મુંબઈ: અંબાણી પરિવારના દરેક મોટા પ્રસંગમાં બૉલિવૂડની હસ્તીઓ સામેલ થાય છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના શાહી લગ્નને માણવા બૉલિવૂડના કપલ્સ ટીપટોપ તૈયાર થઈને હાથમાં હાથ નાખીને જીયો વર્લ્ડ સેન્ટર પહોંચ્યા હતાં. ઈન્ડિયન આઉટફિટમાં આ કપલનો અંદાજ ખુબ સુંદર લાગે છે. રણબીર-આલિયા, વિકી-કેટરિના, પ્રિયંકા-નિક, સિદ્ધાર્થ-કિયારા અને રણવીર-દીપિકા સહિતના કપલ વેડિંગમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતાં.
નવી દિલ્હીઃ ઇઝરાયલ અને હમાસની વચ્ચે જંગ જારી છે. ગાઝામાં શુક્રવારે 70થી વધુ પેલેસ્ટાઇન માર્યા ગયા છે. આ ઘટનાને લઈને હમાસના એક અધિકારીએ ઇઝરાયલ પર યોજનાબદ્ધ રીતે લોકોનો નરસંહાર કરવાનો આરોપ લાગ્યો છે. હમાસ સરકાર મિડિયા ઓફિસના ડિરેક્ટર ઇસ્માઇલ અલ થવાબ્તાએ દાવો કર્યો હતો કે ઇઝરાયલી સેનાએ પૂર્વી ગાઝા શહેરમાં હજારો પેલેસ્ટાઇનઓને પશ્ચિમી અને દક્ષિણી વિસ્તારોમાં જવા માટે નિર્દેશિત કર્યા છે અને તેમના ત્યાં પહોંચવા પર તેમના પર ગોળીઓ ચલાવી હતી.
તેમણે જણાવ્યું હતું કે બચાવ દળે તાલ-અલ હવા વિસ્તારમાં 70થી વધુ મૃતદેહો કબજે કર્યા છે અને કમસે કમ 50 લોકો લાપતા છે. કેટલાક વિસ્થાપિત લોકો સફેદ ઝંડો લઈને ઇઝરાયલી સેના તરફથી ઇશારો કરી રહ્યા હતા અને કહી રહ્યા હતા કે અમે લડાકુ નથી, વિસ્થાપિત છીએ. તેમણે કહ્યું હતું કે ઇઝરાયેલી સેનાએ આ વિસ્થાપિત લોકોને બેરહેમીથી મારી નાખ્યા હતા. અહેવાલ મુજબ આ ઘટનામાં મૃતકોની સંખ્યા 70થી વધુ બતાવવામાં આવી રહી છે, જ્યારે અનેક ઘાયલ થયા છે.
ઇઝરાયેલ-હમાસ યુદ્ધને લગભગ નવ મહિના થઈ ગયા છે. પેલેસ્ટાઇનના આરોગ્ય અધિકારીઓનું કહેવું છે કે ગાઝામાં ઇઝરાયેલના હુમલામાં હવે 38,000થી વધુ લોકો માર્યા ગયા છે, જ્યારે 23 લાખ લોકો બેઘર થવું પડ્યું છે. ગાઝાના આરોગ્ય મંત્રાલયના અંદાજ અનુસાર પેલેસ્ટાઇન વિસ્તારમાં મૃતકોની સંખ્યા 1,86,000 સુધી હોવાની શક્યતા છે.
સંયુક્ત રાષ્ટ્રના પ્રવક્તા સ્ટીફન દુજારિકે ગાઝા શહેરમાં મૃતદેહો મળી આવતાં નિંદા કરતાં નાગરિકોનાં મોતનું એક દુખદ ઉદાહરણ જણાવ્યું હતું.
દેશમાં ત્રણ નવા ફોજદારી કાયદા – ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય કાયદાનો અમલ ૧ જુલાઈથી લાગુ થયો છે. આ ત્રણેય કાયદાએ બ્રિટિશ યુગના ઈન્ડિયન પીનલ કોડ (IPC), ક્રિમિનલ પ્રોસિજર કોડ (CPC) ૧૯૭૩ અને ઈન્ડિયન એવિડન્સ એક્ટ, ૧૮૭૨નું સ્થાન લીધું છે. નવા કાયદામાં રાજદ્રોહનું સ્થાન દેશદ્રોહએ લીધું છે. આતંકવાદની વ્યાખ્યા સ્પષ્ટ કરાઈ છે. મોબ લિન્ચિંગ અને રાષ્ટ્રીય સુરક્ષાને જોખમમાં નાંખનારા ગુનાઓ, મહિલાઓ-બાળકો પર જાતીય ગુનાઓની સજાને વધુ આકરી બનાવાઈ છે. આ નવા કાયદાઓથી સામાન્ય લોકોને કેવાં પ્રકારના ફાયદા થશે અથવા તો પોલીસ અને ન્યાયતંત્રના કામમાં કેવો બદલાવ આવશે તે વિશે ચિત્રલેખા.કોમની અમદાવાદસ્થિત જાણીતા સિનિયર એડવોકેટ મેહુલ વખારિયા સાથે થયેલી વાતચીતઃ
ચિત્રલેખા: નવા કાયદાઓથી પોલીસનું કામ કેટલું સરળ બનશે અને કેટલું વધશે?
