Home Blog Page 1048

વડાપ્રધાન બન્યા પછી મોદી પહેલીવાર સંઘ મુખ્યાલય પહોંચ્યા

PM મોદી આજે સવારે લગભગ 9 વાગ્યે નાગપુર પહોંચ્યા. પીએમ મોદીએ સંઘના શતાબ્દી વર્ષમાં સંઘ મુખ્યાલયની મુલાકાત લીધી હતી. પ્રધાનમંત્રી બન્યા પછી પીએમ મોદીની આરએસએસ મુખ્યાલયની આ પહેલી મુલાકાત છે અને આ મુલાકાતને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. મહારાષ્ટ્ર ભાજપ પ્રમુખ ચંદ્રશેખર બાવનકુલેએ પીએમ મોદીની મુલાકાત અંગે કહ્યું કે નાગપુરમાં તેમના આગમનને કારણે સમગ્ર વિદર્ભમાં ઉત્સાહનો માહોલ છે. 47 સ્થળોએ તેમના સ્વાગત માટે તૈયારીઓ કરવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે, પીએમ મોદી ડૉ. હેડગેવાર સ્મૃતિ મંદિર ગયા અને RSSના સ્થાપક ડૉ. હેડગેવાર અને માધવ સદાશિવ ગોલવલકરની સમાધિ પર શ્રદ્ધાંજલિ આપી. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ નાગપુર એરપોર્ટ પર પીએમ નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યું. પ્રધાનમંત્રી મોદી આરએસએસ સ્મૃતિ મંદિર પહોંચ્યા અને ડૉ. હેડગેવારને શ્રદ્ધાંજલિ આપી.

પીએમ મોદી દીક્ષાભૂમિની મુલાકાત લેશે

પ્રધાનમંત્રી મોદીએ નાગપુરમાં દીક્ષાભૂમિની પણ મુલાકાત લીધી હતી. આ એ જગ્યા છે જ્યાં ડૉ. બી.આર. આંબેડકર અને તેમના અનુયાયીઓએ બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો. પીએમ મોદીએ મહાત્મા બુદ્ધની પણ પૂજા કરી. આ દરમિયાન મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પણ હાજર હતા.

Ghibli Style સ્ટાઇલ જ નહીં, ChatGPT દ્વારા બનાવો અદ્ભુત ફોટા

છેલ્લા કેટલાક દિવસોથી ઘિબલી સ્ટાઇલની તસવીરો ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે. દરેક વ્યક્તિ પોતાના ફોટાને ઘિબલી સ્ટાઇલના ફોટામાં કન્વર્ટ કરી રહ્યા છે અને શેર કરી રહ્યા છે. ચેટજીપીટી આવી તસવીરો ખૂબ સારી રીતે બનાવી રહ્યું છે. જોકે કેટલાક વપરાશકર્તાઓ એલોન મસ્કના ગ્રોક 3 નો ઉપયોગ કરીને આવી તસવીરો પણ બનાવી રહ્યા છે, પરંતુ લોકો ચેટજીપીટીનો ઉપયોગ કરીને બનાવેલી છબીઓને વધુ પસંદ કરી રહ્યા છે. દરમિયાન, શું તમે જાણો છો કે ChatGPT વડે, તમે માત્ર Ghibli Style જ નહીં પણ Pixar Style, Disney 2D Classic, Comic Book Style અને Watercolor Portrait Style ના ફોટા પણ બનાવી શકો છો, જે ખૂબ જ સુંદર લાગે છે.

Pixar Style 3D Image

જો તમે પણ પિક્સાર ફિલ્મોના ચાહક છો, તો તમે ચેટજીપીટી પરથી પિક્સાર સ્ટાઇલ 3D ઇમેજ પણ બનાવી શકો છો. પિક્સાર શૈલીમાં પાત્રો ખૂબ જ જીવંત અને તેજસ્વી રંગોથી ભરેલા દેખાય છે. તેમની ડિઝાઇન થોડી કાર્ટૂન જેવી છે પણ ખૂબ જ સુંદર છે. મોટી આંખો અને ખાસ હાવભાવ સાથેની આ શૈલી તમને ખૂબ ગમશે.

Disney 2D Classic

જો તમને ડિઝનીના લોકપ્રિય જૂના કાર્ટૂન જેમ કે સ્નો વ્હાઇટ અથવા ધ લિટલ મરમેઇડનો ક્લાસિક 2D લુક ગમે છે, તો તમે તેને ChatGPT વડે તમારા ફોટા માટે પણ બનાવી શકો છો. ડિઝનીની 2D ક્લાસિક શૈલી તેની સરળ છતાં આકર્ષક પાત્ર ડિઝાઇન અને હળવા, સ્વચ્છ શેડ્સ માટે જાણીતી છે. આ પ્રકારનો ફોટો બનાવવા માટે, તમારે “ફોટો બદલો ડિઝની 2D ક્લાસિક” લખવું પડશે.

Comic Book Style

જો તમને કોમિક પુસ્તકો ખૂબ ગમે છે, તો હવે તમે તમારા ફોટાને કોમિક બુક શૈલીમાં કન્વર્ટ કરી શકો છો. આવા ફોટામાં બોલ્ડ લાઇનો, શેડેડ ઇફેક્ટ્સ અને ક્યારેક પોપ-આઉટ ટેક્સ્ટ હશે જે ક્રિયા અથવા લાગણીઓને વધુ સારી રીતે વ્યક્ત કરશે. તમે તમારા ફોટાને કોમિક બુક સ્ટાઇલમાં રૂપાંતરિત કરીને ટ્રેન્ડથી કંઈક અલગ કરી શકો છો.

Watercolor Portrait Style

જો તમે તમારા ફોટાને પેઇન્ટિંગનો અનુભવ આપવા માંગતા હો, તો તમે તમારા ફોટાને વોટરકલર પોટ્રેટ સ્ટાઇલમાં પણ કન્વર્ટ કરી શકો છો. ખાસ વાત એ છે કે તેમાં બ્રશ સ્ટ્રોક અને સોફ્ટ બ્લેન્ડિંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેના કારણે ફોટો પેઇન્ટિંગ જેવો દેખાય છે. વોટરકલર પોટ્રેટ્સ ખૂબ નરમ અને અલૌકિક દેખાવ ધરાવે છે. તમે ChatGPT ને પૂછીને પણ પોતાનો આવો ફોટો બનાવી શકો છો.

Manga Style

આ ઉપરાંત, જો તમે જાપાનીઝ કોમિક્સ અથવા એનિમેશન શૈલીના ચાહક છો, તો તમે ChatGPT માંથી બનાવેલા આવા ફોટા પણ મેળવી શકો છો. ઘિબલી સ્ટાઇલની જેમ, મંગા સ્ટાઇલ પણ તમારા માટે સારો વિકલ્પ હોઈ શકે છે. આ શૈલીમાં બનાવેલા ચિત્રમાં, મોટી આંખો અને વિગતવાર વાળની ​​શૈલી સાથે, ચહેરાના અભિવ્યક્તિઓ જોઈ શકાય છે.

