Home Blog Page 1107

HOF દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી

અમદાવાદ: સ્ટાઇલિશ અને પ્રીમિયમ ઘર અને ઓફિસ ફર્નિચરના અગ્રણી ઉત્પાદક HOF ફર્નિચર સિસ્ટમ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી, જેમાં ડિઝાઇન અને આર્કિટેક્ચરમાં મહિલા ઉદ્યોગસાહસિકો, ડિઝાઇનર્સ અને લિડર્સ શામેલ થયા હતા.

આ કાર્યક્રમમાં વ્યવસાયમાં મહિલાઓની ભૂમિકાને સમર્થન આપતા અને દરેક ઉદ્યોગમાં અવરોધો તોડનારા વ્યાવસાયિકોને એકત્ર કરવામાં આવ્યા હતા. આર્કિટેક્ટ અને ડિઝાઇનર ઉર્વી શેઠ દ્વારા સંચાલિત પેનલમાં પી.ઇન સ્ટુડિયોના સ્થાપક અને ક્રિએટિવ ડિરેક્ટર પલક વસંત, સ્ટુડિયો પેટર્નમેકરના સ્થાપક અને ક્રિએટિવ ડિરેક્ટર પાર્થવી પટેલ, ધુલિયા આર્કિટેક્ચર ડિઝાઇનના સ્થાપક અને પ્રિન્સિપલ આર્કિટેક્ટ કોમલ ધુલિયા અને ધ એઆરટી કન્ટેનરના સ્થાપક રવિના પંચાલ જોડાયા હતા.

આ પ્રસંગે બોલતા, HOF ફર્નિચર એન્ડ મોરના ડિરેક્ટર ધ્રુવિન પટેલે જણાવ્યું હતું કે, “HOF ખાતે, અમે સમાવેશીતાને પ્રોત્સાહન આપવા અને મહિલાઓના વિકાસ સાથે સશક્તિકરણ કરવામાં માનીએ છીએ. આ ડિઝાઇનર્સ અને વ્યાવસાયિકોને આમંત્રિત કરવાનો વિચાર તેમની સફળતા દર્શાવવાનો, તેમની સિદ્ધિઓને ઓળખવાનો અને મહિલા ડિઝાઇનર્સની આગામી પેઢીને પ્રેરણા આપવાનો હતો. અમે એવી વાતચીત અને પહેલને સમર્થન આપવા માટે પ્રતિબદ્ધ છીએ જે મહિલાઓને તેમની ક્ષમતા દર્શાવવા અને વધુ વૈવિધ્યસભર અને સમાન ઉદ્યોગમાં યોગદાન આપવા માટે એક પ્લેટફોર્મ આપે છે.” પેનલિસ્ટોએ વિવિધ ઉદ્યોગોમાં મહિલાઓ અને વ્યવસાયમાં તેમના માર્ગ પર આગળ વધવા વિશે તેમની આંતરદૃષ્ટિ શેર કરી, ડિઝાઇન અને સ્થાપત્યના વિકસતા ક્ષેત્ર અને તેના ભવિષ્યને ઘડવામાં મહિલાઓના વધતા પ્રભાવ પર પ્રકાશ પાડ્યો.

પંચકુલામાં એરફોર્સનું જગુઆર ફાઇટર જેટ ક્રેશ

નવી દિલ્હીઃ પંચકુલાની મોરની વિસ્તાર વિસ્તારમાં એક ફાઇટર જેટ ક્રેશ થયું છે. બાદલવાલા ગામની નજીક ફાઇટર જેટ તૂટી પડ્યું હતું. એનાથી ગામમાં ડરનો માહોલ ઊભો થયો હતો. જોકે ફાઇટર જેટ તૂટી પડવાથી રાઇલટ પેરાશૂટ દ્વારા છલાંગ લગાવી દીધી હતી. જેથી પાઇલટનો જીવ બચી ગયો હતો.

ગ્રામજનોના જણાવ્યા અનુસાર ફાઈટર જેટનો પાયલોટ દુર્ઘટના બનતાં તુરંત જ પેરાશૂટની મદદથી સુરક્ષિત લેન્ડ થયો હતો. આ ઘટનાની જાણકારી મળતાં જ પોલીસ ટીમ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી હતી. આ દુર્ઘટનામાં તપાસ માટે નિષ્ણાતોની ટીમને પણ નિરીક્ષણ કરવા ઘટના સ્થળે મોકલવામાં આવી હતી.

આ દુર્ઘટના એટલી ભયાવહ હતી, તેનો અંદાજ વિમાનની હાલત જોઈને જ લગાવી શકાય છે. જેટ ક્રેશ થતાં જ ચારે બાજુ તેના નાના ટુકડાઓ વિખેરાઈ ગયા હતા. જેગુઆર ફાઈટર જેટ નિયમિત ધોરણે ટ્રેનિંગના ભાગરૂપે ઉડાન ભરે છે. તે દરમિયાન આજે અંબાલામાં ટેક્નિકલ ખામી સર્જાતાં દુર્ઘટના બની હતી. પાઇલટ વિમાનમાંથી સુરક્ષિત બહાર નીકળવામાં સફળ થયો હતો. પાઇલટે સુરક્ષિત બહાર નીકળતાં પહેલાં જ જેટને વસ્તીથી દૂર લઈ જવામાં સફળ રહ્યો હતો.

વાયુ સેનાએ આ અંગે સોશિયલ મીડિયા X પર માહિતી આપી હતી. એરફોર્સે જણાવ્યું હતું કે  ભારતીય વાયુસેનાનું એક જેગુઆર જેટ ટેક્નિકલ ખામીને કારણે ક્રેશ થયું હતું. આ ઘટના પાછળનું સત્ય જાળવા માટે વાયુ સેનાએ તપાસના આદેશ આપ્યા છે તેમ જ સ્પેશિયલ ટીમને નિરિક્ષણ કરવા પણ મોકલી છે. આ તપાસ પાછળનો ઉદ્દેશ ભવિષ્યમાં પણ આ પ્રકારની ઘટના ન ઘટે તે છે. આ પરિસ્થિતિમાં અફવાઓ પર ધ્યાન ન આપવા પણ સલાહ આપી છે.

ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી

ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે બેદિવસીય ઉષા પર્વનું આયોજન કરેલ છે. પ્રથમ દિવસે ઉદગમ દ્વારા ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના આર્થિક સહયોગથી તારીખ છઠ્ઠી માર્ચ 2025 ના રોજ આંબેડકર હોલ, સેક્ટર-૧૨, ગાંધીનગર ખાતે ઉષા પર્વ- ઉદ્દગમ સુરોત્સવ આયોજન કરવામાં આવ્યું.
ઉદગમના મેનેજીંગ ટ્રસ્ટી ડો.મયુર જોષીએ ઉષા પર્વ ઉદગમ સુરોત્સવમાં સહુને ઉદ્દગમના મહિલાલક્ષી કાર્યોની માહિતી આપીને પધારેલ સહુનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. મુખ્ય મેહમાન ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટાબેન પટેલ, અતિથિ વિશેષ ગાંધીનગર મહાનગરપાલિકાના મહિલા અને બાળ કલ્યાણ સમિતિના ચેરમેન હેમાબેન ભટ્ટ, સમાજ સેવી આશાબેન સરવૈયા, ડો. મયુર જોષી વગેરેએ દીપ પ્રાગટ્ય કર્યું હતું.