મેહુલ વખારિયા: નવા કાયદાથી પોલીસના કામમાં વધારો જ થશે. આમ તો નવા કાયદામાં બધું જ જૂના કાયદા જેવું જ છે. માત્ર 21 નવી કલમોનો ઉમેરો કરવામાં આવ્યો છે. આ કલમોની અંદર રેકોર્ડિંગ એક ખૂબ જ મહત્વનું પાસું છે. જ્યારે કોઈપણ વ્યક્તિનું સ્ટેટમેન્ટ લેવાશે ત્યારે અથવા તો ઈનવેસ્ટિગેશન દરમિયાન પણ પોલીસે રેકોર્ડિંગ કરવાનું રહેશે. તેમાં સેલફોનથી રેકોર્ડિંગ કરવાની પણ છૂટ આપવામાં આવી છે. આ રેકોર્ડિંગ માટે પોલીસને વધારે કર્મચારીની જરૂર પડશે. નવા કાયદા અનુસાર સાત વર્ષ કે તેથી વધુ સજાની જોગવાઈ હોય એવા ગુનામાં ક્રાઇમ સીન પર જવાબદાર પોલીસ અધિકારી ઉપરાંત ફોરેન્સિક ઇન્વેસ્ટીગેટર દ્વારા અન્વેષણ અનિવાર્ય છે. એટલું જ નહીં, પરંતુ ક્રાઇમ સીનની વીડિયોગ્રાફી અને ફોટોગ્રાફી કરવી પડશે. નવા કાયદાઓ અનુસાર પોલીસની જવાબદારી વધી છે. જેમ કે, FIR દાખલ કરવામાં ચોકસાઈ રાખવા ઉપરાંત તમામ મુદ્દાઓને લગતા રેકોર્ડ નિર્ધારિત ફોરમેટમાં મેઇન્ટેઇન કરવા પડશે. FIRને લગતી તમામ જાણકારી પોલીસ કંટ્રોલ રૂમને આપવી પડશે. 90 દિવસમાં ચાર્જશીટ ફાઈલ કરવી પડશે. તપાસ 180 દિવસમાં પૂરી કરવી પડશે. ચાર્જશીટ દાખલ કરવાના 60 દિવસમાં ચાર્જ ફ્રેમ કરીને ટ્રાયલ શરૂ કરવો પડશે. પોલીસ તપાસની સત્યતા જળવાય અને પારદર્શકતા રહે તે હેતુથી પોલીસ તપાસ દરમ્યાન વીડિયોગ્રાફી કરવાની રહેશે.
સામાન્ય લોકોને કઈ-કઈ સવલતો વધારે મળશે?
જો કોઈ વ્યક્તિ પોલીસ સ્ટેશન તાત્કાલિક પહોંચી શકે તેમ ન હોય તો ઇ-મેલ દ્વારા પણ FIR લખાવી શકશે. જે તે વ્યક્તિએ ત્રણ દિવસની સમયમર્યાદામાં જાતે પોલીસ સ્ટેશને જઈને FIRના પ્રિન્ટઆઉટ પર સહી કરવાની રહેશે. જે તે પોલીસ સ્ટેશને પણ આ પ્રકારની FIRનો ત્રણ દિવસમાં નિકાલ લાવવો પડશે. આ ઉપરાંત કેસની તમામ માહિતી, આગળની તારીખ, ફરિયાદીની બધી જ માહિતી, કોર્ટનો હુકમ, FIR બધું જ ઓનલાઈન મળી જશે.
કેસને સંબંધિત ઘણી બધી માહિતી ઓનલાઈન ઉપલબ્ધ કરાવવી પડશે, તેનાથી કેટલો ફાયદો થશે?
આમાં પોલીસ કે ન્યાયતંત્રનું કામ વધશે. પરંતુ સામાન્ય વ્યક્તિને આ ફાયદો થશે કે તેણે પોતાના કેસની માહિતી લેવા માટે હવે પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા પડશે નહીં. તેને ઘણી બધી માહિતી ઓનલાઈન મળી રહેશે.
ન્યાય તંત્રમાં કેવા પ્રકારના ફેરફાર જોવા મળશે?
નવા કાયદામાં બાળકો અને મહિલાઓ વિરૂદ્ધ થતા અપરાધો માટે એક અલગ ચેપ્ટર રચવામાં આવ્યું છે. હ્યુમન ટ્રાફિકિંગ અને ચાઇલ્ડ ટ્રાફિકિંગને જઘન્ય અપરાધની શ્રેણીમાં દાખલ કરવામાં આવ્યા છે. નવા કાયદામાં આતંકવાદી કોને કહેવાય એની સ્પષ્ટ વ્યાખ્યા કરવામાં આવી છે. સાથોસાથ સંગઠિત ગુના અંગે અલગ જોગવાઈ કરવાને બદલે આ કાયદાઓમાં જ વણી લેવામાં આવ્યા છે. નવા કાયદા અનુસાર મહિલાઓ વિરૂદ્ધ અપરાધમાં પીડિતોને 90 દિવસમાં કેસ સંબંધી તમામ માહિતી આપવી પડશે અને પીડિત બાળક કે મહિલાને સરકારી હોસ્પિટલમાં મફત સારવાર મળી શકશે. આરોપી અને પીડિત બંનેને 14 દિવસની સમયમર્યાદામાં FIR, પોલીસ રિપોર્ટ, ચાર્જશીટ, નિવેદન, કબૂલાત કે અન્ય દસ્તાવેજોની નકલ મેળવવાનો અધિકાર રહેશે. 60 વર્ષથી ઉપરની વ્યક્તિ, દિવ્યાંગ વ્યક્તિ સાથેના ગુનામાં અથવા તો ત્રણ વર્ષથી ઓછી સજાના ગુનામાં DSP કક્ષાની અધિકારીની મંજૂરી વિના ધરપકડ નહીં થઈ શકે.
