જેદ્દાહ: IPL 2025 માટે આજે મેગા ઓક્શનનો બીજો દિવસ છે. આજે સૌથી મોટી બોલી ગત સિઝનનો હૈદરાબાદનો ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર પર લગાવવામાં આવી હતી. તેને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ 10.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આજે ભુવનેશ્વર પણ 10 કરોડની કમાણી પાર કરનાર પ્રથમ ખેલાડી બની ગયો છે.બીજી તરફ અફઘાનિસ્તાન તરફથી રમતા 18 વર્ષનો મિસ્ટ્રી સ્પિનર અલ્લાહ ગઝનફરને મુંબઈએ બેઝ પ્રાઇસ કરતાં 6 ગણી વધુ કિંમતે ખરીદ્યો હતો. ગઝનફર, જેની બેઝ પ્રાઇસ 75 લાખ રૂપિયા હતી, તેને મુંબઈએ 4.80 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
ફાસ્ટ બોલર આકાશ દીપને લખનઉએ 8 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તેની બેઝ પ્રાઇસ 1 કરોડ રૂપિયા હતી. તે ગત સિઝનમાં બેંગલુરુ તરફથી રમ્યો હતો. તેની IPL કારકિર્દીમાં તેણે 8 મેચમાં 7 વિકેટ ઝડપી છે.
નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025ની સીઝનનું મેગા ઓક્શન સાઉદી આરબના જેદ્દાહમાં ચાલી રહ્યું છે. ઓક્શનના બીજા દિવસે પૃથ્વી શો, અજિંક્ય રહાણે અને કેન વિલિયમસન જેવા ક્રિકેટરોના કોઈ ખરીદદાર નથી મળ્યા. પહેલી વાર આ ત્રણે ક્રિકેટરો અનસોલ્ડ રહ્યા છે, જ્યારે નીતિશ રાણા અને કુણાલ પંડ્યા પર પૈસાનો વરસાદ થયો હતો.
અજિંક્ય રહાણેની બેઝ પ્રાઇઝ રૂ. 1.50 કરોડ હતી, જ્યારે કેન વિલિયમસનની બેઝ પ્રાઇઝ રૂ. બે કરોડ અને પૃથ્વી શોની બેઝ પ્રાઇઝ માત્ર રૂ. 75 લાખ હતી, પરંતુ કોઈ ફ્રન્ચાઇઝે આ ક્રિકેટરોને ખરીદવામાં રસ નહોતો દાખ્વ્યો.આ સિવાય જે ક્રિકેટરો વેચાયા વિના રહ્યા છે, તેમાં ગ્લેન ફિલિપ્સ – અનસોલ્ડ, મયંક અગ્રવાલ – અનસોલ્ડ, શાર્દુલ ઠાકુર – અનસોલ્ડ, ડેરીલ મિચેલ – અનસોલ્ડ, મોઈન અલી – અનસોલ્ડ, કે. એસ. ભરત – અનસોલ્ડ, મુજિબ ઉર રહેમાન – અનસોલ્ડ, આદિલ રશીદ – અનસોલ્ડ, કેશવ મહારાજ અનસોલ્ડ, મયંક ડાગર – અનસોલ્ડ, પ્રશાંત સોલંકી – અનસોલ્ડ, ફીન એલન – અનસોલ્ડ અને બેન ડકેટ – અનસોલ્ડ રહ્યા હતા.
IPL મેગા ઓક્શન 2025ની 24 અને 25 નવેમ્બરએ સાઉદી અરેબિયાના જેદ્દાહમાં થઇ રહ્યું છે. IPL મેગા ઓક્શન 2025માં 574 ખેલાડીઓની હરાજી થવાની છે, જેમા 366 ભારતીય અને 208 વિદેશી ખેલાડીઓ છે. જેમાં સહયોગી દેશોના 3 ખેલાડીઓનો સમાવેશ થાય છે. હરાજીમાં 318 ભારતીય અનકેપ્ડ ખેલાડીઓ અને 12 અનકેપ્ડ વિદેશી ખેલાડીઓ ભાગ લેશે. આઈપીએલ ટીમોના 204 સ્લોટ ખાલી છે. તેમાંથી 70 સ્લોટ વિદેશી ખેલાડીઓ માટે ઉપલબ્ધ હશે.
ગિરનાર મંદિરના મહંત તનસુખ ગીરીબાપુના બાદ તેની ગાદી અને ભવનાથ મંદિરના મહંતનો વિવાદ ચાલી રહ્યો છે. જેમાં મહેશગીરીબાપુની સાથે હવે ગિરનાર વૈષ્ણવ વિરકત મંડળના ઉપાધ્યક્ષ મેદાનમાં આવ્યા છે. ભવનાથ ગિરનાર મંડળના સાધુઓ ધર્મને ધંધો બનાવી દીધો છે તેમજ અધિકારીને પદાધિકારીઓની ચમચાગીરી કરીને શું ફાયદો થતો હશે તેવા આક્ષેપો પણ કર્યા છે. ગિરનાર વૈષ્ણવ વિરક્ત મંડળના ઉપાધ્યક્ષ અને સરખડીયા હનુમાન મંદિરના મહંત હરિદાસ બાપુએ પણ હરિગિરિ બાપુ પણ આક્ષેપો મુક્યા હતા.
