દક્ષિણ કોરિયા: લશ્કરી કાયદો લાદનાર દેશના રાષ્ટ્રપતિ યુન સુક યેઓલે ગુરુવારે એક ટેલિવિઝન સંબોધન કર્યું હતું. જેમાં તેમણે પોતાના નિર્ણયનો બચાવ કર્યો હતો અને કહ્યું કે તેઓ પદ પરથી નહીં હટે. અંત સુધી મહાભિયોગ વિરુદ્ધ લડત ચાલુ રાખશે.યુને કહ્યું, “મારી તપાસ થાય કે મહાભિયોગ થાય, હું નિષ્પક્ષપણે તેનો સામનો કરીશ. હું અંત સુધી લડતો રહીશ. સંસદમાં સૈનિકો મોકલવા એ બળવો નથી. લોકશાહીના અંતને રોકવા અને સંસદમાં વિપક્ષની સરમુખત્યારશાહીનો સામનો કરવા માટે, અમે લશ્કરી કાયદો લાદવાનું નક્કી કર્યું હતું. જે સંપૂર્ણપણે કાયદેસર હતું.”અગાઉ 7 ડિસેમ્બરે રાષ્ટ્રપતિ યૂને માર્શલ લૉ લાગુ કરવા બદલ દેશની માફી માગી હતી. તેમણે લાઈવ ટીવી પર માથું નમાવીને જનતાની સામે માર્શલ લો લાદવાની વાતને તેમણે ખોટી ગણાવી હતી. ત્યારે તેમણે કહ્યું હતું કે, આ નિર્ણય કાયદાકીય કે રાજકીય કારણોસર નહીં, પરંતુ હતાશાથી લેવાયો હતો.દક્ષિણ કોરિયામાં રાષ્ટ્રપતિ યૂને 3 ડિસેમ્બરની રાત્રે દેશમાં માર્શલ લૉ લાગુ કર્યો હતો. જો કે ભારે વિરોધ બાદ તેણે 6 કલાકમાં જ પોતાનો નિર્ણય પાછો ખેંચી લીધો હતો. યૂનના આ પગલા બાદ તેમને દક્ષિણ કોરિયામાં ભારે વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે અને તેમને તેમના પદ પરથી હટાવવાના પ્રયાસો પણ થઈ રહ્યા છે.
નવી દિલ્હી: ભારતીય ગ્રાન્ડમાસ્ટર ડી ગુકેશે 12 ડિસેમ્બર, ગુરુવારે સિંગાપોરમાં વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપ (World Chess Champion) જીતીને ઈતિહાસ રચ્યો હતો. આ ખિતાબ જીતનાર તે સૌથી યુવા ખેલાડી બન્યો છે. તે જ સમયે ગુકેશ વિશ્વનાથન આનંદ પછી ચેસમાં વિશ્વ ચેમ્પિયન બનનાર બીજો ભારતીય ખેલાડી બન્યો. ગુકેશે નિર્ણાયક 14મી ગેમમાં ચીનના ડીંગ લિરેનને હરાવીને ટાઈટલ જીત્યું હતું.
FIDE વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપ 2024ની નિર્ણાયક મેચમાં ચીનનો ડીંગ લિરેન સફેદ ટુકડાઓ સાથે અને ગુકેશ કાળા ટુકડા સાથે રમી રહ્યો હતો. મેચ ટાઈબ્રેકર તરફ જઈ રહી હતી ત્યારે ડિંગ લિરેન 53મી ચાલ પર વિચલિત થઈ ગયો અને તેણે ભૂલ કરી. આઘાત પામેલા ડી ગુકેશે ફરીથી લીરેનને પુનરાગમન કરવાની તક આપી ન હતી અને છેલ્લે ગયા વર્ષના વિશ્વ ચેમ્પિયનને હરાવીને મેચ જીતી લીધી હતી. ગુકેશ વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપનો 18મો વર્લ્ડ ચેમ્પિયન બન્યો છે.
કોણ છે ગુકેશ?
