Home Blog Page 1252

સઈની સાંજ ને મોચીની કાલ

   સઈની સાંજ ને મોચીની કાલ

 

આજના જેમ રેડીમેડનો જમાનો નહોતો ત્યારે દરેક ગામ કે શહેરમાં કપડાં અથવા જોડા માપ પ્રમાણે સીવડાવવા પડતા હતા. લગનસરા કે એવું કોઈ ટાણું હોય ત્યારે દરજી અથવા મોચીને ત્યાં સારો એવો ધસારો રહે. ઘરાક હોય એટલે કામ તો લેવું જ પડે પણ સમયમાં પહોંચી ન વળાય એટલે વાયદા થાય. સરવાળે ધક્કા ખાવા પડે તે પરિસ્થિતીનું નિર્માણ થાય.

દરજી અથવા મોચી પણ તમે ઢળતા બપોરે જાવ તો કાલે સવારે ચોક્કસ આપી દઇશ એવો વાયદો પાડે અને સવારે જાવ તો સાંજનો વાયદો કરે. આમ, મુદ્દતો પડ્યે રાખે. આ પરિસ્થિતીમાંથી ખોટા વાયદા કરવાની વૃત્તિને ‘સઈની સાંજ ને મોચીની કાલ’ કહેવત દ્વારા વ્યક્ત કરાઇ છે.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

૧૭ ડિસેમ્બર ૨૦૨૪

ગાયક અભિજીત ભટ્ટાચાર્યના કેટલાક ગીતોના રસપ્રદ કિસ્સા

ગાયક અભિજીતે ગાયેલા હિન્દી ફિલ્મોના હજારો ગીતો હિટ રહ્યા છે. અભિજીતે અંદાજે 6000 ગીતો ગાયા છે પણ એમાં એવા ગીતો સામેલ છે જે ફિલ્મો બની નહીં કે રજૂ ના થઈ હોય. રેશમ જૈસી રાહેં, મેં ચાહતા હૂં તુઝે જેવા ઘણા ગીતો રેકોર્ડ થયા હતા પણ એ ફિલ્મો બની ન હતી. અભિજીતે એક મુલાકાતમાં કેટલાક ગીતોની રસપ્રદ વાતો જણાવી હતી. ફિલ્મ ‘તેજાબ’ (1988) નું ‘સો ગયા યે જહાં’ અભિજીતના હાથમાંથી જતું રહ્યું હતું. આ એ સમય પછીની વાત છે જ્યારે અભિજીતે દેવ આનંદની ફિલ્મ ‘આનંદ ઔર આનંદ’ (1984) માટે ‘મેં આવારા હી સહી’ ગીત ગાયું હતું પણ ફિલ્મ ફ્લોપ થઈ ચૂકી હતી.

અભિજીતના અવાજને વખાણવામાં આવ્યો હતો પરંતુ એનું નામ થયું ન હોવાથી કોઈ કામ આપવા તૈયાર ન હતું. સંગીતકાર લક્ષ્મીકાંતે અભિજીતને બોલાવીને કહ્યું હતું કે ‘સો ગયા યે જહાં’ ગીત કિશોરકુમાર પાસે ગવડાવવાનું છે પણ તારે પહેલાં ડબ કરવાનું છે. આ રીતે ડબ થયેલા ગીતો ઘણી વખત સારા ગવાયા હોય તો એ જ ગાયકના અવાજમાં રહેવા દેવામાં આવતા હતા. પરંતુ લક્ષ્મીકાંતે જે તારીખ આપી એ જ દિવસે અભિજીતે દુર્ગાપૂજા માટે કાર્યક્રમ કરવાના કામના એડવાન્સ રૂપિયા લઈ લીધા હતા. એ સમય પર અભિજીતનું નામ ના હોવા છતાં એની મોટાપાયે જાહેરાત કરી દેવામાં આવી હતી એટલે એમણે જવું પડે એમ હતું. એટલે અભિજીતે લક્ષ્મીકાંતને એમ કહેવું પડ્યું હતું કે તમે બીજા પાસે ડબ કરાવી લેજો. પછી એ ગીત બજારમાં આવ્યું ત્યારે નિતીન મુકેશના સ્વરમાં હતું. કિશોરકુમારના અવાજમાં કેમ ના આવ્યું એની અભિજીતને ખબર નથી.

