Home Blog Page 163

પેશાવરની બેંકમાંથી ચાર કિલો સોનું, કરોડો રૂપિયાના કેશની ચોરી

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં ચોરોએ ઈદ પહેલાં, ચાંદ રાતે મોટી લૂંટ ચલાવીને પોતાને જ ઈદી આપી દીધી છે. પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતની રાજધાની અને સૌથી મોટા શહેર પેશાવરમાં લૂંટારુઓ ઈદ-ઉલ-ફિતર પહેલાં નેશનલ બેંકની એક શાખામાં ઘૂસી ગયા અને રાતભર સુરક્ષા વ્યવસ્થાની ખામીઓનો લાભ લઈ લાખો રૂપિયાની કેશ અને અંદાજે 2.1 કરોડ રૂપિયાની જ્વેલરી ચોરી કરી લઈ ગયા, એમ પોલીસ દ્વારા આપવામાં આવી છે.

આ ઘટના શુક્રવારે રાત્રે કોહાટ રોડ પર આવેલી નેશનલ બેંકની શાખામાં બની હતી. લૂંટારુઓ પાછળના ખુલ્લા વિસ્તારમાંથી કટર અને અન્ય સાધનોની મદદથી બેંકમાં પ્રવેશ્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે રાત્રે કોઈ સુરક્ષા શિફ્ટ ન હોવાની નીતિને કારણે ત્યાં કોઈ ગાર્ડ ફરજ પર નહોતો. આનો લાભ લઈ લૂંટારુઓ બેંકમાં રહેલા 13.7 લાખ રૂપિયાની રોકડ ચોરી કરવામાં સફળ રહ્યા હતા.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ચોરોએ લોકર તોડી નાખ્યાં અને સુરક્ષા લોકરમાંથી લગભગ 400 તોલા સોનું ચોરી લીધું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સ્ટીલ કાપવા માટે ગેસ સિલિન્ડરનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. ચોરાયેલી જ્વેલરીની કુલ કિંમત અંદાજે 2.10 કરોડ રૂપિયા ગણવામાં આવી રહી છે. પોલીસે કહ્યું હતું કે શંકાસ્પદોની ઓળખ કરવા અને તેમની ધરપકડ માટે બેંક આસપાસની ઇમારતો તેમ જ શહેરના સેફ સિટી પ્રોજેક્ટ હેઠળના CCTV ફુટેજની તપાસ કરવામાં આવી રહી છે.

આ ઘટના પેશાવરમાં છેલ્લા 15 દિવસમાં બનેલી બીજી મોટી બેંક લૂંટ છે. આ પહેલાં છઠ્ઠી માર્ચે પીર્બાલા વિસ્તારમાં આવેલી એક ખાનગી બેંકમાં લૂંટનો પ્રયાસ પોલીસે નિષ્ફળ બનાવ્યો હતો. આ દરમિયાન થયેલા ગોળીબારમાં ત્રણ અધિકારીઓ ઘાયલ થયા હતા અને બાદમાં એક પોલીસ કર્મચારીનું ઈજાઓને કારણે મોત થયું હતું.

એપ્રિલથી દિલ્હીમાં વીજળી મોંઘી થવાની શક્યતા

નવી દિલ્હીઃ શહેરના લોકોને એપ્રિલથી મોંઘવારીનો નવો આંચકો લાગી શકે છે. અધિકારીઓએ રવિવારે જણાવ્યું હતું કે એપ્રિલ 2026થી દિલ્હીમાં વીજળીના દરોમાં વધારો થવાની શક્યતા છે, કારણ કે દિલ્હી સરકાર ત્રણેય પાવર ડિસ્કોમ્સને 38,000 કરોડ રૂપિયા કરતાં વધુ બાકી ચુકવણી કરવાની તૈયારીમાં છે. જોકે, સરકારનો પ્રયાસ છે કે ગ્રાહકો પર તેની અસર ઓછી પડે. તેથી વીજળીના સંભવિત દરવધારા પર સબસિડી આપવાની યોજના પણ તૈયાર થઈ રહી છે. દિલ્હી સરકાર દ્વારા ત્રણ વીજ વિતરણ કંપનીઓ (Power Distribution Companies)ને 38,000 કરોડ રૂપિયા કરતાં વધુની બાકી રકમ ચૂકવવાની છે.

 દિલ્હીમાં વીજળી કેમ મોંઘી થશે?