નવા કાયદાઓ પ્રમાણે ઝીરો FIR શું હશે?
ઝીરો FIRની જોગવાઈને પગલે કોઈપણ વ્યક્તિ કે પોલીસ અધિકારી ગુનો કયા પોલીસ સ્ટેશનની હદમાં બન્યો છે એની પળોજણમાં પડ્યા વિના સૌપ્રથમ ફરિયાદ દાખલ કરી શકશે. જે ખુબ જ સારી વાત છે. હવે કોઈપણ પોલીસકર્મી FIR નોંધવાની ના નહીં પાડી શકે.
આરોપો ઘડવાથી લઈને કેસના નિકાલ સુધીનો સમય નક્કી કરવામાં આવ્યો છે, તેના વિશે શું કહેવું છે?
નવા કાયદા અનુસાર કોઈપણ અપરાધિક મામલામાં સુનાવણી સમાપ્ત થયાના 45 દિવસમાં ચુકાદો આવી જશે. 60 દિવસમાં ચાર્જશીટ દાખલ થઈ જશે. કોઈપણ કેસનું ઈન્વેસ્ટિગેશન 90 દિવસની અંદર કરવું પડશે. જો વધુ સમય લાગે એવો હોય તો પોલીસ અધિકારીએ અરજી કરીને વધુ સમય માંગવો પડશે. આ ઉપરાંત, કેસની ટ્રાયલ વીડિયો કોન્ફરન્સિંગથી પણ કરી શકાશે. મુખ્ય સાક્ષી હાજર ન હોય તો તેની જુબાની ઓનલાઈન પણ લઈ શકાશે. સરકાર દ્વારા સાક્ષીઓની સુરક્ષા અને સહયોગ સુનિશ્ચિત કરવામાં આવશે.
ભારતીય વાનગી સમગ્ર વિશ્વમાં સૌથી વધુ પ્રિય વાનગીઓમાંની એક છે. આ વાનગીઓ તેમાં નાખવામાં આવતા સુગંધિત મસાલા અને સમૃદ્ધ ગ્રેવી સાથેના સ્વાદ સાથે કોઈપણ સ્વાદરસિયાના દાઢે વળગે એવી હોય છે.
બહુ જ આનંદની વાત છે કે, ભારતીય વિવિધ વાનગીઓ વિદેશમાં પણ દિન-પ્રતિદિન લોકપ્રિય થતી જાય છે. આ વાત સોશિયલ મીડિયા પર વિદેશીઓ દ્વારા મૂકવામાં આવેલા વીડિયો તેમજ તેમાં તેમણે કરેલી ટિપ્પણી દ્વારા પ્રતીત થાય છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલા આ વીડિયોમાં ભારતીય વ્યંજન ખાતાંવેંત તેમના ચહેરા પર જે હાવભાવ જોવા મળે છે. તે જોતાં જ ખ્યાલ આવી જાય છે કે, તેઓ ભારતીય ભોજનના રસિયા થઈ રહ્યાં છે!
થોડા દિવસ અગાઉ એક કોરિયન ફૂડ વ્લોગરે પોતાના માતા-પિતાને ભારતીય ભોજન ખવડાવ્યું. ત્યારે ભારતીય ભોજન ચાખતાં જ તેમના માતા-પિતા જે હૃદયસ્પર્શી પ્રતિક્રિયા આપે છે. તેનો તેમણે વીડિયો શૂટ કરીને પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર મૂક્યો હતો.
જ્યારે પણ તમે ભારતીય ભોજન રાંધો છો, ત્યારે તે આખા ઘરને સુગંધથી ભરી દે છે. આ જ વાતને લઈને તાજેતરમાં દુબઈ સ્થિત ટ્રાવેલ કન્ટેન્ટ ક્રિએટર એક મહિલા સાસએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેણી પોતાના ભારતીય પડોશી માટે થોડી નફરત બતાવે છે. પણ સાથે એ કબૂલાત પણ કરે છે કે, તેમના રસોડામાંથી આવતી સ્વાદિષ્ટ ગંધનો પ્રતિકાર તે કરી શકતી નથી. ક્લિપમાં, તેણીને એમ કહેતી સાંભળી શકાય છે, ‘મને ભારતીય પડોશીઓ રાખવાથી ધિક્કાર છે, તમે જાણો છો કેમ? કારણ કે, જ્યારે પણ હું કચરો બહાર લાવું છું અને તેમના ફ્લેટ પાસેથી પસાર થાઉં છું. ત્યારે તેમના રસોડામાંથી ખૂબ જ સરસ સુગંધ આવતી હોય છે. આજે તો કોઈક વાનગીની બહુ જ વિશેષ સુગંધ આવી રહી હતી. તેથી મારાથી રહેવાયું નહીં અને મેં તેમના દરવાજા ખટખટાવ્યા, મેં તેમને પૂછ્યું કે, તેઓ કઈ વાનગી રાંધી રહ્યાં છે. તો તેઓએ તેમણે બનાવેલી વાનગીની ડિશ મને આપી.’
