મહારાષ્ટ્ર: વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યાના ચાર દિવસ બાદ પણ નવા CMને લઈને સસ્પેન્સ જોવા મળી રહ્યું છે. જો કે સ્થિતિ હવે થોડી ઘણી સ્પષ્ટ થતી જોવા મળી રહી છે. બુધવારે થાણેમાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતા સમયે એકનાથ શિંદેએ કહ્યું કે, “અમે ભાજપના CMને સ્વીકારીએ છીએ.”
વધુમાં એકનાથ શિંદેએ કહ્યું, “મેં મોદીજીને ફોન કર્યો હતો, અમારી વચ્ચે કોઈ મતભેદ નથી. મનમાં કોઈ અડચણ ન લાવો. અમે બધા NDAનો ભાગ છીએ. ભાજપની બેઠકમાં જે પણ નિર્ણય લેવામાં આવશે તે અમે સ્વીકારીશું. અમે સ્પીડ બ્રેકર નથી. અમે સરકાર બનાવવામાં અવરોધ નહીં બનીએ.”
શિંદેએ વધુમાં કહ્યું કે, “હું મારી જાતને ક્યારેય મુખ્યમંત્રી નથી માનતો. મેં હંમેશા સામાન્ય માણસ તરીકે કામ કર્યું છે. આ જનતાની જીત છે. સમર્થન માટે જનતાનો આભાર. ચૂંટણી વખતે સવારે પાંચ વાગ્યા સુધી કામ કરતા હતા. તમામ કાર્યકરોએ ખૂબ જ મહેનત કરી હતી.”
એકનાથ શિંદેએ કહ્યું, “અમે રાજ્યની પ્રગતિનું સ્તર વધાર્યું. આ સમયે પણ રાજ્યના વિકાસની ગતિ તેજ છે. મોદીજી, શાહજીએ ઘણો સાથ આપ્યો. આટલા નિર્ણયો કોઈ સરકારે લીધા નથી. અમે જનતા માટે 124 નિર્ણયો લીધા. અગાઉની સરકારમાં રાજ્ય પાછળ રહી ગયું હતું અને અમે તેને ફરીથી આગળ લાવ્યા છીએ.”
PM મોદી જે પણ નિર્ણય લેશે તે અમે સ્વીકારીશું: એકનાથ શિંદે
BZ ગ્રુપનો પોન્ઝી સ્કેમ, CIDના દરોડાથી 6000 કરોડના આર્થિક ફ્રોડનો પર્દાફાશ
ઉત્તર ગુજરાતના જાણીતા BZ ગ્રુપ પર CIDએ તવાઇ બોલાવી છે. છેલ્લા કેટલાક સમયથી રોકાણકારોને આકર્ષતી તગડું વ્યાજ આપતી ખાનગી ઓફિસો પર મંગળવારે CID ક્રાઇમની ટીમે એકી સાથે સંચાલકો તથા તેમના એજન્ટોની ઓફિસો પર દરોડો પાડતાં ચકચાર મચી જવા પામી હતી. ગ્રુપના અનેક એજન્ટને ત્યાં CIDની ટીમએ દરોડા પાડી કાર્યવાહીનો સપાટો બોલાવ્યો છે. BZ ગ્રુપના એજન્ટ પોન્ઝી સ્કીમનો ધંધો ચલાવતા હોવાનો આરોપ છે. ત્રણ વર્ષમાં ફિકસ ડિપોઝિટ ડબલ કરી આપવાનું કહી તેમજ રોકાણ પર માસિક 7 ટકા વ્યાજ આપવાની લાલચ આપી રોકાણકારો પાસેથી રૂ.6 હજાર કરોડ ઉઘરાવી લેનારી BZ ફાઈનાન્સિયલ સર્વિસની 7 જિલ્લાઓમાં આવેલી ઓફિસો ઉપર CID ક્રાઈમે દરોડા પાડ્યા હતા.
