Home Blog Page 1186

ભાઈની હલ્દી સેરેમનીમાં પ્રિયંકા ચોપરા બની ‘દેશી ગર્લ’

મુંબઈ: પ્રિયંકા ચોપરાનો ભાઈ સિદ્ધાર્થ ચોપરા લગ્નના બંધનમાં બંધાવા માટે તૈયાર છે. તે નીલમ ઉપાધ્યાય સાથે જીવનનો એક નવો અધ્યાય શરૂ કરશે. હાલમાં,લગ્ન પહેલાની વિધિઓ શરૂ થઈ ગઈ છે. આજે બુધવારે હલ્દી સમારોહ યોજાયો છે. પ્રિયંકા ચોપરા તેના ભાઈના હલ્દી સમારોહમાં તેની સાસુ સાથે પહોંચી હતી. આ દરમિયાન તે જોરશોરથી ડાન્સ કરતી જોવા મળી.

Photo: Instagram

પ્રિયંકા ચોપરાએ જોરદાર ડાન્સ કર્યો

સિદ્ધાર્થ અને નીલમના લગ્નના ફંક્શનની સુંદર તસવીરો અને વીડિયો આવી રહ્યા છે. એક વીડિયોમાં જોઈ શકાય છે કે સિદ્ધાર્થની હલ્દીની વિધિ જાણે હોળીમાં ફેરવાઈ ગઈ હોય. આ ઉપરાંત, ચોપરા પરિવારના સભ્યોએ ખૂબ મજા કરતા દેખાય છે. પ્રિયંકા ચોપરા પણ ડાન્સ કરતી જોવા મળી હતી.

પ્રિયંકા ચોપરાની સાસુ ભારતીય ડ્રેસમાં જોવા મળી

પ્રિયંકા ચોપરાના સાસુ ડેનિસ મિલર જોનાસ પણ સિદ્ધાર્થ ચોપરાના લગ્નમાં હાજરી આપવા માટે ભારતમાં છે. તાજેતરમાં, જ્યારે પ્રિયંકા ચોપરા તેના ભાઈના હલ્દી સમારંભમાં જતી જોવા મળી હતી, ત્યારે તેની સાસુ પણ તેની સાથે કારમાં જોવા મળી હતી. પ્રિયંકાએ નમસ્તે કહીને ફોટોગ્રાફર્સનું સ્વાગત કર્યું. પ્રિયંકા પીળા રંગના એથનિક પોશાકમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેની સાસુ પણ ભારતીય પોશાકમાં જોવા મળી હતી.

મન્નારા ચોપરા તેની માતા સાથે પહોંચી હતી

મન્નારા ચોપરા પણ ભાઈ સિદ્ધાર્થના લગ્નમાં હાજરી આપવા પહોંચી છે. આ દરમિયાન તે પાપારાઝી માટે પોઝ આપતી જોવા મળી હતી. પીળા ડ્રેસમાં મન્નારા ખૂબ જ સુંદર લાગે છે. આ દરમિયાન મન્નારાની માતા પણ તેની સાથે જોવા મળી હતી.

સ્થાનિક ચૂંટણી યોજાવા પહેલાં ભાજપની 200 કરતાં વધુ બેઠકો પર જીત

અમદાવાદઃ રાજ્યમાં 68 નગરપાલિકા સહિત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી યોજાવાની છે. રાજ્યના રાજકારણમાં હવે ધીમે-ધીમે ગરમાટો આવી રહ્યો છે, ત્યારે ભાજપે રાજ્યની વિવિધ સ્થાનિક ચૂંટણીઓમાં કુલ 200 કરતાં વધુ બેઠકો પર બિનહરીફ વિજય મેળવ્યો છે, જેમાં નગરપાલિકાઓ, મ્યુનિસિપલ કોર્પોરેશનો અને તાલુકા પંચાયતોની બેઠકોનો સમાવેશ થાય છે.કોંગ્રેસના ઉમેદવારોએ તેમના નામાંકન પાછા ખેંચી લીધા હોવાથી અને વિરોધ પક્ષની ગેરહાજરી જોવા મળતી હોવાથી ભાજપની બિનહરીફ જીતનો માર્ગ મોકળો થયો છે. સ્થાનિક ચૂંટણીમાં ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની આજે અંતિમ તારીખ પૂરી થતાં  માલૂમ પડ્યું હતું કે ભાજપે નોંધપાત્ર સંખ્યામાં બેઠકો જીતી લીધી છે. ભાજપે 68 નગરપાલિકાઓમાં કોઈ પણ હરીફાઈ વિના 196 બેઠકો મેળવી છે.