ડી ગુકેશ ચેન્નાઈનો રહેવાસી છે. તેમનું આખું નામ ડોમ્મારાજુ ગુકેશ છે. ગુકેશનો જન્મ 7 મે 2006ના રોજ ચેન્નાઈમાં થયો હતો. તેણે 7 વર્ષની ઉંમરે ચેસ રમવાનું શરૂ કર્યું. તેને શરૂઆતમાં ભાસ્કર નગૈયા દ્વારા કોચિંગ આપવામાં આવ્યું હતું. આ પછી નગૈયા આંતરરાષ્ટ્રીય ચેસ ખેલાડી રહ્યા. આ પછી વિશ્વનાથન આનંદે ગુકેશને રમત વિશે માહિતી આપવાની સાથે કોચિંગ પણ આપ્યું. ગુકેશ આનંદ ચેસ એકેડમી (WACA) ખાતે તાલીમ લે છે.
ગુકેશના પિતા ડોક્ટર છે અને માતા વ્યવસાયે માઇક્રોબાયોલોજીસ્ટ છે. શાળાના દિવસો દરમિયાન તેને આ રમત સાથે પ્રેમ થઈ ગયો હતો. તેના શાનદાર પ્રદર્શનને કારણે તે ઝડપથી આગળ વધ્યો. ગુકેશે 17 વર્ષની ઉંમરે FIDE કેન્ડીડેટ્સ ચેસ ટુર્નામેન્ટ પણ જીતી હતી. ત્યારબાદ તે આવું કરનાર સૌથી યુવા ખેલાડી બની ગયો. તે જ સમયે આ વર્ષે બુડાપેસ્ટમાં 10 થી 23 સપ્ટેમ્બર 2024 દરમિયાન ચેસ ઓલિમ્પિયાડનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારત પુરૂષ અને મહિલા બંને કેટેગરીમાં ચેમ્પિયન બન્યું હતું. ઓપન કેટેગરીમાં ગુકેશ જ હતો જેણે ફાઈનલ ગેમ જીતીને ભારતને જીત અપાવી હતી.
કારકિર્દીની કેટલીક મોટી સિદ્ધિઓ
ગુકેશે ખૂબ જ નાની ઉંમરે સાબિત કરી દીધું હતું કે તે ભવિષ્યમાં એક મહાન ચેસ ખેલાડી બનશે. ગુકેશે વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપ જીતીને આ સાબિત કર્યું. ચાલો જાણીએ ગુકેશની કારકિર્દીની કેટલીક મોટી ઉપલબ્ધિઓ વિશે.
2024: વિશ્વ ચેસ ચેમ્પિયન (સૌથી યુવા)
2024: પેરિસ કેન્ડીડેટ્સ ટુર્નામેન્ટ વિજેતા (સૌથી યુવા)
2024: ચેસ ઓલિમ્પિયાડમાં ભારતને વિજેતા બનાવ્યું
2023 FIDE સર્કિટ: બીજા સ્થાને સમાપ્ત, ઉમેદવારોની ટુર્નામેન્ટ માટે ક્વોલિફાય
2022 ચેસ ઓલિમ્પિયાડ: વ્યક્તિગત ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ, ભારતે બ્રોન્ઝ મેડલ જીત્યો
2022: એમ્ચેસ રેપિડ: વિશ્વ ચેમ્પિયન બન્યા પછી મેગ્નસ કાર્લસનને હરાવનાર સૌથી યુવા ખેલાડી
2021: જુલિયસ બેર ચેલેન્જર્સ ચેસ ટૂર: વિજેતાઓ
2019: 12 વર્ષ, 7 મહિના અને 17 દિવસમાં ગ્રાન્ડમાસ્ટર બન્યો
2018: વિશ્વ યુવા ચેસ ચેમ્પિયનશિપ: વિજેતા (અંડર-12 શ્રેણી)
2015: અંડર-9 એશિયન સ્કૂલ ચેમ્પિયનશિપ (ઉમેદવાર માસ્ટર ટાઇટલ)
નવી દિલ્હી: લાંબા સમય સુધી રાહ જોવડાવ્ય પછી, કાશ્મીરના મેદાની વિસ્તારોમાં ગુરુવારે સિઝનની પ્રથમ હિમવર્ષા થઈ. જેના પરિણામે પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ અને દિલ્હી જેવા ઉત્તરીય રાજ્યોમાં ઠંડીનો અનુભવ થયો હતો, જ્યારે દક્ષિણ ભારતના ઘણા ભાગોમાં વરસાદ થયો હતો. જમ્મુ અને કાશ્મીરની ઉનાળાની રાજધાની શ્રીનગરમાં હિમવર્ષા થઈ નથી. જ્યારે શોપિયાં, પુલવામા અને બારામુલ્લાના મેદાનો તેમજ અનંતનાગ, બડગામ અને બાંદીપોરાના ઉપરના વિસ્તારોમાં હળવી હિમવર્ષા થઈ હતી. ગુલમર્ગ, સોનમર્ગ, તંગમાર્ગ, ગુરેઝ અને ઝોજિલા પાસ જેવા પ્રવાસન સ્થળો સહિત ખીણના ઉપરના વિસ્તારોમાં હળવાથી મધ્યમ હિમવર્ષા થઈ હતી.
