Home Blog Page 1085

દાલ ખિચડી

ક્યારેક વધુ પડતી ભારે વાનગીઓ ખાઈને કંટાળી ગયા હોય, તો સાદી પણ પૌષ્ટિક અને અફલાતૂન સ્વાદવાળી રેસ્ટોરન્ટ જેવી દાલ ખિચડી ઘરે બનાવી શકાય!

સામગ્રીઃ

  • તુવેર દાળ 1 કપ
  • મગની દાળ ¼ કપ
  • ચણા દાળ ¼ કપ
  • બાસમતી ચોખા 1¼  કપ
  • સ્વાદ મુજબ મીઠું
  • આદુ 1 ઈંચ
  • લીલું મરચું 1
  • ઘી 1 ટે.સ્પૂન
  • જીરૂ 1 ટી.સ્પૂન
  • હળદર ½ ટી.સ્પૂન

1 વઘારઃ

  • તેલ ટે.સ્પૂન
  • કોથમીર ધોઈને સમારેલી 2 ટે.સ્પૂન
  • જીરૂ 1 ટી.સ્પૂન
  • આદુ ઝીણું સમારેલું 1 ટે.સ્પૂન
  • 2-3 લીલા મરચાં સમારેલાં
  • કાંદા 2
  • ટામેટાં 2
  • લાલ મરચાં પાઉડર
  • લવિંગ 2-3
  • તમાલ પત્ર 2
  • તજનો ટુકડો અડધો ઈંચ

2 વઘારઃ

  • આખાં સૂકાં લાલ મરચાં 2
  • લસણની કળી 7-8
  • કાશ્મીરી મરચાં પાઉડર 1 ટી.સ્પૂન
  • હીંગ ¼ ટી.સ્પૂન
  • ઘી 2 ટે.સ્પૂન
  • જીરૂ 1 ટી.સ્પૂન
  • કળી પતા 6-7 પાન

રીતઃ બંને દાળને 2-3 પાણીએથી ધોઈને 4 કલાક માટે પાણીમાં પલાળી રાખો. ચોખાને પણ 2-3 પાણીએથી ધોઈને અડધા કલાક માટે પલાળી રાખો.

ચાર કલાક બાદ દાળમાંથી પાણી નિતારી લો. કૂકરમાં ઘી ગરમ કરી જીરૂ તતડે એટલે લીલું મરચું કટ કરીને ઉમેરી દો. હવે દાળ તેમાં ઉમેરો. સ્વાદ મુજબ મીઠું નાખીને દાળના માપ કરતાં 1 ઈંચ વધુ આવે તેટલું પાણી કૂકરમાં ઉમેરો. હળદર ઉમેરીને કૂકર ઢાંકીને ગેસની મધ્યમ આંચે 4 સીટી થવા દો. ત્યારબાદ ગેસ બંધ કરીને કૂકર ઠંડું થવા દો.

બાસમતી ચોખામાંથી અડધા કલાક બાદ પાણી નિતારી લો. એક તપેલીમાં ચોખા કરતાં ચાર ગણું વધારે પાણી લઈ ઉકળવા મૂકો. પાણી ઉકળે એટલે તેમાં થોડું મીઠું નાખીને ચોખા તેમાં હળવેથી ઉમેરી દો. 6-7 મિનિટ બાદ ચેક કરી લો. ચોખા 90 ટકા જેટલાં ચઢી ગયા હોય તો ગેસ બંધ કરીને એક સ્ટીલની ચાળણીમાં ચોખા નાખીને તેમાંથી પાણી નિતારી લો.

એક કઢાઈમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં તજ, તમાલ પત્ર, લવિંગનો વઘાર કરી જીરૂનો વઘાર કરો. ત્યારબાદ તેમાં લાંબી સ્લાઈસમાં કટ કરેલા કાંદા ઉમેરો. તેમજ આદુ અને મરચાં ઝીણાં સમારીને ઉમેરી દો. કાંદા સોનેરી રંગના થાય એટલે તેમાં લાલ મરચાં પાઉડર મેળવીને લાંબી સ્લાઈસમાં કટ કરેલા ટામેટાં ઉમેરી દો. ટામેટાં નરમ થાય એટલે તેમાં બાફેલા દાળ તેમજ ચોખા મેળવી દો. આ ખિચડી બહુ ઘટ્ટ પણ ના હોવી જોઈએ કે બહુ પાતળી પણ ના હોવી જોઈએ. તેથી જરૂર મુજબ થોડું પાણી ઉમેરીને 2-3 મિનિટ ગરમ થાય ત્યારબાદ ઉપર કોથમીર ભભરાવી દો. ગેસ બંધ કરી દો. ખિચડીને એક મોટા બાઉલમાં કાઢી લો.