ગત વર્ષ ઓગસ્ટમાં સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યો હતો કે રેગ્યુલેટરી એસેટ્સ (જેમા 27,200 કરોડ રૂપિયાની કેરિંગ કોસ્ટ — એટલે કે વ્યાજ — પણ સામેલ છે) દિલ્હીની ત્રણ ખાનગી ડિસ્કોમ્સ BRPL, BYPL અને TPDDLને સાત વર્ષમાં ચૂકવવામાં આવે. રેગ્યુલેટરી એસેટ્સ એટલે એવી ખર્ચ રકમ જે ભવિષ્યમાં વસૂલ કરવાની હોય છે. છેલ્લાં 10 વર્ષથી આમ આદમી પાર્ટીની સરકાર દરમિયાન વીજ દરોમાં વધારો ન થવાને કારણે આ રકમ ઝડપથી વધી ગઈ છે.

દિલ્હી વીજ નિયામક પંચ (DERC)એ જાન્યુઆરીમાં કેન્દ્રીય એજન્સી વીજ અપીલીય ટ્રિબ્યુનલ (APTEL)ને જણાવ્યું હતું કે દિલ્હીમાં કુલ રેગ્યુલેટરી એસેટ્સ 38,552 કરોડ રૂપિયા છે. વસૂલાતમાં વિલંબ થતાં તેના પર વ્યાજ વધતાં મૂળ રકમ વધુ વધી ગઈ છે. કોર્ટે DERCને વસૂલાતની યોજના બનાવવાની, કેરિંગ કોસ્ટ (વ્યાજ)નો હિસાબ રાખવાનો અને ખર્ચ વસૂલવામાં થયેલા લાંબા વિલંબ અંગે વિગતવાર ઓડિટ કરાવવાનો પણ આદેશ આપ્યો હતો. આ રકમ સાત વર્ષ દરમિયાન વીજ બિલમાં રેગ્યુલેટરી એસેટ સરચાર્જ વધારીને વસૂલ કરવામાં આવશે.

અધિકારીઓના જણાવ્યા મુજબ મૂળ રેગ્યુલેટરી એસેટની વસૂલાતમાં થયેલા વિલંબને કારણે તેના પર વધતા વ્યાજથી કુલ બોજો વધુ વધી ગયો છે.દિલ્હીના વીજ મંત્રી આશિષ સુદે ગયા વર્ષ માર્ચમાં જણાવ્યું હતું કે વિતરણ કંપનીઓને રેગ્યુલેટરી એસેટ્સ તરીકે જમા થયેલા આશરે 27,000 કરોડ રૂપિયા વસૂલવાની મંજૂરી આપવામાં આવી છે, જેનાથી રાજધાનીમાં વીજળીના દરોમાં વધારો થવાની સંભાવના છે.

યુદ્ધથી 40થી વધુ ઊર્જા સ્થાનો ક્ષતિગ્રસ્તઃ ઓઇલ-ગેસ સપ્લાય પર વૈશ્વિક સંકટ

નવી દિલ્હીઃ વેસ્ટ એશિયામાં ચાલી રહેલા યુદ્ધની અસર હવે વૈશ્વિક ઊર્જા સપ્લાય પર ગંભીર રીતે દેખાઈ રહી છે. ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી (IEA)ના પ્રમુખ ફાતિહ બિરોલ અનુસાર આ સંઘર્ષ દરમિયાન નવ દેશોમાં આવેલા 40થી વધુ ઊર્જા સ્થાનો ગંભીર રીતે નુકસાનગ્રસ્ત થયાં છે. જેને કારણે વૈશ્વિક સપ્લાય ચેન પર લાંબા સમય સુધી અસર પડ એવી શક્યતા છે.

તેમણે જણાવ્યું હતું કે ઓઇલના કૂવા, રિફાઇનરી અને પાઇપલાઇનને થયેલા નુકસાનને કારણે તેમને ફરી શરૂ કરવામાં સમય લાગશે. ત્રણ અઠવાડિયાથી વધુ સમયથી ચાલતા આ સંઘર્ષે સમગ્ર ઊર્જા સપ્લાય વ્યવસ્થાને અસર કરી છે. મહત્વપૂર્ણ સમુદ્રી માર્ગ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ લગભગ બંધ થવાની સ્થિતિમાં છે, જેને કારણે ક્રૂડ ઓઇલ, ગેસ અને ઈંધણના ભાવોમાં વધારો થયો છે. તેમના જણાવ્યાનુસાર હાલની પરિસ્થિતિ 1970ના દાયકાના ઓઇલ સંકટ અને 2022ના ગેસ સંકટ જેટલી ગંભીર છે.

