Home Blog Page 1406

નોટ આઉટ @ 88 : ડૉ. અરુણભાઈ અમીન

ચામડીના રોગોની ચિકિત્સા પધ્ધતિઓમાં પોસ્ટ ગ્રેજ્યુએટ સુધીનો અભ્યાસ કરનાર ગુજરાતના પ્રથમ ડૉ. અરુણભાઈ અમીનની વાત સાંભળીએ તેમની પાસેથી.

એમની સાથેની વાતચીતનો એક્સ-રે :

તેમનો જન્મ અમદાવાદમાં, આકાશેઠ કૂવાની પોળમાં. પિતા ડોક્ટર હતા. તેઓ ત્રણ ભાઈઓ, ત્રણે ડોક્ટર હતા. તેમને બે મોટી બહેનો હતી. સુખી કુટુંબ. અરુણભાઈના મોટાભાઈ બી.જે.મેડીકલ કોલેજના ડીન હતા તથા કોલેજમાં ફિઝિઓલોજી ભણાવતા હતા. અરુણભાઈની શાળાનો અભ્યાસ ન્યુ હાઈસ્કુલમાં થયો. આર.એચ.કાપડિયા સાહેબના તેઓ પ્રિય-શિષ્ય હતા. બે વર્ષ એમ.જી.સાયન્સ કોલેજમાં ભણી આગળ મેડીકલ કોલેજમાં અભ્યાસ કર્યો. વી.એસ. હોસ્પિટલમાં 30 વર્ષથી વધુ કામ કર્યું. તેઓ સમયના એટલા આગ્રહી કે તેમને આવતા જોઈ લોકો ઘડિયાળનો સમય ગોઠવે! અમેરિકન એકેડેમી ઓફ ડરમેટોલોજીએ તેમને હુમેનેટેરિયન એવોર્ડ આપ્યો છે! ઘરમાં વાતાવરણ જ એવું કે મેડીકલનો અભ્યાસ લોહીમાં! આજે પણ અરુણભાઈના પિતાની પાંચમી પેઢી સુધી ઘરમાં ડોક્ટરી ચાલુ છે!

નિવૃત્તિની પ્રવૃત્તિ :

2020 સુધી, એટલે કે કોરોના સુધી પોતાની પ્રાઈવેટ પ્રેક્ટીસ ચાલુ હતી. સ્પાઈનલ-સ્ટેનોસીસને કારણે ક્લિનિકના 40 પગથિયાં ચડવાની મુશ્કેલી પડતી એટલે તે બંધ કરી, પણ કોઈ દર્દી ઘરે આવે તો જરૂર તેને તપાસતા. અરુણભાઈએ પોતાના પિતાની શિખામણ (દર્દી એટલે ભગવાન!) બરાબર ગાંઠે બાંધી લીધી હતી. અત્યારે સવારે સાત વાગે ઊઠે, ચા-નાસ્તો કરી ગાર્ડનમાં થોડું ચાલે. પછી છાપા વાંચે. સુડોકુ અને ક્રોસ-વર્ડ કરવા ગમે. સ્પાઈનલ-સ્ટેનોસીસની તકલીફ છે એટલે ફીઝીઓથેરાપીસ્ટ નિયમિત કસરત કરાવવા આવે છે. બપોરે જમીને આરામ કરે. ઊઠીને પત્ની પૂર્ણિમાબહેન સાથે થોડી રમત-ગમત ચાલે. પત્ની પૂર્ણિમાબહેનનો સંપૂર્ણ સહકાર. ઘરની અને બાળકોની બધી જવાબદારી તેમણે ઉપાડી લીધી છે!

શોખના વિષયો :

કુટુંબ, દર્દીઓ અને મિત્રોમાં તેમની આખી દુનિયા સમાઈ જાય! બંને દીકરા અમેરિકા રહે છે એટલે વર્ષના 6 મહિના તેઓ અમેરિકા જ હોય! બંને વહુઓ (ઉલ્પા અને પીન્કી) દીકરીની જેમ જ તેમનું ધ્યાન રાખે છે. ફરવાનો શોખ ખરો. યુરોપ, અમેરિકા સાથે ઘણા દેશોનો પ્રવાસ કર્યો છે. સ્કુલમાં ક્રિકેટ સારું રમતા, પણ અભ્યાસ પર અસર ન થાય એટલે ક્રિકેટ છોડ્યું. આજે પણ ટીવી પર ક્રિકેટ-મેચ જોવી ગમે. ટીવી પર KBC જોવું પણ ગમે. રાસ-ગરબાનો ભારે શોખ. આજના દિવસે પણ મિત્રો સાથે રાસની રંગત જમાવી દે!

ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?:

તબિયત સારી છે. સ્પાઈનલ-સ્ટેનોસીસની અસર છે. અમેરિકામાં તેની સારવાર કરાવી છે. પોતાનું બધું કામ જાતે કરી શકે છે. અરે, મિત્રો સાથે રાસ-ગરબા પણ રમી શકે છે! ફીઝીઓથેરાપીસ્ટ નિયમિત કસરત કરાવવા આવે છે.

યાદગાર પ્રસંગ:

1977માં અમદાવાદમાં યોજાયેલ ઓલ-ઇન્ડિયા-ડરમેટોલોજીસ્ટની કોન્ફરન્સમાં તેમનું સંચાલન હતું. પ્રમાણિકતા અને યોગ્ય વહીવટને કારણે સરસ વ્યવસ્થા સચવાઈ અને તે પણ ઓછા ખર્ચમાં. ભાગ્યે જ થાય એવું કામ તેમણે કર્યું : કોન્ફરન્સમાં ભાગ લેનાર બધાંને રજીસ્ટ્રેશન ફી પછી મોકલી આપી! એકવાર તેમના એક મિત્રનો પોતાના સંબંધીની ભલામણ કરતો ફોન આવ્યો. અરુણભાઈ દર્દીને ઘેર ગયા, સગાં-સંબંધીઓએ તો આશા મૂકી દીધી હતી. અરુણભાઈએ જરૂરી દવાઓ આપી સારવાર શરુ કરી. ‘ત્રણ દિવસ નીકળી જશે તો ચિંતા નથી’ એવું તેમનું માનવું હતું. દર્દી જોતજોતામાં સાજો થઇ ગયો અને વીસ વર્ષે પોતાના દીકરાના લગ્નની કંકોત્રી આપવા આવ્યો!

નવી-ટેકનોલોજી કેટલી વાપરો છો?:

શરૂઆતમાં કોમ્પ્યુટરનો ઘણો ઉપયોગ કર્યો. ડરમેટોલોજીને લગતા પ્રોગ્રામ જાતે બનાવતા. સ્પાઈનલ-સ્ટેનોસીસને લીધે હવે બેસીને કામ થતું નથી, પણ નવી ટેકનોલોજી માટે એકદમ પોઝીટીવ છે.

શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં?

ત્યારે અને અત્યારે બાળકોનો ઉછેર અલગ રીતે થાય છે એટલે ફરક તો રહેવાનો! આપણે તે સ્વીકારવું પડે. પહેલા ગામડેથી લોકો શહેરમાં આવતાં, હવે દેશમાંથી યુવાનો પરદેશ જાય છે. આમાં કશું ખોટું નથી.

આજની પેઢી સાથે સંકળાયેલા છો?

તેમને બે પુત્રો, બે વહુઓ, બે પૌત્ર, ત્રણ પૌત્રી તથા પાંચ  પ્રપૌત્ર-પ્રપૌત્રી છે. બધાં બાળકો સરસ ગુજરાતી બોલી શકે છે. બાળકો તેમની અમેરિકા આવવાની આતુરતાથી રાહ જુએ. યુવાનો સાથે તેમને સારું ફાવે છે. આજનાં યુવાનો આપણા જેટલાં હાર્ડવર્કિંગ નહીં. ‘ખાઓ, પીઓ અને મઝા કરો’માં માને!

સંદેશો :

મહેનતનો વિકલ્પ એટલે વધુ મહેનત! બાળપણથી સારી ટેવો પાડો અને સારા મિત્રો બનાવો. કાયમ નવું-નવું શીખતા રહો. જે મળે તે સ્વીકારી લો. ઈમાનદારીથી કામ કરશો તો સુખી થશો.

શું તમે ખરેખર નાસ્તિક હોઈ શકો છો?