તુજ સંગ પ્રીત લગાઈ સોના…

સુવર્ણ પ્રત્યેની ભારતીયોની પ્રીતિ યુગોથી પ્રચલિત છે. ઋગ્વેદમાં કહ્યું છે કે સૃષ્ટિનું સર્જન હિરણ્ય (સુવર્ણ) ગર્ભમાંથી થયું છે, એટલે આ પ્રેમ આપણા DNAમાં છે. રાજા દુષ્યંતે શકુંતલાને નિશાની માટે પોતાની વીંટી આપેલી અર્થાત્ સુવર્ણ એ કાળે પણ વિશ્ર્વાસ અને પ્રતિબદ્ધતાનું પ્રતીક હતું. પરીક્ષિત રાજાના સોનાના મુગટમાંથી જ કળિયુગ આ જગતમાં પ્રવેશી શક્યો એમ કહ્યું છે. આમ સોનું સંસારની માયાનું પ્રતીક પણ છે.

એ.એલ. બશમે એમના પુસ્તક વન્ડર ધૅટ વૉઝ ઈન્ડિયામાં લખ્યું છે કે બુદ્ધના સમય પછી ભારતીય વેપારીઓ વિદેશી ધરતી તરફ વેપાર માટે વળ્યા અને તેજાના, રેશમની નિકાસ છેક રોમ સુધી કરતા તથા બદલામાં સોનું લઈ આવતા. એક સમયે રોમનું ઘણુંખરું સોનું ભારત પગ કરી ગયું ને ત્યાં તંગી ઊભી થઈ ત્યારે રોમના તત્કાલીન શાસકે આદેશ બહાર પાડ્યો હતો કે ભારતીયોને સોનું ન આપવું!

આજે 10 ગ્રામની સોનાની ચેન આશરે રૂપિયા એક લાખમાં પડે, જે મોટા ભાગના મધ્યમવર્ગી ભારતીયોની વાર્ષિક બચત જેટલી ગણાય. IIM-અમદાવાદના ઈન્ડિયા ગોલ્ડ પૉલિસી સેન્ટરે કરેલા સોનાના ગ્રાહકોના સર્વેક્ષણ મુજબ સોનાનો સૌથી મોટો ગ્રાહકવર્ગ રૂપિયા બે લાખથી રૂપિયા દસ લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતો મધ્યમ વર્ગ છે. સોનાની કુલ ખરીદીમાં આ વર્ગનો 56 ટકાનો હિસ્સો છે. આ સર્વે ત્રણ વર્ષ પહેલાં થયો, એ પછી સોનાનો ભાવ ભારતમાં લગભગ બમણો થઈ ગયો છે, પણ ફૂગાવાને કારણે બચત બહુ વધી નથી એટલે રૂપિયા 90,000 પ્રતિ 10 ગ્રામના ભાવે મધ્યમ વર્ગનો સોનાની માગમાં પહેલાં જેટલો હિસ્સો જળવાઈ રહેશે કે કેમ એ પ્રશ્ન છે.

અલબત્ત, વરસોવરસથી જોવાતું આવે છે કે સોનાના ભાવ વધે અને ઊંચા ભાવે એ સ્થિર થાય પછી ફરી માગ નીકળે છે. આ વખતે પણ ઝવેરીઓ એવી આશા સાથે જ બેઠા છે, છતાં લંડનમાં હેડક્વાર્ટર ધરાવતી બુલિયન રિસર્ચ કંપની મેટલ ફોક્સના મુંબઈ સ્થિત પ્રિન્સિપલ કન્સલ્ટન્ટ ચિરાગ શેઠ કહે છે: ‘અત્યારના ઊંચા ભાવે સોનાની માગ પહેલાં જેવી રહે એ મુશ્કેલ છે, કારણ કે એ મધ્યમ વર્ગની પહોંચની બહાર જઈ રહ્યું છે. જો કે ઓછી શુદ્ધતા, જેમ કે 18 કૅરેટની જ્વેલરી કે ઓછા વજનનાં આભૂષણો અને રોકાણ માટે ગોલ્ડ કૉઈનનું ચલણ વધતું જોવા મળશે.’

આમ પણ હમણાં સામાન્ય જનને સોનું પરવડે એવી રેન્જમાં લાવવા માટે 18 કૅરેટ અને 14 કૅરેટના દાગીના બનાવવાનું ચલણ વધ્યું છે. એ ઉપરાંત, ઝવેરાત ઉદ્યોગે નવ કૅરેટના દાગીનાનું હોલમાર્કિંગ કરવાની સરકારને રજૂઆત કરી છે. નવ કૅરેટના દાગીના અત્યારના ભાવ કરતાં અડધા ભાવે મળી શકે. અલબત્ત, મોટા ભાગના દાગીના માટે હજી બાવીસ કૅરેટનું જ ચલણ જોવાય છે. ઓછી શુદ્ધતાનું સોનું સ્વીકારતાં ભારતીય ગ્રાહકોને સમય લાગશે. સોનાના ખૂબ ઊંચા ભાવે ગ્રાહકોમાં હાલ બે વલણ જોવામાં આવી રહ્યાં છે. એક, ઊંચા ભાવે જૂનું સોનું, સિક્કા-દાગીના વેચીને રોકડા ઊભા કરવા. છેલ્લા બે મહિનાથી સોનાની આયાત ઘટી છે, પરંતુ જૂના સોનાની સપ્લાય વધી હોવાથી એકંદરે વેપાર જળવાઈ રહ્યો છે.

બીજું, સોના સામે લોન લેવાનું વલણ પણ વધ્યું છે. નીચલો અને મધ્યમ વર્ગ નાણાંની જરૂરત સંતોષવા મોંઘવારીના સમયમાં સોનું ગિરવે મૂકીને લોન લેતો હોય છે. બૅન્કો સોનાની કિંમતના 75 ટકા અને ખાનગી ફાઈનાન્સ કંપનીઓ 65 ટકા લોન આપે છે. હવે અચાનક અને ઝડપથી ભાવ વધ્યા હોવાથી લોન લેનારો વર્ગ ગિરવે મૂકેલા સોના સામે વધુ લોનનો હકદાર બને છે અને એ વધારાની લોન મોટા ભાગના લોકો લઈ રહ્યા છે.

