Home Blog Page 1499

તમિલ ફિલ્મ નિર્માતા દિલ્લી બાબુનું 50 વર્ષની વયે અવસાન

મુંબઈ: ફિલ્મ નિર્દેશક એમ. મોહનના નિધન બાદ સાઉથ ઈન્ડસ્ટ્રીમાંથી વધુ એક દુખદ સમાચાર સામે આવ્યા છે. પીઢ તમિલ ફિલ્મ નિર્માતા દિલ્લી બાબુનું સોમવારે 50 વર્ષની વયે અવસાન થયું છે. દિલ્લી બાબુનું 9 સપ્ટેમ્બરે સવારે ચેન્નઈમાં અવસાન થયું છે. અડધી રાત્રે તેમણે દેહ છોડી દીધો હતો. તેમના આકસ્મિક નિધનથી સમગ્ર તમિલ ફિલ્મ ઉદ્યોગમાં આઘાતનો માહોલ છે. તેમના પાર્થિવ દેહને ચેન્નાઈના પેરુંગાલથુર ખાતેના તેમના નિવાસસ્થાને લાવવામાં આવ્યા છે. નિર્માતા દિલ્લી બાબુને તાજેતરમાં જ વય સંબંધિત બિમારીઓને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેઓ ઘણા મહિનાઓથી સારવાર હેઠળ હતા.

દિગ્ગજ ફિલ્મ નિર્માતાના નિધનના સમાચાર સાંભળીને મનોરંજન ઉદ્યોગ તેમના નિધન પર શોકમાં છે. દિલ્લી બાબુ છેલ્લા કેટલાક સમયથી ઉંમર સંબંધિત બિમારીથી પીડિત હતા. માત્ર 50 વર્ષની ઉંમરે તેમણે તમિલ સિનેમાને અલવિદા કહ્યું અને તેમના નિધનના સમાચારે તેમની સાથે નજીકથી કામ કરનારા લોકો સહિત દરેકને આઘાત પહોંચાડ્યો. સેલિબ્રિટી, નિર્દેશકો અને સહકર્મીઓએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેમને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપી છે. તેના ચાહકો અને મિત્રો સોશિયલ મીડિયા પર તેને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

દિલ્લી બાબુએ ઈન્ડસ્ટ્રીને અલવિદા કહી દીધું
દિલ્લી બાબુનું 9 સપ્ટેમ્બર, 2024 ના રોજ સવારે ચેન્નાઈમાં અવસાન થયું. તેની પ્રોડક્શન કંપની, એક્સેસ ફિલ્મ ફેક્ટરીએ તેના સત્તાવાર હેન્ડલ દ્વારા સમાચારની પુષ્ટિ કરી દિલ્લી બાબુનું અવસાન થયું છે. પોસ્ટમાં આગળ લખવામાં આવ્યું છે કે, ‘આ મુશ્કેલ સમયમાં, અમે દરેકને વિનંતી કરીએ છીએ કે તેઓ તેમની પ્રાર્થનામાં તેમને અને તેમના પરિવારને યાદ રાખે.’

દિલી બાબુની હિટ ફિલ્મો
તેણે 2015માં ફિલ્મ ‘ઉરુમીન’થી નિર્માતા તરીકે ડેબ્યૂ કર્યું હતું. દિલી બાબુ દ્વારા નિર્મિત કેટલીક પ્રખ્યાત ફિલ્મોમાં વિષ્ણુ વિશાલની ‘રત્સાસન’, આધી ની ‘મરાગાધ નાન્યામ’, અરુલ્નિથની ‘ઇરાવુક્કુ આયરમ કાંગલ’, અશોક સેલ્વનની કેટલીક ફિલ્મ સામેલ છે.

