Home Blog Page 1405

દિવાળીના કામને વર્કિંગ વુમન અને ગૃહિણી કેવી રીતે કરે છે મેનેજ?

મમ્મી, તને ખબર છે કાલે તો રિયાની મમ્મીએ ઘરે જ ઘુઘરા બનાવ્યા? નોકરી પરથી થાકીને આવેલી ગાર્ગીને દીકરી નિષ્ઠાએ માતાના ખોળામાં માથું નાખતા કહ્યું. ગાર્ગીએ પણ દીકરીને વ્હાલથી કહ્યું, ‘એમ? સરસ કહેવાય!’ નિષ્ઠા ફરી બોલી, મમ્મી, આ વખતે આપણે પણ ઘરે જ બધી મીઠાઈ બનાવીશું. ખાસ કરીને ઘુઘરા. દર વખતે તો બા બનાવીને મોકલે છે. મારે જોવા છે કેવી રીતે ઘુઘરા બને છે. થાકેલી ગાર્ગીએ લાંબો નિસાસો નાખતા માત્ર દીકરીને હા કહ્યું અને ફ્રેશ થવા પોતાના રૂમમાં જતી રહી.

રાતની રસોઈ બનાવતા ગાર્ગીને પોતાનું બાળપણ યાદ આવી ગયું કે પોતે પણ નિષ્ઠાની જેમ જ મમ્મીની પાસે બેસીને બધું બનાવવાનો પ્રયત્ન કરતી. કામ કરતા ન આવડે તો પણ હાથમાં ઝાડુ લઈ આખા ઘરની સાફ સફાઈ પોતે જ કરી હોય એમ કપડા બગાડતી. અને મીઠાઈનું તો પૂછવું જ શું? મમ્મીની સાથે રસોડા પર બેસીને આડા અવળા મઠિયા વાળીને કેટલી ખુશ થતી! મારી નિષ્ઠા આ બધુ મિસ કરે છે એવો અહેસાસ એના મનમાં થવા લાગ્યો.  પણ શું કરે?  નોકરીમાંથી માંડ ઘરકામનો સમય નીકળે છે એમાં વળી દિવાળીની મીઠાઈઓ બનાવી કે પછી સાફસફાઈ જાતે કરવાનું તો વિચારવું જ કેવી રીતે?

વાત દિવાળીની છે, જેમાં ઘરની સાફ સફાઈથી લઈને, મીઠાઈ બનાવી, બધા માટે શોપિંગ કરવી, ઘરને ડેકોરેટ કરવુંં જેવી નાની-નાની તમામ ખુશીઓ આવી જાય, પણ અહીં વર્કિંગ વુમન અને હાઉસ વાઈફ બંનેની ભૂમિકા જુદી હોય છે. વર્કિંગ મહિલાઓ અને ગૃહિણીઓ બંને માટે દિવાળી ખાસ હોય છે, પરંતુ એમની તહેવાર ઉજવવાની રીત અને કામ કરવામાં તફાવત છે. આખરે કેવી રીતે મેનેજ કરે છે મહિલાઓ દીવાળીના કામને?

કામનું શિડ્યુલ મારી રીતે નક્કી કરી શકું છું

મને તો દિવાળી ખુબ જ ગમે એમ કહેતા અમદાવાદના વૈશાલી રાઠોડ ચિત્રલેખા.કોમને કહે છે કે, “દિવાળી પ્રકાશ અને ખુશીનો તહેવાર છે. તો સાથે જ ઘરની સાફ સફાઈ, મિષ્ટાન બનાવવાનો અનેરો લ્હાવો પણ છે. ખાસ કરીને મને ખરીદી કરવાની અને ઘરને સજાવવાનો ખુબ શોખ છે. હું ગૃહિણી છું માટે મારી બંને દીકરીઓ અને પરિવાર સાથે આ તહેવારની ઉજવણી સારી રીતે કરી શકું છું. મારા સમય પ્રમાણે કામનું, ખરીદીનું અને નાસ્તા બનાવવાનું શીડ્યુલ નક્કી કરું છું. એમાં પણ જો અચાનક બીજું કામ આવી જાય તો શિડ્યુલમાં ફેરફાર થાય તો પણ જાજો ફરક નથી પડતો.”

