Home Blog Page 1342

69 વર્ષની વયે જીવવા ને જીતવાનો છે અજબ જુસ્સો…

“જો ગણવા બેસું તો મારી પાસે શાળાના સમયના રમત-ગમતના સર્ટિકિકેટ  લગભગ બે-ત્રણ કિલો કરતાં વધારે વજનના હશે. હું નાનપણમાં ખૂબ જ રમતિયાળ હતી. પાંચ ભાઈ વચ્ચે એક બહેન એટલે ટોમ બોય જેવી કહી શકો. અત્યારે પણ એવી જ છું. આખો દિવસ ભાઈઓ સાથે રમતો રમવાનો શોખ. અમારા સમયમાં તો શારીરિક રમતો જ રમાતી હતી. આથી કહી શકો કે મારું શરીર નાનપણથી જ કસાયલું, ઘડાયલું અને ખડતલ. જેનો ફાયદો આજે પણ મને મળી રહ્યો છે…”

આ શબ્દો છે અમદાવાદમાં રહેતા 69 વર્ષીય શકુંતલાબહેન પંડ્યાના. હમણાં જ એમણે મલેશિયામાં યોજાયેલી 36મી માસ્ટર્સ એથ્લેટિક્સ ઈવેન્ટમાં 200 અને 400 મીટર દોડમાં સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીતીને ભારતનું નામ ગર્વથી ઉંચું કર્યું છે. આ ઉંમરે પણ આ પ્રકારની પ્રવૃત્તિઓમાં ભાગ લેવાનો એમનો જુસ્સો, એમની ફિટનેસ અને એમનું મનોબળ ખરા અર્થમાં પ્રેરણાદાયી છે.

રમત-ગમતની દુનિયામાં જરૂરી છે ખડતલ શરીરની સાથે-સાથે મક્કમ મનોબળ. શકુંતલાબહેન પાસે બન્ને છે. વચ્ચે સંસાર અને પરિવારની જવાબદારીના કારણે એ આ પ્રવૃત્તિમાં આગળ ન વધી શક્યા તો હવે નિવૃત્તિની વયે એમણે ફરી પોતાની પેશનને ફોલો કરવાનું શરૂ કર્યું છે અને એમની વયજૂથના સ્પર્ધકો માટે યોજાતી આવી દરેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રનિંગ સ્પર્ધામાં ભાગ લઇ રહ્યા છે અને મેડલ પણ જીતી રહ્યા છે.

એમનો જન્મ ખેડા જિલ્લાના આંતરસુબાના નાનાકડા ગામમાં ખેડૂત પરિવારમાં. બાળપણથી જ ખેતીકામ કરીને શરીર મજબૂત બનતું ગયું.  સ્પોર્ટ્સમાં પણ રસ એટલે એથ્લેટિક્સની કોઈપણ ઈવેન્ટમાં ભાગ લે તો મેડલ જીતીને જ આવે. અર્થશાસ્ત્ર વિષયમાં બી. એ. કર્યા પછી ગુજરાત યુનિવર્સિટીમાંથી માસ્ટર ડિગ્રી મેળવી. કોલેજમાં સ્પોર્ટ્સના પ્રોફેસરે એમની ધગશ જોઇને રમતમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કર્યા.

ચિત્રલેખા.કોમ સાથે વાત કરતાં શકુંતલાબહેન જણાવે છે કે, “વર્ષ 1977-78માં હું એથ્લેટિક્સમાં યુનિવર્સિટી ચેમ્પિયન રહી હતી, પણ રમત-ગમતનો આ સિલસિલો કોલેજ સુધી જ ચાલ્યો. બાદમાં કોલેજમાંથી જ પ્લેસમેન્ટ દરમિયાન નોકરી મળી ગઈ. પછી લગ્ન અને બે બાળકોમાં પોતાના માટે સમય જ ન મળ્યો. સવારના પાંચથી લઈને રાત્રિના 11 વાગ્યા સુધીના શિડ્યૂલમાં જીવન ફિક્સ થઈ ગયું. બાળકોનો ઉછેર, ભણતર અને તેમના લગ્ન બાદ લગભગ 50 વર્ષની વયે એકવાર માનસિક આઘાતના કારણે ડોક્ટર પાસે સારવાર લેવી પડી. એ પછી મેં નોકરીમાંથી વીઆરએસ લઈને હું મારા શોખના વિષયો તરફ પાછી ફરી. કસરત કરવાનું શરૂ કર્યું, પેઈન્ટિંગ કરવાનું શરૂ કર્યું, જીમ જોઈન કર્યું.”