તેમણે જણાવ્યું હતું કે માત્ર ઓઇલ અને ગેસ જ નહીં, પરંતુ પેટ્રોકેમિકલ, ખાતર, સલ્ફર અને હિલિયમ જેવાં જરૂરી ઉત્પાદનોના વેપાર પર પણ અસર પડી છે, જે વૈશ્વિક અર્થતંત્રને ગંભીર અસર પહોંચાડી શકે છે.

ઊર્જા સંકટ સામે મળીને કામ કરવાની જરૂર: IEA

વેસ્ટ એશિયામાં ચાલી રહેલા યુદ્ધની સૌથી વધુ અસર એશિયા દેશો પર પડી રહી છે. તેમણે જણાવ્યું હતું કે એશિયા આ વિસ્તારમાંથી આવતા ક્રૂડ ઓઇલ પર ભારે નિર્ભર છે, તેથી અસર વધુ જોવા મળી રહી છે. ચીન દ્વારા ઈંધણ નિકાસ મર્યાદિત કરવાનો નિર્ણય અંગે તેમણે કહ્યું હતું કે આવા સમયમાં તમામ દેશોએ મળીને સંકટનો સામનો કરવો જોઈએ. દરેક દેશ પહેલા પોતાનાં હિતો જુએ છે, પરંતુ મજબૂત કારણ વગર નિકાસ પર કડક પ્રતિબંધ લગાવવો આંતરરાષ્ટ્રીય સ્તરે યોગ્ય માનવામાં આવતો નથી.

IEAએ માર્ચની શરૂઆતમાં મહત્વપૂર્ણ પગલું લઈ ઇમર્જન્સી ભંડારમાંથી 400 મિલિયન બેરલ તેલ છોડવાની જાહેરાત કરી હતી. તેનો હેતુ સપ્લાયની અછત ઘટાડવો અને વધતા ભાવોને નિયંત્રિત કરવાનો છે. ગયા અઠવાડિયે એજન્સીએ તેલ આયાત કરનારા દેશોને માગ ઘટાડવા માટેના ઉપાયો પણ સૂચવ્યા હતા.

સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર ઈરાને લગાવ્યો $ બે મિલિયનનો ટોલ

નવી દિલ્હીઃ અમેરિકા અને ઇઝરાયેલ સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે વૈશ્વિક સમુદ્રી માર્ગ પર પોતાનું નિયંત્રણ મજબૂત કરવા માટે ઈરાને હોર્મુઝ જલસંધિમાંથી પસાર થતાં કેટલાંક જહાજો પર 20 લાખ ડોલર (લગભગ 18.8 કરોડ રૂપિયા)નો શૂલ્ક લગાવવાનો નિર્ણય લીધો છે. ઈરાન ઇન્ટરનેશનલના એક રિપોર્ટ મુજબ સંસદની રાષ્ટ્રીય સુરક્ષા સમિતિના સભ્ય અને ઈરાની સાંસદ અલાઉદ્દીન બોરુજેર્દીએ જણાવ્યું હતું કે આ ભારે શૂલ્ક પહેલેથી જ અમલમાં મૂકવામાં આવ્યો છે.

તેમણે કહ્યું હતું કે સ્ટ્રેટમાંથી પસાર થતાં કેટલાંક જહાજોથી ટ્રાન્ઝિટ ફી તરીકે 20 લાખ ડોલર વસૂલવા ઈરાનની શક્તિ દર્શાવે છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે યુદ્ધની કિંમત હોય છે, તેથી સ્વાભાવિક રીતે અમારે આ પગલું લેવું પડે છે અને હોર્મુઝ જલસંધિમાંથી પસાર થતાં જહાજોથી ટ્રાન્ઝિટ ફી વસૂલવી પડશે. તેમણે દાવો કર્યો હતો કે આ પગલું ઇસ્લામિક રિપબ્લિકના અધિકારને દર્શાવે છે.

 ઈરાનને અમેરિકાએ આપી ચેતવણી

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે ઈરાનને ધમકી આપતાં કહ્યું કે જો તહેરાન 48 કલાકની અંદર હોર્મુઝ જલસંધિને ખુલ્લી નહીં કરે તો તેના પાવર પ્લાન્ટોને નષ્ટ કરી દેવામાં આવશે. ટ્રમ્પે સોશિયલ મિડિયા પ્લેટફોર્મ લખ્યું હતું કે જો ઈરાન આગામી 48 કલાકમાં કોઈ ધમકી વિના હોર્મુઝ જલસંધિને સંપૂર્ણ રીતે નહીં ખોલે, તો અમેરિકા તેમના વિવિધ વીજ ઉત્પાદન કેન્દ્રો પર હુમલો કરશે અને સૌથી મોટા પ્લાન્ટથી શરૂઆત કરશે.