આ કંપનીની ઓફિસો ગુજરાત તેમજ રાજસ્થાનમાં પણ આવેલી હોવાનું પોલીસને તપાસમાં જાણવા મળ્યું હતું. મળતી માહિતી અનુસાર પોલીસના દરોડાના પગલે કરોડો રુપિયાના રોકાણ મેળવી ભૂપેન્દ્ર ઝાલા એકાએક ભૂગર્ભમાં ઉતરતા રોકાણકારો ચિંતાનો માહોલ છવાયો છે. જ્યારે 2 બેંક એકાઉન્ટમાંથી રૂ.175 કરોડના ટ્રાન્જેકશન મળ્યા છે. CIDની ટીમે આ નનામી અરજીની તપાસ કરતા કંપનીએ ગુજરાતમાં તલોદ જિલ્લાના રણાસણમાં, હિંમતનગરમાં, વિજાપુરમાં, મોડાસા, ગાંધીનગર, વડોદરા અને અરવલ્લી જિલ્લાના માલપુરમાં ઓફિસો શરૂ કરી હતી. જેના આધારે સીઆઈડી ક્રાઈમના 50થી વધુ પોલીસ અધિકારી-કર્મચારીઓની 7 ટીમોએ એક સાથે તમામ ઓફિસોમાં દરોડા પાડ્યા હતા. જેમાંથી મોટા ભાગની ઓફિસોમાંથી મહત્વના ડોકયુમેન્ટસ મળી આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે બીઝેડ ગ્રુપના સંચાલક ભૂપેન્દ્ર ઝાલાએ લોકસભાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. જોકે ધાર્યો માહોલ નહિ જામતા ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યું હતું. ઉમેદવારી ફોર્મ સાથે એફિડેવિટમાં ઈન્કમટેક્સ રિટર્નમાં માત્ર 17.94 લાખની આવક દર્શાવી હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે ભૂપેન્દ્રની વર્ષ 2018-19માં માત્ર 4.98 લાખની આવક હતી. જ્યારે વર્ષ 2021-22માં આવક 9.79 લાખ રૂપિયા આવક હતી. માત્ર નજીવી આવક સામે 6000 કરોડનું રોકાણ મેળવ્યું હોવાના આરોપ પણ લગાવવામાં આવ્યું છે. રોકાણકારોના નાણાં વિદેશમાં ટ્રાન્સફર કર્યા કે કેમ તેની આશંકા હાલ સેવાઈ રહી છે. મહિને એક ટકાના લાલચમાં એજન્ટોએ કરોડોનું રોકાણ કરાવ્યું હતું. આ સ્કીમમાં મોટી સંખ્યામાં રોકાણકારો ખેડૂતો, શિક્ષકો અને પોલીસ કર્મચારીઓ, અધિકારીઓ છે. હિંમતનગરમાં વ્યાપાર ભવન ખાતે આવેલ બીજે માલની BZની ઓફીસમાં CIDની રેડ સવારથી ચાલી રહી હતી. જેમાં કેટલાક એજન્ટો પણ હતા. જેમની તપાસણી બાદ અંદાજે રૂ. 20 લાખથી વધુ રકમ અને મોટા પ્રમાણમાં દસ્તાવેજો મળી આવ્યા છે, જેની કામગીરી મોડે રાત સુધી ચાલી રહી હતી. જ્યારે એક વાહનમાં દસ્તાવેજો પણ કબજે લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે. તો CIDની અલગ અલગ ટીમોએ ટીમોએ સવારથી હિંમતનગર સહિત ગુજરાતભરમાં રેડ કરી હતી.

આખી વાત એમ છે કે, હિંમતનગર તાલુકાના એક ગામમાં રહેતા BZ દ્વારા પોંઝી સ્કીમના નામે ધંધો શરૂ કરાયો હતો. શરૂઆતમાં તેમણે હિંમતનગર, રણાસણ, ગાંભોઇ, રાયગઢ સહિતના ઉત્તર ગુજરાતમાં એજન્ટો રોકીને રોકાણકારોને આકર્ષવા માટે પોન્ઝી સ્કીમની સમજ આપવામાં આવતી હતી. રોકાણકર્તાને દર મહિને તગડુ વ્યાજ આપવામાં આવતું હતું. જેના લીધે BZ ગૃપ ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારો સુધી પથરાઇ ગયો હતો.