શકુંતલાબહેને વર્ષ 2023-24માં રાજ્ય કક્ષાએ, રાષ્ટ્રીય કક્ષાએ તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાએ મળીને અલગ-અલગ સ્પર્ધામાં રનિંગની ઈવેન્ટમાં કુલ 27 મેડલ્સ જીત્યા છે. સ્વીડન ખાતે આયોજીત વર્લ્ડ એથ્લેટિક્સ ઈવેન્ટ માટે પણ તેમની પસંદગી કરવામાં આવી હતી, પણ અંગત કારણોસર તેમાં ભાગ ન લઈ શક્યા.

69 વર્ષની વયે પણ આટલી ફિટનેસ ધરાવતા શંકુંતલાબહેન કહે છે, “મારી તંદુરસ્તીનું કારણ ઘરનો સાદો ખોરાક અને નિયમિત કસરત જ છે. જ્યારે મેં જીમ જોઈન્ટ કર્યું ત્યારે મારા ટ્રેનરે મને પોતાનો ફિટનેસ સ્ટુડિયો ખોલવા માટે પ્રોત્સાહિત કરી. આથી મેં મારી સરકારી નોકરીમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લીધા પછી મળેલી રકમમાંથી પોતાનો ફિટનેસ સ્ટુડિયો શરૂ કર્યો છે. જેમાં અમે લોકો ઝુમ્બા અને એરોબિક્સ શીખવીએ છીએ. મારી સાથે મારા ફિટનેસ સ્ટુડિયોમાં આવતા 60 વર્ષ કરતા વધુ ઉંમરના 10 જેટલાં બહેનો પણ સ્પોર્ટ્સ ઈવેન્ટમાં જોડાઇ ગયા છે. તેમને પણ મેં આવી વિવિધ ઈવેન્ટમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કર્યા છે. આ બહેનો પણ અલગ-અલગ ઈવેન્ટમાં હવે ભાગ લે છે અને મેડલ પણ જીતી રહ્યા છે. આ વાતની મને બહુ ખુશી છે કે મેં બીજા લોકોને પણ પ્રોત્સાહિત કર્યા છે.”

શકુંતલાબહેન અઠવાડિયામાં પાંચ દિવસ પોતાના સ્ટુડિયોમાં જ વર્કઆઉટ કરે છે અને શનિ-રવિમાં ગ્રાઉન્ડ પર જઈને રનિંગની પ્રેક્ટિસ કરે છે. આગામી સમયમાં થાઈલેન્ડમાં યોજાનારી ઈન્ટરનેશનલ સ્પર્ધામાં ભાગ લેવા માટે પણ એ જવાના છે. શકુંતલાબહેનને જોઈને કહી શકાય કે જો તમારી ઈચ્છાશક્તિ હોય તો તમે ઉંમરના કોઈપણ પડાવ પર પહોંચીને પોતાના સપનાંઓને પૂરા કરી શકો છો.

(રાધિકા રાઓલ – અમદાવાદ)

દિલ્હી સહિત દેશમાં ડુંગળીની કિંમત પાંચ વર્ષની ઊંચાઈએ

નવી દિલ્હીઃ દેશમાં ડુંગળીની કિંમત પાંચ વર્ષની ઓલટાઇમ ઊંચી સપાટીએ પહોંચી ગઈ છે. જોકે જથ્થાબંધ બજારમાં ડુંગળીની કિંમત પાંચ વર્ષની ઊંચી સપાટીએ પહોંચી છે. નિકાસ વધવા સાથે સપ્લાય ઓછો હોવાને કારણે ડુંગળીની કિંમત સ્થાનિક બજારમાં વધી રહી છે.