બિનહરીફ જીતનો ટ્રેન્ડ જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન સુધી વિસ્તર્યો, જ્યાં કોંગ્રેસના ઉમેદવારોએ ઉમેદવારી પત્રો પાછા ખેંચી લીધા બાદ પાર્ટીને 60 માંથી નવ બેઠકો પર ફાયદો થયો છે. ભાજપે ચાર નગરપાલિકાઓમાં વિજય મેળવ્યો, દરેકમાં બહુમતીનો આંકડો વટાવી દીધો છે.

આ જીતમાં ભચાઉમાં 28 માંથી 22 બેઠકો, હાલોલમાં 36 માંથી 19 બેઠકો, જાફરાબાદમાં 28માંથી 16 બેઠકો અને બાંટવામાં 24માંથી 15 બેઠકોનો સમાવેશ થાય છે. આથી સ્થાનિક ચૂંટણીમાં ભાજપનો દબદબો માલૂમ પડે છે. પક્ષની સફળતા ફક્ત નગરપાલિકાઓ પૂરતી મર્યાદિત ન હતી. તાલુકા પંચાયતની ચૂંટણીઓ અને પેટાચૂંટણીઓમાં, ભાજપે તેના બિનહરીફ વિજયની સંખ્યામાં વધુ 10 બેઠકો ઉમેરી છે. આમ ભાજપની કુલ સંખ્યા 215 બેઠકો પર પહોંચી ગઈ છે.

બોટાદ, બાલાસિનોર, જાફરાબાદ અને ઉપલેટા જેવી કેટલીક નગરપાલિકાઓમાં ભાજપના ઉમેદવારોએ બિનહરીફ વિજય મેળવ્યો હતો. આ ઉદાહરણો આ વિસ્તારોમાં પક્ષના મજબૂત પ્રભાવ અને પડકારજનક સત્તાને ઉજાગર કરે છે.

બોર્ડર વટાવી ભારતમાં ઘૂસ્યા બાંગ્લાદેશી, BSF પર કર્યા બે હુમલા

ભારત અને બાંગ્લાદેશની સરહદ પર પાછલા ઘણા સમયથી તણાવ ચાલી રહ્યો છે. સરહદ પર અવાર નવાર લોકો ભારતની સીમામાં ઘૂસણખોરી કરવાનો પ્રસાર કરતા હોય છે. આ વચ્ચે ફરી એક વખત ભારત-બાંગ્લાદેશ સરહદ પર બાંગ્લાદેશીઓએ બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) પર સતત બે હુમલા કર્યા છે. આ હુમલો ચોથી અને પાંચમી ફેબ્રુઆરીની રાત્રે થયો હતો. પશ્ચિમ બંગાળના દક્ષિણ દિનાજપુરમાં સરહદ પર આવેલા મલિકપુર ગામમાં મધ્યરાત્રિએ બાંગ્લાદેશીઓ દાણચોરી અને લૂંટ ચલાવવા માટે આવ્યા હતા.