અભિજીત માને છે કે નિતીને ખરેખર એ ગીતને ન્યાય આપ્યો હતો. અભિજીતે ‘અનાડી નં.1’ (1999) નું ‘મૈં લૈલા લૈલા ચિલ્લાઉંગા કુર્તા ફાડકે’ ગીત મજબૂરીમાં ગાવું પડ્યું હતું. અસલમાં આ ગીત અન્ય ગાયક પાસે ગવડાવવામાં આવ્યું હતું. પરંતુ દિલીપ સેન- સમીર સેનને મજા આવી ન હતી. અભિજીતે ગીતના શબ્દો વાંચીને એમને કહ્યું હતું કે આવું ગીત મારી પાસે ના ગવડાવો. હું ક્લાસીક ગીતો ગાવા માંગું છું. અગાઉ ‘ટન ટના ટન’ ગાઈને પસ્તાયો છું. અભિજીતે એમના આગ્રહને વશ થઈ ગાવું પડ્યું હતું. ફિલ્મ ‘રાજાબાબુ’ (1994) નું ‘અ આ ઇ ઉ ઉ ઊ, મેરા દિલ ના તોડો’ ગીત અભિજીતે શબ્દોને ધ્યાનમાં રાખીને એક રોમેન્ટિક ગીત તરીકે ગાયું હતું. ત્યારે ખબર ન હતી કે નિર્દેશક ડેવિડ ધવનના કોરિયોગ્રાફર એમાં સ્ત્રી કલાકારો પાસે ઘાઘરો ઊંચો કરાવી ડાન્સ કરાવશે. અભિજીતના ઘણા ગીતો અપેક્ષા ન હોવા છતાં લોકપ્રિય થઈ ગયા હતા.

અભિજીતે એ ગીત હીરો માટે ગાઈ રહ્યા હોવાના વહેમમાં ગાયા હતા પણ એને ફિલ્મના બીજા હીરો પર ફિલ્માવવામાં આવ્યા હતા. ‘જોશ’ (2000) નું ‘મેરે ખયાલો કી મલિકા’ ગીત અભિજીતે શાહરૂખને ધ્યાનમાં રાખીને ગાયું હતું. એને ચંદ્રચૂડસિંહ પર રાખવામાં આવ્યું હતું. ‘ફરેબ’ (2018) ના ‘યે તેરી આંખે ઝૂકી ઝૂકી’ ને પણ હીરો પર ફિલ્માવાયું ન હતું. સંગીતકાર નદીમ- શ્રવણે ઘણા વર્ષો સુધી માત્ર કુમાર સાનૂ પાસે જ ગીતો ગવડાવ્યા હતા. પણ પછી જ્યારે અભિજીત સાથે ‘જુદાઇ’ (1996) ના ‘હાં મુઝે પ્યાર હુઆ પ્યાર હુઆ અલ્લાહ-મિયાં’ ગીતથી શરૂઆત કરી ત્યાર પછી કહ્યું હતું કે પહેલાં એમના પર કુમાર સાનૂ પાસે ગવડાવવાનું દબાણ રહેતું હતું.

પંચાંગ 17/12/2024

દેશનું એકમાત્ર એરપોર્ટ જે 150 સ્થળો સાથે જોડાયેલ છે

દિલ્હી સ્થિત ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ (દિલ્હી એરપોર્ટ) દેશનું એકમાત્ર એરપોર્ટ બની ગયું છે જે 150 સ્થળો સાથે જોડાયેલ છે. બેંગકોક-ડોન મુઆંગ એરપોર્ટને નવીનતમ સ્થળ એટલે કે 150મું સ્થળ તરીકે ઉમેરવામાં આવ્યું છે. થાઈ એરેસિયા એક્સેગયા રવિવારે, તેણે દિલ્હી અને બેંગકોક-ડોન મુઆંગ (DMK) વચ્ચે સીધી ફ્લાઇટ્સ શરૂ કરી. ANIના સમાચાર મુજબ, નવો રૂટ અઠવાડિયામાં બે વાર એરબસ A330 એરક્રાફ્ટ સાથે કામ કરશે. એરલાઇન જાન્યુઆરી 2025ના મધ્ય સુધીમાં ફ્રિકવન્સી બેથી ચાર ગણી વધારવાનું પણ આયોજન કરી રહી છે.

