Home Blog Page 1369

કેરળમાં આતિશબાજી વખતે દુર્ઘટના 150થી વધુ ઘાયલ

નવી દિલ્હીઃ દિવાળી પહેલાં કેરળના કાસરગોડ વિસ્તારમાં એક દુ:ખદ બનાવ થયો હતો. મંદિર ઉત્સવ દરમ્યાન બનેલા આ અકસ્માતમાં 150થી વધુ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. અંચુતામ્બલમ વીરાકાવુ મંદિરમાં મોડી રાત્રે ઉત્સવ ઊજવવામાં આવ્યો હતો. એ દરમ્યાન ફટાકડામાં આગ લાગી હતી અને મોટો ધડાકો થયો હતો.  પોલીસે જણાવ્યું કે અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા આઠ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

કાસરગોડ જિલ્લાના નિલેશ્વરમમાં ફટાકડા ફોડીને તહેવારની ઉજવણી કરવામાં આવી રહી હતી. આ દરમિયાન મોડી રાત્રે એક અકસ્માત સર્જાયો હતો, જેમાં 154થી વધુ લોકો ઘાયલ થયા હતા. પોલીસના જણાવ્યાનુસાર આ દુર્ઘટના વાર્ષિક અનુષ્ઠાન કાર્યક્રમમાં હજારો લોકો સામેલ થયા હતા. જેનાથી થેય્યમના નામે ઓળખવામાં આવે છે. જ્યારે ફટાકડાનો તણખાને કારમે ફટાકડાના પૂરા ભંડામાં આગ લાગી હતી અને ધડાકો થયો હતો. ફટાકડાની જગ્યા આતિશબાજીની 100 મીટર દૂર હતી. આ આગની દુર્ઘટનામાં અનેક જણ ફસાઈ ગયા હતા, એમ પોલીસે કહ્યું હતું.

 

 

જામનગરમાં આઈ.ટી.આર.એ. ખાતે ધન્વંતરી પૂજન

જામનગર: ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટિચિંગ એન્ડ રિસર્ચ ઈન આર્યુવેદા(ITRA)ખાતે મંગળવારે ધન્વંતરી જયંતી નિમિત્તે ભગવાન ધન્વંતરીનું પૂજન કરવામાં આવ્યું હતું. સંસ્થાના નિયામક પ્રો. બી. જે. પાટગીરી દ્વારા ૯મા આયુર્વેદ દિવસ નિમિત્તે આ પૂજન કરવામાં આવ્યું. જેમાં સંસ્થાના કર્મચારીઓ, અધિકારીઓ અને વિધ્યાર્થીઓ જોડાયા હતાં.

આ ઉપરાંત દિલ્હી ખાતે આયુર્વેદ દિવસ અનુસંધાનમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમનું જીવંત પ્રસારણ જામનગર ખાતે ઓડિટોરિયમમાં કરવામાં આવ્યું હતું. જેમાં બહોળી સંખ્યામાં કર્મચારીઓ‌ જોડાયા હતા.

ઉલ્લેખનીય છે કે આ વર્ષે ૯મા આયુર્વેદ દિવસ માટે “વૈશ્વિક સ્વાસ્થ્ય માટે આયુર્વેદમાં નવીનતા” ની થીમ પર આધારિત ઉજવણી કરવામાં આવી હતી.

દીપોત્સવી: ઘર, શાળા, મંદિરોના આંગણે રંગોળી

અમદાવાદ: દિવાળી આવે એટલે ઘરના અને આંગણા સ્વચ્છ થઈ જાય. વિવિધ રંગોનો ઉપયોગ કરી ડિઝાઈન સાથે રંગોળી પૂરવામાં આવે અને અંધકાર દૂર કરી ઉજાસ આપતા દીવડાં ઝગમગી ઉઠે.

હવે આધુનિક યુગમાં વિવિધ આકાર સાથેના દીવડાં ઉપલબ્ધ છે. કાગળ અને ધાતુમાં રંગોળીની ડિઝાઈન પણ તૈયાર મળી જાય છે. પરંતુ હજુ પણ ઘર, શાળાઓ અને ઓફિસોને સજાવવા લોકો પોતાની હસ્તકલા પ્રસ્તુત કરે છે.અમદાવાદ શહેરની અનેક શાળાઓમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ભેગા મળી રંગોળી પૂરી. મંદિરોને સાધુઓ અને હરિભક્તોએ ભેગા મળી રંગોળી અને દીવડાંથી સજાવ્યા. ઘર અને આંગણને ગૃહિણીઓએ રંગોળીથી સજાવ્યા છે.

