Home Blog Page 1358

ઠંડીની શરૂઆતમાં માવઠાની આગાહી

દેશમાં ભારે વર્ષા બાદ અંતે મેધરાજાએ વિદાય લીધી છે. આ સાથે ગુજરાતમાં શિયાળાએ ધીમા પગે દસ્તક દીધી છે. આ તમામ વચ્ચે હજી પણ કેટલાક રાજ્યોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર, 10મી નવેમ્બરથી 14મી નવેમ્બર દરમિયાન બંગાળમાં ડિપ ડિપ્રેશન સર્જાઈ શકે છે. જેના કારણે ગુજરાતમાં વાવાઝોડાની પણ સંભાવના છે. આ ઉપરાંત 22મી નવેમ્બરથી રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે.

જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર, રાજ્યમાં 19મીથી 22મી નવેમ્બર બંગાળના ઉપસાગરમાં પ્રચંડ વાવાઝોડું સર્જાઈ શકે છે. જેના કારણે ગુજરાતના હવામાનમાં પણ ફેરફાર થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. 7મીથી 14મી અને 19મીથી 22મી નવેમ્બર દરમિયાન રાજ્યમાં માવઠું થઈ શકે છે. જે બાદ ડિસેમ્બર મહિનામાં ઠંડનું પ્રમાણ વધી શકે છે.

સામાન્ય રીતે ગુજરાતમાં 15મી ઓક્ટોબર સુધીમાં ઠંડીની શરૂઆત થઈ જતી હોય છે. પરંતુ આ વખતે ઓક્ટોબર મહિનો પૂરો થઈ ચૂક્યો છે. અને નવેમ્બર મહિનો શરૂ થઈ ગયો છે. ત્યારે હવે કેટલાક રાજ્યોમાં ઠંડીની ધીમી શરૂઆત જોવા મળી રહી છે. તો પંજાબ અને હરિયાણામાં 15 નવેમ્બરથી હળવી ઠંડી શરૂ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, બિહાર અને ઝારખંડમાં પણ 15મી થી 20મી નવેમ્બર પછી ઠંડી પડવાની સંભાવના છે. આ અઠવાડિયે ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના પહાડી વિસ્તારોમાં ઠંડી વધી શકે છે. આ ઉપરાંત તમિલનાડુમાં આજે અને આવતીકાલે વરસાદ પડશે. હવામાન વિભાગે કહ્યું છે કે 3 નવેમ્બરથી 5 નવેમ્બર સુધી ભારે વરસાદ પડી શકે છે.

મોડેલિંગની ધૂને ધ્રુવીને જીતાડી આ મુશ્કેલ સ્પર્ધામાં

એક ગુજરાતી મૂળની છોકરીએ અમેરિકાની બ્યૂટી કોન્ટેસ્ટમાં ગુજરાતનો ડંકો વગાડ્યો છે. આ જીત એટલે પણ મહત્વની કહેવાય કારણ કે તેમાં દુનિયાભરના દેશોમાંથી અમેરિકામાં સ્થાયી થયેલી યુવતીઓએ ભાગ લીધો હતો. કોમ્પિટિશન મુશ્કેલ હોવા છતાં પોતાની ટેલેન્ટ, સુંદરતા અને મહેનતથી આ છોકરીએ બધાંને પાછળ છોડી દીધા.

આજે ‘દીવાદાંડી’ વિભાગમાં અમે વાત કરી રહ્યા છીએ મિસ ઈન્ડિયા વર્લ્ડ વાઈડનો ખિતાબ જીતનાર ધ્રુવી પટેલ વિશે.

કોણ છે ધ્રુવી પટેલ?

ધ્રુવીના બેકગ્રાઉન્ડ વિશે જો વાત કરીએ તો તેના માતા-પિતા ગુજરાતના વડોદરાના રહેવાસી, પરંતુ વર્ષોથી અમેરિકામાં સ્થાયી થયા છે. પિતા વિનોદભાઈ પટેલ વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના અભિપુરા ગામના જ્યારે માતા ભૂમિકા પટેલ વાસદા ગામના રહેવાસી. તેમને સંતાનોમાં ધ્રુવી સિવાય ધ્રુતી, દક્ષ અને દક્ષેય નામના બાળકો છે. ધ્રુવી હાલમાં ક્વિનીપિયાક યુનિવર્સિટીમાંથી કમ્પ્યુટર ઇન્ફર્મેશન સિસ્ટમ્સમાં ડિગ્રી મેળવી રહી છે.