શ્રીનગર-લેહ હાઈવે બંધ
અધિકારીઓના જણાવ્યાનુસાર ઝોજિલા પાસ પર બરફ જમા થવાને કારણે શ્રીનગર-લેહ હાઈવે ટ્રાફિક માટે બંધ કરવામાં આવ્યો હતો. જ્યારે બાંદીપોરા-ગુરેઝ રોડ અને મુગલ રોડ પણ બંધ કરી દેવામાં આવ્યો હતો. દિલ્હીમાં ગુરુવારે છેલ્લા ત્રણ વર્ષમાં ડિસેમ્બરનો સૌથી ઠંડો દિવસ નોંધાયો હતો. જ્યારે તાપમાનનો પારો 4.5 ડિગ્રી સેલ્સિયસ સુધી ગગડી ગયો હતો. આયાનગર અને પુસા સહિત દિલ્હીના વિવિધ વિસ્તારોમાં કોલ્ડ વેવની સ્થિતિ જોવા મળી હતી. જ્યાં તાપમાન અનુક્રમે 3.8 અને 3.2 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટી ગયું હતું.
લાહૌલ-સ્પીતિનો તાબો સૌથી ઠંડો હતો
હિમાચલ પ્રદેશમાં લાહૌલના ગોંડલા અને સ્પીતિમાં છેલ્લા 24 કલાકમાં હિમવર્ષા થઈ છે. ઉપરના વિસ્તારોમાં ઠંડીનું મોજું યથાવત છે. બુધવારે રાત્રે લાહૌલ-સ્પીતિમાં તાબો સૌથી ઠંડું સ્થળ હતું. જ્યાં લઘુત્તમ તાપમાન માઈનસ 11.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. લાહૌલ-સ્પીતિમાં કીલોંગ ઉદયપુર રોડ પાસે હિમવર્ષાને કારણે એક નદી થીજી ગઈ. શિમલા હવામાન કેન્દ્રે આગામી એક સપ્તાહ સુધી રાજ્યમાં શુષ્ક હવામાનની આગાહી કરી છે.
રાજસ્થાનમાં તીવ્ર ઠંડીએ તબાહી મચાવી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજસ્થાનમાં તીવ્ર ઠંડી ચાલુ છે અને સીકર જિલ્લાના ફતેહપુર શહેરમાં સૌથી ઓછું રાત્રિનું તાપમાન 0.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. બુધવારે રાત્રે સીકર શહેરમાં પારો એક ડિગ્રી સેલ્સિયસ સુધી ગગડી ગયો હતો. જ્યારે ચુરુ અને કરૌલીમાં લઘુત્તમ તાપમાન 2.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ભારતીય હવામાન વિભાગ (IMD) એ આગામી 24 કલાકમાં કેટલાક વિસ્તારોમાં તીવ્ર ઠંડીની આગાહી કરી છે.
હરિયાણાના હિસારમાં ગુરુવારે તાપમાન ઘટીને 1.6 ડિગ્રી સેલ્સિયસ થઈ ગયું હતું, જ્યારે રાજ્ય અને પડોશી પંજાબમાં ઘણી જગ્યાએ ઠંડી ચાલુ રહી હતી. હરિયાણા અને પંજાબની સંયુક્ત રાજધાની ચંદીગઢમાં પણ રાત્રે ઠંડી પડી હતી અને તાપમાન 4.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.દક્ષિણ રાજ્યોમાં વરસાદ
બીજી તરફ દક્ષિણના રાજ્યો તમિલનાડુ, કર્ણાટક અને કેરળમાં વરસાદ પડ્યો હતો. ગુરુવારે તમિલનાડુના ઘણા ભાગોમાં ભારે વરસાદ પડ્યો હતો, જેના કારણે સત્તાવાળાઓએ ચેન્નાઈ અને અન્ય કેટલાક જિલ્લાઓમાં શાળાઓમાં રજા જાહેર કરી હતી. બેંગલુરુ અને કર્ણાટકના દક્ષિણ આંતરિક ભાગો અને દરિયાકાંઠાના જિલ્લાઓમાં ગુરુવારે વરસાદ પડ્યો હતો. જેના કારણે ટ્રાફિક જામ થયો હતો. IMDએ જણાવ્યું કે આગામી 24 કલાક દરમિયાન, બેંગલુરુ શહેર અને આસપાસના વિસ્તારોમાં સામાન્ય રીતે વાદળછાયું આકાશ અને કેટલાક વિસ્તારોમાં મધ્યમ વરસાદની શક્યતા છે.