અદિતિ રાવ હૈદરી અને સિદ્ધાર્થે રાજસ્થાનમાં રોયલ અંદાજમાં ફરી કર્યા લગ્ન
મુંબઈ: લગ્નની સિઝનમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીના એક નવા કપલે ફરી લગ્ન કર્યા છે. હા, અદિતિ રાવ હૈદરી અને સિદ્ધાર્થે 400 વર્ષ જૂના મંદિરમાં લગ્ન કર્યા બાદ રાજસ્થાનના એક કિલ્લામાં ભવ્ય લગ્ન કર્યા છે. અદિતિ રાવ હૈદરી અને સિદ્ધાર્થે તેમના બીજા લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. તેના દક્ષિણ ભારતીય લગ્નની જેમ, અદિતિએ પણ તેના બીજા લગ્ન માટે સબ્યસાચી લહેંગા પસંદ કર્યો. આ લાલ રંગના લહેંગામાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. સિદ્ધાર્થ પણ રાજાની જેમ શેરવાનીમાં સજ્જ જોવા મળ્યો હતો.

અગાઉ અહીં લગ્ન કર્યા હતા
તમને જણાવી દઈએ કે, આ પહેલા સિદ્ધાર્થ અને અદિતિ રાવ હૈદરીએ 16 સપ્ટેમ્બરની સવારે તેલંગાણામાં એક નાના સમારંભમાં લગ્ન કર્યા હતા. દંપતીએ તેમના સાદા દક્ષિણ ભારતીય લગ્ન માટે શ્રી રંગનાયકસ્વામી મંદિર પસંદ કર્યું હતું. લગ્ન સમારોહ દરમિયાન તેમના નજીકના મિત્રો અને પરિવારના સભ્યો હાજર હતા, પરંતુ આ વખતે બંનેની સ્ટાઇલ એકદમ રોયલ જોવા મળી છે. અદિતિ રાવ હૈદરીએ લગ્ન માટે મહેંદીની સ્ટાઈલ સરખી રાખી હતી. આ વખતે પણ તેણીએ માત્ર ચંદ્ર દોરાવ્યો હતો. રિયલ લાઈફની રાજકુમારી અદિતિ રાવ હૈદરીએ આ વખતે સંપૂર્ણપણે રોયલ લુક પસંદ કર્યો છે.
અદિતિ રાવ હૈદરી અને સિદ્ધાર્થ પહેલીવાર 2021માં આવેલી તેલુગુ ફિલ્મ ‘મહા સમુદ્રમ’માં મળ્યા હતા. સૂત્રોનો દાવો છે કે બંને ફિલ્મના શૂટિંગ દરમિયાન સારા મિત્રો બની ગયા હતા અને આ એક્શનથી ભરપૂર લવ ડ્રામામાં તેમની ઓન-સ્ક્રીન કેમિસ્ટ્રી વાસ્તવિક જીવનમાં પણ જોવા મળી હતી. સમય જતાં તેઓ નજીક આવતા ગયા, ઘણીવાર જાહેરમાં સાથે દેખાયા અને એકબીજાને ‘સાથી’ કહેવા લાગ્યા. પછી કોઈ પણ જાતની અડચણ વગર બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું.
View this post on Instagram
તેમની કેમિસ્ટ્રીને કારણે દર્શકોએ તરત જ પડદા પાછળ ચાલી રહેલા વાસ્તવિક જીવનમાં રોમાંસ વિશે અનુમાન લગાવ્યું હતું. મીડિયા સ્ત્રોતોએ ઝડપથી તેમના સંબંધોની સ્થિતિ વિશે અફવાઓ ફેલાવવાનું શરૂ કર્યું. બીજી તરફ અદિતિ અને સિદ્ધાર્થે માર્ચ 2024માં સગાઈ કરી અને પછી જાહેરમાં તેમના પ્રેમની ઘોષણા કરી, હવે તેઓ કાયદેસર રીતે લગ્ન કરી ચૂક્યા છે, આ કપલ તેમના જીવનમાં એક નવો અધ્યાય શરૂ કરી રહ્યું છે.
