સંસદમાં શિયાળુ સત્રો દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અને સકારીતા મંત્રી અમિત શાહના દ્વારા આપેલા ભાષણથી દેશભરમાં વિવાદના વંટોળ ઊભા થઈ ગયા છે. ગુજરાત સહિત દેશમાં ઠેર ઠેર વિપક્ષ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આજે મહેસાણા જિલ્લા કોંગ્રેસ દ્વારા ફુવારા સર્કલ પાસે એકત્રિત થઈ કોંગી આગેવાનોએ ધરણાનું આયોજન કર્યુ હતું. ત્યારબાદ પોતાના હાથોમાં બાબા સાહેબની પ્રતિમા લઈ અમિત શાહ વિરુદ્ધ હાય હાયના નારા લગાવ્યાં હતા.
દિલ્હીમાં ભાજપ સરકારના ગૃહમંત્રી અમિત શાહ દ્વારા કરવામાં આવેલા સાહેબ આબેડકર વિશે નિવેદન કરવામાં આવ્યું હતું. જે નિવેદનનો વિરોધ નોંધાવવા આજે મહેસાણા જિલ્લા કોંગ્રેસ દ્વારા ફુવારા સર્કલ પાસે એકત્રિત થઈ કોંગી આગેવાનો ધરણા યોજ્યા હતા. ત્યારબાદ પોતાના હાથોમાં બાબા સાહેબની પ્રતિમા લઈ અમિત શાહ વિરુદ્ધ હાય હાય ના નારા લગાવ્યાં હતા. ત્યારબાદ પુતળા દહન પણ કરવામાં આવ્યું હતું. ધરણા યોજ્યા બાદ કોંગ્રેસ આગેવાનો ફુવારાથી રેલી સ્વરૂપે મહેસાણા કલેક્ટર કચેરી ઓફિસ ખાતે સુત્રોચાર કરતા કરતા પહોચ્યા હતા. જ્યાં બાબા સાહેબ આબેડકરના ફોટો સાથે કલેક્ટરને આવેદનપત્ર આપી રજુઆત કરી હતી કે, સમગ્ર ઘટના અંગે અમિત શાહ માફી માગે તેવી માંગ દર્શાવી હતી.
સ્પેન: ગુગલ મેપ્સ સામાન્ય રીતે પ્રવાસીઓને રસ્તો બતાવવાનું કામ કરે છે. જો કે તેણે સ્પેનિશ પોલીસને એક વર્ષ લાંબા હત્યાના કેસને ઉકેલવામાં અણધારી રીતે મદદ કરી છે. ગુગલ મેપ્સ એપ દ્વારા એક શંકાસ્પદ વ્યક્તિની એક ઇમેજ કેપ્ચર કરવામાં આવી હતી. જે કારની ડેકીમાં ડેડ બોડી મૂકી રહ્યો હતો. આ ફોટા દ્વારા કેસને ઉકેલવામાં પોલીસને સફળતા મળી હતી. નવેમ્બર 2023માં કેસ્ટિલ અને લિયોનના ઉત્તરીય ક્ષેત્રમાં એક વ્યક્તિના ગુમ થવા અંગેના અહેવાલ પછી તપાસ શરૂ થઈ હતી.પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “ગુગલ મેપ્સ એપ્લિકેશનમાં કેટલીક તસવીરો હતી. જેમાં અમે એક ગાડી શોધી કાઢી હતી, જેનો ઉપયોગ ગુના દરમિયાન કરવામાં આવ્યો હોઈ શકે છે. સ્પેનિશ મીડિયાએ ઑક્ટોબર 2024નો Google Maps સ્ટ્રીટ વ્યૂનો સ્ક્રીનશૉટ શેર કર્યો હતો, જેમાં એક વ્યક્તિ તાજુકોમાં કારની ડેકીમાં સફેદ કફનથી ઢંકાયેલી ડેડ બોડી મૂકી રહ્યો છે.”એક 33 વર્ષીય ક્યુબાનો વ્યક્તિ ઓક્ટોબર 2023માં ગાયબ થઈ ગયો હતો. જેણે પરિવારના સભ્યને તેના ફોન પરથી શંકાસ્પદ ટેક્સ્ટ સંદેશા મોકલ્યા હતા. જેના કારણે પરિવારના સભ્યો ચિંતિત બન્યા હતા. પરિવારના સભ્યએ સંદેશાઓ વિશે શંકા દર્શાવ્યા પછી પોલીસે તપાસ શરૂ કરી હતી. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે મૃતક એક મહિલાને મળ્યો હતો અને સ્પેન છોડવાની યોજના બનાવી રહ્યો હતો.પોલીસે શકમંદોના ઘરો અને વાહનોની તલાશી લીધી, લોકેશન એપમાંથી ઈમેજીસ બહાર પાડી જેમાં ગુના સાથે સંભવતઃ સંકળાયેલું વાહન દર્શાવવામાં આવ્યું હતું. સ્પેનિશ મીડિયાએ Google નકશા સ્ટ્રીટ વ્યૂમાંથી છબીઓ ઓળખી અને કેસ ઉકેલવામાં તેમને મદદ મળી.