બીજા વઘાર માટે એક પેનમાં ઘી ગરમ કરી તેમાં જીરૂ તતડાવીને આખા સૂકા લાલ મરચાં ઉમેરી દો. લસણને ઝીણું સમારીને ઉમેરી દો. હવે તેમાં હીંગ તથા કાશ્મીરી મરચાં પાઉડર મેળવીને ચમચા વડે હલાવીને તરત જ ગેસ બંધ કરીને આ વઘાર ખિચડી ઉપર રેડીને ગરમા ગરમ ખિચડી જમવામાં પીરસો.

૧૫ માર્ચ ૨૦૨૫

પંચાંગ 15/03/2025

હાર્ટ એટેક અને સ્ટ્રોક સામે રક્ષણ આપનારી નવી વેક્સિન ચીને બનાવી

બીજિંગ: હાર્ટ અને રક્તવાહિની સંબંધિત બીમારીઓ સામે એક નવી વેક્સિન વિકસિત કરવામાં આવી છે. ચીનની નેનઝિંગ યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજીના સંશોધકો દ્વારા બનાવેલી આ વેક્સિન રક્તવાહિનીઓમાં બ્લડ ક્લોટ્સ થવાથી થતી સમસ્યાઓ, હાર્ટ અટેક અને સ્ટ્રોક સામે અસરકારક સાબિત થઈ છે.

ક્લિનિકલ સ્ટડી અને પ્રારંભિક પરિણામો
ઉંદર પર કરવામાં આવેલા પ્રયોગોમાં, આ વેક્સિને બ્લડ ક્લોટ્સ અને હાર્ટ અટેકની સંભાવના ઘટાડવામાં અસરકારક પરિણામ આપ્યા છે. વિજ્ઞાાનીઓનું માનવું છે કે આ વેક્સિન માનવ શરીર માટે પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે, જો કે વધુ પરીક્ષણોની જરૂર છે.

વેઇક્સિનનું કાર્યપદ્ધતિ

  • આ વેક્સિન એન્ટિજેન અને એડજુવન્ટ દ્વારા શરીરના ઇમ્યુન સિસ્ટમને ઉત્તેજિત કરે છે.
  • ડેન્ડ્રિટિક સેલ્સને સક્રિય કરી એન્ટિબોડી પ્રોડક્શન વધારવામાં મદદ કરે છે.
  • કોલેસ્ટ્રોલ લેવલ નિયંત્રિત કરવામાં પણ આ વેક્સિન મદદરૂપ થઈ શકે છે.

વિશ્વભરમાં હાર્ટ રોગના વધતા કેસ
તાજા મેડિકલ સ્ટડી અનુસાર, 40-69 વર્ષની ઉંમરના મૃત્યુ પામેલા લોકોમાં 45% કેસ હાર્ટ અટેકના હતા. ભારત જેવા દેશોમાં 30-50 વર્ષની ઉંમરમાં હાર્ટ અટેકના કેસમાં નોંધપાત્ર વધારો થયો છે. આહાર, બદલાતી લાઈફસ્ટાઈલ અને આનુવંશિકતા, આ ઉપરાંત હાઈ બ્લડ પ્રેશર અને એર પોલ્યુશન સ્ટ્રેસ જેવા આ રોગ થવાના મુખ્ય પરિબળો છે. આ વેક્સિન હજી પ્રાયોગિક તબક્કામાં છે. માનવ પરિક્ષણ સફળ રહે તો ભવિષ્યમાં હાર્ટ અટેક અને સ્ટ્રોક સામેની મહત્ત્વપૂર્ણ રક્ષણાત્મક સારવાર બની શકે.

પાકિસ્તાનમાં ચાર દિવસમાં ત્રીજો મોટો આતંકવાદી હુમલોઃ ચાર લોકો ઘાયલ

રાવલપિંડીઃ પાકિસ્તાનના દક્ષિણ વઝીરિસ્તાનમાં આવેલી એક મસ્જિદમાં શુક્રવારે મોટો વિસ્ફોટ થયો હતો. આ છેલ્લા ચાર દિવસમાં પાકિસ્તાનમાં થયેલો ત્રીજો મોટો આતંકવાદી હુમલો છે. જિલ્લા પોલીસ અધિકારી આસિફ બહાદુરે જણાવ્યું હતું કે આઝમ વારસાક બાયપાસ રોડ પર આવેલી મૌલાના અબ્દુલ અઝીઝ મસ્જિદમાં બપોરે 1:45 વાગ્યે એક ઇમ્પ્રોવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (IED) વિસ્ફોટ થયો હતો, જે મસ્જિદના ચબૂતરા પર મૂકવામાં આવ્યો હતો. આ વિસ્ફોટમાં ચાર જણ ઘાયલ થયા હતા. 