20 થી વધુ વિશિષ્ટ આંતરરાષ્ટ્રીય સ્થળો ઉમેર્યા

સમાચાર અનુસાર, દિલ્હી એરપોર્ટનું સંચાલન કરતી કંપની દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (DIAL)એ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક વર્ષોમાં દિલ્હી એરપોર્ટે ફ્નોમ પેન્હ, બાલી ડેનપાસર, કેલગરી, મોન્ટ્રીયલ સહિત 20 થી વધુ વિશિષ્ટ આંતરરાષ્ટ્રીય સ્થળો ઉમેર્યા છે. તેમજ વાનકુવર, વોશિંગ્ટન ડ્યુલ્સ, શિકાગો ઓ’હારે અને ટોક્યો હેનેડા પણ સામેલ છે. છેલ્લા 10 વર્ષોમાં એરપોર્ટે ટ્રાન્સફર પેસેન્જરોમાં 100 ટકા વૃદ્ધિ જોવા મળી છે, જે દક્ષિણ એશિયામાં અગ્રણી ટ્રાન્ઝિટ હબ તરીકે તેની સ્થિતિને વધુ મજબૂત બનાવે છે.

88 ટકા સ્થળો દિલ્હી સાથે જોડાયેલા છે

ભારતમાંથી તમામ લાંબા અંતરના સ્થળોમાંથી 88 ટકા દિલ્હી સાથે જોડાયેલા છે અને ભારતમાંથી તમામ લાંબા અંતરની સાપ્તાહિક ફ્લાઇટ્સમાંથી 56 ટકા દિલ્હી એરપોર્ટ પરથી ઓપરેટ થાય છે. ભારતમાંથી લગભગ 50 ટકા (42 ટકા ચોક્કસ) લાંબા અંતરના પ્રવાસીઓ તેમના પ્રવેશ દ્વાર તરીકે દિલ્હીને પસંદ કરે છે. દિલ્હી એરપોર્ટ વાર્ષિક 40 લાખ સ્થાનિક મુસાફરોને આંતરરાષ્ટ્રીય સ્થળો સાથે સીમલેસ કનેક્શન પૂરું પાડે છે.

દિલ્હી એરપોર્ટને સુપર-કનેક્ટર હબમાં પરિવર્તિત કરવામાં આવશે

ભારતીય એરલાઇન કંપનીઓ દ્વારા વાઇડ-બોડી એરક્રાફ્ટની સતત રજૂઆત દિલ્હી એરપોર્ટને સુપર-કનેક્ટર હબમાં પરિવર્તિત કરવા માટે તૈયાર છે, જે આંતરરાષ્ટ્રીય અને લાંબા અંતરની મુસાફરી માટે અગ્રણી પસંદગી તરીકે તેની સ્થિતિને મજબૂત કરશે. દિલ્હી ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડના સીઈઓ વિદેહ કુમાર જયપુરિયારે જણાવ્યું હતું કે 150 ગંતવ્યોને જોડવાનો આ માઈલસ્ટોન વૈશ્વિક કનેક્ટિવિટી વધારવા અને વિશ્વસ્તરીય પ્રવાસના અનુભવો પ્રદાન કરવાની અમારી અતૂટ પ્રતિબદ્ધતાનો પુરાવો છે. ભારતને ઉડ્ડયનના નવા યુગમાં લઈ જવા માટે અમને ગર્વ છે અને અમે વિશ્વભરના પ્રવાસીઓ માટે પસંદગીનું હબ બનવા માટે સમર્પિત છીએ.

નેશનલ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ ફોર ધ બ્લાઈન્ડ, છ ટીમ વિજેતા બની

નડિયાદ: શહેરમાં બે દિવસીય 23મી ઉષા નેશનલ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ ફોર ધ બ્લાઈન્ડ પીપલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યુવા રમતવીરોએ ઉત્સાહભેર મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે નડિયાદ નગરપાલિકાના પ્રમુખ કિન્નરીબેન શાહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઇન્ડિયન બ્લાઇન્ડ સ્પોર્ટ્સ એસોસિએશન (IBSA) દ્વારા આ દ્વિ-વાર્ષિક આયોજન કરવામાં આવ્યું હતું.