છેલ્લાં થોડાં વર્ષથી ડિજિટલ ગોલ્ડનું ચલણ પણ વધ્યું છે. 100 રૂપિયા જેટલી નાની રકમથી પેટીએમ-MMTC, ડિજિગોલ્ડ, ઓગ્મોન્ટ  સહિતની અનેક મોબાઈલ ઍપથી સોનું ખરીદી શકાય અને એ મોબાઈલ ઍપની કંપની એટલી રકમનું સોનું રોકાણકારના નામે થર્ડ પાર્ટી ટ્રસ્ટી કંપની પાસે જમા રાખે છે. ગોલ્ડ ઈ.ટી.એફ. આવી જ વ્યવસ્થા છે, પણ એ શૅરબજારમાં લિસ્ટેડ હોય છે એટલે એને સેબીનાં નિયમન લાગુ પડે છે. એમેઝોન, ફ્લિપકાર્ટ  જેવી ઈ-કૉમર્સ ઍપ મારફત ઘણી વખત સોના-ચાંદીના સિક્કા અમુક બૅન્કોનાં ક્રેડિટ કાર્ડથી ખરીદો તો 10 ટકા જેટલું ડિસ્કાઉન્ટ મળે છે. આ રીતે ખરીદી સસ્તી પડે છે.

અલબત્ત, અત્યારે બદલાતાં વહેણ વચ્ચે મૂળ પ્રશ્ન એ છે કે આટલા ઊંચા ભાવે સોનું ખરીદી શકાય? ઊંચા ભાવને કારણે સોના-ચાંદીની ચમક ઝાંખી પડશે?

આ બાબતે સોના-ચાંદીની બજારના અને માગ-પુરવઠા, તેજી-મંદીની સાઈકલો જોનારા અભ્યાસુઓ કહે છે કે દરેક ભાવે સોનું લેવાય, કારણ કે ફુગાવો-મોંઘવારી વધે એની સામે સોનું રક્ષણ આપે છે.

છેલ્લાં 100 વર્ષના સોનાના ભાવોનો અભ્યાસ કરતાં જણાય છે કે સોનામાં એક દાયકો તેજીનો, પછીનો દાયકો મંદી અને ત્યાર બાદ ભાવની સ્થિરતા, એ રીતે સાઈકલ ફરે છે. સપ્ટેમ્બર, 2001માં અમેરિકાના ટ્વિન ટાવર પરના ત્રાસવાદી હુમલા પહેલાં સોનાના જે ભાવ હતા એ 10 વર્ષમાં 10 ગણા વધી ગયા. 2011 પછી ભાવમાં કડાકો બોલાયો, જેની 2017-18 પછી કળ વળી અને ભાવ સુધર્યા. છેલ્લાં 100 વર્ષની તેજી-મંદીનાં વલણ યથાવત્ રહે તો 21મી સદીનો ત્રીજો-વર્તમાન દાયકો તેજીનો છે એમ કહી શકાય. સોના સાથે ચાંદીના ભાવ વધે જ છે અને ચાંદીના ભાવવધારાની ગતિ પણ સોના કરતાં ઝડપી હોય છે એટલે ચાંદીમાં પણ તેજી રહેશે.

આર્થિક સંકટો, મંદી, ફૂગાવો, રાજકીય ઊથલપાથલ સોના માટે બહુ અનુકૂળ તેજી તરફી પરિબળો છે. દરેક દેશની રિઝર્વ બૅન્કો જેવી સેન્ટ્રલ બૅન્કો એમની કરન્સીને ટેકો આપવા સોનું જમા કરી રહી છે. સહુથી વધુ સોનું અમેરિકાના રિઝર્વ ફેડરલ  પાસે છે અને રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયા  આ યાદીમાં નવમા સ્થાને છે.

આગામી વલણ વિશે અમેરિકાના નિષ્ણાત સલાહકાર અને પ્રતિષ્ઠિત અરોરા રિપોર્ટના લેખક નિગમ અરોરા પ્રિયદર્શિનીને કહે છે: ‘3000 ડૉલર પ્રતિ ઔંસના ભાવે સોનું ટેક્ધિકલી ઓવર સોલ્ડ છે (એટલે વેપારીઓ નફો બુક કરે એવી સંભાવના છે), પરંતુ સાથે-સાથે સોનાની તેજીને ટેકો આપનારાં પણ અનેક પરિબળો મોજૂદ છે, જેમ કે અમેરિકાની ટેરિફ પૉલિસી. ઘટી રહેલો ડૉલર અને અમેરિકામાં વ્યાજદર ઘટવાની સંભાવના તેમ જ અમેરિકામાં આર્થિક મંદીની દહેશત સોનાના ભાવો વધવાતરફી રાખશે.’

ટ્રમ્પ વહીવટી તંત્ર સોના-ચાંદીની આયાત ડ્યુટી વધારે એવા ભયથી બે-ત્રણ સપ્તાહથી દુનિયાભરમાંથી સોનું અને ચાંદી અમેરિકામાં ભેગાં કરાય છે. સોનાના આંતરરાષ્ટ્રીય ભાવોનું સીધું પ્રતિબિંબ ભારતીય બજારો પર પડે છે એટલે અહીં એકંદરે તેજી ચાલુ રહેશે. જો કે રોકાણકારે યાદ રાખવું પડે કે સોનાને સલામતી, મોંઘવારી સામે રક્ષણ, સંકટ સમયની સાંકળ ગણીને એમાં ઈન્વેસ્ટ કરો તો એ કોઈ પણ ભાવે સલામત છે, પરંતુ થોડું થોડું સોનું લેવું. ઊંચા ભાવે રોકાણ માટે સાવચેતી રાખવી.

ગરીબોનું સોનું કહેવાતી ચાંદી હજી ચમકશે…

સોનાની તેજી સાથે ચાંદીનો ભાવ પણ કિલોદીઠ રૂપિયા એક લાખને પાર કરી ગયો છે. યાદ રહે, હજી જુલાઈ, 2024માં સોના-ચાંદીની આયાત જકાત 15 ટકાથી ઘટાડીને 6 ટકા કર્યા પછીની આ સ્થિતિ છે, નહીં તો આજે સોનાનો ભાવ રૂપિયા એક લાખ પ્રતિ 10 ગ્રામ અને ચાંદીનો રૂપિયા 1.10 લાખ જેટલો હોત.

ચાંદીનો ભારતમાં વધુ વપરાશ આભૂષણો અને વાસણો બનાવવા માટે થાય છે, પરંતુ હવે સૌરઊર્જાની વધતી માગને કારણે એની પૅનલ બનાવવા માટે ચાંદીનો વપરાશ વધી રહ્યો છે.