ઉદ્દગમ સુરોત્સવમાં ગાંધીનગરના સ્થાનિક મહિલા કલાકારો દ્વારા મહિલાના જન્મ થી વૃદ્ધાવસ્થા સુધીના વિવિધ ગુજરાતી ગીતો પારુલ મહેતા, હેતલ ભટ્ટી, આરતી ભટ્ટ, પલ્લવી પટેલ, ધ્રુવી વખારીયા, હિમાદ્રી ત્રિવેદી, ભાવનાબેન જોબનપુત્રા, નીતા ભટ્ટ, નીલીમા શાહ, ક્રિના સુતરીયા, હેતલ ઓઝા, ધારિણી દેસાઈ, અંજના શાહ, ભૌમિક પંડયા, માડી તારુ કંકુ ખર્યું, ઉગ્યો રે ધબકારો ખમ્મા, કાળજાના કટકાને પોઢાડુ પારણે, લાડકી રે, તું હસાવે તો રડાવે, દીકરી મારી લાડકવાયી લક્ષ્મીનો અવતાર, કોણ હલાવે લીમડી કોણ ઝુલાવે, એવો રે વરસાદ ક્યાંથી લાવવો, ગોરમાને પાંચે આંગળીએ, પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા, સાયબો મારો ગુલાબનો છોડ પલ્લવી, પાટણથી પટોળા મોંઘા લાવજો, ભીંતે ચિત્રેલ રૂડા ગરબા ગણપતિ, કાળજા કેરો કટકો મારો, કુંચી આપો બાઈજી, સપના વિનાની આખી રાત, મારા હૈયાના ઝાડવાની, ઝીણા ઝીણા આંકે થી અમને, ચારણ કન્યાગાઈને શ્રોતાઓને મંત્રમુગ્ધ કરીને રસતરબોળ કરી દીધા હતા. ઉદ્દગમ શબ્દ સુરોત્સવમાં સંજયભાઈ થોરાટ, ઇલાબેન જોશી, મનીષાબેન ત્રિપાઠી, ચાણક્ય અને દિક્ષિતા જોષી, મનોજભાઈ જોષી,વાગ્મી જોષી, વગેરે હાજર રહ્યા હતા.

Opinion: સરકારી સિસ્ટમને ફૂલપ્રૂફ કરવા શું કરવું જોઈએ?

સરકારી સુવિધાઓને સુઘડ બનાવવા માટે તેમજ અનેક સુવિધાઓનો લાભ સામાન્ય લોકો સુધી પહોંચાડવા માટે હંમેશા સરકારો પ્રયત્નશીલ હોય છે. જેમાં મુખ્ય સૂત્રધાર તરીકે કાર્યરત હોય છે, સરકારી અધિકારીઓ. આવા પ્રજાની સેવા માટે તત્પર અધિકારીઓને શોધવા માટે સરકાર દ્વારા વિવિધ વિભાગોમાં ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. યોગ્ય ઉમેદવારો મળે તે માટે ટક્કોરા મારતી પરીક્ષાઓનું આયોજન થાય છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી નકલીનો ખેલ શરૂ થયો છે. સરકારી પરીક્ષાના નકલી સર્ટિફિકેટ બનાવી, સરકારની આંખમાં ધૂળ નાખીને વગર મહેનતે કેટલાંક લોકો ઉચ્ચ સરકારી હોદ્દાઓ પર બેસી જાય છે. નકલીના મુખોટા પહેરી સરકાર અને યોગ્ય ઉમદેવારો સાથે ચેડાં થઈ રહ્યા છે. આવા લોકો સરકારના જ નિયોમોમાં છીંડું ગોતી, સરકારી તિજોરી પર હાથ સાફ કરવાની સાથે લોકોની વાહવાહી લેતા હોય છે. બીજી તરફ એવાં લાકો યુવાનો છે, જે સરકારી નોકરી મેળવવા માટે દિવસ-રાત વર્ષોથી મહેતન કરી રહ્યા છે.

ત્યારે પ્રશ્ન એ થાય છે કે, આવા લોકોને અટકાવવા શું કરવું જોઈએ? આ અત્યારના સમયનો એક મોટો પ્રશ્ન અને પડકાર પણ છે. આ મુદ્દે અલગ-અલગ વર્ગનો શું અભિપ્રાય છે.

અમિત પંચાલ, પ્રેસિડન્ટ, વાલી સ્વરાજ મંચ

છેલ્લા 70 વર્ષમાં પહેલી વખત આવું જોવા મળ્યું કે, કોર્ટ નકલી, Dysp નકલી, કચેરીઓ નકલી હોય છે. છેલ્લા બે વર્ષમાં એવાં-એવાં કિસ્સાઓ સામે આવ્યા છે કે આપણને થાય કે ખરેખર લોકો આવું પણ વિચારી પણ શકે છે અને કરી પણ શકે છે. એટલે સિસ્ટમમાં ક્યાંકને ક્યાંક લૂ ફોલ્ટ તો છે. મારા મત પ્રમાણે કાયદા તો સારા છે પણ તેનું અમલીકરણ બરાબર રીતે થઈ રહ્યું નથી. આજે ગુજરાતમાં ચોરી થાય છે, દારૂ વેચાય છે, પણ આવા ગુનેગારોને પકડવા પોલીસ પ્રોએક્ટિવલી કામ નથી કરતી. કોઈ પણ ડિપાર્ટમેન્ટ હોય, તેમાં કામચોરીનું દુષણ આવ્યા પછી આવા ગુનામાં વધારો થયો છે. છેતરપિંડી કરનારા લોકો પહેલા લૂ ફોલ્ટ ગોતે છે. જ્યાંથી સિસ્ટમ બરાબર કામ ન કરતી હોય ત્યાંથી તે લોકો અંદર આવવાનો વિચાર કરશે. આવા લોકોને પકડાવાનો ડર હોવા છતા, જેટલાં દિવસ ફાયદો મળે તેટલા દિવસ ફાયદો લઈ લેવાના ઈરાદે સિસ્ટમમાં ઘૂસણખોરી કરતા હોય છે. કથળતું શિક્ષણ પણ ક્યાંકને ક્યાંક આવું થવાનું જવાબદાર બની શકે. આવક ઊભી કરવાની લાલચે પણ ઘણા યુવાનો આવું કરવા માટે પ્રેરાય છે.

યુવરાજસિંહ જાડેજા, વિદ્યાર્થી નેતા

નિશાબેન વોહરાએ જાહેર મંચો અને સમાજમાં પ્રસિદ્ધિ મેળવવા માટે ખોટા સર્ટિફિકેટ ઉભા કર્યા હતા. તેમને ઘણી જગ્યાએથી પ્રોત્સાહન પણ મળ્યું હતું. આ એમને જ ઊભુ કરેલું એક ડિંડક હતું. અત્યારના સમયમાં એક ઓરા ક્રિયેટ કરવામાં આવ્યો છે કે, જો તમારી પાસે સફળતા છે તો જ તમે ખુબસુરત છો. એટલા માટે પોતાની પાછળ એક સારુ ટેગ લગાડવા માટે, પોતાની સફળતા દર્શાવવા માટે લોકો શોર્ટ કટનો રસ્તો અપનાવે છે. આવું થવા પાછળ બધા લોકો જવાબદાર છે, પછી ભલે તે સિસ્ટમ હોય, સરકાર હોય કે, સોશિયલ મીડિયા હોય. જ્યારે એક વ્યક્તિ ધારાસભ્ય સહિત મુખ્યમંત્રી સાથે શુભેચ્છા ભેટ કરે છે, ત્યાં સુધીના કોઈ પણ ફિલ્ટરમાં કેમ પકડાતું નથી. આપણી પાસે આટલી બધી એજન્સીઓ છે, તેમના સુધી પણ આવા કોઈ પણ છમકલાની ખબર સુધા કેમ પહોંચતી નથી. જ્યારે જાહેર જગ્યા પર મુદ્દો ઉશ્કેરાય છે ત્યારે તેના પર એક્શન લેવાય છે. માનમોભા માટે ગુજરાતનો યુવાન ખોટું બોલતા શીખી રહ્યો છે. જ્યારે આવી વાતો બહાર આવવાની શરૂઆત થઈ ત્યારે કઈ દાખલો બેસાડ્યો હોત તો, બીજા લોકો આવું કરતા ડરતા. જે છેલ્લે ઘટના બની તે બેને પ્રસિદ્ધિ મેળવવા માટે આ બધું કર્યું હતું. આજ-કાલ લોકો પ્રસિદ્ધિ માટે સોશિયલ મીડિયાનો દૂરોપયોગ કરી રહ્યા છે. લોકો જો સોશિયલ મીડિયાનો સાચો ઉપયોગ કરે તો પણ આવું થતા અટકી શકે.