ધ્રુવીને નાનપણથી જ ફેશન અને મોડલિંગનો શોખ. તેના આ શોખમાં માતા-પિતાએ પણ પૂરો સપોર્ટ કર્યો. ખાસ કરીને માતા ભૂમિકા પટેલને ખુબ ઈચ્છા કે દીકરી બ્યૂટી કોન્ટેસ્ટમાં ભાગ લે અને તે ક્ષેત્રમાં આગળ વધે. ધ્રુવી અને ધ્રુતી માટે ભૂમિકાબેન માતા કરતાં બહેનપણી વધારે. આઠ વર્ષની ઉંમરમાં પ્રથમ વખત ધ્રુવીએ બ્યૂટી કોન્ટેસ્ટમાં ભાગ લીધો હતો. ત્યારથી જ મોડલિંગ અને એક્ટિંગ શરૂ કરી દીધા હતા. સાથે-સાથે ભણવામાં પણ એટલો જ રસ, આથી તેમાં પણ ફોક્સ કરવું જરૂરી હોવાથી, ધ્રુવીએ વચ્ચે થોડોક બ્રેક લીધો. જો કે 2023ના વર્ષથી તેણીએ ફરીથી વિવિધ બ્યૂટી કોન્ટેસ્ટમાં ભાગ લેવાનું શરૂ કર્યું. વર્ષ 2023માં ધ્રુવીને મિસ ઈન્ડિયા ન્યૂ ઈંગ્લેન્ડનો પણ તાજ પહેરાવવામાં આવ્યો હતો. તે કોન્ટેસ્ટમાં ધ્રુવીએ બહેન ધ્રુતી સાથે ભાગ લીધો હતો અને બન્ને બહેનોએ ટાઈટલ જીત્યું હતું. ધ્રુવીએ મિસ કેટેગરીમાં જ્યારે બહેન ધ્રુતીએ ટીન કેટેગરીમાં ટાઈટલ જીત્યું હતું.

જો મિસ ઈન્ડિયા વર્લ્ડ વાઈડ ટાઈટલ વિશે વાત કરીએ તો આ સ્પર્ધા ભારત બહાર ચાલતી સૌથી લાંબી ભારતીય સ્પર્ધા તરીકે જાણીતી છે. આ વર્ષે ઈવેન્ટ ન્યુ જર્સીના એડિસનમાં યોજાઈ હતી. મિસ ઈન્ડિયા વર્લ્ડવાઈડ સ્પર્ધા દર વર્ષે ઈન્ડિયા ફેસ્ટિવલ કમિટી દ્વારા યોજવામાં આવે છે, જેની આગેવાની ભારતીય-અમેરિકન નીલમબહેન અને ધર્માત્મા સરન કરે છે. ટાઈટલ જીત્યા બાદ ધ્રુવીને ડાયસ્પોરા તરફથી પાંચ દેશોમાં લઈ જવામાં આવશે. તે અલગ-અલગ એક્ટિવિટીમાં ભાગ લેશે. આ સિવાય અલગ-અલગ ક્ષેત્રના લોકો સાથે મુલાકાત પણ કરાવવામાં આવશે. મિસ ઈન્ડિયા વર્લ્ડ વાઈડનો ખિતાબ પ્રાપ્ત કર્યા પછી ધ્રુવીએ કહ્યું હતું, “મિસ ઈન્ડિયા વર્લ્ડવાઈડનું ટાઈટલ જીતવું એ એક અવિશ્વસનીય સન્માન છે. આ ક્રાઉન મારા માટે ઘણું બધું છે. તે મારા સાંસ્કૃતિક વારસા, મારા મૂલ્યો અને વૈશ્વિક સ્તરે અન્ય લોકોને પ્રેરણા આપવાની તકનું પ્રતિનિધિત્વ કરે છે.”

ધ્રુવી ભલે અમેરિકામાં જન્મી હોય અને મોટી થઈ હોય, પરંતુ તેને ગુજરાતી ફૂડ અને ગુજરાતી સાડી તેમજ ચાણિયાચોળી પ્રત્યે વિશેષ પ્રેમ છે. ખાસ કરીને બાંધણી પ્રત્યે. ધ્રુવીએ પોતાના ફાઈનલ રાઉન્ડમાં પણ બ્લૂ અને યલ્લો કલરની બાંધણીમાંથી તૈયાર કરેલો સ્પેશિયલ આટફિટ પહેર્યો હતો. ધ્રુવીને અમેરિકામાં યોજાતા ગરબા ઈવેન્ટ્સમાં પણ ટ્રેડિશનલ કપડાં પહેરવાનું ખુબ જ પસંદ કરે છે. ધ્રુવીએ ચિત્રલેખા.કોમને જણાવ્યું કે, “ફાઈનલ રાઉન્ડમાં મેં અને મારી માતાએ આ કસ્ટમ મેડ આઉટફિટ પહેરવાનું નક્કી કર્યું હતું. બાંધણી ખુબ જ સિમ્પલ અને એલિગન્ટ પીસ ઓફ કલ્ચર છે. આથી મને ખુબ જ ગમે છે. એક ગુજરાતી તરીકે મને ગમે કે હું ગ્લોબલ પ્લેટફોર્મ પર આપણી સંસ્કૃતિની ધરોહર સમાન બાંધણીને રિપ્રેઝન્ટ કરું.”

વધુમાં ધ્રુવીએ જણાવ્યું, “આ બ્યૂટી કોન્ટેસ્ટ માટે હું છેલ્લાં છ-સાત મહિનાથી ખુબ જ મહેનત કરી રહી હતી. સવાલ-જવાબ કેવાં પ્રકારના હોય શકે છે તેની તૈયારી કરી હતી. ડાન્સ પર્ફોમન્સ માટે પણ ખૂબ જ મહેનત કરી હતી. ડાન્સની પ્રેક્ટિસ કરતા-કરતા મારા પગ એટલાં બધાં છોલાઈ ગયા હતા કે જેની કોઈ વાત ન પૂછો. છેલ્લાં ત્રણ મહિનાથી રોજના ત્રણથી ચાર કલાક તો ડાન્સ પ્રેક્ટિસ કરી રહી હતી. આ સિવાય ડાયેટ અને વર્કઆઉટ પણ ખરૂં જ.”