 

ટાઈમ મેનેજ ખુબ જરૂરી

અમદાવાદની ઉચ્ચ કંપનીમાં એડમિનિસ્ટ્રેશન મેનેજર તરીકે કામ કરતા દિશા બ્રહ્મભટ્ટ ચિત્રલેખા.કોમને કહે છે, “દિવીળીમાં ઘરની સાફ સફાઈથી લઈને જુદા-જુદા વ્યંજન અને ખરીદી પણ જોડાયેલી હોય છે. દિવાળી સમયમાં ઓફિસમાં પણ છેક છેલ્લા દિવસ સુધી રજા નથી મળતી. માટે મેનેજ કરવું અઘરું તો પડે. પરંતુ હું માનું છું કે, સંયુક્ત પરિવારમાં રહેતી મહિલાઓ માટે કામકાજ કરવું થોડું સરળ રહે છે. જો કે મારી વાત કરું તો દિવાળીમાં સર્વિસ એજન્સી દ્વારા ઘરની સાફ સફાઈ કરાવું છું, જેથી સમયનો સદુપયોગ થઈ શકે અને અન્ય બીજા કામ જે મારે જાતે જ કરવા પડે એમ હોય એ કરી શકાય. મારી દ્રષ્ટિએ કામકાજી મહિલા માટે દિવાળીમાં ટાઈમ મેનેજમેન્ટ ખુબ જરૂરી બની જાય છે.”

 

રોજ થોડું થોડું કામ કરી શકાય

હું તો નવરાત્રી પહેલા જ ઘરની સાફ સફાઈ કરવાનું શરૂ કરું છું એમ કહેતા ગૃહિણી સીમાબહેન પ્રજાપતિ ચિત્રલેખા.કોમને કહે છે, “માતાજીના વધામણાં કરવાના હોય માટે નવરાત્રિમાં જ ઘરની સફાઈ કરીએ છીએ. બાકી રહેલા નાના મોટા ઘરકામ બાકી કામ શરદપુર્ણિમા પૂર્ણ થયા પછી સમય પ્રમાણે કરતા રહીએ. ખાસ કરીને ગૃહિણી માટે 12થી 4નો સમય એવો હોય છે. જેમાં દિવાળીના મોટાભાગના કામ થઈ જાય. મારી દૃષ્ટિએ જે ગૃહિણી હોય એના માટે દિવાળીના કામ કરવા થોડા વધારે સરળ છે. મારી જ વાત કરું તો હું રોજ એક રૂમ સાફ કરુ છું. સાફ સફાઈ પૂર્ણ થયા પછી મીઠાઈ, નાસ્તા બનાવવાનું કામ હાથ પર લઉં અને છેલ્લે શોપિંગ.”

 પહેલા જેટલી હાડમારી નથી

જ્વેલરી બુટીકના ઓનર અલ્પા અગ્રવાલ ચિત્રલેખા.કોમને કહે છે, “સામાન્ય રીતે ઘરના દરેક ખૂણાની સફાઈ માટે તહેવાર પહેલા વિકેન્ડનો ઉપયોગ કરું છું. મારે નવરાત્રિથી લઈને છેક દિવાળી સુધી ઘરાકી રહેતી હોય એવા સમયે ઘરકામ, દિવાળી શોપિંગ અને વ્યંજન બનાવવા ખુબ અઘરા થઈ પડે છે. માટે સફાઈ એપનો ઉપયોગ કરી ઘર સફાઈનું કામ થઈ જાય છે. સાચું કહું તો નાસ્તા પણ તૈયાર જ લાવીએ છીએ. હવે પહેલાની જેમ વધારે નાસ્તા બનાવવાનો ટ્રેન્ડ નથી મોટાભાગે લોકો હેલ્થ કોન્સિયસ છે. બીજું કે હવે દિવાળીની રજાઓમાં ફરવા જવાનો ટ્રેન્ડ પણ વધારે છે. માટે હવે પહેલા જેટલી હાડમારી નથી પડતી.”

વર્કિંગ વુમન અને ગૃહિણી એમ બંને માટે તહેવારની ઉજવણીની મજા અને રંગત સરખી જ હોય છે. વર્કિંગ મહિલાઓ માટે સમયની મર્યાદા હોય છે, જ્યારે ગૃહિણી એમના સમયને સરળતાથી વહેંચી શકે છે. ગૃહિણીઓ ઘરના બનાવેલા વ્યંજનને મહત્વ આપે છે, જ્યારે વર્કિંગ મહિલા તૈયાર ખરીદી કરીને સમય બચાવે છે. બંને પોત પોતાની રીતે પરિવારને તહેવારની ઉજવણીમાં જોડે છે, પરંતુ મેનેજ જુદી-જુદી રીતે કરવું પડે છે.