હાલ રૂપિયા એક લાખના ભાવે પણ કોઈ જૂની ચાંદી કે વાસણો વેચીને રોકડું કરી લેવા ઈચ્છતું નથી, કારણ કે 2010થી ભારતીય વેપારીઓ અને ચાંદીના રોકાણકારો એક કિલોનો ચાંદીનો ભાવ એક લાખ રૂપિયા આવે એની રાહ જુએ છે. 2011માં રૂપિયા 70 હજારની ઉપર ભાવ આવ્યો અને પછી કડાકો બોલી ગયો. એ વખતે ચાંદીના આંતરરાષ્ટ્રીય ભાવ પણ ઔંસદીઠ 49 ડૉલર થયેલા, જ્યારે આજે 34 ડૉલર જ છે. આ સામે 2011માં સોનું ઔંસદીઠ 2000 ડૉલર થયેલું, એ અત્યારે 14 વર્ષ પછી 3000 ડૉલર થયું છે. ચાંદીના દેશના સૌથી મોટા આયાતકાર અને વેપારી આમ્રપાલી-ગુજરાતના CEO ચિરાગ ઠક્કર જણાવે છે કે ચાંદીમાં તેજી બરકરાર રહેશે. જો ભાવ થોડો પણ નીચે આવ્યો તો ઘણી લેવાલી નીકળશે. ટેક્ધિકલ નિર્દેશાંકો પણ તેજી સૂચવે છે. 34 ડૉલરથી ઉપર 38, 42 અને 52 ડૉલર પ્રતિ ઔંસ ભાવ થઈ શકે એટલે રૂપિયા દોઢ લાખ પ્રતિ કિલોનો ભાવ પણ સંભવ છે.’

સોનાની તુલનાએ ચાંદીના ઉત્પાદન અને વપરાશમાં મોટો ફરક છે. સોનું ખાણમાંથી કાચા સોના રૂપે મળે, જ્યારે ચાંદીની ખાણ હોય. ઉપરાંત જસત જેવી ધાતુઓમાં મિશ્રિત સ્વરૂપે પણ નીકળે, જેને રિફાઈન કરીને જસત અને ચાંદી જુદી પાડવામાં આવે છે. આભૂષણો અને વાસણોમાં વપરાતી ચાંદીમાં મિશ્રણ બહુ જ થતું આવ્યું છે. સોનામાં હોલમાર્કિંગ ફરજિયાત થયા બાદ ગ્રાહકોની સોનાની શુદ્ધતા પ્રત્યે વિશ્ર્વસનીયતા વધી છે. જ્યારે ચાંદીની શુદ્ધતા સામે પ્રશ્ન છે. આજે પણ ચાંદીનાં વાસણો કે આભૂષણોમાં 25થી 50 ટકા સુધીનું મિશ્રણ મળશે. આ સમસ્યાના હલ માટે ચાંદીમાં ફરજિયાત હોલમાર્કિંગ કરવા માટે વેપાર-ઉદ્યોગે એક અવાજે કેન્દ્ર સરકારને ભલામણ કરી છે. જેનો સરકારે સૈદ્ધાંતિક સ્વીકાર કરી લીધો હોવાનું ઉદ્યોગવર્તુળો જણાવે છે.

ચાંદીમાં તેજી ચાલુ રહેવા માટે વધી રહેલી માગ મુખ્ય પરિબળ છે. ભારતમાં અત્યારે ચાંદીની માગ ઊંચા ભાવને કારણે સીમિત છે, પરંતુ સોનું પણ મોંઘું થયું હોવાથી નવી નવી જ્વેલરી પહેરવા ઈચ્છતી નવી પેઢી પણ ચાંદીનાં આભૂષણો તરફ વળી રહી છે.

(રાજેશ ભાયાણી-મુંબઈ)

(તસવીરો: મલબાર ગોલ્ડ ડાયમંડ્સ)

ગાઝામાં હમાસે યુદ્ધવિરામ પ્રસ્તાવને મંજૂરી આપી

ગાઝામાં ચાલી રહેલા યુદ્ધવિરામ પર શંકાના વાદળો ઘેરાઈ રહ્યા છે. હમાસ વતી, કતાર અને ઇજિપ્ત દ્વારા આપવામાં આવેલા પ્રસ્તાવને સ્વીકારવામાં આવ્યો છે પરંતુ ત્યાં સુધી ઇઝરાયલે એક નવો પ્રસ્તાવ રજૂ કર્યો છે. હમાસે ગાઝા પટ્ટીમાં ઇઝરાયલ સાથે યુદ્ધવિરામના પ્રસ્તાવને મંજૂરી આપી છે. હમાસે શનિવારે કહ્યું હતું કે તેણે મધ્યસ્થી ઇજિપ્ત અને કતાર દ્વારા રજૂ કરાયેલા યુદ્ધવિરામ પ્રસ્તાવને સ્વીકારી લીધો છે, પરંતુ ઇઝરાયલે કહ્યું કે તેણે યુનાઇટેડ સ્ટેટ્સ સાથે મળીને એક નવો પ્રસ્તાવ તૈયાર કર્યો છે ત્યારે મૂંઝવણ ઊભી થઈ. આ પ્રસ્તાવમાં, ઇઝરાયલ દ્વારા મુક્ત કરવામાં આવનાર બંધકોની સંખ્યામાં ફેરફાર કરવામાં આવ્યો છે.

A Palestinian girl inspects the rubble of a building after an Israeli strike in Beit Lahia, in the northern Gaza Strip, on October 29, 2024, amid the ongoing war in the Palestinian territory between Israel and Hamas. Gaza’s civil defence agency said on October 29, that an overnight Israeli air strike killed more than 55 people in a residential building in the northern district of Beit Lahia. (Photo by AFP) (Photo by -/AFP via Getty Images)

ઇજિપ્ત અને કતાર છેલ્લા કેટલાક સમયથી ગાઝામાં યુદ્ધવિરામ લાવવા માટે સતત પ્રયાસ કરી રહ્યા છે. આ અંતર્ગત તેમણે હમાસ સમક્ષ એક પ્રસ્તાવ મૂક્યો હતો. ઇજિપ્તના એક અધિકારીએ એજન્સીને જણાવ્યું હતું કે આ સોદા હેઠળ, હમાસ પાંચ જીવંત બંધકોને મુક્ત કરશે, જેમાં એક અમેરિકન-ઇઝરાયલી નાગરિકનો પણ સમાવેશ થાય છે, જેના બદલામાં ઇઝરાયલ માનવતાવાદી સહાય ગાઝા સુધી પહોંચવા દેશે અને એક અઠવાડિયા માટે લડાઈ બંધ કરવા સંમત થશે. વધુમાં, ઇઝરાયલ સેંકડો પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરશે. ગાઝામાં હમાસના નેતા ખલીલ અલ-હૈયાએ તેમની સ્વીકૃતિની જાહેરાત કરી, પરંતુ જાહેરાત પહેલાં પ્રસ્તાવમાં ફેરફાર કરવામાં આવ્યો હતો કે કેમ તે સ્પષ્ટ નહોતું.

8 વર્ષ પછી ‘તારક મહેતા…’ માં પરત ફરી રહી છે ‘દયાબેન’

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ એ ભારતના સૌથી પ્રિય ટીવી શોમાંનો એક છે. આ શો છેલ્લા 17 વર્ષથી સતત ચાલી રહ્યો છે અને તેણે હંમેશા દર્શકોને દિવાના બનાવ્યા છે. આ શો દ્વારા, તેના કલાકારોએ ચાહકોમાં એક ખાસ અને અમીટ ઓળખ પણ બનાવી છે. જેઠાલાલનું પાત્ર ભજવનાર દિલીપ જોશી અને દયાબેનની ભૂમિકામાં દેખાતી અભિનેત્રી દિશા વાકાણીને સૌથી વધુ લોકપ્રિયતા મળી.