અમેરિકી રાષ્ટ્રપતિની ધમકીઓનો ઈરાને જવાબ આપતાં ચેતવણી આપી કે જો અમેરિકા તેના પાવર પ્લાન્ટ્સ પર હુમલો કરશે તો તે હોર્મુઝ જલસંધિને સંપૂર્ણ રીતે બંધ કરી દેશે અને પાણી સંબંધિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર જવાબી હુમલો કરશે.

 ઈરાની સાંસદનું નિવેદન

ઈરાની સંસદની રાષ્ટ્રીય સુરક્ષા સમિતિના સભ્ય અલાઉદ્દીન બોરુજેર્દીએ જણાવ્યું હતું કે હોર્મુઝ જલસંધિમાંથી પસાર થતાં કેટલાંક જહાજો પર લાગુ કરાયેલો નવો $ બે મિલિયનનો ટોલ પહેલેથી અમલમાં આવી ગયો છે. તેમણે કહ્યું હતું કે આ પગલું દાયકાઓ બાદ આ જલસંધિમાં ઈરાનના અધિકારને દર્શાવે છે.

રાશિ ભવિષ્ય 23/03/2026 થી 29/03/2026

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

અંગત કામોને કારણે કામકાજમાં ધ્યાન ઓછું અને અન્ય પ્રવૃત્તિઓમાં રસ વધુ રહે તેવી સ્થિતિ બની શકે છે. વધુ વિચારોને કારણે કામમાં રસ ઘટે અને કામ મન માર્યા કરવું પડે તેવી લાગણી થઈ શકે છે. સ્પર્ધાત્મક પરીક્ષા આપનાર માટે સમયનો સદુપયોગ ઓછો થઈ શકે છે. ખરીદી અને સામાજિક પ્રવૃત્તિઓને કારણે સમય અને નાણાનો વ્યય થઈ શકે છે. સાસરી પક્ષ તરફથી કોઈ મહત્વના સમાચાર મળી શકે છે. આરામ કરવાની વૃત્તિ વધુ રહે. બજારમાં અનુભવના આધારે નાનું અને સંયમિત કામ કરવું યોગ્ય રહેશે.


સંતાન અને પ્રેમસંબંધમાં કંઈક નવીનતા જોવા મળી શકે છે. લગ્નસંબંધિત વાતચીતમાં સકારાત્મક સંકેતો મળી શકે છે. જૂના મિત્રો સાથે મળવા-મળાવામાં ઉત્સાહ અનુભવશો અને જૂની યાદો તાજી થશે. વિદ્યાર્થીવર્ગને નવી માહિતી કે શીખવાની તક મળશે. તમારું માન જળવાશે અને કામમાં અન્યનો સહયોગ મળશે, જેના કારણે આનંદ થશે. બજારમાં આત્મવિશ્વાસ સાથે કામ કરશો તો લાભ પણ મળી શકે છે.


નોકરી કે વ્યવસાયમાં ઉતાર-ચઢાવને કારણે મનમાં અશાંતિ અને ઉદ્ગ્વેગ અનુભવાઈ શકે છે. કામમાં ઉત્સાહ ઓછો રહે અને નાની બાબતોમાં ઉશ્કેરાઈ જવાની શક્યતા છે. ઘર કે ઓફિસમાં દલીલબાજી થઈ શકે, પરંતુ ધીરજ રાખવાથી પરિસ્થિતિ નિયંત્રણમાં રહેશે. કામમાં અન્યનો સહયોગ ઓછો મળે અને તમે પણ સહયોગ આપવા ઉત્સુક ન રહો તેવી સ્થિતિ બને. બજારમાં કામકાજ કરતી વખતે દ્વિધા રહે, જેનાથી કાર્ય પર અસર પડી શકે છે.


આ સપ્તાહ આતુરતા ભરેલું રહી શકે છે. ભાઈ-બહેન સાથેના કામોમાં સહયોગ ઓછો મળે. લગ્નસંબંધિત વાતચીતમાં ખટપટ થઈ શકે છે. મહેનત પ્રમાણે પરિણામ ન મળતાં અશાંતિ અનુભવાઈ શકે છે. કોઈના સ્વાસ્થ્યની ચિંતા અથવા અચાનક ખર્ચ થઈ શકે છે. નોકરીમાં કામનું ભારણ વધે અથવા અણગમતું કામ કરવું પડે, જેના કારણે માનસિક તણાવ વધે. બજારમાં ધીરજથી કામ કરવું અને વાહન ધીમે ચલાવવું.