અમેરિકા: બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સ મુજબ, સ્પેસએક્સના ફાઉન્ડર અને ટેસ્લાના CEO ઇલોન મસ્ક 400 બિલિયન ડોલરની નેટવર્થ સુધી પહોંચ્યા છે. આમ કરનારા તેઓ ઇતિહાસમાં પ્રથમ વ્યક્તિ બન્યા છે. SpaceXમાં હાલના ઈન્ટર્નલ શેરના વેચાણ અને ટેસ્લાના શેરમાં આવેલી તેજીને કારણે મસ્કની નેટવર્થમાં વધારો થયો છે. શેર વેચાણમાં કર્મચારીઓ અને અંદરના લોકો પાસેથી $1.25 બિલિયનના મૂલ્યના શેર ખરીદવાનો સમાવેશ થાય છે. આ ટ્રાન્ઝેક્શનથી તેમની નેટવર્થમાં આશરે 50 બિલિયન ડોલરનો વધારો થયો છે તેમજ SpaceXની ટોટલ વેલ્યુએશન અંદાજે 350 અબજ ડોલર થઈ ગઈ. આ વેલ્યુએશન વિશ્વની સૌથી વેલ્યુએશન પ્રાઈવેટ કંપની તરીકે SpaceXની સ્થિતિને મજબૂત બનાવે છે.
એલોન મસ્કની સંપત્તિ SpaceX અને ટેસ્લા સુધી મર્યાદિત નથી. તેમની આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ કંપની xAIના વેલ્યુએશનમાં વધારો થયો છે. કંપનીનું વેલ્યુએશન મે મહિનામાં એના છેલ્લા ફંડિંગ રાઉન્ડથી બમણું વધીને $50 બિલિયન થયું છે.છેલ્લા એક મહિનામાં ટેસ્લાના શેરમાં લગભગ 30%નો વધારો થયો છે. છેલ્લા 6 મહિનામાં આ સ્ટોકે 140% રિટર્ન આપ્યું છે. રિપબ્લિકન ઉમેદવાર અને પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની યુએસ ચૂંટણીમાં જીત બાદ ઇલોન મસ્કની નેટવર્થમાં નોંધપાત્ર વધારો થયો છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર, ચૂંટણીનાં પરિણામો પછી તરત જ મસ્કની નેટવર્થ 26.5 બિલિયન ડોલર વધીને 290 બિલિયન ડોલર થઈ ગઈ હતી.
નવી દિલ્હીઃ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાને બોમ્બથી ઉડાડવાની ધમકી મળી છે. આ ધમકી એક ઈમેઇલ દ્વારા મળી હતી. આ કેસની ગંભીરતાને જોતાં મુંબઈ પોલીસે તપાસ શરૂ કરી છે. આ ધમકીવાળો ઈમેઇલ રશિયન ભાષામાં આવ્યો હતો. આ ધમકીનો ઈમેઇલ રિઝર્વ બેન્કની સત્તાવાર વેબસાઇટ પર આવ્યો હતો.આ ઈમેઇલ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના ગવર્નરના ઈમેઇલ પર મોકલવામાં આવ્યો હતો જેમાં વિસ્ફોટકો દ્વારા બેન્કને ઉડાવી નાખવાની ધમકી આપવામાં આવી હતી. જેથી RBIએ મુંબઈના માતા રમાબાઇ માર્ગ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા લોકોની વિરુદ્ધ કેસ નોંધી તપાસ શરૂ કરી છે. સુરક્ષા એજન્સીઓ પણ સતર્ત છે, કેમ કે ધમકીવાળો ઈમેઇલ રશિયાની ભાષામાં આવ્યો છે.
