અત્યારે ઘણા લોકોની સિટિંગ જોબના કારણે નાની ઉમરમાં જ કમરના દુખાવાની તકલીફ થઈ જતી હોય છે. દવાઓથી પણ કોઈ ફાયદો થતો નથી. જો તમે ઘરે જ આ સમસ્યાઓને દુર કરવા માંગતા હોય તો રોજ 5 મિનિટ તાડાસન કરવાનું શરૂ કરી દો. આનાથી ધૂંટણનો દુખાવો, કમરનો દુખાવો તો દૂર થશે એની સાથે વજન પણ ઉતરશે અને અન્ય ફાયદાઓ પણ મળશે.
તાડાસન કરવાની રીત
સામાન્ય સ્થિતિમાં ઉભા થઈ જાઓ પછી કમર અને ગરદનને સીધી રાખો.
બંને હાથને માંથુ અને ખભાની ઉપર લઈ જાઓ અને શ્વાસ અંદર લેતા શરીરને ઉપરની તરફ ખેંચો, પગના તળિયા પર ઉભા થઈ જાઓ.
હવે પગની આંગળીઓથી લઇને હાથની આંગળીઓ સુધી ખેંચાણ અનુભાવશે.
ઘીરે ધીરે શ્વાસ છોડતા શરીર અને હાથને સામાન્ય સ્થિતિમાં લઈ જાઓ.
આ આસન 4-5 વાર કરવું. વચ્ચે તમે 1-2 મિનિટનો રેસ્ટ લઈ શકો છો.
સવારે આ આસન કરવાથી સૌથી વધારે ફાયદાઓ પણ છે. શરીરમાં બ્લડ સર્કયુલેશન વધારવા માટે તાડાસનનો અભ્યાસ શ્રેષ્ઠ વિકલ્પ છે. તાડાસન કરવાથી એનર્જી વધે છે અને શરીરની મુદ્રામાં સુઘારો થાય છે. તેથી દરરોજ 5-10 મિનિટ સુધી આરોગ્ય લાભ માટે તાડાસનનો અભ્યાસ કરવો જોઈએ.
તાડાસનના ફાયદાઓ
કિશોરાવસ્થામાં ઉંચાઈ વધારવામાં આ આસન ઉપયોગી બને છે.
ફેફસાની કાર્યશક્તિ વધે છે.
શરીરના વાયુવિકાર સંતુલિત કરે છે.
પાચન ક્રિયા મજબૂત બને છે.
શારીરિક અને માનસિક સંતુલનનો વિકાસ થાય છે.
વજન ઘટાવડામાં ઉપયોગી આસન છે.
આ આસન કરવાથી માંસપેશિઓમાં થતા દુખાવાથી આરામ મળે છે.
આ આસન બોડીને શેપમાં રાખવામાં પણ ઉપયોગી છે.
આ આસન નિયમિત કરવાથી પગ મજબૂત બને છે.
તાડાસન કોને ન કરવું…
જે વ્યક્તિઓએ હાથ પગની નાની મોટી સર્જરી કરાની હોય તેંમણે આ આસન કરવું નહી.
ગર્ભવસ્થામાં આ આસન કરવું નહી.
જેમને ચક્કર આવતા હોય તેમણે આ આસન ન કરવું.
બ્લડ પ્રેશર હોય તેવો લોકોને તાડાસન ન કરવું અથવા વિશેષજ્ઞની સલાહ લઇને કરવું.
‘ગુરુ પૂર્ણિમા’ એ દિવસ છે જ્યારે શિષ્ય પોતાની ‘સંપૂર્ણતા’ પ્રત્યે સજાગ હોય છે. એ દિવસે શિષ્ય પોતાની ‘સંપૂર્ણતા’ની સજાગતામાં ગુરુ અને જ્ઞાનના પ્રત્યે કૃતજ્ઞતાથી ભરપૂર હોય છે. પરંતુ તેની કૃતજ્ઞતા દ્વૈતની નથી હોતી તે ‘અદ્વૈત’ પ્રત્યે હોય છે.
શિષ્યની સંપૂર્ણતાનો દિવસ છે ગુરુ પૂર્ણિમા
આવી જ એક વાર્તા છે. એક ગુરુજી હતા. તેમની પાસે ઘણા લોકો કંઈક ને કંઈક સમસ્યાઓ લઈને આવતા હતા. એક વાર એક વ્યક્તિ તેમની પાસે આવ્યો અને તેણે કહ્યું,”હું મારી પરીક્ષામાં અસફળ નીવડ્યો,એટલે હું બહુ દુખી છું.”તો ગુરુજીએ તેને જણાવ્યું,”અરે તું તો ઘણો ભાગ્યશાળી છું કે તારી સાથે આવું થયું, હવે તું વધારે મહેનત કરીને ભણીશ”. પછી બીજી કોઈ વ્યક્તિ આવી. તેણે કહ્યું કે મારી પત્ની મને છોડીને જતી રહી છે, તો ગુરુજીએ તેને પણ એ જ જવાબ આપ્યો કે “તું ઘણો ભાગ્યશાળી છું, તને હવે ઓછામાં ઓછું એવું જ્ઞાન તો થયું કે સ્ત્રીઓ સાથે કેવું વર્તન કરવું જોઈએ.” સૌથી છેલ્લે એક શિષ્ય આવ્યો અને તેણે કહ્યું,”ગુરુદેવ, હું બહુ ભાગ્યશાળી છું કારણ કે તમે મારા જીવનમાં છો.” ગુરુજીએ તેને કશું કહ્યું નહીં પરંતુ જોરથી એક થપ્પડ મારી. તો એ શિષ્ય આનંદથી નાચવા માંડ્યો.