અમદાવાદ: શહેર સહિત ગુજરાત ભરમાં અસમાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે. જેની સામે પોલસ કેસોની પડતર સંખ્યામાં પણ વધારો નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત હાઈકોર્ટમાં 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે. રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ પૂછેલા એક પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય કાયદા અને ન્યાય તેમજ સંસદીય બાબતોના રાજ્યમંત્રી અર્જુન રામ મેઘવાલે 19 ડિસેમ્બર, 2024ના રોજ રાજ્યસભાને આ માહિતી પૂરી પાડી હતી.
ગૃહમાં રજૂ કરાયેલા મંત્રીના નિવેદન મુજબ, હાલ ભારતની સુપ્રીમ કોર્ટમાં કુલ 82,640 કેસ પડતર છે, જ્યારે દેશની વિવિધ હાઇકોર્ટમાં કુલ 61,80,878 કેસ પડતર છે અને દેશની જુદી-જુદી જિલ્લા તથા નીચલી અદાલતોમાં કુલ મળીને 4,62,34,646 કેસ હાલની તારીખે પડતર છે. મંત્રીના નિવેદન અનુસાર, ગુજરાત હાઈકોર્ટમાં જજની કુલ મંજૂર કરાયેલી 52માંથી 20 જગ્યા ખાલી પડી છે. જ્યારે ગુજરાતની જિલ્લા તથા નીચલી અદાલતોમાં જજની કુલ મંજૂર કરાયેલી 1720માંથી 535 જગ્યા ખાલી પડી છે. દેશની વિવિધ હાઈકોર્ટમાં જજની કુલ 1122 જગ્યા મંજૂર કરાયેલી છે, જેમાંથી 368 જગ્યા આજે પણ ખાલી છે. જ્યારે આજની પરિસ્થિતિમાં દેશની વિવિધ જિલ્લા અને નીચલી અદાલતોમાં કુલ 25741 જજની સંખ્યા મંજૂર કરાયેલી છે જેની સામે 5262 જગ્યા હજી ખાલી છે, તેવો મંત્રીએ ઉલ્લેખ કર્યો હતો. તેમના નિવેદન મુજબ, ભારતની સુપ્રીમ કોર્ટમાં જજની મંજૂર કરાયેલી કુલ 34માંથી ફક્ત એક જ જજની જગ્યા ખાલી છે. પરિમલ નથવાણી સર્વોચ્ચ અદાલત તેમજ દેશની વિવિધ હાઈકોર્ટ અને જિલ્લા તથા નીચલી અદાલતોમાં જજની ખાલી પડેલી સંખ્યા ઉપરાંત ભારતની સુપ્રીમ કોર્ટમાં તેમજ વિવિધ હાઈકોર્ટ અને નીચલી અદાલતોમાં હાલ પડતર રહેલા કેસની સંખ્યા વિશે જાણવા ઈચ્છતા હતા.
અમદાવાદઃ સપ્તાહના અંતિમ ટ્રેડિંગ સેશનમાં પણ ઘરેલુ શેરબજારોમાં નરમાઈતરફી વલણ રહ્યું હતું. સેન્સેક્સ અને નિફ્ટી સપ્તાહમાં આશરે પાંચ ટકા તૂટ્યા હતા, જે અઢી વર્ષમાં આવેલો સૌથી મોટો ઘટાડો છે. નિફ્ટી 50માં 1200 પોઇન્ટનો કડાકો બોલ્યો હતો, જ્યારે સેન્સેક્સમાં પાંચ સેશનમાં 4000 પોઇન્ટથી વધુનો ઘટાડો થયો હતો. જેથી રોકાણકારોને આશરે રૂ. 19 લાખ કરોડનો ચૂનો લાગ્યો હતો. આ સપ્તાહને નિફ્ટીના 50 શેરોમાંથી 48 ઘટ્યા હતા.
બજારમાં નિફ્ટીમાં ઓલટાઇમ હાઇથી આશરે 10 ટકાનો ઘટાડો થઈ ચૂક્યો છે, જ્યારે સેન્સેક્સમાં આજે આશરે તેના મહત્તમ સ્તરથી 1300 પોઇન્ટનો કડાકો બોલ્યો હતો. મોટા ભાગના સેક્ટોરિયલ ઇન્ડેક્સ નરમ બંધ આવ્યા હતા, જ્યારે સૌથી ખરાબ પ્રદર્શન નિફ્ટી ITનું રહ્યું હતું.