તમારા અસ્તિત્વનું મૂળ હાર્દ ઈશ્વર છે. ઈશ્વરને નિરાકાર કે સાકાર તરીકે જોવા અઘરા છે. નિરાકાર એકદમ અમૂલ્ય હોય છે અને કોઈ એક સ્વરુપમાં ઈશ્વર સાવ મર્યાદિત જણાય છે. માટે કેટલાક લોકો નાસ્તિક રહેવાનું પસંદ કરે છે. પરંતુ નાસ્તિકતા એ વાસ્તવિકતા નથી;એ સગવડીયું છે. જો તમારામાં જાણવાની જીજ્ઞાસા છે અથવા સત્યની શોધમાં છો તો નાસ્તિકતા ટકી શકતી નથી. જો જાણવાની જીજ્ઞાસા હોય તો તમે કોઈક વસ્તુ નથી એમ સાબિત નથી કર્યું તો તેને નકારી ના શકો.

એક નાસ્તિક ઈશ્વર નથી તેવું પહેલા સાબિત કર્યા વગર ઈશ્વરના અસ્તિત્વને સ્વીકારતો નથી. ઈશ્વર નથી એવું સાબિત કરવા તમારી પાસે અઢળક જ્ઞાન હોવું જોઈએ. જો તમારી પાસે અઢળક જ્ઞાન છે તો તમે ઈશ્વર નથી તેવું સાબિત કરી શકતા નથી! અમુક વસ્તુનું અસ્તિત્વ નથી એવું જો કોઈ વ્યક્તિએ કહેવું હોય તો તેને આખા બ્રહ્માંડ વિશે જાણકારી હોવી જોઈએ. માટે તમે ક્યારેય 100 ટકા નાસ્તિક ના હોઈ શકો.

એક નાસ્તિક એ એવો ઈશ્વરમાં માનવાવાળો છે જે નિંદ્રાધીન છે! હકીકતમાં નાસ્તિક એ એવી વ્યક્તિ છે જેની પાસે ઈશ્વર વિશે એક પરિકલ્પના છે! જો કોઈ વ્યક્તિ એવું કહેતી હોય કે,” હું કશામાં માનતો નથી” તો તેને પોતાના કહ્યામાં વિશ્વાસ હોય છે — એટલે કે તેને પોતાનામાં વિશ્વાસ છે પણ તે પોતાના વિશે તો કંઈ જાણતો હોતો નથી!

નાસ્તિક ક્યારેય સન્નિષ્ઠ ના હોઈ શકે કારણ કે સન્નિષ્ઠતામાં ગહેરાઈની જરૂર હોય છે અને નાસ્તિક ઊંડાણે જવા પ્રતિકાર કરતો હોય છે. એનું કારણ એ છે કે તે જો ઊંડો ઉતરે છે તો તેને એક અવકાશ મળે છે, તમામ શક્યતાઓની સંભાવના- અને તેણે સ્વીકારવું પડે કે એવા ઘણા રહસ્યો છે જેના વિશે તે જાણતો નથી. તેણે પોતાની અજ્ઞાનતા સ્વીકારવી પડે,જે માટે તે તૈયાર હોતો નથી. કારણ કે જે ક્ષણે તે ઈમાનદારીથી પોતાની અજ્ઞાનતા સ્વીકારે છે,ત્યારથી તેને પોતાની નાસ્તિકતા વિશે સંશય થવા લાગે છે.

નાસ્તિક સંશયમુક્ત હોય એ શક્ય જ નથી! માટે, તમે ક્યારેય સન્નિષ્ઠ અને સંશયમુક્ત નાસ્તિક ના હોઈ શકો. તમે પોતાના સ્વરૂપનો અનુભવ કરવા લાગો છો અને જણાય છે કે તમે ખરેખર નિરાકાર, પોલા અને ખાલી છો. તમારામાંનું અમૂર્ત નિરાકારપણું વધારેને વધારે મજબૂત થતું જાય છે! જ્યારે નાસ્તિકને પોતાના અજ્ઞાન વિશે સભાનતા આવે છે ત્યારે તે ગુરુ પાસે આવે છે.ગુરુ અમૂર્તને વધારે વાસ્તવિક તરીકે બતાવે છે. તમે જેને નક્કર સત્ય માનતા હતા તે વધારે અવાસ્તવિક જણાય છે. સંવેદનશીલતા અને સૂક્ષ્મતા જન્મે છે. પ્રેમની સમજ એક લાગણી તરીકે નહીં પરંતુ અસ્તિત્વના ફલક તરીકે પ્રતીત થાય છે. નિરાકાર આત્મા સર્જનના દરેક સ્વરુપમાં પ્રકાશમાન દેખાય છે અને જીવનનું રહસ્ય વધારે ગહેરું બને છે જે નાસ્તિકતાને નષ્ટ કરી નાંખે છે.ત્યાર બાદ યાત્રાનો પ્રારંભ થાય છે,જેના ચાર તબક્કા છે.