હકીકતમાં એ શિષ્યને ગુરુની થપ્પડથી એ અનુભૂતિ થઈ કે ‘એ’ અને ‘ગુરુ’ અલગ નથી. ત્યાં કોઈ ‘દ્વૈત’ નથી. જેવી રીતે એક નદી એક સ્થાનથી બીજા સ્થાન સુધી વહે છે, પરંતુ સમુદ્ર પોતાની અંદર જ વહ્યા કરે છે, તેવી જ રીતે શિષ્ય માટે ગુરુ પૂર્ણિમાનો દિવસ પોતાની સંપૂર્ણતા પ્રત્યે કૃતજ્ઞતાનો દિવસ છે.
ગુરુ શિક્ષણ નહીં પણ દીક્ષા આપે છે
એક શિક્ષક શિક્ષણ આપે છે, જ્યારે એક ગુરુ દીક્ષા આપે છે. ગુરુ તમને માહિતીથી નથી ભરી દેતા, પરંતુ તે તમારી અંદર જીવન શક્તિ જાગૃત કરે છે. ગુરુની ઉપસ્થિતિમાં તમારા શરીરનો કણ કણ જીવંત થઈ જાય છે.એને જ દીક્ષા કહેવાય છે. દીક્ષાનો અર્થ માત્ર માહિતી આપવી એવો નથી,એનો અર્થ છે ‘બુધ્ધિમત્તાનું શિખર’ પ્રદાન કરવું. જ્યાં સુધી જીવનમાં વિવેક નથી આવતો,સહજતા નથી ખીલતી અને પ્રેમ નથી વહેતો ત્યાં સુધી આપણું જીવન અધૂરું રહે છે. આપણા જીવનમાં વિવેક, પ્રજ્ઞા, સહજતા અને પ્રેમ ત્યારે જ આવે છે જ્યારે જીવનમાં જ્ઞાન હોય, આપણે અંતર્મુખી હોઈએ અને આપણું મન શાંત હોય;એ જ ‘ગુરુ તત્વ’ છે.
ગુરુ અને જીવનને અલગ ના કરી શકાય
આપણું જીવન જ ગુરુ તત્વ છે. પોતાના જીવન તરફ ધ્યાનથી જુઓ.તમે જે કંઈ સાચું કે ખોટું કર્યું છે, તે અનુભવોથી જીવને તમને ઘણું શીખવાડ્યું છે. જો તમે તમારા જીવનથી નથી શીખતા તો એનો અર્થ એ છે કે તમારા જીવનમાં ગુરુ નથી. માટે પોતાના જીવનને જુઓ અને જે જ્ઞાન જીવને તમને આપ્યું છે તેનો આદર કરો.
આપણું મન ચંદ્રમા સાથે જોડાયેલું છે,જ્યારે મન જ્ઞાનથી પરિપૂર્ણ થાય છે ત્યારે ગુરુ પૂર્ણિમા થાય છે. જ્યારે આપણું મન જ્ઞાનનો આદર કરવાનું બંધ કરી દે છે ત્યારે આપણા જીવનમાં અજ્ઞાનતા અને અંધકાર આવી જાય છે. ત્યારે પૂનમ નથી રહેતી,અમાસ આવી જાય છે.
જે મળ્યું છે તેનો આદર કરવાનો દિવસ છે ગુરુ પૂર્ણિમા
ઘણી વાર આપણે જ પૂર્ણતાથી આપણું મન ફેરવી લઈએ છીએ. ઈચ્છાઓની હરિફાઈમાં દોડ્યા કરીએ છીએ અને જ્ઞાનનો અનાદર કરવા લાગીએ છીએ. આપવાવાળો તો તમને આપી જ રહ્યો છે,તેણે તમને ઘણું આપ્યું છે. તમને ઘણા આશીર્વાદ આપવામાં આવ્યા છે. જો તમે તે બધાનો ઉપયોગ કરશો તો તમને હજી વધારે આશીર્વાદ આપવામાં આવશે. જો તમને બોલવાનું આવડે છે તો તમારી વાણીનો ઉપયોગ આરોપ મુકવામાં કે ફરિયાદ કરવામાં ના કરો, તેનો ‘સદ્ઉપયોગ’ કરો. જો તમે શરીરે રુષ્ટપુષ્ટ હોવ તો સેવા કરો;આ રીતે તમને જે કંઈ મળ્યું છે તેનો ઉપયોગ સમાજસેવા માટે કરો. ઈશ્વર સંસારમાં જ રહે છે. માટે સંસારની સેવા કરવી એ જ ઈશ્વરની પૂજા કરવી છે. જ્ઞાનનું સન્માન કરવાથી તમારા જીવનમાં ઉન્નતિ થાય છે. જ્યારે તમે આના વિશે સજાગ થઈ જાવ છો ત્યારે આપોઆપ તમારામાં કૃતજ્ઞતા, ભક્તિ અને પ્રેમનો ભાવ જાગૃત થવા માંડે છે.