દુબઈ સ્થિત ટ્રાવેલ કન્ટેન્ટ ક્રિએટર મહિલા સાસએ તેમના ભારતીય પડોશીના રસોડામાંથી પાઉંભાજી ચાખી અને તેણીએ પોતાની પ્રતિક્રિયા સાથેનો આ વીડિયો પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર મૂક્યો છે. તે જાડી ગ્રેવીથી ભરેલો બાઉલ બતાવે છે જેમાં ભાજી હોય તેવું લાગે છે. તેણી કહે છે, ‘કૃપા કરી આને જુઓ. આ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. સાચું કહું તો થોડું મસાલેદાર લાગી રહ્યું છે. તે તીખું હોવાનો મને ડર લાગે છે. પરંતુ તેઓએ કહ્યું કે તે મસાલેદાર નથી.’ પછી તેણીએ બે ટોસ્ટેડ પાવ દર્શાવતા કેમેરાને પેન કર્યો. બનથી પ્રભાવિત થઈને, વ્લોગર કહે છે, ‘શું આપણે આ ભવ્ય બ્રેડની પ્રશંસા કરવા માટે થોડો સમય કાઢી શકીએ.’ તે બનનો ટુકડો ગ્રેવીમાં બોળે છે અને તેનો સ્વાદ લે છે. વાનગીની સમીક્ષા કરતી વખતે, તેણી કહે છે, ‘મારા ભગવાન, બ્રેડ સાથે કરી. વાહ, મને આ રેસીપી જાણવાની જરૂર છે. નહિંતર, હું દરરોજ તેમના રસોડામાં દોડી જઈને નવી વાનગીઓ માટે તેમને હેરાન કરીશ! આ કેટલું સરસ છે! આ ગ્રેવી અથવા કરી એટલી જાડી છે. પણ તેનો સ્વાદ બહુ જ અદ્ભુત છે! એક જ સમયે આટલા બધા ફ્લેવર્સ!!! ઓહો, હું તેની ખૂબ જ મોટી પ્રશંસક બની ગઈ છું!
વીડિયોનો કોમેન્ટ્સ વિભાગ અનેક મનોરંજક કોમેન્ટસથી ભરેલો છે.
એક જણે લખ્યું ‘તેણે તમને પાઉંભાજી ખાવા આપી?’
બીજાએ લખ્યું, ‘જો તમે તમારા ભારતીય પડોશીઓ સાથે મિત્રતા કરો છો. તો તમારી પાસે જીવનભર ઉત્તમ ખોરાકનો પુરવઠો ચાલુ રહેશે અને તે માટે તમારે ક્યારેય તેમને પૂછવું નહીં પડશે. તેઓ જ્યારે પણ સારી વાનગી રાંધશે ત્યારે તે નવીન વાનગીથી ભરેલી પ્લેટ તેમના બાળકોને હાથે તમારા માટે મોકલશે. અમે ભારતીય છીએ, અમને શેર કરવાનું ગમે છે!’
અન્ય એકે લખ્યું ‘ભારતીયો હંમેશા દરેકનું દિલ જીતે છે.’
એક યુઝરે તો વ્લોગરની જ લાગણી શેર કરતાં થોડાક હળવા મૂડમાં લખ્યું, ‘મને ભારતીય પડોશીઓ માટે નફરત છે. તેઓ ખૂબ જ સરસ છે. અને તેઓ મને ખૂબ જ સ્વાદિષ્ટ ભોજન આપે છે.’
દુબઈ સ્થિત ટ્રાવેલ કન્ટેન્ટ ક્રિએટર મહિલા સાસએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરેલો આ વીડિયો જોવા નીચે આપેલી લિન્કનો ઉપયોગ કરો.
નવી દિલ્હીઃ સાત રાજ્યોની 13 વિધાનસભા સીટો પર પેટા ચૂંટણી પર મત ગણતરી જારી છે. આ વિધાનસભાની સીટો પર પેટા ચૂંટણી માટે મતદાન 10 જુલાઈએ થયું હતું. બિહાર, પશ્ચિમ બંગાળ, તામિલનાડુ, મધ્ય પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ અને હિમાચલ પ્રદેશની વિધાનસભાની સીટો પર મતદાન થયું હતું. મોટા ભાગની સીટો પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી લડાઈ છે, જ્યારે TMC અને DMK પણ મેદાનમાં છે.
ચૂંટણી પંચે બિહાર, તામિલનાડુ અને મધ્ય પ્રદેશની એક સીટ, ઉત્તરાખંડની બે સીટ, હિમાચલ પ્રદેશની ત્રણ સીટો અને ઉત્તરાખંડની ચાર સીટો પર પેટા ચૂંટણી કરાવી હતી. મોટા ભાગની સીટો પર ભાજપ અને કોંગ્રેસની વચ્ચે સીધી લડાઈ છે, જ્યારે TMC અને DMK પણ મેદાનમાં છે. હિમાચલ પ્રદેશમાં ત્રણ વિધાનસભા ક્ષેત્રો પેટા ચૂંટણીમાં 63 ટકાથી 75 ટકાની વચ્ચે મતદાન થયું હતું.
આ પેટા ચૂંટણીમાં જલંધર વેસ્ટથી આપ જીત, જ્યારે દહેરાથી CM સુખુનાં પત્ની જીત્યાં છે રૂપૌલીથી JDU ઉમેદવાર, બંગાળમાં મમતાનો જાદુ કાયમ છે. મધ્ય પ્રદેશના છિંદવાડા જિલ્લામાં અમરવાડા સીટ પર ત્રીજા તબક્કા પછી ભાજપના કમલેશ પ્રતાપ શાહ કોંગ્રેસના ધીરન શાહ વચ્ચે કાંટાની ટક્કર છે.હિમાચલ પ્રદેશની હમીરપુર સીટથી ભાજપ આગળ ચાલી રહ્યો છે. એ એકમાત્ર સીટ છે, જ્યાં ભાજપ આગળ છે. આ સીટ પર ભાજપના આશિષ શર્મા માત્ર 1545 મતોથી આગળ છે. બીજા ક્રમે કોંગ્રેસ ઉમેદવારક ડો. પુષ્પેન્દ્ર વર્મા છે. અહીં સાત રાઉન્ડ કાઉન્ટિંગ થઈ ચૂક્યા છે.