બજારના નિષ્ણાતોના જણાવ્યાનુસાર ડિસેમ્બર અંતે ક્રિસમસને કારણ વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ભારે વેચવાલી થઈ હતી. આ સપ્તાહે FIIએ આશરે રૂ. 12,230 કરોડની ચોખ્ખી વેચવાલી કરી હતી. બજારમાં ઓક્ટોબરમાં FIIએ રૂ. એક લાખ કરોડથી વધુના શેરો વેચ્યા હતા. જેથી સેન્સેક્સ અને નિફ્ટી 1.5 ટકા ઘટ્યા હતા. જેથી સેન્સેક્સ 1176 પોઇન્ટ તૂટીને 78,041.59 પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 50 364 તૂટીને 23,587.50ના મથાળે બંધ થયો હતો.
BSE એક્સચેન્જ પર કુલ 4085 શેરોમાં કામકાજ થયાં હતાં, જેમાં 1046 શેરો તેજીની સાથે બંધ થયા હતા. આ સાથે 2947 શેરો નરમ બંધ રહ્યા હતા, જ્યારે 92 શેરો સપાટ બંધ રહ્યા હતા. આ સિવાય 229 શેરોએ 52 સપ્તાહની નવી ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 68 શેરોએ 52 સપ્તાહની નીચલી સપાટીએ પહોંચ્યા હતા. આ સાથે 274 શેરોમાં અપર સરકિટ લાગી હતી, જ્યારે 284 શેરોમાં નીચલી સરકિટ લાગી હતી.
ચાઈનીઝ દોરીનું ચોરી છૂપું વેચાણ કરનારા સામે ગુજરાત પોલીસે એક્શન પ્લાન તૈયાર કર્યો છે. જેના માટે પોલીસ દ્વારા ડીકોઈ ગોઠવી અને બાતમીના આધારે ચાઈનીઝ દોરી વેચનાર સામે કેસમાં કરવામાં આવી રહ્યા છે. ઇ કોમર્સ વેબસાઈટ પર પોલીસે તપાસ શરૂ કરી છે. ઉત્તરાયણ નજીક આવતાની સાથે ચાઈનીઝ દોરીના વેચાણ કરનારા પર રોક લગાવવા માટે ગુજરાત પોલીસ સક્રિય થઈ જતી હોય છે. સીધી રીતે દોરીનું વેચાણ કરવા સાથે હવે ઈ કોમર્સમાં પણ ચાઈનીઝ દોરીનો ધંધો ફૂલ્યો ફળ્યો છે.
સાયબર ક્રાઇમની ટીમે વેબસાઈટ પર સર્ચ કરી રહ્યું છે કે ઇ કોમર્સ વેબસાઈટ પર ઓનલાઈન ચાઈનીઝ દોરી ખરીદી થતી હોય તેવી ઇ કોમર્સ વેબસાઈટ ને પોલીસે નોટિસ પાઠવી છે. હાલ અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરએ જાહેરનામું બહાર પડ્યું હતું. જેમાં ચાઈનીઝ દોરી, પ્લાસ્ટિક દોરી તથા ચાઈનિઝ તુક્કલ પર પ્રતિબંધ લગાવ્યો છે. ત્યારે ચાઈનિઝ દોરી, સિંથેટિક પદાર્થ કોટિંગ અને નોન બાયોડિગ્રેબલ દોરી ઉત્પાદન વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે. આ સાથે ધાર્મિક લાગણી દૂભાય તેવા લખાણો પતંગ પર ન લખવા, જોકે જાહેર માર્ગો પર પતંગ ચગાવવા પર પ્રતિબંધ લગાવ્યો છે કારણકે ટુ વ્હીલર જતા ગળા ભાગે દોરી વાગતા ગંભીર ઇજાઓ થઈ થાય છે. હાલ ચાઈનીઝ દોરીના કેસમાં પકડાયેલ આરોપીની પૂછપરછ કરી તપાસ કરવામાં આવી રહી છે. અત્યાર સુધી પકડાયેલ આરોપીમાં ચાઇનીઝ દોરીનું પ્રોડક્શન ક્યાં થઈ રહ્યું છે જે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. અમદાવાદના સાબરમતી વિસ્તારમાં પોલીસે ચાઈનીઝ દોરી ઝડપી પાડી છે. ઝોન 2 LCB ની ટીમે ચાઈનીઝ દોરીનો જથ્થા સાથે પ્રકાશ દંતાણી નામના વેપારીની ધરપકડ કરવામાં આવી છે. આ મોતના સોદાગરને સાબરમતીના કૈલાસનગર નજીક ચાઈનીઝ દોરી વેંચતા ઝડપી લીધો હતો.
મોસ્કો: રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને લઈને રાહતના સમાચાર આવ્યા છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું કે, “અમે યુક્રેન સાથે યુદ્ધ સમાપ્ત કરવા માટે અમેરિકાના ચૂંટાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે સંભવિત વાટાઘાટોમાં સમાધાન કરવા તૈયાર છીએ.” સૌથી મહત્વની બાબત એ છે કે પુતિને કહ્યું કે, “અમારી પાસે યુક્રેનના અધિકારીઓ સાથે વાતચીત શરૂ કરવા માટે કોઈ શરતો નથી.”