જાગો અને જુઓ, આપણા જીવનમાં કેટલી મધુરતા, નિષ્ઠા અને પ્રેમ છે. આપણી અંદર જે થાય છે તેને જ આપણે આપણી ચારે બાજુએ પણ મેળવવા લાગીએ છીએ અને પછી તે આપણાથી અન્ય લોકોને મળવા માંડે છે. આ ધરતી પર જેટલા સંત-મહાત્મા, પીર-પયગંબર થયા છે;થઈ રહ્યા છે અને ભવિષ્યમાં થનાર છે અને એની સાથે જ તમારી પોતાની અંદર જે જ્ઞાની અને જે બુધ્ધ,જે ગુરુનો વાસ છે; તે તમામની સાથે પોતાના અભેદ્ય સંબંધને જાણવો એ જ ગુરુ પૂર્ણિમાનો સંદેશ છે.
(શ્રી શ્રી રવિશંકરજી)
(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)
વિશ્વમાં ચીન, ભારત , રશિયા, બ્રાઝિલ, ઓસ્ટ્રલિયા, અમેરિકા જેવા વસ્તી ધરાવતા દેશો વિશે તો તમે ઘણું સાંભળ્યું હશે. મોટી વસ્તી ધરાવતા દેશોની સમસ્યાઓ પણ ઘણી ચર્ચાઓ થાય છે, પણ તમે ક્યારેય એવા દેશો વિશે સાંભળ્યું છે, જેની વસ્તી તમે કેલ્યુલેટરની મદદ વિના ય ગણી શકો? હા, આવા ટચૂકડા દેશોની પણ એક દુનિયા છે. એમની વસ્તી ઓછી છે, પણ એનાથી વિશ્વના નકશા પર એમનું મહત્વ ઓછું થતું નથી.
કોઇ દેશ એના પ્રવાસન માટે જાણીતો છે તો કોઇ દેશ એની સંસ્કૃતિ માટે. કોઇ દેશ એના ભૂગોળ માટે જાણીતો છે તો કોઇ દેશ એની પ્રજાના વિશેષ લક્ષણો માટે. જે હોય તે, પણ ઘડીકવાર માટે મોટી વસ્તીવાળા દેશોની મોટી સમસ્યાઓ ભૂલીને આ ટચૂકડા દેશોની દુનિયામાં ડોકિયું કરવા જેવું છે! આવો, જોઇએ એવા ક્યા દેશો છે, જેમની વસ્તી સૌથી ઓછી છે?
વેટિકન સિટી (વસ્તીઃ800)
ઓછી વસ્તી ધરાવતા દેશોના લીસ્ટમાં સૌથી પ્રથમ વેટિકન સિટી છે. આ દુનિયાનો સૌથી નાનો દેશ છે. જેની વસ્તી માત્ર 800 જ છે. એનું ક્ષેત્રફળ 44 હેક્ટર (108.7 એકર) છે. આ દેશ ઈટલીના રોમની અંદર આવેલો છે. અહીં મહિલાઓની સંખ્યા ઘણી ઓછી છે. કોઈ નાઇટક્લબ અને બાર પણ નથી. જો કે આ દેશની પોતાની સેના પણ છે. મુખ્યત્વે તો એ ખ્રિસ્તી ધર્મનું વડુંમથક છે, જ્યાં પોપ રહે છે.
ટોકેલાઉ(વસ્તીઃ1500)
ટોકેલાઉ (Tokelau) એક નાનકડો દરિયાઈ દેશ છે જે પોલિનેશિયનની પ્રાચીન સંસ્કૃતિને સંરક્ષિત કરે છે. આ દેશની પોતાની કોઈ જમીનની સરહદો નથી. હકીકતમાં ટોકેલાઉ દક્ષિણ પેસિફિક મહાસાગર માં આવેલા એક નાના દ્વીપનો સમૂહ છે આ દેશનો વહીવટ ન્યૂઝીલેન્ડ હસ્તક છે. નુકુઅલોફા, ફકાવે અને જીટિસ્ટો એમ ત્રણ ટાપુ ધરાવતા આ દેશની વસ્તી માત્ર 1500ની છે. આ દેશની મુલાકાત માટે અનેક પ્રવાસીઓ આવે છે એટલે પ્રવાસનસ્થળ તરીકે વધારે ઓળખાય છે.
નૌરુ (10,800)
નૌરુ વિશ્વનો ત્રીજો સૌથી નાનો દેશ છે. અહીંની વસ્તી 10,800ની છે. આ દેશનો વિસ્તાર ફક્ત 21 કિ.મી.નો જ છે. આ દેશ પેસિફિક મહાસાગરમાં આવેલું એક નાનું દ્વીપ રાષ્ટ્ર છે. જેની નજીક ઉત્તર-પૂર્વમાં કિરિબાટી, પૂર્વમાં ટુવાલુ ,દક્ષિણમાં સોલોમન દ્વીપસમૂહ અને પશ્ચિમમાં પાપુઆ ન્યૂ ગિની દ્રીપ આવેલા છે. નોંધનીય બાબત એ છે કે અહીં સોમાલિયા, અફઘાનિસ્તાન કરતાં પણ ઓછા પ્રવાસીઓ આવે છે. જોકે અહીંના લોકો મૈત્રીપૂર્ણ સ્વભાવ માટે જાણીતા છે.