દિલીપ જોશી શરૂઆતથી જ આ શો સાથે જોડાયેલા છે. દિશા વાકાણી પણ શરૂઆતથી જ આ શો સાથે સંકળાયેલી હતી, જોકે, અભિનેત્રીએ ગર્ભાવસ્થાને કારણે 2017 માં શો છોડી દીધો હતો. આ પછી તે પાછી ફરી નહીં, પરંતુ હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે આઠ વર્ષ પછી ‘દયાબેન’ પાછી આવવાની છે. આ સમાચારથી ચાહકો ખુશ છે. પરંતુ ચાહકોને એક મોટો આંચકો પણ લાગ્યો છે કારણ કે દિશા નહીં પણ કોઈ અન્ય અભિનેત્રી દયાબેન તરીકે પ્રવેશ કરશે.

‘દયાબેન’ 8 વર્ષ પછી પાછી આવી!
દિશા વાકાણીએ શો છોડી દીધો ત્યારે ચાહકો ચોંકી ગયા. ત્યારથી, ઘણી વખત સમાચાર આવ્યા છે કે દયાબેન પાછા આવી રહ્યા છે. ફરી એકવાર આવી જ ચર્ચાઓનું બજાર ગરમ છે. દયાબેન પાછા આવી રહ્યા છે, પરંતુ દિશા વાકાણી ફરી ક્યારેય શોમાં જોવા મળશે નહીં. એક અહેવાલમાં જાણવા મળ્યું છે કે નિર્માતાઓને એક નવી દયાબેન મળી ગઈ છે અને અભિનેત્રી સાથે મોક શૂટિંગ ચાલી રહ્યું છે.

નવી દયાબેન કોણ હશે?

અહેવાલ મુજબ, શોના એક સૂત્રએ જણાવ્યું હતું કે, “હા, તે સાચું છે. અસિત જી (તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના નિર્માતા અસિત મોદી) એક નવી દયાબેનની શોધમાં હતા અને એક ઓડિશને તેમનું ધ્યાન ખેંચ્યું છે. હાલમાં અભિનેત્રી સાથે શૂટિંગ ચાલી રહ્યું છે. તે લગભગ એક અઠવાડિયાથી અમારી સાથે શૂટિંગ કરી રહી છે.” જોકે, હજુ સુધી એ જાણી શકાયું નથી કે નવી દયાબેન બનવા જઈ રહેલી અભિનેત્રી કોણ છે.

દિશા વાકાણી પર અસિત મોદીએ આપ્યું મોટું નિવેદન

2025 ની શરૂઆતમાં, અસિત મોદીએ દિશાને લઈને એક મોટું નિવેદન આપ્યું હતું. તેમણે વર્ષની શરૂઆતમાં જ પુષ્ટિ કરી હતી કે દિશા વાકાણી દયાબેન તરીકે શોમાં પાછા નહીં ફરે. અભિનેત્રી સાથેના પોતાના સંબંધો વિશે વાત કરતાં તેમણે કહ્યું કે દિશા મારી બહેન જેવી છે. તેના બે બાળકો છે અને મને લાગે છે કે તે શોમાં પાછી નહીં આવી શકે.

વેકેશનમાં ભારતીયો સૌથી વધારે ક્યાં ફરવા જાય છે?

ઉનાળાની કાળઝાળ ગરમી શરૂ થઈ ગઈ છે. સ્કૂલ-કોલેજોમાં વેકેશન શરૂ થઇ ગયા છે એટલે સ્વાભાવિક રીતે જ ગુજરાતીઓ ફરવા માટે ઠંડા અને મનમોહક સ્થળોએ ઉપડવાની તૈયારીમાં છે. સામાન્ય રીતે ઉનાળાના વેકેશનમાં લોકો ગરમીથી છુટકારો મેળવવા હિલ સ્ટેશન અને ઠંડા સ્થળોની મુલાકાત લેવાનું વધુ પસંદ કરે છે.

ભારતમાં અનેક સ્થળો છે, જ્યાં ઉનાળાના મહીનાઓમાં તાપમાન 10 ડિગ્રીથી 30 ડિગ્રી વચ્ચે રહે છે, જે પ્રવાસીઓને શીતળતા અને શાંતિનો અહેસાસ કરાવે છે. આવો જાણીએ, દેશના ટોચના દસ સ્થળ વિશે જે ઉનાળાના વેકેશનમાં ફરવા માટે ભારતીયોની પહેલી પસંદ છે.

કાશ્મીર

ઉનાળામાં કાશ્મીર એટલે એક સ્વર્ગ જેવો અનુભવ. અહીં તાપમાન સામાન્ય રીતે 10 ડિગ્રીથી 25 ડિગ્રી રહે છે, જે પ્રવાસીઓ માટે પરફેક્ટ છે. શ્રીનગરમાં ડાલ લેક પર શિકારા રાઇડ, ગુલમર્ગમાં ગોંડોલા રાઇડ અને પહલગામના શાંત દ્રશ્યો સહેલાણીઓને એક અનોખી શાંતિ આપે છે. તાજા સફરજનના બગીચા અને ટ્યૂલિપ ગાર્ડન પણ ઉનાળાના પ્રવાસ માટે બેસ્ટ પ્લેસ છે. અહીંનું તાપમાન 10 ડિગ્રીથી 25 ડિગ્રી સુધી રહે છે.

લેહ-લદ્દાખ

લદ્દાખએ એડવેન્ચર લવર માટે શ્રેષ્ઠ સ્થળ છે. ઉનાળામાં અહીંનું તાપમાન 5 ડિગ્રીથી 25 ડિગ્રી સુધીનું રહે છે. પેંગોંગ તળાવ, નુબ્રા વેલી અને હેમિસ મઠ જેવી જગ્યાઓ શાંતિપ્રેમીઓ માટે હોલ્માર્ક છે. બાઇક રાઇડિંગ અને ટ્રેકિંગ માટે પણ લેહ-લદ્દાખ શ્રેષ્ઠ છે.

મનાલી, હિમાચલ પ્રદેશ

હિમાચલ પ્રદેશના મનાલીમાં 10 ડિગ્રીથી 25 ડિગ્રી તાપમાન રહે છે. મનાલી ભારતના સૌથી જાણીતા હિલ સ્ટેશનોમાંથી એક છે. પીર પંજાલ અને ધૌલાધાર પર્વતમાળાના બરફથી ઢંકાયેલા રસ્તાઓ વચ્ચે આવેલા મનાલીના કુદરતી વાતાવરણ, લીલાછમ જંગલો, ઘાસના મેદાનો, વાદળી રંગની નદીઓ અને શુદ્ધ હવાઓ માટે બેસ્ટ છે. ઉપરાંત મનાલીમાં સંગ્રહાલયોથી લઈને મંદિર, નાના હિપ્પી ગામો, શેરીઓમાં ફરવાની સાથે વોટર સ્પોર્ટ, ટ્રેકિંગ ટ્રેલ્સ અને પેરાગ્લાઈડિંગની મજા પણ માણી શકાય છે.