‘રશિયા શાંતિપૂર્ણ રીતે બેઠક કરવા તૈયાર’
એક મીડિયા ઈન્ટરવ્યુમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું કે, “રશિયા સંઘર્ષના શાંતિપૂર્ણ ઉકેલ માટે વાટાઘાટો કરવા માટે અમે તૈયાર છે. પરંતુ યુક્રેન નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન (NATO)માં જોડાવાની યુક્રેને તેની ઈચ્છા છોડવી જોઈએ.’ જો કે યુક્રેન અને પશ્ચિમી દેશોએ આ માંગણીઓને ફગાવી દીધી છે.રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને જણાવ્યું હતું કે, અમે અમેરિકાના ચૂંટાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે સંભવિત વાટાઘાટો માટે તૈયાર છે. જેમણે યુક્રેનમાં સંઘર્ષને સમાપ્ત કરવાનું વચન આપ્યું છે. જો અમે ટ્રમ્પને મળીશું તો અમારી પાસે ચર્ચા કરવા માટેના મુદ્દા હશે. રશિયા યુક્રેન પર સંભવિત શાંતિ મંત્રણામાં સમાધાન માટે તૈયાર છે અને વાતચીત જમીની સ્થિતિ પર આધારિત હોવી જોઈએ.
‘લશ્કરી અભિયાનને કારણે રશિયા મજબૂત બન્યું’
વ્લાદિમીર પુતિને દાવો કર્યો હતો કે, ‘યુક્રેનમાં અમારી સૈન્ય અભિયાનથી રશિયા મજબૂત બન્યું છે. અમે હંમેશા કહ્યું છે કે અમે વાતચીત અને સમાધાન માટે તૈયાર છીએ. વર્ષ 2022માં જ્યારે યુક્રેન વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી ત્યારે રશિયા હાલમાં તેના કરતા વધુ મજબૂત સ્થિતિમાં છે. રશિયન દળો યુક્રેનમાં તેમના પ્રાથમિક ઉદ્દેશ્યો હાંસલ કરવા આગળ વધી રહ્યા હોવા છતાં, અમે વાતચીત અને સમાધાન માટે તૈયાર છે.’
ટ્રમ્પે આ વાત કહી હતી
ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા અમેરિકાના ભાવિ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ યુક્રેનમાં તાત્કાલિક યુદ્ધવિરામની માગ કરી હતી. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર એક પોસ્ટમાં સીરિયાની તાજેતરની સ્થિતિનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે ‘અસદ સત્તા ગુમાવી ચૂક્યા છે, ઘણાં લોકોના મોત થયા છે, યુક્રેનમાં તાત્કાલિક યુદ્ધવિરામ થવું જોઈએ.’
પટનાઃ બિહાર બિઝનેસ કનેક્ટમાં આ વર્ષે રોકાણકારોની સાથે કુલ રૂ. 1.80 લાખ કરોડના સમજૂતી કરાર (MOU) કરવામાં આવ્યા હતા. જે ગઈ વખત કરતાં ત્રણ ગણા વધુ છે. બિહાર રોકાણકાર સંમેલનના બીજા દિવસે અદાણી ગ્રુપનાની અદાણી એન્ટરપ્રાઇઝીસના ડિરેક્ટર પ્રણવ અદાણીએ કહ્યું હતું કે ગ્રુપ અલ્ટ્રા-સુપરક્રિટિકલ થર્મલ પાવર પ્લાન્ટ સ્થાપવા માટે આશરે રૂ.20,000 કરોડનું મૂડીરોકાણ કરવાની યોજના ધરાવે છે.
તેમણે બિહાર બિઝનેસ કનેક્ટ રોકાણકાર શિખરને સંબોધન કરતાં કહ્યું હતું કે હું બિહાર સરકારને અર્થવ્યવસ્થાના દરેક ક્ષેત્રમાંથી ઘણા પ્રભાવશાળી વ્યક્તિત્વોને એક મંચ ઉપર લાવવા બદલ અભિનંદન આપું છું. આદરણીય મુખ્ય મંત્રીજી, આ શિખર દ્વારા માત્ર આપના વ્યક્તિગત ચુંબકત્વનો જ નહીં, પરંતુ વેપારજગતના વિશ્વાસનો પણ પુરાવો છે કે આપ અને આપનું સુશાસન તંત્ર બિહારને ભારતના સૌથી આકર્ષક રોકાણ સ્થળો પૈકીના એકમાં પરિવર્તિત કરી રહ્યા છો.
નીતીશજી, આપની દૂરંદેશી અજોડ છે. 22 વર્ષ પહેલાં, તમે દેશના રેલવે મંત્રી તરીકે ઓટોમેટેડ સોફ્ટવેરનો ઉપયોગ કરીને ટિકિટ બુકિંગ સિસ્ટમને અમલી બનાવીને અત્યાર સુધીનું સૌથી મોટું પરિવર્તન કર્યું હતું. પહેલા દિવસે આ સિસ્ટમ મારફત માત્ર 29 ટિકિટ બુક થઈ હતી અને હવે એક જ દિવસમાં 13 લાખ જેટલી ટિકિટ બુક થઈ રહી છે, જેણે તેને વિશ્વનું સૌથી વ્યસ્ત ઓનલાઈન રિઝર્વેશન પ્લેટફોર્મ બનાવ્યું છે!