તુવાલુઃ(11,600)
અહીંની વસ્તી માત્ર 11,600 છે. આ ટાપુ દેશનું ક્ષેત્રફળ ફક્ત 26 ચોરસ કિલોમીટરનું છે. હવાઈ અને ઑસ્ટ્રેલિયા વચ્ચે દક્ષિણ પેસિફિકમાં આવેલો આ દેશ આઠ દ્વીપોનો સમૂહ છે અને એની આસપાસના વિસ્તારો ટાપુઓથી ઘેરાયેલા છે. નિષ્ણાતોના કહ્યા પ્રમાણે જ્યારે સમુદ્ધનું સ્તર વધશે ત્યારે અદૃશ્ય થનાર વિશ્વનો આ પ્રથમ દેશ બની શકે છે. જો કે આ દેશ પણ વિશ્વના સહેલાણીઓની હરવાફરવા માટેની પહેલી પસંદ છે.
પાલાઉઃ(18000)
ફોટોગ્રાફી માટે જાણીતા પાલાઉ દેશની વસ્તી 18000 છે. દરિયાકિનારાનો આનંદ માણનારા લોકો માટે આ દેશ બેસ્ટ ડેસ્ટિનેશન પણ કહેવાય છે. માઈક્રોનેશિયા પ્રદેશમાં આવેલા પાલાઉ અમેરિકાથી મળતી આર્થિક મદદ પર નિર્ભર છે. આ દેશના લોકો જૂની આદિવાસી પરંપરાઓમાં વિશ્વાસ રાખે છે, જેમાં કુટુંબ, સમાજ, અને માનવતાના મૂલ્યો મહત્વપૂર્ણ છે. પાલાઉની સંસ્કૃતિ એને એની ધરતી, પરંપરાઓ અને સ્થાનિક જીવનશૈલીની વિશિષ્ટ ઓળખ આપે છે.
સેન મેરિનોઃ(34000)
સેન મેરિનો યુરોપમાં આવેલો એક નાનો દેશ છે. એની આસપાસના વિસ્તારનો સમાવેશ ઈટાલીમાં થાય છે. આ દેશની રાજધાની પણ સેન મેરિનો નામે જ ઓળખાય છે. વિશ્વના સૌથી જૂના પ્રજાસત્તાક દેશ તરીકે એ ઓળખ ધરાવે છે. એની વસ્તી 34000 છે. મહત્વની વાત તો એ છે કે સેન મેરિનોની ગણના વિશ્વના સૌથી ધનિક દેશોમાં પણ થાય છે. આ દેશની નાની-નાની ગલીઓથી લઇને અહીંના પર્વતની ટોચ પર સ્થિત ટાવર્સ જોવા જેવા છે.
લિક્ટેનસ્ટેઇનઃ (40,000)
સૌથી ઓછી બેરોજગારી દર ધરાવતો આ દેશ ખૂબ રૂઢીચુસ્ત છે. 40 હજારની વસ્તી ધરાવતો આ દેશ યુરોપનો છેલ્લો દેશ હતો, જ્યાં મહિલાઓને મત આપવાનો અધિકાર મળ્યો હતો. લિક્ટેનસ્ટેઇન કેન્દ્રીય યુરોપમાં સ્થિત છે, જેમાં પૂર્વમાં ઓસ્ટ્રિયા અને પશ્ચિમમાં સ્વિટ્ઝર્લેન્ડની સરહદ છે. લિક્ટેનસ્ટેઇનનું અર્થતંત્ર ઉદ્યોગ, સેવાઓ, અને નાણાકીય સેક્ટર પર આધાર રાખે છે. આ દેશના વિકાસમાં મશીનરી, ઇલેક્ટ્રોનિક્સ, અને નાણાકીય સેવાઓનો મહત્વનો ભાગ છે. જેના કારણે અતિશય સમૃદ્ધ દેશોમાં એનું નામ છે.
મોનાકોઃ(39000)
મોનાકો પશ્ચિમ યુરોપમાં આવેલું એક નાનું સ્વતંત્ર રાજ્ય છે. મેડિટેરેનિયન સમુદ્રના કિનારે સ્થિત મોનાકોની ઉત્તર, પશ્ચિમ અને પૂર્વમાં ફ્રાંસના વિસ્તારનો સમાવેશ થાય છે. આ દેશમાં ફક્ત 39 હજાર લોકો રહે છે. વિશ્વના સૌથી ઓછી વસ્તી ધરાવતા દેશોમાં આઠમું સ્થાન ધરાવે છે. નોંધનીય બાબત એ છે કે વિશ્વની સૌથી અલગ ફોર્મ્યુલા વન રેસ (Formula One race) દર વર્ષે અહીં યોજવામાં આવે છે. જે મોનાકો ગ્રાન્ડ પ્રિક્સ તરીકે ઓળખાય છે. 1929 થી ફોર્મ્યુલા વન ચેમ્પિયનશિપના ભાગરૂપે આયોજિત થાય છે, આ એફ1ની એક માત્ર ગ્રાન્ડ પ્રિક્સ છે જે શહેરના રસ્તાઓ પર યોજાય છે. મોનાકો ગ્રાન્ડ પ્રિક્સ એ ફોર્મ્યુલા વન સિઝનની એક અત્યંત લોકપ્રિય અને જુદા જ પ્રકારની રેસ છે, જે સમગ્ર વિશ્વના ફોર્મ્યુલા વન ચાહકોને આકર્ષે છે. આ દેશ એના કેસિનો માટે પણ જાણીતું છે.