હરિગિરિ બાપુ છેલ્લા દસ બાર વર્ષથી વિવાદોમાં આવે છે તેઓ ભવનાથમાં ગમે તે જગ્યા ઉપર લખાણ કરાવી અને ગુંડાઓને મોકલીને ડરાવે ધમકાવે છે. તેવા આક્ષેપો સરકડીયા હનુમાન મંદિરના મહંત દ્વારા કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત સાધુઓને પૈસાની લાલચ ન હોવી જોઈએ પરંતુ જો કોઈ સાધુ પૈસા આપીને મહંત બનતા હોય તેવી સાધુતા શું કામની? ઉપરાંત તેઓએ આ સમગ્ર મામલાને લઈને તટસ્થ તપાસ કરવા માટે પણ માંગણી કરી છે. ગિરનાર વૈષ્ણવ વિરક્ત મંડળના ઉપાધ્યક્ષ અને સરખડીયા હનુમાન મંદિરના મહંત હરિદાસ બાપુએ જણાવ્યું હતું કે, હાલમાં જે વિવાદ ચાલી રહ્યો છે. તેમાં મહેશ ગીરીબાપુ જે બોલી રહ્યા છે કે કરી રહ્યા છે અને પુરાવા આપી રહ્યા છે તેમાં અમે સૌ સાધુ-સંતો સાથે છીએ. હરીગીરી બાપુએ એક લેટરપેડ પર 8 કરોડ રૂપિયાનો વહીવટ થયાનો ખુલાસો કર્યો છે. ત્યારે ધર્મ સત્તા નીચે રાજ સત્તા આવે છે. અમે લોકો સાધુ સંતો છીએ અને મંદિરની પૂજા કરીએ છીએ. સાધુ સંતો દાન ધર્માદો લે છે અને ધાર્મિક જગ્યાનો વિકાસ કરીએ છીએ. ત્યારે લેટર પેડમાં જે રાજકીય પાર્ટીને પૈસા આપવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે તે જરા પણ યોગ્ય નથી. એમાં પણ ખાસ સાધુ-સંતો ને રૂપિયા આપવામાં આવ્યા છે તેની નીંદનીય બાબત છે.
અગાઉ ભવનાથ મહંત તરીકે રમેશગીરી બાપુ ની નિમણૂક કરવામાં આવી હતી અને ત્યારબાદ તનસુખ ગીરીબાપુને મહંત બનાવવામાં આવ્યા હતા. પરંતુ હરીગીરી બાપુએ તનસુખ ગીરીબાપૂની જગ્યાએ શૈલજા દેવીને બેસાડ્યા હતા. અને ત્યારબાદ જયશ્રીકાનંદને ભવનાથ મહંત તરીકે નિમણૂક કરી હતી જેમાં પણ પૈસાનો વહીવટ કરવામાં આવ્યો હતો. ત્યારે હાલમાં કરોડો રૂપિયાનો વહીવટ કરી હરિગીરી પોતે ભવનાથના મોહન તરીકે બેસી ગયા છે. ત્યારે ભવનાથ મંદિર કોઈ પ્રાઇવેટ પ્રોપર્ટી નથી ધર્મનું દેવસ્થાન છે. આવું ક્યારેય પણ થવું ન જોઈએ અને જો આવું બનતું હોય તો તંત્રએ યોગ્ય કપાસ કરી કાર્યવાહી કરવી જોઈએ.
મુંબઈઃ મહારાષ્ટ્રના આગામી CM દેવા ફડણવીસ હશે, એ લગભગ નક્કી થઈ ચૂક્યું છે. રાજ્યમાં એકનાથ શિંદે અને અજિત પવાર ડેપ્યુટી CM બનશે, એમ ભાજપનાં ઉચ્ચ સૂત્રોએ આ માહિતી આપી હતી. ભાજપના ટોચના નેતૃત્વએ ફડણવીસના નામને મંજૂરી આપી દીદી છે. આ પ્રસ્તાવને શિંદેની આગેવાનીવાળી શિવસેના અને અજિત પવારની NCPએ પણ મંજૂરી આપી દીધી છે.
મહારાષ્ટ્રના રાજકારણને સમજનારા રાજકીય વિશ્લેષકોનું માનવું હતું કે ભાજપ રાજ્યના રાજકારણમાં પોતાના સૌથી મોટો ચહેરા દેવેન્દ્ર ફડણવીસને ફરી એક વાર મુખ્યમંત્રી બનાવશે અને આ વખતે તે કોઈ રાજકીય સમાધાન કરશે નહીં.,
રાજ્યમાં ફડણવીસનાં માતા સરિતા ફડણવીસે પણ કહ્યું હતું કે તેઓ ચોક્કસપણે CM બનશે. જોકે હજુ સુધી CM ચહેરાને લઈને કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. દરેક જગ્યાએ ચર્ચા છે કે મહારાષ્ટ્રના નવા CM એકનાથ શિંદે હશે કે દેવેન્દ્ર ફડણવીસ?