બિહાર માટેના આપે સેવેલા સપનાથી અદાણી ગ્રુપ ખૂબ જ પ્રોત્સાહિત થયું છે. આપના નેતૃત્વમાં અમારી શ્રદ્ધાના સ્વીકારનું અમે બિહારમાં સૌથી મોટા ખાનગી રોકાણકાર છીએ એ નમ્ર હકીકતની માન્યતાથી અન્ય વધુ સારું કંઈ હોઈ શકે નહીં. ગયા વર્ષે બિહાર બિઝનેસ કનેક્ટમાં મેં આપને વચન આપ્યું હતું. એ વચન સાથે હું આપને બિહાર માટે અમારા વર્તમાન અને ભાવિ રોકાણ સંબંધી રોડમેપનો સંક્ષિપ્ત ખ્યાલ આપું છુ. લોજિસ્ટિક્સ, ગેસ વિતરણ અને એગ્રી-લોજિસ્ટિક્સ એ ત્રણ ક્ષેત્રોમાં અમે અગાઉથી જ આશરે રૂ. 850 કરોડનું રોકાણ કર્યું છે અને પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીની લગભગ 25,000 તકોનું પણ સર્જન કર્યું છે.
હવે અમે આ ક્ષેત્રોમાં વધુ રૂ.2300 કરોડનું રોકાણ કરવા આગળ વધી રહ્યા છીએ. આ રોકાણ માત્ર અમારી વેરહાઉસિંગ અને હેન્ડલિંગ ક્ષમતામાં જંગી વધારો કરશે. એટલું જ નહી, પરંતુ EV, CGD અને CBGના ક્ષેત્રમાં અમારી હાજરીને વિસ્તૃત કરવા સાથે વધારાની પ્રત્યક્ષ અને પરોક્ષ 27,000 સ્થાનિક નોકરીની તકો પણ પેદા કરશે.
Privileged to be present for the foundation laying ceremony of the Cement Grinding Unit in Warisaliganj alongside Hon’ble CM Shri @NitishKumar. We are grateful for the support received from the Government in Bihar for making this strategic investment of ₹1,600 crore possible in… pic.twitter.com/iVInBK0Zjj
અમે બિહારમાં ગતિ શક્તિ રેલવે ટર્મિનલ્સ, ICDs (ઈનલેન્ડ કન્ટેનર ડેપો) અને ઔદ્યોગિક વેરહાઉસિંગ પાર્ક જેવા વ્યૂહાત્મક આંતરમાળખાને વિકસાવવા માટે સંભવિતપણે બીજા રૂ. 1000 કરોડનું રોકાણ કરવા માટે આપની સરકાર સાથે ઘનિષ્ઠ રીતે કામ કરી રહ્યા છીએ.અમે સિવાન, ગોપાલગંજ, વૈશાલી, સારણ અને સમસ્તીપુર એ પાંચ શહેરોમાં વીજ વપરાશ-નિરીક્ષણને સ્વચાલિત કરવા 28 લાખથી વધુ સ્માર્ટ મીટરના ઉત્પાદન અને ઇન્સ્ટોલેશન માટે રૂ. 2100 કરોડનું રોકાણ કરીશું અને ટેક્નોલોજીનું આ સેગમેન્ટ ઓછામાં ઓછી 4000 સ્થાનિક નોકરીઓનું સર્જન કરશે.
અમે બે વર્ષ પહેલાં અમારા ACC અને અંબુજા સિમેન્ટ હસ્તગત કર્યા પછીના અમારા પ્રથમ ગ્રીનફિલ્ડ સિમેન્ટ પ્રકલ્પનું આપના હસ્તે શિલારોપણ કર્યું હતું. અમે બહુવિધ તબક્કાઓમાં 10 MMTPAની સિમેન્ટ ઉત્પાદન ક્ષમતા સ્થાપિત કરવા માટે બિહારમાં રૂ. 2,500 કરોડનું મૂડીરોકાણ કરવાનો ઇરાદો ધરાવીએ છીએ અને આ પ્રકલ્પ બિહારના લોકો માટે પ્રત્યક્ષ અને પરોક્ષ ઓછામાં ઓછી 9000 નોકરીઓનું સર્જન કરવાની ક્ષમતા ધરાવે છે.