સૂત્રો પાસેથી મળેલી જાણકારી પ્રમાણે, બીએસએફએ મધ્યરાત્રિએ આ ઘૂસણખોરો પડકાર્યા હતા, ત્યારે આ બાંગ્લાદેશીઓએ બીએસએફ સૈનિકોને ચારે બાજુથી ઘેરી લીધા અને તલવારો, ખંજરથી તેમના પર હુમલો કર્યો હતો. ત્યારબાદ બીએસએફના જવાનો દ્વારા સ્વબચાવમાં ગોળીબાર કર્યો. આ હુમલામાં BSF જવાન ઘાયલ થયા છે જ્યારે એક બાંગ્લાદેશી ઘૂસણખોર પકડાઈ ગયો છે. આ બાંગ્લાદેશીઓ ખંજર, તીક્ષ્ણ હથિયારો અને અન્ય વસ્તુઓથી સજ્જ હતા. માત્ર 6 કલાકમાં તેમણે બીએસએફ પર બે વાર હુમલો કર્યો. પહેલો હુમલો રાત્રે 12 વાગ્યાની આસપાસ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ વહેલી સવારે બાંગ્લાદેશીઓ ફરી આવ્યા. બંને વખત બીએસએફ એ તેમને માર માર્યો અને ભગાડ્યા. ચોથી અને પાંચમી ફેબ્રુઆરીની રાત્રે, કેટલાક બાંગ્લાદેશીઓ આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરીને ભારતીય ક્ષેત્રમાં પ્રવેશ્યા. આ બાંગ્લાદેશીઓ ઘૂસણખોરી અને દાણચોરીના ઇરાદાથી દક્ષિણ દિનાજપુરના મલિકપુર ગામમાં પ્રવેશ્યા હતા. આ વખતે તેઓ ભારે હથિયારો સાથે આવ્યા હતા. આ બાંગ્લાદેશીઓ પાસે ખંજર અને લાકડીઓ સહિત ઘણા હથિયારો હતા. ત્યારબાદ બીએસએફએ  આ બાંગ્લાદેશીઓ પર ગોળીબાર કર્યો. ગોળીઓ શરૂ થતાં જ બાંગ્લાદેશીઓ પોતાનો જીવ બચાવવા માટે ભાગી ગયા. તમને જણાવી દઈએ કે ઘટના દરમિયાન સરહદ પર ગાઢ ધુમ્મસ હતું.

ભારત-ઈંગ્લેન્ડ વનડે મેચની ટિકિટ વેચાણમાં સર્જાય નાસભાગ, અનેક લોકો ઈજાગ્રસ્ત

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે  આવતીકાલથી વનડે સીરિઝની શરૂઆત થઈ છે. આ મેચ 6 ફેબ્રુઆરીના રોજ નાગપુરમાં રમાવા જઈ રહ્યો છે. મેચને લઈ ટિકિટોની વહેચણી પહેલા જ થઈ ચૂકી છે. જ્યારે બીજી મેચ માટેની ટિકિટો સ્ટોડિયમમાં વેચાઈ રહી હતી. ઉલ્લેખનીય છે કે આ મેચ 9 ફેબ્રુઆરીના કટકમાં યોજાયો છે. પરંતુ આ દરમિયાન નાસભાગ મચી ગઈ હતી. જેમાં 10 લોકો બેભાન થઈ ગયા હોવાની માહિતી મળી રહી છે. આ સાથે જ ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા છે.

ઓડિશાના મિલેનિયમ સિટી કટકના બારાબતી સ્ટેડિયમ ખાતે 9 ફેબ્રુઆરીએ યોજાનારી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની વન ડે મેચ માટે ઓફલાઈન વેચાણ આજે સવારે 9:00 વાગ્યે શરૂ થયું હતું. ટિકિટને લેવા માટે મોટી ભીડ ઉમટી પડી હતી જેના કારણે અફરાતફરી મચી ગઈ હતી. ક્રિકેટ પ્રેમીઓ મોટી સંખ્યામાં ટિકિટ કાઉન્ટર પર પહોંચ્યા હતા, જેના કારણે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી અને પોલીસને સુરક્ષા વ્યવસ્થા સંભાળવામાં ભારે મુશ્કેલી પડી હતી. લોકો  ટિકિટ માટે કાઉન્ટર પર ચઢી ગયા હતા, જેના કારણે પોલીસ બોલાવવી પડી હતી. લોકોની ભીડને કાબુમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ અને વોટર કેનનનો પણ સહારો લેવો પડ્યો હતો.