વરસાદનું જોર ઘટ્યું, જાણો હવામાન વિભાગની આગાહી

ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિગ બાદ વરસાદનું જોર ઘટતું જોવા મળી રહ્યું છે. છેલ્લા ત્રણ દિવસમાં વરસાદ માત્ર છૂટો છવાયો નોંધાય રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ રાજ્યમાં યેલો અલર્ટ સાથે સામાન્યથી ભારે વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગ આગાહી અનુસાર મોનસુન ટ્રફના કારણે આગામી ત્રણ દિવસ દરમિયાન રાજ્યના કેટલા ભાગોમાં સામાન્યથી ભારે વરસાદની સંભાવના છે. તેમાં ખાસ કરીને રાજ્યના પૂર્વ વિસ્તારમાં આવેલા જિલ્લાઓમાં વરસાદી એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તારીખ 10મી સપ્ટેમ્બરના એટલે કે આવતી કાલે દાહોદ, અરવલ્લી, નર્મદા, મહીસાગર, છોટાઉદેપુર, પંચમહાલમાં વરસાદની શક્યતા છે. જ્યારે 11મી સપ્ટેબરે દાહોદ, પંચમહાલ, વડોદરા અને છોટા ઉદેપુરમાં છુટાછવાયો વરસાદ પડી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેરમાં છુટા છવાયો વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગે કરી છે. તથા શહેરમાં ભેજનું પ્રમાણ વધુ રહેવાથી વાતાવરણમાં ગરમી અને બફારાનો અનુભવ થાય છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો સરેરાશ 122 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સૌથી વધુ કચ્છ ઝોનમાં 183 ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં 129 ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં 124 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાત ઝોનમાં 118 ટકા અને ઉત્તર ગુજરાત ઝોનમાં 106 ટકા વરસાદ નોંધાયો છે.

GST કાઉન્સિલની બેઠકઃ રૂ. 2000ના કાર્ડ ટ્રાન્ઝેક્શન પર હવે 18 ટકા GST

નવી દિલ્હીઃ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) કાઉન્સિલની 54મી બેઠકમાં સોમવારે કેટલાય મહત્ત્વના એલાન કરવામાં આવ્યા છે, જેમાં હવે ક્રેડિટ કાર્ડ અથવા ડેબિટ કાર્ડથી રૂ. 2000થી ઓછી ચુકવણી કરવા પર 18 ટકા GST લાગશે. એ 18 ટકા GST ટ્રાન્ઝેક્શનની મર્ચન્ટ ફી (પેમેન્ટ ગેટવેને અપાનારો શૂલ્ક) પર વસૂલવામાં આવશે. એ નિર્ણય GSTની કાઉન્સિલની બેઠકમાં લેવામાં આવ્યો હતો. હાલમાં પેમેન્ટ એગ્રીગેટર્સને રૂ. 2000થી ઓછીની રકમની લેવડદેવડ પર GSTની ચુકવણીમાંથી છૂટ છે.

GST કાઉન્સિલે આ નિર્ણય ફિટમેન્ટ કમિટીની સલાહ પર લીધો છે, જેણે પેમેન્ટ ગેટવે ઉપલબ્ધ કરાવવાવાળી કંપનીઓથી મર્ચન્ટ ફી પર 18 ટકા GST વસૂલવાની ભલામણ કરી હતી. GST કાઉન્સિલમાં સામેલ બધાં રાજ્યોના પ્રતિનિધિઓએ આ મામલામાં પેમેન્ટ ગેટવે કંપનીઓને કોઈ છૂટ નહીં આપવાનો નિર્ણય કર્યો છે.

અહેવાલ મુજબ ફિટમેન્ટ કમિટીએ પેમેન્ટ એગ્રિગેટર્સને નાના ટ્રાન્ઝેક્શન પર GST છૂટ નહીં આપવાની ભલામણ કરી હતી. કમિટીની ભલામણ હતી કે એગ્રિગેટર્સની કમાણી પર 18 ટકા GST વસૂલવામાં આવે. જોકે આ GST વસૂલીથી ટ્રાન્ઝેક્શન કરવાવાળા ગ્રાહક પર અસર પડવાની સંભાવના નથી. જોકે રૂ. 2000થી ઓછા ટ્રાન્ઝેક્શન પર સર્વિસ ટેક્સ  (ત્યારે GST નહોતો) નહીં લેવાનો નિર્ણય ડિસેમ્બર, 2016માં લેવામાં આવ્યો હતો. નોટબંધી પછી બજારમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા માટે એ નિર્ણય લેવામાં આવ્યો હતો.

GST કાઉન્સિલની આ બેઠકમાં વીમા પ્રીમિયમ પર GST દૂર કરવાના નિર્ણયને હાલપૂરતો ટાળી દેવામાં આવ્યો છે. આગામી બેઠકમાં એ મામલા પર વિચાર કરવામાં આવશે.