ટાઈટલ જીત્યા બાદ ધ્રુવી પટેલના પરિવારમાં ખુશીનો માહોલ છે. જો કે ધ્રુવીનું કહેવું છે કે હાલમાં જીવનમાં કોઈ મોટાં ફેરફાર આવ્યા નથી. હા, ટાઈટલ જીત્યા બાદ અમેરિકામાં રહેતા ઈન્ડિયન્સમાં તે ખૂબ જ પોપ્યુલર બની ગઈ છે. આ સિવાય અનેક તકોના દ્વારા તેની માટે ખુલી ગયા છે. આથી તેને પોતાના ગોલ્સ અને ડ્રિમ્સને પૂરા કરવામાં આ જીત ચોક્કસથી મદદ કરશે એવું લાગી રહ્યું છે. ધ્રુવીનું કહેવું છે કે, “મારા સપનાં કરતાં પણ વધારે મહત્વનું છે કે મારા માતા-પિતાના સપનાઓ પૂરા થશે. મારી કારકિર્દીમાં જો હું આગળ વધીશ તે તેનાથી મારા ભાઈ-બહેનોને પણ મદદરૂપ થઈ શકીશ.”

હવે આગળ શું કરવું છે તેવો પ્રશ્ન ચિત્રલેખા.કોમ એ ધ્રુવીને પૂછ્યો ત્યારે તેણે જણાવ્યું, “આગળ મારે મોડલિંગ પણ કરવું છે અને ભારત આવીને બોલિવૂડમાં કામ પણ કરવું છે. પરંતુ તે પહેલાં હું મારો અભ્યાસ પૂરો કરવા માગું છું. અભ્યાસ પૂરો કર્યો બાદ હું અનુપમ ખેરની એક્ટિંગ સ્કૂલમાં એક્ટિંગ શીખવા માગું છું.”

ધ્રુવી પટેલને બોલીવુડમાં શાહરૂખ ખાન અને કરિના કપૂર ખાન સાથે કામ કરવું છે. તેનું ફેવરિટ બોલીવૂડ મુવી જો કહી શકાય તો તેણે પોતાના દાદા સાથે ‘હેરાફેરી’ અને ‘ફિર હેરાફેરી’ ફિલ્મ અઢળક વાર જોઈ છે. બાબુરાવ એટલે કે પરેશ રાવલનું કામ તેને ખુબ જ ગમે છે. શાહરૂખની ‘કભી ખુશી કભી ગમ’ અને ‘મેં હૂ ના’ ફિલ્મ ખુબ જ ગમે છે.

ધ્રુવી તેની બહેન અને ભાઈ સાથે મળીને એક NGO પણ ચલાવે છે. જેનું નામ 3DCharities છે. તેમનો આ NGO માત્ર અમેરિકામાં જ નહીં પરંતુ બીજા દેશોમાં અને ભારતમાં પણ વડોદરા ખાતે કામ કરે છે. વડોદરાના હેપ્પી ફેસીસ નામના NGO સાથે મળીને તેઓ કામ કરે છે. યુનિસેફ અને ફીડિંગ અમેરિકા જેવી ઝુંબેશમાં પણ તેમણે યોગદાન આપેલું છે. ધ્રુવી અને તેના પરિવારનું માનવું છે કે આપણે જે કંઈ પણ કમાયા છે અથવા તો મેળવ્યું છે તેમાંથી થોડોક હિસ્સો આપણે સમાજ અને આપણા દેશને પાછો આપવો જોઈએ. ધ્રુવી માટે ભારત અને અમેરિકા બન્ને સરખી રીતે મહત્વના છે. આથી તેમની સંસ્થા બન્ને દેશોમાં કામ કરી રહી છે.

(રાધિકા રાઓલ – અમદાવાદ)

સુવિચાર – ૦૪ નવેમ્બર ૨૦૨૪

૦૪ નવેમ્બર ૨૦૨૪

J&K: શ્રીનગરમાં CRPF બંકર પર મોટો ગ્રેનેડ હુમલો, 12 ઘાયલ

જમ્મુ-કાશ્મીરમાં ફરી આતંકી હુમલા વધી રહ્યા છે. રવિવારે શ્રીનગરમાં મોટો ગ્રેનેડ હુમલો થયો હતો. આ હુમલો ઓલ ઈન્ડિયા રેડિયો સ્ટેશનની બહાર સીઆરપીએફના બંકર પર કરવામાં આવ્યો હતો. પ્રારંભિક અહેવાલો અનુસાર, આ હુમલામાં ઓછામાં ઓછા 12 નાગરિકો ઘાયલ થયા છે. આતંકવાદીઓએ રવિવારના બજારમાં ભીડવાળા ટૂરિસ્ટ રિસેપ્શન સેન્ટર (TRC) પાસે ગ્રેનેડ ફેંક્યો હતો. શ્રીનગરના લાલ ચોકમાં દર રવિવારે સાપ્તાહિક બજાર ભરાય છે, જેમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થાય છે. હુમલા બાદ કાશ્મીર પોલીસનું સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ તપાસ માટે તૈનાત કરવામાં આવ્યું છે. હુમલાખોરોને પકડવા માટે સર્ચ ઓપરેશન પણ શરૂ કરવામાં આવ્યું છે.