પ્રથમ તબક્કો: સારુપ્ય-  દરેક સ્વરૂપમાં ઈશ્વરને જોવા એટલે કે, (આકારમાં નિરાકારને જોવું). ઘણી વાર વ્યક્તિને ઈશ્વર કોઈ સ્વરુપ કરતાં નિરાકાર સ્વરૂપે જોવા એ વધારે અનુકૂળ આવે છે કારણ કે તે કોઈ સ્વરુપમાં હોય તો વ્યક્તિને તેમનાથી થોડું અંતર લાગે છે. દ્વૈત જણાય છે, અસ્વીકારનો ડર અને અન્ય મર્યાદાઓ નડે છે. જીવનમાં ગહેરી નિદ્રા અને સમાધિ સિવાય, આપણા બધા આદાન-પ્રદાન કોઈને કોઈ સ્વરુપ સાથે હોય છે. જો આપણે ઈશ્વરને વિવિધ આકારો(સ્વરૂપો)માં જોઈ શકતા નથી તો જીવનની જાગૃત અવસ્થા ઈશ્વરથી વંચિત રહી જાય છે. જે લોકો ઈશ્વરને નિરાકાર તરીકે સ્વીકારે છે તેઓ સંજ્ઞાઓનો ઉપયોગ કરે છે. કદાચ ઈશ્વર કરતાં એ સંજ્ઞાઓને વધારે પ્રેમ કરે છે! જો ઈશ્વર ઉપસ્થિત થઈને કોઈ ખ્રિસ્તીને ક્રોસ અથવા કોઈ મુસલમાનને અર્ધચંદ્ ત્યજી દેવાનું કહે તો કદાચ તેઓ તેવું નહીં કરે! આરંભમાં માત્ર સ્વરૂપો(સાકાર) થકી જ નિરાકારને સ્વીકારવાનું શક્ય છે.

બીજો તબક્કો: સામિપ્ય- (નજીકપણું),એટલે કે વ્યક્તિ પોતે પસંદ કરેલા સ્વરૂપની એકદમ નજીક હોવાનું અનુભવે અને અંતે નિરાકાર તરફના પ્રયાણમાં પરિણમે છે. આ અનુભવ સમસ્ત સર્જન સાથે ગાઢ સંબંધ હોવાનો ભાવ આપે છે. આ અવસ્થામાં વ્યક્તિ અસ્વીકારના અને અન્ય ડરથી મુક્ત થાય છે. આ અવસ્થા સમય અને અવકાશના સંદર્ભ સાથે જોડાયેલી હોય છે.

ત્રીજો તબક્કો: સાનિધ્ય- એટલે કે ઈશ્વરની એવી મોજુદગીનો અનુભવ કરવો જેનાથી તમે સમય અને અવકાશની મર્યાદાઓને પાર કરી જાવ છો.

ચોથો અંતિમ તબક્કો: સાયુજ્ય- જેમાં વ્યક્તિ ઈશ્વર સાથે અચલપણે સંકળાયેલી હોય છે. એ અવસ્થામાં વ્યક્તિને આપણું ઈશ્વર સાથે એકરૂપ હોવાનું સમજાય છે. એ આ પ્રિયપાત્ર સાથે સંપૂર્ણ એકાકાર થઈ ગયેલી હોય છે અને તમામ દ્વૈતભાવ અદ્રશ્ય થઈ જાય છે.

તમારા ઈશ્વરને સાંભળો! સંશયો, અંધશ્રદ્ધા અને અજ્ઞાનતા તમારા મનમાં રહેલા નાસ્તિકો છે.

(ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)

પંચાંગ 16/10/2024

ધો.10 અને ધો.12 બોર્ડની પરીક્ષાની તારીખ જાહેર

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ-10 અને ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ તથા સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓની પરીક્ષાની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. આ પરીક્ષા તા.27 ફેબ્રુઆરી 2025થી 13 માર્ચ 2025 સુધી યોજાશે. આ પરીક્ષાનો કાર્યક્રમ બોર્ડની વેબસાઇટ www.gseb.org ઉપર મૂકવામાં આવ્યો છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનું ટાઇમ ટેબલ જાહેર કરવામાં આવ્યું છે. દર વર્ષે બોર્ડની પરીક્ષા 15 માર્ચથી શરૂ કરવામાં આવે છે. પરંતુ ચાલુ વર્ષે 15 દિવસ વહેલી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. ધોરણ 10ની અને 12ની સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા પણ 27 ફેબ્રુઆરીથી 10 માર્ચ સુધી યોજાશે.


આ વખતે બોરની પરીક્ષામાં દરેક પ્રશ્ન પત્રમાં 15 મિનિટનો સમય વધુ ફાળવવામાં આવશે. વિદ્યાર્થીને ઉત્તરવહી ઉપરની વિગતો ભરવા માટેની શરૂઆતની પાંચ મિનિટ અને પ્રશ્નપત્ર વાંચવા માટે 10 મિનિટ ફાળવવામાં આવશે. અને જવાબ લખવા માટે નિયમ મુજબ 1 કલાકથી 3 કલાક સુધીનો સમય રહશે. પ્રથમ પરીક્ષાના દિવસે વિદ્યાર્થીઓએ પરીક્ષા સેન્ટર પર શરૂ થવાના 30 મિનિટ પહેલાં પહોંચવાનું રહેશે. બાકીના દિવસોએ 20 મિનિટ અગાઉ રહેવાનું રહેશે. જેથી ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે પરીક્ષાનો સમય 10થી 1.15 સુધીનો રહેશે. જ્યારે ધોરણ 12નો સમય 3થી 6.15 સુધીનો રહેશે. ધોરણ 10ના વોકેશનલ કોર્સ સિવાયના તમામ વિષયોના પ્રશ્નોપત્રો 80 ગુણના રહેશે.


ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ-10 (SSC), અને ધોરણ-12 (HSC) વિજ્ઞાન પ્રવાહ તથા સામાન્ય પ્રવાહની પરીક્ષાની તારીખ જાહેર થતાની સાથે જ ગુજકેટ 2025ની પરીક્ષાની તારીખ પણ જાહેર કરાઈ છે. ગુજકેટની પરીક્ષા 23 માર્ચ 2025ના રવિવારના રોજ સવારે 10 વાગ્યાથી બપોરના 4 વાગ્યા દરમિયાન જિલ્લા કક્ષાના કેન્દ્રો ખાતે યોજાશે. ગુજકેટ 2025નું આવેદનપત્ર ઓનલાઈન ભરવાની તારીખ તથા માહિતી બોર્ડની વેબસાઈટ www.gseb.org પર પ્રસિદ્ધ કરવામાં આવશે તે અંગેની જાણ અખબારી યાદી દ્વારા હવે પછીથી જાહેર કરવામાં આવશે.


શિક્ષણ વિભાગે વર્ષ 2025 માટે રાજ્યમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પછી ડિગ્રી એન્જિનિયરિંગ, ડિગ્રી/ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે વિજ્ઞાન પ્રવાહના ગ્રુપ A, ગ્રુપ B અને ગ્રુપ A-Bના વિદ્યાર્થીઓની ગુજકેટની પરીક્ષા 23 માર્ચ 2025ના રવિવારના રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા યોજવામાં આવશે.

પ્રિયંકા ગાંધી વાયનાડથી લોકસભાની પેટાચૂંટણી લડશે

કોંગ્રેસ પાર્ટીએ પ્રિયંકા ગાંધીને કેરળની વાયનાડ લોકસભા સીટ પર યોજાનારી પેટાચૂંટણી માટે પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. આ સાથે કોંગ્રેસ પાર્ટીએ કેરળની ચેલાક્કારા વિધાનસભા સીટ પર પેટાચૂંટણી માટે રામ્યા હરિદાસ અને પલક્કડ સીટ માટે રાહુલ મામકુટાથીને ઉમેદવાર જાહેર કર્યા છે. વાયનાડ સીટ પર પેટાચૂંટણી માટે 13 નવેમ્બરે મતદાન થશે જ્યારે પરિણામ 23 નવેમ્બરે જાહેર થશે.