સુરક્ષા એજન્સીઓ એ માલૂમ કરી રહી છે કે આ ધમકીભર્યો ઈમેઇલનું IP એડ્રેસ શું છે, જે પછી ક્રાઇમ બ્રાન્ચ અને સાઇબર એક્સપર્ટની મદદ લેવામાં આવી રહી છે.
A threatening email, written in Russian, was sent to the Reserve Bank of India’s official website, claiming to blow it up. A case has been filed at Mata Ramabai Marg Police Station, and investigations are underway : Mumbai Police pic.twitter.com/2FApUcmFgV
આ અગાઉ પણ નવેમ્બરમાં રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)ના કસ્ટમર કેર વિભાગને ધમકીભર્યો ફોન આવ્યો હતો. આ કોલ રિઝર્વ બેંકના કસ્ટમર કેર નંબર પર કરવામાં આવ્યો હતો, ફોન પર તે વ્યક્તિએ કહ્યું હતું કે હું લશ્કર-એ-તૈયબાનો CEO છું. ધમકી આપનાર વ્યક્તિએ પાછળનો રસ્તો બંધ કરો, ઈલેક્ટ્રિક કાર ખરાબ થઈ ગઈ છે તેમ કહી ફોન કટ કરી દીધો હતો.
ગુરુવારે બપોરે RBIને બોમ્બથી ઉડાડવાની ધમકી મળી હતી, જ્યારે આજે સવારે દિલ્હીની છ સ્કૂલોને બોમ્બથી ઉડાડવાની ધમકી પણ મળી હતી.
ઉંમર એ માત્ર આંકડો જ છે. ગાંધીજીને જુવાન ડોસલાનું બિરુદ મળ્યું હતું. યુવાની એ મનની સ્થિતિ છે. આજના સમયમાં વ્યસનના દુષણના લીધે કેટલાક યુવાનો પણ વૃદ્ધ દેખાય છે જેમાં તરવરાટનો અભાવ હોય છે. તો કેટલાક વૃદ્ધો એમના નિયમિત જીવનના લીધે તરવરતા યુવાનો જેવા લાગે છે. યુવાન હોવું અને યુવાન દેખાવું એમાં ફર્ક છે. જે જીવન માટે કાયમ ફરિયાદ કરે છે તે ઝડપથી વૃદ્ધ થઇ જાય છે. અને જે દરેક ક્ષણનો આનંદ લે છે તે તરોતાજા રહે છે. જો ચિંતા કરવાથી દરેક સમસ્યાનું સમાધાન આવી જતું હોય તો ભાડે માણસો રાખીને ચિંતા કરાવવાનો વ્યવસાય વિકસિત થયો હોત. પણ એવું નથી થયું એ પણ દર્શાવે છે કે ચિંતા કરવાથી કોઈ લાભ થતો નથી. નાહકની ચિંતા કરી વૃદ્ધ થવા કરતા આજીવન યુવાન રહેવું જ યોગ્ય છે.
મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સમસ્યા કે સવાલ હોય તો આપ નીચે જણાવેલા ઈમેઈલ પર ચોક્કસ પૂછી શકો છો.
સવાલ: મેં તમને ઓછામાં ઓછા સાત ઈમેઈલ કર્યા. તમે એનો જવાબ નથી આપતા. મને તમારી ચિંતા થાય છે. તમે તમારી જાતને સમજો છો શું? મારી સમસ્યા વધી રહી છે. રાત્રે ઊંઘ નથી આવતી. ખાવાનું ભાવતું નથી. સતત એવું લાગે છે કે મને કોઈ સમસ્યા આવશે અને પછી બધું પૂરું થઇ જશે. આમ તો બધું સારું છે. પણ કાલ કોણે જોઈ છે? ચિંતા તો કરવી પડે ને? ક્યારેક તો બહુ કામ હોય તો ચિંતા કરવાનું પણ ભૂલાય જાય છે. પછી આખી રાત ઊંઘ ના આવે કે આજે કોઈ ચિંતા ન થઇ એટલે આવતી કાલ તો ખરાબ જશે જ. પછી બીજા દિવસે એવી અકળામણ થાય કે ઘરનું વાતાવરણ બગડી જાય. તમે આનું નિરાકરણ આપો તો સારું. જો ઘરમાં કોઈ ફેરફાર કરવાના હોય તો વેળાસર કહેજો. એમ ઘર તોડવાનું અમને નહિ ફાવે. તમે કહો એટલે અમારે ઘર તોડી નાખવાનું? એવું નહિ થાય એ સમજી લેજો.