પરિસ્થિતિમાં ધીમે ધીમે સુધારો થશે, તેથી ધીરજ રાખવી જરૂરી છે. ક્ષણિક ગુસ્સો સમસ્યા ઉભી કરી શકે છે. અણધાર્યા ખર્ચથી થોડી અકળામણ થાય, પરંતુ મોટી સમસ્યા નહીં બને. વધુ વિચારોને કારણે કામ અને વર્તનમાં અસર દેખાશે. મુસાફરી થવાની શક્યતા છે, પરંતુ તેમાં થાક અને કંટાળો અનુભવશો. વાતચીત દરમિયાન સ્પષ્ટતા અને સંયમ રાખવો. બજારમાં ઉતાવળમાં નિર્ણય ન લેવો.


પરિવર્તન સાથે આનંદ અને ઉત્સાહનો સમય રહેશે. લગ્નસંબંધિત મુલાકાતમાં તમારી પ્રતિભા સકારાત્મક અસર કરશે. તમે થોડા ચંચળ અને ઉદાર બની શકો છો, પરંતુ ગેરસમજ ટાળવા સાવચેત રહેવું. બજારમાં કામ અપેક્ષા મુજબ થોડું ઓછું રહે. અટકેલા કામ પૂર્ણ કરવાનો પ્રયત્ન કરશો તો પ્રગતિ થશે. સ્પર્ધાત્મક પરીક્ષા આપનાર માટે સમયનો સદુપયોગ જરૂરી છે. આરોગ્ય પ્રત્યે બેદરકારી ન રાખવી.


આ સપ્તાહ દરમિયાન કામકાજમાં વ્યસ્તતા રહેશે. સામાજિક અને ધાર્મિક કાર્યક્રમોમાં તમારી હાજરી પ્રભાવશાળી બનશે અને આત્મસંતોષ મળશે. કોઈ નવું કાર્ય શરૂ થઈ શકે છે. અણધાર્યા ખર્ચની શક્યતા છે. તમે અન્યના કામમાં સહયોગ આપી શકો છો અને તમારા કાર્યની કદર થશે. અટકેલી બાબતોમાં યોગ્ય સહયોગ મળી શકે છે. બજારમાં ગણતરીપૂર્વક કાર્ય કરવું.


આ સપ્તાહ તમારી ધીરજની પરીક્ષા લઈ શકે છે. મહેનત અને યોગ્ય આયોજન જરૂરી બનશે. મિત્રો અને સગાસ્નેહીઓ સાથે મુલાકાતમાં આનંદ સાથે થોડો થાક પણ અનુભવશો. અટકેલા કામમાં મહેનત કરવાથી પ્રગતિ થશે. સ્વાસ્થ્ય અંગે ખાસ કાળજી રાખવી, ખાસ કરીને શરદી, તાવ, કફ અથવા માથાના દુખાવા જેવી સમસ્યામાં. બજારમાં નાનું અને આયોજનપૂર્વકનું કામ કરવું. લગ્નસંબંધિત ચર્ચામાં વ્યવહારુ અભિગમ અપનાવો.


આ સપ્તાહમાં અધીરાઈ વધે તેવી શક્યતા છે, જેના કારણે ઉશ્કેરાટમાં આવી શકો છો. છતાં કામમાં સહયોગ મળવાથી પરિસ્થિતિ સંભાળી શકશો. ઘર કે ઓફિસમાં મતભેદ થઈ શકે, પરંતુ તમારી વ્યવહારકુશળતા પરિસ્થિતિને નિયંત્રિત કરશે. બજારમાં નિર્ણયશક્તિનો અભાવ જણાય, તેથી શાંતિથી અને વિચારપૂર્વક કામ કરવું.


આ સપ્તાહમાં ઉત્સાહ જોવા મળશે. પસંદગીની વ્યક્તિ સાથે સકારાત્મક વાતચીત થશે અને તમારી લાગણીની કદર થશે. કોઈ તમને નારાજ હોય તો પણ તેમની તરફથી સારો પ્રતિભાવ મળી શકે છે. તમારી લાગણીનો દુરુપયોગ ન થાય તેનું ધ્યાન રાખવું. લગ્નસંબંધિત વાતચીતમાં સારા સંકેતો મળશે. ધાર્મિક પ્રવૃત્તિઓ તરફ ઝોક વધશે. બજારમાં અનુભવના આધારે કામ કરશો તો લાભ મળશે.