રાહુલ ગાંધીના રાજીનામા બાદ હવે વાયનાડ સીટ પર પેટાચૂંટણી યોજાઈ રહી છે. જે સમયે રાહુલ ગાંધીએ વાયનાડ બેઠક છોડી હતી તે સમયે કોંગ્રેસે સ્પષ્ટ કર્યું હતું કે આ બેઠક પરની પેટાચૂંટણીમાં પ્રિયંકા ગાંધી જ ઉમેદવાર હશે. આ પહેલીવાર છે જ્યારે પ્રિયંકા ગાંધી ચૂંટણી લડી રહ્યા છે. અત્યાર સુધી તે પાર્ટી દ્વારા આપવામાં આવેલી જવાબદારીઓ નિભાવતી હતી, પરંતુ હવે તેણે ચૂંટણીના રાજકારણમાં પ્રવેશ કર્યો છે.

રાહુલે રાયબરેલીથી જીત્યા બાદ વાયનાડ સીટ છોડી દીધી હતી

આ વર્ષે જૂનમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ બે બેઠકો પરથી ચૂંટણી લડી હતી. આમાંથી એક વાયનાડ સીટ હતી જ્યારે બીજી યુપીની રાયબરેલી સીટ હતી. રાહુલે ચૂંટણીમાં બંને બેઠકો પર બમ્પર જીત મેળવી હતી. આવી સ્થિતિમાં તેમણે એક બેઠક છોડવી પડી હતી. રાહુલે વાયનાડ છોડવાનું નક્કી કર્યું પરંતુ પરિવારના કોઈ સભ્યને મેદાનમાં ઉતારવાનું વચન પણ આપ્યું હતું.

SCO સમિટમાં એસ.જયશંકરે શાહબાઝ શરીફ સાથે કરી મુલાકાત

આજે પાકિસ્તાનમાં SCO સમિટનો પ્રથમ દિવસ હતો. વિદેશ મંત્રી એસ જયશંકર આ કોન્ફરન્સમાં પહોંચ્યા છે. અહીં તેમણે પીએમ શાહબાઝ શરીફ સાથે પણ મુલાકાત કરી હતી. આટલું જ નહીં, શાહબાઝ શરીફ આગળ આવ્યા અને વિદેશ મંત્રી જયશંકર સાથે હાથ મિલાવ્યો. બંને નેતાઓએ થોડી વાતચીત પણ કરી હતી.


SCO સમિટના પહેલા દિવસે શાહબાઝ શરીફે વિદેશી નેતાઓ માટે ડિનરનું આયોજન કર્યું હતું. આ માટે તેઓ તમામ નેતાઓનું સ્વાગત કરી રહ્યા હતા, જ્યારે તેમણે વિદેશ મંત્રી જયશંકર સાથે પણ મુલાકાત કરી અને વાત કરી. જો કે, બંને નેતાઓએ ટૂંકા ગાળામાં શું વાત કરી તે સ્પષ્ટ નથી, પરંતુ બંને નેતાઓ એકબીજા સાથે વાત કરતા જોવા મળ્યા હતા. આ પછી બંને નેતાઓએ તસવીર પણ ક્લિક કરાવી.

9 વર્ષમાં પ્રથમ વખત પાકિસ્તાનની મુલાકાત લીધી

વિદેશ મંત્રી એસ જયશંકર 9 વર્ષમાં પ્રથમ વખત પાકિસ્તાનની મુલાકાત લેનારા પ્રથમ વિદેશ મંત્રી છે. અગાઉ 2015માં સુષ્મા સ્વરાજ વિદેશ મંત્રી તરીકે પાકિસ્તાનની મુલાકાતે ગયા હતા. SCO સમિટ એવા સમયે પાકિસ્તાનમાં થઈ રહી છે જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચાલી રહ્યો છે. આવી સ્થિતિમાં વિદેશ મંત્રી જયશંકરનું આ સંમેલનમાં હાજરી આપવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.