ડુંગળી લોકોને રડાવી રહી છે, કેમ કે દેશનાં અનેક શહેરોના બજારોમાં ડુંગળીની કિંમતો વધી ગઈ છે. જેનાથી સામાન્ય લોકો હેરાનપરેશાન છે. જથ્થાબંધ બજારોમાં ડુંગળીની કિંમત 50થી 7૦ રૂપિયા પ્રતિ કિલોથી વધીને ૭૦થી ૮૦ રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. દિલ્હીમાં ડુંગળીની કિંમત કિલોદીઠ રૂ. 90થી રૂ. 100એ વેચાઈ રહી ઠેય રાજસ્થાન, મહારાષ્ટ્ર અને કર્ણાટકથી આવતી ડુંગળીના પુરવઠો ધીમો છે.

નાસિકની મંડીઓમાં ડુંગળીની કિંમતો પાંચ વર્ષના મહત્તમ સ્તરે પહોંચી છે. સરકારે ડુંગળીની નિકાસ પર એક્સપોર્ટ ડ્યુટી ઓછી કરી છે. જેથી બંગલાદેશમાં નિકાસ ઘણી ઝડપથી વધી છે. જોકે આ મહિનાના અંતે નવી ડુંગળીની આવકો શરૂ થતાં કિંમતો ઘટવાની અપેક્ષા છે.

ડુંગળીની વધતી કિંમતો પર નારાજગી વ્યક્ત કરતાં એક વ્યક્તિએ કહ્યું હતું કે ડુંગળીના ભાવ વધ્યા છે, જ્યારે સિઝનના હિસાબે તે નીચે આવવા જોઈએ. બજારના એક વેપારીએ જણાવ્યું હતું કે મોંઘવારીને કારણે ડુંગળીના ભાવમાં વધારો થયો છે. દેશભરમાં ડુંગળીના ભાવમાં ઉછાળો આવ્યો છે અને તે ૮૦ રૂપિયા પ્રતિ કિલોની રેન્જમાં વેચાઈ રહ્યો છે.

બોપલમાં નજીવા ઝઘડામાં કોલેજ વિદ્યાર્થીની હત્યા

અમદાવાદના બોપલ વિસ્તારમાં હત્યાની એક ઘટના સામે આવી છે. નજીવી બાબતમાં ઝોઘડો એટલો વધી ગયો કે, એક કોલેજ સ્ટુડન્ટની છરીના ઘા કરી હત્યા કરી દેવાતાની ઘટના પ્રકાશ આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર પીડિત વિદ્યાર્થીની ઓળખ એમઆઈસીએ કોલેજ સ્ટુડન્ટ તરીકે થઇ હતી જેનું નામ પ્રિયાંશુ જૈન હોવાનું ખૂલ્યું છે. પ્રિયાંશુ ઉત્તરપ્રદેશનો વતની છે, અને અભ્યાસ કરવા આવ્યો હતો. આ મામલે પોલીસ સ્ટેશનમાં પીડિતાના સાથી વિદ્યાર્થી દ્વારા એફઆઈઆર પણ દાખલ કરાઈ છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ગત રાત્રે મિત્રો સાથે પ્રિયાંશુ ફરવા નીકળ્યો હતો ત્યારે એક કારચાલક સાથે નજીવી વાતમાં બોલાચાલી થઈ હતી. વાહન ચલાવવા માટે MICA કોલેજના વિદ્યાર્થીએ કારચાલકને ટકોર કરી હતી, પરંતુ કારચાલકે ઉશ્કેરાઈને વિદ્યાર્થી પર હુમલો કર્યો હતો, આથી ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. આ ઘટના બોપલ ફાયર સ્ટેશન નજીક બની હતી. કારચાલક ઘટના બાદ ફરાર થઈ ગયો હતો. આ અંગે બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસ અને મૃતકના મિત્રો પણ સ્થળ પર પહોંચ્યા છે. FSLની ટીમ દ્વારા સ્થળ પરથી સેમ્પલ લેવામાં આવ્યાં છે. હાલમાં આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

#MaJa Ni Wedding: આવી ગઈ લગ્નની તારીખ, આ દિવસે પરણશે મલ્હાર અને પૂજા

ઢોલીવૂડના સુપરસ્ટાર મલ્હાર ઠાકર અને અભિનેત્રી પૂજા જોષી જીવનનો નવો અધ્યાય શરૂ કરવા જઈ રહ્યાં છે. થોડા દિવસ પહેલા સોશિયલ મીડિયા પર મલ્હાર અને પૂજાએ લગ્નની જાહેરાત કરી હતી. લગ્નની વાત થતાં જ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સેલેબ્સ અને ચાહકો બંનેને શુભકામનાઓ પાઠવી રહ્યા છે. હવે આ કપલે લગ્નની તારીખ પણ જાહેર કરી દીધી છે.