સેન્ટ કિટ્સ અને નેવિસઃ(55000)
આ દેશ કેરિબિયનનો ભાગ છે અને તે ઉત્તર અમેરિકાની દિશામાં આવેલા છે. અર્થવ્યવસ્થા, પર્યટન અને કૃષિ પર આધારિત સેન્ટ કિટ્સ અને નેવિસ કેરેબિયન દેશ સુંદર ટાપુ તરીકે ઓળખાય છે. 55000 લોકોની વસ્તી ધરાવતા આ દેશનો વિસ્તાર માત્ર 261 ચોરસ કિલોમીટરનો છે. ખૂબ સુંદર બીચીસ, પાણીના રમતો, રિસોર્ટ્સ, અને ઐતિહાસિક મકાન માટે સેન્ટ કિટ્સ અને નેવિસની મુલાકાત માટે પ્રવાસીઓ આવે છે.
માર્શલ આઇલેન્ડ્સઃ(60,000)
માઈક્રોનેશિયા પ્રદેશમાં આવેલો 29 દ્રિપસમૂહો ધરાવતો એક નાનો દેશ એટલે માર્શલ આઇલેન્ડ્સ. 60 હજારની વસ્તી ધરાવતા આ દેશનું સ્થાન વિશ્વની સૌથી ઓછી વસ્તી ધરાવતા દેશોમાં દસમા ક્રમે આવે છે. આ દેશમાં અમેરિકાએ 1946 થી 1958 દરમિયાન અણુ બોમ્બના 67 પરીક્ષણો કર્યાં હતાં. જેમાં અત્યાર સુધીની સૌથી મોટું પરમાણુ પરિક્ષણ પણ શામેલ છે. જેનું કોડનેમ કેસલ બ્રાવો હતું. માર્શલ આઇલેન્ડ્સ એક નાનો પરંતુ વૈશ્વિક સ્તરે મહત્વપૂર્ણ દેશ છે, કારણ કે એ પર્યટકો માટે વિશિષ્ટ ગણાય છે.
અને હા, એ જાણીને નવાઇ લાગશે કે દુનિયામાં સીલેન્ડ નામનો પણ એક દેશ છે, જયાં ફક્ત ૨૭ લોકો વસે છે! જો કે. આ દેશને હજુ આંતરરાષ્ટ્રીયસ્તરે એક દેશ તરીકે માન્યતા મળવાની બાકી છે એટલે ઓછી વસ્તી ધરાવતા દેશોની યાદીમાંથી એનું નામ હાલ પૂરતુ બાકાત છે.
અહીં તેને ખૂબ મજા આવતી હતી. ખળખળ વહેતી, થોડી શાંત, થોડી તોફાની નદી, પંખીઓનો કલરવ, મંદ મંદ વાતો સુરમ્ય પવન અને થોડાં રમતાં બાળકો. બીજા લોકો માટે આમ તો આ બધું સામાન્ય જ હતું ,પણ તેના માટે આ સામાન્ય નહોતું.
કેમ?
કેમ કે લોપા નામની આ સુંદર યુવતી નાનપણથી જ પ્રકૃતિપ્રેમી જીવ હતી. તેને રોજ અહીં નદીકિનારે સમય પસાર કરવો ખૂબ ગમતો. પ્રકૃતિનું સાનિધ્ય તેને ખૂબ જ વહાલું. જેમ એક માતા બાળકને ચાહે, જેમ એક માળી પોતાના બાગને સંભાળે તેમ જ તે અદ્રશ્ય રીતે પ્રકૃતિને ચાહતી.
શહેરથી થોડે દૂર આવેલા આ નદીકિનારે બેઠેલી લોપા આજે ખુશ લાગતી હતી. તે ક્યારેનીય બેઠી બેઠી કોઇ ગીત ગણગણાવતી હતી. આમેય થોડા સમયથી તે એક અજીબ પ્રકારની મીઠી મૂંઝવણમાં હોય એવું લાગતું હતું. તેને આ દુનિયા વધુ ગમવા લાગી હતી અને તે પણ!
અહા! શું અવાજ હતો તેનો! અને વાત કરવાની રીતભાત તો શું કહેવું ભાઇ. લોપાની સાથે ત્રણ-ચાર વાર તે પણ અહીં નદીકિનારે બેસવા આવેલો. એ વખતે વાત થઇ હતી તેની સાથે. લોપાએ જ્યારે નામ પૂછ્યું ત્યારે ઘેરા પણ નમ્ર અવાજમાં તેણે કહ્યું હતુંઃ મલય. એ પણ થોડા પ્રેમભર્યા ટોનમાં.
એ પછી વાતચીતનો સિલસિલો આગળ વધ્યો, મલય અહીં બેસીને પ્રકૃતિની, પોતાના પ્રકૃતિ પ્રત્યેના પ્રેમની વાતો વધારે કરે અને પોતાના વિશે બહુ થોડી. તે ક્યાંક દૂર જોબ કરતો હતો એમ કહેલું એટલું જ. બાકી તેના વિશે લોપા કાંઇ જાણતી નહોતી. હા, તે લોપા વિષે તે બધું જ જાણતો. લોપા સામે ચાલીને કદાચ થોડી વધારે ખુલતી તેની સાથે એટલે!