ઝાંસી મેડિકલ કોલેજ અગ્નિકાંડ મામલે પ્રિન્સિપલને પદ પરથી હટાવાયા
ઉત્તર પ્રદેશ: ઝાંસીમાં મહારાણી લક્ષ્મીબાઈ મેડિકલ કોલેજમાં લાગેલી આગમાં 10 બાળકોના મોતના મામલામાં યોગી સરકારે મોટી કાર્યવાહી કરી છે. નાયબ મુખ્યમંત્રી બ્રજેશ પાઠકની સૂચનાથી બનેલી ચાર સભ્યોની કમિટીના તપાસ રિપોર્ટના આધારે કોલેજના પ્રિન્સિપાલને હટાવવામાં આવ્યા છે. આ સાથે કોલેજના ચીફ મેડિકલ સુપરિન્ટેન્ડન્ટનું નામ અન્ય ત્રણ સાથે ચાર્જશીટમાં દાખલ કરવામાં આવ્યું છે. પ્રિન્સિપાલ ડૉ. નરેન્દ્ર સિંહ સેંગરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જ્યારે બાળ વિભાગના એચ.ઓ.ડી., જુનિયર એન્જિનિયર, એન.આઈ.સી.યુ.ના નર્સિંગ સિસ્ટર ઈન્ચાર્જને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
ડેપ્યુટી સીએમ બ્રજેશ પાઠકે જણાવ્યું કે ઝાંસી મેડિકલ કોલેજમાં બનેલી હૃદયદ્રાવક ઘટના અંગે સરકાર ખૂબ જ સંવેદનશીલ છે. પીડિત પરિવારોને તમામ શક્ય મદદ પૂરી પાડવામાં આવી છે. માહિતી આપતાં તેમણે કહ્યું કે આ અંગે તપાસ સમિતિની રચના કરવામાં આવી છે. તપાસ સમિતિના રિપોર્ટના આધારે કોલેજના પ્રિન્સિપાલ ડૉ. નરેન્દ્રસિંહ સેંગરને પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે.
આ સાથે મુખ્ય મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. સચિન માહુરનું નામ પણ ચાર્જશીટમાં દાખલ કરવામાં આવ્યું છે. તે જ સમયે, કૉલેજના જુનિયર એન્જિનિયર (ઈલેક્ટ્રિકલ) સંજીત કુમાર, એન.આઈ.સી.યુ. વોર્ડના નર્સિંગ સિસ્ટર ઈન્ચાર્જ સંધ્યા રાય અને મેડિકલ કૉલેજના મુખ્ય અધિક્ષક ડૉ. સુનિતા રાઠોડને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

ઝાંસીના ડિવિઝનલ કમિશનરને કોલેજના બાળરોગ વિભાગના વડા ડો. ઓમશંકર ચૌરસિયા, સર્જરી વિભાગના એસોસિયેટ પ્રોફેસર ડો. કુલદીપ ચંદેલ અને ઈલેક્ટ્રીસીટીના ઈન્ચાર્જ અધિકારીની ભૂમિકાની તપાસ કરવા માટે તપાસ અધિકારી બનાવવામાં આવ્યા છે.
15 નવેમ્બરના રોજ ઝાંસીની મહારાણી લક્ષ્મીબાઈ મેડિકલ કોલેજના NICU વોર્ડમાં લાગેલી આગમાં 10 બાળકોના મોત થયા હતા. દુર્ઘટના બાદ તરત જ ડેપ્યુટી સીએમ બ્રજેશ પાઠક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને પીડિત પરિવારોને સાંત્વના પાઠવી હતી. તેમજ દોષિતો સામે કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.
વધતા પ્રદૂષણથી અર્થતંત્રને 95 અબજ ડોલરનું નુકસાન
નવી દિલ્હીઃ દેશમાં વાયુ પ્રદૂષણની સમસ્યા દિન-પ્રતિદિન વિકરાળ થઈ રહી છે, એની પ્રતિકૂળ અસર નાગરિકોના આરોગ્ય પર જ નહીં, પણ દેશના અર્થતંત્ર પર પણ નકારાત્મક પડી રહી છે. વાયુ પ્રદૂષણને લીધે દેશને 95 અબજ ડોલર (આશરે રૂ. 7.8 લાખ કરોડ)નું નુકસાન થઈ રહ્યું છે. આ રકમ દેશના વાર્ષિક બજેટના આશરે ત્રણ ટકા અને આરોગ્ય પર થનારા ખર્ચથી બે ગણી છે.