મલ્હાર ઠાકર અને પૂજા જોષીએ એક વીડિયો શેર કરી લગ્નની તારીખ જાહેર કરી છે. બંને આગામી 26 નવેમ્બરે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. તેમણે લગ્નને #majaniwedding હૅશટેગ આપ્યું છે. વીડિયોની શરૂઆતમાં જ આ હૅશટેગ સાથે થાય છે. તેમજ બંનેની મુલાકાત કેવી રીતે થઈ? કેવી રીતે પ્રેમમાં પડ્યા? આ લવ સ્ટોરી ક્યાંથી શરૂ થઈને લગ્ન સુધી પહોંચી એ તમામ બાબતો વીડિયોમાં જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Puja Joshi (@pujajoshi_official)

વીડિયોના કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે “હરખ ની હેલી અને વ્હાલ નું વાવાઝોડું.બન્ને ના પરિવારે ભેગા થઈ ને અમને ‘Save the Date’ નો વિડિયો બનાવવાનું કહેલ છે. (ઈ લોકો ને વોટ્સએપ પર બધા ને ચગાવવું છે) #trend you know guysisss ..!! આ છે એની પ્રસ્તુતિ , આશીર્વાદ ની અપેક્ષા ❤️#MaJa.

નોંધનીય છે કે મલ્હાર ઠાકર અને પૂજા જોષી બંનેએ સ્ક્રીન પર સાથે કામ કર્યું છે. મલ્હાર ઠાકર અને પૂજા જોષીએ સાથે એક વેબ સિરીઝ અને બે ફિલ્મોમાં કામ કર્યું છે.તેમણે વેબ સિરીઝ ‘વાત વાતમાં’ સિઝન વન અને ટૂમાં કામ કર્યું છે. જેમાં તેમની કેમેસ્ટ્રીની ખુબ પ્રશંસા કરવામાં આવી હતી. આ સિવાય તેમણે ફિલ્મ ‘વીર ઈશાનું સિમંત’ સાથે કરી હતી. જેમાં એક યંગ મેરિડ કપલની ભૂમિકા ભજવી હતી. છેલ્લે તેઓ ફિલ્મ ‘લગ્ન સ્પેશ્યલ’માં સાથે જોવા મળ્યા હતાં. આ ફિલ્મ આ જ વર્ષે રિલીઝ થઈ હતી.

 

જસ્ટિસ સંજીવ ખન્ના બન્યા દેશના 51મા ચીફ જસ્ટિસ

નવી દિલ્હીઃ જસ્ટિસ સંજીવ ખન્નાએ સોમવારે રાષ્ટ્રપતિ ભવનમાં ભારતના 51મા મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા હતા. તેમનો કાર્યકાળ 13 મે, 2025 સુધી રહેશે. જાન્યુઆરી, 2019થી સુપ્રીમ કોર્ટના જસ્ટિસના રૂપમાં કાર્યરત જસ્ટિસ ખન્ના અનેક મોટા કેસની સુનાવણી કરી ચૂક્યા છે. આ પહેલાં જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ 10 નવેમ્બરે નિવૃત્ત થયા હતા. જસ્ટિસ ખન્નાના નામની ભલામણ જસ્ટિસ ચંદ્રચૂડે કરી હતી.

જસ્ટિસ ખન્ના, જાન્યુઆરી 2019 થી સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે સેવા આપતા, EVMની પવિત્રતા જાળવી રાખવા, ચૂંટણી બોન્ડ યોજનાને રદ કરવા, કલમ 370 નાબૂદ કરવા અને દિલ્હીના ભૂતપૂર્વ CM અરવિંદ કેજરીવાલને વચગાળાના પ્રમુખ તરીકે નિયુક્ત કરવા જેવા અનેક સીમાચિહ્નરૂપ નિર્ણયોનો ભાગ રહ્યા છે.જસ્ટિસ સંજીવ ખન્નાનો જન્મ 14 મે, 1960એ દિલ્હીમાં થયો હતો. તેમના પિતા, ન્યાયાધીશ દેવ રાજ ખન્ના, દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશ હતા અને તેમના કાકા, એચ. આર. ખન્ના, ભારતની સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ હતા. જસ્ટિસ ખન્નાએ તેમનું પ્રારંભિક શિક્ષણ દિલ્હી યુનિવર્સિટીના કેમ્પસ લો સેન્ટરમાંથી લીધું હતું અને ત્યારબાદ દિલ્હી હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરી હતી. તેમણે નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી (NALSA) ના કાર્યકારી અધ્યક્ષ તરીકે પણ સેવા આપી હતી.

