Home Blog Page 1049

છત્તીસગઢમાં નક્સલ વિરોધી ઓપરેશન, સુરક્ષાદળો સાથે અથડામણમાં 16 નક્સલવાદીઓ ઠાર

છત્તીસગઢના સુકમા-દંતેવાડા સરહદ પર ઉપમપલ્લી અને કેરલાપાલ વિસ્તારના જંગલમાં આજે વહેલી સવારથી સુરક્ષાદળો અને નક્સલવાદીઓ વચ્ચે તીવ્ર ગોળીબાર થયો. આ એન્કાઉન્ટરમાં 16 નક્સલીઓ માર્યા ગયા છે, જ્યારે બે જવાનોને સામાન્ય ઈજાઓ પહોંચી છે. સેનાના ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ (DRG) અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) દ્વારા ઓપરેશન ચાલુ છે અને આખા વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

સુરક્ષા અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, માઓવાદીઓની હાજરીની ઇન્ટેલિજન્સ માહિતી મળ્યા બાદ શુક્રવારે રાત્રે આ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. સુકમા અને દંતેવાડાના જંગલોમાં ઘણીવાર નક્સલીઓના મોટા જૂથો એકત્ર થતા હોય છે, જેના પગલે સેનાએ ગોળીબાર શરૂ કર્યો અને નક્સલીઓને ભારે નુકસાન પહોંચાડ્યું.

આના થોડા દિવસ પહેલાં દંતેવાડા જિલ્લામાં નક્સલીઓ સામેની લડતમાં ત્રણ નક્સલીઓ ઠાર કરવામાં આવ્યા હતા. આમાં એક નક્સલીઓના ટોચના નેતા સુધાકર ઉર્ફે મુરલીનો પણ સમાવેશ થાય છે, જેના પર ₹25 લાખનું ઈનામ હતું. ઘટનાસ્થળેથી ઇન્સાસ રાઈફલ, 303 રાઈફલ અને દારૂગોળો મળી આવ્યો હતો. આ ઓપરેશન છત્તીસગઢમાં નક્સલીઓ સામેની સૌથી મોટી કાર્યવાહીમાંથી એક છે, જેમાં માઓવાદીઓને ભારે નુકસાન સહન કરવું પડ્યું છે. સુરક્ષા દળો હજુ પણ વિસ્તારમાં ઓપરેશન ચલાવી રહ્યા છે, જેથી નક્સલીઓની વધુ કોઈ ગતિવિધિ રોકી શકાય.

કોણ છે મિયાઝાકી હયાઓ? જેના ગિબલી સ્ટાઈલ ઈમેજ પાછળ ક્રેઝી થયા લોકો

ઈન્ટરનેટ પર ચોતરફ ગિબલીના ફોટોઝ જોવા મળી રહ્યાં છો. સોશયિલ મીડિયા પર ગિબલીનો ટ્રેન્ડ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વડાપ્રધાન મોદીથી લઈ બૉલિવૂડ સેલેબ્સ પણ ગિબલીનો ઉપયોગ કરતા જોવા મળ્યા છે. Open AIના ગિબલી ફિચર પાછળ યુઝર્સ ગાંડા થયા છે. પણ શું તમને ખબર છે આ ગિબલી છે શું? આની શરૂઆત કોણે કરી હતી?

કોણ છે મિયાઝાકી હયાઓ?

જાપાની એનિમેશન સ્ટુડિયોનું નામ ગિબલી છે. હયાઓ મિયાઝાકી જો ની જાપાની એનીમેશન સ્ટુડિયોના ફિલ્મમેકર અને સ્ટુડિયોના કો-ફાઉન્ડર છે. તેમણે એક અલગ જ પ્રકારના એનિમેશન કાર્ટુન ફોર્મેટને જન્મ આપ્યો, જેણે દુનિયાભરમાં ઓળખ મેળવી. આ ઈમેજ ફોર્મેટ સ્ટાઈને ગિબલી તરીકે ઓળખવામાં આવે છે.