ગઈકાલે, અનંતનાગ અને શ્રીનગરના ખાનયારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ભીષણ અથડામણ થઈ હતી, જેમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા. માર્યા ગયેલા આતંકવાદીઓમાં પાકિસ્તાન સ્થિત લશ્કરનો એક વરિષ્ઠ કમાન્ડર પણ સામેલ છે, જે કોઈ મોટા ગુનાને અંજામ આપવા માટે વિસ્તારના એક ઘરમાં છુપાયેલો હતો.

ત્રીજી ટેસ્ટમાં પણ ભારતની શરમજનક હાર, ન્યૂઝીલેન્ડે 3-0થી સિરીઝ જીતી

ન્યુઝીલેન્ડની ટીમે મુંબઈમાં ભારતને કારમી હાર આપી છે. તેઓએ ત્રીજી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાને 25 રનથી હરાવ્યું અને શ્રેણી 3-0થી જીતી લીધી. બીજી તરફ ભારતીય ટીમને 24 વર્ષ બાદ ઘરઆંગણે ક્લીન સ્વીપ મળ્યો છે. ન્યુઝીલેન્ડે બીજા દાવમાં 147 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો, જેને ટીમ ઈન્ડિયા પીછો કરી શકી નહોતી. વાનખેડેમાં એજાઝ પટેલ અને ગ્લેન ફિલિપ્સની ખતરનાક બોલિંગ સામે કોઈપણ ભારતીય બેટ્સમેન ટકી શક્યો નહોતો. આખી ટીમ માત્ર 121 રનમાં સમેટાઈ ગઈ હતી.

બેટિંગ સંપૂર્ણપણે નિષ્ફળ

ટીમ ઈન્ડિયાની બેટિંગ સામાન્ય રીતે તેની સૌથી મજબૂત બાજુ માનવામાં આવે છે. પરંતુ મુંબઈ ટેસ્ટની બીજી ઈનિંગમાં 147 રનનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ માટે આ સૌથી નબળી કડી સાબિત થઈ. ઋષભ પંતની 64 રનની ઈનિંગ સિવાય કોઈ બેટ્સમેન ક્રિઝ પર ટકી શક્યો નહોતો. તમને જણાવી દઈએ કે 11 માંથી માત્ર 3 બેટ્સમેન ડબલ ફિગર સુધી પહોંચી શક્યા હતા. એટલે કે 8 બેટ્સમેનોએ 10થી ઓછા રન બનાવ્યા. એજાઝ પટેલ અને ગ્લેન ફિલિપ્સની સ્પિન સામે આખી ટીમ ભાંગી પડી હતી.

બીજી ઇનિંગમાં કેપ્ટન રોહિત શર્માએ 11 રન અને તેના ઓપનિંગ પાર્ટનર યશસ્વી જયસ્વાલે 5 રન બનાવ્યા હતા. આ સિવાય પીછો કરવા માટે પ્રખ્યાત વિરાટ કોહલી માત્ર 1 રન બનાવીને આઉટ થયો હતો. તેમના સિવાય શુભમન ગિલ અને સરફરાઝ ખાને 1-1 રન બનાવ્યા હતા. જ્યાં રવિન્દ્ર જાડેજાએ 6 રન, વોશિંગ્ટન સુંદરે 12 રન, અશ્વિન 8 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા હતા. આકાશ દીપ અને સિરાજ ખાતું પણ ખોલાવી શક્યા ન હતા. પ્રથમ દાવમાં પણ ટીમ ઈન્ડિયાએ જથ્થામાં વિકેટ ગુમાવી હતી.

ન્યુઝીલેન્ડે ઈતિહાસ રચ્યો

ન્યુઝીલેન્ડે મુંબઈ ટેસ્ટ જીતીને ઈતિહાસ રચ્યો છે. તેણે વાનખેડે ખાતે બીજા સૌથી ઓછા સ્કોરનો બચાવ કર્યો હતો. આ પહેલા ન્યૂઝીલેન્ડે 46 વર્ષ પહેલા 1978માં વેલિંગ્ટનમાં ઈંગ્લેન્ડ સામે 137 રન બચાવ્યા હતા. આ સાથે આ શ્રેણી 3-0થી જીતી લીધી છે. આ ઉપરાંત ભારતીય ટેસ્ટ ક્રિકેટના 92 વર્ષના ઈતિહાસમાં ઘરઆંગણે આ સૌથી મોટી હાર છે. ન્યુઝીલેન્ડ 3 કે તેથી વધુ મેચોની ટેસ્ટ શ્રેણીમાં ભારતને ક્લીન સ્વીપ કરનાર પ્રથમ ટીમ બની ગઈ છે.

મુંબઈ ટેસ્ટમાં ન્યુઝીલેન્ડની જીતનો સૌથી મોટો હીરો એજાઝ પટેલ રહ્યો હતો. મુંબઈમાં જન્મેલા એજાઝ પટેલે સમગ્ર મેચમાં 11 ભારતીય બેટ્સમેનોને આઉટ કર્યા હતા. તેણે પ્રથમ દાવમાં 103 રન આપીને 5 વિકેટ લીધી હતી. બીજી ઇનિંગમાં તેણે 57 રનમાં 6 વિકેટ ઝડપી હતી. આ પ્રદર્શન માટે તેને પ્લેયર ઓફ ધ મેચ પણ પસંદ કરવામાં આવ્યો હતો. તેના સિવાય ગ્લેન ફિલિપ્સે શાનદાર બોલિંગ કરીને કુલ 4 વિકેટ ઝડપી હતી. વિલ યંગે પોતાની બેટિંગથી ન્યૂઝીલેન્ડની જીતનો પાયો નાખ્યો હતો. તેણે મુશ્કેલ વિકેટ પર 71 અને 51 રનની મહત્વપૂર્ણ ઇનિંગ્સ રમી હતી.