હેતલ રાવ 

સરકારી કર્મચારીઓ મળશે એડવાન્સમાં પગાર-પેન્શન, તહેવારોને લઈ સરકારનો નિર્ણય

દીવાળીના તહેવારોને અનુલક્ષી રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં રાજ્ય સરકારના કર્મચારીઓને ઓક્ટોબર માસના પગાર-પેન્શનની એડવાન્સ ચુકવણી 23થી 25 ઓક્ટોબર દરમિયાન કરાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓ, નિવૃત્ત પેન્શનર્સ આગામી દિવાળીના તહેવારની ઉજવણી આનંદ ઉલ્લાસથી કરી શકે તે માટે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

આ વર્ષે દિવાળીના તહેવારોને ધ્યાનમાં લઈને કર્મચારીઓને મળતા માસિક પગાર તેમજ પેન્શનર્સને પેન્શનની રકમની ચુકવણી એડવાન્સમાં કરવાનો નિર્ણય ગુજરાત સરકારે કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અંગે નાણાં વિભાગને આપેલા દિશાનિર્દેશ અનુસાર રાજ્ય સરકારના કર્મચારીઓ, પેન્શનર્સને ઓક્ટોબર માસની 23 થી 25 તારીખ દરમિયાન આ મહિનાના પગાર અને પેન્શનનું એડવાન્સ ચુકવણું કરવામાં આવશે. મુખ્યમંત્રી સમક્ષ વિવિધ કર્મચારી મંડળો, એસોસિએશન અને અગ્રણીઓની આ સંદર્ભમાં મળેલી રજૂઆતનો સકારાત્મક પ્રતિસાદ આપતા તેમણે ઓક્ટોબર-2024ના પગાર-પેન્શન એડવાન્સમાં ચૂકવવાનો આ નિર્ણય કર્યો છે.

પરાળી સળગાવવાને મુદ્દે બે રાજ્ય સરકારોને કોર્ટની ‘સુપ્રીમ’ ફટકાર

નવી દિલ્હીઃ દેશમાં ઠંડી શરૂઆતના તબક્કામાં છે, પરંતુ પંજાબ અને હરિયાણામાં પરાળી સળગાવવાની ઘટનાઓ થવા લાગી છે. એના પર કોઈ રોક નથી લાગી શકી. જેથી સુપ્રીમ કોર્ટે બંને રાજ્ય સરકારને પાછલા આદેશનું પાલન નહીં કરવા પર ફટકાર લગાવતાં ચેતવણી આપી હતી કે જો આદેશનું પાલન નહીં કરવામાં આવે તો કોર્ટ તેમના મુખ્ય સચિવોની વિરુદ્ધ માનહાનિનો કેસ નોંધશે.

કોર્ટે સવાલ કર્યો હતો કે રાજ્ય સરકાર પરાળી સળગાવવા માટે લોકો પર કેસ ચલાવવા અને મામૂલી દંડ લગાવીને લોકોને છોડવાથી ખચકાટ કેમ અનુભવી રહી છે. કોર્ટે હરિયાણાને કહ્યું છે કે ઇસરો તમને એ સ્થાન બતાવી રહ્યું છે કે જ્યાં આગ લાગી હતી અને તમે કહો છો કે તમને કંઈ મળ્યું નહીં.

કોર્ટે બંને રાજ્યોના મુખ્ય સચિવોને 23 ઓક્ટોબરે કોર્ટમાં હાજર થવા માટે આદેશ આપ્યો છે. જસ્ટિસ અભય એસ ઓકા, જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લા અને જસ્ટિસ ઓગસ્ટિન જ્યોર્જ મસીહની ખંડપીઠે વાયુ ગુણવત્તા મેનેજમેન્ટ પંચ (CQM)ને નિર્દેશ આપ્યા હતા કે પંચ ઉલ્લંઘનકર્તાઓની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહેવા માટે હરિયાણા સરકારના અધિકારીઓની વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી કરે.

કોર્ટે CQMની તુલના વિના દાંતવાળા વાઘ સાથે કરી હતી. કોર્ટે પરાળી સળગાવવાના મામલે હરિયાણા સરકારના વલણ પર નારાજગી જાહેર કરતાં કહ્યું હતું કે આ કોઈ રાજકીય કેસ નથી. જો મુખ્ય સચિવ કોઈના ઇશારે કામ કરી રહ્યા છે, તો તેમની પાસે સ્પષ્ટીકરણ માગવામાં આવશે. આ મુદ્દે પંજાબ સરકારને ફટકાર લગાવતાં કોર્ટે કહ્યું હતું કે રાજ્યમાં છેલ્લાં ત્રણ વર્ષમાં પરાળી સળગાવવાને લઈને એક પણ કેસ નથી ચલાવવામાં આવ્યો. પંજાબ સરકારે ખેડૂતોને ટ્રેક્ટર આપવા માટે કેન્દ્રથી નાણાં લેવા માટે કોઈ પ્રયાસ નથી કર્યા, એમ કોર્ટે કહ્યું હતું.