જસ્ટિસ ખન્નાએ 1983માં દિલ્હી બાર કાઉન્સિલમાં જોડાયા હતા. તેમણે શરૂઆતમાં ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં અને બાદમાં દિલ્હી હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરી. તેમણે આવકવેરા વિભાગમાં વરિષ્ઠ સ્ટેન્ડિંગ કાઉન્સેલ તરીકે પણ સેવા આપી હતી. તેમની 2004માં દિલ્હી માટે સ્ટેન્ડિંગ કાઉન્સેલ (સિવિલ) તરીકે નિમણૂક કરવામાં આવી હતી. ત્યાર પછી તેમણે દિલ્હી હાઈકોર્ટમાં અનેક મહત્વપૂર્ણ ફોજદારી કેસ લડ્યા હતા.

ગુજરાતમાં ટ્રાફિક નિયમોના ભંગ બદલ 30 લાખથી વધુ ઈ-મેમો, રાજ્ય દેશમાં ચોથા ક્રમે

ગુજરાતમાં ટ્રાફિક નિયમોનું પાલન કરવવા માટે અવાર નવાર ડ્રાઈવો ચલાવવામાં આવતી હોય છે. આ ઉપરાંત વિવિધ નિયમોને લઈ લોકોને ઈમેમો પણ આપવામાં આવી રહ્યા છે. ગુજરાતમાં ચાલુ વર્ષે અત્યાર સુધીમાં વાહન ચાલકોને જુદા જુદા નિયમના ભંગ બદલ 30.91 લાખ ઈ-મેમો ઈસ્યુ થઈ ચૂક્યા છે અને ગુજરાત હાલ ઈ-મેમોની સંખ્યામાં દેશમાં ચોથા ક્રમે છે. નોંધનિય છે કે ઉત્તર પ્રદેશ 1.12 કરોડના ઈ-મેમો સાથે દેશમાં પ્રથમ ક્રમે છે.

ગુજરાતમાં વાહન વ્યવહાર વિભાગ દ્વારા વાહન ચાલકોને નિયમોના ભંગ બદલ કરવામાં આવતાં ઈ-મેમોની સંખ્યામાં પ્રતિવર્ષ વધારો પણ થઈ રહ્યો છે. ગત વર્ષે 2023માં વાહન ચાલકોને 12.16 લાખના ઈ-મેમો ઈસ્યુ થયા હતા. જ્યારે આ વર્ષે 2024માં અત્યાર સુધીમાં 30.91 લાખ ઈ-મેમો ઇસ્યુ થઈ ચૂક્યા છે. જેમાં રોંગ સાઇડ વાહન ચલાવવું, લાયસન્સ-પીયુસી અને વીમા સહિતના વિવિધ ડૉક્યુમેન્ટ વિના વાહન ચલાવવું અને હેલ્મેટ વિના વાહન ચલાવવાથી માંડી સિગ્નલ તોડવા બદલ તેમજ ઓવર સ્પીડમાં ગાડી ચલાવવા સહિતના અનેક નિયમ ભંગ માટે ઈ-મેમો ઇસ્યુ કરવામાં આવે છે. જુદી જુદી રકમના દંડ સાથે ઈ-મેમો વાહનચાલકોને નંબર પ્લેટના આધારે ઇસ્યુ થાય છે. દર વર્ષે ઇસ્યુ થતા ઈ-મેમોની સંખ્યાની દૃષ્ટિએ હાલ ઉત્તરપ્રદેશ દેશમાં પ્રથમ છે. આ વર્ષે માત્ર ઉત્તરપ્રદેશમાં 1.12 કરોડ ઈ- મેમો ઇસ્યુ થયા છે. જો કે ઉત્તરપ્રદેશમાં વાહનોની સંખ્યા અને વસ્તી પણ વધુ હોવાથી મેમોની સંખ્યા પણ સ્વભાવિક રીતે વધી શકે છે. જ્યારે બીજા નંબરે કેરળ, ત્રીજા નંબરે તમિલનાડુ, ચોથા નંબરે ગુજરાત અને પાંચમાં નંબરે હરિયાણા છે. મહત્વનું છે કે ગુજરાતમાં દર વર્ષે ઇસ્યુ થતાં ઈ-મેમોમાંથી હજારો ઈ-મેમો વાહનો ચાલકો ભરતા જ નથી.