મિયાઝાકી હયાઓનો જન્મ 5 જાન્યુઆરી, 1941માં જાપાનના ટોક્યોમાં થયો હતો. તે એક પ્રસિદ્ધ એનિમે નિર્દેશક થે. તેમણે 1963માં ટોઈ ડોગામાં એનિમેશનમાં પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તે એનિમેટેડ ફિલ્મો બનાવે છે. આ સિવાય તે એક મંગા કલાકાર પણ છે. મંગા સીરિઝમાં નૌસિકા ઓફ ધ વૈલી ઓફ ધ વિંડ માટે પણ તે જાણીતા છે, જેના પર તેમણે 1982થી 1984 સુધી અન્ય એનિમેટેડ ફિલ્મો અને હિકોકેઈ જિદાઈ સાથે કામ કર્યુ હતું.

ગિબલી સ્ટુડિયોની શરૂઆત

ગિબલી સ્ટુડિયોની શરૂઆત મિયાઝાકીને ઈસાઓ તાકાહાતા અને સુઝુકી તોશિયો સાથે મળીને 15 જુન, 1985માં કરી હતી. પોતાના હાથે બનાવેલા એનિમેશનની કહાનીને કહેવા માટે જાણીતા આ સ્ટુડિયોએ ‘નેબર ટોટોરો’, ‘સ્પિરિટેડ અવે’ અને ‘હાઉલ્સ મૂવિંગ કેસલ’ જેવી લોકપ્રિય ફિલ્મો બનાવી છે.કંપનીની શરૂઆત ટોકુમા શોટેનની સહાયક કંપનીના રૂપમાં થઈ હતી.

એક ઈન્ટરવ્યુમાં મિયાઝાકીએ AI જનરેટેડ એનિમેશનને ‘જીવનનું અપમાન’ ગણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે,”હું આ પ્રકારની વસ્તુઓ જોવામાં રસ ધરાવતો નથી. જે પણ આને બનાવે છે તેણે પીડા વિશે કંઈ જ ખબર હોતી નથી. હું આનાથી સંપૂર્ણપણે નિરાશ છું. જો તમે ખરા અર્થમાં કંઈ ડરામણી વસ્તુઓ બનાવવા ચાહો છો, તો તમે આગળ વધી શકો છો અને આવું કરી શકો છો. હું ક્યારેય પણ આ ટેક્નોલોજીનો મારા કામમાં સમાવેશ કરવા માંગીશ નહીં. મને દૃઢપણે લાગે છે કે આ જીવનનું અપમાન છે.”

ChatGPT બનાવનારી કંપની ઓપન AIએ GPT-4o ઈમેજ ટૂલ જનરેટ ફિચર લોન્ચ કર્યુ છે. આ ટૂલની મદદથી કોઈ પણ ઈમેજને ગિબલી (Ghibli)સ્ટાઈલમાં કન્વર્ટ કરી શકાય છે. આનો ઉપયોગ જો તમે ફ્રીમાં કરવા માંગતા હોય તો કેટલીક તસવીરો માટે કરી શકીએ છીએ. જોકે ChatGPTના પ્રીમિયમ વર્ઝન યુઝર્સ આ પ્રકારની ઈમેજને પેમેન્ટ દ્વારા વધુ જનરેટ કરી શકે છે. નોંધનીય છે કે ગિબલી સ્ટુડિયોએ ચેટજીપીટી દ્વારા ગિબલીના ઉપયોગ પર કોઈ સત્તાવાર પ્રતિક્રિયા કે ટિપ્પણી આપી નથી.

 

 

ટ્રમ્પે દિલ ખોલીને કર્યા PM મોદીના વખાણ, ગણાવ્યા સ્માર્ટ વ્યક્તિ અને સારા મિત્ર

વોશિંગ્ટન: ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ટેરિફ વાટાઘાટો વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આશા વ્યક્ત કરી કે ટેરિફ વાટાઘાટોના ખૂબ સારા પરિણામ આવશે. આ સાથે જ ટ્રમ્પે PM મોદીને તેમના ‘સારા મિત્ર’ અને ‘સ્માર્ટ’ વ્યક્તિ ગણાવ્યા. ભારત અને અન્ય દેશો દ્વારા અમેરિકન ચીજવસ્તુઓ પર લાદવામાં આવતી ડ્યુટીની ટ્રમ્પની સતત ટીકા વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિની તાજેતરની ટિપ્પણી ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.

