના નામ પર ડોનેશન ખુલ્લે આમ લેવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં શિક્ષણ દિવસે-દિવસે મોંઘું થતું જાય છે. વિદ્યાર્થીઓને પોતાના સપના સાકાર કરવા માટેનો હક હોવો જોઈએ.
ડૉ.મનિષ દોષી,મુખ્ય પ્રવક્તા, પ્રદેશ કોંગ્રેસ

સરકારી મેડિકલ કોલેજમાં ફી વધારો એ સરકારની લૂંટ નીતિનો ભાગ છે. પહેલા NEETને લઈ હોબાળો થયો, ત્યાર બાદ હવે ફરી એક વખત મેડિકલ કોલેજોની ફીમાં વધારો કરવામાં આવ્યો છે. જ્યારે આ તોતિંગ ફી વધારો સામાન્ય માણસના પુત્ર કે પુત્રીનું તબીબ બનવાનું સપનું રોળી નાખશે. આ મુદ્દે અમે સરકાર સામે રજૂઆત કરી રહ્યા છીએ, કે ફીનો તોતિંગ વધારો પરત ખેંચવામાં આવે જેથી કરીને ભવિષ્યમાં સારા ડોક્ટરો તૈયાર થાય. સરકારે ફી વધારો કરી વિદ્યાર્થી, વાલી સાથે ભવિષ્યની આરોગ્ય સેવા પર મોટો પ્રશ્ન ઉભો કર્યો છે.
રચેશ રાખોલીયા, વિદ્યાર્થી

સરકારી મેડિકલ કોલેજમાં આટલો ફી વધારો સામાન્ય વ્યક્તિ માટે અસહ્ય બની જશે. ગરીબ કે મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ જે સરકારી મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવવા માંગતા હતા, તેમણે બીજો કોઈ વિકલ્પ શોધવો પડશે. વિદ્યાર્થીઓને પોતાના ઘરની પરિસ્થિતિ પ્રમાણે આર્યુવૈદિક કે હોમિયોપેથીમાં અભ્યાસ કરવો પડે. આ ઉપરાંત વિદ્યાર્થી જ્યારે સામાન્ય ઘરનો હોય ત્યારે તેણે મેડિકલ વિશે તો વિચાર જ ન કરાય. કારણ કે આટલી મોંઘી દાટ ફી પોષાય તેમ ન હોય. મેડિકલ કોલેજમાં ફી વધારા સાથે એક સુખની વાત છે કે અહીંયા અભ્યાસ સારો હોય છે.
શ્લોકા સુથાર, હોમિયોપેથિક ડોક્ટર

સામાન્ય રીતે મેડિકલ કોલેજની ફી ઉપરાંત, કોલેજના પુસ્તક સાથે કોલેજનો બીજો ખર્ચ પણ હોય છે. કેમ કે, ડોક્ટરનો અભ્યાસ કરવા માટે જોઈતા પુસ્તકોની કિંમત પણ ઉંચી હોય છે. જ્યારે કોઈ પણ નાના ગામના વિદ્યાર્થીઓ ડોક્ટર બનવાની ઈચ્છા રાખે, ત્યારે તેમણે કોલેજ ફી સાથે હોસ્ટેલનો ખર્ચ પણ જોવા હોય છે. એટલે ખાલી કોલેજની ફી વધારાનો બોજ નથી વધી રહ્યો પણ એક વિદ્યાર્થી પર સાથે-સાથે બીજા ખર્ચમાં પણ વધારો થાય છે. ક્યારેક બાળકનું સપનું પૂરું કરવા માટે મા-બાપ ગમે તેમ કરીને ફી માટે રૂપિયા તો જોડી પણ લે, પરંતુ બાકીના ખર્ચને પહોંચી નથી શકતા. જેના કારણે અનેક મધ્યમવર્ગીય વિદ્યાર્થીઓએ ફિલ્ડ બદલવા જોવો આકરો નિર્ણય કરવો પડે છે.
અલ્પા અગ્રવાલ, મેડિકલ વિદ્યાર્થીના વાલી