નાની બાબતોમાં ગુસ્સો આવવાની શક્યતા છે, પરંતુ અચાનક નાણાકીય લાભ પણ મળી શકે છે. કમર, સાંધા અથવા સ્નાયુ સંબંધિત તકલીફ હોય તો કાળજી રાખવી. સગાસ્નેહીઓ સાથેની વાતચીતમાં આનંદદાયક માહિતી મળી શકે છે. હિતશત્રુઓથી સાવચેત રહેવું. મનપસંદ વસ્તુ ખરીદવાની તક મળી શકે છે. બજારમાં નાનું અને પસંદગીયુક્ત કામ કરવું યોગ્ય રહેશે.


જાહેર પ્રસંગોમાં તમારી પ્રતિભા ઝળહળી ઊઠશે. કામમાં અન્યનો સારો સહયોગ મળશે. મહેનત અને આયોજનથી સારા પરિણામ મળશે. લગ્નસંબંધિત વાતચીતમાં સકારાત્મક પ્રતિસાદ મળશે, પરંતુ ઈર્ષાળુ લોકોની ખટપટથી સાવચેત રહેવું. પ્રવાસ આનંદદાયક રહેશે. મિત્રવર્તુળ સાથે નવી વાતોનું આદાન-પ્રદાન થશે. બજારમાં યોગ્ય આયોજનથી કામ કરશો તો લાભ મળશે.

પંચાંગ 23/03/2026

૨૩ માર્ચ ૨૦૨૬

ભારતની મોટી જીત! અમેરિકા-રશિયાથી ગેસ ભરેલા જહાજો મંગલુરુ પહોંચ્યા

ભારતમાં રસોઈ ગેસના સંકટ પર હવે પૂર્ણવિરામ મુકાવા જઈ રહ્યું છે. રવિવારે સવારે અમેરિકાના ટેક્સાસથી નીકળેલું વિશાળ ટેન્કર ‘પિક્સિસ પાયોનિયર’ (Pyxis Pioneer) સુરક્ષિત રીતે ન્યુ મંગલુરુ પોર્ટ પર પહોંચી ગયું છે. તેની સાથે જ રશિયાથી કાચું તેલ અને ગેસ લઈને આવેલું જહાજ ‘એક્વા ટાઇટન’ (Aqua Titan) પણ મંગલુરુ બંદરે ડોક કરી ચૂક્યું છે. આ અગાઉ ત્રણ જહાજો હોર્મુઝ સ્ટ્રેટ પાર કરીને ભારત આવ્યા હતા, જે ભારતની ઉર્જા વ્યવસ્થા માટે મોટી જીત ગણાય છે.

આગામી અઠવાડિયાનું શેડ્યૂલ

આગામી અઠવાડિયે ભારતની ગેસ સપ્લાય ચેઈન વધુ મજબૂત બનશે:

૨૫ માર્ચ: ‘અપોલો ઓસિયન’ નામનું જહાજ ૨૬,૬૮૭ ટન ગેસ લઈને આવશે, જે ઇન્ડિયન ઓઈલ અને ભારત પેટ્રોલિયમની જરૂરિયાત પૂરી કરશે.

૨૯ માર્ચ: વધુ એક જહાજ ૩૦,૦૦૦ ટન ગેસ લઈને પહોંચશે, જે HPCL માટે હશે.

કુલ પુરવઠો: આ અઠવાડિયે મંગલુરુમાં ૭૨,૭૦૦ ટનથી વધુ રસોઈ ગેસ પહોંચશે, જે દક્ષિણ ભારતના રાજ્યો માટે મોટી રાહત સાબિત થશે.

હોર્મુઝ સ્ટ્રેટ પર યુદ્ધના વાદળો

એક તરફ ભારતને ગેસ મળી રહ્યો છે, તો બીજી તરફ વૈશ્વિક સ્તરે સ્થિતિ સ્ફોટક છે. અમેરિકાએ ઈરાનને હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા માટે ૪૮ કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે, અન્યથા ઈરાનના વીજ મથકો પર હુમલાની ચેતવણી આપી છે. આના જવાબમાં ઈરાને નકશા પર ગલ્ફ દેશોના વીજ પ્લાન્ટ્સ બતાવીને ‘Say Goodbye to Electricity’ નો અત્યંત ઉગ્ર સંદેશ આપ્યો છે. ઈરાને ધમકી આપી છે કે જો તેના પર હુમલો થશે તો તે આખા ગલ્ફ વિસ્તારને અંધારામાં ડુબાડી દેશે.