ટ્રમ્પે PM મોદીના વખાણ કર્યા

અમેરિકી રાષ્ટ્રપતિએ શુક્રવારે વ્હાઇટ હાઉસમાં કહ્યું, ‘વડાપ્રધાન મોદી હાલમાં જ અહીં આવ્યા હતા. અમે હંમેશા ખૂબ સારા મિત્રો રહ્યા છીએ. તેમજ ભારત સાથે મારા સંબંધો ખૂબ જ સારા રહ્યા છે. પરંતુ ભારત સાથે મારે એક જ સમસ્યા છે કે તે દુનિયામાં સૌથી વધી ટેરિફ લગાવતા દેશોમાંથી એક છે. હું માનું છું કે ભારત કદાચ તેના ટેરિફને નોંધપાત્ર રીતે ઘટાડવા જઈ રહ્યું છે, પરંતુ 2જી એપ્રિલે અમે તેમની પાસેથી તે જ ટેરિફ વસૂલ કરીશું જે તેઓ અમારી પાસેથી ચાર્જ કરે છે.’

ટેરિફ અંગે બંને દેશો વચ્ચે વાતચીત

બંને દેશોએ પ્રારંભિક વેપાર કરારને અંતિમ સ્વરૂપ આપવા અને ટેરિફ અંગેના તેમના સ્ટેન્ડઓફને 2 એપ્રિલની સમયમર્યાદા નજીક આવતાં ઉકેલવા માટે વાટાઘાટો શરૂ કરી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ભારતે વેપારના પ્રથમ તબક્કામાં $23 બિલિયનની આયાત પર ટેરિફ કટની ઓફર કરી છે. બદામ અને ક્રેનબેરી જેવા અમેરિકન કૃષિ ઉત્પાદનો પર પણ છૂટ આપવામાં આવી છે.

ભારતીય સેનાના આત્મનિર્ભરતા માટે મોટો સુરક્ષા સોદો, કેન્દ્ર સરકારે આપી મંજૂરી

કેન્દ્ર સરકારે દેશની સુરક્ષા ક્ષમતાઓને વધુ મજબૂત બનાવવા માટે અત્યાર સુધીના સૌથી મોટા સુરક્ષા સોદાને મંજૂરી આપી છે. શુક્રવારે સુરક્ષા બાબતોની કેબિનેટ સમિતિ (સીસીએસ)ની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. સુરક્ષા મંત્રાલયે આ નાણાકીય વર્ષ દરમિયાન 2.09 લાખ કરોડ રૂપિયાથી વધુના કરારો પર હસ્તાક્ષર કર્યા છે, જેનાથી દેશની આત્મનિર્ભરતા અને સ્વદેશી હથિયાર ઉત્પાદનમાં વધારો થશે.

ભારત દ્વારા બનાવવામાં આવેલા એલસીએચ પ્રચંડ હેલિકોપ્ટર પણ આ સોદાનો એક મહત્વપૂર્ણ હિસ્સો છે. હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL)એ અત્યાર સુધી 15 એલસીએચ પ્રચંડ હેલિકોપ્ટર તૈયાર કર્યા છે, જેમાંથી 10 ભારતીય વાયુસેનામાં અને 5 ભૂમિદળમાં સામેલ કરાયા છે. બે જણ બેસી શકે તેવું આ 15.5 ફૂટ ઊંચું હેલિકોપ્ટર 5,800 કિલો વજન ધરાવે છે અને 700 કિલો સુધી હથિયારો વહન કરવાની ક્ષમતા ધરાવે છે.

સેનાના રિટાયર્ડ અધિકારીઓ અને સુરક્ષા નિષ્ણાતોના મતે એલસીએચ પ્રચંડનો સૌથી મોટો હરીફ યુએચ અપાચે અને એએચ-1ઝેડ વાઇપર હેલિકોપ્ટર છે. જો કે, આ હેલિકોપ્ટરોની ઊંચી કિંમત અને અમેરિકાની નિકાસ નીતિની મર્યાદાઓને કારણે તેને ખરીદવું સરળ નથી. એક અપાચે હેલિકોપ્ટરની કિંમત 30 મિલિયન ડોલરથી વધુ છે, જ્યારે એએચ-1ઝેડ વાઇપર 20 મિલિયન ડોલરથી વધુમાં મળે છે. આજના સંજોગોમાં સેનાના મજબૂતિકરણ માટે અને આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ, સ્વદેશી હથિયારો અને હેલિકોપ્ટરોની પસંદગી કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ સોદાથી ભારતીય રક્ષા ક્ષેત્ર વધુ મજબૂત બનશે અને ભવિષ્યમાં દેશની સુરક્ષા માટે મહત્ત્વપૂર્ણ ફાળો આપશે.