કટકના બારાબતી સ્ટેડિયમમાં ભારત vs ઈંગ્લેન્ડ વન ડે મેચ માટે ટિકિટોનું મીડિયા અહેવાલ પ્રમાણે મંગળવાર સાંજ સુધીમાં OCA કર્મચારીઓ અને રાજ્ય ક્રિકેટ એસોસિએશન સાથે જોડાયેલી સંસ્થાઓને 9,000 ટિકિટ વેચી દેવામાં આવી હતી. 2 ફેબ્રુઆરીના રોજ 4,000 ટિકિટો ઓનલાઈન વેચાઈ હતી, જ્યારે બાકીની 11,500થી વધુ ટિકિટો આજથી બે દિવસ માટે જાહેર જનતા માટે ઓફલાઈન વેચાણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. આજે જ્યારે કાઉન્ટર ખુલ્યા ત્યારે લોકો બેકાબૂ થઈ ગયા હતા. ટિકિટનું આ વેચાણ આજે અને આવતીકાલે સ્ટેડિયમ પરિસરમાં આવેલા કાઉન્ટર પર ચાલુ રહેશે. ઓડિશા ક્રિકેટ એસોસિએશન (OCA)એ મહિલાઓ માટે એક સ્પેશિયલ કાઉન્ટર બનાવ્યું છે. OCA ના નિર્ણય પ્રમાણે દરેક વ્યક્તિ માન્ય ઓળખપત્ર રજૂ કરીને વધુમાં વધુ બે ટિકિટ ખરીદી શકે છે. ઉલ્લેખનીય છે કે બારાબાતી સ્ટેડિયમમાં 44,574 દર્શકોની ક્ષમતા છે. તેમાંથી 24,692 ટિકિટ વેચાણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

રિઝર્વ બેન્ક વ્યાજદર ઘટાડે એવી શક્યતાઃ EMI ઘટશે?

નવી દિલ્હીઃ રિઝર્વ બેન્ક આ શુક્રવારે વ્યાજદરોમાં 25 બેઝિસ પોઇન્ટનો કાપ મૂકે એવી શક્યતા છે. જોકે આ નિર્ણય સતત બે વર્ષ સુધી વ્યાજદરોને સ્થિર રાખ્યા પછી લેવામાં આવી શકે છે. RBIના આ પગલાથી હોમ લોન, પર્સનલ લોન અને કાર લોન જેવી લોન મન્થ્લી હપતા (EMI) ઘટે એવી શક્યતા છે. એનાથી દેશના કરોડો લોનધારકોને લાભ થશે. RBI રેપો રેટનું એલાન સાત ફેબ્રુઆરીએ કરશે.

RBIનો આ નિર્ણય કેન્દ્ર સરકારના બજેટને સુસંગત હશે, કેમ કે બજેટમાં કન્ઝમ્પ્શનને વધારવા અને માર્કેટમાં લિક્વિડિટી લાવવામાં મદદ કરશે. રિટેલ મોંઘવારી દર છ ટકાની આસપાસ છે. એનાથી કેન્દ્રીય બેન્કને વ્યાજદરોમાં કાપ કરવાની તક મળશે.