ઇન્ટરનેશનલ મેરીટાઇમ ઓર્ગેનાઇઝેશન (IMO) માં ઈરાનના પ્રતિનિધિ અલી મૌસવીએ સ્પષ્ટ કર્યું છે કે હોર્મુઝનો માર્ગ માત્ર ઈરાનના ‘દુશ્મનો’ (અમેરિકા અને ઈઝરાયેલ) માટે જ બંધ રહેશે. તેમણે કહ્યું કે જો હુમલા બંધ કરી દેવામાં આવે તો તણાવ ઓછો થઈ શકે છે, પરંતુ ઈરાનને હવે માત્ર યુદ્ધવિરામ નહીં પણ જંગનો કાયમી અંત જોઈએ છે.

ઈરાનનો યુ-ટર્ન, અમેરિકા-ઈઝરાયેલ સિવાય બધા માટે હોર્મુઝ ખુલ્લું, તેલ સંકટ વચ્ચે મોટી રાહત

ડોનાલ્ડ ટ્રમ્પની 48 કલાકની ચેતવણી બાદ ઈરાને જાહેરાત કરી છે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ માત્ર અમેરિકા અને ઈઝરાયેલ જેવા દુશ્મન દેશો માટે જ બંધ રહેશે. ઈરાનના પ્રતિનિધિ અલી મૌસવીએ જણાવ્યું કે જો જહાજો સુરક્ષા નિયમોનું પાલન કરે અને દુશ્મન દેશો સાથે સંકળાયેલા ન હોય, તો તેમને પસાર થવામાં કોઈ અવરોધ નહીં આવે. ઈરાને સંયુક્ત રાષ્ટ્ર (UN) સાથે મળીને કામ કરવાની તૈયારી દર્શાવી છે, પરંતુ શરત મૂકી છે કે અમેરિકા અને ઈઝરાયેલે તેમના હુમલા રોકવા પડશે.

ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલી તંગદિલી હવે નિર્ણાયક તબક્કે પહોંચી છે. રવિવાર, 22 માર્ચ 2026ના રોજ આંતરરાષ્ટ્રીય દરિયાઈ સંગઠન (IMO) માં ઈરાનના પ્રતિનિધિ અલી મૌસવીએ એક મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું કે ઈરાન આ આંતરરાષ્ટ્રીય જળમાર્ગને સંપૂર્ણપણે ઠપ્પ કરવા માંગતું નથી. મૌસવીના જણાવ્યા અનુસાર, “જો કોઈ જહાજ ઈરાનના સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરે છે અને તેનો સંબંધ અમેરિકા કે ઈઝરાયેલ સાથે નથી, તો તેને પસાર થવા દેવામાં આવશે.

વિવાદની પૃષ્ઠભૂમિ અને આર્થિક અસર

આ વિવાદની શરૂઆત 28 ફેબ્રુઆરી થી થઈ હતી, જ્યારે ઈરાને આ માર્ગ બંધ કરવાની જાહેરાત કરીને અમેરિકા અને ઈઝરાયેલ સુધી તેલનો પુરવઠો રોકવાનો પ્રયાસ કર્યો હતો. વિશ્વનો આશરે 20% તેલ અને ગેસ આ જ સાંકડા માર્ગમાંથી પસાર થાય છે. જો આ માર્ગ લાંબો સમય બંધ રહે તો વૈશ્વિક બજારમાં તેલના ભાવ આસમાને પહોંચી શકે છે અને વિશ્વભરમાં ઉર્જા સંકટ સર્જાઈ શકે છે.

ટ્રમ્પનું અલ્ટીમેટમ અને ઈરાનની શરતો

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કડક શબ્દોમાં ચેતવણી આપી હતી કે જો 48 કલાકમાં હોર્મુઝનો રસ્તો નહીં ખુલે, તો અમેરિકા ઈરાનના પાવર ગ્રીડ અને વીજ મથકોને નિશાન બનાવશે. આ ધમકીના જવાબમાં ઈરાને વાતચીતનો માર્ગ ખુલ્લો રાખવાની તૈયારી બતાવી છે પરંતુ કેટલીક શરતો મૂકી છે. અમેરિકા અને ઈઝરાયેલે ઈરાન પરના તમામ સૈન્ય હુમલાઓ તાત્કાલિક બંધ કરવા પડશે. ખાડી વિસ્તારમાં સુરક્ષા માટે પરસ્પર વિશ્વાસનું વાતાવરણ ઉભું કરવું પડશે. ઈરાન નાવિકોની સુરક્ષા માટે UN સાથે સહયોગ કરવા તૈયાર છે.