 

ગુજરાતમાં નશીલા ડ્રગ્સના ગૃહઉદ્યોગ સામે સંયુક્ત કાર્યવાહી

ગુજરાતમાં નશાનું દૂષણ દિવસેને દિવસે વધી રહ્યું છે. જેમાં દરિયાઈ માર્ગે નશાની હેરાફેરી સાથે દવાના નામે નશાના ઉત્પાદનનો નવો પડકાર સર્જાયો છે. પોલીસ અને એજન્સીની કાર્યવાહી પરથી તો એવું જણાય છે જાણે ગુજરાતમાં ગૃહઉદ્યોગ હોય તેમ નશીલા ડ્રગ્સનું ઉત્પાદન શરૂ થયું છે. એક વર્ષમાં પોલીસ, એનસીબી અને અન્ય એજન્સીઓએ સંયુક્ત કાર્યવાહી કરી દવાના નામે ગેરકાયદેસર રીતે ડ્રગ્સ બનાવતાં નોંધપાત્ર કહી શકાય તેવા સાત દરોડામાં 8 હજાર કરોડથી વધુનું ડ્રગ્સ પકડયું છે. ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં ખૂણેખાંચરે ફેક્ટરી નાંખી નશીલા ડ્રગ્સનું ઉત્પાદન શરૂ કરી દેવાયું છે. દવાના નામે પ્રતિબંધિત એવા સાઈકોટ્રોપિક ડ્રગ્સનું ઉત્પાદન કરતાં એકમો અને આવા એકમો પકડાવાના ઘટનાક્રમ અને કારસ્તાને એજન્સીઓ માટે વધુ એક મોરચો ખોલ્યો છે.

જમીન માર્ગે અને જળ માર્ગે ગુજરાતમાં ડ્રગ્સ અને દારૂ લાવવાના કિસ્સા સાથે, હવે દવાના નશાનું ઉત્પાદન કરનારાંઓ સામે ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાં કડક અને સંયુક્ત કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ગુજરાત-રાજસ્થાનમાં સામૂહિક દરોડા પાડી 300 કરોડનું તેમજ સુરતના પલસાણામાંથી ડ્રગ્સ એટલે કે દવા બનાવતી ફેક્ટરી પકડાઈ હતી. સાણંદ પાસે હજારો કિલો ડ્રગ્સ એટલે કે દવા સાથે ફેક્ટરી પકડાયું હતું. અમદાવાદ નજીક ચાંગોદર અને યુપીમાં ધમધમતી ટેબલેટ બનાવતી ફેક્ટરીમાં સામૂહિક દરોડા પાડી 15 લાખ ટેબલેટો કબજે કરવામાં આવી હતી.  ગુજરાતમાં અમદાવાદના ચાંગોદર, અંકલેશ્વર ઉપરાંત સૌરાષ્ટ્રમાંથી પણ આ પ્રકારે નશાની ટેબલેટ્સ બનાવતી કહેવાતી ફાર્મા કંપનીઓ તંત્રએ પકડી પાડી છે. છેલ્લાં એક વર્ષમાં પ્રતિબંધિત દવા બનાવતા અડધો ડઝન એકમો પોલીસ અને એજન્સીઓ દ્વારા પકડી પાડવામાં આવી છે. ગુજરાત એટીએસ, એનસીબી સહિતની એજન્સીઓએ હાથ મિલાવીને ગૃહઉદ્યોગ હોય તેમ નશીલા ડ્રગ્સનું ઉત્પાદન અને વેચાણ સામે કડક કાર્યવાહી આરંભી છે. ચાલુ વર્ષે જ અમદાવાદ આસપાસના અડધો ડઝન એકમો ઉપર દરોડા પાડીને 8 હજાર કરોડનું ડ્રગ્સ પકડી પાડ્યું છે.  સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, કોઈપણ યુનિટના નામ સાથે ફાર્મા શબ્દ જોડી દઈને આવી પ્રતિબંધિત દવા બનાવવાનું ચલણ ભયજનક રીતે વધ્યું છે. ગુજરાત સહિત દેશભરમાં એન.ડી.પી.એસ એક્ટ હેઠળ પોલીસ, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો અને એનસીબી દ્વારા દરોડા પાડવા અને આરોપીઓને પકડવા સહિતની કાર્યવાહી કરવામાં આવે છે. 4 હજાર એકમો ધરાવતી ગુજરાતની ફાર્મા ઈન્ડસ્ટ્રીઝ ઉપરાંત આસપાસના રાજ્યોની ફાર્મા કંપનીઓ ઉપર પોલીસ અને સુરક્ષા એજન્સીઓ ચાંપતી નજર રાખતી થઈ છે.

કેબિનેટ બેઠકમાં સરકારે કર્મચારીઓને આપી દિવાળી ગિફ્ટ

નવી દિલ્હીઃ તહેવારોની સીઝનમાં કેન્દ્રની મોદી સરકાર કેન્દ્રીય કર્મચારીઓને દિવાળી ભેટ આપી છે. કેન્દ્રએ મોંઘવારી ભથ્થા (DA)માં ત્રણ ટકાના વધારાને કેબિનેટની મંજૂરી મળી ગઈ છે. પહેલી જુલાઈ, 2024થી આ મોંઘવારી ભથ્થું લાગુ થવાની શક્યતા છે.  જેથી કર્મચારીઓનું DA વધીને 53 ટકા થશે.

