Home Blog Page 1086

વડોદરામાં રફતારનો આતંક, મહિલાનું મોત, બે યુવક ડ્રગ્સના નશામાં હોવાના ખુલાસા

વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આમ્રપાલી કોમ્પ્લેક્સ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. પૂરપાટ ગતિએ ગાડી હંકારતા બે યુવકોએ રસ્તા પર ચાલતા લોકોને અડફેટે લીધા હતા, જેના કારણે હેમાલી પટેલ નામની મહિલાનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. ઘટનામાં અન્ય ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. પોલીસે તાત્કાલિક પગલાં ભરતાં કાર ચાલક રક્ષિત ચોરસિયા અને તેની સાથે રહેલા પ્રાંશું ચૌહાણની અટકાયત કરી છે.

પોલીસ તપાસમાં ખુલ્યું છે કે બંને આરોપી યુવકો હોળીના દિવસે મોજ કરવા ડ્રગ્સનો સેવન કરી રહ્યા હતા. તેમની રેપિડ ટેસ્ટ કરવામાં આવતા ડ્રગ્સના નશામાં હોવાનો પુરાવો મળ્યો છે. આ સાથે મેડિકલ ટેસ્ટ પણ કરવામાં આવ્યો છે, જેનો રિપોર્ટ પોલીસ દ્વારા મેળવવાની પ્રક્રિયા ચાલુ છે. અકસ્માતમાં હેમાલી પટેલનું ઘટનાસ્થળે મોત થયું છે, જ્યારે જૈની, નિશાબેન, એક અજાણી બાળકી અને 40 વર્ષીય વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયા છે. તમામ ઘાયલોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હાલ તેમની હાલત ગંભીર છે અને મૃત્યુઆંક વધવાની શક્યતા છે. પોલીસે હવે આ ઘટનાની વધુ તપાસ શરૂ કરી છે અને ડ્રગ્સ સપ્લાય ચેઇનને લઈ પણ તપાસ હાથ ધરી છે.

 ₹નો સિમ્બોલ દૂર કરવા પર ભડક્યાં નિર્મલા સીતારામન

નવી દિલ્હીઃ તામિલનાડુ સરકારે રાજ્યના બજેટ 2025-26 દસ્તાવેજોમાંથી રૂપિયાના સત્તાવાર પ્રતીક ‘₹’ ને દૂર કરી નાખતાં આ વિવાદ વધુ ઘેરો બન્યો છે. આ મુદ્દે હવે નાણાપ્રધાન નિર્મલા સીતારામણે વિરોધ વ્યક્ત કર્યો છે. તેમણે સવાલ કર્યો કે જો DMKને રૂપિયાના પ્રતીકથી સમસ્યા હતી, તો તેણે 2010માં જ્યારે તે યુપીએ સરકારનો ભાગ હતી ત્યારે તેને સત્તાવાર રીતે અપનાવવા સામે કેમ વાંધો ન ઉઠાવ્યો?

નાણાપ્રધાન નિર્મલા સીતારમણે સોશિયલ મિડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, “DMK સરકારે તામિલનાડુ બજેટ 2025-26 દસ્તાવેજોમાંથી સત્તાવાર રૂપિયા પ્રતીક ‘₹’ દૂર કરી દીધો હોવાના અહેવાલ છે, જે આવતી કાલે રજૂ કરવામાં આવશે. જો DMK ને ‘₹’ સાથે સમસ્યા છે, તો તેણે 2010 માં તેનો વિરોધ કેમ ન કર્યો જ્યારે તેને કોંગ્રેસની આગેવાની હેઠળની UPA સરકાર હેઠળ સત્તાવાર રીતે અપનાવવામાં આવ્યું હતું, તે સમયે જ્યારે DMK કેન્દ્રમાં શાસક ગઠબંધનનો ભાગ હતો. વિડંબના એ છે કે ‘₹’ને DMKના ભૂતપૂર્વ ધારાસભ્ય એન. ધર્મલિંગમના પુત્ર ટી.ડી. ઉદય કુમાર દ્વારા ડિઝાઇન કરવામાં આવી હતી. હવે તેને ભૂંસી નાખીને DMK માત્ર રાષ્ટ્રીય પ્રતીકને નકારી રહ્યું નથી પરંતુ તમિળ યુવાનના સર્જનાત્મક યોગદાનને સંપૂર્ણપણે અવગણી રહ્યું છે.