તેમણે જણાવ્યું, “વિસ્ફોટમાં જમિયત ઉલેમા ઇસ્લામ-ફઝલ (JUI) ના જિલ્લા પ્રમુખ અબ્દુલ્લા નદીમ ગંભીર રીતે ઘાયલ થયા હતા. JUI સાથે જોડાયેલા અન્ય ત્રણ લોકોને નાની-મોટી ઇજા પહોંચી છે. પોલીસ દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં ઘાયલોની ઓળખ રહમાનુલ્લા, મુલ્લા નૂર અને શાહ બહેરાન તરીકે કરવામાં આવી છે.

અધિકારીએ જણાવ્યું હતું કે આ વિસ્ફોટ મસ્જિદમાં મૌલવી દ્વારા બનાવેલા મંચમાં થયો હતો. તેમણે જણાવ્યું કે રેસ્ક્યુ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ઘાયલ લોકોને વાના જિલ્લાના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા.

અધિકારીએ જણાવ્યું પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને પુરાવા એકત્રિત કરી રહી છે. JUI-Fના પ્રમુખે મસ્જિદમાં થયેલા વિસ્ફોટની નિંદા કરી છે અને જણાવ્યું કે રમઝાનના પવિત્ર મહિનામાં મસ્જિદની પવિત્રતાનું ઉલ્લંઘન થયું છે. ઘાયલ લોકોને વાના જિલ્લાના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને અધિકારીઓ મસ્જિદ પર થયેલા આ હુમલાની તપાસ કરી રહ્યા છે. હજુ સુધી કોઈ પણ જૂથે આ હુમલાની જવાબદારી સ્વીકારી નથી.

 

ડેનવર ઈન્ટરનેશનલ એરપોર્ટ પર વિમાનમાં આગ, 172 મુસાફરો આબાદ બચાવ

અમેરિકાના ડેનવર ઈન્ટરનેશનલ એરપોર્ટ પર મોટો અકસ્માત સર્જાયો છે. અહીં અમેરિકન એરલાઇન્સના એક વિમાનમાં આગ લાગવાના કારણે હડકંપ મચ્યો હતો. આગ લાગવાની માહિતી મળતા જ તેમાં સવાર 172 મુસાફરોને તુરંત બહાર કાઢી દેવામાં આવ્યા હતાં. ડેનવર ઈન્ટરનેશનલ એરપોર્ટના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આગ ગેટ C38 પર ઊભા વિમાનમાં લાગી અને ટરમેક ઉપર કાળા ધૂમાડો થવા લાગ્યો હતો.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર એરપોર્ટ પ્રશાસનના જણાવ્યા અનુસાર, આગ પર તાત્કાલિક નિયંત્રણ મેળવવામાં આવ્યું છે અને કોઈ મુસાફર અથવા ક્રૂ મેમ્બર ઈજાગ્રસ્ત થયો નથી. વિમાનમાં 172 મુસાફરો અને 6 ક્રૂ મેમ્બર હાજર હતા. ડેનવર એરપોર્ટ પર વિમાનની સુરક્ષિત લેન્ડિંગ કરાવાયા બાદ તમામ યાત્રીઓને ટર્મિનલ સુધી પહોંચાડી દેવામાં આવ્યા. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) અનુસાર, આગ વિમાનના એન્જિનમાં સર્જાયેલી સમસ્યાને કારણે લાગી હતી. સુરક્ષા એજન્સીઓ દ્વારા આ ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.

ધુળેટીમાં સ્વામિનારાયણ મંદિરમાં ઊજવાયો ફૂલદોલોત્સવ 2025

અમદાવાદઃ શહેરની સોસાયટીમાં, શેરી, મહોલ્લા, પોળો, પાર્ટી પ્લોટ અને ક્લબોમાં ધુળેટી પર્વની રંગ ભરી ઉજવણી થઈ હતી. મ્યુઝિક, ડીજે અને ઢોલ-નગારાના તાલે લોકો નાચ્યા, ઝૂમી ઊઠ્યા હતા.  શહેરના માર્ગો પરથી પસાર થતાં વાહનોમાં પણ લોકો અવનવા રંગોથી રંગાયેલા જોવા મળ્યા. ધુળેટીમાં મસ્તીએ ચઢેલા કેટલાંક ટોળાં રોડ પર જ નાચતાં અને ચિચિયારીયો પાડતા નજરે પડ્યા હતા.