પુરૂષ અને મહિલા ખેલાડીઓએ ઓપન કેટેગરીમાં ફિલ્ડ સ્પોર્ટસ, ટ્રેક સ્પોર્ટ્સ અને રિલે રેસ જેવી સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. સંપૂર્ણ દૃષ્ટિહીન એથ્લેટ્સે T-11 અને F-11 કેટેગરીમાં ભગા લીધો હતો. જ્યારે ઓછી દ્રષ્ટિ ધરાવતા ખેલાડીઓએ T-12, T-13 અને F-12, F-13 કેટેગરીમાં ભાગ લીધો હતો. તામિલનાડુ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, કર્ણાટક, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, પંજાબ, તેલંગાણા, હિમાચલ પ્રદેશ, દિલ્હી, દમણ, દીવ, જમ્મુ-કાશ્મીર, મિઝોરમ, ઉત્તરાખંડ, આંધ્ર પ્રદેશ અને ચંદીગઢે સહિત 19 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશના અધિકારીઓ સાથે કુલ 175 દૃષ્ટિહીન ખેલાડીઓએ આ રમતોત્સવમાં ભાગ લીધો હતો. ચેમ્પિયનશિપમાં ભાગ લીધો હતો. દરેક શ્રેણી હેઠળ ટીમ ચેમ્પિયનશિપના પરિણામો પર એક નજર કરીએ તો,

શ્રેણી ટીમ ચેમ્પિયનશિપ્સ
પુરુષો T11 અને F11 તમિલનાડુ
પુરુષો T12 અને F12 ગુજરાત
પુરુષો T13 અને F13 ઉત્તરાખંડ
મહિલા T11 અને F11 ચંદીગઢ
મહિલા T12 અને F12 મહારાષ્ટ્ર
મહિલા T13 અને F13 મધ્યપ્રદેશ

ઇન્ડિયન બ્લાઇન્ડ સ્પોર્ટ્સ એસોસિએશનના જનરલ સેક્રેટરીએ ડેવિડ એ. જણાવ્યું, ” દૃષ્ટિહીન ખેલાડીઓ માટે એથ્લેટિક્સ ચેમ્પિયનશીપનું આયોજન કરવું તે ખરેખર અમારા માટે ગર્વની વાત છે. દરેક ઇવેન્ટ સાથે તેમની વધતી જતી સફળતાના સાક્ષી બનવાનો અમને અવસર મળે છે. હું પેરા સ્પોર્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાત અને બ્લાઈન્ડ સ્પોર્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાતનો ખરેખર દિલથી આભારી છું. તેઓ ઈન્ડિયન બ્લાઈન્ડ સ્પોર્ટ્સ એસોસિએશન સાથે જોડાયા અને આ અવિશ્વસનીય સિદ્ધિઓને વિશ્વ સમક્ષ દર્શાવવા માટે અમારા સહયોગી બન્યા. અહીં અમે વિજેતાઓને જ નહીં, પરંતુ દરેક ભાગ લેનારા ખેલાડીના ઉત્સાહ અને પ્રયાસોની ઉજવણી કરી રહ્યા છીએ. જે ખેલદિલી અને ટીમવર્કના સાચા સારને સાર્થક બનાવે છે.”IBSA શું છે?

1986માં સ્થપાયેલ ઈન્ડિયન બ્લાઈન્ડ સ્પોર્ટ્સ એસોસિએશન એ ઈન્ટરનેશનલ બ્લાઈન્ડ સ્પોર્ટ્સ ફેડરેશન સાથે જોડાયેલ રાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટ્સ ફેડરેશન છે. જે દૃષ્ટિહીન તેમજ ભારતની પેરાલિમ્પિક્સ કમિટી સાથેની સર્વોચ્ચ વિશ્વ રમત-ગમત સંસ્થા છે. એસોસિએશન પાસે 20 રાજ્ય સંસ્થાઓ અને 4 રમત (ફૂટબોલ, ગોલબોલ, કબડ્ડી અને જુડો) વિશિષ્ટ ફેડરેશન્સનું જોડાણ છે. વિશ્વ સંસ્થાના સંલગ્ન તરીકે, IBSA દૃષ્ટિહીન ખેલાડીઓને પસંદ કરે છે, તાલીમ આપે છે અને વિશ્વકક્ષાએ રમવા માટે મોકલે છે. ભારત તરફથી વર્લ્ડ ચેમ્પિયનશિપ અને ગેમ્સ ફોર ધ બ્લાઈન્ડ સહિતની આંતરરાષ્ટ્રીય ઈવેન્ટ્સમાં ભાગ લેવા માટે ખેલાડીઓને તૈયાર કરીને આગળ મોકલે છે.