ટીમ ઈન્ડિયાની 3-0થી હાર બાદ ગુસ્સે થયો કેપ્ટન રોહિત

ભારતીય ટીમ તેના જ ઘરમાં ટેસ્ટ શ્રેણી 3-0થી હારી ગઈ છે. 24 વર્ષમાં પ્રથમ વખત કોઈ મુલાકાતી ટીમે ભારતને તેની જ ધરતી પર ટેસ્ટ શ્રેણીમાં વ્હાઈટવોશ કર્યું છે. ટીમ ઈન્ડિયાને ન્યૂઝીલેન્ડ સામે મુંબઈ ટેસ્ટમાં 25 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે ન્યૂઝીલેન્ડે ભારતીય ટીમને તેની જ ધરતી પર ટેસ્ટ શ્રેણીમાં 3-0થી વ્હાઇટવોશ કરી દીધો છે. ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં ટીમ ઈન્ડિયાની 3-0થી હાર બાદ ભારતીય કેપ્ટન રોહિત શર્મા ગુસ્સે છે. ન્યૂઝીલેન્ડ સામે ટીમ ઈન્ડિયાની આવી હારથી કેપ્ટન રોહિત શર્મા ઘણો નારાજ છે.

3-0થી વ્હાઇટવોશ થયા બાદ કેપ્ટન રોહિત ગુસ્સે થયો

ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ મેચ બાદ કહ્યું, ‘હા, અલબત્ત, તમે જાણો છો, શ્રેણી ગુમાવવી, ટેસ્ટ હારવી ક્યારેય આસાન નથી હોતી, આ એવી વસ્તુ છે જે પચાવવી સરળ નથી. ફરીથી અમે અમારું શ્રેષ્ઠ ક્રિકેટ નથી રમ્યું, અમે તે જાણીએ છીએ અને અમારે તે સ્વીકારવું પડશે. તેઓએ અમારા કરતા ઘણું સારું પ્રદર્શન કર્યું. આપણે ઘણી ભૂલો કરી છે અને આપણે તેને સ્વીકારવી પડશે.

હારનો સૌથી મોટો ગુનેગાર કોણ હતો?

રોહિત શર્માએ કહ્યું, અમે પ્રથમ દાવમાં પૂરતા રન નહોતા બનાવી શક્યા અને અમે રમતમાં પાછળ પડી ગયા, મુંબઈમાં અમને 28 રનની લીડ મળી, અમને લાગ્યું કે અમે આગળ છીએ, ટાર્ગેટ મેળવી શક્યા. પરંતુ અમારે વધુ સારું પ્રદર્શન કરવાનું હતું. અમે છેલ્લા 3-4 વર્ષથી આવી પીચો પર રમી રહ્યા છીએ, અમને ખબર છે કે અહીં કેવી રીતે રમવું. પરંતુ અમારી યોજના આ શ્રેણીમાં સફળ ન થઈ અને તે દુઃખદ છે.

ઋષભ પંત અને શુભમન ગિલના વખાણ

રોહિત શર્માએ પણ પોતાની બેટિંગ વિશે વાત કરી છે. રોહિત શર્માએ કહ્યું, ‘આ કંઈક છે જે મારા મગજમાં હતું. જ્યારે હું બેટિંગ કરવા જાઉં છું, ત્યારે મારા મગજમાં કેટલાક વિચારો આવે છે, પરંતુ આ શ્રેણીમાં એવું બન્યું નથી અને તે મારા માટે નિરાશાજનક છે. કેપ્ટન રોહિત શર્માએ પણ ઋષભ પંત અને શુભમન ગિલના વખાણ કર્યા છે. રોહિત શર્માએ કહ્યું, ‘પંત અને ગિલે આ પીચો પર કેવી રીતે બેટિંગ કરવી તે બતાવ્યું. તમારે આગળ રહેવું પડશે અને સક્રિય રહેવું પડશે. ઉપરાંત, હું બેટ્સમેન અને કેપ્ટન તરીકે મારા શ્રેષ્ઠ ફોર્મમાં નહોતો. અમે સામૂહિક રીતે સારું પ્રદર્શન કર્યું ન હતું અને આ જ આ શ્રેણીની હારનું કારણ છે.

CM યોગી આદિત્યનાથને ધમકી આપનાર મહિલાની ધરપકડ

શનિવારે સાંજે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને લઈને મુંબઈ પોલીસ કંટ્રોલ રૂમને ધમકીભર્યો સંદેશ મળ્યો હતો. ત્યારથી સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડ પર છે. મુંબઈ પોલીસે ધમકી આપનાર મહિલાની ઓળખ કરી લીધી છે અને તેની ધરપકડ કરીને પૂછપરછ શરૂ કરી છે. એક અધિકારીએ રવિવારે માહિતી આપી હતી કે મુંબઈ પોલીસે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને જાનથી મારી નાખવાની ધમકી આપવાના આરોપમાં 24 વર્ષીય મહિલાની ધરપકડ કરી છે.

કોણ છે ધમકી આપનાર મહિલા?