હરિઓમ ગોહિલ, સુપરવાઈઝર ઇન્સ્ટ્રક્ટર, ઔદ્યોગિક તાલીમ સંસ્થા, સાયલા

હું માનું છું કે નકલી પ્રવૃત્તિઓને રોકવા માટે શિક્ષણ અને જાગૃતિ સૌથી શક્તિશાળી હથિયાર છે. નકલી દસ્તાવેજો, ઑનલાઈન ફ્રોડ અને અન્ય છેતરપિંડી સામે લડવા માટે આપણે વિદ્યાર્થીઓમાં નૈતિકતા અને પ્રામાણિકતાની ભાવના વિકસાવવી જોઈએ. કોઈ પણ પરીક્ષામાં નૈતિક શિક્ષણ અને ડિજિટલ સેફ્ટીનો સમાવેશ કરવો જોઈએ, જેથી લોકોને નકલી અને સત્ય વચ્ચેનો તફાવત સમજાવી શકાય. સાહિત્ય ચોરી અને ભ્રષ્ટાચારમાં સંડોવાય નહીં તે માટે પરીક્ષા નીતિઓમાં કડક નીતિઓ લાગુ કરવી જોઈએ. સાથે-સાથે, ટેક્નોલોજીનો યોગ્ય ઉપયોગ કરીને સુરક્ષા વ્યવસ્થાઓ મજબૂત કરવી જોઈએ, જેથી કોઈપણ નકલી પ્રવૃત્તિ ઝડપાઈ શકે.

બારૈયા રાહુલ ભરતભાઈ, વિદ્યાર્થી, અમદાવાદ 

સરકારી જગ્યા પર નકલી દસ્તાવેજો બનાવી બેસવું ખરેખર અયોગ્ય વાત છે. કેમકે આ ખોટા લોકો જો નકલી દસ્તાવેજો બનાવી નામના બનાવશે અને પ્રોત્સહનો મેળવશે તો, જે યોગ્ય લોકો હશે તમના માટે એક ખોટું ઉદાહરણ બની બહાર આવશે. સરકારે એવા કાયદા બનાવા જોઈએ કે જેથી કરી લોકો આવી પ્રવૃતિ ન કરે. આ પ્રકારની નકલી પ્રવૃત્તિઓ (Fake Documents, Plagiarism, Online Fraud) એક ગંભીર સમસ્યા છે, જે સમાજ અને ભવિષ્ય માટે ખતરનાક સાબિત થઈ શકે છે. દરેક વિદ્યાર્થીએ પ્રામાણિકતા અને કાયદાની સૂચનાઓનું પાલન કરવું જોઈએ. કોઈપણ નકલી દસ્તાવેજ કે છેતરપિંડીયુક્ત પ્રવૃત્તિમાં ભાગ ન લેવા સાથે, જો તમને આવા કિસ્સાઓ જોવા મળે તો તેને ઉજાગર કરવા જોઈએ. એક જવાબદાર નાગરિક અને ભવિષ્યના લીડર તરીકે, તમારું ધ્યેય ન માત્ર શૈક્ષણિક સિદ્ધિ મેળવવાનું હોવું જોઈએ, પણ સમાજમાં ઈમાનદારી અને સત્યતા જાળવવી રાખવાનું પણ હોવું જોઈએ.

(તેજસ રાજપરા, અમદાવાદ)

મુંબઈ: મહાગ્રંથ રાગોપનિષદના ઉદ્ધાટન સાથે સંગીત સંધ્યાનું આયોજન

મુંબઈ: પ્રાચીન જૈન ભક્તિ સંગીતમાં શાસ્ત્રીય રાગો આધારીત મહાગ્રંથ રાગોપનિષદના ઉદ્ધાટન સાથે મુંબઈમાં 8 માર્ચે એટલે કે આવતી કાલે એક યાદગાર સંગીત સંધ્યાનું આયોજન થઈ રહ્યું છે, જે પ્રાચીન પરંપરાઓ અને સમકાલીન કલાત્મકતાનું સુમેળભર્યું મિશ્રણ કરે છે. રાગોપનિષદ નામની આ શ્રેષ્ઠ કૃતિને આર્ષદષ્ટા જૈન આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયતીર્થભદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબ દ્વારા તૈયાર કરાવવામાં આવી છે, જે સદીઓ જૂની ભક્તિ ગીતોની હસ્તપ્રતોમાંથી પ્રાપ્ત ભારતીય શાસ્ત્રીય સંગીતમાં ગહન આંતરદૃષ્ટિ પ્રદાન કરે છે.

આવતી કાલે એટલે કે 8 માર્ચના રોજ ગોરેગાંવ પશ્ચિમ ખાતે ઉદ્ધાટન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ હાજરી આપશે. તદુપરાંત આ કાર્યક્રમમાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી ઉપરાંત વર્તમાન ગૃહ નાયબ મંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહેશે.

આ સંગીતમય પ્રયાસ માટે વિખ્યાત સંગીતકાર સ્વરાધીશ ડૉ. ભરત બલવલ્લીએ જહેમત ઉઠાવીછે, જે હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતના એક પ્રતિષ્ઠિત વ્યક્તિ છે. ગ્વાલિયર ઘરાનાના આદરણીય પંડિત યશવંત બુવા જોશીના માર્ગદર્શન હેઠળ તાલીમ પામેલા ડૉ. બલવલ્લીની કલાત્મકતામાં તાર શહેનાઈની યાદ અપાવતી પ્રવાહીતા અને અભિવ્યક્તિને સમાવેશ થાય છે. પરંપરાગત સ્વરૂપોના સંરક્ષણ અને પુનર્જીવિતકરણ પ્રત્યેનું તેમનું અતૂટ સમર્પણ રાગોપનિષદને ફળદાયી બનાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. રાગોપનિષદ ભારતીય સંગીતમાં એક અમૂલ્ય રત્ન છે, જે 500 વર્ષ પહેલાં વિદ્વાન જૈન સાધુઓ દ્વારા લખાયેલ અને સાચવેલ એક ગહન ગ્રંથ છે. આ પવિત્ર ગ્રંથ આધ્યાત્મિકતા અને શાસ્ત્રીય સંગીત વચ્ચેના ઊંડા જોડાણને પ્રકાશિત કરે છે, જે દર્શાવે છે કે રાગરાગિણી જ્ઞાન અને આંતરિક વિકાસના માધ્યમ તરીકે કેવી રીતે કામ કરે છે. જૈન સાધુઓની રચનાઓમાં મૂળ ધરાવતું રાગોપનિષદ ભારતીય સંગીતની દુનિયામાં એક સાંસ્કૃતિક ખજાના તરીકે ઊભું છે.

રાગોપનિષદ પુસ્તકની વાત કરીએ તો તેમાં હસ્તલિખિત હસ્તપ્રતોમાંથી 126 ખોવાયેલા રાગનું પુનરુત્થાન, 38 રાગ માળા, 958 શ્લોકોમાં વણાયેલા 90 થી વધુ મોહક રાગ, 150+ પ્રાચીન સંગીતનાં સાધનોનાં ચિત્રો અને વર્ણન અને 90 પ્રાચીન, ઉત્કૃષ્ટ, હસ્તકલાવાળા રાગ ચિત્રોનો સમાવેશ થાય છે. રાગોપનિષદનું સંગીત સીમાઓ પાર કરે છે, જે સર્વાંગીણ ઉપચાર અને આધ્યાત્મિક જાગૃતિમાં ગહન પ્રવાસ પ્રદાન કરે છે.