તમિળ શબ્દ ரூபாய் સંસ્કૃત શબ્દ રૂપ્યા પરથી આવ્યો

તેમણે કહ્યું હતું કે વધુમાં તમિળ શબ્દ ‘રૂપાઈ’ (ரூபாய்) પોતે સંસ્કૃત શબ્દ ‘રૂપ્યા’ માં ઊંડા મૂળ ધરાવે છે, જેનો અર્થ ‘દટાયેલી ચાંદી’ અથવા ‘ચાંદીનો સિક્કો’ થાય છે. આ શબ્દ સદીઓથી તમિળ વેપાર અને સાહિત્યમાં તેમનો પડઘો પાડે છે, અને આજે પણ તામિલનાડુ અને શ્રીલંકામાં ‘રૂપાઈ’ ચલણનું નામ રહે છે.

ગોંડલના રાજકુમાર જાટના શંકાસ્પદ મોત મામલે નવો ઘટસ્ફોટ

રાજકોટના ગોંડલમાં ગુમ થયેલા રાજકુમાર જાટના શંકાસ્પદ મોતના મામલે મહત્વનો ખુલાસો થયો છે. પોલીસ તપાસમાં મહાસાગર ટ્રાવેલ્સના બસચાલકે યુવકને અડફેટમાં લીધાનું કબૂલી લીધું છે. ગોંડલ પોલીસની પ્રાથમિક તપાસમાં અગાઉ મૃતકના પરિવારજનો દ્વારા હત્યાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો, જોકે હવે બસ ચાલક રમેશ મેરે સ્વીકાર્યું છે કે, હાઈવે પર થયેલા અકસ્માતમાં યુવાનનું મોત થયું હતું.

પોલીસ તપાસ દરમિયાન રાજકોટથી કુવાડવા વચ્ચેના તમામ સીસીટીવી ફૂટેજની ચકાસણી કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન ત્રીજી માર્ચના રોજ સવારે 8 વાગ્યાની આસપાસ એક સીસીટીવી ફૂટેજ સામે આવ્યું, જેમાં યુવાન નિર્વસ્ત્ર હાલતમાં રાજકોટ-અમદાવાદ હાઈવે પર ચાલતો જોવા મળ્યો હતો. આ વીડિયોની તપાસ બાદ, ટ્રાવેલ્સ કંપનીના સંચાલક દ્વારા માહિતી મેળવતા બસચાલક પાસેથી પુછપરછ હાથ ધરવામાં આવી હતી. મૃતકના પિતા રતનલાલ જાટે આરોપ લગાવ્યો છે કે, 2 માર્ચના રોજ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના બંગલા પાસે તેમના પુત્રને 7-10 લોકો સાથે મળીને માર મારવામાં આવ્યો હતો. માર બાદ રાજકુમાર રાત્રે ફરી ફરિયાદ કરવા જવા ગયો, પરંતુ તે પછી ગાયબ થઈ ગયો. પરિવારજનોએ ગોંડલ પોલીસ અને બાદમાં રાજકોટ એસ.પી.ને લેખિત ફરિયાદ કરી હતી.

ત્રણ માર્ચના રોજ મધ્યરાત્રિએ 3 વાગ્યે કૂવાડવા નજીક અજાણ્યા યુવાનનું અકસ્માતમાં મોત થયું હોવાની પોલીસને જાણ થઈ. ત્યારબાદ મૃતક યુવક અને ગોંડલના લાપત્તા યુવક વચ્ચે સામ્યતા જણાતા પોલીસે તપાસ આગળ વધારી. બસચાલકે અગાઉ કહેવું હતું કે, તેની બસ કોઈ પશુ સાથે અથડાઈ હતી, પરંતુ 13 માર્ચના રોજ તેણે સ્વીકારી લીધું કે, યુવાનને તેની બસની અડફેટે લીધા બાદ અકસ્માત સર્જાયો હતો. હાલ, પોલીસે બસ કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રાન્યા રાવ કેસઃ EDએ બેંગલુરુમાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા

બેંગલુરુઃ સોનાની દાણચોરી કેસમાં હવે રાન્યા રાવની મુશ્કેલીઓ વધી શકે છે, કારણ કે ED દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવી છે. અધિકારીએ જણાવ્યું હતું કે EDએ કર્ણાટકમાં પણ આઠ સ્થળો પર દરોડા પાડ્યા હતા. આ સાથે ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) એ બેંગલુરુમાં રાન્યા રાવના પતિ જતીન વિજયકુમાર હુકરી સાથે જોડાયેલાં આઠ સ્થળો પર દરોડા પાડ્યા હતા. CBI, ED અને DRI જેવી ત્રણ એજન્સીઓ દ્વારા આ કેસમાં તપાસ કરવામાં આવી રહી છે.