મુંબઈ: મહિનાઓથી ચર્ચામાં રહેલા દેશના ધનાઢ્ય મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી લગ્નનો શુભ સમય આખરે આવી ગયો. મુંબઈના જીયો વર્લ્ડ સેન્ટરમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટે સાત ફેરા લીધા છે. હવેથી બંને એક-બીજાના થઈ ગયા છે. આ ગ્રાન્ડ વેડિંગને હંમેશાં યાદ રાખવામાં આવશે.
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના વૈભવી લગ્ન વર્ષો સુધી યાદ રહેશે. લગ્નમાં અંબાણી પરિવારના દરેક સભ્યની અલગ-અલગ સ્ટાઈલ જોવા મળી છે. અનંત-રાધિકાના લગ્નના આ ફંક્શન 14 જુલાઈ સુધી ચાલશે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નથી, સ્ટાર્સની અદ્ભુત તસવીરો અને વીડિયો ધીમે ધીમે સામે આવી રહ્યા છે જે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યા છે. આ બધાની વચ્ચે અનંત અંબાણીની પત્ની રાધિકા મર્ચન્ટનો એક ઈમોશનલ વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેના પિતા વિરેન મર્ચન્ટ પોતાની દીકરીને ગળે લગાવીને રડતા જોવા મળે છે.
લગ્નમાં દેશ વિદેશની હસ્તીઓ સામેલ થઈ હતી. અમિતાભ બચ્ચન પરિવાર, સલમાન ખાન, શાહરુખ ખાન, માધુરી દીક્ષિત, પ્રિયંકા ચોપરા, નિક જોનાસ, રજનીકાંત, મહેશબાબુ અને રેખા સહિતના બૉલિવૂડના મોટા ભાગની હસ્તીઓ આ લગ્નને માણતી જોવા મળી હતી. અભિનય ક્ષેત્રના સ્ટાર્સ લગ્નમાં મન મૂકીને ડાન્સ કરતા જોવા મળ્યા હતાં.
નયનાબેન પોતાની મર્સીડીઝ ગાડીમાંથી ઊતર્યાં અને શાકભાજીવાળા સાથે ભાવતાલ કરવા લાગ્યાં, ”સરખો ભાવ કર, અમે તો તારા રોજના ગ્રાહક છીએ.”
કાછિયાએ પણ કહ્યું, “બેન, છેક વસઈથી આ ઉંચકીને લાવું છુ, તમે રોજના ઘરાક છો અને આજે જલદી જવું છે એટલે તમને ઓછો ભાવ કહ્યો છે, બાકી બજારમાં ક્યાંય તમને આ ભાવ નહીં મળે”.
નયનાબેનના પતિ, દીકરો અને પુત્રવધૂ બધાં જ ડૉક્ટર છે. તેઓ મુંબઈના વરલી વિસ્તારમાં 2,300 ચો. ફૂટના ઘરમાં રહે છે. વર્ષમાં એક વખત તેઓ વિદેશના પ્રવાસે જાય ત્યારે હંમેશાં બિઝનેસ ક્લાસમાં જ મુસાફરી કરે છે. આ પરિવારને ક્રૂઝમાં ફરવાનો પણ શોખ છે. હું ડૉ. ભટ્ટના આ કુટુંબને લાંબા સમયથી ઓળખું છું. તેઓ બધાં મળતાવડાં છે અને પોતાના વતનમાં સખાવતી કાર્યો પણ કરે છે. મેં કેટલીય વાર જોયું છે કે શાકભાજી કે ફળવાળા તથા બીજા નાના ફેરિયાઓ સાથે તેઓ ભાવની બાબતે રકઝક કરતાં જ હોય છે. તેમના પરિવારની જાણે એ આદત બની ગઈ છે.
એક દિવસ મારાથી રહેવાયું નહીં અને મેં તેમને પૂછી લીધું, ”શું તમે બિઝનેસ ક્લાસની ટિકિટ બુક કરાવતી વખતે અને ક્રૂઝમાં કેબિન નક્કી કરતી વખતે કંપનીઓ સાથે પણ ભાવતાલ કરો છો?” શ્રીમતીજીએ મને વાર્યો, પરંતુ હું જાતને રોકી શક્યો નહીં અને મેં બીજો સવાલ કર્યો, ”ધારો કે એ જ બકાલી તમારી પાસે પોતાની દીકરીના શિક્ષણ અર્થે આર્થિક સહાય લેવા આવે તો તમે તેને મદદ કરો કે ન કરો?” તરત જ જવાબ મળ્યો, ”મદદ કરીએ, ચોક્કસ કરીએ. તેને સહાય કરવાની આપણી નૈતિક જવાબદારી કહેવાય. એ વર્ષોથી આપણા બિલ્ડિંગમાં આવે છે. જો આપણે તેને કોઈ કામે નહીં આવીએ તો બીજું કોણ આવશે?”