રાજ્યમાં ભાજપના નેતૃત્વમાં મહાગઠબંધનની સરકાર બનવા જઈ રહી છે. રાજ્યમાં ભાજપ મોટા ભાગની સીટો પર આગળ છે. આવી સ્થિતિમાં દેવેન્દ્ર ફડણવીસને મહારાષ્ટ્રના CM બનશે. મહારાષ્ટ્ર ભાજપમાં દેવેન્દ્ર ફડણવીસ સૌથી મોટું નામ છે. દેવેન્દ્ર ફડણવીસે નાગપુર દક્ષિણ પશ્ચિમ બેઠક પરથી વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભર્યું હતું. અહીં એફિડેવિટમાં તેમણે પોતાની સંપત્તિની માહિતી પણ આપી હતી. તેમની પાસે પાસે કુલ 13.27 કરોડ સંપત્તિ છે. તેમણે IT રિટર્નમાં 2023-24માં તેમની કુલ આવક રૂ. 79,30,402 હતી. જ્યારે 2022-23માં તે 92,48,094 રૂપિયા હતી. દેવેન્દ્ર ફડણવીસે તેમના નામે 56.07 લાખ રૂપિયા, તેમની પત્ની અમૃતા ફડણવીસને નામે 6,96,92,748 રૂપિયા અને તેમની પુત્રીને નામે 10.22 લાખ રૂપિયાની જંગમ સંપત્તિ જાહેર કરી છે.
ઉત્તર પ્રદેશ: મહાકુંભ 2025ની તૈયારીઓ ફૂલ સ્પીડમાં ચાલી રહી છે. આ મહાકુંભમાં AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) અને ચેટબોટ જેવી અત્યાધુનિક ટેક્નોલોજીના ઉપયોગથી શ્રદ્ધાળુઓને વિશ્વસ્તરીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. દેશના વિકાસનું અને વિઝનનું કે ઉત્તમ ઉદાહરણ છે. મહાકુંભ એ વિશ્વની પ્રાચીનતમ સનાતન પરંપરાઓનું ઉદાહરણ છે, પરંતુ બીજી બાજુ તે આધુનિક ટેક્નોલોજી સાથે જોડાઇને વિકાસનું પ્રમાણ પણ બની રહ્યો છે.મહાકુંભ 2025માં પહેલી વખત AI જનરેટિવ ચેટબોટ ‘Kumbh Sah’AI’yak’ (કુંભ સહાયક) વિકસિત કરવામાં આવી રહ્યું છે. જે ભાષિણી એપની મદદથી ગુજરાતી સહિત દસથી વધુ ભાષાઓમાં શ્રદ્ધાળુઓને મહાકુંભ સાથે સંકળાયેલી તમામ માહિતી ઉપલબ્ધ કરાવશે. આ ચેટબોટ ગૂગલ નેવિગેશન, ઇન્ટરેક્ટિવ કન્વર્ઝેશન તેમજ વ્યક્તિગત GIFની સુવિધાઓથી સજ્જ હશે.એડિશનલ ફેર ઓફિસર વિવેક ચતુર્વેદીએ જણાવ્યું કે મહાકુંભમાં પહેલીવાર ‘કુંભ સહાયક’ નામક ચેટબોટ વિકસિત કરવામાં આવી રહ્યું છે, જે વિશ્વની અત્યાધુનિક ટેક્નોલોજી જનરેટિવ AI આધારિત છે. આ ચેટબોટ મહાકુંભ 2025 એપ અથવા વ્હોટ્સએપ દ્વારા સંચાલિકત થશે. મહાકુંભ દરમિયાન આ ચેટબોટ તમારા વ્યક્તિગત માર્ગદર્શક તરીકે કાર્ય કરશે.ચેટબોટ ભાષિણી એપના માધ્યમથી ગુજરાતી, હિંદી, અંગ્રેજી સહિત 10થી વધુ ભાષાઓમાં મહાકુંભ સાથે સંકળાયેલી તમામ જરૂરી માહિતીઓ પ્રદાન કરશે. આ ચેટબોટ શ્રદ્ધાળુઓને લખીને અથવા બોલીને, બંને રીતે ઇન્ટરેક્ટિવ કન્વર્ઝેશન એટલે કે અરસપરસ વાતચીતના માધ્યમથી મહાકુંભનો ઇતિહાસ, પરંપરા સહિત સાધુ, સંન્યાસી, અખાડા, સ્નાન માટેના ઘાટ, તિથિઓ, રસ્તાઓ, પાર્કિંગ સ્થળો, રાતવાસો કરવા માટેના સ્થળો વગેરે જેવી તમામ માહિતીઓ પ્રદાન કરશે.કુંભ સહાયક ચેટબોટ ગૂગલ નેવિગેશનની સુવિધા પણ પ્રદાન કરશે. જેના માધ્યમથી મહાકુંભ વિસ્તારમાં સેક્ટર, અખાડા, કલ્પવાસના ટેન્ટ, સ્નાનઘાટના રસ્તાઓનું નેવિગેશન પણ મળી શકશે. આ ચેટબોટ મહાકુંભ વિસ્તાર ઉપરાંત પ્રયાગરાજ શહેરના મુખ્ય દાર્શનિક સ્થળો, મંદિરો, રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડના રસ્તાઓ પણ બતાવશે. ઉપરાંત, તે મહાકુંભમાં થનારા વિવિધ આયોજનોની જાણકારી પણ સમય-સમય પર આપતું રહેશે. ચેટબોટ સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત ટુર-ટ્રાવેલ યાત્રા પેકેજ અને હોટલો તેમજ હોમસ્ટેના નામ અને સરનામાની પણ જાણકારી આપશે. આમ, કુંભ સહાયક ચેટબોટ મહાકુંભ દરમિયાન વ્યક્તિગત માર્ગદર્શક તરીકે કાર્ય કરશે.