જાફરાબાદમાં કચરાનું રિસાઇક્લિંગ કરતું કારખાનું ભડકે બળ્યું

અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામ નજીક એક ખાનગી કારખાનામાં ભીષણ આગ ભભૂકી ઉઠી છે. કચરા રિસાયક્લિંગ માટેના આ કારખાનામાં અચાનક આગ લાગતા ભારે નુકસાન થવાની શક્યતા છે. આગ એટલી વિકરાળ છે કે તેના ધૂમાડાના ગોટેગોટા કિલોમીટરો દૂર સુધી દેખાઈ રહ્યા છે.

આગની જાણ થતાં જ જાફરાબાદ મામલતદાર અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. આગ પર કાબૂ મેળવવા માટે 7 જેટલી ફાયર બ્રિગેડની ગાડીઓ સતત પાણીનો મારો ચલાવી રહી છે. રાજુલા અને જાફરાબાદ નગરપાલિકા ઉપરાંત, પીપાવાવ પોર્ટ, સિન્ટેક્સ અને અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીના ફાયર વિભાગો પણ આગ ઓલવવાના પ્રયાસોમાં જોડાયા છે. સદનસીબે, હજી સુધી કોઈ જાનહાનીના સમાચાર નથી, પરંતુ આ કારખાનામાં ભારે આર્થિક નુકસાન થવાની શક્યતા છે.

બીજી તરફ, પોરબંદરના રતનપર વિસ્તારમાં જુરીના જંગલમાં આગની ઘટના બની છે. આ આગનું પ્રમાણ એટલું મોટું છે કે 1.5 કિલોમીટર દૂરથી પણ ધૂમાડાના ગોટેગોટા સ્પષ્ટ રીતે નજરે પડે છે. ઘટના બાદ તુરંત જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ ઓલવવાના પ્રયાસો શરૂ કરી દીધા હતા. ફાયર વિભાગ ઉપરાંત, કોસ્ટ ગાર્ડ અને હાથી સિમેન્ટ કંપનીની ફાયર ટીમ પણ રાહત કામગીરીમાં લાગી છે. આગનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી, પરંતુ ફાયર વિભાગની ટીમો સતત આગ પર કાબૂ મેળવવાના પ્રયત્નો કરી રહી છે.

લોકોના વિરોધ બાદ ઓસ્કાર એકેડેમીએ માફી માંગવી પડી, જાણો શું છે આખો મામલો?

ઓસ્કાર વિજેતા હમદાન બલ્લાલ પર યહૂદીઓ દ્વારા હિંસક હુમલો કરવામાં આવ્યો હતો અને ઇઝરાયેલી સેના દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી. એકેડેમી દ્વારા કેસને ટેકો ન આપવા અને તેમનું નામ ન લેવા બદલ સેંકડો સભ્યો દ્વારા આ બાબતનો વિરોધ કરવામાં આવ્યો હતો. વિવાદ વધતો જોઈને એકેડેમીએ માફી માંગી છે.

વિરોધ શા માટે થઈ રહ્યો છે?

એકેડેમી ઓફ મોશન પિક્ચર્સ આર્ટ્સ એન્ડ સાયન્સિસ (AMPAS) એ ગયા બુધવારે આ ઘટના પર પ્રતિક્રિયા આપી હતી, પરંતુ હમદાન બલ્લાલનું સીધું નામ લીધું ન હતું. આ કારણે આ અંગે તપાસ શરૂ કરવામાં આવી હતી. આ નિવેદન બાદ એકેડેમીના લગભગ 600 સભ્યોએ તેની સખત નિંદા કરી. પત્ર પર હસ્તાક્ષર કરનારાઓમાં માર્ક રફાલો, જેવિયર બાર્ડેમ, ઓલિવિયા કોલમેન, જોઆક્વિન ફોનિક્સ, એમ્મા થોમ્પસન, પેનેલોપ ક્રુઝ અને રિચાર્ડ ગેરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, પત્રકાર અને ‘નો અધર લેન્ડ’ના સહ-નિર્દેશક યુવલ અબ્રાહમે પણ એકેડેમીના પ્રતિભાવની આકરી ટીકા કરી અને કહ્યું કે આ હમદાનના હુમલા પર મૌન છે. સભ્યો દ્વારા જારી કરાયેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે બલ્લાલને નિશાન બનાવવું એ ફક્ત તેમના પર હુમલો નથી પરંતુ સત્ય કહેવાનો પ્રયાસ કરનારા દરેક વ્યક્તિ પર હુમલો છે.