સરકારે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં સરકારી કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની જાહેરાત કરી છે. સરકારની આજની કેબિનેટ બેઠકમાં આ નિર્ણયથી 49.18 લાખ કેન્દ્રીય કર્મચારીઓને અને 67.95 લાખ પેન્શનર્સને સીધો લાભ થશે.

લગભગ એક કરોડ સરકારી કર્મચારીઓ અને પેન્શનરો કેન્દ્ર સરકાર તરફથી આ મોંઘવારી ભથ્થામાં વધારાની રાહ જોઈ રહ્યા હતો. એવું માનવામાં આવતું હતું કે સરકાર નવરાત્રિમાં કેબિનેટ બેઠકમાં આ અંગે નિર્ણય લેવાની હતી.. જોકે છેલ્લી કેબિનેટ બ્રીફિંગમાં તેની જાહેરાત કરવામાં આવી ન હતી. જેને IT પ્રધાન અશ્વિની વૈષ્ણને સંબોધિત કરી હતી.

કેન્દ્રીય કર્મચારીઓને DA અને પેન્શનરોને DR મળે છે. હાલમાં, DA મૂળ પગારના 50 ટકા છે. તેમાં છેલ્લે માર્ચ, 2024માં વધારો કરવામાં આવ્યો હતો. તેમાં ચાર ટકાનો વધારો થયો હતો. આ વધારો જાન્યુઆરી, 2024થી અમલમાં આવ્યો છે. ઘણા સમયથી DAમાં કોઈ વધારો થયો નથી. હાલ એવું માનવામાં આવે છે કે સરકાર તહેવારો પહેલાં તેમાં વધારો કરી શકે છે. DA વધારવાની જાહેરાત કન્ઝ્યુમર પ્રાઈસ ઇન્ડેક્સના આધારે નક્કી કરવામાં આવે છે. જે અલગ-અલગ ક્ષેત્રોમાં રિટેલ કિંમતોમાં ફેરફારને આધારે તૈયાર થાય છે.

ગુજરાતના 26 અભ્યારણ્ય આજથી પ્રવાસીઓ માટે ખુલ્લા મુકાશે

ગુજરાતમાં 27 અભ્યારણ બનાવવામાં આવ્યા છે. જે ચોમાસાની સિઝન દરમિયાન પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવે છે. જ્યારે હવે ચોમાસું વિદાય લઈ રહ્યું છે. ત્યારે આ અભ્યારણ પૈકી 26 અભ્યારણ પ્રવાસીઓ માટે ખુલ્લા મુકવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે કચ્છમાં હાલ ભાર વરસાદ છે જેના પગલે કચ્છનું ઘુડખર અભ્યારણ દિવાળી સુધી બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. હાલ આ અભ્યારણ સુધી કોઈ પણ પ્રવાસીઓ કે વાહન જઈ શકે એમ નથી, એ માટે અભ્યારણ આગામી 31 ઓક્ટોબર સુધી બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે દિવાળી વેકેશનમા પ્રવાસીઓ વધારે આવતા હોવાથી આવકમાં પણ મોટો ફટકો પડશે.

કચ્છના નાના રણમાં 4954 ચો. કિમીમાં ફેલાયેલા ઘુડખર અભ્યારણ સહિતના ગુજરાતના તમામ 27 અભ્યારણો દર વર્ષે 16 જૂનથી 15 ઓક્ટોબર સુધી સસ્તન પ્રાણીઓનો સંવનનનો સમયગાળો હોવાથી એમને ખલેલ ન પડે એ માટે પ્રવાસીઓ માટે સદંતર બંધ રાખવામાં આવે છે. અને 16 ઓક્ટોબર એટલે કે આજથી ગુજરાતના તમામ અભ્યારણો પ્રવાસીઓ માટે ખુલ્લા મુકવામાં આવે છે. પરંતુ ત્રણ ચાર દિવસ અગાઉ કચ્છના નાના રણમાં ખાબકેલા મુશળધાર ત્રણ ઇંચ વરસાદના પગલે અને બીજીબાજુ બનાસ, રૂપેણ અને સરસ્વતી નદી સહીત ઉત્તર ગુજરાત અને રાજસ્થાનની 110 નદીઓના પાણી રણમાં ફરી વળતા હાલમાં કચ્છનું નાનું રણ મીની સમુદ્રમાં ફેરવાઈ ગયું છે. જેથી ઘુડખર અભ્યારણ દિવાળી પછી પ્રવાસીઓ માટે ખુલશે. હાલ અભ્યારણ વિભાગ દ્વારા રણ 31 ઓક્ટોબર સુધી પ્રવાસીઓ માટે બંધ હોવાનું જાહેર કરવામાં આવ્યું છે. જયારે તાજેતરમા કરાયેલી વસ્તી ગણતરી અનુસાર આ વર્ષે ઘુડખરની સંખ્યામાં 26% ના વધારા સાથે ઘુડખરની સંખ્યા 7672 એ પહોંચી છે.