એસ.જી.વી.પી સંસ્થા સાથે સંકળાયેલા ભાવિની મિસ્ત્રી ચિત્રલેખા.કોમને કહે છે દિવાળી જેવા તહેવારોમાં બાળકો સાથે મળીને રંગો સાથે એક કલાકૃતિ તૈયાર કરવાનો આનંદ અલગ જ હોય છે. સંસ્થાઓનું આંગણુ દીપી ઉઠે છે. શિક્ષકો અને વિદ્યાર્થીઓ એકબીજાની નજીક આવે છે. આ સાથે પોતાની આવડત રજુ કરવાનું પ્લેટફોર્મ મળે છે.ડો. ધારા કાપડિયા કહે છે મને ઘરમાં અને કમ્પાઉન્ડને વિવિધ રંગોળીથી સજાવવું ખૂબજ ગમે છે. આ વર્ષે વિવિધ રંગોથી રામ સીતા દોર્યા છે. આ સાથે આંગણામાં તુલસી ક્યારા નજીક અને ઘરમાં જાતે વિવિધ આકારની રંગોળી દીવડાંથી સજાવટ કરી છે.

(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)

 

શિયાળામાં ગરમીનો પારો ઉંચકાયો, ગુજરાત અને રાજસ્થાનમાં દેશમાં સૌથી વધુ તાપમાન

અમદાવાદ: આ વર્ષે અલનીનોની જગ્યા પર વાતાવરણ લલનીનોમાં ફેરવાય જતા, સામાન્ય કરતા વધુ વરસાદ નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 1994થી 2023 સુધીમાં સામાન્ય રીતે 36 ઈંચ જેટલો વરસાદ નોંધાતો હોય છે. ત્યારે આ વર્ષે 50 ઈંચ સુધી વરસાદ વરસી ગયો છે. હવે પ્રકાશ પર્વ શ્રુંખલાનો પ્રાંરભ થયો છે, ત્યારે અસામાન્ય તાપ વરસી રહ્યો છે. સમગ્ર દેશમાં સૌથી વધુ તાપમાન ગુજરાત અને રાજસ્થાનમાં નોંધાઈ રહ્યું છે. સોમવારે તાપમાનનો પારો ભૂજ અને ડીસામાં 41 સેલ્સિયસ અને રાજકોટમાં 40 સેલ્સિયસે પહોંચી જતા બપોરે અસહ્ય ઉકળાટ અનુભવાયો હતો.

મળતી માહિતી અનુસાર અમદાવાદ, ગાંધીનગર, કંડલા, અમરેલી, સુરેન્દ્રનગરમાં પણ તાપમાનનો પારો 38  સેલ્સિયસને પાર થયો હતો. જે આ સમયમાં અસામાન્ય તાપ દર્શાવે છે. સવારનું તાપમા ન હજુ પણ 20 સેલ્સિયસ નીચે ઉતરતું નથી. રાજકોટમાં આ સમયે સવારના 15 સેલ્સિયસ તાપમાને ગુલાબી ઠંડી અનુભવાતી હોય તેના બદલે સોમવારે  21 સેલ્સિયસ એટલે કે 5.7 સેલ્સિયસ વધારે તાપમાન રહ્યું હતું અને બપોરનું તાપમાન હાલ 26  સેલ્સિયસ આસપાસને બદલે 39.6 સેલ્સિયસ નોંધાયુ છે. દિવાળી પૂર્વેના સમયમાં મિશ્ર હવામાન સામાન્ય છે, કારણ કે બે ઋતુ ભેગી થતી હોય છે પરંતુ, આ વખતે કથળેલા ક્લાઈમેટની પ્રતીતિ કરાવતી સ્થિતિ  જુદી છે જેમાં સવાર-બપોરના તાપમાન વચ્ચે 17થી 19 સેલ્સિયસ સુધીનો ફરક તો છે તે ઉપરાંત ન્યુનત્તમ ? અને મહત્તમ એ બન્ને તાપમાન સામાન્ય કરતા 3થી 6 સેલ્સિયસ વધારે રહે છે. નોંધનીય છે કે હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના અનુમાન અનુસાર પાંચ નવેમ્બર બાદ દિવસનું તાપમાન તબક્કાવાર ઘટવા લાગશે. આ જ સમયગાળા દરમિયાન લધુતમ તાપમાન 19 ડિગ્રી સુધી જતાં ઠંડીનો ચમકારો અનુભવાશે. આજે 10 શહેરમાં 36 ડિગ્રીથી વઘુ તાપમાન હતું. જેમાં કંડલા એરપોર્ટ ઉપરાંત ભુજ, ડીસામાં પારો 40 ડિગ્રીથી વઘુ હતો.