RBIની મોનિટરી પોલિસી કમિટી (MPC)ની ત્રણ દિવસની મીટિંગ પાંચમીથી શરૂ થઈ છે. MPC વ્યાજદર અંગે બેઠકના અંતે સાતમીને શુક્રવારે જાહેરાત કરશે, જેમાં સંભવતઃ વ્યાજદરમાં 0.25 ટકાનો ઘટાડો કરાય તેવી સંભાવના છે. SBI રિસર્ચે તેના રિપોર્ટમાં આમ કહ્યું છે. રિપોર્ટ કહે છે કે  આ ઉપરાંત એપ્રિલની મીટિંગમાં પણ વ્યાજદરમાં વધુ 0.25 ટકાનો ઘટાડો કરાય તેવી સંભાવના છે. આવનારા સમયમાં તબક્કાવાર 0.75 ટકા સુધીનો ઘટાડો થાય તેવી સંભાવના છે. રિપોર્ટમાં કહેવાયું છે કે આ સપ્તાહે યોજાનારી એમપીસીની મીટિંગથી વ્યાજદરમાં ઘટાડાની સાઈકલ શરૂ થશે, જેમાં આરંભમાં 0.25 ટકાનો ઘટાડો સંભવ છે. ફેબ્રુઆરી પછી એપ્રિલમાં મળનારી મીટિંગમાં પણ વધુ 0.25 ટકા વ્યાજદર ઘટશે. જૂનની મીટિંગમાં વ્યાજદર યથાવત્ રહેશે અને ફરી ઘટાડાનો તબક્કો ઓક્ટોબરની મીટિંગથી જોવા મળશે.

મનાલીમાં કંગનાની એક નવી શરૂઆત, જુઓ આ પોસ્ટ

હિમાચલ પ્રદેશના મંડી સંસદીય મતવિસ્તારના સાંસદ અને અભિનેત્રી કંગના રનૌતે પર્યટન શહેર મનાલીમાં એક કાફે ખોલ્યું છે. કંગના રનૌતે પોતે આ માહિતી શેર કરી છે. આ કાફે મનાલીના પ્રિનીમાં ખુલ્લું મૂકવામાં આવ્યું છે અને 14 ફેબ્રુઆરીના રોજ વેલેન્ટાઇન ડે પર અહીં આ કાફેનું ઉદ્ઘાટન કરવામાં આવશે.

અભિનય, દિગ્દર્શન અને નિર્માણની દુનિયામાં સફળતા મેળવ્યા પછી કંગના રનૌત હવે હોટેલ બિઝનેસની દુનિયામાં પ્રવેશ કરી રહી છે. તેથી, તેના નવા સાહસ’ધ માઉન્ટેન સ્ટોરી’ સાથે કંગનાએ તેના બાળપણના સ્વપ્નને સાકાર કર્યું છે.

આ કાફે હિમાલયની સુંદર ખીણોમાં ખોલવામાં આવ્યો છે. જ્યાં તમને હિમાચલ પ્રદેશના સમૃદ્ધ સ્વાદ અને સંસ્કૃતિની ઝલક મળશે. આ કાફે પહાડી શૈલીમાં બનેલા ઘરોની જેમ બનાવવામાં આવ્યું છે અને તેમાં લાકડા અને પથ્થરનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

કંગનાએ એક ભાવનાત્મક પોસ્ટમાં પોતાનો ઉત્સાહ શેર કર્યો, “બાળપણનું સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે, હિમાલયના ખોળામાં મારું નાનું કાફે. ‘ધ માઉન્ટેન સ્ટોરી’, તે એક પ્રેમકથા છે. 14 ફેબ્રુઆરી, વેલેન્ટાઇન ડેના રોજ ખુલતું, ધ માઉન્ટેન સ્ટોરી ફક્ત ખાવાનું સ્થળ નથી – તે વારસો અને હૃદયનો ઉત્સવ છે. હિમાલયી સ્થાપત્ય, આરામદાયક આંતરિક સુશોભન અને પહાડી સ્વાદનું સંપૂર્ણ મિશ્રણ, કંગના રનૌતનું નવું રેસ્ટોરન્ટ ‘ધ માઉન્ટેન સ્ટોરી’ તેના બાળપણના સ્વપ્નને સાકાર કરે છે.

કંગનાએ મનાલીમાં ઘર બનાવ્યું

મંડી જિલ્લાના સાંસદ કંગના રનૌત મૂળ જિલ્લાના સરકાઘાટના ભાંબલાના રહેવાસી છે. આ ઉપરાંત કંગનાએ મનાલીમાં પોતાનું ઘર પણ બનાવ્યું છે. કંગનાએ અહીં એક કાફે ખોલ્યું છે. અને હવે તે એક હોટેલ પણ ખોલવા જઈ રહી છે. તાજેતરમાં જ તેણે અહીં જમીન ખરીદી હતી. કંગના ઘણીવાર મનાલી આવે છે.