અમદાવાદ સરદાર પટેલ રીંગ રોડ પર વટવા રોપડા ચેક પોસ્ટ નજીકથી વટવા પોલીસે એક યુવકને રૂપિયા 3.60 કરોડની કિંમતના 12 કિલો હાઇબ્રીડ ગાંજા સાથે ઝડપી પાડવામાં પોલીસે સફળતા મેળવી છે. ઝડપાયેલો યુવક મોરબીનો રહેવાસી હતો અને એક યુવતીએ તેને તેમજ અન્ય એક યુવકને બેંગકોક મોકલીને ત્યાંથી હાઇબ્રીડ ગાંજો લઇને ગુજરાતમાં એક વ્યક્તિને પહોંચાડવાનું કામ સોંપ્યુ હતું. જે બેંગકોકથી મુંબઇ એરપોર્ટ ઉતરીને બસમાં ગુજરાત આવ્યો હતો. આ અંગે વટવા પોલીસે તપાસ હાથ ધરી છે.
વટવા પોલીસ સ્ટેશનના અધિકારીઓને ચોક્કસ બાતમી મળી હતી કે સરદાર પટેલ રીંગ રોડ પર બુધવારે (18મી ડિસેમ્બર) રાતના સમયે એક યુવક મોટાપ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો લઇને આવશે. જેના આધારે પોલીસ ઈન્સ્પેક્ટર પી.બી. ઝાલા અને તેમના સ્ટાફે વટવા રીંગ રોડ પર વોચ ગોઠવીને 30 વર્ષીય યોગેશ દશાડિયાને ઝડપીને તેની બેગમાં તપાસ કરતા પ્લાસ્ટીકની બેગમાં પેક કરાયેલા 24 જેટલા પાર્સલ મળી આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં જપ્ત કરાયેલા પાર્સલમાં 3.60 કરોડ રૂપિયાનો હાઇબ્રીડ ગાંજો હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે યોગેશે પોલીસ પુછપરછમાં જણાવ્યું હતું કે, ‘ઓનલાઇન સાઇટ દ્વારા મારો પરિચય સાયલી નામની યુવતી સાથે થયો હતો. તેણે મારી સાથે મિત્રતા કેળવીને મને બેંગકોક પતાયા ખાતે ફરવા જઇને ત્યાંથી એક બેગ લઇને આવવાનું જણાવ્યું હતુ. આ ટ્રીપના 70 હજાર આપવાની ડીલ કરીને સાયલીએ મારી અને નાસિકમાં રહેતા પ્રિતમની બેગકોક જવાની બે એર ટિકિટ બુક કરી હતી. જેથી 14મી ડિસેમ્બરે અમદાવાદથી પતાયા ગયા જ્યાં બંનેને પતાયાની બેલા એક્સપ્રેસ હોટલમાં રોકાયા હતા. ત્યાથી 16મી ડિસેમ્બર એરપોર્ટથી મુંબઈ ઇન્ટરનેશલ એરપોર્ટ આવ્યા હતા. જ્યાંથી પ્રિતમ નાસિક કોલ્હાપુર ગયો હતો. જ્યારે હું બંને બેગ લઇને ટ્રાવેલ્સમાં મુંબઇથી અમદાવાદ આવવા નીકળ્યો હતો. મુંબઈ ઉતર્યો ત્યારે નિધી નામની યુવતીએ કોલ કરીને કહ્યું હતું કે ગુજરાત પહોંચ્યા પછી ડ્રગ્સનો જથ્થો કોને આપવાનો છે? કોલ કરીને જાણ પણ કરશે.’ પરંતું ડ્રગ્સનો જથ્થો સપ્લાય થાય તે પહેલાં જ પોલીસને યોગેશ ઝડપાઈ ગયો હતો. આ મામલે પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.
લંડનઃ બ્રિટીશ વડાપ્રધાન કીર સ્ટાર્મરે યુનાઈટેડ કિંગડમ(UK) અને ભારત વચ્ચે રોકાણ તેમજ આર્થિક વૃદ્ધિની તકો વધારવા માટે ભારતીય રોકાણકારો અને સી.ઈ.ઓ.નાં સાથે મીટિંગ કરી.આ અંગે એક સત્તાવાર નિવેદનમાં જણાવવામાં આવ્યું કે આ મુલાકાત G-20 ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાતના અનુસંધાનરૂપે કરવામાં આવી છે. G-20માં આર્થિક વૃદ્ધિ, સુરક્ષા અને સંરક્ષણ, ટેક્નોલોજી, આબોહવા, આરોગ્ય અને શિક્ષણ જેવાં ક્ષેત્રોમાં ભારતના સહયોગ માટેની તકો વિશે UKના મહત્વાકાંક્ષી વિઝન અંગેની ચર્ચા કરવામાં આવી હતી.કન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી (CII) દ્વારા સમર્થિત પ્રતિનિધિમંડળે UKના ચાન્સેલર ઓફ ધ એક્સચેકર રશેલ રીવ્સ અને વિદેશ સચિવ ડેવિડ લેમી સાથે દ્વિપક્ષીય ભાગીદારીને વધુ ગાઢ બનાવવા અંગેની ચર્ચા કરી હતી. સેક્રેટરી ઓફ સ્ટેટ જોનાથન રેનોલ્ડ્સ અને રાજ્ય મંત્રી ડગ્લાસ એલેક્ઝાન્ડરે પણ યુકે-ભારત વેપાર કરાર હેઠળ ભવિષ્યની તકો અંગે ચર્ચા કરવા પ્રતિનિધિમંડળને મળ્યા હતા.