ABSLAAMCનો ત્રિમાસિક ગાળામાં આવક 33 ટકા, નફો 36 ટકા વધ્યા

મુંબઈઃ આદિત્ય બિરલા સન લાઇફ AMC લિ. (ABSLAAMC)એ 30 સપ્ટેમ્બર, 2024એ પૂરા થયેલા ત્રિમાસિક અને અર્ધવાર્ષિક ગાળા માટે અનઓડિટેડ નાણાકીય પરિણામો જાહેર કર્યાં છે, જે નીચે મુજબ છે.

  • સપ્ટેમ્બર, 2024એ પૂરા થતા ત્રિમાસિક ગાળા માટે ઓવરઓલ વૈકલ્પિક અસ્કયામતો સહિત કુલ QUAUM વાર્ષિક ધોરણે 24 ટકા વધીને રૂ. 4004 અબજ થઈ છે, જ્યારે ABSLAAMC મ્યુચ્યુઅલ ફંડની QUAUM 23 ટકા વધીને રૂ. 3833 અબજ થઈ છે.
  • સપ્ટેમ્બર ત્રિમાસિકના અંતે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડની QUAUM વાર્ષિક ધોરણે 39 ટકા વધીને રૂ. 1806 અબજ થઈ છે, જ્યારે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડની મિક્સ એસેટ સપ્ટેમ્બર, 2024ના 42 ટકાથી વધીને FY25ના બીજા ત્રિમાસિક ગાળામાં 47 ટકા થઈ છે.
  • સપ્ટેમ્બર, 2024ના ત્રિમાસિક ગાળાના અંતે વ્યક્તિગત માસિક AAUM વાર્ષિક ધોરણે 28 ટકા વધીને રૂ. 2034 અબજ થઈ છે, જ્યારે વ્યક્તિગત મિક્સ કુલ મ્યુચ્યુઅલ ફંડની AUM 53 ટકા વધી છે.
  • સપ્ટેમ્બર, 2024ના અંતે B-30 મન્થ્લી AAUM વાર્ષિક ધોરણે 34 ટકા વધીને રૂ. 711 અબજ થઈ છે, જ્યારે B-30 મિક્સ મ્યુચ્યુઅલ ફંડની AUM 18 ટકા વધી છે.
  • સપ્ટેમ્બર, 2024ના અંતે કંપનીની પેસિવ AUM રૂ. 301 અબજના સ્તરે હતી.
  • સપ્ટેમ્બર, 2024ના અંત સુધીમાં ABSLAMCએ 1.02 કરોડ ફોલિયોને સર્વિસ પૂરી પાડી હતી.
  • સપ્ટેમ્બર, 2024ના અંત સુધીમાં માસિક નિયમિત આવક (STP સહિત)માં વાર્ષિક ધોરણે 45.9 લાખ એકાઉન્ટ્સમાં 47 ટકા વધીને રૂ. 14.25 અબજ થઈ હતી.
  • સપ્ટેમ્બર 2024ના ત્રિમાસિકના અંતે આશરે 11.55 લાખ નવા SIP (STP સહિત)માં વાર્ષિક ધોરણે 443 ટકાનો વધારો દર્શાવે છે.

કંપનીની ચાલુ વર્ષના ત્રીજા ત્રિમાસિક ગાળામાં આવક વાર્ષિક ધોરણે 33 ટકા વધીને રૂ. 5.2 અબજ થઈ છે, જ્યારે કંપનીનો કરવેરા પહેલાંનો નફો વાર્ષિક ધોરણે 42 ટકા વધીને રૂ. 3.4 અબજ થયો છે. કંપનીનો કરવેરા પછીનો નફો 36 ટકા વધીને રૂ. 2.4 અબજ થયો છે, જ્યારે કંપનીની કુલ આવક 34 ટકા વધીને રૂ. 6.4 અબજ થઈ છે. કંપનીનો પહેલા અર્ધવાર્ષિક ગાળામાં કરવેરા પછીનો નફો 32 ટકા વધીને રૂ. 4.8 અબજ થયો છે.