શિમલા, હિમાચલ પ્રદેશ

શિમલા ગુજરાતીઓ માટે હંમેશા માટે પ્રિય રહ્યું છે. અહીં ઉનાળામાં 15 ડિગ્રીથી 30 ડિગ્રી તાપમાન રહે છે. માલ રોડ, કૂફ્રી અને ગ્રીન વેલીમાં ફરવું એક શાંતિપ્રદ અનુભવ આપે છે. અહીં હિમાલયની શુધ્ધ હવામાં ચાલવું એ એક અદભૂત અનુભૂતિ છે.

નૈનીતાલ, ઉત્તરાખંડ

ઉત્તરાખંડના નૈનીતાલ પ્રવાસીઓની પહેલી પસંદ છે. જ્યાં 14 ડિગ્રીથી 27 ડિગ્રી તાપમાન રહે છે. નૈની તળાવમાં બોટિંગ, ટીફિન ટોપ અને સ્નો વ્યુ પોઇન્ટ સનસેટ જોવા માટે આ શ્રેષ્ઠ સ્થળ છે. કુદરતી દ્રશ્યો અને તળાવોની આ નગરી સહેલાણીયો માટે યાદગાર બની રહે છે. નૈનીતાલનું પ્રખ્યાત નૈની તળાવ બોટિંગ માટે પ્રખ્યાત છે. અહીંનું નૈના દેવી મંદિર પણ ખૂબ જ આકર્ષક છે. ઉનાળાના મહિનાઓમાં ફરવા માટે આ શ્રેષ્ઠ સ્થળ છે. નૈનીતાલનું સૌથી ઊંચું શિખર નૈના પીક છે જે 2615 મીટર ઊંચું છે.

ગંગટોક, સિક્કિમ

ગાંગટોક, સિક્કિમનું રાજધાની શહેર, એના હિલ સ્ટેશનો માટે જાણીતું છે. ઉનાળામાં અહીં 12 ડિગ્રી થી 25 ડિગ્રી તાપમાન રહે છે. પ્રાચીન બૌદ્ધ મઠો અને ચાના બગીચા અહીંના મુખ્ય આકર્ષણો છે. શિવાલિક ટેકરીઓ ગંગટોકથી 1437 મીટરની ઉંચાઈ પર આવેલી છે. બાબા હરભજન સિંહ મેમોરિયલ ટેમ્પલ, નાથુલા પાસ, ઝાકરી ફોલ્સ, ઝૂઓલોજિકલ પાર્ક પણ ખુબ જાણીતા છે. ગંગટોક ઉત્તર ભારતમાં સફેદ પાણીના રાફ્ટિંગ માટે ત્રીજું સૌથી સારું સ્થળ છે.

ઋષિકેશ અને મસૂરી

ઉત્તરાખંડમાં ઋષિકેશ અને મસૂરી ઉનાળાના શ્રેષ્ઠ વિકલ્પો છે. ઋષિકેશમાં 20 ડિગ્રીથી 35 ડિગ્રી તાપમાન રહે છે, જ્યાં ગંગા નદીના ઘાટ પર આરતીનો લહાવો લઈ શકાય છે.

જ્યારે મસૂરીમાં 15 ડિર્ગીથી 28 ડિગ્રી તાપમાન રહે છે, જે કેમ્પિંગ, રિવર રાફ્ટિંગ અને ટ્રેકિંગ માટે શ્રેષ્ઠ સ્થળ છે.

કુર્ગ, દક્ષિણ ભારત

કુર્ગ, કર્ણાટકમાં આવેલું એક સુંદર હિલ સ્ટેશન છે. જેને દક્ષિણ ભારતનું સ્કોટલેન્ડ કહેવામાં આવે છે. અહીં ઉનાળામાં 15 ડિગ્રીથી 30 ડિગ્રી સુધીનું તાપમાન રહે છે. કોફી પ્લાન્ટેશન, અભયારણ્ય અને ઝરણાંઓ કુર્ગના મુખ્ય આકર્ષણો છે. અહીંની હરિયાળી અને ઠંડક શાંત અનુભવ આપે છે.

માઉન્ટ આબુ, રાજસ્થાન

માઉન્ટ આબુ ઉનાળામાં ફરવા માટે એક શ્રેષ્ઠ વિકલ્પ છે, જ્યાં 17 ડિગ્રીથી 32 ડિગ્રી તાપમાન રહે છે. નક્કી લેક, ગુરુ શિખર અને દેલવાડા જૈન મંદિરો અહીંની સુંદરતા વધારે છે. ગુજરાતીઓ માટે માઉન્ટ આબુ ઓલ ટાઈમ ફેવરીટ પ્લેસ છે.

દાર્જિલિંગ

પશ્ચિમ બંગાળનું દાર્જિલિંગ ઉનાળામાં 11 ડિગ્રીથી 24 ડિગ્રી તાપમાન સાથે શીતળ અને મનોરંજક હવામાન ધરાવે છે. ટોય ટ્રેન સફર, ચાના ખેતરો અને ટાઇગર હિલથી સનસેટ જોવો એ એક અદભૂત અનુભવ છે. મનમોહક પહાડીઓ સાથે દાર્જિલિંગ એના ચાના બગીચા માટે પણ દુનિયાભરમાં પ્રખ્યાત છે. દાર્જિલિંગની કુદરતી સુંદરતાને કારણે દર વર્ષે મોટી સંખ્યામાં યાત્રીઓ અહી ફરવા માટે આવે છે.

હેતલ રાવ

હાર્દિક પંડ્યા સામે BCCIએ મોટી કાર્યવાહી કરી

IPL 2025 ની 9મી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત ટાઇટન્સની ટીમો વચ્ચે રમાઈ હતી, જેમાં મુંબઈની ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. આ સિઝનમાં મુંબઈના કેપ્ટન હાર્દિક પંડ્યાની આ પહેલી મેચ હતી. પરંતુ આ મેચમાં તેની તરફથી એક મોટી ભૂલ જોવા મળી, જેના કારણે BCCIએ તેની સામે કાર્યવાહી કરી છે અને લાખો રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

હાર્દિક પંડ્યા સામે BCCIએ મોટી કાર્યવાહી કરી

શનિવારે રમાયેલી મેચ દરમિયાન ધીમા ઓવર રેટ બદલ મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાને દંડ ફટકારવામાં આવ્યો છે. આ સિઝનમાં મુંબઈ ઇન્ડિયન્સનો આ પહેલો ગુનો છે અને હાર્દિક પંડ્યાને ફક્ત દંડનો સામનો કરવો પડ્યો છે. જેનો અર્થ એ થયો કે હાર્દિકને ૧૨ લાખ રૂપિયાના દંડ સાથે છોડી દેવામાં આવ્યો. તમને જણાવી દઈએ કે, છેલ્લી સીઝનમાં પણ હાર્દિક પંડ્યા તરફથી ઘણી મેચોમાં આવી ભૂલો જોવા મળી હતી.