એકેડેમીએ માફી માંગી

એકેડેમીએ ગયા શુક્રવારે એક નિવેદન બહાર પાડીને કહ્યું કે તે બલ્લાલ અને ફિલ્મનું નામ ન આપી શકવા બદલ દુ:ખ વ્યક્ત કરે છે. આ સાથે તેમણે કહ્યું કે તેઓ બલ્લાલ અને તે બધા કલાકારોની માફી માંગે છે જેમને તેમના અગાઉના નિવેદનોથી સમર્થન મળ્યું નથી. એકેડેમીએ એ પણ સ્પષ્ટતા કરી કે તે વિશ્વમાં કોઈપણ પ્રકારની હિંસાની નિંદા કરે છે.

શું છે આખો મામલો?

તાજેતરમાં, ‘નો અધર લેન્ડ’ ને દસ્તાવેજી ફીચર ફિલ્મ માટે ઓસ્કાર એવોર્ડ મળ્યો. લોસ એન્જલસમાં યોજાયેલા 97મા ઓસ્કાર એવોર્ડ્સમાં આ દસ્તાવેજી ફિલ્મની ખૂબ ચર્ચા થઈ હતી. ત્યારબાદ, ફિલ્મના સહ-દિગ્દર્શક હમદાન બલાલ પર પશ્ચિમ કાંઠે યહૂદી વસાહતીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો અને ઇઝરાયેલી સેના દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી. જોકે, હવે તેને મુક્ત કરવામાં આવ્યો છે. મુક્ત થયા પછી, બલ્લાલે કહ્યું કે તે લોકો તેના પર ચોક્કસ રીતે હુમલો કરી રહ્યા હતા.

ગુજરાતમાં ગરમી વચ્ચે માવઠાની આગાહી, જાણો ક્યા જિલ્લામાં થશે વરસાદ

ગુજરાતમાં ઉનાળો જામી ચૂક્યો છે. રાજ્યના અનેક જિલ્લા ગરમીનો પારો ઉપર જતો નોંધાય રહ્યો છે. ઘણાં શહેરોનું તાપમાન 40 ડિગ્રીને પાર કરી ગયું છે. આ દરમિયાન કેટલાક વિસ્તારોમાં તાપમાનમાં ઘટાડો પણ જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં દિવસના તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો છે. આ દરમિયાન હવામાન વિભાગે માવઠાની આગાહી કરી છે. રાજ્યના કેટલાક ભાગોના વાતાવરણમાં પલટો આવશે અને સામાન્યથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે મહારાષ્ટ્ર ઉપર એક સિસ્ટમ સક્રિય થઈ રહી છે. જેના કારણે 31મી માર્ચથી ત્રીજી એપ્રિલ સુધી ગુજરાતના વાતાવરણ પલટો આવશે. 31મી માર્ચે નર્મદા, તાપીમાં કમોસમી વરસાદ સંભાવના છે. પહેલી એપ્રિલે અમરેલી, ભાવનગર, સુરત, તાપી, નવસારી નર્મદા, છોટા ઉદેપુર, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદ પડી શકે છે. જ્યારે બીજી એપ્રિલે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, આણંદ, ખેડા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે. જ્યારે ત્રીજી ઓપ્રિલે નર્મદા, તાપીમાં કમોસમી વરસાદ સંભાવના છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર, ગુજરાતમાં તોફાન જેવા પવન ફૂંકાશે. બંગાળની ઉપસાગર અને અરબી સમુદ્રના ભેજ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના હવામાનમાં માર્ચના અંતથી અને એપ્રિલની શરુઆત સુધીમાં પલટો આવશે અને દક્ષિણ ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રના ભાગોમાં વાદળછાયા વાતાવરણ સાથે છાંટા પડવાની શક્યતાઓ છે.