લોકાર્પણ પછી ઉપસ્થિતોને વ્યક્તિગત પેન ડ્રાઈવ પર ડિજિટલ સંગીત સંસ્કરણો સાથે, હિન્દી અને અંગ્રેજીમાં રાગોપનિષદ પુસ્તકનું વેચાણ કરવામાં આવશે.

રાગોપનિષદ સંગીતમય આલ્બમમાં ભારતના સૌથી પ્રતિષ્ઠિત શાસ્ત્રીય ગાયકોને દ્વારા રજૂ કરવામાં આવ્યા છે, જેમાં ઉસ્તાદ રાશિદ ખાન, પંડિત ઉલ્હાસ કાશલકર, સુરેશ વાડકર, સોનુ નિગમ, શંકર મહાદેવન, જસપિંદર નરુલા, જાવેદ અલી, કૌશિકી ચક્રવર્તી, ડૉ. અશ્વિની ભીડે, પંડિત વેંકટેશ કુમાર, પંડિત શૌનક અભિષેકી, પંડિત રઘુનંદન પાંશીકર, પંડિત રામ દેશપાંડે, ઓસ્માન મીર, ફાલ્ગુની પાઠક, રાહુલ દેશપાંડે, દેવકી પંડિત, પંડિત જયતીર્થ મેવુન્દી, આરતી અંકલીકર, પંડિત આનંદ ભાટે અને પંડિત સંજીવ અભ્યંકરનો સમાવેશ થાય છે.આ આલ્બમનું રેકોર્ડિંગ યશ રાજ સ્ટુડિયોમાં કરવામાં આવ્યું છે.

આ ઉદ્ઘાટન કાર્યક્રમ 8 માર્ચ, 2025 ના રોજ સાંજે 5:30 વાગ્યે, લક્ષ્મી સરસ્વતી ગ્રાઉન્ડ, ઈન ઓર્બિટ મોલની બાજુમાં, બાંગુર નગર, ગોરેગાંવ પશ્ચિમ, મુંબઈ ખાતે યોજાશે. કાર્યક્રમમાં પ્રવેશ નિશુલ્કછે અને ઈચ્છુક દરેક સંગીતપ્રેમી આ કાર્યક્રમમાં ભાગ લઈ શકે છે.

 

જે પણ કર્યું આના માટે જ કર્યું…

દરેક બાબત કેવી હોવી જોઈએ અથવા તે તેવી જ હોવી જોઈએ તે માટેએ આગ્રહી રહેતો અથવા તેનો અટ્ટહાસ એટલો ચરમસીમાએ રહેતો કે તેની સ્ટોરીઝ આજે પણ ચગળવામાં આવે છે. અગિયાર વર્ષ પૂર્વે વીણા વર્લ્ડ શરૂ થયું ત્યારે અમે પ્રથમ ભારતની મુલાકાત લીધી. તે જાણે અમારી ભારત જોડો યાત્રા જ હતી. આ પછી દુનિયાની સફર પર મેં કૂચ કર્યું.વીણા વર્લ્ડના નવા કોરા નજરિયાથી દુનિયા જોવાની હતી. મારી પહેલી સફર યુ.એસ.એ.ની પંદર દિવસની ઈસ્ટ ટુ વેસ્ટ ટુર હતી. શિલ્પા મોરે હવે વીણા વર્લ્ડની જનરલ મેનેજર છે તે પણ સંગાથે હતી અને અમારો ટુર મેનેજર દિનેશ બાંદિવડેકર હતો. ટુર મેનેજર તરીકે ટુર કરવાના અમારા દિવસ પૂરા થઈ ગયા હતા અને જરૂર પણ નહોતી. કારણ કે અમારા કરતાં વધુ સારી ટુર્સ કરનારા ટુર મેનેજર્સની મોટી ફોજ ઊભી થઈ ચૂકી હતી. છેલ્લાં અગિયાર વર્ષમાં અમે અલગ-અલગ નવી ટુર્સ સેટ કરવા માટે પોતે બહુ પ્રવાસ કર્યો તેમજ વીણા વર્લ્ડની ટુર્સ સાથે પણ પ્રવાસ કર્યો. કારણ કે ટુર્સ ગમે તેટલી સારી રીતે નિયોજન કરવામાં આવે તો પણ તેનો અમલ વ્યવસ્થિત રીતે થાય છે કે નહીં તે જોવું જ પડે છે. આપણને અને પર્યટકોને જોઈએ તે રીતે ટુર થાય છે કે નહીં તે પર્યટક તરીકે તેમના નજરિયાથી જોવાનું મહત્ત્વનું છે. આ વર્ષે પણ અમે વીણા વર્લ્ડની અમુક ટુર્સ સાથે જઈ રહ્યાં છીએ. હવે તો અમે સિનિયર સિટીઝન્સ થઈ જવાથી અમારી પાસે ટુર્સ જોવાનો નજરિયો બદલાયો છે. આ વીણા વર્લ્ડ બધુ જ `અંડર ઓબ્ઝર્વેશન’ કરે છે.

તો અમે તે યુ.એસ.એ. ટુરમાં ન્યૂયોર્કથી શરૂઆત કરી. પહેલું સાઈટસીઈંગ સ્ટેચ્યુ ઓફ લિબર્ટી હતું. ત્યાં જનારા ગમે તેની `આંખો અંજાયા’ વિના રહેતી નથી. અમે બધા સહ-પ્રવાસી એકબીજાના ફોટો પાડવામાં મગ્ન હતાં. મેં એક બહેનને અમસ્તાજ પૂછ્યું, `કેમ, કેવું લાગે છે?’ તો તે એકદમ રડવા લાગી. હું પણ મૂંઝાઈ ગઈ. તેની પાસે બેઠી અને પૂછ્યું તો કહ્યું, `જીવનની સૌથી મોટી ઈચ્છા આજે પૂરી થઈ. આ માટે જ પૈસા જમા કર્યા હતા. આજે વિશ્વાસ બેસતો નથી કે હું ખરેખર સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની સામે ઊભી છું. આ માટે જ કર્યો હતો અટ્ટહાસ. તે ખુશીના આંસુ હતા અને પૂર્ણતાનો અટ્ટહાસ હતો. મારા પર્યટન જીવનમાં પંદર વર્ષ મેં ટુર મેનેજરશિપ કરી. ટુરિસ્ટ તરીકે વિદેશમાં ટુરિસ્ટ કંપનીઓ સાથે ટુર્સ પણ કરી અને આ અવિરત દુનિયાની ભ્રમંતીમાં `આ માટે જ કર્યો હતો અટ્ટહાસ’ એ વાક્ય મેં અનેક વાર કાને સાંભળ્યું છે અને આંખોથી જોયું છે. ઘણી વાર હું આવા સમયે `ઓબ્ઝર્વેશન મોડ’માં ચાલી જાઉં છું. પર્યટકો તેમની તે સ્વપ્નપૂર્તિના એકાદ વર્લ્ડ વંડર તરફ જોતા હોય છે અને હું તેમને અજાણતા તેમની તે ખુશી તરફ જોતી હોઉં છું. નાયગારા ફોલ્સ, આયફેલ ટાવર, તાજમહાલ જોતી વખતે લોકોની આંખોમાંથી આપો-આપ ખુશીનાં આંસુ સરી પડતા મેં જોયા છે. આવાં અનેક ઠેકાણે હું પહેલી વાર ગઈ ત્યારે મારી પણ સ્થિતિ આવી જ થઈ જતી અથવા થઈ જાય છે. દુનિયાના એકાદ ટોચ પર ગયા પછી જે સુકૂન મળે છે તે અતુલનીય હોય છે.