બીજી તરફ ધાર્મિક સ્થળો પર અનોખી રીતે ધુળેટીની ઉજવણી થઈ. અમદાવાદ શહેરના કાલુપુર સ્વામિનારાયણ મંદિર જે સૌથી જૂનું છે. હેરિટેજ વોક કાલુપુર સ્વામિનારાયણ મંદિર પાસેથી જ શરૂ થાય છે. એના પ્રસાદી ચોકમાં ‘ફૂલદોલોત્સવ’ ઊજવવામાં આવ્યો હતો. ફાગણ વદ એકમ શ્રી નર નારાયણદેવ જયંતી નિમિત્તે ઊજવવામાં આવેલા મંદિરના પ્રાંગણના ઉત્સવમાં લાલજી મહારાજ ઉપસ્થિત રહ્યા હતા.

કાલુપુર મંદિરના પ્રાંગણમાં હજારો હરિભક્તો, શહેરીજનો અને વિદેશી મુલાકાતીઓની હાજરીમાં રંગબેરંગી પાણી, ગુલાલ સાથે સૌએ ‘ફૂલદોલોત્સવ’ ની મજા માણી હતી.

(પ્રજ્ઞેશ વ્યાસ)

લદાખના કારગિલમાં 5.2ની તીવ્રતાનો ભૂકંપ, જમ્મુ-કાશ્મીરમાં પણ ઝટકા અનુભવાયા

લદાખ: દેશભરમાં જ્યારે હોળી-ધુળેટીનું ઉત્સાહભર્યું વાતાવરણ છે, ત્યારે લદાખના કારગિલમાં વહેલી સવારે 5.2ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો. ભૂકંપના જોરદાર આંચકાને કારણે લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો. આ ઝટકા એટલા તીવ્ર હતા કે તેની અસર સમગ્ર જમ્મુ-કાશ્મીરમાં પણ જોવા મળી.

રાષ્ટ્રીય ભૂકંપવિજ્ઞાન કેન્દ્ર (NCS) અનુસાર, ભૂકંપનું કેન્દ્ર જમીનના અંદાજિત 15 કિલોમીટર ઊંડાણે હતું. ભૂકંપના આંચકા જમ્મુ, શ્રીનગર અને આસપાસના વિસ્તારોમાં પણ અનુભવાયા હતા. લેહ-લદાખ પ્રદેશ ભારતના ભૂકંપ સંવેદનશીલ ઝોન-IV હેઠળ આવે છે, જે તેને ઊંચા જોખમવાળા વિસ્તારોમાં શામેલ કરે છે. હિમાલય ટેક્ટોનિક પ્લેટ્સના સંયોગસ્થાન પર આવેલું હોવાથી આ પ્રદેશમાં વારંવાર ભૂકંપ આવતા રહે છે. ભૂકંપના ઝટકા અનુભવાયા પછી લોકોની પ્રતિક્રિયાઓ સોશિયલ મીડિયા પર ઝડપથી વહેવા લાગી. કેટલાક યૂઝર્સે લખ્યું કે તેઓ સવારે ભયથી બહાર દોડી ગયા. હાલ સત્તાવાર રીતે કોઈ જાનહાનિ કે નુકસાનની માહિતી મળી નથી, પરંતુ સાવચેતી રાખવા માટે સ્થાનિક તંત્ર એલર્ટ મોડમાં છે.