બંને દેશો વચ્ચેનો કુલ વેપાર પહેલેથી જ £42 બિલિયનનો છે અને તે બંને અર્થતંત્રોમાં 6,00,000 નોકરીઓનું સર્જન કરી રહ્યું છે. UK અને ભારત એક વેપાર સોદા પર વાટાઘાટ કરી રહ્યા છે. જેથી આર્થિક વૃદ્ધિને વેગ આપી શકાય. આ પ્રસંગે વેપાર અને વાણિજ્ય પ્રધાન જોનાથન રેનોલ્ડ્સે જણાવ્યું હતું કે, “G-20માં વૈશ્વિક સ્તરે સૌથી વધુ જોડાયેલ અર્થતંત્રોમાંના એક તરીકે, UKએ ભારતીય વ્યવસાયોને આગળ વધવા માટે અજોડ તકો પ્રદાન કરી છે.”રોકાણને પ્રોત્સાહન આપવું એ UK સરકારનું મુખ્ય મિશન છે. આથી જ તેમણે ભારતીય વ્યાપારી આગેવાનો સાથે સીધો સંવાદ કર્યો. તેમાંથી ઘણા લોકોએ UK સરકારને વિશ્વાસનો મત આપ્યો અને ત્યાં રોકાણ કરવાનું પસંદ કર્યું.
પ્રતિનિધિમંડળના નેતા, સુનિલ ભારતી મિત્તલ KBE, CIIના ભૂતપૂર્વ અધ્યક્ષ અને ભારતી એન્ટરપ્રાઇઝિસના સ્થાપક અને અધ્યક્ષે જણાવ્યું હતું કે, “આ વેપારી પ્રતિનિધિમંડળ એક નિર્ણાયક ક્ષણે બેઠક માટે આવ્યું છે. કારણ કે ભારત સૌથી ઝડપથી વિકસતું મોટું અર્થતંત્ર છે અને તેને 2027 સુધીમાં 5 ટ્રિલિયન US$ સુધી પહોંચવાની અપેક્ષા છે.”
અમેરિકામાં નવા વરાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ જાન્યુઆરીમાં પ્રમુખપદનો ચાર્જ સંભાળવા જઇ રહ્યા છે ત્યારે એમના નિવેદનોની નોંધ અત્યારે વિશેષ લેવાઇ રહી છે. ચૂંટાયા પછી ટ્રમ્પે જે નિવેદનો આપ્યા છે એમાં ભારત સાથેના વેપારમાં ટેરીફ વધારવાને લઇને અપાયેલું નિવેદન વધારે ચર્ચામાં છે. ચર્ચામાં રહેવાનું કારણ એ છે કે, એક અર્થમાં ટ્રમ્પે ખુલ્લેઆમ ધમકી આપી છે કે જો ભારત અમેરિકાના માલ-સામાન પર ઊંચી ટેરીફ વસૂલશે તો અમેરિકા પણ વળતા જવાબમાં ઊંચી ફી વસૂલશે.
જો ખરેખર આવું થાય તો શક્ય છે કે અમેરિકા સાથેના આપણા વેપાર સંબંધોમાં બદલાવ આવે. અલબત્ત, શું થશે એ કહેવું અત્યારથી અઘરું છે, પણ વેપાર જગતમાં આ મુદ્દાને લઇને ચણભણ તો ચાલી જ રહી છે.
આ વખતે ઓપિનિયન વિભાગમાં આવો જાણીએ, શું કહે છે આ મુદ્દે વિવિધ વર્ગના લોકો?
અપૂર્વ શાહ, વાઈસ પ્રેસીડેન્ટ, GCCI
“મારી દ્રષ્ટિએ ભારત અને અમેરિકાના સંબંધ વધુ મજબૂત બનશે. જેમ આપણે આપણા દેશના કૃષિ અને ગૃહ ઉદ્યોગોને બચાવવા માટે ટેક્સ લગાડીએ છીએ, એ જ રીતે અમેરીકા પણ તેમના લોકોની સુરક્ષા માટે ટેક્સ ભારણ લગાડી શકે છે. આ માત્ર વિચાર છે. એના પર કોઈ સત્તાવાર મહોર લાગી નથી. બીજી બાજુ એ લોકો જાણે છે કે ભારત મિત્રતા રાખવામાં વિશ્વાસ રાખતો દેશ છે. અમેરિકા પાસે ભારત જેવા સારો વિકલ્પ બીજો કોઈ લાગતો નથી. આ ટૂંક સમયની પોલીટીકલ ગેમ પણ હોઈ શકે છે.”
