દિલ્હીના જંતર-મંતર ખાતે NEET પેપર લીકના વિરોધમાં કોકરોચ જનતા પાર્ટી (CJP) અને દેશના હજારો વિદ્યાર્થીઓ દ્વારા ચાલી રહેલા આંદોલનને ટીવીથી લઈને બોલીવુડ ક્ષેત્રના અનેક કલાકારોનું સમર્થન મળી રહ્યું છે. આ ક્રમમાં હવે બોલીવુડના ‘ભાઈજાન’ એટલે કે સલમાન ખાને પણ ખુલ્લેઆમ વિદ્યાર્થીઓની તરફેણમાં અવાજ ઉઠાવ્યો છે. સલમાન ખાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર એક ખાસ પોસ્ટ શેર કરીને વિદ્યાર્થીઓના પ્રદર્શનને બિરદાવ્યું છે.
‘આંદોલને હિંસક રૂપ લીધું તે જોઈ ખૂબ દુઃખ થયું’
ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં સલમાન ખાને લખ્યું હતું કે, આ એક અત્યંત શાંતિપૂર્ણ આંદોલન હતું, પરંતુ તેને હિંસાનું રૂપ લેવું પડ્યું તે જોઈને મને ખૂબ જ દુઃખ થયું છે. આ હિંસક ઘટનાઓથી પ્રભાવિત થયેલા તમામ વિદ્યાર્થીઓ અને તેમના પરિવારજનો પ્રત્યે મારી પૂરી સંવેદના છે. પેપર લીક થવો એ અતિ ગંભીર વિષય છે અને મને એ જોઈને ખુશી થાય છે કે આપણા દેશના બાળકો એક બહેતર શિક્ષણ વ્યવસ્થા માટે એકજૂથ થયા છે અને તેમના માતાપિતાએ પણ તેમને પૂરો સાથ આપ્યો છે.
It was such a peaceful movement, feel so sad that it had to take a violent turn. My heart goes out to the students and their families who were hurt. Paper leak is a very serious issue, and I am glad to know n see that the kids of our country have come together for a better…
— Salman Khan (@BeingSalmanKhan) July 22, 2026
‘આ પ્રેરણાદાયી પેઢી ભારતનું નામ રોશન કરશે’
સલમાન ખાને આગળ ઉમેર્યું કે, હું વિદ્યાર્થીઓ દ્વારા ઉઠાવાયેલા આ પગલાની ખરા દિલથી પ્રશંસા કરું છું. તેમનું આ કદમ સમર્પણ, ઈમાનદારી અને કઠોર મહેનતથી અભ્યાસ કરીને ઉજ્જવળ ભવિષ્ય તથા સશક્ત, શિક્ષિત ભારત બનાવવાની લગન દર્શાવે છે. આ આંદોલન અને વિરોધ પ્રદર્શન બિલકુલ યોગ્ય માર્ગ છે અને વિદ્યાર્થીઓએ તેને અત્યાર સુધી શાંતિપૂર્ણ રીતે ચલાવ્યું છે. આ પેઢી કેટલી સાહસિક અને ભયમુક્ત છે! શિક્ષણ પ્રત્યે પ્રેરિત આ પેઢી ભવિષ્યમાં ભારતને ગૌરવાન્વિત કરશે.
આંદોલનનું રાજકારણ ન થાય અને ભારત એજ્યુકેશન હબ બને
પોતાની પોસ્ટમાં સલમાન ખાને ભારપૂર્વક કહ્યું કે આ વિષય માત્ર વિદ્યાર્થીઓ અને શિક્ષણ પ્રણાલી વચ્ચેનો છે, તેથી તેનું રાજકીય હાઈજેકિંગ થવું જોઈએ નહીં. આ આંદોલનની સફળતાનો સંપૂર્ણ શ્રેય માત્ર દેશના યુવાનોને જાય છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે સરકાર પણ વિદ્યાર્થીઓને પૂરો સહયોગ આપશે અને શિક્ષણ વ્યવસ્થાને વધુ મજબૂત બનાવશે.
વિશેષરૂપે સલમાન ખાને એક અનોખી ઈચ્છા વ્યક્ત કરતા લખ્યું હતું કે, શિક્ષણ દેશનો નવો ટ્રેન્ડ અને ફેશન બનવું જોઈએ. વર્ષાનુવર્ષ શિક્ષણ એટલું ટ્રેન્ડી અને ફેશનેબલ બનવું જોઈએ કે વિદેશથી લોકો ભારતમાં ભણવા આવે અને આપણો દેશ વિશ્વમાં એક મોટું શૈક્ષણિક કેન્દ્ર (Educational Hub) બની જાય. હાલમાં સોશિયલ મીડિયા પર તમામ ફેન્સ અને યુઝર્સ સલમાન ખાનની આ પોસ્ટ પર પોતાની સકારાત્મક પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.