રાન્યા રાવ વારંવાર દુબઈના પ્રવાસે જતી હતી, જોકે તે પોલીસ અધિકારીની દીકરી હોવાને કારણે તેની કોઈ તપાસ પણ કરવામાં નહોતી આવતી. પરંતુ વારંવાર દુબઈની ટ્રિપ પર જતી હોવાથી અધિકારીઓને શંકાઓ થઈ હતી. અધિકારીએ મિડિયાને જણાવ્યું હતું કે માત્ર 15 દિવસમાં રાન્યા રાવ ચાર વખત દુબઈ ગઈ હતી. રાન્યા રાવ સોનું પોતાના કપડામાં છુપાવીને લાવતી હતી. EDએ કર્ણાટકમાં પણ આઠ સ્થળો પર દરોડા પાડ્યા હતા. જ્યારે તેના રાન્યાના ઘર પર દરોડા પાડવામાં આવ્યા તો  2.06 કરોડના સોના સાથે 2.67 કરોડ રૂપિયા રોકડા પણ મળી આવ્યા હતા. અધિકારીઓનું કહેવું છે કે રાન્યા સોનાની દાણચોરી કરતી મોટી સિન્ડિકેટનો ભાગ હતી.

દુબઈથી સોનાની તસ્કરી કરીને રાન્યા ભારતમાં લાવતી હતી. તપાસમાં એવું સામે આવ્યું હતું કે આમાં રાન્યાને એક કિલો સોનાની તસ્કરી પર ચારથી પાંચ લાખ રૂપિયા મળતા હતા. અધિકારીએ આ મામલે જણાવ્યું હતું કે રાન્યાને ઇન્ટરનેટ કોલ આવતો અને તે દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ 3ના ગેટ A પરથી સોનું લેવાનું કહેવામાં આવતું. પછી તે સોનું ભારતમાં લાવતી હતી. તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે સુરક્ષા તપાસમાં એક અધિકારી પણ તેની મદદ કરતો હતો. એ વાત તો ચોક્કસ છે કે અધિકારીઓની સંડોવણી વિના તો કોઈ પણ કાર્ય થઈ શકે નહીં.

હોળી-ધૂળેટી મહોત્સવ: ડાકોરમાં શ્રદ્ધાળુઓનો ધસારો, પદયાત્રીઓની સંખ્યામાં ઘટાડો

ડાકોરમાં હોળી અને ધૂળેટીના પર્વે રણછોડરાયજીના દર્શનાર્થે લાખો શ્રદ્ધાળુઓ ઉમટતા હોય છે. આ વર્ષે હોળી દહનના દિવસે અંદાજે બે લાખ શ્રદ્ધાળુઓએ દર્શનનો લ્હાવો લીધો હતો. ઠાકોરજીને શ્વેત વસ્ત્રોમાં શણગાર કરવામાં આવ્યા હતા અને ભક્તો પર સોનાની પીચકારીથી રંગો છાંટવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, ગત વર્ષની સરખામણીએ પદયાત્રીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. દર વર્ષે 3-4 લાખ યાત્રાળુઓ આવતાં હોય છે, પરંતુ આ વર્ષે ત્રણ દિવસમાં માત્ર ત્રણ લાખથી વધુ શ્રદ્ધાળુઓ આવ્યા હતા. મહુધા સુધીનો રૂટ ખાલી જોવા મળ્યો હતો. શ્રદ્ધાળુઓની સંખ્યા ઓછી રહેતાં હંગામી સ્ટોલ ધરાવતા વેપારીઓને નુકસાની વેઠવાનો વારો આવ્યો. પ્રસાદ, અબીલ-ગુલાલ અને ચા-નાસ્તાની દુકાનો પર રાહ જોઈ રહેલા વેપારીઓ માટે આ પરિસ્થિતિ નિરાશાજનક રહી. ફાગણી પૂનમના રોજ ફૂલડોળના દિવસે ભક્તિસભર કાર્યક્રમો યોજાશે અને સંઘો દ્વારા ધજાઓ ચઢાવવામાં આવશે. આ અવસરે વધુ શ્રદ્ધાળુઓની ભીડ એકઠી થવાની શક્યતા છે.

નશામાં કારચાલકેએ કારથી આઠને ઉડાડ્યા, એકનું મોત

વડોદરાઃ કારેલીબાગ વિસ્તારમાં બેફામ કારચાલક નબીરાએ એકસાથે આઠને ઉડાવ્યા હતા. આ અકસ્માતમાં એક મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. વડોદરાના કારેલીબાગમાં આમ્રપાલી કોમ્પલેક્સ પાસે નશામાં ધૂત કારચાલકે અકસ્માત સર્જ્યો હતો. મોડી રાત્રે નશામાં ધૂત નબીરાએ અકસ્માત સર્જી આઠ લોકોને અડફેટે લીધા હતા. જેમાં એક મહિલાનું ઘટનાસ્થળે જ થયું મોત તો ચાર લોકો ઈજાગ્રસ્ત થતાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા હતા.