મહિલાની ઓળખ ફાતિમા ખાન તરીકે થઈ છે. મહિલા શિક્ષિત છે અને તેણે ઇન્ફોર્મેશન ટેક્નોલોજીમાં BSC કર્યું છે. ફાતિમા તેના પરિવાર સાથે મહારાષ્ટ્રના થાણે જિલ્લાના ઉલ્હાસનગર વિસ્તારમાં રહે છે. અધિકારીએ જણાવ્યું કે તેના પિતા લાકડાનો વ્યવસાય કરે છે. પોલીસના જણાવ્યા અનુસાર, મહિલા સારી શિક્ષિત છે, પરંતુ માનસિક રીતે અસ્થિર છે.

બાબા સિદ્દીકીની જેમ મારી નાખવાની ધમકી

અધિકારીએ જણાવ્યું કે, શનિવારે મુંબઈ ટ્રાફિક પોલીસના વોટ્સએપ નંબર પર એક અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યો હતો, જેમાં યોગી આદિત્યનાથને ધમકી આપવામાં આવી હતી કે જો આદિત્યનાથ 10 દિવસમાં મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું નહીં આપે તો તેમને મૃત્યુનો સામનો કરવો પડશે. એનસીપી નેતા બાબા સિદ્દીકીની એવી રીતે હત્યા કરવામાં આવશે. અધિકારીએ કહ્યું કે તપાસ દરમિયાન પોલીસને ખબર પડી કે ફાતિમા ખાન નામની મહિલાએ આ મેસેજ મોકલ્યો હતો. જે બાદ મુંબઈ એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (ATS) એ ઉલ્હાસનગર પોલીસ સાથે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું, મહિલાને ટ્રેસ કરીને તેને પકડી લીધી. અધિકારીએ કહ્યું કે આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઝારખંડમાં મોટી જાહેરાત કરી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રવિવારે ઝારખંડમાં મોટી જાહેરાત કરી. અમિત શાહે કહ્યું કે જો ભારતીય જનતા પાર્ટી (BJP) ઝારખંડમાં સત્તામાં આવે છે, તો રાજ્યમાં સમાન નાગરિક સંહિતા (UCC) લાગુ કરવામાં આવશે, પરંતુ આદિવાસી સમુદાયોને તેના કાર્યક્ષેત્રમાંથી બહાર રાખવામાં આવશે. ઝારખંડમાં આગામી વિધાનસભા ચૂંટણીઓ માટે ભાજપનો મેનિફેસ્ટો – ‘સંકલ્પ પત્ર’ બહાર પાડતા શાહે જાહેરાત કરી હતી કે રાજ્યમાં ઉદ્યોગો અને ખાણોને કારણે વિસ્થાપિત થયેલા લોકોના પુનર્વસનની ખાતરી કરવા માટે વિસ્થાપન કમિશનની રચના કરવામાં આવશે.

શાહે રાંચીમાં કહ્યું કે અમારી સરકાર ઝારખંડમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરશે, પરંતુ આદિવાસી સમુદાયોને તેના કાર્યક્ષેત્રમાંથી બહાર રાખવામાં આવશે. જેએમએમ (ઝારખંડ મુક્તિ મોરચા) સરકાર (રાજ્યમાં) જૂઠનો પ્રચાર કરી રહી છે કે સમાન નાગરિક સંહિતા આદિવાસીઓના અધિકારો અને સંસ્કૃતિને અસર કરશે. આ સંપૂર્ણપણે પાયાવિહોણું છે, કારણ કે તેમને તેના કાર્યક્ષેત્રની બહાર રાખવામાં આવશે. શાહે કહ્યું કે જો ભાજપ ઝારખંડમાં સત્તામાં આવે છે, તો તે ‘સરના ધર્મ કોડ’ના મુદ્દા પર વિચારણા કરશે અને યોગ્ય નિર્ણય લેશે. ઝારખંડમાં ઉદ્યોગો અને ખાણોને કારણે વિસ્થાપિત થયેલા લોકોનું પુનર્વસન સુનિશ્ચિત કરવા માટે વિસ્થાપન આયોગની રચના કરવામાં આવશે.

દિવાળીમાં ફરવા માટે બેસ્ટ છે ગુજરાતના આ સ્થળ!

દિવાળીના તહેવારોની સાથે સ્કૂલ-કોલેજોમાં વેકેશન પણ શરૂ થઈ ગયું છે. તહેવારોની ઉજવણી પછી ફરવા માટે ઓછા દિવસો રહે છે, પણ રજાના દિવસોમાં ફરવા ન જાય તો ગુજરાતીઓ શાના?

ગુજરાતીઓ હરવા-ફરવાના શોખીન છે એ તો આખી દુનિયા જાણે છે. શનિ-રવિની બે દિવસની રજાઓમાં પણ આબુ, દીવ-દમણ જેવી જગ્યાઓએ ફરવા નીકળી પડતા ગુજ્જુ સહેલાણીઓ આ વખતે પણ દિવાળીના વેકેશનમાં નીકળી પડ્યા છે અને ગુજરાતના વિવિધ ફરવા-જોવા લાયક સ્થળો કીડીયારાની જેમ ઉભરાઇ રહ્યા છે.

 

આજે એવા સ્થળો વિશે જાણીએ, જ્યાં લોકો પરિવાર, મિત્રો સાથે દિવાળી વેકેશનની મજા માણવા સૌથી વધુ ઉમટી પડે છે. ક્યા છે એવા દસ પ્રવાસન સ્થળ, જ્યાં આ દિવસોમાં સૌથી વધુ સંખ્યામાં પ્રવાસીઓ આવે છે?