 

ઈન્ડિયન આર્મી પર એવું તો શું બોલી અભિનેત્રી? લોકોએ બૉયકૉટની કરી માંગ

મુંબઈ: સાઈ પલ્લવી નિતેશ તિવારીની ફિલ્મ ‘રામાયણ’થી બોલિવૂડમાં ડેબ્યૂ કરશે, જેમાં તે માતા સીતાનું પાત્ર ભજવતી જોવા મળશે. આ ફિલ્મ બાદ અભિનેત્રી ચર્ચામાં છે. જો કે, છેલ્લા કેટલાક દિવસોથી તે તેની કોઈ ફિલ્મને કારણે નહીં પરંતુ તેના એક નિવેદનના કારણે હેડલાઈન્સમાં આવી છે. તેનો એક જૂનો વીડિયો સામે આવ્યો છે, જેના પછી તેને સોશિયલ મીડિયા પર ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. ભારતીય સેના પર વિવાદાસ્પદ નિવેદન આપ્યા બાદ હવે સોશિયલ મીડિયા પર અભિનેત્રીનો બહિષ્કાર કરવાની માંગ ઉઠી છે. બોયકોટ સાઈ પલ્લવી X પર ટ્રેન્ડ કરી રહ્યુ છે.

સાઈ પલ્લવીના નિવેદનથી લોકો ગુસ્સે થયા

સાઈ પલ્લવીએ શું કહ્યું જેનાથી લોકો ગુસ્સે થયા ? અને તેઓ સાઈ પલ્લવીનો બહિષ્કાર કરવાની માંગ કરી રહ્યા છે. ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહેલી ક્લિપ જેણે વિવાદને વેગ આપ્યો છે તે જાન્યુઆરી 2022ના ઈન્ટરવ્યુની છે. સાઈ પલ્લવી જે કહેતી હતી તેનો સાર એ હતો કે આપણે હિંસાના મુદ્દાને સમજવામાં નિષ્ફળ ગયા છીએ. વાયરલ વીડિયોમાં તેને કહેતા સાંભળી શકાય છે કે’પાકિસ્તાનના લોકો માને છે કે આપણી સેના આતંકવાદી જૂથ છે, પરંતુ આપણા માટે તેમની સેના એવી છે. તેથી, દ્રષ્ટિકોણ બદલાય છે. હું હિંસાને સમજી શકતી નથી.’

વિવાદો વચ્ચે કરવામાં આવેલ પ્રથમ પોસ્ટ

તાજેતરમાં સાઈ પલ્લવીએ ભારતીય સેના પર વિવાદાસ્પદ નિવેદન આપ્યા બાદ નેશનલ વોર મેમોરિયલની મુલાકાત લીધી હતી. વિવાદો વચ્ચે અભિનેત્રીએ ફરી પોતાની પહેલી પોસ્ટ શેર કરીને હલચલ મચાવી દીધી છે. તસવીરમાં તે મેજર મુકુંદ વરદરાજન AC (P) અને કોન્સ્ટેબલ વિક્રમ સિંહ SC (P) ને શ્રદ્ધાંજલિ આપતા જોઈ શકાય છે. ફિલ્મ ‘અમરન’ મેજર મુકુંદ વરદરાજનના જીવન પર આધારિત છે. સાઈ પલ્લવી ઉપરાંત રાજકુમાર પેરિયાસામી દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં શિવકાર્તિકેયન છે જે મેજર મુકુંદની ભૂમિકામાં જોવા મળશે.

અભિનેત્રી મોટા બજેટની ફિલ્મોથી ધૂમ મચાવશે

સાઈ પલ્લવી તેની કારકિર્દીના ગ્રાફમાં ખૂબ જ ઊંચા શિખરે પહોંચી ગઈ છે. આ દિવસોમાં અભિનેત્રી ઘણા મોટા બેનર હેઠળ બની રહેલી ફિલ્મોના શૂટિંગમાં વ્યસ્ત છે. તેની તમિલ ફિલ્મ ‘અમરન’ પણ 31 ઓક્ટોબરે રિલીઝ થવાની છે. સાઈ ટૂંક સમયમાં આવતા વર્ષે નાગા ચૈતન્ય સાથે અખિલ ભારતીય પ્રોજેક્ટ ‘થાંડેલ’માં પણ જોવા મળશે. જોકે, રણબીર કપૂર સાથે નિતેશ તિવારીની ‘રામાયણ’માં સાઈ પલ્લવી માતા સીતાના રોલમાં જોવા મળશે.

ડગલે દૂર તે દશકે (દેશાવરે) દૂર

ડગલે દૂર તે દશકે (દેશાવરે) દૂર

 

હાથવગું હોય તે જ હથિયાર. જ્યારે જરૂર પડે ત્યારે પોતાની પાસે ન હોય અને ખરા સમયે એ ઉપયોગમાં ન આવે તો કોઈ જ અર્થ નથી.