 

રિલાયન્સ ફાઉન્ડેશન સ્કિલિંગ એકેડમીનો રાજ્યમંત્રી જયંત ચૌધરીના હસ્તે પ્રારંભ

મુંબઈ: ભારતના યુવાનોને ભવિષ્યની નોકરીઓ માટે તૈયાર કરવા માટે સમર્પિત પ્લેટફોર્મ રિલાયન્સ ફાઉન્ડેશન સ્કિલિંગ એકેડમી(Reliance Foundation Skilling Academy)નો કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલયના રાજ્ય મંત્રી જયંત ચૌધરી(Jayant Chaudhary)ના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો છે. રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન(NSDC)ના સહયોગથી આયોજિત ‘એમ્પાવરિંગ યુથ ફોર ધ જોબ્સ ઓફ ધ ફ્યુચર’ પરની રાષ્ટ્રીય પરિષદમાં આ પ્લેટફોર્મ લોન્ચ કરવામાં આવ્યું છે. લોકાર્પણ પ્રસંગે રાજ્યમંત્રી જયંત ચૌધરીએ જણાવ્યું હતું કે, “ભારતના યુવાનો અપાર તકોના ચોક પર ઊભા છે અને રિલાયન્સ ફાઉન્ડેશન અને NSDC વચ્ચેનો સહયોગ તેમને ભવિષ્યની નોકરીઓને લઈને સશક્ત બનાવવા માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ પગલું છે. રિલાયન્સ ફાઉન્ડેશન સ્કિલિંગ એકેડેમીનો પ્રારંભ આ પ્રતિબદ્ધતાનો પુરાવો છે.  કૌશલ્યમાં રોકાણ કરીને આપણે માત્ર એક મજબૂત કાર્યબળનું નિર્માણ જ નથી કરી રહ્યા પરંતુ વૈશ્વિક પડકારોનો સામનો કરવા માટે તૈયાર નવી પેઢીને પણ ઘડી રહ્યા છીએ.”ઝડપથી વિકસતા રોજગાર જગતમાં કૌશલ્યના ભાવિ તરફ ધ્યાન દોરતા રિલાયન્સ ફાઉન્ડેશનના સી.ઈ.ઓ. જગન્નાથ કુમારે જણાવ્યું, “યુવાનોને તેમની આકાંક્ષાઓ પ્રાપ્ત કરવા સક્ષમ બનાવવું એ રિલાયન્સ ફાઉન્ડેશનની મુખ્ય વિચારધારાનો એક ભાગ છે. રિલાયન્સ ફાઉન્ડેશન સ્કિલિંગ એકેડમી તે આકાંક્ષાઓને પરિપૂર્ણ કરવા અને ભવિષ્યની નોકરીઓ માટે યુવાનોને તૈયાર કરવા માટેનું એક પગલું છે.” રિલાયન્સ ફાઉન્ડેશન સ્કિલિંગ એકેડમી (www.rfskillingacademy.com) એક ઓપન-ટુ-ઑલ પ્લેટફોર્મ છે જે કૌશલ્ય નિર્માણ, વ્યક્તિગત નિષ્ણાત માર્ગદર્શન અને અર્થપૂર્ણ રોજગાર માટે ઉદ્યોગ સાથેના જોડાણોની સુવિધા માટે અભ્યાસક્રમો પ્રદાન કરે છે. તે વ્યક્તિને તેમની કારકિર્દીના કોઈપણ તબક્કે કૌશલ્યની સુવિધા આપીને ટેકો આપવા માટે રચાયેલું છે. પ્લેટફોર્મ દ્વારા રિલાયન્સ ફાઉન્ડેશનનો હેતુ માત્ર આગામી એક વર્ષમાં 6 લાખ યુવા ભારતીયોને સશક્ત બનાવવાનો છે.રિલાયન્સ ફાઉન્ડેશન અને ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેક્નિકલ એજ્યુકેશન (AICTE) એ પ્લેટફોર્મ પર વિકસિત ભાવિ-લક્ષી કૌશલ્ય અભ્યાસક્રમોની પહોંચ અને અસરને વધારવા માટે રિલાયન્સ ફાઉન્ડેશન સ્કિલિંગ એકેડેમીમાં સહયોગ કરવા સંમત થયા છે, જેનાથી સ્કિલ ઈન્ડિયા મિશનને સમર્થન મળશે. સાથે મળીને કામ કરીને બંને સંસ્થાઓ એ સુનિશ્ચિત કરશે કે આ અભ્યાસક્રમો દેશભરની AICTE સાથે સંલગ્ન ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં નોંધાયેલા વિદ્યાર્થીઓ માટે સુલભ બને અને તેમની રોજગાર ક્ષમતા અને ભાવિ કર્મચારીઓની તૈયારીમાં નોંધપાત્ર વધારો કરે.