જવાબ: તમે જે ઈમેઈલ કર્યા એમાં સ્પષ્ટતા ન હતી. મોટા ભાગે તમે તમારી અસુરક્ષા દર્શાવતા હતા. આ વખતે પણ સમસ્યા કરતા અન્ય વાતો વધારે છે. બીજું કે જે ક્રમમાં ઈમેઈલ આવે તે ક્રમમાં એના જવાબ આપવામાં આવે છે. તેથી થોડી રાહ જોવી પણ જરૂરી છે. તમારી કોઈ સમસ્યા જ નથી. અને તમને એની પણ ચિંતા થાય છે. ચિંતા કરવી એ તમારો શોખ બની ગયો છે. જો બધું બરાબર છે તો ચિંતા શા માટે કરો છો. જે ક્ષણ સારી છે એનો આનંદ લેતા શીખો. ચિંતા કરવાથી કોઈ ઉકેલ આવતો નથી. એનાથી માત્ર મન ખરાબ થાય છે. અને ઘરનું વાતાવરણ બગડે છે. ખોટી ચિંતા કરવાની સમસ્યા બ્રહ્મ, અગ્નિ અને ઉત્તરના ત્રિકોણની નકારાત્મકતાથી આવે. તમારે ત્યાં વાયવ્યનો દોષ પણ છે.
તમને કોઈએ તોડફોડ કરવાનું કહ્યું જ નથી. તમે વધારે પડતું વિચારો છો. એને કાબુમાં રાખો. સવારે વહેલા ઉઠી અને ગાયત્રી મંત્ર કરો. પાણી વધારે પીવો. પ્રાણાયામ કરો અને નિયમિત વ્યાયામ કરો. શક્ય હોય તો દોડવા જાવ. ચોક્કસ લાભ થશે.
સવાલ: મારા પાડોસી બહુ વિચિત્ર છે. એ ઓછું કામ કરીને વધારે કમાય છે. કાયમ ખુશ હોય છે. હું અઢાર કલાક વૈતરું કરું છુ તો પણ દુખી છું. અમે ઘણી વાર એમને દુખી કરવા પ્રયત્ન કર્યો પણ એ થોડો સમય દુખી થઈને પાછા હતા એવા થઇ જાય છે. એમને દુખી કેવી રીતે કરી શકાય?
જવાબ: તમે તમારી લીટી મોટી કરવાના બદલે અન્યની લીટી ભૂંસવા પ્રયાસ કરો છો. જો તમારે સુખી થવું હોય તો એના નિયમો હોય. પણ અન્યને દુખી કરવા માટે ભારતીય વાસ્તુમાં કોઈ નિયમ નથી.
ચીજ એક છે પરંતુ તેની વૃત્તિ, વિચાર તથા ભાવનાઓ અલગ છે. પ્રથમના ભાવ પ્રશંસા યુક્ત છે, અર્થાત તે પુણ્ય આત્મા છે. બીજાના ભાવ અવગુણ ગ્રાહી છે તથા ઈર્ષ્યા-દ્વેશથી ભરેલા છે માટે તે સાધારણ મનુષ્ય આત્મા છે. ત્રીજાના ભાવ લાલચથી ભરેલા છે. તે વ્યક્તિ સ્વાર્થ, તૃષ્ણાઓ તથા ઈચ્છાઓથી રંગાયેલ છે, માટે તે પાપાત્મા છે. આ ત્રણે ઉદાહરણમાં આંખો તો નિર્લેપ છે પરંતુ આત્મા નિર્લેપ નથી. માટે જ કહેવાય છે કે હત્યા કરીને વ્યક્તિ છરી પર લાગેલ લોહીના ડાઘ ધોઈ શકે છે પરંતુ આત્મા પર છપાયેલ હિંસાના સંસ્કાર રૂપી ડાઘને નથી ધોઈ શકતો. વ્યક્તિ ચોરીથી ચીજ ખાઈને હાથ-મોં ધોઈ શકે છે પરંતુ આત્મા પર લાગેલ ચોરીના ડાઘ ને નહીં. કોઈ ગુનેગાર દુષ્કર્મ કરીને પીડીતને તન તથા મનથી ખતમ કરીને છુપાઈ શકે છે પરંતુ આત્માના ભયંકર સંસ્કારથી તે પીછો નથી છોડાવી શકતો. આથી વિકારના વશ થવાથી તેના સંસ્કાર આત્મામાં સુરક્ષિત થઈ જાય છે.