VIDEO: ભૂકંપની થોડીક ક્ષણો બાદ બેંગકોકના રસ્તા પર બાળકનો જન્મ

બેંગકોક: થાઇલેન્ડમાં આવેલા ભયંકર ભૂકંપ દરમિયાન બેંગકોકમાં ડોક્ટરોએ પોલીસ જનરલ હોસ્પિટલની બહાર રસ્તા પર એક બાળકનો જન્મ કરાવ્યો. શુક્રવારે ભૂકંપ આવ્યો ત્યારે મહિલા સર્જરી હેઠળ હતી અને ડોક્ટરોને હોસ્પિટલ ખાલી કરાવવાની ફરજ પડી હતી. હોસ્પિટલના પ્રવક્તા પોલીસ કર્નલ સિરિકુલ શ્રીસંગાએ જણાવ્યું હતું કે, તબીબી ટીમો દર્દીને હોસ્પિટલમાંથી બહાર કાઢી અને આરોગ્યસંભાળ કર્મચારીઓથી ઘેરાયેલી મહિલાએ હોસ્પિટલની બહાર રસ્તા પર જ બાળકને જન્મ આપ્યો હતો.

આ ઘટનાના વિડીયો સોશિયલ મીડિયા પર વ્યાપકપણે શેર કરવામાં આવી રહ્યો છે. જેમાં મહિલા સ્ટ્રેચર પર પડેલી જોવા મળી રહી હતી. જ્યારે હોસ્પિટલનો સ્ટાફ ખુલ્લી હવામાં તેની ડિલિવરી કરાવવામાં મદદ કરી રહ્યો હતો. ફૂટેજમાં, હોસ્પિટલના અન્ય દર્દીઓના અસંખ્ય સ્ટ્રેચર પણ આંગણામાં ખસેડાયેલા જોઈ શકાય છે. ડોક્ટરે જણાવ્યું છે કે માતા અને બાળક હવે સ્થિર સ્થિતિમાં છે અને હોસ્પિટલના રૂમમાં સ્વસ્થ છે.

મ્યાનમાર ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 1,000થી વધુ થયો

મોન્યવા: મ્યાનમારમાં આવેલા ભયાનક ભૂકંપમાં મૃત્યુઆંક 1,000થી વધુ થઈ ગયો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ સંખ્યા વધુ વધવાની ધારણા છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, શુક્રવારે મ્યાનમારમાં રિક્ટર સ્કેલ પર 7.2 અને 7.0ની તીવ્રતાના સતત બે મોટા ભૂકંપ આવ્યા. મ્યાનમારમાં એક પછી એક આવેલા બે શક્તિશાળી ભૂકંપના કારણે પાંચથી વધુ દેશમાં ધરા ધ્રૂજી ઊઠી હતી.

જો કે, આ ભૂકંપના કારણે મ્યાનમાર અને થાઈલેન્ડમાં સૌથી વધુ નુકસાન થયું છે. મ્યાનમાર અને થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં સેંકડો બહુમાળી ઈમારતો પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઇ હતી. બેંગ્કોકના ચતુચક જિલ્લામાં નિર્મણાધીન 30 માળની ગગનચુંબી ઇમારત પણ  ધરાશાયી થઈ ગઈ. થાઈલેન્ડના નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ઇમરજન્સી મેડિસિનનો ઉલ્લેખ કરતા ધ નેશન ન્યૂઝ અનુસાર, બાંધકામ હેઠળની ઇમારતમાં 43 કામદારો ફસાયા હતા.

મ્યાનમારના બીજા સૌથી મોટા શહેર માંડલે નજીક સાગાઈંગમાં શુક્રવારે બપોરે 12:00 કલાકે 7.7ની તીવ્રતાના ભૂકંપે  ભારે વિનાશ વેર્યો હતો. વિનાશક ભૂકંપની મિનિટો પછી 6.4ની તીવ્રતાના આફ્ટર શોક્સ પણ અનુભવાયા હતા. આમ, મ્યાનમારમાં 50 મિનિટના ટૂંકાગાળામાં ભૂકંપના ત્રણ મોટા ઝટકા નોંધાયા હતા. ત્યાર પછીના આફ્ટર શોક્સની તીવ્રતા ઘટતી ગઈ હતી. આગામી 24 કલાકમાં હજુ વધુ ભૂકંપ આવવાનું જોખમ હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.