હેરસ્ટાઇલ વર્લ્ડ ચેમ્પિયનશીપમાં સુરતના ઘનશ્યામે પહેર્યો ગૌરવનો તાજ

સુરત: કઝાકિસ્તાન ખાતે સીએમસી એશિયન ગ્લોબલ વર્લ્ડ કપ ચેમ્પિયનશિપમાં હેરસ્ટાઇલિંગ કોમ્પિટિશનમાં સુરતના ઘનશ્યામ ગઢાદરાએ ફર્સ્ટ રેન્ક મેળવી ભારતની યશકલગીમાં વધારો કર્યો છે. આ ચેમ્પિયનશિપમાં કઝાકિસ્તાન, યુકે, ચીન સહિતના 10 દેશના હેરસ્ટાઈલિસ્ટોએ ભાગ લીધો હતો. ઉલ્લેખનીય છે કે ઘનશ્યામે 30 મિનિટમાં બનાવેલી હેરસ્ટાઇલ પર જજ પણ મોહિત થઈ ગયા હતા.

આપને જણાવી દઈએ કે ગત મહિને કઝાકિસ્તાનમાં CMC એશિયન ગ્લોબલ વર્લ્ડ ચેમ્પિયનશિપ યોજાઈ હતી. આ પ્રતિયોગીતામાં 10 દેશ વચ્ચે ઇન્ટરનેશનલ કોમ્પિટિશન થઈ હતી. જેમાં વર્લ્ડ ચેમ્પિયન આર્ટિસ્ટે ભાગ લીધો હતો. આ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં હેરસ્ટાઇલિંગ કોમ્પિટિશન હતી, જેમાં ભારત અને ગુજરાતના 15 જેટલા હેરસ્ટાઈલિસ્ટે ભાગ લીધો હતો, જે પૈકી સુરતના ઘનશ્યામ ગઢાદરાએ ફર્સ્ટ રેન્ક મેળવ્યો હતો. હેરસ્ટાઇલિંગ કોમ્પિટિશનમાં ફર્સ્ટ રેન્ક મેળવનાર ઘનશ્યામ ગઢાદરાએ સુરતનું અને દેશનું નામ રોશન કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ઘનશ્યામ પાછલ 10 વર્ષથી આ ફિલ્ડમાં કાર્યરત છે. જ્યારે આ પ્રતિયોગીતા માટે ઘનશ્યામે 72 કલાક સતત પ્રેક્ટિસ પણ કરી હતી. જ્યારે 72 કલાકની મહેનત વર્લ્ડ સામે રાખતા ઘનશ્યામને 30 મિનિટ જેટલો સમય લાગ્યો હતો.

ઓસ્ટ્રેલિયાના 445 રનના જવાબમાં ભારત 51/4 વિકેટ

ગાબાઃ ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે ગાબામાં રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટના ત્રીજા દિવસે પણ વરસાદનું વિઘ્ન રહ્યું હતું. વરસાદને કારણે આઠ વખત મેચને રોકવી પડી હતી. ત્યાર બાદ એમ્પાયર્સે રમત પૂરી થવાની ઘોષણા કરી હતી, ત્યારે ભારતનો સ્કોર ચાર વિકેટે 51 રનનો હતો. કેએલ રાહુલ 33 અને રોહિત શર્મા ક્રીઝ પર નોટઆઉટ ઊભા હતા.

આ પહેલાં ઓસ્ટ્રેલિયાની ટીમે પહેલી ઇનિંગમાં 445 રન બનાવ્યા હતા. ભારત હજુ પણ પહેલી ઇનિંગમાં ઓસ્ટ્રેલિયાથી 394 રનથી પાછળ છે. બીજા દિવસે ઓસ્ટ્રેલિયાના બેટર સ્ટીવ સ્મિથ (101 રન) અને ટ્રેવિસ હેડ (152 રન)એ કરેલી સદીઓ પછી એલેક્સ કેરીએ 88 બોલમાં 70 રનની ઇનિંગ રમી ટીમ માટે શાનદાર સ્કોર બનાવવાનો પાયો નાખ્યો હતો. પહેલી ઇનિંગમાં ભારત તરફથી જસપ્રિત બુમરાહે 76 રનમાં 6 વિકેટ લીધી હતી. કેએલ રાહુલે કરેલા 33 રન સિવાય ભારતનો કોઈ પણ ટોપ ઓર્ડરનો બેટર ક્રીઝ પર ઊભો નહોતો રહી શક્યો. રિષભ પંત 9 રન, યશસ્વી જયસ્વાલ 4, વિરાટ કોહલી 3 અને શુભમન ગિલ એક રન બનાવીને આઉટ થયા હતા.