નવી પરિણીત દિવ્યાંગ સન્નારીઓની વહારે અદાણી પરિવાર

અમદાવાદ: ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના નાના પુત્ર જીત અદાણી પ્રભુતામાં પગલું માંડે તે પહેલા અદાણી પરિવારે ‘મંગલ સેવા’ની માંગલિક ઘોષણા કરી છે. આ નવી વિવાહિત દિવ્યાંગ સન્નારીઓના સંસારી જીવનમાં વહારે થવા માટેનો કાર્યક્રમ છે. આ કાર્યક્રમ હેઠળ દર વર્ષે આવી 500 સન્નારીઓને પ્રત્યેકને રુ. 10 લાખની કરિયાવર સ્વરુપ સહાય આપવામાં આવશે.લગ્નના માત્ર બે દિવસ પહેલા આજે પોતાના આવાસે જીત અદાણીએ પ્રભુતામાં પગલા પાડનારા ૨૧ દિવ્યાંગ યુગલોને નોતરું આપી, તેઓને મળી સંસારી જીવનની શુભકામનાઓ પાઠવીને આ કાર્યક્રમનું મંગલાચરણ કર્યું હતું. ઉદ્યોગ સાથે સામાજિક જવાબદારી અદા કરવાના અદાણી પરિવારની પરંપરાનો વારસો જાળવી રાખવાનો આ પહેલ દ્વારા સંકેત આપનાર જીત 7મી ફેબ્રુઆરી, 2025ના રોજ અમદાવાદમાં દિવા શાહ સાથે લગ્નગ્રંથીથી જોડાનાર  છે.

’सेवा साधना है, सेवा प्रार्थना है और सेवा ही परमात्मा है’, એવી પોતાની સામાજિક ફિલોસોફી સાથે ગૌતમ અદાણીએ X પર પોતાના હૈયાનો હરખ વ્યકતા કરતા લખ્યું છે કે, તેમનો પુત્ર જીત અને પુત્રવધુ દીવા પોતાના લગ્ન જીવનની સફરની શરુઆતનો પ્રથમ અધ્યાય એક સદાચારી સંકલ્પ સાથે કરી રહ્યા છે. તેમણે કહ્યું કે જીત અને દિવાએ  નવી પરિણીત 500 દિવ્યાંગ સન્નારીઓને દસ લાખ રૂપિયાની આર્થિક સહાય પ્રદાન કરીને ‘મંગલ સેવા’ કરવાનું વચન આપ્યું છે.

તેમણે ઉમેર્યું કે આ માંગલિક પહેલ મારફત ઘણી દિવ્યાંગ દીકરીઓ અને તેમના પરિવારોને જીવનમાં ખુશી અને ગૌરવના માંડવારોપણ સાથે ઉત્સાહિત કરવામાં આવશે. સેવાના આ પથ પર આગળ વધવાનું ચાલુ રાખવા માટે તેમણે જીત અને દિવાને આશીર્વાદ આપ્યા છે.

હાલમાં જીત અદાણી ભારતની સૌથી મોટી એરપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સના ડિરેક્ટર છે. આ કંપની તેના મેનેજમેન્ટ અને ડેવલપમેન્ટ પોર્ટફોલિયોમાં આઠ એરપોર્ટ ધરાવે છે. એરપોર્ટના વ્યવસાય ઉપરાંત જીત અદાણી સમૂહના સંરક્ષણ, પેટ્રોકેમિકલ્સ અને કોપર વ્યવસાયોની સંભાળ રાખવા સાથે. તે ઉદ્યોગ સમૂહના ડિજિટલ પરિવર્તનનો પણ હવાલો સંભાળે છે.ગુજરાતના મુંદ્રામાં નાના ગ્રામીણ પ્રકલ્પમાંથી અદાણી ફાઉન્ડેશનને પરિવર્તનના  વૈશ્વિક બળમાં રુપાંતરિત કરનાર જીતના  માતા ડો. પ્રિતી અદાણીના કાર્યોના પ્રભાવ હેઠળ ઉછરેલા જીત વ્યવસાયની સાથો સાથ દિવ્યાંગ  લોકોની વહારે ઉભા રહેવા પર ધ્યાન કેન્દ્રિત કરીને પરોપકારી પહેલ કરવામાં ઉંડો રસ ધરાવે છે.