મુંબઈ: દિલજીત દોસાંજનો કોન્સર્ટ આ દિવસોમાં દારૂના વિવાદને કારણે ચર્ચામાં છે. તેલંગાણા સરકારની નોટિસ બાદ મહારાષ્ટ્રના એક્સાઇઝ ડિપાર્ટમેન્ટે હવે રવિવારે પુણેના કોથરુડ વિસ્તારમાં અભિનેતા અને ગાયક દિલજીત દોસાંઝના કોન્સર્ટમાં દારૂ પીરસવાની પરમિટ રદ કરી દીધી હતી. કોન્સર્ટ પહેલા મહારાષ્ટ્ર એક્સાઇઝ ડિપાર્ટમેન્ટે પોતાનો નવો આદેશ જારી કરીને બધાને ચોંકાવી દીધા હતા. કોથરુડના તાજેતરમાં ચૂંટાયેલા ભાજપના ધારાસભ્ય ચંદ્રકાંત પાટીલ સહિત અનેક સૂત્રોએ કાર્યક્રમમાં દારૂ પીરસવાની ઘટના સામે વિરોધ દર્શાવ્યા બાદ વિભાગે પરમિટ રદ કરી દીધી હતી.
મહારાષ્ટ્ર સરકાર દિલજીતના કોન્સર્ટનો વિરોધ કરે છે
કોથરુડના નવા ચૂંટાયેલા ધારાસભ્ય ચંદ્રકાંત પાટીલ સહિત અનેક લોકોએ વાંધો ઉઠાવ્યા બાદ વિભાગે પરમિટ રદ કરી હતી, પીટીઆઈએ અહેવાલ આપ્યો હતો. સિંગર-એક્ટર દિલજીત દોસાંઝની દિલ-લુમિનાટી ટૂર વિવિધ શહેરોમાં કોન્સર્ટ કરી રહી છે. એટલું જ નહીં, ભાજપ અને એનસીપીના ઘણા નવા ચૂંટાયેલા નેતાઓએ પણ પુણેના કોથરુડ વિસ્તારમાં આયોજિત શોનો વિરોધ કર્યો હતો. ધારાસભ્ય પાટીલે કોથરુડના કાકડે ફાર્મમાં સાંજના કાર્યક્રમ સામે વાંધો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું, ‘આવા કાર્યક્રમો શહેરની સંસ્કૃતિનો ભાગ નથી. જેના કારણે વિસ્તારના રહીશોને ભારે મુશ્કેલી ઉભી થશે. આ કાર્યક્રમથી ટ્રાફિક જામ પણ થશે. તેથી, મેં શહેર પોલીસ કમિશનરને કાર્યક્રમ રદ કરવા વિનંતી કરી છે. જોકે તેમ છતાં રવિવારે દિલજીતનો કોન્સર્ટ થયો હતો અને હજારો લોકોની ભીડ જામી હતી.
હૈદરાબાદમાં કોન્સર્ટ પહેલા દિલજીતને નોટિસ મળી હતી
દિલજીત દોસાંઝ હાલમાં તેની દિલ-લુમિનાટી ટૂરમાં છે. શુક્રવારે 15 નવેમ્બરે હૈદરાબાદમાં યોજાનાર કોન્સર્ટ પહેલા તેને તેલંગાણા સરકાર તરફથી નોટિસ મળી હતી. નોટિસમાં પંજાબી ગાયકને ડ્રગ્સ, આલ્કોહોલ અથવા હિંસાને પ્રોત્સાહન આપતા ગીતો ન ગાવા માટે કહેવામાં આવ્યું હતું. ચંદીગઢના પંડિતરાવ ધરેનવારની રજૂઆતને પગલે આ દિશાનિર્દેશ આપવામાં આવ્યો છે, જેમણે પુરાવા તરીકે દિલજીતનો ડ્રગ્સ, આલ્કોહોલ અને હિંસાને પ્રોત્સાહન આપતા ગીતો ગાવાનો તાજેતરનો વીડિયો રજૂ કર્યો હતો. નોટિસમાં તેને ચેતવણી પણ આપવામાં આવી છે કે તે તેના શો દરમિયાન આ ગીતોનો ઉપયોગ ન કરે.