આપણું કેપ કેમોરિન, આફ્રિકાનું કેપ ઓફ ગૂડ હોપ, ઓસ્ટ્રેલિયાનું કેપ લેઉવિન, સાઉથ અમેરિકાનું ચિલીમાંનું કેપ હોર્ન, પોર્ટુગલનું કેપ સાગે્રસ, નોર્થ પોલ તરફ જોતું નોર્થ કેપ…આવાં શહેરો અથવા અનેક રહી ગયેલા પોઈન્ટ્સ જોવાની ઈચ્છા મનમાં પ્રબળ બને છે. મારો હવે પછીનો અટ્ટહાસ કદાચ તે માટે જ હશે.    `અટ્ટહાસ’ સારો કે ખરાબ? અટ્ટહાસ કરવો કે નહીં કરવો જોઈએ. સંત તુકારામ મહારાજે રચેલા અને પંડિત ભીમસેન જોશીના અવાજમાં `યાજસાઠી કેલા હોતા અટ્ટહાસ। શેવટચા દિસગોડ વ્હાવા॥’ આ અભંગ તો સ્વર્ગ સુખનો આનંદ આપે છે. જો કે તે છતાં ઘરમાં કાર્યાલયમાં ફ્રેન્ડ્સ વચ્ચે `આપણે એકાદ બાબતમાં તારો આટલો અટ્ટહાસ શા માટે?’ એવું પૂછીએ છીએ. ઘણી વાર આ શબ્દ હટવાદ તરફ લઈ જનારો લાગે છે અથવા તેનો ઉપયોગ આપણે એડેમન્સી, સ્ટબર્નનેસ બતાવનારા માટે કરીએ છીએ. હવે જુઓ ને, ઘરમાં માતા-પિતાએ છોકરા-છોકરીઓને તેમને શું જોઈએ તે ધ્યાનમાં નહીં લેતાં પોતાની ઈચ્છા તેમને માથે મારી અને તે પ્રમાણે છોકરાઓએ વર્તવાનું શરૂ કર્યું તો તે હટવાદ થયો કે અટ્ટહાસ, મને અથવા અમને જે જોઈએ તેવું અન્યોએ કરવું જોઈએ અથવા વર્તવું જોઈએ એ રીતે. એટલે કે જો છોકરાઓને જે કરવાનું છે, જેમાં તેમને ગતિ છે, જે તેઓ ઉત્કૃષ્ટ રીતે કરી શકે છે તે જાણી લઈને તેમના ઉત્કર્ષ માટે ઘરનું વાતાવરણ પોષક કર્યું અને છોકરાઓ જો આખરે તે બાબત અચિવ કરે તો સપનું સાકાર થયું, તો તે સ્વપ્નપૂર્તિના દિવસે આપણે બધા મળીને કહીશું, `આ માટે જ કર્યો હતો અટ્ટહાસ.’

શબ્દ તે જ પણ ભાવનામાં જમીન આસમાનનો ફરક છે. અર્થાત છોકરાઓને જે દિશા સમજાતી નહીં હોય અથવા મળતી નહીં હોય તો પછી ત્યાં યોગ્ય માર્ગ બતાવવા માટે માતા-પિતા અટ્ટહાસ કરે તો તે જરૂરી અટ્ટહાસ કહેવાય. વ્યવસાયમાં કાર્યાલયમાં આ જ બાબત અલગ અર્થમાં પણ દેખાય છે. જે લીડર હોય છે, એટલે કે, સારો દૂરદર્શી લીડર, તેને ક્યારેક ક્યારેક વિટો પાવરનો ઉપયોગ કરવો પડે છે. કારણ કે અંતિમ રિઝલ્ટ તેને દેખાતું હોય છે અથવા ખબર હોય છે. મને સ્ટીવ જોબ્સની વાત યાદ આવી. દરેક બાબત કેવી હોવી જોઈએ અથવા તે તેવી જ હોવી જોઈએ તે માટે તે આગ્રહી રહેતા અથવા તેનો અટ્ટહાસ એટલી ચરમસીમાએ પહોંચતો કે તેની સ્ટોરીઝ આજે પણ ચગળવામાં આવે છે. જો કે તેનો તે જ અટ્ટહાસ એવી કાંઈક નિર્મિતી કરી ગયો કે આજે કોઈ પણ તે ક્રિયેશનને માત આપી શકતા નથી. ડિટેઈલિંગ, પ્રિસિશન, ડિઝાઈન, ડિસન્સી, એલીગન્સનો માપદંડ જાણે એપલે સ્થાપિત કર્યો છે. સ્ટીવ જોબ્સના અતિ અટ્ટહાસને હું ક્નસ્ટ્રક્ટિવ અટ્ટહાસ કહીશ, જે અનેક ઠેકાણે જરૂરી હોય છે. માણસો અને ઓર્ગેનાઈઝેશન પ્રમાણે સમાજ પણ એડેમન્ટ અથવા અટ્ટહાસી હોય છે.

અગાઉ લગ્ન થયાં પછી છોકરીનું નામ બદલવાની પ્રથા હતી તે જાણતા જ હશો. તે શા માટે હતી એ હજુ મને સમજાયું નથી. મને તો અટક પણ બદલવી નહોતી, પરંતુ તે સમયે સામાજિક ચોકટ તેટલી મોકળી નહોતી. તો પછી હું મનમાં પ્રાર્થના કરતી કે મને પાટીલ અટકવાળો જ પતિદેવ મળે. ભગવાન મનોમન કરેલી પ્રાર્થના સાંભળે છે તે પ્રમાણે મારી ઈચ્છા પૂર્ણ થઈ અને સુધીર પાટીલને લીધે મારું સાસરું અને પિયરની અટક પાટીલ જ રહી. હવે સારું થયું છે. છોકરા-છોકરીઓનું નામ આગળ લઈ જાય છે. લગ્ન પછી પણ તે બદલતા નથી. એટલે કે તે છોકરીઓનો સંપૂર્ણપણે પોતાનો પ્રશ્ન છે નામ બદલવું કે નહીં. તે સંપૂર્ણ તેમના મત પર હોવું જોઈએ. તેમની પર કોઈનું દબાણ નહીં હોવું જોઈએ. હવે તો છોકરાઓનાં નામની પાછળ પણ માતા અને પિતાની અટક લાગે છે. અમારી પૌત્રીના નામનો પ્રસ્તાવ આવ્યો ત્યારે મને ત્રીસ-પાંત્રીસ વર્ષ પૂર્વેની હું યાદ આવી. મને પણ તે જ જોઈતું હતું. હવે તેને ઈક્વાલિટી અથવા સમાનતા એવું નામ અપાય છે. જો કે દરેક છોકરીના મનની ઈચ્છા `મારું નામ અટક આગળ જવું જોઈએ’ એવી હોય જ છે. ભલે હજુ પણ તે ખુલ્લેઆમ એવું બોલી શકતી નહીં હોય અથવા તેના મનની સુપ્ત ઈચ્છા તેવી જ રહેતી હશે. પિતાનું નામ નહીં, માતાનું નામ નહીં અને અમારા બંનેની અટક લઈને અમારી પૌત્રી, `રાયા જાંગલા પાટીલ’ બની. સેમ સેમ પાવર ડિસ્ટ્રિબ્યુશન. કાયદેસર રીતે આ અલાઉડ છે કે નહીં તે માટે મેં અમારા સર્વોસર્વા એડવોકેટ સંજય ખેરને ફોન કરીને પૂછ્યું હતું કે કાયદાનો આમાં કોઈ અવરોધ તો નથી ને? તેમણે ગ્રીન સિગ્નલ આપ્યા પછી નીલ અને હેતાના મન જેવું થયું, અમે પણ ખુશ થયાં, આપણા છોકરાઓએ સામાજિક વહીવટને`આવું કેમ?’ એવો પ્રશ્ન કર્યો અને તે માટે એ પ્રશ્ન ઉકેલ્યો અને જો આ અટ્ટહાસ હોય નીલ હેતાનો તો મને તે હકારાત્મક લાગ્યો. છોકરો-છોકરી, સાસરા પિયર વચ્ચે ભેદભાવ મિટાવી નાખનારો દેખાયો અને આવી બાબતમાં આપણે આગળની પેઢીને મનઃપૂર્વક ટેકો આપવો જોઈએ. સ્પેનમાં તે પદ્ધતિ ઓલરેડી છે.