આજે લગભગ પંદર દિવસ પછી તે ફરી આવવાનો હતો. આ નદીકિનારે. લોપાને મળવા. લોપા ખુશ હતી આજે. તે વિચારી રહી કે શું વાતો કરીશ આજે? નદી, પંખીઓ અને પ્રકૃતિના પ્રેમ વિષે તો ખૂબ વાતો કરી લીધી! આજે મલય સાથે શું વાતો કરું?
એવામાં પાછળથી કોઇના પગરવનો અવાજ સંભળાયો. અને તેનો અવાજ પણઃ “લોપા! ક્યાં અલોપ થઇ ગઇ?”
“અરે અરે! હું તો બસ અહીં જ છું. આવી ગયા તમે?”
“બિલકુલ,આવી ગયો.”
થોડીવાર પ્રકૃતિની આડીઅવળી વાતો કર્યા પછી નદી કિનારેથી ઉપર તરફ જતી વખતે મલયે પોતાનો જમણો હાથ તેના હાથમાં મૂક્યો. લોપાના હાથને ખૂબ ધીમેથી પકડી તેની બરાબર સામે ઊભા રહી મલય બોલ્યો, “લોપા, હું આટલા દિવસ કેમ ન આવ્યો એનું કારણ નહીં પૂછે?”
“અરે મલય, તમે કહ્યું તો હતું કે ઓફિસનું કામ છે તો થોડા દિવસ લાગશે.”
“અરે ગાંડી, હું શું લઇને આવ્યો છું ખબર છે? લંડનના સૌથી મોટા આઇ સર્જન ડો.મિશેલની તારા માટેની એપોઇન્ટમેન્ટ. આપણે બે દિવસ પછી લંડન જઇ રહ્યા છીએ, સમજી?”
પછી મલય નદી તરફ ફરીને લોપાને કહેવા લાગ્યો, “તારી આ નદી, આ પંખીઓ અને આ પવનથી હલતાં પાંદડાંઓ… આ બધું તું તારી આ સુંદર દ્રષ્ટિએ મને બતાવી શકીશ… બહુ જલદી!”
લોપા અવાક થઇ ગઇ. મલયને શું કહેવું એ તેને ન સૂઝ્યું એટલે તેણે મલયના હાથને પોતાની દ્રષ્ટિવિહીન, પણ ભાવવાહી આંખોમાંથી વહી રહેલાં ગરમ અશ્રુઓને સ્પર્શવા દીધાં.
સામે છેડે મલયના હ્રદયમાં પણ આજે થોડી ટાઢક વળી હતી. થોડાં દિવસ પહેલાં તેની કાર સાથે અથડાઇને મૃત્યુ પામેલા વંદનાબહેને અંતિમ ક્ષણોમાં કહેલી વાત તેને યાદ આવી કે, “મારા પછી મારી અંધ દીકરીનું શું થશે હવે? બસ, બની શકે તો એની લાકડી બનજે, બેટા!”
લોપાને આજે મલય ખુદ મળ્યો હતો એની લાકડી બનીને અને મલયને લોપા મળી હતી એના જીવનની નવી દ્રષ્ટિ બનીને!
(અમદાવાદસ્થિત નૃતિ શાહ ઉગતી પેઢીની તેજસ્વી લેખિકા છે. કવિતાઓ અને વાર્તાઓ લખવા ઉપરાંત એ કમ્પોઝર, વોઇસ આર્ટીસ્ટ અને ગુજરાતી ફૂડ બ્લોગર તરીકે પણ કાર્યરત છે. કવિતા અને માઇક્રોફિક્શનના એમનાં બે પુસ્તકો પણ પ્રકાશિત થયા છે.)
ભગવાન શ્રીકૃષ્ણનું જીવન કોઈ પણ વ્યક્તિના જીવનમાં આવે એવા અનેક પ્રકારના પલટાઓમાંથી પસાર થયું. એમનો જન્મ, મેઘલી મધરાતે કંસના કારાગારમાં. જન્મ પહેલાં એમનાથી મોટાં વસુદેવ-દેવકીનાં બધાં જ સંતાનો મારી નખાયાં. જન્મ બાદ તરત જ માતાપિતાથી વિયોગ. તેમનાથી માઇલો દૂર પાલક માતાપિતા નંદબાબા અને જશોદામૈયાની દેખરેખ હેઠળ ઉછેર, બે મહિનાની નાની જ ઉંમરથી તાડકાસૂરથી માંડી પૂતના સુધી અનેક રાક્ષસીશક્તિઓ એમને મારી નાખવાના ઇરાદે આવી.
ગોકુળમાં ગાયો ચરાવી એક ગોપબાળ તરીકેનું જીવન. રાધાજી મળ્યાં ખરાં પણ મથુરા જતા કૃષ્ણને રોકવાના એમના હઠાગ્રહ સામે કૃષ્ણે રાધાજીનો તો વિયોગ સહ્યો પણ વધારામાં પોતાને પ્રાણથીયે વહાલી એવી વાંસળી ત્યાગી. કંસ અને જરાસંઘથી માંડી સતત સંઘર્ષમય જીવન. છેવટે દ્વારિકામાં યાદવ સામ્રાજ્યની સ્થાપના અને સુવર્ણની દ્વારકાના મહાસમ્રાટ તરીકે અતિબળવાન યાદવસેનાનું નેતૃત્વ. મહાભારતમાં પાંડવોને સહાય કરવા જતા ક્યારેક નિહથ્થા કર્ણ પર અર્જુનને ઉશ્કેરીને વાર કે પછી નરોવા-કુંજરોવા જેવું અર્ધસત્ય અને ગુરુ દ્રોણાચાર્યનો વધ.
