અમદાવાદ: 2 એપ્રિલ એટલે વર્લ્ડ ઓટિઝમ અવેરનેસ ડે… જેની પૂર્વસંધ્યાએ ઇન્સ્ટિટ્યુટ ઓફ હ્યુમન જીનેટિક્સના પ્રો. જયેશ શેઠ અને સ્પેશિયાલિટી હોમિયોપથીના ડો. કેતન પટેલે પત્રકારો સાથે વાતચીત કરી. તેમણે કહ્યું કે, ડાયટ અને કસરત દ્વારા ઓટિઝમના 80 ટકા કેસ સારા થઇ શકે છે. 20 ટકા બાળકોમાં મેટાબોલિક અને જીનેટિક કારણોસર તેમના માટે ડાયટની સાથે દવાઓ પણ જરૂરી બને છે. આવા જીનેટિક ઓટિઝમની સારવાર માટે હોમિયોપથી ઘણી કારગત પુરવાર થઇ છે. હોમિયોપથીની દવાઓ દ્વારા જીનેટિક અસરોને ઘણે અંશે નાબૂદ કરી શકાય છે અથવા તો નિયંત્રણમાં લાવી શકાય છે.
ડો. કેતન પટેલે જણાવ્યું હતું કે, સોડિયમ ચેનલ, પોટેશિયમ ચેનલ, એકવા ચેનલ એપિલેપ્ટિક, એન્સેફેલો, ઇન્ટેલેક્ટને અસર કરનાર જનીનની અસરો હોમિયોપથીની દવાઓથી 90 ટકા સુધી નાબુદ કરી શકાય છે. ફક્ત 10 ટકા જનીનમાં સુધારો થઇ શક્તો નથી.
ડો. કેતન પટેલે વધુમાં જણાવ્યું હતું કે “ઓટિઝમની સારવાર માટે આપણે નવી માર્ગદર્શિકાઓને ઘડીને અમલમાં મૂકવાનો યોગ્ય સમય પાકી ગયો છે. પશ્ચિમનાં દેશોની ઓટિઝમ સારવાર અંગેની માર્ગદર્શિકાઓથી નિશ્ચિત સમયમાં સારવારની અસર જણાતી નથી. ભારતમાં ઓટિઝમની સારવાર માટે તાલિમબધ્ધ ડોકટરોની અછત વર્તાય છે. આથી આપણે પશ્ચિમનાં દેશોની માર્ગદર્શિકાઓને ભૂલીને આપણી પોતાની માર્ગદર્શિકા ઘડીએ તે જરૂરી છે. ભારતનાં ડોકટરો ઓટિઝમની સારવારમાં પશ્ચિમી દેશોની સરખામણીમાં ઘણાં આગળ છે. આથી આપણે ત્યાં ઓટિઝમની સારવારમાં ડાયટ, કસરત અને વ્યક્તિગત સારવાર પ્લાન સાથેનો નવો પ્રોટોકોલ અમલી બને તે જરૂરી છે.”
પ્રો. જયેશ શેઠે જણાવ્યું કે, ઓટિઝમ એ એવાં પ્રકારનું દર્દ છે જેમાં બાળકો મંદબુદ્ધિના નથી હોતા પણ તેમના મગજના ન્યૂરોન્સના વાયરિંગમાં કોઇ અવરોધ સર્જાવાથી કે કોઇ ગરબડ થવાથી તેની બોલવાની અને વિચારવાની ક્ષમતાને અસર પહોંચે છે. ઓટિઝમના 50 ટકા કિસ્સામાં આવાં જનીનની સમસ્યા ખાસ જોવા મળે છે. આવા બાળકોનું નિદાન જેટલું વહેલું થઇ જાય તેટલી સારવાર અને માર્ગદર્શન વધુ અસરકારક નીવડે છે.
ડો પટેલ અને પ્રો. શેઠે વધુમાં જણાવ્યું હતું કે હાલમાં ઓટીઝમના રોગથી પીડાતા 100થી વધુ જરૂરિયાતમંદ બાળકોની સારવાર, જીનેટીક ટેસ્ટ અને તેની સાથે સંકળાયેલ થેરાપીથી કરાઈ રહી છે. જેની પાછળ વાર્ષિક રૂ. 5,૦૦,૦૦૦ સુધીની મદદ ડોકટરો દ્વારા કરવામાં આવી રહી છે. આગામી સમયમાં ગુજરાતમાં ઓટીઝમનાં ક્ષેત્રમાં સારવાર અને રિસર્ચ કરનારા એલોપેથીક, હોમિયોપેથીક, આર્યુવેદિક જેવી તમામ શાખાના ડોકટરો સંયુક્તપણે થેરાપી કરનાર સાથે રહી, ઝડપી સારવાર અને સુધારો લાવવા કટિબધ્ધ છે.
વિશ્વભરમાં જન્મ લેતા દર 36 બાળકોમાંથી 1 બાળક ઓટીઝમથી પીડિત હોય છે. આ આંકડો અત્યંત ભયજનક ગણવામાં આવ્યો છે, કારણકે વિશ્વભરમાં કેન્સરગ્રસ્ત, ડાયાબીટીસ અને HIV જેવા જીવલેણ રોગોથી પીડાતા બાળકોની ટકાવારી કરતાં ઓટીઝમથી પીડિત બાળકોની સંખ્યા વધારે છે.






શાહીબાગ વિસ્તાર સ્થિત કેમ્પ હનુમાન મંદિર ટ્રસ્ટ દ્વારા દર વર્ષની પરંપરા અનુસાર ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે સામૂહિક હનુમાન ચાલીસાના પાઠ બાદ આ યાત્રાનો પ્રારંભ થયો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રીએ હનુમાનજીના રથની આરતી ઉતારી હતી અને ત્યાર બાદ શ્રીફળ વધેરીને શોભાયાત્રાના મુખ્ય રથને પ્રસ્થાન કરાવ્યું હતું.
શોભાયાત્રામાં ગજરાજ, ઊંટગાડી, વિવિધ ટ્રક, ‘ઓપરેશન સિંદૂર’ના ટેબ્લો, વિશાળ ગદા, ભજન મંડળીઓ સાથે મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. યાત્રાના રૂટ પર ઠેર-ઠેર રથયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
શાહીબાગ કેમ્પ હનુમાનથી નીકળેલી આ શોભાયાત્રા બપોરે વાસણા બેરેજ સ્થિત વાયુદેવતા મંદિરે પહોંચશે અને ત્યાંથી સાંજે નિજ મંદિરે પરત ફરશે. લોકવાયકા મુજબ, હનુમાનજી પોતાના જન્મદિવસે ઉત્સવ ઉજવતા પહેલા પિતા વાયુદેવની મંજૂરી લેવા માટે જાય છે. આ મંજૂરી લેવાની પ્રક્રિયાના ભાગરૂપે જ દર વર્ષે હનુમાન જયંતિના આગળના દિવસે આ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે. ભક્તો માને છે કે પિતાની પરવાનગી બાદ જ હનુમાન જયંતિનો મહોત્સવ સાચી રીતે સફળ બને છે.
આ પ્રસંગે કેમ્પ હનુમાન મંદિરના પ્રમુખ સુધીરભાઈ નાણાવટી, એડીસી બૅન્કના ચેરમેન અજયભાઈ પટેલ, મંદિરના અન્ય ટ્રસ્ટીઓ તેમજ વિશાળ સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા.










