નાગપુર: મહારાષ્ટ્રના નાગપુરમાં લગભગ રૂ. 23 કરોડનું ગોલ્ડ લોન કૌભાંડ બહાર આવ્યું છે. આશ્ચર્યજનક રીતે, ICICI બેંકની વિવિધ શાખાઓમાં નકલી સોનાનાં આભૂષણોને અસલી બતાવી ગિરવે રાખવામાં આવ્યાં અને બેંકમાંથી અંદાજે રૂ. 23 કરોડની લોન મેળવવામાં આવી હતી. આ મામલે બેંકની ફરિયાદને આધારે ધંતોલી પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધ્યો છે અને વિગતવાર તપાસ શરૂ કરી છે.
બેંકની નવ અલગ-અલગ શાખાઓમાં નકલી દાગીના
આ કૌભાંડ જાન્યુઆરી 2023થી ઓક્ટોબર 2025 દરમિયાન કરવામાં આવ્યું હતું. બેંકે પોતાના ગોલ્ડ લોન પોર્ટફોલિયોની આંતરિક ઓડિટ કરાવતા આ છેતરપિંડીનો ખુલાસો થયો. ઓડિટ દરમિયાન જાણવા મળ્યું હતું કે બેંકની નવ અલગ-અલગ શાખાઓમાં ગિરવે રાખેલાં આભૂષણો વાસ્તવમાં સોનાનાં નહોતાં, પરંતુ નકલી હતાં. માહિતી મુજબ કુલ 195 ખાતાધારકોએ ગેરકાયદે લોન લીધી હતી.
સોનાની શુદ્ધતા તપાસ્યા વગર લોન કેવી રીતે મળી?
બેંકની સત્તાવાર ફરિયાદ બાદ ધંતોલી પોલીસે આરોપીઓ સામે છેતરપિંડીની કલમો હેઠળ કેસ નોંધ્યો છે. પોલીસ તપાસ કરી રહી છે કે શું બેંકના અંદરના કેટલાક કર્મચારીઓ અથવા અધિકારીઓ પણ આ ગઠબંધનનો ભાગ હતા કે નહીં, કારણ કે સોનાની શુદ્ધતા ચકાસનાર વેલ્યુઅર્સની મંજૂરી વગર એટલું મોટું લોન મળવી શક્ય નથી. હાલ પોલીસ 195 શંકાસ્પદ ખાતાધારકો અને સંબંધિત વેલ્યુઅર્સની યાદી તૈયાર કરી રહી છે.

નકલી સોનું રાખીને બેંકે ગોલ્ડ લોન કેવી રીતે આપી?
નાગપુર પોલીસના જણાવ્યાનુસાર ICICI બેંકના ઝોનલ ઓફિસમાં કાર્યરત ધનંજય રમેશ થિટેની ફરિયાદને આધારે ધંતોલી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાયો છે. બેંક દ્વારા કરાયેલા ગોલ્ડ લોન ઓડિટમાં જાણવા મળ્યું હતું કે મનીભવન શાખા સહિત કુલ નવ શાખાઓમાં જમા કરાયેલું સોનું નકલી હતું.
આરોપ છે કે જાન્યુઆરી 2023થી ઓક્ટોબર 2025 વચ્ચે 159 ખાતાધારકોએ બેંકના વેલ્યુઅર અને ઓડિટર્સ સાથે મળીને આ કાવતરું રચ્યું હતું. નકલી આભૂષણોને અસલી બતાવી બેંકમાંથી અંદાજે રૂ. 23,19,64,751ની લોન લેવામાં આવી. પોલીસે આરોપીઓ સામે ભારતીય દંડ સંહિતાની કલમ 406, 409, 420, 468, 120(બ) અને 34 હેઠળ ગુનો નોંધ્યો છે અને તપાસ શરૂ કરી છે.