મહાભારતના સર્વનાશને અંતે દ્વારકા પરત ફર્યા બાદ યાદવો છાકટા બનીને અંદરોઅંદર લડ્યા, કપાઈ મૂઆ. પોતે જેનું સર્જન કર્યું હતું તે સોનાની દ્વારિકા અને પોતાના યદુકુળનો નજર સામે જ નાશ. છેવટે પારધિના બાણથી દેહોત્સર્ગ. એક એવો સંદેશ કે કર્મનું ફળ તો ઈશ્વરના અવતારને પણ ભોગવવું પડે છે, તો માણસ એના કર્મના બંધનમાંથી મુક્ત કઈ રીતે રહી શકે?
આમ છતાંય કૃષ્ણ મધરાતે ગવાક્ષમાં ઊભા રહી મથુરા કે બરસાના તરફ શૂન્યમનસ્ક મને તાકી રહે છે રાધાજીએ તો માત્ર કૃષ્ણનો વિયોગ ભોગવ્યો પણ તે સામે કૃષ્ણએ રાધાજી અને વાંસળી બંનેને ખોયાં. પ્રશ્ન એ થાય છે કે કોનો ત્યાગ મોટો? ઈશ્વરનો અવતાર હોવા છતાં પણ કૃષ્ણે બધું જ વેઠ્યું.
અને એટલે જ ગીતા હોય કે મહાભારત, કૃષ્ણ પાસે બધા જ પ્રશ્નોના જવાબ છે.
વંદે કૃષ્ણમ્ જગદગુરુમ્
(નિધિ દિવાસળીવાળા નવી પેઢીની તેજસ્વી લેખિકા છે. સુરતસ્થિત વીર નર્મદ યુનિવર્સિટીના સ્નાતક નિધિના બે પુસ્તકો કાવ્યસંગ્રહ ‘ઝરણી’ અને ચિંતનકણિકાના સંગ્રહ ‘નિજાનંદ’ ઉપરાંત ‘થોડામાં ઘણું’ મોટીવેશનલ સુવિચારોને પણ વાચકોએ વખાણ્યા છે. માનવ સંબંધો, સ્વભાવ અને સમાજ વ્યવસ્થા ઉપર આધારિત એક લેખમાળા એમના સોશિયલ મીડિયા ઉપર નિયમિત પ્રસિદ્ધ થાય છે. આ કોલમમાં એ મહાભારત અને ગીતા ઉપર આધારિત વહીવટ તેમજ મોટીવેશનને લગતી વાતો સરળ ભાષામાં સમજાવે છે.)
ગુજરાત સહિત દેશભરમાં મેઘરાજા બઘડાટી બોલાવી રહ્યા છે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત સહિત રાજ્યભરમાં બારે મેઘ ખાંગા થયા છે. ત્યારે હજુ પણ હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં અમદાવાદ સહિત રાજ્યભરમાં ભારે વરસાદ પડશે. તો બીજી તરફ સૌરાષ્ટ્રમાં પણ મેઘરાજાએ બઘડાટી બોલાવી દીધી છે. જુનાગઢ, પોરંબદર અને દ્વારકા સહિત રાજ્યભરમાં ભારે વરસાદના પગલે જનજીવન પર ભારે અસર પડી છે.
ગુજરાતના સૌરાષ્ટ્રમાં બારે મેઘ ખાંગા થયા હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે.પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ અને ગીર-સોમનાથમાં ભારે વરસાદથી જનજીવનને અસર પહોંચી છે.દેવભૂમિ દ્વારકામાં 24 કલાકમાં 18 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. જુનાગઢના કેશોદમાં અનેક ગામડાઓ બેટમાં ફેરવાયા છે. ગીર-સોમનાથના વેરાવળના અનેક વિસ્તારો જળમગ્ન થયા છે. પોરબંદરના વાડી વિસ્તારમાં 8 ગામોમાં પાણીના પ્રવાહમાં ફસાયેલા 71 લોકોના રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. ફાયર બ્રિગેડના 30 જવાનોએ રેસ્ક્યુ બોટની મદદથી જીવ બચાવ્યાં છે. વરસાદમાં કોઈપણ કટોકટીને પહોંચી વળવા NDRFની 10 ટીમો સજ્જ છે.
હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવએ જણાવ્યું હતું કે, હાલમાં ગુજરાત રાજ્ય પર ત્રણ સિસ્ટમ સક્રિય થઈ છે. જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગ પર સાયક્લોનિક સર્ક્યુલેશન તથા શિયર ઝોન અને દક્ષિણ ગુજરાતથી લઈને ઉત્તર કેરળ સુધી ઓફ શોર ટ્રફની રચના થઈ છે. જેને કારણે સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં અતિ ભારે વરસાદની શક્યતાઓ છે. પોરબંદર શહેર અને જિલ્લામાં સતત ચાર દિવસથી પડી રહેલા વરસાદને કારણે વરસાદી પાણીનો કહેર જોવા મળી રહ્યો છે.