આપણે ભટ્ટ પરિવારના વર્તન વિશે કોઈ અભિપ્રાય બાંધી લઈએ એ ઉચિત ન કહેવાય, પરંતુ મને લાગે છે કે દરેક વ્યક્તિમાં ક્યાંક એક પ્રકારનો અહમ્ છુપાયેલો હોય છે. આપણે જ્યારે બીજાઓને મદદ કરીએ ત્યારે આપણો એ અહમ્ સંતોષાતો હોય છે. આપણે સુષુપ્ત મનને ઢંઢોળીએ તો બે વાત ધ્યાનમાં આવે છે. એક, આપણને નાના ફેરિયાઓ સાથે ભાવતાલ કરવાની આદત પડી હોય છે. જ્યાં સુધી રકઝક કરીને વસ્તુ ખરીદીએ નહીં ત્યાં સુધી સંતોષ થાય નહીં. બે, કોઈ સખાવત કરવાથી આપણો અહમ્ સંતોષાય છે. આ બન્ને પ્રકારની વૃત્તિઓ જોખમી છે. તેનાથી આપણી ખરી ઓળખ પ્રગટ થતી નથી. જ્યારે આપણે પોતાના મૂળ સ્વભાવથી, આત્માથી દૂર થતાં જઈએ ત્યારે આપણને જે ખુશી મળે એ ફક્ત થોડા સમય પૂરતી હોય છે. લાંબા ગાળે આપણે એ વૃત્તિને વશ થઈ જઈએ છીએ અને પરિણામે એ આપણું બંધન (લત) બની જાય છે.
ભાવતાલ કરવામાં કંઈ ખોટું નથી, પણ તમે કોની સાથે રકઝક કરી રહ્યા છો એ જોવું જોઈએ. જો તમે હૉટેલમાં જમવા જાઓ ત્યારે કે વિમાનમાં પ્રવાસ કરો ત્યારે જો ભાવતાલ કરતા ન હો તો નાની રકમ માટે ફેરિયાઓ સાથે ભાવતાલ કરવી જોઈએ નહીં. જો શક્ય હોય તો મોટી હોટેલોમાં કે શોપિંગ કરવા જાઓ ત્યારે મોટી દુકાનોમાં ભાવતાલ કરો અને સમજદારીપૂર્વકનો નિર્ણય લો.
કોઈ માણસ દાન/સહાય મેળવવા માટે તમારી સામે હાથ ફેલાવે તો તમે રાજી થઈને મદદ કરો છો, પણ એ જ માણસ જો મહેનત કરીને પેટિયું રળતો હોય અને થોડો નફો કરી લેતો હોય તો તેની સાથે ભાવ માટે રકઝક કરો છો, એ કેવું કહેવાય તેનો વિચાર કરી જુઓ. સામેવાળાની દૃષ્ટિએ વિચાર કરી જુઓ. એ વિચાર કર્યા બાદ તમે સ્વને વધુ સારી રીતે ઓળખી શકશો અને સાચું સુખ મેળવી શકશો.
(લેખક દેશના જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર છે. ફાઈનાન્સિયલ પ્લાનિંગ સંબંધિત વિષયો એમણે ઘણા લેખો-પુસ્તકો લખ્યા છે. આર્થિક આયોજન અને રોકાણ સંબંધિત સેમિનારોમાં એ વક્તા તરીકે જોવા-સાંભળવા મળે છે. ‘યોગિક વેલ્થ’ નામનું એમનું પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું છે. યોગના અભ્યાસી અને શિસ્તબધ્ધ જીવનશૈલી ધરાવતા લેખકના અનુભવનો નીચોડ આ લખાણોમાં દેખાઇ આવે છે.)
અભિનેત્રી રામેશ્વરીએ રાજશ્રીની ફિલ્મ ‘દુલ્હન વહી જો પિયા મન ભાયે’ (૧૯૭૭) થી કારકિર્દી શરૂ કરી હતી. પણ અભિનય શીખવા મુશ્કેલીથી પિતા પાસે પરવાનગી મેળવી હતી. રામેશ્વરીએ માતા-પિતાની જાણ બહાર એની બહેન ક્રિશ્ના સાથે મળીને પૂણે ફિલ્મ ઇન્સ્ટીટ્યુટમાં પ્રવેશ માટેનું ફોર્મ ભરી દીધું હતું. જ્યારે એ ફિલ્મ ઇન્સ્ટીટ્યુટમાં ઓડિશન આપીને પ્રવેશ માટે લાયક ગણાઈ ત્યારે પિતાને જાણ કરવી પડી હતી. થોડા દિવસ સુધી ના કર્યા પછી આખરે પિતાએ એને પરવાનગી આપી હતી.
રામેશ્વરી ફિલ્મ ઇન્સ્ટીટ્યુટમાં પહોંચી ત્યારે એને ખબર જ ન હતી કે એનું નામ ત્યાં પહેલાંથી જાણીતું થઈ ગયું હતું. એ પોતાનું નામ નોંધાવી રહી હતી ત્યારે જ એક સિનિયર બીજાને એમ કહી રહ્યો હતો કે આ એ જ છોકરી છે. રામેશ્વરીને નવાઈ લાગી કે એને બધા કેવી રીતે ઓળખતા હશે? પછી જ્યારે રોશન તનેજાની ઓફિસમાં ગઈ અને નોંધ કરાવી ત્યારે એમણે સવાલ પૂછ્યો કે તું અશોકકુમાર અને ઋષિકેશ મુખર્જીને ઓળખે છે? ત્યારે રામેશ્વરીએ ના પાડી. રામેશ્વરીને હિન્દી કે અંગ્રેજી ભાષા પણ આવડતી ન હતી એટલે એને થયું કે તનેજાનો સવાલ એ સમજી શકી નહીં હોય.