વર્ષ 2019માં વાયુ પ્રદૂષણને લીધે ઉત્પાદન ક્ષમતામાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. બીજા અહેવાલ અનુસાર દેશની કાર્યશૈલી ક્ષમતા પર પણ પ્રતિકૂળ અસર પડી હતી, જેને કારણે પ્રતિ વર્ષ કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. આ સિવાય આરોગ્ય સમસ્યાઓને કારણે લોકો જાહેર સ્થળો પર ઓછા જઈ રહ્યા છે, જેનાથી અર્થતંત્રને 22 અબજ ડોલર (આશરે રૂ. 1.8 લાખ કરોડ)નું નુકસાન થયું છે. પ્રદૂષણને કારણે શિયાળામાં પ્રતિ વર્ષ ભારત આવતા પર્યટકોની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે.દેશમાં દિલ્હી વાયુ પ્રદૂષણને લીધે મુખ્ય કેન્દ્ર બની ગયું છે. દિલ્હી વાર્ષિક રીતે રાજ્યની GDPના આશરે છ ટકા પ્રદૂષણને કારણે ગુમાવી દે છે. દરેક શિયાળામાં બાંધકામ કાર્યો પર પ્રતિબંધ અને સ્કૂલો બંધ થવાથી દિલ્હીની આર્થિક કામકાજ પર ભારે અસર પડી રહી છે.
દેશમાં સરકાર વાયુ પ્રદૂષણમાં 50 ટકાનો ઘટાડો કરે તો GDPમાં 4.5 ટકા વધારો થવાની શક્યતા છે. આ ઉપરાંત વાયુ પ્રદૂષણને લીધે લોકોના આરોગ્ય પર પડતી પ્રતિકૂળ અસરને પગલે GDPમાં 1.36 ટકા ધીમો થયો છે. આમ પ્રદૂષણને લીધે માત્ર લોકોના આરોગ્ય પર જ નહી, પણ અર્થતંત્ર પર પણ પ્રતિકૂળ અસર પડે છે. આ ઉપરાંત દેશમાં વાયુ પ્રદૂષણને લીધે 2030 સુધીમાં મૃત્યુદરમાં વધારો થવાની શક્યતા છે અને દેશની સરેરાશ વય ઘટીને માત્ર 32 વર્ષ થવાની શક્યતા છે.
સંભલમાં બબાલ કરવાવાળાથી કરાશે નુકસાનની ભરપાઈ
નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશમાં કોર્ટના આદેશ પર જામા મસ્જિદના સર્વે દરમ્યાન ભડકેલી હિંસા પછી પોલીસ વહીવટી તંત્ર સતત કાર્યવાહી કરી રહ્યું છે. યોગી સરકાર આકરાં પગલાં લેવાના મૂડમાં છે. આ કેસમાં 27 આરોપીની ધરપકડ કરવામાં આવી છે, એમાંથી ત્રણ સગીર પણ છે. 74 તોફાની તત્ત્વોની ઓળખ કરવામાં આવી છે, જે ફરાર છે અને એની તપાસ જારી છે.
ઉત્તર પ્રદેશના સંભલમાં જામા મસ્જિદના સર્વે મામલે થયેલી અથડામણમાં ચાર લોકોના મોત નીપજ્યા હતાં. આ સર્વે વખતે તોડફોડ અને આગચંપીની ઘટના બની હતી, જેમાં અનેક પોલીસ કર્મચારીઓ પણ ઘાયલ થયા હતા. જો કે, હવે પરિસ્થિતિ સામાન્ય થઈ રહી છે.રાજ્ય સરકારે કહ્યું છે કે અમે સંભલમાં પથ્થરમારો કરનારાં અસામાજિક તત્ત્વોનાં પોસ્ટર દરેક ચાર રસ્તા પર લગાવવાનું નક્કી કર્યું છે. અમે તેમની પાસેથી નુકસાનનું વળતર વસૂલવાનો પણ આદેશ આપ્યો છે. જે અસામાજિક તત્ત્વો હજુ ઝડપાયાં નથી, તેમની ઓળખ આપનારા માટે ઇનામ પણ જાહેર કરવાનું વિચારાણા હેઠળ છે. સંભલના ગુનેગારોને આકરી સજા આપીને આ પ્રકારનો તણાવ અને તંગદિલીનો માહોલ ઊભો કરનારા માટે એક ઉદાહરણ પૂરું પડાશે.