પાવાગઢ દર્શન કરી પરત ફરી રહેલા પરિવારને નડ્યો અકસ્માત, ત્રણના મોત, પાંચ ઘાયલ

વડોદરા: શહેરના પોર નજીક એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો છે, જેમાં સુરતના એક પરિવારની અર્ટિગા કાર હાઈવે પરથી બહાર ઝાડ સાથે અથડાઈ હતી. આ ભયાનક દુર્ઘટનામાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે, જ્યારે અન્ય પાંચ વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થયા છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર સુરતના ડિંડોલી વિસ્તારમાં રહેતા અને મૂળ મહેસાણા જિલ્લાના રહેવાસી પરિવાર પાવાગઢ દર્શન માટે ગયો હતો. દર્શન કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે વડોદરાના પોર નજીક તેમની કાર હાઈવે પરથી નીચે ઉતરી ગઈ અને વૃક્ષ સાથે જોરદાર અથડાઈ. ઘટનાની જાણ થતાં તાત્કાલિક ફાયર બ્રિગેડ અને પોલીસ દળ ઘટનાસ્થળે પહોંચી ગયું હતું. આ અકસ્માતમાં કુલ આઠ લોકો સામેલ હતા, જેમાંથી ત્રણના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે પાંચ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક વડોદરાની સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. કેટલાક ગંભીર ઘાયલ દર્દીઓને વધુ સારી સારવાર માટે મકરપુરા હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ ચાલી રહી છે. અક્સ્માત એટલો ગંભીર હતો કે કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે પલટાઈ ગયો હતો. ફાયર વિભાગે કટર વડે કારનો કેટલોક ભાગ કાપી મૃતકોને બહાર કાઢ્યા હતા. હાલ પોલીસ દ્વારા આ અકસ્માતની વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

ધુળેટીના રંગમાં રંગાયા ન્યુ ઝીલેન્ડના PM ક્રિસ્ટોફર લક્સન

નવી દિલ્હીઃ ભારત સહિત વિશ્વમાં હોળીના તહેવારની ધૂમધામથી ઉજવણી થઈ રહી છે. વિશ્વના અલગ-અલગ દેશોમાંથી રંગબેરંગી દ્રશ્યો અને વિડિયો દરેક જગ્યાએથી સામે આવ્યા છે. ન્યુ ઝીલેન્ડના વડા પ્રધાન ક્રિસ્ટોફર લક્સન પણ આ રંગોત્સવના આનંદમાં જોડાયા હતા. ન્યુ ઝીલેન્ડના ઇસ્કોન મંદિરમાં 13 માર્ચે યોજાયેલા રંગોના તહેવારમાં તેમણે ભાગ લીધો, જેનો એક વીડિયો વાયરલ થયો છે.

આ વિડિયોમાં તેઓ દેશી શૈલીમાં મોટી ભીડ સાથે હોળી રમતા જોવા મળે છે. ગળામાં ફૂલોની માળા અને ખભે “હેપ્પી હોળી” લખેલો ટુવાલ પહેરીને તેઓ લોકો પર રંગો ફેંકતા નજરે પડ્યા, જ્યારે પાછળથી શંખનાદનો મધુર અવાજ ગૂંજતો સંભળાયો.

ભારતથી 8000 કિલોમીટરથી વધુ દૂર ન્યુઝીલેન્ડમાં ગુરુવારે હોળીનો માહોલ જામ્યો હતો. ઇસ્કોન મંદિરમાં આયોજિત આ કાર્યક્રમમાં સેંકડો લોકો એકઠા થયા હતા, અને વડા પ્રધાન ક્રિસ્ટોફર લક્સન પણ આ ઉજવણીનો હિસ્સો બન્યા હતા. ઇસ્કોન મેનેજમેન્ટે તેમને ખાસ આમંત્રણ આપ્યું હતું, જેને તેમણે આનંદથી સ્વીકાર્યું. હાથમાં રંગોથી ભરેલી ટાંકી લઈને તેઓ મંચ પર ઊભા રહ્યા અને “થ્રી… ટૂ… વન”ના નારા સાથે લોકો પર રંગો છાંટવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન લોકો ખુશીથી નાચતા અને ઉત્સાહથી ઝૂમતા જોવા મળી. લક્સન રંગોમાં એટલા રંગાયેલા હતા કે તેમને ન્યુ ઝીલેન્ડના વડા પ્રધાન તરીકે ઓળખવું મુશ્કેલ લાગતું હતું.

ઇસ્કોન સંસ્થા વિશ્વભરના પોતાના મંદિરોમાં રંગોત્સવનું આયોજન કરે છે, જેમાં હજારો લોકો ભાગ લે છે. ભારતના વૃંદાવનમાં હોળી જોવા માટે તો વિદેશથી પણ ભક્તો ઊમટી પડે છે. ન્યુ ઝીલેન્ડના આ કાર્યક્રમમાં રંગો અને ગુલાલની વચ્ચે લોકોનો ઉત્સાહ જોવાલાયક હતો, જે દર્શાવે છે કે હોળી એકતા અને આનંદનું પ્રતીક બની ગઈ છે.