માણસો, સંસ્થા, સમાજ પછી દેશ આવે છે. દેશ પણ ક્યારેક-ક્યારેક અટ્ટહાસની સીમા પાર કરે છે અને પછી દેશ-દેશમાં તાણ-તણાવ વધવા લાગ્યો. હજુ પણ દુનિયામાં નાનાં-મોટાં યુદ્ધ ચાલુ જ છે. કોઈકના ડિસ્ટ્રક્ટિવ અટ્ટહાસનું જ તે પરિણામ છે. લખતાં-લખતાં મને દેશના અટ્ટહાસનો એક મજેદાર કિસ્સો યાદ આવ્યો. અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, ઈંગ્લેન્ડ સર્વત્ર ટોઈલેટમાં જેટ સ્પ્રે કેમ નથી હોતું? હાઈજીનનાં-ક્લેન્લીનેસનાં ગપ્પાં મારનારા આ લોકો તે બાબતમાં આટલા પછાત શા માટે છે? એક બાજુ ગ્લોબલ વોર્મિંગ અથવા નિસર્ગનું સંવર્ધન પર મોટી-મોટી વાતો કરવાની પરંતુ ટોઈલેટ પેપર પાછળ ખર્ચ થતા નિસર્ગસંપદા દુર્લક્ષિત કરવાનું. મારા સર્વ સામાન્ય મનને આ વિરોધાભાસ સ્વીકાર નથી. જો કે તમે દુનિયામાં સૌથી સુધરેલા તરીકે પોતાને માનો છો તો પછી જાપાનની જેમ ઓટોમેટિક બિડ વાપરો. અરેબિયન, મુસ્લિમ અને ભારત દેશમાં જેટ સ્પ્રે સરિયામ વપરાય છે અને તે સૌથી સારો સરળ સ્વચ્છ પ્રકાર છે. જેટ સ્પ્રેનો જન્મ થવા પૂર્વે લોકોએ અનેક મજેદાર ઉપાય શોધ્યા હતા. પરંતુ હવે આ જેટ સ્પ્રેએ સર્વ પ્રશ્ન ઉકેલી કાઢ્યા છે. છેલ્લાં ત્રીસ-પાંત્રીસ વર્ષ આ જેટ સ્પ્રે પ્રકરણ આપણા દેશમાં પ્રચલિત છે. પરંતુ પશ્ચિમી દેશોને તેનું અનુકરણ કરવા જેવું લાગ્યું નહીં. અહીં મને એડેમન્સી અથવા અંતિમ અટ્ટહાસ દેખાય છે. એવું પણ લાગે છે કે પોતાને સર્વજ્ઞ માનનારા આ દેશ પૂર્વ બાજુના દેશો પાસેથી સારી બાબતો અપનાવવામાં ઓછાપણું માનતા હોઈ શકે. આજે પણ ત્યાં નિર્માણ થતાં નવાં ઘરોમાં જેટ સ્પ્રે પ્રોવિઝન નથી. તેમના ટોઈલેટ પેપર અને તેનો અટ્ટહાસ તેમને જ આભારી.

આજનું લખાણ મુક્ત ચિંતનના અંગથી ગયું. ઘરના અથવા ફ્રેન્ડ્સમાં ગપ્પાંની જેમ મારા લખાણની દિશા બદલાતી ગઈ છે ખરી પરંતુ હું લેખિકા નહીં હોવાથી લેખનના નિયમો પાળવાનું બંધન મને થોડું જ છે? એક વાત સાચી છે કે હકારાત્મક અથવા નકારાત્મક, ક્નસ્ટ્રક્ટિવ અથવા ડિસ્ટ્રક્ટિવમાંથી આપણે કયા અટ્ટહાસ તરફ ઝૂકીએ છીએ તે સતત ચેક કરતા રહેવું જોઈએ.

(વીણા પાટીલ)

veena@veenaworld.com

(વીણા પાટીલ, નીલ પાટીલ અને સુનિલા પાટીલના દર અઠવાડિયે અખબારોમાં પ્રસિદ્ધ થતા લેખ વીણા વર્લ્ડની વેબસાઇટ veenaworld.com પર વાંચવા માટે ઉપલબ્ધ છે.)

કઈ બાબતે અક્ષય કુમારે કરી સાનિયા મિર્ઝાની કરી પ્રશંસા?

મુંબઈ: અભિનેતા અક્ષય કુમાર તેમની ફિટનેસ, શિસ્ત અને સમયપાલન માટે જાણીતા છે. આ કોઈ માટે નવી વાત નથી કે અક્ષય રાત્રે 9 વાગ્યે સૂઈ જાય છે અને સવારે 4 વાગ્યે ઉઠી જાય છે. અક્ષય એવા સ્ટાર્સમાંથી એક છે જે સમયસર સેટ પર પહોંચે છે. તાજેતરમાં અક્ષય કુમારે આપણા જીવનમાં શિસ્ત કેટલી મહત્વપૂર્ણ છે તે વિશે વાત કરી છે. આ અંગે તે સાનિયા મિર્ઝા સાથે વાતચીત કરી રહ્યા હતા.

રિપબ્લિક પ્લેનેટરી સમિટ સાથેની વાતચીતમાં અક્ષયને પૂછવામાં આવ્યું કે આજકાલ સેટ પર મોડા આવતા સ્ટાર્સ વિશે તે શું કહેશે? આના જવાબમાં અક્ષયે કહ્યું,’સૌ પ્રથમ તો હું કહેવા માંગુ છું કે હું સ્ટાર બનવા માંગતો નથી. કારણ કે તારા રાત્રે બહાર આવે છે. હું સૂર્ય બનવા માંગુ છું.’

અક્ષયે સાનિયા મિર્ઝાની પ્રશંસા કરી

અક્ષય કુમારે સાનિયા મિર્ઝાની પ્રશંસા કરી અને તેને શિસ્ત વિશે પૂછ્યું. તેમણે કહ્યું, ‘તમે શિસ્ત વિશે જે પૂછ્યું, સાનિયા જી અહીં બેઠા છે. તે એક રમતગમતની મહિલા છે. તેમણે દેશ માટે ખૂબ જ સારું કામ કર્યું છે. તેમને પૂછો કે શિસ્ત કેટલી મહત્વપૂર્ણ છે? તેણીને પૂછો કે તે ક્યાં હતી અને ક્યાં પહોંચી છે.’

અક્ષય કુમારે શિસ્તની જરૂરિયાત સમજાવી

અક્ષયે આગળ કહ્યું, શું આ શિસ્ત વિના થઈ શક્યું હોત? આ શક્ય નહોતું. તેણી શિસ્તબદ્ધ હતી. તે સવારે વહેલા ઉઠતી હતી. તે ટેનિસ રમવા જતી હતી. શું તે સરળ હતું? શિસ્ત ખૂબ જ મહત્વપૂર્ણ બાબત છે.