IPL એ પોતાની પ્રેસ રિલીઝમાં જણાવ્યું છે કે, ‘અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ સામે IPL 2025 ની મેચ નંબર 9 દરમિયાન ધીમી ઓવર-રેટ જાળવવા બદલ મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાને દંડ ફટકારવામાં આવ્યો છે.’ IPL આચારસંહિતાના કલમ 2.2 હેઠળ, જે ન્યૂનતમ ઓવર-રેટના ગુનાઓ સાથે સંબંધિત છે, તે મુજબ, આ સિઝનમાં તેની ટીમનો આ પહેલો ગુનો હોવાથી, પંડ્યા પર 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

પ્રતિબંધને કારણે પહેલી મેચ રમી શક્યો ન હતો

ગયા સિઝનમાં મુંબઈની છેલ્લી મેચમાં હાર્દિક પંડ્યા પર ધીમા ઓવર રેટના કારણે એક મેચનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જેના કારણે તે આ સિઝનની પહેલી મેચ રમી શક્યો નહીં. પણ હવે પાછા ફરતાં તેને આટલો મોટો આંચકો લાગ્યો છે. ગુજરાત ટાઇટન્સ સામે રમાયેલી આ મેચમાં, મુંબઈ ઇન્ડિયન્સની ટીમ સમયસર 20 ઓવર ફેંકવામાં નિષ્ફળ રહી. જેના કારણે તેને ગુજરાતની ઇનિંગ્સની છેલ્લી ઓવરમાં સજા મળી. આ ઓવરમાં તેણે 30 યાર્ડના સર્કલ પર એક વધારાનો ફિલ્ડર રાખવો પડ્યો.

IPL 2025 : મુંબઈને 36 રને હરાવી ગુજરાતે જીતનું ખાતું ખોલ્યું

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025ની મેચ નંબર-9માં ગુજરાત ટાઇટન્સે મુંબઈ ઈન્ડિયન્સને 36 રનથી હરાવ્યું હતું. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 29 માર્ચ (શનિવાર)ના રોજ રમાયેલી આ મેચમાં ગુજરાત ટાઇટન્સે મુંબઈ ઈન્ડિયન્સને જીતવા માટે 197 રનનો ટાર્ગેટ આપ્યો હતો, પરંતુ તે 6 વિકેટે 160 રન જ બનાવી શકી હતી. મુંબઈ ઈન્ડિયન્સ સતત બીજી મેચ હારી છે. જ્યારે ગુજરાત ટાઇટન્સ માટે આ પ્રથમ જીત હતી.

મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા અને સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવ નિર્ણાયક સમયે આઉટ થઈ ગયા હતા. જેણે મુંબઈની જીતની આશા પર પાણી ફરી વળ્યું હતું. આ સિઝનમાં બંને ટીમોની શરૂઆત સારી રહી નથી. ગુજરાત ટાઇટન્સ (GT) પંજાબ કિંગ્સ (PBKS) સામે તેની પ્રથમ મેચ 11 રનથી હારી ગયું હતું. જ્યારે મુંબઈને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના હાથે 4 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો.

લક્ષ્યનો પીછો કરતી વખતે મુંબઈ ઈન્ડિયન્સની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. પ્રથમ જ ઓવરમાં તેણે મોહમ્મદ સિરાજના હાથે ક્લીન બોલ્ડ થયેલા રોહિત શર્મા (8)ની વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી સિરાજે રેયાન રિકલ્ટનને પણ બોલ્ડ કર્યો, જેના કારણે મુંબઈનો સ્કોર 2 વિકેટે 35 રન થઈ ગયો. અહીંથી તિલક વર્મા અને સૂર્યકુમાર યાદવ વચ્ચે ત્રીજી વિકેટ માટે 62 રનની ભાગીદારી થઈ હતી. તિલક વર્માએ 36 બોલમાં 3 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 39 રન બનાવ્યા હતા.

તિલક વર્માને ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણાએ આઉટ કર્યો હતો. ઈમ્પેક્ટ સબ તરીકે મોકલવામાં આવેલ રોબિન મિન્ઝ કંઈ ખાસ કરી શક્યો ન હતો અને સ્પિનર ​​આર. સાઈ કિશોરનો શિકાર બન્યો હતો. મિન્ઝ આઉટ થયો ત્યારે મુંબઈનો સ્કોર ચાર વિકેટે 108 રન હતો. અહીંથી, ઝડપી ગતિએ રન બનાવવાની જવાબદારી સૂર્યકુમાર યાદવ અને હાર્દિક પંડ્યા પર હતી, પરંતુ બંને ખેલાડીઓ નિર્ણાયક સમયે આઉટ થઈ ગયા હતા.

સૂર્યકુમાર યાદવે 28 બોલમાં ચાર છગ્ગા અને એક ચોગ્ગાની મદદથી 48 રન બનાવ્યા હતા. જ્યારે હાર્દિક પંડ્યા માત્ર 11 રન બનાવી શક્યો હતો. સૂર્યકુમારની ભૂમિકા પ્રસિદ્ધ કૃષ્ણએ અને હાર્દિકની ભૂમિકા કાગીસો રબાડાએ ભજવી હતી. અહીંથી મુંબઈની ટીમ માત્ર હારનું માર્જિન ઘટાડવામાં સફળ રહી હતી. નમન ધીર અને મિશેલ સેન્ટનર બંનેએ 18 રનની અણનમ ઇનિંગ રમી હતી. ગુજરાત તરફથી મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણાએ બે-બે વિકેટ લીધી હતી.

ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ગુજરાત ટાઇટન્સે 8 વિકેટે 196 રન બનાવ્યા હતા. ગુજરાત ટાઇટન્સે શાનદાર શરૂઆત કરી હતી. કેપ્ટન શુભમન ગિલ અને સાઈ સુદર્શને મુંબઈના બોલરો પર નિશાન સાધ્યું હતું. ગુજરાતની ટીમે પાવર પ્લેમાં એટલે કે પ્રથમ 6 ઓવરમાં 66 રન બનાવ્યા હતા. મુંબઈને પહેલી સફળતા સુકાની હાર્દિક પંડ્યાએ આપી હતી, જેણે ગુજરાતના કેપ્ટન શુભમન ગિલને આઉટ કર્યો હતો. શુભમને 27 બોલમાં 38 રન બનાવ્યા જેમાં ચાર ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે. શુભમન અને સુદર્શન વચ્ચે પ્રથમ વિકેટ માટે 78 રનની ભાગીદારી થઈ હતી. ગિલના આઉટ થયા બાદ જોસ બટલર ક્રીઝ પર આવ્યો અને સુદર્શનની સાથે મળીને બીજી વિકેટ માટે 51 રન જોડ્યા.