મેડિકલ ફીનો વધારો વાલીઓ માટે એક મોટો બોજ બની જાય છે. સામાન્ય ઘરના વિદ્યાર્થીઓ ડોક્ટર બનવાનું વિચારી જ ન શકે! જ્યારે વાલી પોતાના પુત્ર કે પુત્રીને ડોક્ટર બનાવવાની ઈચ્છા રાખતા હોય, ત્યારે સૌ પ્રથમ તેમણે આઠથી નવ વર્ષ સુધીનો સમય ફાળવવો પડતો હોય છે. આ દરમિયાન લગભગ બે કરોડનો ખર્ચ લાગે છે. આ સમયગાળા પ્રમાણે વિદ્યાર્થીઓને વળતર એટલું મળતુ નથી. જ્યારે આ જ ખર્ચ કે આથી થોડો વધુ ખર્ચ કરી વિદ્યાર્થી ભારત બહાર જઈને સારા ડોક્ટરનો અભ્યાસ કરી શકે છે. એટલાં જ માટે વિદ્યાર્થી પોતાની જાતને જોખમમાં મુકીને ભારત બહાર જવાનું રિસ્ક લે છે. કેટલીક વખત એવુ પણ બને છે કે કારર્કિદીના અડધા રસ્તે પણ આ પ્રકારનો નિર્ણય લેવાની ફરજ પડે છે. સાથે જ વિચાર કરવો પડે છે કે મેડિકલ અભ્યાસ કરીને તે કંઈ ખોટું તો નથી કરી રહ્યોને?
(તેજસ રાજપરા- અમદાવાદ)
નીતા અંબાણીના આ સાડી બનાવવામાં 6 મહિના લાગ્યા, શું છે ખાસ?
મુંબઈ: મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ આજે લગ્ન કરવા જઈ રહ્યા છે. રાધિકા અને અનંત હવે જનમ જનમના સાથી બની જશે. આ ખાસ અવસર પર નીતા અંબાણીની કેટલીક સુંદર તસવીરો પણ સામે આવી છે, જેમાં તે વારાણસીની કળાને દુનિયાની સામે પ્રદર્શિત કરી રહી છે. વાસ્તવમાં, નીતા અંબાણીએ સાડી પહેરી છે જેની ખૂબ ચર્ચા થઈ રહી છે. ગ્રીન બેઝ પર મલ્ટી કલર વર્કવાળી આ સાડીનું નામ રંગકટ સાડી છે, જે 6 મહિનામાં નીતા અંબાણી માટે ખાસ તૈયાર કરવામાં આવી છે. નીતા અંબાણી આ સાડી પહેરીને પોઝ આપતા પણ જોવા મળે છે. તેની સ્ટાઈલ અદભૂત લાગે છે. નીતા અંબાણીની સ્ટાઈલ લોકોના દિલ જીતી રહી છે.

નીતા અંબાણીની સાડી શા માટે છે ખાસ?
નીતા અંબાણીએ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં વારાણસીની અદભૂત પુનઃકલ્પના દ્વારા ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને વિશ્વ સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. 28 ચોરસ જાલ રંગકટ સાડીમાં વારાણસીની કાલાતીત લાવણ્યને મૂર્તિમંત કરી, નાજુક ફ્લોરલ મોટિફ્સ અને ઝરીના વાઇબ્રન્ટ રંગોનો શણગાર તેને સુંદર બનાવે છે. સ્વદેશ અને મનીષ મલ્હોત્રા વર્લ્ડના સહયોગથી મનીષ મલ્હોત્રા દ્વારા ડિઝાઇન અને સ્ટાઈલ કરવામાં આવેલ આ એક વિશિષ્ટ સાડી છે. ભારતના મુખ્ય કારીગરોની અદ્ભુત કારીગરીનું પ્રદર્શન જોવા મળે છે. આ સાડીને વણાટમાં છ મહિનાથી વધુ સમય લાગ્યો. અધિકૃત રંગકટ સાડી ફક્ત આપણા દેશના પસંદગીના વણકરો દ્વારા જ બનાવી શકાય છે. આ એક દુર્લભ પેઢીના કૌશલ્યનું પ્રતીક છે જે સમય જતાં જાય લૂપ્ત થઈ જાય છે.