આ પ્રશ્નથી અક્ષય કુમાર નારાજ થઈ ગયા

અક્ષય કુમારના મતે, તે આ પ્રશ્નથી પરેશાન છે કે તે વહેલા કેમ સૂઈ જાય છે. મીડિયાએ તેમને ઘણી વાર પૂછ્યું, તમે વહેલા કેમ સૂઈ જાઓ છો? આનો સવાલનો જવાબ તેમણે આપ્યો કે,’તો પછી મારે શું કરવું જોઈએ?’. તેમણે કહ્યું કે શું લોકોને આ પ્રશ્ન ન પૂછવો જોઈએ કે તેઓ મોડા કેમ સૂવે છે. આને બદલવો જોઈએ.

અક્ષય કુમારના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, તે છેલ્લે ફિલ્મ ‘સ્કાય ફોર્સ’માં જોવા મળ્યા હતા. તે ટૂંક સમયમાં ‘હાઉસફુલ 5’, ‘જોલી એલએલબી 3’, ‘ભૂત બાંગ્લા’ અને બીજી ઘણી ફિલ્મોમાં જોવા મળશે.

જ્ઞાન પ્રકાશ સ્વામીએ વીરપુરના જલારામ બાપાની માગી માફી

રાજકોટઃ સુરતના જ્ઞાનપ્રકાશ સ્વામીએ કરેલા સંત  જલારામ બાપા વિશે બફાટથી ભક્તોમાં ભારે રોષ ભભૂકી ઊઠ્યો હતો. જેથી હવે જ્ઞાનપ્રકાશ સ્વામીએ વીરપુર જલારામ મંદિરમાં આવીને માફી માગી છે.

સુરતના અમરોલીના જ્ઞાનપ્રકાશ સ્વામીએ પૂજ્ય જલારામ બાપા વિશે કરેલી ટિપ્પણીથી રઘુવંશી સમાજ તેમ જ જલારામ બાપાના ભક્તોમાં ભારે આક્રોશ ફેલાયો છે. આ વિવાદ વકરતાં જલારામ બાપા અંગે ટિપ્પણી કરનારા સ્વામિનારાયણ સંપ્રદાયના જ્ઞાનપ્રકાશ સ્વામીએ આખરે વીરપુર આવી માફી માગી છે. ભક્તો અને રઘુવંશી સમાજના રોષ સામે આખરે આ સ્વામી ઝૂક્યા છે અને વીરપુરના મંદિરમાં આવી માથું ટેકવી માફી માગી લીઘી છે.

જ્ઞાનપ્રકાશ સ્વામી પોલીસ બંદોબસ્ત સાથે જલારામ બાપાના મંદિરે પહોંચ્યા હતા. મંદિરના પાછળના ભાગેથી કાળા કાચવાળી કારમાં આવી માફી માગી સ્વામી રવાના થયા હતા. સ્વામીએ અગાઉ વિડિયો જાહેર કરીને પણ માફી માગી હતી, તેમ છતા લોકોનો આક્રોશ સમ્યો ન હતો, જેથી વીરપુર આવી તેમણે માફી માગી છે. સ્વામી નંબર પ્લેટ વગરની કાળા કલરની એક કારમાં આવ્યા હતા અને માફી માગી મંદિરના પાછળના દરવાજેથી જ રવાના થઈ ગયા હતા.

જોકે લોહાણા સમાજના કેટલાક અગ્રણીઓનું કહેવું છે કે આવા લોકોને જે તે સ્વામિનારાયણ સંસ્થાએ તેમની સંસ્થામાંથી દૂર કરવા જોઈએ. રઘુવંશી સમાજ અને ભક્તોના આક્રોશ સામે સ્વામી ઝૂક્યા અને આખરે માફી માગી છે. હવે જોવાનું એ રહેશે કે માફી બાદ ભક્તોનો કે રઘુવંશી સમાજનો ગુસ્સો શાંત પડે છે કે કેમ?

 

ચાંદની રાતે ઓ હંસી ચીતડું ન બાળીએ…

આવતી કાલે એટલે ૮ માર્ચે વિશ્વ સમસ્તમાં મહિલા દિવસ ઊજવાશે. આ નિમિત્તે જાતજાતના કાર્યક્રમો યોજાશે. મારા જેવા ફિલિમનું લખનારા હિંદી કે ઈતર ભાષામાં મહિલાને કેન્દ્રમાં રાખીને બનાવવામાં આવેલી અથવા પાવરફુલ વુમન કેરેક્ટરવાળી ફિલ્મોને યાદ કરશે, જેમાં ‘મધર ઈન્ડિયા’થી લઈને ‘બંદિની’ અને ‘ખૂન ભરી માઁગ’થી ‘પિન્ક,’ ‘ઈન્ગ્લિશ વિન્ગ્લિશ,’ ‘મૉમ,’ ‘ક્વીન’ કે હાલમાં ઓટીટી પર રિલીઝ થયેલી ‘મિસેસ’ જેવી સેંકડો ફિલ્મનાં ઉદાહરણ આપવામાં આવશે.

માયબોલીની વાત કરીએ તો ૧૯૭૧માં આવીને ટિકિટબારી પર છવાઈ ગયેલી ‘જેસલ-તોરલ’માં પાવરફુલ મહિલા પાત્ર હતું. કાનજી રાઠોડની ‘કંકુ,’ કાંતિ મડિયાની ‘કાશીનો દીકરો,’ વગેરે બાદ નવા ફાલમાં અમિતાભ બચ્ચન-જયા ભાદુરીની કંપનીએ જેનું નિર્માણ કર્યું એ સ્વરૂપ સંપટ રાવલ અભિનિત ‘સપ્તપદી’થી લઈને વિપુલ મહેતાની ‘કૅરી ઑન કેસર,’ વિજયગિરિ બાવાની ‘૨૧મું ટિફિન,’ નિર્માતા આનંદ પંડિત માટે જય બોડાસે ડિરેક્ટ કરેલી ‘ફક્ત મહિલાઓ માટે,’ માનસી જોશી અભિનિત, વિરલ શાહ દિગ્દર્શિત ‘કચ્છ એક્સપ્રેસ,’ અભિષેક શાહની ‘હેલ્લારો’ તથા હાલમાં રિલીઝ થયેલી ‘ઉંબરો,’ જયંત ગિલાટરની ‘હલકીફૂલકી,’ વગેરે. સર્જક સંદીપ પટેલની ફિલ્મોમાં સશક્ત નારીપાત્રો જોવા મળે છે.

ઓ હેલ્લો, આ કંઈ સંપૂર્ણ યાદી નથી. કોઈ નામ ભુલાઈ ગયાં હોય તો અબ ઘડીએ જ સૉરી. અને મારે તો વાત કરવી છે ડાયમન્ડ જ્યુબિલી સેલિબ્રેશનની નજીક સરકી રહેલા સદા અગ્રસર સાપ્તાહિક ‘ચિત્રલેખા’માં પ્રકાશિત હરકિસન મહેતાની નવલકથા ‘પ્રવાહ પલટાયો’ પરથી સર્જાયેલી ફિલ્મ ‘ડાકુરાણી ગંગા’ની. નારી જેમાં પ્રધાન હતી એવી આ ફિલ્મે તે સમયે ગુજરાતી ચલચિત્રસૃષ્ટિનો પ્રવાહ પલટ્યો હતો.

આજથી પાંચ દાયકા પહેલાં, ૧૯૭૫ના ઑગસ્ટમાં ‘શોલે’ રિલીઝ થઈ એના એક અઠવાડિયા બાદ ‘ડાકુરાણી ગંગા’ના સર્જનનો પ્રારંભ થયેલો. ઈન્ટરેસ્ટિંગ્લી, હિંદી-ગુજરાતી સિનેમાના ઍક્ટર-ડિરેક્ટર કે.કે. ઉર્ફે કૃષ્ણકાંત ભૂખણવાળા દિગ્દર્શિત ‘ડાકુરાણી…’ અને ‘શોલે’ને સાંકળતી એક રસપ્રદ સ્મૃતિ છે.