આ અકસ્માત વખતે કારમાં બે લોકો સવાર હતા, જેમાંથી એક યુવક ફરાર થઈ ગયો હતો. પણ કારચાલક યુવાનને લોકોએ દબોચી માર માર્યો હતો. તેને પોલીસને હવાલે કર્યો હતો. આ અકસ્માતની ઘટનાને લઈને પોલીસે પણ તપાસ શરૂ કરી દીધી છે. પ્રાથમિક તપાસ મુજબ આરોપીનું નામ રક્ષિત ચૌરસિયા અને મૂળ વારાણસીનો હોવાનું સામે આવ્યું છે. વડોદરામાં તે એમ એસ યુનિ.માં લો ફેકલ્ટીમાં અભ્યાસ કરે છે.

કારેલીબાગના આમ્રપાલી રોડ પર પૂરઝડપે કાર ચલાવી બે ટૂ વ્હીલર સહિત અનેકને તેણે અડફેટે લીધા હતા. એક બાળકી સહિત અન્ય ચાર ગંભીર ઘાયલ થયા હતા. આ ઘાયલોને રાત્રે એસએસજી હોસ્પિટલ ખસેડાયા હતા. કારચાલક રક્ષિતની કારેલીબાગ પોલીસે અટકાયત કરી હતી. લોકોનું કહેવું છે કે અકસ્માત સમયે નબીરો રક્ષિત 100 કિલોમીટરથી વધુની ઝડપે કાર ચલાવી રહ્યો હતો. પોલીસની જાણકારી મુજબ અકસ્માતમાં હેમાલીબહેન પટેલનું મોત થયું હતું. જ્યારે પૂરવ દીપકભાઈ પટેલને ગંભીર ઇજાઓ પહોંચી હતી. નિશાબેન શાહ, રેન્સિ શાહ અને જિમ્મી શાહને ઇજાઓ થતા હોસ્પિટલ ખસેડાયા હતા. કારેલીબાગ પોલીસે હીટ એન્ડ રનનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

 

પાલજની હોળીમાં વિશાળ જનમેદની ઉમટી

ફાગણ સુદ પૂનમના દિવસે પરંપરાગત રીતે હોલિકા દહન થાય પછી આખુંય ગામ ધૂળેટી રંગોત્સવની ઉજવણી કરે. દરેક પ્રાંત પ્રદેશ ગામની માન્યતાઓ અને પરંપરાઓ અલગ અલગ હોય છે. એ પ્રમાણે ઉત્સવની ઉજવણી થાય. કેટલાક ગામ, શહેરના વિસ્તારોમાં આગવી શૈલીથી જુદી જુદી સામગ્રી મુકી હોલિકા દહન કરવામાં આવે છે. પર્યાવરણના સંરક્ષણ માટે વૈદિક હોળીનો વિચાર પ્રસર્યા બાદ એનો અમલ પણ ઘણી જગ્યાઓ પર શરૂ થઈ ગયો છે.

અમદાવાદ શહેરના માનસી સર્કલ, આંબાવાડી, ભૂદરપુરા, નવરંગપુરા, નારણપુરા, મેમનગર, થલતેજ, સેટેલાઈટ સહિત અનેક વિસ્તારોમાં છાણાંનો મહત્તમ ઉપયોગ કરી હોળી પ્રગટાવવામાં આવી હતી.

ગાંધીનગરને અડીને જ આવેલા પાલજ ગામની હોળી પ્રગટાવવાની રીત જાણીતી છે. મોટી સંખ્યામાં લોકો એકઠા થાય છે. એ સાથે હોલિકા દહન નું સ્વરૂપ ખૂબજ મોટું હોય છે. ઠેર ઠેર થી લોકો પાલજની હોળી નિહાળવા ઉમટી પડે છે.

પ્રજ્ઞેશ વ્યાસ

Opinion: ‘બોડી શેમિંગ’ અભિવ્યક્તિની સ્વતંત્રતા કે અનાદર?

શરીર પર વાગેલા ઘા એક દિવસ રૂઝાય જાય છે, પણ શબ્દોના લાગેલા ઘા કોઈ’દી રૂઝાતા નથી. આ કહેવત જરાય ખોટી નથી. સામાન્ય જીવનમાં પણ કોઈના કહેલા શબ્દો તલવારના ઘાની જેમ વાગતા હોય છે. અત્યારનો સમય બદલ્યો છે, નાની કે મોટી તમામ ઘટનાનો અભિપ્રાય સોશિયલ મીડિયામાં ગણતરીની સેકન્ડોમાં ફરવા લાગે છે. એ પછી ભલે કોઈ સામાજીક મુદ્દો હોય કે કોઈ લોકપ્રિય કલાકાર કે રમતવીરનું નિજી જીવન હોય. પરંતુ શું દરેક વસ્તુ પર વિચાર કર્યા વગર આપવામાં આવેલી ટિપ્પણી સાચી હોય છે ખરી?