નવી દિલ્હી: દેશની રાજધાની અને એન.સી.આર.ના વાતાવરણમાં થોડો સુધારો થયો છે. જો કે તેમ છતાં સુપ્રીમ કોર્ટે રાજ્યમાં લાગુ કરવામાં આવેલા નિયમોને હળવા કરવાનો ઈન્કાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે સોમવારે દિલ્હીમાં અમલી ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (GRAP)-IVના નિયમોમાં છૂટછાટ આપવાનો ઇનકાર કર્યો છે. જો કે, કોર્ટે કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ (CAQM)ને એ ધ્યાનમાં લેવાનો નિર્દેશ આપ્યો હતો કે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, જેઓ શાળાએ જઈ શકતા નથી, મધ્યાહન ભોજનનો લાભ લઈ શકતા નથી, તેઓ ઑનલાઇન વર્ગોમાં હાજરી આપી શકતા નથી, તેમના માટે શું કરી શકાય?કોર્ટે આ આદેશ ત્યારે આપ્યો જ્યારે એક કેસની સુનાવણી દરમિયાન એ વાત સામે આવી કે સખત નિયમોના કારણે દિલ્હીમાં ઘણા બાળકો શાળાએ જઈ શકતા નથી. જેના કારણે તેમનું શૈક્ષણિક અને સામાજિક જીવન પ્રભાવિત થઈ રહ્યું છે. સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું કે હવાની ગુણવત્તા સુધારવા માટે જરૂરી પગલાંની સાથે-સાથે શહેરી વિસ્તારોમાં વાયુ પ્રદૂષણની અસરને ઘટાડવા માટે લાંબા ગાળાના ઉકેલો શોધવાની પણ જરૂર છે. સુપ્રિમ કોર્ટે એ સુનિશ્ચિત કરવાનો પણ નિર્દેશ આપ્યો છે કે લોકોના સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપીને હવાની ગુણવત્તાની કટોકટીનું નિરાકરણ કરવામાં આવે.દિલ્હી-એન.સી.આર.માં પ્રદૂષણના સ્તરને ઘટાડવા માટે ગ્રેપ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં 4 સ્ટેજ બનાવવામાં આવ્યા છે. આ એક્શન પ્લાન તહેત પ્રદૂષણ ઘટાડવા માટે જરૂરી પગલાં લેવામાં આવે છે.
ગુજરાતની મહિલા માટે આનંદના સમાચાર આવી રહ્યા છે. દિવાળીના તહેવારોમાં તેલનો ભાવ વધ્યો હતો. પરંતુ આ ચોમાસામાં મગફળીની આવક વધારે થતાં સીંગતેલના 15 કિલોના ભાવમાં 150 રૂપિયા અને કપાસિયા તેલના 15 કિલોના ભાવમાં 50 થી 75 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. દિવાળીના સમયમાં સીંગતેલના 15 કિલોના ભાવ 2700 રૂપિયા સુધી પહોંચ્યા હતા. હાલમાં લગ્નની સીઝન હોવાથી હાલ બારમાસી તેલ ભરવા માટે ગ્રાહકોની ખરીદી આગામી સપ્તાહથી શરુ થશે. કપાસીયા તેલ ડબ્બો 2155 થી 2250 આસપાસ છે. ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધી બારમાસી સીઝન, હાલ તળિયાના ભાવ છે. ખરીદી વધતા થોડો ભાવ વધી શકે છે.
ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ગુજરાતમાં મગફળીનું વાવેતર વધારો નોંધાયો છે. વર્ષ 2023-24માં માત્ર ગુજરાતમાં જ મગફળીનું 46.45 લાખ ટન ઉત્પાદન થયું હતું અને આ વર્ષે વાવેતરમાં સરેરાશ 10 ટકા જેટલો વધારો નોંધાયો છે. ત્યારે ઉત્પાદન વધવાની આશા વચ્ચે સિંગતેલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. હાલ એક દિવસમાં જ રાજકોટના તેલ બજારમાં સિંગતેલના ભાવ પ્રતિ 15 કિલોના ડબ્બા દીઠ 150 રૂપિયા ઘટ્યો. વરસાદે વિરામ લેતા તેમજ ચોમાસુ પાક દરમિયાન મગફળીનું ઉત્પાદન સૌરાષ્ટ્રમાં સારું થશે. તેવા આશાવાદના કારણે સિંગતેલના ભાવમાં ઘટાડો નોંધાયો હોવાનું સામે આવ્યું છે. જેના કારણે સિંગતેલમાં છેલ્લા ત્રણ-ચાર દિવસમાં રૂપિયા 150નો ઘટાડો જોવા મળી રહ્યો છે. અત્યારે હાલ સીંગતેલનો નવો ડબ્બાનો ભાવ 2550 આસપાસ જોવા મળી રહ્યો છે. કપાસિયા તેલનો નવો ડબ્બો હાલ 1850 રૂપિયા આસપાસ મળી રહ્યો છે. પામોલીન તેલનો નવો ડબ્બો હાલ 1750 થી 1760 રૂપિયાની આસપાસ મળી રહ્યો છે. સનફ્લાવર તેલનો નવો ડબ્બો ખાલી 1550 થી 1560 રૂપિયાની આસપાસ મળી રહ્યો છે.