જરૂર માટેની આ વસ્તુ પછી એક ડગલું દૂર છે કે પછી દૂર દેશાવર પડી છે, સમયે ઉપયોગ ન થાય તેનો કોઈ જ અર્થ નથી. આ વાત આ કહેવત થકી કહેવાઈ છે.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

એ જ દિવાળી…

સિલ્વર માર્ગ ઉપર આવેલા આલીશાન બંગલાઓ દિવાળીમાં રોશનીથી છલકાતા હતા. આખા માર્ગ ઉપર ઝબકતી ઝીણી લાઈટોના તોરણો શોભતા હતા. એને કારણે રાત્રે પણ સોય પરોવી શકાય તેવો પ્રકાશ દેખાતો હતો.

મનોહર શેઠના બંગલાની બહાર ઝળહળાટ હતો. પરંતુ અંદર રહેલા માણસોના મનમાં અંધકાર હતો. જે આવા દિવસોમાં પણ ખુશીઓને અંદર આવવા દેતો નહોતો. સરિતા બે દિવસથી મ્હો ફુલાવી ફરતી હતી. સોનીને ત્યાં નવો બનાવવા આપેલો સોનાનો સેટ કોઈ કારણોસર બનીને આવ્યો નહોતો બસ એજ કારણે કકળાટ હતો.

“તમારે બધાને જે જોઈએ તે મળી જાય છે, આખો દિવસ ઘર હું સાચવું અને મારે કશું જોઈએ ત્યારે કાયમ આમજ બને છે. મને તો લાગે છે કોઈ જાણીને રમત રમી જાય છે.” આમ કહી નજરને મીનલ તરફ ફેરવી.

શેઠના દીકરા મોન્ટીની પત્ની મીનલ પણ બે દિવસ થી ગુસ્સામાં હતી. કારણ હતું મીનલ માટે આવેલું બ્રાન્ડેડ પર્સ તેની નણંદ સીમાને ગમી ગયું હતું. આ દિવાળીમાં તેને એ ભાભી તરફથી ગીફ્ટમાં જોઈતું હતું. બસ થઇ રહ્યું. પરસ્પર માંગ અને આશા અપેક્ષાઓમાં દિવાળીની ખુશીઓ હોળી બની ગઈ હતી.

આજ સિલ્વર માર્ગની પાછળની તરફ આવેલી નાની ઝૂપડપટ્ટીમાં દસ બાર નાના એક ઓરડીના મકાનો હતા. અંદર સાવ નાના લટકતા બલ્બમાંથી આછો પીળો પ્રકાશ રેલાતો હતો. અધખુલ્લી બારી માંથી બહાર જોઈ રહેલા કાનજીએ આઠ વર્ષના દીકરા સોમુને માથે હાથ ફેરવતા પૂછ્યું

“બેટા આ દિવાળીમાં તારે શું જોઈએ છે?”

“બાપુ મારે તો કશું નથી જોઈતું પણ આ ગુડ્ડી માટે ગુલાબી ઢીંગલી લાવજો.  કાલે બજારમાં ઢીંગલી જોઈ બાનો સાડલો પકડી ત્યાજ ઉભી રહી ગઈ હતી. એનું લાવજો બહુ ખુશ થશે.”

“તો બેટા તારી હારું ફટાકડા લાવું?”

ના બાપુ એ તો આ સામે બંગલા વાળાઓ રોજ ફોડે છે અને આપણે જોઈએ છીએ.”

છેવટ કાનજીએ સોમુની માનાં હાથ ઉપર હાથ મુકીને પૂછ્યું

“તારે દિવાળીમાં શું જોઈએ છે એ તો કહે?

સોમુની મા સવી તો કાનજીના સ્પર્શ માત્ર થી ગુલાબી ગુલાબી થઇ ગઈ હતી.

“સોમુના બાપા આ વખત તેલ લેવા જાવ ત્યારે થોડું ઘી અને ખાંડ પણ લાવજો આ છોકરાઓ માટે ધીનો શીરો બનાવીશ. બહુ દહાડા થયા કશું હારું બનાવ્યાને. તમારે હું જોઈએ છે એતો કહો?” સવી એ આંખમાં આંખ પરોવી કહ્યું.

“મારે તો તમારી આંખોમાં ફૂટતા ફટાકડા એ જ દિવાળી છે.” કાનજીના ચહેરે ઝળહળાટ હતો.

  • રેખા પટેલ (ડેલાવર-યુએસએ)

૨૯ ઓક્ટોબર ૨૦૨૪