તાજેતરમાં એક ભારતીય ક્રિકેટર પર એક રાજકારણીએ ટિપ્પણી કરી હતી. જે પછી રાજકારણી નેતા વિવાદના વંટોળમાં ફસાયા હતા. આવી જ રીતે ઘણા લોકો અવારનવાર જાણીતી પર્સનાલિટી પર ટિપ્પણીનો વાર કરતા હોય છે. વિચાર મુકવો વાણી સ્વતંત્રતાનો ભાગ છે પણ કલાકાર કે રમતવીરનું અપમાન કરવું કેટલું યોગ્ય છે.? આ વખતેના ઓપિનિયન વિભાગમાં જાણો અલગ અલગ વર્ગના લોકો આ મુદ્દે શુ કહે છે…

ડૉ. રામાશંકર, M.D. મનોચિકિત્સક, માનસિક આરોગ્યની હોસ્પિટલ, અમદાવાદ

   કોઈ પણ રાજનેતા હોય કે સામાન્ય માણસ હોય, કોઈને પણ સેલેબ્રિટીઓ કે કોઈ સામાન્ય માણસ પર ટિપ્પણી ન કરવી જોઈએ. હા, એ વાત અલગ છે કે કોઈ મિત્ર ઓળખાણમાં વ્યક્તિની હાજરી અને સહમતીથી તેના પર કોઈ પણ ટિપ્પણી કરો. જો કોઈ પણ ટિપ્પણી કરે તો તેના પર કાનૂની કાર્યવાહી પણ થઈ શકે છે. ઘણી વખત એવુ પણ થતું હોય છે, કે લોકોને જાણકારી નથી હોતી કે તે બીજા વ્યક્તિ માટે અયોગ્ય ટિપ્પણી કરી રહ્યા છે, તે માત્ર પોતાના અભિપ્રાય જાહેર જનતા વચ્ચે મુકવા માગતા હોય છે. તેને સોશિયલ મીડિયા પર ધડાધડ લોકો વખોડવા લાગતા હોય છે. જ્યારે ઘણા લોકો જાણી જોઈને સામાન્ય જનતાનું ધ્યાન પોતાના તરફ ખેંચવા માટે આવી ટિપ્પણીનો પ્રયોગ કરતા હોય છે. મોટા ભાગના કેસમાં લોકોનું ધ્યાન ખેંચવા માટે આ પ્રકારના સ્ટન્ટ કરવામાં આવે છે. જે આજકાલની જનરેશન પ્રમાણે સામાન્ય વાત છે.

જાણીતા વ્યક્તિ પર કોઈ પણ ટિપ્પણી થાય, ત્યારે જે તે વ્યક્તિને દુ:ખ થાય. આવા કેસમાં ઘણા લોકો કોઈ પણ રિએક્શ નથી આપતા, કોઈ પણ કેસ નથી કરતા કે પછી કોઈ વાતનો મુદ્દો નથી બનાવતા, આ પ્રકારના લોકોને કોઈ પણ અપ્રિય ટિપ્પણીનું સૌથી વધુ દુ:ખ થાય છે, પરંતુ તે કોઈની સામે પોતાના દુ:ખનો દેખાવ કરતા નથી. જે લાંબા કે ટુંકા સમય તેના માનસિક સ્વાસ્થ્ય પર અસર કરી શકે છે. જેની સીધી અસર તેના કામ પર થાય છે. જ્યારે અમુક લોકો થોડું રિએક્શન આપી વાતને જતી કરતા હોય અને ઘણા લોકો આવી વાતનો જડબાતોડ જવાબ આપવામાં માનતા હોય છે.

વિવેકા પટેલ, અભિનેત્રી, અમદાવાદ

સેલેબ્રિટી હોય કે, સામાન્ય માણસ હોય કોઈના પર રંગ કે રૂપની ટિપ્પણી કરવી તે યોગ્ય નથી. પરંતુ વર્ષોથી કોઈને કોઈ રીતે સમાજ કે સામાન્ય ઘરોમાં ટિપ્પણી થતી જ આવી છે. એમા પણ રાજકારણ સાથે જોડાયેલા દેશના સેલિબ્રિટી પર આમ ટિપ્પણી કરે તે યોગ્ય નથી, આપણે વ્યક્તિના કામ અને યોગદાનને મહત્વ આપવું જોઈએ. પ્રોફેશન કોઈપણ હોય વ્યક્તિ પોતાના કામ દેશની ભલાઈને ધ્યાને રાખી નિષ્ઠા પૂર્વક કરે તે વધારે જરૂરી છે. સામાન્ય નાગરિક અને એક સુઘડ સમાજ તરીકે વ્યક્તિના રંગ રૂપને મહત્વ આપ્યા કરતા માણસના કર્મોને વધારે મહત્વ આપવું જોઈએ.