મુંબઈના અંધેરીમાં 14 માળની ઈમારતમાં ભીષણ આગ, 3 લોકોના મોત

મુંબઈ: મુંબઈના અંધેરી વેસ્ટમાં આવેલી 10 માળની ઈમારત રિયા મહેલમાં આજે સવારે ભીષણ આગ લાગી હતી. આગમાં દાઝી જવાથી ત્રણ લોકોના મોત થયા છે. સીએમઓએ ત્રણ લોકોના મોતની પુષ્ટિ કરી છે. આ દરમિયાન અન્ય ત્રણ લોકો ઘાયલ થયા હતા. ઘાયલોની ઓળખ ચંદ્રપ્રકાશ સોની (74), કાંતા સોની (74) અને 42 વર્ષીય પેલુબેતા તરીકે થઈ છે.

આગની આ દુર્ઘટનામાં ત્રણ લોકોના મોત થયા અને ત્રણ લોકો ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર માચે કૂપર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો ચાલુ

મળતી માહિતી મુજબ આગની જાણ થતા ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. હાલ આગ પર હજુ સુધી કાબુ મેળવી શકાયો નથી. કેટલાક લોકો ઘાયલ થવાની પણ આશંકા છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યા છે.

ઘટનાસ્થળે હાજર ફાયર બ્રિગેડની ગાડીઓ

ફાયર બ્રિગેડના વાહનો, હાઇડ્રેન્ટ્સ, ટર્નટેબલ સીડી અને એમ્બ્યુલન્સ સ્થળ પર હાજર છે. આગ એક રહેણાંક ફ્લેટ સુધી સીમિત છે અને અધિકારીઓ પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છે. હાલ આગ પર કાબૂ મેળવવામાં આવી રહ્યો છે.

J&Kમાં ઓમર અબદુલ્લાએ CMપદના શપથ લીધા, કોંગ્રેસ સામેલ નહીં

શ્રીનગરઃઆર્ટિકલ 370 દૂર કર્યા પછી કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરના CM તરીકે ઓમર અબદુલ્લાએ શપથ લીધા હતા.  તેમની સાથે તેમના મંત્રીઓએ પણ શપથ લીધા હતા. નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ ઓમર અબદુલ્લા કેન્દ્ર શાસિત રાજ્યના પહેલાં અને જમ્મુ-કાશ્મીરના બીજી વાર CM બન્યા છે.  નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર ઉબદુલ્લા શપથ લેતાં પહેલાં કોંગ્રેસે નિર્ણય લીધો છે કે પાર્ટી જમ્મુ-કાશ્મીરની ઓમર સરકારમાં સામેલ નહીં થાય. કોંગ્રેસ ઓમર સરકારને બહારથી ટેકો આપશે.

જમ્મુ-કાશ્મીરની ઓમર અબદુલ્લા સરકારમાં સામેલ થવાને બદલે કોંગ્રેસ તેને બહારથી સમર્થન આપશે. એટલે કે ઓમર અબ્દુલ્લા સરકારમાં કોંગ્રેસ તરફથી કોઈ મંત્રી નહીં હોય. સૂત્રોના જણાવ્યા અનુસાર આને માટે બે કારણો જણાવવામાં આવી રહ્યાં છે. પહેલું એ કે કોંગ્રેસને ઓમર સરકારમાં બે મંત્રી પદ જોઈતા હતા, પરંતુ માત્ર એક જ પદ આપવામાં આવી રહ્યું હતું. જેથી દબાણ ઊભું કરવા કોંગ્રેસે બહારથી સમર્થન મેળવવાનો નિર્ણય કર્યો છે.

તેનું બીજું કારણ એ હોઈ શકે છે કે કોંગ્રેસ નેતૃત્વ ઈચ્છતું નથી કે જમ્મુ-કાશ્મીરમાં અત્યાર સુધીનું સૌથી ખરાબ પ્રદર્શન અને માત્ર છ બેઠકો જીત્યા બાદ રાજ્ય એકમના મોટા નેતાઓને મંત્રીપદની ભેટ મળે. એક રીતે આ કોંગ્રેસનું રાજકીય પ્રાયશ્ચિત છે. જોકે રાજકીય એકતાનો સંદેશ આપવા માટે રાહુલ ગાંધી, કોંગ્રેસ અધ્યક્ષ ખડગે અને પ્રિયંકા ગાંધી આજે ઓમર અબ્દુલ્લાના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે.

કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું હતું કે કોંગ્રેસઅધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી, પ્રિયંકા આજે ઓમર અબદુલ્લાના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે. જોકે કોંગ્રેસે મંગળવારે શપથ ગ્રહણ સમારોહ પહેલાં સરકારમાં ન જોડાવાનો નિર્ણય કરીને સૌને ચોંકાવી દીધા છે.

જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા પણ સવારે 11.30 વાગ્યે શેર-એ-કાશ્મીર ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર (SKICC)માં CM સહિત મંત્રીઓને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવશે.

 

દિલજીત દોસાંજના કોન્સર્ટની નકલી ટિકિટ વેચતી ગેંગનો પર્દાફાશ

દિલ્હી પોલીસે મંગળવારે પંજાબી ગાયક દિલજીત દોસાંજના કોન્સર્ટની નકલી ટિકિટ વેચતી ગેંગનો પર્દાફાશ કર્યો હતો. દિલજીતનો શો દિલ્હીમાં યોજાવા જઈ રહ્યો છે અને ચાહકોમાં આ કોન્સર્ટને લઈને જબરદસ્ત ક્રેઝ છે. દિલજીતની ટિકિટો ખૂબ જ મોંઘા ભાવે વેચાઈ રહી છે. પોલીસને બાતમી મળી હતી કે ટિકિટનું બ્લેક માર્કેટિંગ થઈ રહ્યું છે અને તેઓએ આ ટોળકીનો પર્દાફાશ કરવાનો પ્લાન ઘડ્યો હતો. દક્ષિણ દિલ્હી પોલીસે આ કેસમાં એક વ્યક્તિની ધરપકડ કરી છે.

ભારતમાં દિલજીત દોસાંઝનો મ્યુઝિક કોન્સર્ટ

ઉત્તર અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ પછી દિલજીત તેની સુપરહિટ દિલ-લુમિનાટી ટુર ભારતની રાષ્ટ્રીય રાજધાની સહિત 10 શહેરોમાં લાવી રહ્યો છે. તે 26 અને 27 ઓક્ટોબરે નવી દિલ્હીના જવાહરલાલ નેહરુ સ્ટેડિયમમાં પરફોર્મ કરવા માટે તૈયાર છે. આને લઈને દિલજીત દોસાંજના ફેન્સમાં જબરદસ્ત ક્રેઝ છે. આ કોન્સર્ટને લઈને ચાહકો કેટલા ઉત્સાહિત છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે દિલજીતના કોન્સર્ટનું બુકિંગ શરૂ થતાં જ તમામ ટિકિટો બુક થઈ ગઈ હતી.

ભારતમાં દિલ-લુમિનાટીનો મ્યુઝિક કોન્સર્ટ

નવી દિલ્હી પછી દિલજીત તેની દિલ-લુમિનેટી ટુરમાં ભારતના અન્ય કેટલાક શહેરોમાં પરફોર્મ કરશે. 3 નવેમ્બરે દિલજીત જયપુર, રાજસ્થાનમાં પરફોર્મ કરશે, જેની ટિકિટો વેચાઈ ચૂકી છે. ત્યાર બાદ 15 નવેમ્બર, 2024 ના રોજ હૈદરાબાદમાં કોન્સર્ટ કરશે.

અમદાવાદ-લખનૌમાં પણ ચાહકો ઉત્સાહિતબે દિવસ પછી તે અમદાવાદમાં અને 22મી નવેમ્બરે લખનૌમાં જોવા મળશે. 24 અને 30 નવેમ્બરે ઉડતા પંજાબના ગાયક અનુક્રમે પુણે અને કોલકાતામાં પરફોર્મ કરશે. બાકીના ચાર કોન્સર્ટ આ વર્ષે ડિસેમ્બર મહિનામાં બેંગલુરુ, ઈન્દોર, ચંદીગઢ અને ગુવાહાટીમાં યોજાશે. ભારતમાં દિલજીતના કોન્સર્ટની માહિતી બેન્ડસિનટાઉન પોર્ટલ પરથી લેવામાં આવી છે.