અમદાવાદઃ સપ્તાહના પ્રારંભે ઘરેલુ શેરબજારોમાં તેજી થઈ હતી. મહારાષ્ટ્રમાં ભાજપ ગઠબંધનને મળેલી ભારે જીતથી અને વેચાણો કપાતાં રોકાણકારો સાર્વત્રિક લેવાલી કાઢી હતી. જેશી સેન્સેક્સ 992 પોઇન્ટ ઊછળ્યો હતો. નિફ્ટી પણ 24,200ને પાર થયો હતો. રોકાણકારોની સંપત્તિમાં આશરે રૂ. 7.14 લાખ કરોડનો વધારો થયો હતો. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ તેજી થઈ હતી.
મહારાષ્ટ્રમાં મળેલી સત્તાધારી ભાજપને ગઠબંધનને જીતથી રોકાણકારોને આર્થિક સુધારા આગળ વધવાની અપેક્ષા છે. જેથી PSU શેરોમાં આગઝરતી તેજી થઈ હતી. નિફ્ટી બેન્ક 1000 પોઇન્ટ ઊછળ્યો હતો. અદાણી ગ્રુપના શેરોમાં પણ નીચા મથાળેથી ગભરાટ શમતાં સુધારો થયો હતો. ટ્રેડિંગ સેશનને અંતે BSE સેન્સેક્સ 992.74 પોઇન્ટ ઊછળી 80,109.85ના સ્તરે બંધ થયો હતો. નિફ્ટી ઇન્ડેક્સ 314.65 પોઇન્ટ ઊછળી 24,221.90ના સ્તરે બંધ થયો હતો.મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની આગેવાની હેઠળની NDAની જંગી જીત બાદ રોકાણકારોનો વિશ્વાસ ફરી વધી ગયો છે. સવારના ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સ 1200 પોઇન્ટના વધારા સાથે ખૂલ્યો હતો તો જ્યારે નિફ્ટીએ 379 પોઈન્ટના વધારા સાથે ટ્રેડિંગની શરૂઆત કરી હતી. આજે તમામ સેક્ટર્સમાં તેજી જોવા મળી રહી છે. આજે ઓટો, બેંક, મીડિયા, ટેલિકોમ, ઓઇલ એન્ડ ગેસ, પાવર અને રિયાલિટી સેક્ટરમાં 1થી 2 ટકાનો વધારો જોવા મળ્યો હતો. વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ ચાલુ મહિનામાં 22 નવેમ્બર સુધી શેરબજારમાં 26,533 કરોડ રૂપિયાના શેર વેચ્યા છે.
BSE એક્સચેન્જ પર કુલ 40214 શેરોમાં કામકાજ થયાં હતાં, જેમાં 2697 શેરો તેજીની સાથે બંધ થયા હતા. આ સાથે 1353 શેરો નરમ બંધ રહ્યા હતા, જ્યારે 164 શેરો સપાટ બંધ રહ્યા હતા. આ સિવાય 448 શેરોએ 52 સપ્તાહની નવી ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 285 શેરોએ 52 સપ્તાહની નીચલી સપાટીએ પહોંચ્યા હતા.
મહારાષ્ટ્ર-ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પરિણામો આમ તો અન્ય રાજ્યોના ચૂંટણી પરિણામો જેટલા જ મહત્વના છે, આમ છતાં ય દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઇના લીધે મહારાષ્ટ્રના મુખ્યમંત્રીની ખુરશી અન્ય રાજ્યોના મુખ્યમંત્રીની ખુરશી કરતાં વધારે મહત્વની છે એટલે એના પરિણામો દેશના રાજકારણ પર અલગ અસર પાડી શકે છે. હા, ઝારખંડમાં બહુ જોર લગાવ્યા પછી ય ભાજપ ફાવ્યો નથી એ હકીકત છે, પણ ચર્ચા વધારે મહારાષ્ટ્રની થાય છે એ સ્વાભાવિક છે.