1975માં સ્વાતંત્ર્યદિનના દિવસે ‘શોલે’ રિલીઝ થઈ એના થોડા દિવસ બાદ, નાળિયેરી પૂર્ણિમાના ‘ડાકુરાણી ગંગા’નું મુહૂર્ત થયું. ના ના, ‘શોલે’ અને ‘ડાકુરાણી…’ વચ્ચે આ સામ્ય નથી. તમે આગળ વાંચો.

પચાસ વર્ષ પહેલાંની રક્ષાબંધનના દિવસે મુંબઈના ‘નટરાજ સ્ટુડિયો’માં આશરે એક હજાર મહેમાનોની હાજરીમાં ‘ડાકુરાણી…’નું મુહૂર્ત થયું. ગેસ્ટ લિસ્ટમાં કોણ હતા? ફિલ્મનાં હીરો-હીરોઈન રાજીવ-રાગિણી, દિગ્દર્શક કે.કેથી લઈને ગુજરાતી રંગભૂમિનાં શીર્ષસ્થ નામો જેવાં કે, પ્રવીણ જોશી, સરિતા જોશી, વિજય દત્ત, લાલુ શાહ, ઉપરાંત શક્તિ સામંત, તાહિર હુસૈન, ગોવિંદ સરૈયા, સંગીતકાર કલ્યાણજી-આણંદજી, વાંકાનેરના મહારાજા સાહેબ, ‘ચિત્રલેખા’નાં મધુરીબહેન કોટક, મૌલિક કોટક, વગેરે. સૌને ઉચાટ એ વાતનો હતો કે મુહૂર્તનો ક્લૅપ આપનાર મુખ્ય મહેમાન સમયસર પધારીને મુહૂર્તની ઘડી સાચવી લે એટલે બસ.

બરાબર અગિયાર વાગ્યે એક કાર સ્ટુડિયોમાં પ્રવેશી. એમાંથી ઊતર્યા માંડ અઠવાડિયા પહેલાં રિલીઝ થયેલી ‘શોલે’ના ઠાકૂર બલદેવસિંહ અર્થાત્ જ સંજીવકુમાર. સ્ટુડિયોમાં પ્રવેશતાં જ એમને જોવા-મળવા-ઑટોગ્રાફ મેળવવા ભીડ બેકાબૂ બની ગઈ. તે વખતે સેલ્ફી-બેલ્ફી જેવું હતું નહીં, પણ સ્ટારલોગના હસ્તાક્ષર લેવાનું ગાંડપણ હતું. મહેમાનોની ભીડ જોઈને સફારી સુટમાં સજ્જ, કપાળ પર કંકુનો ચાંદલો ને હાથમાં 3-4 રાખડી બંધાવીને પધારેલા સંજીવભાઈએ સવાલ કર્યો કે, આજે કેટલી ફિલ્મનાં મુહૂર્ત છે?

જવાબ મળ્યોઃ એક જ. મીઠું મલકતાં સંજીવકુમારે ક્લૅપ આપ્યો, સંગીતકાર જોડી કલ્યાણજી-આણંદજીના કલ્યાણજીભાઈએ કૅમેરાની સ્વિચ ઑન કરી અને રાજીવ-રાગિણી પર લેવામાં આવેલો શૉટ ઓકે થયો. તાળીના ગડગડાટ વચ્ચે બરફી-પેંડાનાં બોક્સ ખૂલ્યાં…

21 ઑગસ્ટ, 1975ના મુહૂર્ત થયા બાદ ‘ડાકુરાણી…’નું શૂટિંગ શરૂ થયું 15 સપ્ટેમ્બર, 1975ના, વાંકાનેર પેલેસથી. ત્યાર બાદ સુરતની જેલ, ડુમસના દરિયાકિનારે, ભીમપોર, ઉકાઈ ડેમ, વગેરે અનેક ઠેકાણે શૂટિંગ થયું. રાજીવ-રાગિણી ઉપરાંત ફિલ્મના મુખ્ય કલાકારોમાં અરવિંદ પંડ્યા, અરવિંદ જોશી, ઊર્મિલા ભટ્ટ, દિનેશ હિંગુ, કિશોર જરીવાલા, બિપિન કોટક, જયંત વ્યાસ, વગેરે હતા. વેણીભાઈ પુરોહિતનાં ગીતો (મુકેશ-અનુરાધાના સ્વરમાં ગવાયેલું “ચાંદની રાતે ઓ હંસી ચીતડું ન બાળીએ…” યાદ છે?) સંગીત દિલીપ ધોળકિયાનું હતું.

1976માં અમદાવાદમાં ‘ડાકુરાણી ગંગા’નો પ્રીમિયર યોજાયો. પહેલા દિવસે જ ડાકુરાણી… સુપરહિટ જાહેર થઈ. ગુજરાત સરકારના આઠ એવૉર્ડ્સ મેળવી જનારી ‘ડાકુરાણી…’ને ગુજરાતની ‘શોલે’ એવું બિરુદ મળ્યું.

મુંબઈમાં ચોપાટી ખાતે યોજાશે ઉડત અબીલ ગુલાલ-2025 કાર્યક્રમ

મુંબઈ: દર વર્ષે ઉડત અબીલ ગુલાલ કાર્યક્રમનું આયોજન થતું હોય છે. જેને હવે 30 વર્ષ પૂર્ણ થયા અને તે 31 વર્ષમાં પ્રવેશ કરે છે. એ નિમિત્તે મુંબઈમાં ભવન્સ ચોપાટી ખાતે સંગીત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

મુંબઈમાં ભવન્સ ચોપાટી ખાતે શનિવાર, 8મી માર્ચે સાંજે સાત વાગે ઉદયન અને ફ્લૂટ એન્ડ ફેઘર ફાઉન્ડેશનના ઉપક્રમે ચતુર્બંદીમાં: સંતુર, સરસ્વતી વીણા, શરણાઈ અને વાયોલિન સ્નેહલ મુઝુમદાર, ડૉ. મૈથિલી મુઝુમદાર, નારાયણ મણિ, કિરણ શિંદે અને સતીષ શેષાદ્રિ દ્વારા વિશેષ રજૂઆત કરવામાં આવશે. તાલ સંગત: તબલા, મૃદંગમ્, ચેન્દા અને ઘટમ્ પર સત્યપ્રકાશ મિશ્ર, સતીષ કૃષ્ણમુર્તિ, ચેતન શિંદે અને શક્તિધરણ કરશે. ત્યારબાદ નયનિકા ઘોષ કથક નૃત્યમાં હોરી રજુ કરશે.

અન્ય કાર્યક્રમની વાત કરીએ એટલે કે રવિવાર,9મી માર્ચે સાંજે સાડા છ વાગે અંધેરી-મુંબઈ સ્થિત ભવન્સ કલ્ચરલ સેન્ટર, ઉદયન અને ફ્લૂટ એન્ડ ફેધર ફાઉન્ડેશનના ઉપક્રમે ઉપરોક્ત સંતુર, સરસ્વતી વીણા, શરણાઈ અને વાયોલિનની ચતુર્બંદી પછી ડૉ. મોનિકા શાહ હોરી, રસિયા અને ઠૂમરી રજુ કરશે. આ કાર્યક્રમની પરિકલ્પના અને આયોજનની સ્નેહલ મુઝુમદારની જવાબદારી રહેશે.

બન્ને કાર્યક્રમના સૂત્રધાર મિહિર શેઠ અને શૈલી મુઝુમદાર રહેશે. આ નિ:શુલ્ક કાર્યક્રમોમાં સર્વ રસિકોને જાહેર આમંત્રણ છે, ઈચ્છુક દરેક વ્યક્તિ કાર્યક્રમમાં સામેલ થઈ શકે છે.