કેવી રીતે શરૂઆત થઈ World Food Day ઉજવવાની? જાણો ઈતિહાસ

રોટી, કપડા અને મકાન જીવનની ખૂબ જ મહત્વપૂર્ણ જરૂરિયાતો છે. આ ત્રણ વસ્તુઓનું મહત્વ સમજવું ખૂબ જ જરૂરી છે. 16 ઓક્ટોબર એટલે કે વિશ્વ ખાદ્ય દિવસ (World Food Day) માત્ર વિશ્વને ખોરાકનું મહત્વ જણાવવા માટે જ નહીં પરંતુ ખાદ્ય સુરક્ષા અને ભૂખમરાને લગતા મુદ્દાઓ વિશે જાગૃતિ ફેલાવવા માટે પણ ઉજવવામાં આવે છે. વિશ્વમાં વધતી જતી વસ્તી ભૂખમરાની સંભાવનાને વધારી રહી છે. ચાલો જાણીએ વિશ્વ ખાદ્ય દિવસના ઇતિહાસ વિશે.

 

તાજેતરમાં જ બહાર પાડવામાં આવેલ ગ્લોબલ હંગર ઈન્ડેક્સ (GHI) 2024 રિપોર્ટમાં ભારતને મોટો આંચકો લાગ્યો છે. 127 દેશોમાં ભારત 105મા ક્રમે છે, જે દેશમાં ભૂખમરાની સમસ્યાનું ગંભીર સ્તર દર્શાવે છે. આ ડેટા આપણને વિશ્વ ખાદ્ય દિવસ (World Food Day 2024) ના મહત્વને વધુ ઊંડાણપૂર્વક સમજવા માટે દબાણ કરે છે.

વિશ્વ ખાદ્ય દિવસનો ઇતિહાસ

ખાદ્ય અને કૃષિ સંગઠને 1945માં વિશ્વ ખાદ્ય દિવસ (World Food Day)ની સ્થાપના કરી હતી. જો કે, આ દિવસ 2014થી ઉજવવાનું શરૂ થયું. છેલ્લા કેટલાક વર્ષોમાં વિશ્વ ખાદ્ય દિવસ પર ખાદ્ય સુરક્ષા અને કૃષિના વિવિધ પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. એકંદરે, આ દિવસે લોકોમાં સ્વસ્થ આહાર વિશે જાગૃતિ ફેલાવવામાં આવે છે.

વિશ્વ ખાદ્ય દિવસની ઉજવણી કેવી રીતે શરૂ થઈ?

1945 માં, જ્યારે વિશ્વ હજી યુદ્ધના ઘામાંથી બહાર આવી રહ્યું હતું ત્યારે એક નવી આશા જાગી. રોમમાં ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન (FAO) ની સ્થાપના કરવામાં આવી હતી. આ સંસ્થાનો જન્મ એટલા માટે થયો હતો કે વિશ્વની દરેક વ્યક્તિને પૂરતું ભોજન મળી શકે. યુનાઈટેડ નેશન્સ ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન (FAO) ની 20મી જનરલ કોન્ફરન્સમાં વિશ્વ ખાદ્ય દિવસની શરૂઆત થઈ. FAO એ વિશ્વભરમાં ભૂખમરો અને કુપોષણ સામે લડવા માટે સમર્પિત આંતરરાષ્ટ્રીય સંસ્થા છે. FAO એ 1981 થી દર વર્ષે 16 ઓક્ટોબરે વિશ્વ ખાદ્ય દિવસ ઉજવવાનું નક્કી કર્યું.

વિશ્વ ખાદ્ય દિવસ તરીકે ઉજવવામાં આવેલ આ દિવસ આપણને યાદ અપાવે છે કે ખોરાક એ માત્ર પેટ ભરવાનું સાધન નથી, પરંતુ તે તંદુરસ્ત જીવન અને સારા ભવિષ્યનો પાયો છે.

2024 ની થીમ શું છે?

આ વર્ષની વિશ્વ ખાદ્ય દિવસની થીમ છે બહેતર જીવન અને વધુ સારા ભવિષ્ય માટે ખોરાકનો અધિકાર. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે દર વર્ષે આ દિવસ માટે એક અલગ થીમ જાહેર કરવામાં આવે છે. ગયા વર્ષની થીમ વિશે વાત કરીએ તો, વર્લ્ડ ફૂડ ડે 2023 ની થીમ હતી “જળ એ જીવન છે, જળ એ ખોરાક છે, કોઈને પાછળ ન છોડો”.

ખોરાકનું મહત્વ સમજવું જરૂરી છે

કોઈપણ વ્યક્તિ અથવા કોઈપણ જીવને સ્વસ્થ રાખવા માટે ખોરાક ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેથી જ વડીલો વારંવાર કહે છે કે કોઈપણ કિંમતે ખોરાકનો બગાડ ન કરવો જોઈએ. ખોરાકને કારણે શરીરને એનર્જી મળે છે, સ્નાયુઓ રિપેર થાય છે અને ઘા રૂઝાય છે. તમારા શારીરિક સ્વાસ્થ્ય અને માનસિક સ્વાસ્થ્યને મજબૂત રાખવા માટે તંદુરસ્ત ખોરાક લેવો મહત્વપૂર્ણ છે.