દ્વારકા

દિવાળીના સમયમાં ફરવા માટે દ્વારકા શ્રેષ્ઠ સ્થળ છે. દ્વારકા એક પ્રાચીન શહેર છે, જેને ભગવાન કૃષ્ણના નગરી તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા દ્વારકાધીશ મંદિરની શાંતિમય આભા અને કિનારા પરના આકર્ષક નજારો પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરી દે છે. એટલું  જ નહીં દ્વારકાથી 11-15 કિલોમીટર દૂર આવેલા શિવરાજપુર બીચ ગુજરાતીમાં હોટ ફેવરીટ છે. ભારતમાં સૌથી વધુ બ્લુ ફ્લેગ સર્ટિફાઈડ બીચમાંથી એક છે. જ્યાં વોટર સ્પોર્ટ્સ, સ્કુબા ડાઈવિંગ, કેનોઇંગ અને બોટ રાઈડિંગ પણ થાય છે. જે પ્રવાસીઓને એક અનોખો સમુદ્ર અનુભવ આપે છે. જેના કારણે દ્વારકા આવીને દર્શન અને મોજ-મસ્તી બન્નેને અનુભવ કરી શકાય.

સોમનાથ

ભગવાન શંકરના 12 જ્યોતિર્લિંગમાંથી એક એટલે સોમનાથ મહાદેવ. સોમનાથ મંદિર ગુજરાતના દરિયા કિનારે આવેલુ પ્રખ્યાત યાત્રાધામ છે. દિવાળી વેકેશનમાં ફરવા માટે શ્રેષ્ઠ પ્રવાસન સ્થળ પણ ખરા. સોમનાથ મંદિર નજીક ફરવા માટે ભાલકા તીર્થ, ત્રિવેણી સંગમ સહિત ઘણા જોવાલાયક સ્થળો છે.

અંબાજી

અંબાજી મંદિરમાં દિવાળીના દિવસોમાં ભક્તો અને પ્રવાસીઓની ભીડ રહે છે. આ પાવન તીર્થસ્થળે દર્શન કરવા આવનારાઓ આ પર્વમાં મંગલમય વાતાવરણનો આનંદ માણે છે. દિવાળી દરમિયાન અંબાજી મંદિરમાં અને આજુબાજુના વિસ્તારોમાં રંગીન દીવડાંઓથી ઝળહળતી શોભા, સંગીત, અને ભક્તિસભર કાર્યક્રમોનું આયોજન થાય છે, જે દર્શન સાથે ફરવા આવનારાઓને વિશેષ આનંદ આપે છે. અંબાજી ખાતે જઇને લોકો દર્શન કર્યા પછી આજુબાજુના દર્શનીય સ્થળો પણ જોવા જતાં હોય છે.

ડાકોર

સામાન્ય રીતે ડાકોરમાં તો બારે મહિના ભક્તોની ભીડ રહેતી હોય છે. પરંતુ દિવાળી પર્વ પર ખાસ કરીને ભાવિકો દર્શન કરવા જતા હોય છે. ડાકોરના ઠાકોરના દર્શન કરી, ગોમતી ઘાટે પવિત્ર સ્નાન કરી ભક્તિની સાથે ફરવાનો પણ આનંદ માણે છે. દિવાળીના સમયે ડાકોરમાં સ્થાનિક મેળાઓનું આયોજન થાય છે, જ્યાં લોકો હસ્તકલા, ખાધ્ય સામગ્રી અને કલાત્મક વસ્તુઓની ખરીદી માટે આવે છે.

પાવાગઢ

ગુજરાતમાં આવેલા પાવાગઢ પર્વત પર દિવાળીના સમયે ધાર્મિક કાર્યક્રમો અને આરતીનું આયોજન કરવામાં આવે છે. પાવાગઢના આસપાસના મનોહર દૃશ્યો અને હરિયાળી, પ્રવાસીઓને આકર્ષિત કરે છે. અહીંની શાંતિ અને શાંતિ, દર્શનના અનુભવને વધુ મીઠું બનાવે છે. દિવાળી દરમિયાન, પાવાગઢમાં જતા લોકો માટે રહેવા અને ભોજનની સુવિધા ઉપલબ્ધ છે, જેમાં સ્થાનિક હોટલ અને દક્ષિણ ભારતમાં અલગ અલગ પ્રકારના ખોરાક પીરસતા સ્થળો છે. ખાસ કરીને પાવાગઢ મહાકાળી માતાના દર્શને આવતા ભક્તો રોપવેની પણ મજા માણે છે. તો નજીકમાં આવેલા ઐતિહાસિક સ્થળ ચાંપાનેરની મુલાકાત લઈ ફોટોગ્રાફી કરવાનું પણ ચુકતા નથી.

 સાપુતારા

ચોમાસા બાદ શિયાળાની ઠંડીમાં સાપુતારા હિલ સ્ટેશન પર માઉન્ટ આબુ જેવો અનુભવ થાય છે. સાપુતારા હિલ સ્ટેશન ગુજરાતનું એકમાત્ર હવા મથક છે. સાપુતારાનો મતલબ નાગનું ઘર છે. સહ્યાદ્રી પર્વતમાળામાં આવેલું સાપુતારા હિલ સ્ટેશન અદભુત કુદરતી સૌંદર્ય ધરાવે છે. સાપુતારામાં ઘણા આકર્ષક સ્થળ છે. જેમાં હાથગઢ કિલ્લો, વાંસદા નેશનલ પાર્ક, સનસેટ પોઈન્ટ ઉપરાંત, સાપુતારા તળાવનો સમાવેશ થાય છે. જ્યારે સાપુતારા જતા રસ્તામાં વધઈ ગાર્ડન, ગીરા ધોધ, સપ્તશૃંગી ગઢ પણ ફરવા માટે બેસ્ટ છે.