ઈન્ડોનેશિયામાં 6.2ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીનું જોખમ નહી

આજે ઈન્ડોનેશિયામાં ભાયનક ભૂકંપ આવ્યા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ઈન્ડોનેશિયામાં 6.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.  આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ ઉત્તરીય માલુકુના તટ પર દર્શાવવામાં આવ્યું છે. જિયોફિઝિક્સ અનુસાર, ભૂકંપ 81 કિમી (50 માઇલ) ઊંડું હતું. જો કે, તેનાથી સુનામીનું કોઈ જોખમ ન હોવાનું જણાવ્યું છે.

અત્રે નોંધનીય છે કે, અવારનવાર ઈન્ડોનેશિયામાં ભૂકંપ આવતા રહે છે ત્યારે બુધવારે આવેલા ભૂકંપની તીવ્રતા વધારે હોવાથી લોકો ફફડી ગયા હતા. ઈન્ડોનેશિયાના ભૂકંપ કેન્દ્રએ પણ હજુ સુધી કોઈ મોટા નુકસાનની માહિતી આપી નથી. ઈન્ડોનેશિયામાં અવારનવાર ભૂંકપ અને જ્વાળામુખી ફાટવાની ઘટના બનતી રહે છે. જેની પાછળનું કારણ તેનો વિસ્તાર છે. ઈન્ડોનેશિયા પૃથ્વીના રિંગ ઑફ ફાયરમાં સ્થિત છે. જ્યાં પૃથ્વીની અનેક ટેક્ટોનિક પ્લેટ્સ જોવા મળે છે. જેના લીધે આ પ્રકારની કુદરતી દુર્ઘટના બને છે.ઈન્ડોનેશિયામાં આવેલા ભયાનક ભૂકંપથી લોકો ભયભીત બન્યા છે. પરંતુ કોઈ મોટા નુકસાનની ભીતિ ટળી છે. સુનામીનું જોખમ પણ ન હોવાનું જાણવા મળ્યું છે. ભૂકંપની તીવ્રતા અને સમય જાણવા માટે સિસ્મોગ્રાફનો ઉપયોગ થાય છે. આ ડિવાઇસ ધરતીની અંદર થતી ધ્રુજારીનો ગ્રાફ બનાવે છે. જેના આધારે તીવ્રતા, ભૂકંપનું કેન્દ્ર બિંદુ જાણી શકાય છે.

ઉમેન્સ ઑફ બેંગલોર: ઓલમ્પ રામકૃષ્ણાની કલાનું અલાયન્સ ફ્રાંસેઝ ખાતે પ્રદર્શન

અમદાવાદ: અલાયન્સ ફ્રાંસેઝ દ’અહમદાબાદ દ્વારા ‘Women of Bangalore’ પ્રદર્શન રજૂ કરવામાં આવી રહ્યું છે. જેમાં ફ્રેન્ચ-ઇન્ડિયન કલાકાર ઓલમ્પ રામકૃષ્ણા દ્વારા બનેલ 12 ચિત્રો પ્રદર્શિત કરવામાં આવશે.આ ચિત્રોમાં બેંગલોરની 11 મધ્યમ વર્ગીય મહિલાઓ અને એક સ્વ-ચિત્ર સામેલ છે. જે પરંપરા અને આધુનિકતાની સમજૂતી રજૂ કરે છે. તે મૂળ ઓઇલ પેઇન્ટિંગ છે, જે હવે રેશમના કૅનવાસ પર ડિજિટલી છાપવામાં આવી છે. આ ચિત્રોમાં ભારતીય સ્ત્રીઓની શક્તિ અને સૌંદર્ય દર્શાવવામાં આવ્યા છે. ઓલમ્પ રામકૃષ્ણા પેરિસમાં અભ્યાસ કરેલા કલાકાર છે અને મહિલાઓના હક્કો માટે કાનૂની અને કળાત્મક સ્તરે કાર્યરત છે. આ કાર્યક્રમ 6 ફેબ્રુઆરીના રોજ સાંજ 6:00 થી 8:00 વાગ્યા સુધી અલાયન્સ ફ્રાંસેઝ દ’અહમદાબાદ કેમ્પસ ખાતે યોજાવાનો છે.