સંભલની શાહી જામા મસ્જિદના સર્વે દરમિયાન સર્જાયેલી હિંસામાં મેજિસ્ટ્રેટે તપાસના આદેશ આપ્યા છે. પોલીસે પણ પથ્થરમારો કરનારા 100 લોકોની ઓળખ કરી છે અને અત્યાર સુધી 27 લોકોની ધરપકડ કરી છે. જેમાં બે મહિલાઓ પણ સામેલ છે.
આ અથડામણ મામલે કુલ 12 FIR નોંધાઈ છે. તે અંતર્ગત 14 વર્ષથી માંડી 72 વર્ષના આરોપીઓની ધરપકડ થઈ છે. પોલીસે ગંભીર કલમો લગાવી આકરી કાર્યવાહી હાથ ધરી છે. FIRમાં પોલીસે સાંસદ જિયા ઉર્ર રહમાન બર્ક અને સ્થાનિક ધારાસભ્યના પુત્ર સુહેલ ઈકબાલ પર લોકોને ભડકાવવાનો આરોપ મૂક્યો છે.
શું હતી સંભલની ઘટના?કોર્ટે અહીંની જામા મસ્જિદનો બીજી વાર સર્વે કરવા આદેશ આપતાં રવિવારે એક ટીમ ત્યાં પહોંચી હતી. આ દરમિયાન અચાનક પથ્થરમારો શરૂ થઈ ગયો. દેખાવકારોએ પોલીસ વાહનોની પણ આગચંપી કરી, જેમાં એસપી, સીઓ સહિત અનેક પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા હતા. આ સ્થિતિ કાબૂમાં લેવા માટે પોલીસે ટિયર ગેસના શેલ છોડ્યા અને લાઠીચાર્જ પણ કરવો પડ્યો હતો.
વિશ્વની આ ટોચની કંપનીઓના CEO ભારતીય છે
વિશ્વ સ્તર પર ભારતીય પ્રતિભાનો કોઈ મુકાબલો નથી. વિશ્વની ટોચની કંપનીઓના સીઈઓ તરીકે ભારતીયોની હાજરી આ વાતની સાક્ષી છે. આજે વિશ્વની મોટાભાગની મોટી કંપનીઓની લગામ ભારતીય પ્રતિભાઓના હાથમાં છે. આજે અમેરિકા સહિત સમગ્ર વિશ્વ ભારતીય પ્રતિભાને ઓળખે છે. આલ્ફાબેટ, ગૂગલ કે માઈક્રોસોફ્ટના સીઈઓ હોય, તમને દરેક જગ્યાએ ભારતીયો જોવા મળશે. ચાલો આપણે અહીં ટોચની કંપનીઓની યાદી જોઈએ જેનું નેતૃત્વ ભારતીય સીઈઓ કરે છે.

કંપનીઓનું નામ સીઈઓનું નામ
આલ્ફાબેટ ગૂગલના સીઈઓ – સુંદર પિચાઈ
માઈક્રોસોફ્ટના સીઈઓ- સત્ય નડેલા
YouTube CEO -નીલ મોહન
Adobe CEO – શાન્તનુ નારાયણ
વર્લ્ડ બેંક ગ્રુપના સીઈઓ- અજય બંગા
IBM CEO – અરવિંદ કૃષ્ણા
આલ્બર્ટસનના સીઈઓ- વિવેક શંકરન
ઈન્ફોસિસના સીઈઓ- સલિલ પારેખ
નેટએપના સીઈઓ- જ્યોર્જ કુરિયન
પાલો અલ્ટો નેટવર્ક્સના સીઈઓ- નિકેશ અરોરા
અરિસ્તા નેટવર્ક્સના સીઈઓ- જયશ્રી ઉલ્લાલ
નોવાર્ટિસના સીઈઓ- વસંત નરસિમ્હન
માઈક્રોન ટેકનોલોજીના સીઈઓ- સંજય મેહરોત્રા
હનીવેલના સીઈઓ- વિમલ કપૂર
ફ્લેક્સના સીઈઓ- રેવતી અદ્વૈતી
વેફેયર- નીરજ શાહ
ચેનલના સીઈઓ- લીના નાયર
OnlyFans ના CEO- આમ્રપાલી ગણ
કોગ્નિઝન્ટના સીઈઓ- રવિ કુમાર એસ
$1 ટ્રિલિયનના વૈશ્વિક વેપારનું સંચાલન
વર્ષ 2023ના એક રિપોર્ટ અનુસાર, ગયા વર્ષે સુંદર પિચાઈ સહિત અનેક ભારતીય મૂળના CEO 1 ટ્રિલિયન ડોલરના વૈશ્વિક બિઝનેસનું સંચાલન કરી રહ્યા હતા. આમાંથી અડધી કંપનીઓ આઈટી સેક્ટરની હતી. આ ઉપરાંત હેલ્થકેર અને ઔદ્યોગિક ક્ષેત્રની 5-5 કંપનીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. આના પરથી પણ ભારતીય સીઈઓની નેતૃત્વ ક્ષમતાનું મૂલ્યાંકન કરી શકાય છે.