ભરતભાઈ રાઓલ, ફિટનેશ ટ્રેનર, અમદાવાદ

આજની સોશિયલ મીડિયાની દુનિયામાં, સેલેબ્રિટીઓ દેખાવને લઈને ઘણીવાર ચર્ચા આવતા હોય છે. પણ સાચી વાત તો એ છે કે, કોઈપણના દેખાવ કરતા તેનું સ્વાસ્થ્ય વધુ મહત્વનું હોય છે. દરેક વ્યક્તિની શરીરરચના અને જીવનશૈલી અલગ હોય છે અને ફક્ત દેખાવના આધારે કોઈ પણ માણસ પર ટિપ્પણી કરવી એ યોગ્ય નથી. આપણે બોડી શેમિંગ કરતા, સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહિત કરવી જોઈએ. ફિટનેસ એટલે માત્ર સિક્સ પેક અથવા ઝીરો ફિગર નહીં, પણ મજબૂત અને તંદુરસ્ત શરીર. સેલેબ્રિટીઓ પણ માનવી છે અને પરફેક્ટ દેખાવ માટે દબાણ અનુભવે છે. જો આપણે તંદુરસ્ત જીવનશૈલી અપનાવીએ, તો સ્વસ્થ શરીર અને મજબૂત મન બંને મેળવી શકીએ. એટલે આપણે દેખાવ નહીં, પણ આરોગ્ય અને તંદુરસ્તી પર ધ્યાન આપવું જોઈએ.

અમિત પટેલ, હાઈકોર્ટ ધારાશાસ્ત્રી & પૂર્વ સિવિલ જજ, અમદાવાદ

સેલિબ્રિટીના દેખાવ વિશે ટિપ્પણી કરવી યોગ્ય નથી, જાણીતા લોકોની પ્રતિભા અને સિદ્ધિઓ કરતાં તેમની શારીરિક રૂપરેખા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. એટલું જ નહીં, તેમના પર નકારાત્મક ટિપ્પણીઓ કરવામાં આવે છે, જે વ્યક્તિના આત્મવિશ્વાસ ઘટવાનું કારણ બની શકે છે, તેમના માનસિક સ્વાસ્થ્ય પર પ્રભાવ પાડી શકે છે. સેલિબ્રિટીઓ ઘણીવાર અવાસ્તવિક સૌંદર્ય ધોરણો હેઠળ રહે છે, અને આવા અભિપ્રાયો અપ્રાપ્ય અને બિનઆરોગ્યપ્રદ આદર્શોને પ્રોત્સાહન આપે છે. કોઈપણ વ્યક્તિ તેમના દેખાવ પર ટિપ્પણી માટે સંમતિ આપતા નથી, અને તે ઘૂસણખોરી કે અનાદર રૂપ બની શકે. આ પ્રકારની ઘટનામાં કાનૂની કાર્યવાહી પણ થઇ શકે છે. તેના બદલે, આપણું ધ્યાન તેમની પ્રતિભા, સિદ્ધિઓ અને સમાજ માટેના મહત્વપૂર્ણ યોગદાન પર હોવું જોઈએ. સકારાત્મક અને સંવેદનશીલ અભિગમ અપનાવીને, આપણે સેલિબ્રિટીઓ અને અન્ય લોકો માટે વધુ પ્રેરણાદાયક વાતાવરણ ઊભું કરવું જોઈએ.

(તેજસ રાજપરા, અમદાવાદ)

રાજકોટમાં એટ્લાન્ટિસ બિલ્ડિંગમાં ભીષણ આગ, ત્રણનાં મોત

રાજકોટઃ રાજકોટમાં આવેલા 150 ફૂટ રિંગ રોડ પર આવેલી નામાંકિત એટલાન્ટિક બિલ્ડિંગના પાંચમા અને છઠ્ઠા માળે ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. આ આગમાં ત્રણ લોકોનાં મોત થયાં હતાં. આ ઘટનામાં હજી 60 જણને બચાવી લેવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ તથાં જ પોલીસ અને ફાયર વિભાગ તેમજ એમ્બ્યુલન્સની ટીમો ઘટના સ્થળે પહોંચીને આગ ઉપર કાબૂ મેળવવા અને બચાવ કામગીરી હાથ ધરી હતી.