જયશંકરનું પાકિસ્તાનમાં સ્વાગત

પાકિસ્તાન પહોંચ્યા બાદ વિદેશ મંત્રી એસ જયશંકરે સોશિયલ મીડિયા સાઇટ X પર તસવીરો પણ શેર કરી હતી, જ્યાં પાકિસ્તાન વિદેશ મંત્રાલયમાં દક્ષિણ એશિયાના મહાનિર્દેશક ઇલ્યાસ મહમૂદ નિઝામી દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેઓ બપોરે 3.30 વાગ્યે ઈસ્લામાબાદના નૂર ખાન એરબેઝ પર ઉતર્યા હતા, જ્યાં તેમના સ્વાગત માટે અન્ય પાકિસ્તાની અધિકારીઓ પણ હાજર હતા.

સિટાડેલના ટ્રેલર ઈવેન્ટમાં વરુણ સામંથાનું મેચિંગ આઉટફિટ

મુંબઈ: વરુણ ધવન અને સામંથા રૂથ પ્રભુ અભિનીત વેબ સિરીઝ ‘સિટાડેલ હની બન્ની’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ટ્રેલર એક ભવ્ય કાર્યક્રમમાં લોન્ચ કરવામાં આવ્યું હતું, જ્યાં વરુણ ધવન અને સામંથા પણ ભવ્ય અંદાજમાં પહોંચ્યા હતા. બંને સ્ટાર્સ એકસાથે સ્ટેજ પર આવ્યા હતાં. ખાસ વાત એ છે કે બંને મેચિંગ આઉટફિટ્સમાં જોવા મળ્યા હતા. સામંથા અને વરુણ બંને બ્લેક આઉટફિટ્સમાં ટ્રેલર લોન્ચ ઈવેન્ટમાં હાજરી આપી હતી.

સિટાડેલ હની બન્નીનું ટ્રેલર 90ના દાયકાની યાદ અપાવે છે. આ સિરીઝમાં રોમાંચ અને એક્શનથી ભરપૂર સ્ટંટ જોવા મળશે. સિરીઝમાં વરુણ ધવને બન્નીની ભૂમિકા ભજવી છે અને સામંથા રૂથ પ્રભુએ હનીની ભૂમિકા ભજવી છે. વરુણ અને સામંથાની આ પહેલી વેબ સિરીઝ છે. આ સીરિઝ 7 નવેમ્બરના રોજ OTT પ્લેટફોર્મ પ્રાઇમ વિડિયો પર સ્ટ્રીમ થશે. નોંધનીય છે કે આ વેબ સીરિઝમાં ગુજ્જુ ક્યુટી કાશ્વી મઝમુદાર પણ જોવા મળશે.

(તમામ તસવીર: માનસ સોમપુરા)

એર ઇન્ડિયાની ફ્લાઇટને બોમ્બથી ઉડાડવાની મળી ધમકી

અયોધ્યાઃ ઉત્તર પ્રદેશના અયોધ્યા એરપોર્ટમાં એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટને બોમ્બની ધમકી મળ્યા બાદ ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. જયપુરથી આવી રહેલી અને અયોધ્યાથી બેંગલુરુ જઇ રહેલી એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.

મહર્ષિ વાલ્મીકિ ઇન્ટરનેશનલ એરપોર્ટના ડિરેક્ટર વિનોદ કુમારે પુષ્ટિ કરી હતી કે સુરક્ષાનાં કારણોસર ફ્લાઈટને તરત જ લેન્ડ કરવામાં આવી હતી. આ ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી મળતા જ સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ હતી અને ફ્લાઈટને તરત જ અયોધ્યા એરપોર્ટ પર લેન્ડ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ ઈમરજન્સી લેન્ડિંગ પછી સુરક્ષા કર્મચારીઓએ આખા વિમાન અને તેના મુસાફરોની તપાસ કરી હતી.

સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી બોમ્બની ધમકી મળ્યા બાદ આ સ્થિતિ સર્જાઈ હતી. આ માહિતી મળતાની સાથે જ જરૂરી સુરક્ષા પ્રોટોકોલ મુજબ પ્લેનને રોકીને તેની તપાસ કરવામાં આવી હતી. જોકે પ્લેનમાંથી કોઇ વાંધાજનક વસ્તુ મળી નથી. એર ઈન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે વિમાનમાં 132 મુસાફરો હતા. વિમાન જયપુરથી આવી રહ્યું હતું અને અયોધ્યામાં થોડા સમય માટે રોકાયા બાદ બેંગલુરુ જવાનું હતું.

એરપોર્ટ અને સુરક્ષા એજન્સીઓના ત્વરિત અને સતર્ક પ્રતિસાદને કારણે વિમાનને સુરક્ષિત રીતે લેન્ડ કરવામાં આવ્યું હતું અને તમામ મુસાફરોની સલામતી સુનિશ્ચિત કરવામાં આવી હતી. બોમ્બની ધમકીના કિસ્સામાં સુરક્ષાને હંમેશાં પ્રાથમિકતા આપવામાં આવે છે જેથી મુસાફરો અને ક્રૂની સલામતી જોખમમાં આવે નહીં.તાજેતરમાં બોમ્બની ધમકીઓને કારણે ફ્લાઈટ્સના ઈમરજન્સી લેન્ડિંગના બનાવોમાં વધારો થયો છે. મોટા ભાગના કિસ્સાઓ ખોટા સાબિત થતા હોવા છતાં આવી ધમકીઓ સુરક્ષા એજન્સીઓ અને મુસાફરોને ગંભીર માનસિક અને નાણાકીય સમસ્યાઓનું કારણ બને છે.

 

 

 

 

વિરોધના વંટોળમાં પદ્મિનીબા વાળા, પતિ પર હુમલો કરવાનો આક્ષેપ

રાજકોટમાં ક્ષત્રિય અસ્મિતા સંમેલનના પદ્મિનીબા વાળાએ તેમના પતિ ગિરિરાજસિંહ સાથે માથાકૂટ કરતો વીડિયો વાયરલ થયો છે. પદ્મિનીબા વાળા અને તેમના પુત્ર પર ભેગા થઈને તેમના પતિ ગિરિરાજસિંહને માર મારવાનો આક્ષેપ થયો છે. રાજકોટમાં થયેલા ક્ષત્રિય આંદોલનમાં મહત્વની ભૂમિકા ભજવનાર મહિલા અગ્રણી પદ્મિનીબા વાળા સાથે ઘણા વિવાદ જોડાયેલા છે. પરંતુ હાલ પદ્મિનીબા વાળા અને તેમના પુત્ર પર ગંભીર આક્ષેપ થયો છે.

સૂત્રો પ્રમાણે મળતી માહિતી અનુસાર ક્ષત્રિય સમાજનાં મહિલા અગ્રણી પદ્મિનીબા વાળા ફરી એકવાર વિવાદમાં સપડાયા છે. ક્ષત્રિય અસ્મિતા સંમેલનના પદ્મિનીબા વાળાનો એક કથિત વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેમના પતિ ગિરિરાજ સિંહ સાથે માથાકૂટ થઈ હોવાનું વીડિયોમાં સંભળાઈ રહ્યું છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે પદ્મિનીબા વાળા અને તેમના પુત્ર એ તેમના પતિ ગિરિરાજસિંહને માર માર્યો હોવાની ચર્ચા થઈ રહ્યો છે. વીડિયોમાં અભદ્ર ભાષામાં પદ્મિનીબા અને તેમના પતિ બોલાચાલી કરતા જોવા મળે છે. પતિ ગિરિરાજસિંહ પર પત્ની પદ્મિનીબા અને તેમના પુત્રે હુમલો કર્યો હોવાની ચર્ચા ચાલી રહી છે. ત્યારબાદ ગિરિરાજ સિંહને સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાની પણ માહિતી સામે આવી છે. રાજકોટનાં રેલનગરમાં આવેલા રામેશ્વર પાર્કમાં ઘરમાં મોડી રાતે કોઈ બબાલ મામલે પદ્મિનીબા અને તેમના પુત્રે પતિ ગિરિરાજસિંહ પર પાઇપથી જીવલેણ હુમલો કર્યો હતો. આથી, તેમને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જો કે, આ મામલે હાલ કોઈ સચોટ માહિતી સામે આવી નથી.