નીતા અંબાણી કાશી ગયા હતા
ઉલ્લેખનીય છે કે નીતા અંબાણી થોડા અઠવાડિયા પહેલા જ વારાણસી ગયા હતા. આ દરમિયાન તેણે પિંક બનારસી સાડી પહેરી હતી. નીતા અંબાણીએ કાશી વિશ્વનાથ ધામમાં પુત્ર અનંત અંબાણીના લગ્નનું આમંત્રણ આપ્યું અને આ પછી તેણે ગંગા આરતીમાં પણ ભાગ લીધો હતો.એટલું જ નહીં, નીતા અંબાણી કાશી ચાટ વિશે પણ વાત કરતા જોવા મળ્યા હતા. આ પછી તે વારાણસીના લોકલ માર્કેટમાં શોપિંગ કરતા જોવા મળ્યા હતા. હંમેશની જેમ નીતા અંબાણી વારાણસીના લોકોને સાદગી અને સરળતા સાથે મળ્યા હતાં.
યુવા, ખેડૂત, મધ્યમ વર્ગ પર બજેટમાં વધુ ધ્યાન આપશે સરકાર
નવી દિલ્હીઃ મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પહેલું બજેટ રોજગાર, ગ્રામીણ, અર્થતંત્ર અને ઉત્પાદન પર ધ્યાન કરનારું હશે. નાણાપ્રધાન નિર્મલા સીતારામન 23 જુલાઈએ બજેટ રજૂ કરશે, એમાં વર્ષ 2047 સુધી ભારતને વિકસિત કરવાના વિઝન, રૂ. પાંચ લાખ કરોડ ડોલરના અર્થતંત્રના અર્થતંત્રના રોડમેપથી માંડીને વિશ્વના ત્રીજા મોટા અર્થતંત્રને બનાવવાનો મુસદ્દો હશે. આ સિવાય મિડલ ક્લાસ, આમ આદમી અને ખેડૂતોને રાહત આપવાથી માંડીને ITમાં છૂટ, લોકોની પાસે પૈસા આવે- એવી જાહેરાત કરનારું લોકરંજક બજેટ હશે.
બજેટથી 10 દિવસ પહેલાં વડા પ્રધાન મોદીની અર્થશાસ્ત્રીઓ સાથે બેઠક થઈ હતી, જેમાં સરકારે સાફ કર્યું હતું કે સરકાર અનેક મહત્ત્વના મુદ્દાઓને લઈને ગંભીર છે. જેથી બજેટમાં નાણાપ્રધાન ગ્રામીણ અને કૃષિ ક્ષેત્ર પર વિશેષ ધ્યાન આપે એવી શક્યતા છે. સરકાર બજેટમાં મૂડી ખર્ચ, ઇન્ફ્રસ્ટ્રક્ચર અને કૃષિ પર વિશેષ એલાન કરે એવી શક્યતા છે.