માત્ર 45 કલાકમાં 27 ઇંચથી વધારે વરસાદ પડી ગયો છે.જેને પગલે લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા હતા.ઘરવખરી,અનાજ અને વાહનોને નુકસાની થઇ છે.પોરબંદરના 16 ગામોનું પાણી બોખીરા વિસ્તારમાં આવી પહોંચ્યું હતું.જેના કારણે અનેક મકાનો પાણીમાં ગરક થઇ જતાં ઘરવખરી અને માલ સામાનને મોટા પાયે નુકસાન થયું હતું. લોકોના ફ્રિજ, સોફા અને સેટી પલંગ પણ પલળી ગયા હતા. લોકોને ભારે નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે. પોરબંદર જિલ્લામાં ભારે વરસાદને કારણે અનેક ગ્રામ્ય વિસ્તારો પાણીથી જળબંકાર બની ગયા છે. આઠ જેટલા ગામોમાં વધુ 71 લોકોના રેસ્ક્યૂ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. બોટની મદદથી રેસ્ક્યૂની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
વરસાદના કારણે દ્વારકામાં લોકોના ઘર અંદાજીત 7થી 8 ફૂટ જેટલું પાણી ઘરમાં ભરાયું હતું. ઘરવખરી પણ પાણીમાં ગરકાવ થઈ હતી.લોકોની દુકાનો અંદર તેમજ બેન્ક ઓફ બરોડા અને સેન્ટ્રલ બેન્કમાં પાણી ભરાવાથી લાખોના મુદ્દામાલનું નુકસાન થયું હોવાનું અનુમાન લગાવી શકાય છે.ધોધમાર વરસાદને પગલે ગ્રામ્ય વિસ્તારોના અનેક માર્ગો બંધ થયા હતા, ખેતરો જળબંબાકાર તો જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું. અનેક મકાનમાં ત્રણ-ત્રણ ફૂટ પાણી ભરાઈ જતાં લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા.
NEET-UG પેપર લીક કેસમાં CBI સતત એક્શન મોડમાં કામ કરી રહી છે. આ ક્રમમાં, એજન્સીએ આ કેસમાં વધુ ત્રણ ધરપકડ કરી છે, જેમાં પેપર લીક ગેંગના કિંગપિન શશિકાંત પાસવાનનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત આ ગેંગ સાથે સંકળાયેલા બે વિદ્યાર્થીઓની પણ ધરપકડ કરવામાં આવી છે.
ધરપકડ કરાયેલા વિદ્યાર્થીઓ ભરતપુર મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ છે. શશિકાંત નામનો કિંગપીન પંકજ અને રાજુનો સહયોગી છે જેમની અગાઉ ધરપકડ કરવામાં આવી હતી. આ તમામ લોકો 5મી મેના રોજ સવારે હજારીબાગમાં પેપર સોલ્વ કરવા માટે હાજર હતા. ધરપકડ કરાયેલા વિદ્યાર્થીઓમાંથી એક પ્રથમ વર્ષનો વિદ્યાર્થી છે અને બીજો બીજા વર્ષનો વિદ્યાર્થી છે. તેમની ઓળખ કુમાર મંગલમ અને દીપેન્દ્ર શર્મા તરીકે થઈ છે.
19 જુલાઈએ રિમ્સના એક વિદ્યાર્થીને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો
અગાઉ, 19 જુલાઈના રોજ, સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ NEET-UG પેપર લીક કેસમાં ઝારખંડના રાંચીમાંથી MBBS પ્રથમ વર્ષના વિદ્યાર્થીની અટકાયત કરી હતી. 2023 બેચની વિદ્યાર્થીનીની ઓળખ રાજેન્દ્ર ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (RIMS)ની સુરભી કુમારી તરીકે થઈ છે અને તે રામગઢ જિલ્લાની રહેવાસી છે. આ વિદ્યાર્થીનો એવો પણ આરોપ છે કે તે પેપર સોલ્વ કરવા માટે 5 મેના રોજ હજારીબાગમાં હાજર રહ્યો હતો.
પટના એઈમ્સના વિદ્યાર્થીઓની 18 જુલાઈએ ધરપકડ કરવામાં આવી હતી
સીબીઆઈએ પેપર લીક કેસમાં ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)-પટનાના ચાર MBBS વિદ્યાર્થીઓ સહિત પાંચ લોકોની ધરપકડ કરી હતી. AIIMS-પટનાના વિદ્યાર્થીઓ પર નાલંદાની કુખ્યાત ‘સોલ્વર ગેંગ’ને લીક થયેલા પેપર ઉકેલવામાં મદદ કરવાનો આરોપ છે. આ કેસમાં ધરપકડ કરાયેલા પાંચમા વ્યક્તિની ઓળખ સુરેન્દ્ર કુમાર તરીકે થઈ હતી, જેણે પૂછપરછ દરમિયાન ખુલાસો કર્યો હતો કે 5 મેના રોજ લેવાયેલી પરીક્ષા પહેલા લીક થયેલા પેપરને ઉકેલવા માટે AIIMS-પટનાના વિદ્યાર્થીઓને પટનાની એક હોટલમાં લઈ જવામાં આવ્યા હતા.