રાજધાની નેપીડૉમાં સેંકડો ઈમારતો તૂટી પડતાં કાટમાળ નીચે અનેક લોકો ફસાયા હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. મ્યાનમારના લશ્કરી શાસકોએ રાજધાની નેપીડૉ અને માંડલે સહિત દેશના છ પ્રાંતોમાં ઈમર્જન્સી જાહેર કરી દીધી હતી. મ્યાનમારના સૌથી મોટા શહેર યાંગોનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

મ્યાનમારની મિલિટ્રીનું નિવેદન 

મ્યાનમારના મિલિટ્રી જુન્ટાએ ભૂકંપ અંગે અપડેટ જાહેર કરતાં જણાવ્યું કે શુક્રવારે આવેલો ભૂકંપ એટલો ભયાનક હતો કે તેની અસર પશ્ચિમ ભારતથી માંડીને ચીન સુધી જોવા મળી હતી. તેની લપેટમાં કમ્બોડિયા અને લાઓસ પણ આવી ગયા હતા. આ સાથે મૃત્યુઆંક 1,000 થઇ ગયાનો દાવો કર્યો હતો. આ આંકડો ફક્ત મ્યાનમારનો છે. જ્યારે થાઈલેન્ડના બેંગકોકમાં 10 લોકોના મોતનો આંકડો છે પરંતુ એક નિર્માણાધીન ઈમારત ધરાશાયી થતાં તેમાં સેંકડો શ્રમિકો દટાયાની માહિતી છે. જેથી મૃત્યુઆંક અહીં પણ વધી શકે છે. 

મ્યાનમાર અનેક વર્ષોથી ગૃહયુદ્ધમાં સપડાયેલું હોવાથી અનેક પ્રાંતોમાં મદદ કેવી રીતે પહોંચાડવી તે સ્પષ્ટ થઈ શક્યું નથી. રેડ ક્રોસે કહ્યું કે, ભૂકંપના કારણે વીજળીના થાંભલા પડી જવાથી વીજપુરવઠો ખોરવાઈ ગયો છે. વધુમાં અનેક જગ્યાઓ પર રસ્તાઓ તૂટી જવાથી રાહત કાર્ય પડકારજનક બન્યું છે.

જયપુરમાં વીર તેજાજીની પ્રતિમા તોડવાના મામલે હોબાળો

જયપુરના સાંગાનેર વિસ્તારના પ્રતાપનગર સેક્ટર-3માં એક ઘટના પ્રકાશમાં આવી છે જ્યાં અસામાજિક તત્વો દ્વારા વીર તેજાજી મહારાજની પ્રતિમાને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. આનાથી સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાયો હતો, જેના પરિણામે તેઓએ જયપુર-ટોંક રોડ બ્લોક કરી દીધો હતો, બજારો બંધ કરાવી દીધા હતા અને ટાયરો સળગાવીને વિરોધ કર્યો હતો. પરિસ્થિતિને કાબુમાં લેવા માટે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

નાગૌરના સાંસદ હનુમાન બેનીવાલે આ ઘટનાની નિંદા કરી અને જયપુર પોલીસ કમિશનરને ગુનેગારોની તાત્કાલિક ધરપકડ કરવા અને તેમની સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરી. તેમણે કહ્યું કે અસામાજિક તત્વો દ્વારા આવા કૃત્યો જાહેર શ્રદ્ધાની મજાક છે, જેને સહન કરવામાં આવશે નહીં.

નોંધનીય છે કે રાજસ્થાન સરકારે માર્ચ 2023 માં વીર તેજાજી કલ્યાણ બોર્ડની રચનાની જાહેરાત કરી હતી, જેનો ઉદ્દેશ્ય સમાજની સ્થિતિનો અભ્યાસ કરવાનો અને તેમનું પછાતપણું દૂર કરવા માટે સૂચનો આપવાનો છે.