૧૧ નવેમ્બર ૨૦૨૪

સુવિચાર – ૧૧ નવેમ્બર ૨૦૨૪

પંચાંગ 11/11/2024

પાકિસ્તાને રચ્યો ઈતિહાસ, 22 વર્ષ પછી ઓસ્ટ્રેલિયાને હરાવ્યું

પર્થમાં રમાઈ રહેલી છેલ્લી ODIમાં પાકિસ્તાનની ટીમે ઓસ્ટ્રેલિયાને 8 વિકેટે હરાવ્યું છે. પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ 141 રનનો ટાર્ગેટ આપ્યો હતો જેનો પીછો મોહમ્મદ રિઝવાનની ટીમે માત્ર 26.5 ઓવરમાં કરી લીધો હતો. આ જીત સાથે પાકિસ્તાને 3 મેચની વન-ડે શ્રેણી 2-1થી જીતી લીધી છે. નવા કેપ્ટન મોહમ્મદ રિઝવાને ઓસ્ટ્રેલિયાને ઘરઆંગણે હરાવીને ઈતિહાસ રચ્યો છે. કારણ કે પાકિસ્તાને છેલ્લી વખત ઓસ્ટ્રેલિયામાં 22 વર્ષ પહેલા 2002માં વનડે સીરીઝ જીતી હતી.

પર્થમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું

પર્થમાં રમાયેલી છેલ્લી ODIમાં પાકિસ્તાનના કેપ્ટન મોહમ્મદ રિઝવાને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ પછી, છેલ્લી બે મેચની જેમ, પર્થની ઝડપી પીચ પર ફરી એકવાર તેમના બોલરોએ ઓસ્ટ્રેલિયન બેટ્સમેનો પર હુમલો કર્યો. તેણે શરૂઆતથી જ આંચકા આપવાનું શરૂ કર્યું, હરિસ રઉફ, શાહીન આફ્રિદી અને નસીમ શાહે ઓસ્ટ્રેલિયન બેટિંગ લાઇન અપને વેરવિખેર કરી નાખી હતી. શાહીન અને નસીમે 3-3 વિકેટ લીધી હતી. જ્યારે હરિસ રઉફે 7 ઓવરમાં માત્ર 24 રન આપીને 2 વિકેટ લીધી હતી. આ ત્રણેયની ઘાતક બોલિંગના આધારે પાકિસ્તાનની ટીમે ઓસ્ટ્રેલિયાને માત્ર 31.5 ઓવરમાં 140 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું.

આ પછી બેટ્સમેનોએ બાકીનું કામ પૂરું કર્યું. પાકિસ્તાનના બંને ઓપનર અબ્દુલ્લા શફીક અને સેમ અયુબે 84 રનની મજબૂત શરૂઆત અપાવી હતી. જોકે આ પછી બંને ઓપનર માત્ર 1 રનના અંતરે આઉટ થઈ ગયા હતા. શફીકે 37 રનની ઇનિંગ રમી હતી અને સેમે 42 રનની ઇનિંગ રમી હતી. આ પછી બાબર આઝમે 28 રનની ઇનિંગ રમી અને કેપ્ટન રિઝવાને 30 રનની ઇનિંગ રમી અને 26.5 ઓવરમાં આસાનીથી મેચ જીતી લીધી. હરિસ રઉફને તેની શાનદાર બોલિંગ માટે પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો. તેણે સિરીઝમાં સૌથી વધુ 11 વિકેટ લીધી, જેના માટે તે પ્લેયર ઓફ ધ સિરીઝ પણ બન્યો.