પાંચ બાબત એવી છે, જે આ પરિણામોની દીવાલ પર સાફ લખાયેલી દેખાય છેઃ
એકઃ કોંગ્રેસનું રિપીટેટીવ નેરેટીવ
લોકસભાની ચૂંટણીને હજુ માંડ છ મહિના વીત્યા છે, પણ રાજકારણમાં છ મહિના બહુ મોટો સમયગાળો છે. લોકસભામાં રાહુલ ગાંધી અને કોંગ્રેસે બંધારણ ખતરામાં છે, જાતિ આધારિત જનગણના જરૂરી છે જેવા મુદ્દાઓની ફરતે નેરેટીવ બનાવેલું. કાંઇક અંશે એમાં એ ફાવ્યા ય ખરા અને મોદીના વિજયરથને એકલેહાથે બહુમતી સુધી પહોંચતા અટકાવી ય શક્યા.
પરંતુ આ જ રાહુલ ગાંધી અને કોંગ્રેસે લોકસભા પછી હરિયાણા અને મહારાષ્ટ્રમાં આ જ ભૂલ કરી. રાહુલ ગાંધી એ જ બંધારણની કોપી લઇને સભા સંબોધતા જોવા મળ્યા. એ જ જાતિગત જનગણનાની વાત કરતા સાંભળવા મળ્યા. કોંગ્રેસ એ ભૂલી ગઇ કે એક ચૂંટણીના મુદ્દાઓ ફરીને બીજી ચૂંટણીમાં નથી ચાલતા. વિધાનસભા અને લોકસભાની ચૂંટણીની તાસીર અલગ હોય. પ્રદેશની તાસીર પ્રમાણે મુદ્દાઓ બદલવા પડે. બદલો તો જ લોકો સાંભળે. સાંભળે તો જ લોકો એના પર વિચાર કરે. આ રિપીટેટીવ નેરેટીવે કોંગ્રેસને ડૂબાડી.
બેઃ રાજકારણમાં મોરલ વિક્ટરી જેવું કાંઇ ન હોય
ગુજરાત વિધાનસભાની 2017ની ચૂંટણી યાદ કરજો. હાર્દિક, અલ્પેશ અને જિજ્ઞેશની ત્રિપુટીના સહારે 77 બેઠક સુધી પહોંચેલી કોંગ્રેસ સત્તાથી દૂર રહેવા છતાં આ પરિણામોને નૈતિક વિજય ગણાવતી રહી. નૈતિક વિજયના કેફમાં કોંગ્રેસ 2022માં ક્યારે 77માંથી 17 બેઠક પર આવી ગઇ એની એને જ ખબર ન પડી!
બસ, આ જ રીતે લોકસભામાં 99 બેઠક મેળવ્યા પછી કોંગ્રેસ એ ભૂલી ગઇ કે, એના સારા દેખાવ કરવા છતાં ય સત્તા પર તો નરેન્દ્ર મોદીની જ વાપસી થઇ છે. રાહુલ ગાંધી દેશમાં અને વિદેશમાં કહેતા ફરવા લાગ્યા કે, અમે નરેન્દ્ર મોદીનું મોરલ ડાઉન કરી દીધું છે. કોંગ્રેસે 99 બેઠકને મોરલ વિક્ટરી માની લીધી! હારવા છતાં કોંગ્રેસ ચૂંટણી જીતી ગઇ હોય એમ વર્તવા લાગી. સરવાળે થયું શું? એ જ કોંગ્રેસ ફક્ત છ જ મહિનામાં પહેલા હરિયાણા અને પછી મહારાષ્ટ્રમાં ઊંધે માથે પછડાઇ. કહેવાનો સાર એ છે કે, લોકશાહીમાં રાજકારણ એ ફક્ત ને ફક્ત આંકડાઓની રમત છે. એમાં મોરલ કે ફોરલ જેવું કાંઇ ન હોય. અહીં તો બહુમતીએ પૂગે એ પીર. આ મોરલ વિક્ટરીનું અફીણ કોંગ્રેસને નડી ગયું.
ત્રણઃ ભાજપ ભૂલોમાંથી શીખે છે
ના, ભાજપ ભૂલો કરતો જ નથી એવું નથી, પણ ભૂલોમાંથી શીખે છે. અગાઉ કરેલી ભૂલનું પુનરાવર્તન કરતો નથી. લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીનું અતિ-પ્રોજેક્શન કામ ન લાગ્યું એ સમજાયું એટલે આ ચૂંટણીઓમાં ભાજપે મોદીને એક સક્ષમ, સર્વસ્વીકાર્ય નેતા તરીકે જ આગળ ધર્યા. ફક્ત સક્ષમ, સર્વસ્વીકાર્ય નેતા જ. એનાથી મોટી લાર્જર ધેન લાઇફ ઇમેજ અહીં થોડીકવાર બાજુએ મૂકી દેવાઇ. ભાજપને સંઘના ગ્રાઉન્ડ નેટવર્કની જરૂરિયાત પણ સમજાઇ એટલે હરિયાણામાં સંઘની ખાટલા બેઠકો અને મહારાષ્ટ્રમાં નાની નાની સમજાવટ બેઠકો ગોઠવાઇ. કોંગ્રેસ ગઠબંધનના જાતિગત જનગણનાના મુદ્દાને ઠારવા બટેંગે તો કટેંગે અને એક હૈ તો સૈફ હૈ જેવા નારાઓ લવાયા. લોકસભાની ચૂંટણીમાં જે મુદ્દાઓમાં અતિરેક થયો એ મુદ્દાઓ ગાયબ કરી દેવાયા અને સ્થાનિક જરૂરિયાત પ્રમાણે નવા મુદ્દાઓ લવાયા. રાજકારણમાં ભૂલો બધા જ કરે, પણ ભૂલ થઇ ગયા પછી એને જાહેરમાં સ્વીકાર્યા વિના ચૂપચાપ સુધારીને આગળ વધવું મહત્વનું છે. ભાજપે એ જ કર્યું.