મુંબઈ: અમિત શાહ અને શરદ પવારે કર્યા લાલબાગચા રાજાના દર્શન

મુંબઈ: મહારાષ્ટ્રમાં 7 સપ્ટેમ્બરથી ગણેશ ચતુર્થી સાથે 10 દિવસીય ગણેશ ઉત્સવની શરૂઆત થઈ હતી. જો કે આ તહેવાર સમગ્ર ભારતમાં ઉજવવામાં આવે છે, પરંતુ તે મહારાષ્ટ્રનો મુખ્ય તહેવાર છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને NCP-SPના વડા શરદ પવારે સોમવારે મુંબઈના પ્રખ્યાત લાલબાગચા રાજા પંડાલની મુલાકાત લીધી હતી. તેમણે અહીં પૂજા આરતી પણ કરી હતી. આ દરમિયાન અમિત શાહ સાથે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે, નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડે પણ હાજર હતા.

અમિત શાહ મહારાષ્ટ્રના સીએમ-ડેપ્યુટી સીએમને મળ્યા

અમિત શાહે બાંદ્રા વેસ્ટ ગણેશની પણ મુલાકાત લીધી હતી. સોમવારે સવારે અમિત શાહે મુંબઈમાં સત્તાવાર નિવાસસ્થાને સીએમ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસ સાથે મુલાકાત કરી હતી. આજે અમિત શાહનો મુંબઈમાં બીજો દિવસ છે. રવિવારે રાત્રે તેમણે સીએમ શિંદે અને ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર સાથે બેઠક કરી હતી.

શરદ પવારે લાલબાગચા પંડાલના દર્શન કર્યા

NCP-SPના વડા શરદ પવારે પણ તેમના જમાઈ સદાનંદ સુલે અને પૌત્રી રેવતી સાથે લાલબાગચા રાજા પંડાલની મુલાકાત લીધી હતી. તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પણ પોસ્ટ કર્યું હતું. પવારે કહ્યું, “મુંબઈના ગણેશ ઉત્સવનો ઉત્સાહ ગિરગામના ગામમાં જોઈ શકાય છે. મેં મારા પરિવારના સભ્યો સાથે દિલથી લાલબાગચા રાજાના પંડાલની મુલાકાત લીધી. મેં ખેડૂતો અને સામાન્ય લોકોના હિત માટે લડવાની તાકાત માંગી છે.”

બીજેપી એમએલસી પ્રવીણ દરેકરે શરદ પવારની લાલબાગચાની મુલાકાતને એક કપટ ગણાવ્યું હતું. તેમણે દાવો કર્યો હતો કે પવાર આટલા વર્ષો પછી આ મંદિરની મુલાકાતે આવ્યા હતા અને તે પણ રાજકીય કારણોસર. તેમનું પંડાલમાં જવું એ શો-ઓફ હતું. પવારે એવા કાર્યક્રમોમાં ભાગ લીધો હતો જેમાં હિંદુ દેવી-દેવતાઓનું અપમાન થતું હતું પરંતુ તેમણે ક્યારેય તેમનો વિરોધ કર્યો નથી. તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં આ વર્ષે નવેમ્બરમાં વિધાનસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે.