સરકારે રાષ્ટ્રપતિના અભિભાષણમાં ઇશારો આપ્યો હતો કે સરકાર બજેટમાં મધ્ય વર્ગ માટે કંઈક રાહત જાહેર કરી શકે છે. સરકાર મધ્યમ વર્ગ માટે નવી કર પ્રણાલીમાં આવકવેરા છૂટ સ્લેબની લિમિટ રૂ. પાંચ લાખ કરે એવી શક્યતા છે. આ ઉપરાંત સરકાર હાઉસિંગ લોન પર પણ કંઈક છૂટ જાહેર કરે એવી શક્યતા છે.
આ સાથે સરકાર કૃષિ ક્ષેત્રના વૃદ્ધિદરને ઝડપી બનાવવા માટે ઉપાયોની ઘોષણા કરી શકે છે. આ સાથે સરકાર ગ્રામીણ વિસ્તારોમાં PM આવાસ યોજનાને લઈને એલાન કરે એવી શક્યતા છે. આ સાથે સરકાર મનરેગાના કાર્ય દિવસ વધારે એવી સંભાવના છે.
કેન્દ્રની 25 જૂને ‘સંવિધાન હત્યા દિવસ’ ઉજવવાની જાહેરાત
નવી દિલ્હી: કેન્દ્ર સરકારે ઇમરજન્સીની યાદમાં 25 જૂનનો દિવસ ‘સંવિધાન હત્યા દિવસ’ તરીકે ઉજવવાની જાહેરાત કરી છે. જેને લઇને નોટિફિકેશન પણ જાહેર કરવામાં આવ્યું છે. આ નોટિફિકેશનની કોપી સોશિયલ મીડિયા પર મૂકવામાં આવી છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આ જાહેરાત કરી છે.
1975માં તત્કાલિન વડાપ્રધાન ઇન્દીરા ગાંધીએ દેશમાં ઇમરજન્સી લગાવીને ભારતીય લોકતંત્રના આત્માનું ગળું દબાવ્યું હતું. લાખો લોકોને કારણ વિના જેલમાં નાખી દેવામાં આવ્યા હતા અને મીડિયાનો અવાજ દબાવી દેવામાં આવ્યો હતો. ભારત સરકારે જાહેરાત કરી છે કે દર વર્ષે 25 જૂનના રોજ એ તમામ લોકોના વિરાટ યોગદાનનું સ્મરણ કરાવશે, જેમને 1975ની ઇમરજન્સીની અમાનવીય દર્દ સહન કર્યું છે.
ભારતના બંધારણની કલમ 352 હેઠળ રાષ્ટ્રપતિને રાષ્ટ્રીય કટોકટી જાહેર કરવાનો અધિકાર છે. વડાપ્રધાનની આગેવાની હેઠળની કેબિનેટની લેખિત ભલામણ દ્વાર પણ કટોકટી જાહેર કરવામાં આવે છે. આ અંતર્ગત નાગરિકોના તમામ મૂળભૂત અધિકારો સ્થગિત કરી દેવામાં આવે છે. જ્યારે આખા દેશમાં કે કોઈપણ રાજ્યમાં દુષ્કાળની સ્થિતિ, વિદેશી દેશો દ્વારા હુમલો અથવા આંતરિક વહીવટી અરાજકતા કે અસ્થિરતા વગેરેની સ્થિતિ સર્જાય ત્યારે તે વિસ્તારની તમામ રાજકીય અને વહીવટી સત્તાઓ રાષ્ટ્રપતિના હાથમાં જતી રહે છે. અત્યાર સુધીમાં ભારતમાં કુલ ત્રણ વખત 1962, 1971 અને 1975માં કલમ 352 હેઠળ કટોકટી લાદવામાં આવી હતી.
1975માં કટોકટી લાદવાની જાહેરાત અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણય બાદ કરવામાં આવી હતી. ઈન્દિરા ગાંધીની ચૂંટણીને પડકારતી અરજી પર હાઈકોર્ટે 12 જૂન 1975ના રોજ પોતાનો ચુકાદો આપ્યો હતો. હાઈકોર્ટે રાયબરેલીથી તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની ચૂંટણીને રદ કરી હતી અને આગામી 6 વર્ષ માટે ચૂંટણી લડવા પર પણ પ્રતિબંધ મૂક્યો હતો. આ પછી ઈન્દિરા ગાંધીના રાજીનામાની માંગણીઓ શરૂ થઈ અને દેશમાં વિવિધ સ્થળોએ આંદોલનો થવા લાગ્યા હતા. સુપ્રીમ કોર્ટે પણ હાઈકોર્ટના આદેશને માન્ય રાખ્યો હતો. આ પછી કટોકટી જાહેર કરવામાં આવી હતી.
અમદાવામાં પરંપરાગત માધ્યમના કલાકારો માટે યોજાયો વર્કશોપ
અમદાવાદ ખાતે પ્રાદેશિક માહિતી કચેરી દ્વારા પરંપરાગત માધ્યમના કલાકારો માટે વર્કશોપ યોજાયો હતો. આ વર્કશોપમાં ઉપસ્થિત કલાકારોને સરકારી યોજનાઓની માહિતીથી વાકેફ કરવા ખાસ જિલ્લા આરોગ્ય અધિકારી ડો.શૈલેષ પરમાર, નાયબ માહિતી નિયામક હિમાંશુ ઉપાધ્યાય, ICDSના પૂર્ણા કન્સલ્ટન્ટ જવનીકાબેન પટેલ, આત્મા સંસ્થાના નાયબ પ્રોજેક્ટ ડાયરેકટર કેતન ચૌહાણ ઉપસ્થિત રહી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા આરોગ્ય અધિકારી ડો.શૈલેષ પરમારે ઉપસ્થિત કલાકારોને આરોગ્ય સબંધિત યોજનાઓના ફાયદાઓ સમજાવી છેવાડાના લોકો સુધી લાભ પહોંચે તે અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. તેમણે આરોગ્ય વિભાગ દ્વારા સગર્ભા બહેનોની કેવી રીતે દરકાર કરવામાં આવે છે તેના વિશે પણ માહિતી આપી હતી. વધુમાં કહ્યું કે, રાજ્યના નાગરિકોના સારા સ્વાસ્થ્ય માટે રાજ્ય સરકારનો આરોગ્ય વિભાગ કટિબદ્ધ છે. આજે અનેક પરિવારોને આયુષ્માન યોજના થકી મફત અને સારી સારવાર લઈ રહ્યા છે. ટી.બી. અંગે વાત કરતા તેમણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું લક્ષ્ય છે કે, દેશમાંથી ટી.બી. સંપૂર્ણપણે નાબૂદ થઈ જાય અને તેના માટે આરોગ્ય વિભાગ પણ કાર્યરત છે. તેમણે કલાકારોને સૂચન સાથે અપીલ કરી હતી કે, આપના માધ્યમથી આરોગ્ય વિભાગ દ્વારા ચાલતી યોજનાઓનો ગ્રામ્ય લેવલે પ્રચાર પ્રસાર થાય.