ગૌરાંગ શાહ, સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ, જિયોજિત ફાઇનાન્શિયલ સર્વિસીસ લિ., અમદાવાદ
“અમેરિકા જ્યારે પણ આ નિર્ણયને લાગુ કરે, એ જ દિવસે નિર્ણયની બજાર પર અસર જોવા મળી શકે. અત્યારના સમયમાં બજાર કોઈ રિએક્શનના આપે કેમ કે, ક્યા સેક્ટર પર નિર્ણય લગાવવામાં આવશે તે નક્કી કરવામાં આવ્યું નથી. આ ઉપરાંત, કેટલી માત્રામાં આ ટેક્સ લગાડવાના છે એ પણ નક્કી કરવામાં આવ્યું નથી. આ વસ્તુ ત્યારે ખબર પડે જ્યારે ટ્રમ્પની સરકારનું ગઠન થઈ જાય. હાલના સમયમાં ભારત સર્વિસ એન્ડ ગુડમાં વધુ પ્રમાણે ટેક્સ લઈ રહ્યું છે. આવા નિર્ણયોથી સંબંધ બગડે, આ દ્વિપીક્ષી વેપારી સંબંધો છે. જેમાં બુદ્ધિમત્તાનો પ્રયોગ કરવાનો હોય જેમાં અહંકાર વચ્ચે ના આવવો જોઈએ. હાલ સુધીમાં ટ્રમ્પની સરકાર આવી નથી. આ નિર્ણય તેમની સરકાર બન્યા પછીનો છે. બીજી બાજુ ભારતથી પણ એવી વાત સાંભળવા મળી રહી છે. કે ભારત ટેક્સમાં ઘટાડો કરી શકે છે. જેની સત્તાવાર જાહેરાત નથી.”
અતુલ જોશી, ફાઉન્ડર અને CEO, ઓઇસ્ટર કેપિટલ, મુંબઈ
“હાલના સમયમાં ભારતનું એક્સપોર્ટ ઈમ્પોર્ટ કરતા વધારે છે. એટલે કે ટ્રેડના મામલામાં ભારત સરપ્લસમાં અને અમેરિકા ડેફિસીટમાં છે. ભારતે પોતાના ગૃહ ઉદ્યોગ માટે સુરક્ષા માટે અમુક ટેરીફ મુકેલી છે. અને સામે પક્ષે ટ્રમ્પ પણ મેક ઈન અમેરિકાના વિઝનથી તમામ કન્ટ્રી પર ટેરીફ લાદવાની વાત કરી છે. આમ જોવા જઈએ તો ટેરીફ વધશે તો, ત્યાંનું ઈંફ્લેશન પણ વધશે. તેની માહિતી FED પોતાના સ્ટેટમેન્ટમાં આપી હતી. અને ત્રણની જગ્યા પર બે જ રેટ કટ કરશે. જો અમેરિકા ટેક્સનું ભારણ વધારે તો તેમને જ નુકસાન છે. મારા મત પ્રમાણે આ નિવેદન પોઝીટીવ છે. અમેરિકા જો બીજા દેશોમાં ટેક્સ વધારે, તો ભારત ત્યાં પોતાનું એક્સપોર્ટનો વેપાર શરૂ કરી શકશે. ભારત PLI સ્કીમની અને એક્સપોર્ટ ઈનસેટીવની જાહેરાત કરી મેન્યુફેકચરીંગ કિંમત ઘટાડી શકાય છે.”
માનવ મોદી, પ્રેસિયસ મેટલ્સ એનાલિસ્ટ, સિનિયર મેનેજર, મોતીલાલ ઓસવાલ, અમદાવાદ
“ડોલર ઈન્ડેક્સમાં હાલ સુધીમાં સ્ટ્રેન્થ દેખાય છે. છેલ્લી વખત જ્યારે ટ્રમ્પ આવ્યા હતા ત્યારે પણ આપણે જોયું હતું કે, તેમનું ફોકસ મેક ઈન અમેરિકા પર છે. આ જે રીતે જાહેરાત કરી છે, તે પ્રમાણે કહી શકાય કે સપ્લાય સાઈડ ઇન્ફ્લેશન વધી શકે છે. મારા મત પ્રમાણે એટલા ફેડની મિટિંગમાં ત્રણ ની જગ્યા પર બે રેટ કટની જાહેરાત કરવામાં આવી છે. એટલે હવે આગામી જાન્યુઆરીમાં રેટ કટ થવાની આશા નથી. ટ્રમ્પના આ નિર્ણયથી ભારત અમેરિકા સંબંધ પર હવે બધાની નજર રહેશે. ઈમ્પોર્ટ ડ્યુટી અત્યારે ઓછી છે પણ જો હવે ઈમ્પોર્ટ ડ્યુટી લગાડવામાં આવશે તો ભારત એ નિર્ણયને કેવી રીતે જોવે છે અને તેના રીએક્શનમાં શુ કરે છે. એ મોટો પ્રશ્ન છે. પરંતુ મારા પ્રમાણે ગોલ્ડ અને સિલ્વર માટે આ નિર્ણય લાભદાયી થવો જોઈએ. બેઝ મેટલ્સ પણ આમ તો 2025 માં સારુ ભવિષ્ય દેખાય રહ્યું છે.”