આ સંસ્કાર રૂપી નેગેટિવના પોઝિટિવ થવા પર તે પાપ જગ જાહેર થઈ જાય છે અને પાપ કરવા વાળી વ્યક્તિ તેનું ખરાબ ફળ ભોગવવા માટે અસહાય બની જાય છે. કોઈપણ પાપ કર્મના બે સાક્ષી હમેશા હોય છે. એક હું આત્મા પોતે અને બીજા પરમપિતા પરમાત્મા. બીજાના ધિકકારથી બચવા માટે સ્થાન છોડીને જઇ શકીએ છીએ. પરંતુ પોતાના ધિકકારથી બચવા માટેનું સ્થાન ત્રણેય લોકોમાં કોઈપણ જગ્યાએ નથી. ઈશ્વરની નજરથી બચવા માટેનું પણ કોઈ સ્થાન આજ સુધી બનેલ નથી કે નથી બની શકે તેમ નથી.
આથી દરેકે વારંવાર એ અભ્યાસ કરવો જોઈએ કે હું આ શરીર તથા કર્મેન્દ્રિયોની માલિક આત્મા છું, તેના દ્વારા સેવા કરાવવા વાળી હું આત્મા છું. આ કળયુગી શરીરને પુણ્યની કમાણીમાં લગાવવાનું છે. ગન્દી દ્રષ્ટિ- વૃતિ, આયથાર્થ બોલ, ચાલ-ચલનને વશ થઈ આ કર્મેન્દ્રિયોની ગુલામી નથી કરવાની. આ શરીરનું સૌથી મોટું ઘરેણું ઈશ્વરીય સેવા તથા માનવ સેવા જ છે. તેના માટે એકાંતમાં બેસીને પોતાને સુધારવાનું છે. યોગબળથી આપણા વિકર્મ વિનાશ કરવાના છે. બેદાગ બનાવવાનું છે.
વિજ્ઞાનના આ યુગમાં શરીરના ડાઘ દૂર કરવાની દવા મળે છે પરંતુ સવાલ એ છે કે શું વિજ્ઞાન પાસે એવી કોઈ દવા છે કે જેના દ્વારા આત્મા પર લાગેલ હત્યા ચોરી વિગેરે ના ડાઘ મટી જાય તથા આત્મા સતો પ્રધાન બની જાય. આજે વિજ્ઞાન પ્લાસ્ટિક સર્જરી દ્વારા કાળા ચહેરાને સફેદ, મોટી નાકને પાતળી બનાવી શકે છે, પરંતુ શું તે સારા કામોમાં બદલી શકે છે? તો આનો ઉત્તર છે- ‘ના’. સાયન્સથી પણ મોટી શક્તિ છે સાઈલેન્સની શક્તિ. અર્થાત આધ્યાત્મની તથા રાજયોગની શક્તિ. આ શાંતિની શક્તિ દ્વારા મનના મૌનની અવસ્થામાં આત્મા ચાંદ સિતારાથી પણ પાર અલૌકિક દુનિયામાં જઈને પરમપિતા પરમાત્માની સામે બેસે છે. જે દ્વારા તેના પર લાગેલ તમામ પ્રકારના ડાઘ નીકળી જાય છે. જેવી રીતે લેસર કિરણ શરીરના ન જોઇતા ભાગને સળગાવી દે છે કેવી રીતે ઈશ્વર પિતા દ્વારા પ્રાપ્ત ઈશ્વરીય બળ થી ભરપુર કિરણ પણ આત્માના સર્વ ડાઘ દૂર કરી તેને સુંદર બનાવી દે છે.
(બી. કે. શિવાની)
(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)
Please click on above magazine cover to read magazine online. Due to piracy of “Chitralekha” magazine pdf by some of the subscribers we are not providing pdf download option from here on till we get possible solution. PLEASE COOPERATE WITH US.