એક રિપોર્ટ અનુસાર, રોજગાર અને કોર્પોરેટ લીડરશીપના મામલે પણ ભારતીયો અમેરિકાની સિલિકોન વેલીમાં પ્રભુત્વ ધરાવે છે. ભારતીયો અંગેનું મૂલ્યાંકન એ છે કે ભારતીય શાળા શિક્ષણ પ્રણાલીનું મુખ્ય ધ્યાન ગણિત અને વિજ્ઞાન પર રહેલું છે. જેઓ તેમના કૌશલ્યોને વધારવા માટે વધુ અભ્યાસ માટે વિદેશ જવાનું પસંદ કરે છે તેમના માટે આ એક મજબૂત પાયો બની જાય છે.
કોસંબા નજીક લક્ઝરી બસનો ભયાનક અકસ્માત, 40નું રેસ્ક્યૂ કરાયું
સુરત: કોંસબા નજીક હાઈવે પર આજે વહેલી સવારે એક મુસાફરો ભરેલી લક્ઝરી બસ ખાડીમાં ખાબકી હતી. બસ એક એકા રોડ પર ઉતરી જતા મુસાફરોની બુમ નીકળી ગઈ હતી. સ્થાનિકો દ્વારા ફાયર વિભાગની ફોન કરી બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતાં જ સુરત ફાયરની ઇમર્જન્સી ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. આ અકસ્માતમાં બસના કેબિનનો ભાગ તો પડીકું વળી ગયું હતું અને તેમાં ફસાયેલા બેથી ત્રણ લોકો કણસી રહ્યાં હતાં.

પ્રાપ્ત માહિતી પ્રમાણે બસમાં કેટલાંક લોકો ફસાયેલા હોવાથી ફાયરની ટીમ દ્વારા બસનાં પતરાં કાપી અને પહોળા કરી 40 મુસાફરોનું રેસ્ક્યૂ કરી તમામને બહાર કાઢ્યા હતા. ઉલ્લેખનીય છે કે વહેલી સવારેના બનેલા અકસ્માતમાં 40 લોકો ફસાયા હતા. અકસ્માતની જાણ થતા લોકોના ટોળે ટોળા વળ્યા હતા. જે બાદ ફાયર વિભાગને જાણ કરી લોકોની બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. જ્યારે આ ઘટનામાં 40 લોકો ફસાયેલા હતા, જેમાં 15 જેટલા લોકોને વધારે ઈજાઓ થઈ છે. જે પૈકી બેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટના બાદ ડ્રાઇવર ભાગી ગયો હોય તેવી આશંકા છે. બસ ડ્રાઈવરને ઝોકું આવી ગયા બાદ બસ ખાડીમાં પડી ગઈ હોવાની સંભાવના છે. આ બસ રાજસ્થાનથી મુંબઈ જઈ રહી હતી. દરમિયાન સુરતથી નીકળ્યા બાદ કોસંબા નજીક પહોંચતા જ બ્રિજ પાસે જ નીચે ઊતરી ગઈ હતી. તમામ વ્યક્તિઓને સહી સલામત બહાર કાઢી લેવામાં આવ્યા છે અને હાલ તો કોઈ જાનહાનિ નોંધાઈ નથી.