રામેશ્વરી એની બહેન સાથે લાઈબ્રેરીમાં ગઈ ત્યારે એક છોકરીએ એને ઓળખી કાઢીને કહ્યું કે તને ખબર છે તારા માટે અહીં શું લખાયું છે? અને રામેશ્વરીને તનૂજાના મુખપૃષ્ઠવાળા ‘ફિલ્મફેર’ મેગેઝીનનો અંક બતાવ્યો. જેમાં પત્રકારે અશોકકુમારને પૂછ્યું હતું કે ફિલ્મ ઇન્સ્ટીટ્યુટના નવા બેચમાં તમને કોણ વધારે આશાસ્પદ લાગે છે? અશોકકુમારે જવાબમાં કહ્યું હતું કે,‘રામેશ્વરી.’ આ વાતનું કારણ જ્યારે રામેશ્વરીએ કોઈ પાસેથી જાણ્યું ત્યારે ખબર પડી કે એના પ્રવેશ અંગે વિવાદ થયો હતો. જ્યારે વિદ્યાર્થીઓની પસંદગી થઈ રહી હતી ત્યારે રામેશ્વરી માટે એમ કહેવામાં આવ્યું હતું કે એ દક્ષિણ ભારતીય છે અને હિન્દી જાણતી નથી તેથી પ્રવેશ આપવો ના જોઈએ. તેથી અશોકકુમારે એમ કહ્યું હતું કે આપણે અહીં હિન્દી અભિનેત્રી તૈયાર કરવાના નથી. આપણે અહીં કલાકાર પેદા કરવાના છે. બીજી ભાષા પણ આવડતી હોવી જોઈએ.
નિર્દેશક ઋષિદાએ પણ અશોકકુમારની વાતને સમર્થન આપ્યું હતું. તેથી રામેશ્વરીને પ્રવેશ આપવામાં આવ્યો હતો. પ્રથમ છ માસ રામેશ્વરી માટે કઠિન રહ્યા પછી બે વર્ષનો કોર્સ પૂરો કર્યો. હતો. ફિલ્મ ઇન્સ્ટીટ્યુટમાંથી બહાર આવ્યા પછી રામેશ્વરીને ખબર ન હતી કે ફિલ્મોમાં કામ કેવી રીતે મેળવવું. રામેશ્વરીએ જાણ્યું કે એની સાથે હતી એ આભા ધુલિયાએ રાજશ્રી પ્રોડકશનમાં જઈને ફિલ્મ મેળવી લીધી છે. પણ રામેશ્વરી દક્ષિણ ભારતીય હોવાથી મદ્રાસ જઈને તેલુગુ ફિલ્મોમાં કામ કરવાનું નક્કી કર્યું. પહેલી ફિલ્મ દાસારી નારાયણરાવની એવી મળી કે એનું ટાઇટલ શરમ લાગે એવું હતું. એટલે ના પાડી દીધી.
એ પછી રામેશ્વરીના પિતાના મિત્ર કે. રાઘવેન્દ્રરાવે મદ્રાસમાં સૂચન કર્યું કે પિતા તારી સાથે રહી શકશે નહીં અને તું એકલી અહીં કામ કરી શકશે નહીં. એને હવે હિન્દી ભાષા આવડતી હોવાથી મુંબઇ જઈ પ્રયત્ન કરવો જોઈએ. દરમ્યાનમાં રામેશ્વરીને આભાનો પત્ર આવ્યો કે એ એક મકાન લઈ રહી છે એમાં સાથે રહી શકાય એમ છે. પરિવારે આ વાત જાણ્યા પછી એને એકલી મુંબઇ જવાની રજા આપી દીધી. મુંબઇ આવ્યા પછી રામેશ્વરીએ કામ મેળવવા પ્રયત્ન શરૂ કરી દીધા. આભાની ઓળખાણથી તે નિર્દેશક અનિલ ગાંગુલીની એક ફિલ્મ માટે ઓડિશન આપવા જતી હતી ત્યારે અભિનેત્રી રાખી ત્યાં આવી અને એને એમ કહી નાની ભૂમિકા કરવાની ના પડી કે તે હીરોઈન બનવા આવી છે.
(રામેશ્વરીએ રાખીની ભવિષ્યવાણી કેવી રીતે સાચી પાડી? અને રાજશ્રીની ફિલ્મ કઈ રીતે મળી? એની રસપ્રદ વાતો આગામી લેખમાં વાંચો.)
આજનો દિવસ સાવચેતીથી પસાર કરી લેવો તેમજ ગુસ્સા પર કાબુ રાખવો પણ જરૂરી છે, વાહન ધીમે ચલાવવું સલાહ ભર્યું કહી શકાય, તાવ,માથા,આંખ,હાડકાની તકલીફ વાળાએ થોડું સાચવવું, ક્યાંક મનોરંજન પાછળ ધાર્યા કરતા વધુ ખર્ચ થઈ જય અને તેના કારણે મન થોડું અશાંત બની જાય.
આજનો દિવસ તમારો સરસ છે અને તમને ઉત્સાહ પણ સારો જોવા મળી રહે, તમારા કોઈ નવીનકામનું આયોજન થાય અને તેમાં પણ તમેને કોઈનો સારો સહયોગ સાંપડે જેની તમે સારી ખુશી અનુભવો, જુના મતભેદ ભૂલવાની તક મળે, પ્રિયજન સાથે દિવસ દરમિયાન સારી લાગણી અને યાદોનો અનુભવ થાય.
આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે સમય પસાર થાય અને ક્યાંક નાણાકીયખર્ચ પણ થઈ શકે છે, પ્રવાસનું આયોજન થાય તેમાં તમને માનસિકથાકની લાગણી વધુ અનુભવો, કોઈ જગ્યાએ મિલન મુલાકાતમાં તમારો ઉત્સાહ થોડો ઓછો જોવા મળી શકે છે, આરામ કરવાની વૃતિ વધુ જાગે.
આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો સલાહ ભર્યો છે જેથી તમે ખોટા વાદવિવાદથી દુર રહી શકો, વાહન ધીમે ચલાવવું, કફ,છાતી,પ્રેસર જેવી તકલીફ ભોગવતા લોકોએ આરોગ્યબાબતે થોડું સાચવવું, ક્યાય વાર્તાલાપ દરમિયાન કોઇપણ પ્રકારની ગેરસમજના થાય તેનું થોડું ધ્યાન રાખવું સારું કહી શકાય.
આજનો દિવસ સામાન્ય છે, કામમાં વ્યસ્ત રહેવાય તેમજ મનમાં થોડી અશાંતિ રહે તેવું લાગે, સરકારીકામ, યુનિફોર્મવાળી નોકરી,સોના-ઝવેરાત,ફાર્માક્ષેત્રમાં કામ કરનારવર્ગ ને માનસિકથાકની લાગણી વધુ રહે તેમજ કોઇપણ પ્રકારના તમારા કામમાંકે મુલાકાતમાં ધીરજ અને અનુભવનો ઉપયોગ કરવો સારો.
આજનો દિવસ સારો છે, તમારા કોઈ જુનાકામની ગુંચ ઉકેલી શકાય તેવા સંજોગો બની શકે છે , મનની ઈચ્છા પૂરી થઇ શકે, કોમ્પુટર, દલાલી, કમીશન, પત્રકાર, લેખનકામ, કાનૂની, નાણાકીય સલાહકાર માટે આજે ઉત્સાહ સારો જણાય, લગ્નબાબત વાર્તાલાપકે મિલનમુલાકાત કરાવી સારી કહી શકાય.
આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, પાડવાકે વાગવાના યોગ બને છે માટે કાળજી રાખવી , વાહન ધીમે ચલાવવું, હિતશત્રુ, ખટપટી લોકોથી દુર રહેવવું, ચામડી, એલર્જી, ડાયાબીટીસ, સ્ત્રીદર્દ ભોગવતા લોકોએ તકેદારી રાખવી, વાર્તાલાપ દરમિયાન કોઇપણ પ્રકારની ગેરસમજ ના થાય તેનું ધ્યાન રાખવું.
આજનો દિવસ તમારા માટે સરસ કહી શકાય કારણકે તમારી જૂનીઓળખાણ તાજી થાય અને તેમાં તમે સારી ખુશી અનુભવો, તમારા કામની કદર થાય, જમીન,બાંધકામ,વાહનવ્યવહાર,ધાતુના કામકરનાર વર્ગને નવીનતક દેખાય, પ્રિયજન સાથે પસંદગીની કોઈ વસ્તુ ખરીદવાની તક મળી શકે છે.
આજના દિવસ સાવચેતી અને ધીરજ રાખવી, વાહન ધીમે ચલાવવું, ખટપટ અને ગુસ્સાથી દુર રહેવું, પેટ, આંતરડા,ડાયાબીટીસના દર્દી એ તકેદારી રાખવી, કોઈની પણ સાથે વાર્તાલાપ દરમિયાન ઉગ્રતાકે અપશબ્દ ના બોલાય તેનું પણ ધ્યાન રાખવું, કામકાજમાં શાંતિથી પરોવાયા રહેવું સલાહ ભર્યું છે.
આજનો દિવસ સારો છે ઉત્સાહ સારો રહે, મુસાફરી થઈ શકે છે, ધાર્યુંકે મનનું કામ થઇ શકે, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં વધુ સમય ફાળવો યોગ્ય છે, પ્રિયજન સાથે ફરવા જવાનો યોગ બને છે, અગત્યની બાબત માટેની કોઇ જગ્યાએ વાતચીતકે મિલનમુલકાત માટે સારા સંજોગો બની શકે છે.
આજનો દિવસ સામાન્ય છે, કામમાં વ્યસ્ત રહેવાય તેવા સંજોગો છે, લાકડા, ચામડા, ધાતુ, ઓઈલ,પેટ્રોલ, કોમ્પુટરક્ષેત્રમાં કામકરનાર વર્ગને થોડી વ્યસ્તતા રહે, જુનાકામમાં ક્યાય અટવાયેલ હોવતો તેનો જલ્દીથી ઉકેલન આવે તેવું બની શકે છે. કટાક્ષવાળા શબ્દપ્રયોગના કરવાની સલાહ છે .
આજનો દિવસ સામાન્ય છે, મિત્રો સાથે કામની ચર્ચા થાય,મુસાફરી થઈ શકે છે, માર્કેટિંગમાં રેફરન્સથી કામ કરોતો લાભ થઈ શકે છે, પ્રિયજન સાથે ખરીદી કરવામાં ધાર્યા કરતા વધુ નાણા ખર્ચાય તેવા પણ સંજોગો છે. અગત્યની બાબત માટેની વાર્તાલાપમાં કોઈનો ક્યાંક સહયોગકે માર્ગદર્શન પણ મળે તેવું બની શકે છે.