ચારઃ ભારતીય રાજકારણમાં આમૂલ બદલાવ
આઝાદી પછીના લગભગ છ-સાડા છ દાયકા સુધી ભારતીય રાજકારણ કોંગ્રેસની ધરી ફરતે ફરતું રહ્યું. વચ્ચે વચ્ચે કોંગ્રેસ ક્યાંય સત્તા ગુમાવે તો પણ ફરીથી સત્તા એના હાથમાં આવતી જ રહી. અને આ જ કારણે, 2014માં જ્યારે નરેન્દ્ર મોદી પૂર્ણ બહુમતી સાથે કેન્દ્રમાં સત્તામાં આવ્યા ત્યારે શરૂઆતમાં કોંગ્રેસ એવું માનતી રહી કે, આ તો કામચલાઉ બદલાવ છે. આજે નહીં તો કાલે કોંગ્રેસ સિવાય ક્યાં છૂટકો છે?!
પરંતુ વિશ્વભરમાં જમણેરી વિચારને મળતા જતા વ્યાપક સમર્થન સાથે ભારતીય રાજકારણમાં પણ આવી રહેલા આ ‘પેરાડાઇમ શીફ્ટ’ ને કોંગ્રેસ અને સાથી પક્ષો છેક 2024 સુધી ન સમજી શક્યા. 2024માં એક થવાની જરૂરિયાત સમજાઇ અને લોકસભામાં એના થોડાક હકારાત્મક પરિણામો મળ્યા એટલે ફરીને પાછા ભાજપ ટેમ્પરરી છે, આજે નહીં તો કાલે અમારા સિવાય છૂટકો નથી એવા માહોલમાં રાચવા લાગ્યા. કોંગ્રેસ એ હકીકત સમજવામાં સંપૂર્ણ નિષ્ફળ ગઇ કે, દેશનું રાજકારણ હવે ભાજપની ધરી ફરતે ફરતું થવા લાગ્યું છે. કોંગ્રેસ આજે ત્યાં છે, જ્યાં ભાજપ ત્રણ-સાડા ત્રણ દાયકા પહેલાં હતો!
મહારાષ્ટ્રના પરિણામોએ આ ‘પેરાડાઇમ શીફ્ટ’ ને વધારે સ્પષ્ટ આકાર આપ્યો છે.
પાંચઃ મોદી-શાહ નિર્વિવાદ નેતા
લોકસભાની ચૂંટણી પછી નરેન્દ્ર મોદી- અમિત શાહનું નેતૃત્વ હવે નબળું પડશે, ભાજપમાં જ હવે વિરોધી સૂર મજબૂત બનશે એવી ધારણાઓ સેવાતી હતી એને મોદી-શાહની પર્સનલ યુતિએ ધરમૂળથી ખારીજ કરી છે. યાદ રહે, મહારાષ્ટ્રમાં ભાજપ ફક્ત જીત્યો જ નથી, પણ એના સાથી પક્ષો શિંદે શિવસેના અને અજીત પવારની એનસીપીએ જીતવા છતાં ય ભાજપની દયાના આધારે જીવવાનો વારો આવ્યો છે. જે નીતિશ અને ચંદ્રાબાબુ નાયડુ ટેકા અને દબાણની રાજનીતિ માટે માહેર ગણાતા હતા એ જ નીતિશ-નાયડુના રાજકીય સૂર હવે બોદા લાગી રહ્યા છે. મહારાષ્ટ્રના પરિણામો પછી ભાજપના જ સાથી પક્ષો હવે આ યુતિ સામે દબાણની રાજનીતિ અપનાવી શકવાની સ્થિતિમાં નથી.
ઇન શોર્ટ, ઝારખંડમાં હારવા છતાં ય ભાજપમાં અને કેન્દ્રીય રાજકારણમાં મોદી-શાહ આજે નિર્વિવાદ સૌથી શક્તિશાળી નેતા છે, કમસેકમ એ જ્યાં સુધી ચૂંટણીઓ જીતાડી શકે છે ત્યાં સુધી. હા, હવે સૌની નજર દિલ્હી અને બિહાર વિધાનસભાની ચૂંટણી પર છે. અરવિંદ કેજરીવાલ અને નીતિશકુમારનું રાજકીય ભાવિ પણ એના પરિણામો જ નક્કી કરશે.