બીજી તરફ, અમેરિકાએ આ વિસ્તારમાં જહાજોને સુરક્ષા આપવા માટે એક આંતરરાષ્ટ્રીય નૌકાદળ ગઠબંધન બનાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ નાટો (NATO) દેશોએ ઈરાન વિરુદ્ધ સીધી સૈન્ય કાર્યવાહીમાં જોડાવા માટે ખચકાટ અનુભવ્યો છે. હવે સમગ્ર વિશ્વની નજર 48 કલાકની ડેડલાઇન પૂરી થવા પર છે. જો ટ્રમ્પ પ્રશાસન ઈરાનની આ દરખાસ્ત સ્વીકારે છે, તો તણાવ ઓછો થઈ શકે છે, અન્યથા મધ્ય પૂર્વમાં એક મોટું યુદ્ધ ફાટી નીકળવાની પૂરેપૂરી શક્યતા છે.

ઈરાને F-15 ફાઈટર જેટ તોડી પાડ્યાનો કર્યો દાવો

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલો સંઘર્ષ હવે સીમાઓ વટાવી રહ્યો છે. રવિવાર, 22 માર્ચ 2026 ના રોજ ઈરાની સેનાએ હોર્મુઝ આઈલેન્ડના વ્યૂહાત્મક વિસ્તારમાં ઉડી રહેલા એક વિદેશી ફાઈટર જેટને તોડી પાડ્યું હતું. ઈરાનના જણાવ્યા અનુસાર, આ F-15 જેટ તેમના દક્ષિણી આકાશમાં અનધિકૃત રીતે પ્રવેશ્યું હતું, જેના જવાબમાં જમીન પરથી મિસાઈલ છોડીને તેને ફૂંકી મારવામાં આવ્યું હતું. જોકે, હજુ સુધી અમેરિકા કે ઈઝરાયેલ તરફથી આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

અત્યાર સુધીનું લશ્કરી નુકસાન (તથ્યો અને આંકડા):

ઈરાન સાથેના આ યુદ્ધમાં અમેરિકા અને ઈઝરાયેલને ટેકનિકલ અને આર્થિક રીતે મોટો ફટકો પડ્યો છે:

હવાઈ નુકસાન

કુલ 28 વિમાનો પ્રભાવિત થયા છે. જેમાં અમેરિકાના 16 એરક્રાફ્ટ સામેલ છે, જેમાંથી 12 અત્યંત મોંઘા MQ-9 રીપર ડ્રોન છે. એક ડ્રોનની કિંમત આશરે 56.5 મિલિયન ડોલર છે.

F-35 સ્ટીલ્થ ફાઈટર

19 માર્ચે ઈરાને વિશ્વના સૌથી આધુનિક F-35 જેટને નિશાન બનાવ્યું હતું. અમેરિકાએ સ્વીકાર્યું છે કે વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું, પરંતુ કારણ સ્પષ્ટ કર્યું નથી.

ડિફેન્સ સિસ્ટમ પર હુમલો

ઈરાને અમેરિકાની THAAD (Terminal High Altitude Area Defense) સિસ્ટમ સાથે જોડાયેલા AN/TPY-2 રડારને નુકસાન પહોંચાડ્યું છે. આ રડારની કિંમત 300 થી 500 મિલિયન ડોલરની વચ્ચે હોય છે. કતારના અલ ઉદીદ એરબેઝ પરનું 1.1 બિલિયન ડોલરનું રડાર પણ ક્ષતિગ્રસ્ત થયું છે.

યુદ્ધનો આર્થિક બોજ

આ યુદ્ધ અમેરિકા માટે અત્યંત ખર્ચાળ સાબિત થઈ રહ્યું છે. પ્રથમ ૬ દિવસમાં જ અમેરિકાએ 11 થી 12 બિલિયન ડોલર ખર્ચી નાખ્યા છે. અત્યાર સુધીમાં ૩૦૦થી વધુ ટોમહોક (Tomahawk) મિસાઈલ છોડવામાં આવી છે, જેમાં એક મિસાઈલની કિંમત 3.5 મિલિયન ડોલર છે. વધુમાં, અમેરિકાના યુદ્ધ જહાજ USS જેરાલ્ડ આર ફોર્ડમાં લાગેલી આગને બુઝાવવામાં 30 કલાકનો સમય લાગ્યો હતો, જેના કારણે તેની ઓપરેશનલ ક્ષમતા પર અસર પડી છે. હોર્મુઝની સામુદ્રધુની પાસે બનેલી આ ઘટનાએ વિશ્વભરમાં ક્રૂડ ઓઈલના પુરવઠા અને સુરક્ષા અંગે ચિંતા વધારી દીધી છે. જો ઈરાનનો આ દાવો સાચો સાબિત થાય છે, તો તે અમેરિકન વાયુસેના માટે મોટો આંચકો ગણાશે.