આ પ્રસંગે ICDSના પૂર્ણા કન્સલટન્ટ જવનીકાબેન પટેલે સૌપ્રથમ આ પ્રકારના આયોજન બદલ માહિતી વિભાગને અભિનંદન આપ્યા હતાં. તેમણે પોતાના વિભાગ દ્વારા બાળકો અને સગર્ભા માતાઓ માટે કરવામાં આવતી કામગીરી વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી. કુપોષિત બાળકો માટે તૈયાર કરવામાં આવતા આહાર વિશે પણ તેમણે જણાવ્યું હતું. વધુમાં આંગણવાડીના બાળકો માટેના ભોજનમાં ગુણવતા બાબતે પણ વાત કરી હતી. જવનીકાબેન પટેલે ઉમેરતાં કહ્યું હતું કે, ગ્રામ્ય વિસ્તારના લોકો સુધી સરકારની યોજનાઓ વિશે જાગૃતિ લાવવા પરંપરાગત કલાકારો શ્રેષ્ઠ માધ્યમ છે. તેમણે ઉપસ્થિત કલાકારોને ICDS વિભાગ દ્વારા કરવામાં આવતી કામગીરી કેવી રીતે લોકો સુધી પહોંચાડવી તેના વિશે માર્ગદર્શન આપ્યું હતું.

આત્મા સંસ્થાના નાયબ પ્રોજેક્ટ ડાયરેકટર કેતન ચૌહાણે કલાકારોને ગામડાના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા બાબતે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે પ્રાકૃતિક કૃષિના ફાયદાઓ જણાવી અને સરકાર દ્વારા આપવામાં આવી સહાય વિશે વાકેફ કર્યા હતા. નાયબ માહિતી નિયામક હિમાંશુ ઉપાધ્યાયે વર્કશોપનો હેતુ સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે, પહેલાના સમયમાં પરંપરાગત માધ્યમોનો ખૂબ જ મહિમા હતો પરંતુ આજે પણ સોશિયલ મીડિયાના યુગમાં પણ આ માધ્યમો એટલા જ અસરકારક નીવડ્યા છે. આપના માધ્યમ થકી વધુમાં વધુ લાભાર્થીઓ સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનો લાભ લઈ શકે તે બાબતે જરૂરી સૂચન સાથે અપીલ કરી હતી.




સહાયક માહિતી નિયામક હરીશ પરમારે કાર્યક્રમના પ્રારંભે સ્વાગત પ્રવચન કરી ઉપસ્થિત મહેમાનોએ આવકાર્યા હતા. આ કાર્યક્રમમાં પરંપરાગત માધ્યમના કલાકારો દ્વારા સામાજિક જાગૃતિના સંદેશ અર્થે સુંદર નાટક રજૂ કરાયું હતું. ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પરંપરાગત કલાકારોને વિવિધ યોજનાઓના પ્રચાર પ્રસાર અર્થે કામગીરીના ઓર્ડર ફાળવવામાં આવ્યા હતા. કાર્યક્રમની આભારવિધિ સહાયક માહિતી નિયામક રેસુંગ ચૌહાણે કરી હતી. કાર્યક્રમનું સફળ સંચાલન સહાયક માહિતી નિયામક હરીશ પરમાર, દિવ્યેશ વ્યાસ તથા સબ એડિટર શ્રી શ્રદ્ધા ટીકેશ દ્વારા કરાયું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં પરંપરાગત માધ્યમના કલાકારો ઉપસ્થિત રહ્યા હતા.