ભારતના ટોપ બેટ્સમેનો ફ્લોપ

ઓસ્ટ્રેલિયાએ 445 રન બનાવ્યા બાદ ડાબોડી ઝડપી બોલર મિચેલ સ્ટાર્કે 2 અને જોશ હેઝલવુડે 1 વિકેટ લીધી હતી. એક સમયે ભારતીય ટીમનો સ્કોર 22 રનમાં ૩ વિકેટે હતો. બીજા સેશનમાં પેટ કમિન્સે રિષભ પંતની વિકેટ ઝડપી હતી. જેને કારણે ભારતીય ટીમની સ્થિતિ ખરાબ થઈ ગઈ હતી. ભારતનો ટોપ ઓર્ડર સંપૂર્ણ ફ્લોપ રહ્યો હતો.

 

નવેમ્બરમાં જથ્થાબંધ ફુગાવો ઘટીને 1.89% થયો

નવેમ્બર મહિનાના જથ્થાબંધ ફુગાવા આંકડાની જાહેરાત કરવામાં આવી છે. નવેમ્બર મહિનામાં જથ્થાબંધ ફુગાવો ઘટીને 1.89% આસપાસ નોંધાયો હતો. આપને જણાવી દઈએ કે ઓક્ટોબરમાં જથ્થાબંધ ફુગાવો 2.36 ટકા હતો. જ્યારે સપ્ટેમ્બર મહિનામાં જથ્થાબંધ ફુગાવો 1.84% હતો. શાકભાજી અને ખાદ્યપદાર્થોના ભાવ ઘટવાના કારણે મોંઘવારીમાં ઘટાડો નોંધાયો છે.

ખાદ્યપદાર્થો અને પ્રાથમિક વસ્તુઓના ભાવમાં ઘટાડો થયો છે

નવેમ્બર મહિનાના જથ્થાબંધ ફુગાવા પર નજર કરીએ દૈનિક આવશ્યક ચીજવસ્તુઓનો મોંઘવારી દર પર 8.09%થી ઘટની 5.49% પર પહોંચ્યો છે. જ્યારે ખાદ્ય પદાર્થોનો ફુગાવો 11.59%થી ઘટીને 8.92% થયો છે. ઇંધણ અને પાવરનો જથ્થાબંધ ફુગાવાનો દર -5.79%થી ઘટીને -5.83% પર નોંધાયો છે. મેન્યુફેક્ચરિંગ પ્રોડક્ટ્સનો જથ્થાબંધ ફુગાવાનો દર 1.50%થી વધીને 2.00% થયો છે.

ફુગાવો કેવી રીતે માપવામાં આવે છે?

ભારતમાં ફુગાવાના બે પ્રકાર છે. એક રિટેલ અને બીજું જથ્થાબંધ ફુગાવો. છૂટક ફુગાવાનો દર સામાન્ય ગ્રાહકો દ્વારા ચૂકવવામાં આવતી કિંમતો પર આધારિત છે. તેને કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (CPI) પણ કહેવામાં આવે છે. જ્યારે, જથ્થાબંધ ભાવ સૂચકાંક (WPI)નો અર્થ એ છે કે જથ્થાબંધ બજારમાં એક વેપારી બીજા વેપારી પાસેથી જે ભાવ વસૂલ કરે છે. ફુગાવાને માપવા માટે વિવિધ વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઉદાહરણ તરીકે, જથ્થાબંધ ફુગાવામાં ઉત્પાદિત ઉત્પાદનોનો હિસ્સો 63.75% છે, પ્રાથમિક વસ્તુઓ જેમ કે ખોરાક 22.62%, બળતણ અને શક્તિ 13.15% છે. તે જ સમયે છૂટક ફુગાવામાં ખાદ્યપદાર્થો અને ઉત્પાદનોનો હિસ્સો 45.86% છે, આવાસનો હિસ્સો 10.07% છે અને બળતણ સહિત અન્ય વસ્તુઓનો પણ હિસ્સો છે.