રાજકોટના 150 ફૂટ રોડ પરના એટલાન્ટિસ બિલ્ડિંગના D બ્લોકના છઠ્ઠા માળે 603 નંબરના ફ્લેટમાં આગ લાગી છે. ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી ઉપરના માળે ફસાયેલા લોકોને હાઇડ્રોલિક લિફ્ટ મારફતે નીચે ઉતારી રહ્યા છે. હજુ સુધી આગ લાગવાનું કોઈ નક્કર કારણ સામે નથી આવ્યું. આગ ઓલવાયા બાદ ફાયર અને પોલીસની ટીમ દ્વારા આ મામલે તપાસ હાથ ધરવામાં આવશે.

ભાજપના નેતા ભરત બોઘરાએ જણાવ્યું હતું કે અમે અત્યારે અહીં બચાવ કામગીરીમાં લાગ્યા છે. જે ત્રણ લોકો ઈજાગ્રસ્ત હતા તેમને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયા છે. આગ કાબૂમાં છે. અંદર બાકીના કોઈ લોકો છે કે નહીં, તેની એક-એક ફ્લોર પર તપાસ કરીએ છે. લગભગ 60 જેટલા લોકોને ફાયરની લિફ્ટ દ્વારા નીચે ઉતારી સલામત રીતે બહાર કાઢ્યા છે.

વાસ્તુ: હોળીના તહેવાર અંગે કેટલીક ગેરમાન્યતાઓ!

શ્યામ તારા રંગે રંગાઉં કે પછી લાલો લાલ થઇ જાઉં? આવો વિચાર આવે ત્યારે આધ્યાત્મિકતાની પરાકાસ્ઠા દેખાય અથવા તો પછી હોળીનો તહેવાર નજીક હોય. કોઈના રંગે રંગાવામાં સમર્પણ જરૂરી છે. કોઈનો સાચો સાથ પામવો હોય તો એ વ્યક્તિ જેવી છે તેવી સ્વીકારવી પડે. એક હજારથી પણ વધારે પત્નીઓ ધરાવતો પુરુષ પણ અનેક સ્ત્રીઓની ઝંખના ક્યારે હોઈ શકે? જયારે એ બધાને રંગાઈ જવાની ઈચ્છા હોય. કોઈ પણ સંબંધમાં વધારે પડતી ખણખોદ એ સંબંધના પાયાને નુકશાન પહોંચાડે છે. અંતે એ સંબંધ ઢીલો પડતો જાય છે. સંબંધ બાંધતા પહેલા જે વિચારવું જોય તે વિચારી લેવું જોઈએ. પછી વિચારવા જતા એક તિરાડ ઉભી થાય છે. જે દરેક શક સાથે મોટી થઇ અને સંબંધને તોડી શકે છે.

મિત્રો, આ વિભાગ આપનો જ છે. જો આપને પણ કોઈ સમસ્યા કે સવાલ હોય તો આપ પણ નીચે જણાવેલા ઈમેઈલ પર પૂછી શકો છો.

સવાલ: મારા દીકરાને એક છોકરી ગમતી હતી. મને મારા દીકરા પર પૂરો ભરોસો છે. એટલે એની ઈચ્છાને માન આપીને મેં સંબંધને મંજુરી આપી દીધી. મારે એક જ સંતાન છે. વળી મારા પતિ વરસો પહેલા અમને છોડીને જતા રહ્યા હતા. એટલે જો મારું કોઈ હોય તો એ માત્ર મારો દીકરો જ છે. અમે સગાઇ અને લગ્ન એક જ દિવસે કરવાનું વિચાર્યું જેથી ખર્ચો ઓછો થાય. વળી ખર્ચો તો દીકરી વાળાને હોય. પણ અમે એ પણ નથી કરાવવા માંગતા.

અમારો વિચાર વેવાઈ આગળ મુક્યો એટલે એમને શંકા ગઈ અને લગ્નની તારીખ લંબાવવાની વાત આવી. કાર્ડ છપાઈ ગયા પછી આવું થયું એટલે મને આઘાત લાગ્યો. પણ મારી પાસે કોઈ રસ્તો નહતો. વેવાઈ સાથે વાત કરી તો એમણે કહ્યું કે તમારા પતિ તમને શા માટે છોડી ગયા એ તો તમે કહ્યું જ નથી. એમની હાજરી વિના હવે અમે કશું નહિ કરીએ. જે માણસ વીસ વરસ પહેલા જતો રહ્યો છે એને ક્યાં શોધું? વળી હવે એ લોકો નાની નાની વાતમાં શંકાઓ કરે છે. હું દરેક સવાલનો શાંતિથી જવાબ આપું છુ. પણ હવે ડર લાગે છે. એમની પ્રકૃતિ અને અમારું જીવન બહુ અલગ છે. અમે ભરોસા પર જીવીએ છીએ. અને એમને વાતેવાતે શક થાય છે. ક્યારેક વિચાર આવે છે કે ના પાડી દઉં. મારો દીકરો દેખાવડો છે, ખુબ સારું કમાય છે અને ખુબ હોંશિયાર છે. લગ્નને વાર થઇ એટલે એના નવા માંગા આવે છે. પણ પછી લાગે છે કે એને દુખ થશે. શું કરું કાઈ જ સમજાતું નથી. વળી હવે વેવાઈ કહે છે કે દીકરીઓ મળતી નથી એટલે અમે દીકરી વાળા છીએ તો અમારો હાથ તો ઉપર જ રહેશે.