દીવ-દમણ

નેચર લવર માટે દીવ બેસ્ટ ટુરિસ્ટ પ્લેસ છે. દીવમાં ઘણા સુંદર બીચ ઉપરાંત અનેક ઐતિહાસિક ઇમારતો છે. દીવમાં નાગોઆ, ધોધલા બીચ અને જલંધર બીચ સૌથી વધુ પ્રખ્યાત છે. પ્રવાસીઓ દીવમાં પેરાસેલિંગ, સન બાથિંગ, સ્વિમિંગ અને સ્પીડ બોટ, સ્કુબા ડાઈવિંગ, બનાના બુટ જેવી અનેક રાઈડની મજા લઈ શકે છે. તો વળી દીવમાં ડાયનોસોર મ્યુઝિયમ, સી સેલ મ્યુઝિયમ, સેન્ટ પોલ ચર્ચ, સેન્ટ થોમસ ચર્ચ, ગંગેશ્વર મહાદેવ, નાયડા કેવ ગુફા, દીવ કિલ્લો જોવાલાયક સ્થળો છે. ટુંકમાં દિવાળીમાં દીવ ગુજરાતીઓ માટે હોટ ફેવરીટ સ્પોટ છે.

જયારે છેલ્લા કેટલાક સમયથી વલસાડને અડીને આવેલું નાનકડું દમણ હવે પ્રવાસીઓની પહેલી પસંદ બની રહ્યું છે. છેલ્લા 4 વર્ષમાં દમણના કાયાપલટ બાદ દમણના બીચ અને સી રાઈડસ ગોવાને પણ ટક્કર આપી રહ્યા છે. મીની ગોવા તરીકે જાણીતા દમણમાં દિવાળી વેકેશનનામાં પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવે છે. દમણમાં આવેલ દેવકા, જમ્પોર, લાઈટ હાઉસ બીચની સાથે ઐતિહાસિક કિલ્લાઓ અને ચર્ચ પ્રવાસીઓ માટે આકર્ષણ નું કેન્દ્ર બની રહ્યું છે. દમણના બીચની હવે કાયાપલટ થઇ ગઈ છે. અગાઉ માત્ર સસ્તી બિયર અને દારૂ માટે જાણીતું દમણ હવે હકીકતમાં પ્રવાસીઓને વિશ્વ કક્ષાના બીચ પૂરા પાડી રહ્યું છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી

વડોદરા નજીક નર્મદા કિનારે આવેલુ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવાલાયક સ્થળો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી એટલે કે સરદાર પટેલની ગગનચુંબી મૂર્તિ, સ્ટેચ્યુ ઓફ યુનિટી વ્યૂઇંગ ગેલેરી, બટરફ્લાય ગાર્ડન, આરોગ્ય વન, એકતા ક્રૂઝ, એકતા નર્સરી, ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક, વિશ્વ વન, ઇકો બસ ટુરિઝમ, યુનિટી ગ્લો ગાર્ડન, જંગલ સફારી, રિવર રાફ્ટિંગ, કેકટસ ગાર્ડન જોવાલાયક છે.

સાસણગીર

જંગલમાં ફરવાની મજા લેવી હોય તો દિવાળી સમયમાં સાસણગીર જવાનો પ્લાન બનાવી શકો છો. ગીર નેશનલ પાર્ક, એશિયાઈ સિંહોનું હોમ ટાઉન છે.  વિશાળ જંગલ અને બાયોડાયવર્સિટી માટે જાણીતું છે, જ્યાં મૃગ, ચિતલ, હરણ અને અન્ય પશુઓની ઘણી જાતો જોવા મળે છે. જીપ સફારી પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણ છે.  આ ઉપરાંત ગીરમાં આવેલું કાન્કઈ માતાનું મંદિર પણ મહત્વનું ધાર્મિક સ્થળ છે, જ્યાં મુલાકાતીને શાંતિ અને પ્રકૃતિનો આનંદ માણવા મળે છે. અહીં કુદરતી સૌંદર્ય અને વન્યજીવનનો અનોખો અનુભવ મેળવી શકાય છે.

કચ્છ- ભુજ- માંડવી

દિવાળી સમય પર કચ્છમાં સફેદ રણની મુલાકાતે સમગ્ર ગુજરાતની સાથે દેશ-વિદેશથી પણ લોકો આવે છે. કચ્છની સાથે ધોળાવીરા કે જ્યાં સિંધુ ખીણની સંસ્કૃતિનું સૌથી મોટું ખોદકામ કરેલુ ત્યાં પણ જઈ શકાય. જેની મુલાકાત લઈ શકાય છે. આ સાથે જ કચ્છ મ્યુઝિયમ, માંડવી બીચ, ભુજનો આઈના મહેલ, કંડલા-મુંદ્રા બંદર, નારાયણ સરોવર, હમીરસર તળાવ, માતાનો મઢ, પ્રાગ મહેલ અને કાળા ડુંગરની મુલાકાત લઈ શકો છો.

હેતલ રાવ