વૃક્ષો અને વૃદ્ધો માટે રાજકોટમાં મોરારીબાપુની કથાનું આયોજન

રાજકોટ: સદભાવના વૃદ્ધાશ્રમનાં લાભાર્થે રાજકોટમાં આગામી ૨૩ નવેમ્બરથી 1 ડિસેમ્બર સુધી મોરારિબાપુની 947મી રામ કથાનો પ્રારંભ થશે. 12 વર્ષ પછી રાજકોટમાં મોરારીબાપુની રામકથા યોજાશે. દરરોજ એક લાખ લોકો કથા શ્રવણ અને ભોજન-પ્રસાદનો લાભ લેશે.સમગ્ર ગુજરાતમાં 11 લાખ વૃક્ષો ઉછેરવાનો સંકલ્પ લેનાર રાજકોટના સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા જામનગર રોડ ઉપર રૂપિયા ૩૦૦ કરોડનાં માતબર ખર્ચે ૧૪૦૦ રૂમમાં, ૫૦૦૦ નીરાધાર-બીમાર-પથારીવશ વડીલો માટે એક નવા સંકુલનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. હાલ આ સંસ્થા 600 જેટલા વૃદ્ધોને આશરો આપી રહી છે. અહીં નિવાસ, ભોજન અને તબીબી સારવાર સહિતની વ્યવસ્થા આપવામાં આવે છે. ગુજરાતભરમાંથી વૃદ્ધો અહીં આશરો લેવા આવે છે. હવે આ સંસ્થા વધુ વૃદ્ધોને સમાવી શકાય તે માટે જામનગર રોડ ઉપર 30 વીઘા જમીનમાં નવા પરિસરનું નિર્માણ કરી રહી છે.મોરારીબાપુની કથામાં દરરોજ 1 લાખ લોકો રામકથા શ્રવણ કરશે અને પ્રસાદ લેશે. સૌરાષ્ટ્રનાં વિવિધ ગામો અને શહેરોમાંથી વિશેષ બસથી જોડાવવાની વ્યવસ્થા કરવામાં આવશે, જેથી વધુ લોકો કથાનો લાભ લઇ શકે. વરિષ્ઠ નાગરિકો, દિવ્યાંગો, ગર્ભવતી મહિલાઓ, પ્રજ્ઞાચક્ષુઓ અને બાળકો માટે કથા શ્રવણ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવશે. સંસ્થાના અગ્રણીઓ વિજયભાઈ ડોબરિયા અને મિલનભાઇ ખેતાણીએ જણાવ્યું હતું કે, “રાજકોટમાં યોજાનાર રામકથાની સૌથી મોટી ખાસિયત તો એ છે કે આ કથા સદભાવના વૃદ્ધાશ્રમનાં લાભાર્થે એટલે કે વૃક્ષો અને વડીલો માટે થઇ રહી છે. કથામાં વિદેશથી પણ દસ હજાર રામકથા પ્રેમીઓ આવશે.”કથા દરમિયાન પર્યાવરણ જતન, જીવનમાં વૃક્ષોના મહત્ત્વ અંગે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. આ કથામાં જે પણ અનુદાન એકત્રિત થશે તે સદભાવના વૃદ્ધાશ્રમનાં વૃદ્ધોની સેવા-ચાકરી, નવા પરિસરના નિર્માણ અને વૃક્ષારોપણ પ્રવૃતિના વિકાસ માટે વાપરવામાં આવશે. જે કોઈ કથામાં આવશે તેને તુલસી સહિતના રોપા અને ચકલીના માળા, બર્ડ ફીડરનો પ્રસાદ પણ આપવામાં આવશે.

( દેવેન્દ્ર જાની – રાજકોટ)
(તસવીર – નિશુ કાચા)

વરસાદી વિરામ બાદ અમદાવાદમાં રોગચાળો વકર્યો

ગુજરાતમાં મહદ અંશે વરસાદે વિરામ લીધો છે. ત્યારે વરસાદી વિરામ બાદ શહેરમાં રોગચાળા પગ પેસારો કર્યો છે. શહેરના મોટાભાગના વિસ્તારમાં લોકો નાની મોટી બિમારી સામે લડી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે  શહેરમાં છેલ્લા 7 દિવસમાં 172 ડેન્ગ્યુના કેસો નોંધાયા છે.

સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર પાછલા એક સપ્તાહમાં શહેરમાં ચિકન ગુનિયાના 12 કેસ નોંધાયા છે, તો ઝાડા ઉલ્ટીના 146 જેટલા કેસો નોંધાયા છે.જ્યારે કમળાના 113 કેસો, ટાઈફોઈડના 164 કેસ સામે આવ્યા છે. વધતા રોગચાળાને ધ્યાને રાખી નિષ્ણાતો હાલ ખાણીપીણીમાં ધ્યાન રાખવા માટે અને વાસી ખોરાક ના ખાવા માટેની સલાહ આપી રહ્યા છે. આ ઉપરાંત પાણી પણ ઉકાળીને પીવા માટે જણાવી રહ્યા છે. આપને જણાવી દઈએ કે 28 ઓગસ્ટે પણ અમદાવાદમાં રોગચાળાના આંકડા સામે આવ્યા હતા, જેમાં એક અઠવાડીયામાં 10,177 દર્દીઓ OPDમાં નોંધાયા હતા, જેમાંથી ડેન્ગ્યુના 116 કેસ અને વાયરલ ઈન્ફેકશનના 1,500 કેસ નોંધાયા હતા.

ઉલ્લેખનીય છે કે ચાલુ સપ્તાહે પાણીના 1,452 સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેમાંથી 234 સેમ્પલ અનફિટ જાહેર કરવામાં આવ્યા છે. હાલમાં ઘણા વિસ્તારોમાં પાણી ડોહળાયેલુ આવી રહ્યું હોવાની ફરિયાદો પણ સામે આવી રહી છે. નદીના પાણી અને વરસાદી પાણી મિક્સ થવાના કારણે હાલમાં આ સમસ્યા સામે આવી રહી છે. ત્યારે તંત્ર દ્વારા પણ પાણી ઉકાળીને પીવા માટે અને રહેણાંક વિસ્તારોમાં આસપાસમાં ગંદકી ના થાય તેની તકેદારી રાખવા માટે પણ જણાવવામાં આવી રહ્યું છે.

મંકીપોક્સને લઈને રાજ્યોને કડક નિર્દેશ, દિલ્હીમાં મળ્યો પહેલો શંકાસ્પદ કેસ

નવી દિલ્હી: ભારતમાં મંકીપોક્સનો શંકાસ્પદ કેસ સામે આવતા કેન્દ્ર સરકારે તમામ રાજ્યો માટે એડવાઈજરી જારી કરી છે. અહેવાલો મુજબ આરોગ્ય મંત્રાલયે શંકાસ્પદ વ્યક્તિઓની સ્ક્રીનિંગ અને કોન્ટેક્સ ટ્રેસિંગ કરવાની સલાહ આપી છે. મળતી માહિતી અનુસાર કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે સોમવારે એક એડવાઈજારી કરી છે, જેમાં વાયરલ ઈન્ફેક્સનું ઝડપથી સ્ક્રીનિંગ કરવા તેમજ સ્થિતિ પર નજર રાખવાનો ઉલ્લેખ કરાયો છે. જોકે અધિકારીઓએ ચિંતા ન કરવાની સાથે કહ્યું છે કે, આપણો દેશ બહારથી આવતા પ્રવાસીઓના આઈસોલેશન મામલે સંપૂર્ણ તૈયાર છે.આરોગ્ય મંત્રાલયે રવિવારે દિલ્હીમાંથી શંકાસ્પદ કેસ મળ્યો હોવાની માહિતી આપી હતી. આ વ્યક્તિ વિદેશથી ભારત આવ્યો હતો અને તેને હોસ્પિટલમાં આઈસોલેશનમાં રાખવામાં આવ્યો છે. હાલ તેની સ્થિતિ સ્થિર છે, તેમ સરકારે જણાવ્યું છે. આરોગ્ય મંત્રાલયની જાહેરાતમાં કહેવાયું છે કે, શંકાસ્પદ દર્દીને ખરેખર મંકીપોક્સનો ચેપ લાગ્યો છે કે નહીં, તે જાણવા સેમ્પલની તપાસ કરવામાં આવી રહી છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ પણ અગાઉ મંકીપોક્સ મામલે ચિંતા વ્યક્ત કરી હતી. આ ગંભીર બિમારીના કારણે અત્યાર સુધીમાં અનેક લોકોના મોત થઈ ચુક્યા છે.

ક્યાં CM ભૂપેન્દ્ર પટેલે બે નવા ફોરલેન બ્રિજની આપી ભેટ?

ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગોંડલ નગરમાં બે નવા ફોરલેન બ્રિજ નિર્માણ માટે ૫૬.૮૪ કરોડ રૂપિયા ફાળવવાની સૌદ્ધાંતિક મંજૂરી આપી છે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં ફ્લાયઓવર બ્રિજ હેઠળ ગવર્નમેન્ટ હોસ્પિટલ ચોક પાસે રૂ. ૨૮.૮૨ કરોડના ખર્ચે તથા ગોંડલમાં પાંજરાપોળ પાસે રૂ. ૨૮.૦૨ કરોડના ખર્ચે   આ બે બ્રિજ નિર્માણ પામશે.

ગોંડલ શહેરમાં ગોંડલી નદી પર રાજાશાહી સમયના ૧૦૦ વર્ષથી વધુ સમયના બે બ્રિજ ઉપર ગોંડલ આસપાસના ગામો અને તાલુકાના વાહનોનો ખૂબ જ ટ્રાફિક રહેતો હતો. આ ૧૦૦ વર્ષ જૂના બ્રિજ ભારે વાહનો માટે બંધ કરવામાં આવતા તેના સ્થાને ડાયવર્ઝન માટે માત્ર ૧ જ માર્ગ નેશનલ હાઈવે ૨૭ ગોંડલથી સુરેશ્વર ચોકડી સુધીનો ઉપલબ્ધ છે. એટલું જ નહિ,ભારે વરસાદના સમયમાં વિયર કમ કોઝવે પરથી પાણી પસાર થતું હોવાથી આ રસ્તો પણ બંધ થઈ જાય છે અને તમામ વાહનચાલકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગોંડલની હાલની વસ્તી, આજુબાજુના ગામો તથા તાલુકા જિલ્લાના બાયપાસ તેમજ શહેરના ટ્રાફિક સાથોસાથ આવનારા વર્ષોના વિકાસને ધ્યાનમાં લઈને આ બે નવા બ્રિજ ફોરલેન બનાવવાના દિશા નિર્દેશો પણ આપ્યા છે.

વિધાનસભા ચૂંટણીઃ આપે જારી કરી 20 ઉમેદવારોની યાદી

નવી દિલ્હીઃ હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં આમ આપ પાર્ટી અને કોંગ્રેસની વચ્ચે ગઠબંધનને મુદ્દે સહમતી નથી સધાઈ. આપે પાર્ટીના 20 ઉમેદવારોની યાદી જારી કરી દીધી છે. આપે 11 સીટો પર ઉમેદવારો ઉતાર્યા છે, જ્યાં કોંગ્રેસે પહેલેથી જ ઉમેદવારોની ઘોષણા કરી છે.

રાજ્ય એકમના પ્રમુખ સુશીલ ગુપ્તાએ કહ્યું હતું કે જો સાંજ સુધીમાં વાતચીતને અંતિમ સ્વરૂપ નહીં આપવામાં આવે તો પાર્ટી બધી 90 સીટોના ઉમેદવારોનાં નામ જારી દેશે.

હરિયાણા વિધાનસભા ચૂંટણીને માટે અત્યાર સુધી કોંગ્રેસ ઉમેદવારોના નામની બે યાદી કરી ચૂકી છે. આ બે યાદીઓમાં કુલ 41 ઉમેદવારોનાં નામની જાહેરાત કરવામાં આવી છે. બાકી રહેલા 49 ઉમેદવારોનાં નામની યાદી કોંગ્રેસની પેટા સમિતિ જાહેર કરે એવી શક્યતા છે.

કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની વચ્ચે ઉમેદવારોની વચ્ચે બેઠકોની વહેંચણીને લઈને ચર્ચા ચાલી રહી છે. પરંતુ હજુ સુધી આ મામલે કોઇ સહમતી સધાઈ ચૂકી નથી. હરિયાણા વિધાનસભાની 90 બેઠકો માટે બંને પાર્ટીઓએ પોતપોતાની યાદીઓ તૈયાર રાખી છે.

કોંગ્રેસ અને આપના ગઠબંધનને લઈને સંજય સિંહે કહ્યું હતું કે હવે અમારી પાસે બહુ ઓછો સમય બચ્યો છે. ઉમેદવારી નોંધાવવા માટે છેલ્લી તારીખ 12 સપ્ટેમ્બર છે. AAP તમામ બેઠકો પર સંપૂર્ણ રીતે ચૂંટણી લડવા તૈયાર છે, માત્ર હાઇકમાન્ડના નિર્ણયની રાહ જોઈ રહી છે, ત્યાર બાદ ઉમેદવારોની યાદી ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.