જવાબ: બહેનશ્રી. સર્વ પ્રથમ તો આપને ખુબ ખુબ અભિનંદન. એકલા હાથે સફળ થવું સહેલું નથી. વળી સમાજમાં આપની પોતાની એક આગવી છાપ છે. આપનો દીકરો પણ હોનહાર છે. કોઈ પણ સંબંધ વિશ્વાસના આધાર પણ ઉભો રહે છે. વળી લગ્ન કરવા માટે બે પાત્રોની જરૂર ઉભી થાય છે. નારીનું સન્માન ખુબ જરૂરી છે. પણ નારીનું જ વર્ચસ્વ હોય એ પણ યોગ્ય નથી. લગ્નનો નિર્ણય બે પરિવારે ભેગા થઈને કરવો જોઈએ. જે રીતની પરિસ્થિતિ છે એ જોતા એવું વિચારી શકીએ કે તમારા વેવાઈ હજુ પણ તમારા ભૂતકાળને ઉખેળી રહ્યા છે. જો એમને એમની દીકરીમાં વિશ્વાસ હોત તો લગ્ન થઇ ગયા હોત.

તમારું અંગત જીવન એ તમારું છે. જો એનો પડછાયો તમારા દીકરાના જીવન પર પડે તો જે વ્યક્તિ એ પ્રયાસ કરે છે એને રોકવી જોઈએ. તમારા વેવાઈને સાફ શબ્દોમાં સમજાવો કે મારા પતિ જે રીતે મને છોડીને ગયા એ પછી એમને શોધવામાં મને રસ નથી. જો એ દુરાગ્રહ રાખે તો એનો અર્થ છે કે આજીવન આ સમસ્યા એ ઉભી કરશે. સ્વમાનના ભોગે લગ્ન તો ન જ થાય. તમારા કહેવા મુજબ વચન અપાઈ ગયા છે. એનો અર્થ કે બંને પક્ષે મંજુરી હતી. એ પછી પણ જો આવી સમસ્યા ઉદ્ભવતી હોય તો વિચારવું જોઈએ. લગ્ન એ શરૂઆત છે. જે વ્યક્તિ પોતાની મંજુરી પર પણ શક કરતી હોય એ ભવિષ્યમાં પણ કશુક એવું કરી શકે જે તમારા દીકરાને પસંદ નહિ પડે.

તમારી વાત પરથી સમજાય છે કે તમે પારદર્શક રીતે બધું સાચું કહો છો. જેમાંથી એમને નવા સવાલો ઉદ્ભવે છે. લગ્ન બે અલગ પરિવારમાંથી આવતી વ્યક્તિઓના જ થાય. પણ એ અલગતા કડવાસ ન લાવવી જોઈએ. યોગ્ય વ્યક્તિને યોગ્ય પાત્ર મળે જ છે. તેથી અન્ય કોઈ ચિંતા ન કરશો. તમારો દીકરો પણ સમજદાર છે. એટલે માત્ર લાગણીમાં આવીને નિર્ણય ન લેશો.

સવાલ: કયા રંગથી હોળી રમીએ તો ધન પ્રાપ્તિ થાય? સફેદ ચડ્ડી પહેરીએ તો ફાયદો થાય?

જવાબ: હોળી એ આનંદનો ઉત્સવ છે. એટલે એને અંધશ્રદ્ધા સાથે ન જોડવાની સલાહ છે. ગમતા રંગોથી કોઈને દુખ ન થાય એ રીતે હોળી રમી શકાય. માત્ર સફેદ ચડ્ડી પહેરીને બહાર જવાથી માર જરૂર પડી શકે. પુરા કપડા પહેરીને જ હોળી રમવી જોઈએ. ઉત્સવમાં પણ લાભની આશા રાખવી એ મુર્ખામી છે. ગમતા પુરા વસ્ત્રો પહેરીને ગમતા રંગોથી ગમતાનો ગુલાલ કરીએ.

સુચન: માત્ર છાણાની હોળી પ્રગટાવી બીજા દિવસે આખો દિવસ રેઇન ડાન્સ કરવાથી ગ્રીન હોળી નથી થઇ જતી. પ્રકૃતિ પ્રત્યેની સભાનતા સાથેની હોળી ગ્રીન હોળી કહી શકાય.

(આપના સવાલો મોકલી આપો Email: vastunirmaan@gmail.com)