દિલ્હીમાં ત્રણ વાગ્યા સુધી 46.55 ટકા મતદાનઃ સીલમપુરમાં ભારે હંગામો

નવી દિલ્હીઃ દિલ્હીમાં 70 વિધાનસભા સીટો પર બપોરે ત્રણ વાગ્યા સુધી 46.55 ટકા મતદાન થયું છે. દિલ્હીમાં ઉત્તર પૂર્વ જિલ્લાની સીટો પર મતદારો સૌથી વધુ જોશમાં નજરે ચઢ્યા છે. અહીં મુસ્લિમ બહુમતી વિસ્તારમાં અત્યાર સુધી સૌથી વધુ 56.12 ટકા મતદાન થયું છે. સીલમપુરમાં 54.29 ટકા મતદાન થયું છે.

 દિલ્હીના સીલમપુરમાં ફેક મતદાનના આરોપોને લઈને જબરદસ્ત હંગામો થયો છે. સીલમપુરમાં આમ આદમી પાર્ટી અને ભાજપના કાર્યકર્તાઓની વચ્ચે અથડામણ થઈ છે. ભાજપના નેતાઓ અનુસાર અનેક કેસો સામે આવ્યા છે, જેમાં બુરખા પહેરીને મહિલાઓએ મતદાન કેન્દ્રો પર છેતરપિંડીથી નકલી મત નાખ્યા છે. ભાજપના કાર્યકર્તાઓએ દાવો કર્યો હતો કે ચૂંટણીપ્રક્રિયામાં હેરાફેરી કરવામાં આવી રહી છે.ભાજપે ચૂંટણી પંચથી ફેક મતદાન અટકાવવાન માગ કરી છે. જોકે મતદાન અધિકારીઓએ આશ્વાસન આપ્યું હતું કે કોઈ પણ પ્રકારની અનિયમિતતાને અટકાવવા માટે આવશ્યક ખરાઈના ઉપાય કરવામાં આવ્યા છે. અધિકારીઓએ અત્યાર સુધી આરોપોનો જવાબ નથી આપ્યો.

દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, LG વીકે સક્સેના, વિદેશ મંત્રી એસ જયશંકર, મુખ્યમંત્રી આતિશી અને રાહુલ ગાંધીએ મતદાન કર્યું છે. આ ઉપરાંત પ્રિયંકા ગાંધીએ તેમની માતા સોનિયા, પતિ અને પુત્ર સાથે મતદાન કર્યું. અરવિંદ કેજરીવાલ પોતાના માતા-પિતાને વ્હીલચેર પર બેસાડીને મતદાન કરવા પહોંચ્યા હતા.

આ પહેલાં દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં બપોરે એક વાગ્યા સુધી 33.31 ટકા મતદાન થયું હતું.જ્યારે 11 વાગ્યા સુધી 19.95 ટકા સરેરાશ મતદાન થયું હતું. દિલ્હીની 70 વિધાનસભા ક્ષેત્રોમાં કડક સુરક્ષાની વચ્ચે મતદાન જારી છે.મતદાન સાંજે છ વાગ્યે પૂરું થશે. દિલ્હીમાં સરેરાશ 60 ટકાની આસપાસ મતદાન થાય છે. જોકે વર્ષ 2015ની ચૂંટણીમાં દિલ્હીમાં 67.47 ટકા મતદાન થયું હતું.