જોસ બટલરે 24 બોલમાં પાંચ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 39 રન બનાવ્યા હતા. બટલરને અફઘાન સ્પિનર ​​મુજીબ ઉર રહેમાને આઉટ કર્યો હતો. બટલરના આઉટ થયાના થોડા સમય બાદ સાઈ સુદર્શને તેની ફિફ્ટી પૂરી કરી. તમને જણાવી દઈએ કે સુદર્શને પંજાબ કિંગ્સ સામે પણ અડધી સદીની ઇનિંગ્સ (74) રમી હતી. દરમિયાન ગુજરાત ટાઇટન્સે શાહરૂખ ખાન (9)ની વિકેટ સસ્તામાં ગુમાવી દીધી હતી, જે હાર્દિક પંડ્યાનો શિકાર બન્યો હતો. શાહરૂખના આઉટ થયા બાદ શેરફેન રધરફર્ડ અને સુદર્શન વચ્ચે ચોથી વિકેટ માટે 33 રનની ભાગીદારી થઈ હતી.

અહીંથી ગુજરાતે સતત ત્રણ બોલમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. ટ્રેન્ટ બોલ્ટે 18મી ઓવરના છેલ્લા બોલ પર સાઈ સુદર્શનને બોલ્ડ કર્યો હતો. સુદર્શને 41 બોલમાં 63 રન બનાવ્યા જેમાં ચાર ચોગ્ગા અને બે છગ્ગાનો સમાવેશ થાય છે. ત્યાર બાદ 19મી ઓવરના પ્રથમ બોલ પર રાહુલ તેવટિયા(0) રન આઉટ થયો હતો.જ્યારે બીજા બોલ પર દીપક ચહરે શેરફેન રધરફર્ડ (18)ને પેવેલિયન મોકલ્યો હતો. સતત વિકેટ પડવાના કારણે ગુજરાતની ટીમ 200 રનના આંક સુધી પહોંચી શકી ન હતી. છેલ્લી ઓવરમાં પણ ગુજરાતે બે વિકેટ ગુમાવી હતી. રશીદ ખાન (1 ઓવરમાં) કે રશીદ ખાન (1) આઉટ થયા હતા. મુંબઈ તરફથી સત્યનારાયણ રાજુએ સૌથી વધુ બે વિકેટ લીધી હતી.

આ સિઝનમાં બંને ટીમોની શરૂઆત સારી રહી ન હતી. ગુજરાત ટાઇટન્સ પંજાબ કિંગ્સ (PBKS) સામે તેની પ્રથમ મેચ 11 રનથી હારી ગયું હતું. બીજી તરફ પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) સામે 4 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચ માટે કેપ્ટન હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સના પ્લેઈંગ-11માં પરત ફર્યો હતો. પ્રતિબંધના કારણે પંડ્યા પ્રથમ મેચમાંથી બહાર થઈ ગયો હતો.

જો જોવામાં આવે તો ઈન્ડિયન પ્રીમિયર લીગના ઈતિહાસમાં અત્યાર સુધીમાં ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે 5 મેચ રમાઈ છે. આ દરમિયાન મુંબઈની ટીમે 2 મેચ જીતી હતી. જ્યારે ગુજરાત ટાઇટન્સે 3 મેચ જીતી હતી. ગત સિઝનમાં બંને ટીમો વચ્ચે મેચ રમાઈ હતી, જેમાં ગુજરાત ટાઇટન્સનો 6 રને વિજય થયો હતો.

૩૦ માર્ચ ૨૦૨૫

નામ તેનો નાશ : પ્રોડક્ટ ડિઝાઇનનો પાયાનો સિદ્ધાંત

ભગવદ ગીતાજીના અધ્યાય-૨ના શ્લોક-૨૭માં ભગવાન કહે છે, ‘જન્મેલાનું મૃત્યુ નિશ્ચિત છે અને મરેલાનો જન્મ નિશ્ચિત છે.’ દુનિયામાં માણસે બનાવેલી કોઈ પ્રોડક્ટ ભાગ્યે જ એવી હોય છે, જે કાળક્રમે ક્ષતિગ્રસ્ત થઈ અને નાશ ન થઈ હોય. આ કારણથી અનંત કાળ સુધી ચાલશે એવી પ્રોડક્ટ જો બજારમાં આવશે તો બજાર ભાંગી પડશે.

કોઈ પણ પ્રોડક્ટનું સંભવિત આયુષ્ય ધ્યાનમાં રાખી એને ડિઝાઇન કરવી. ફુગ્ગો ચોવીસ કલાક પણ નથી ચાલતો અને મોટરગાડી ૨૦-૨૫ વર્ષ પણ ચાલે છે. કોઈનું આયુષ્ય લાંબું-ટૂંકું હશે પણ જેનું નામ છે, તેનો નાશ છે અને એટલે જ ભગવાન અધ્યાય-૨ના ૨૭મા શ્લોકમાં કહે છેઃ

જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુર્ધ્રુવં જન્મ મૃતસ્ય ચ ।

તસ્માદપરિહાર્યેઽર્થે ન ત્વં શોચિતુમર્હસિ ॥૨૭॥

અર્થાત જેણે જન્મ લીધો છે, તેનું મરણ નિશ્ચિત છે અને જે મૃત્યુ પામે છે, તેનો પૂનર્જન્મ પણ અનિવાર્ય  છે. તેથી, જે અનિવાર્ય છે તે અંગે તારે શોક ન કરવો જોઈએ.

આ સિદ્ધાંત કોઈ પણ ક્ષેત્રને લાગુ પડે છે. સમયાંતરે જો દેહ પરિવર્તન ન કરવામાં આવે તો જેમ દેહનો નાશ થાય છે તેમ જો અદ્યતન ટેક્નોલૉજી, વ્યાપાર પદ્ધતિઓ તેમજ હરીફને પહોંચી વળવા જુદી જુદી યોજનાઓ સમયાંતરે ન કરવામાં આવે અને તેના અમલ થકી પ્રતિસ્પર્ધીને મ્હાત નહીં કરવામાં આવે તો જેમ દેહનો યોગ્ય પ્રકારના ઔષધો, કસરત વગેરેને કારણે ક્ષીણ થઈને નાશ થાય છે તે રીતે વેપાર ધંધો પણ નાશવંત છે.

(નિધિ દિવાસળીવાળા નવી પેઢીની તેજસ્વી લેખિકા છે. સુરતસ્થિત વીર નર્મદ યુનિવર્સિટીના સ્નાતક નિધિના બે પુસ્તકો કાવ્યસંગ્રહ ઝરણીઅને ચિંતનકણિકાના સંગ્રહ નિજાનંદઉપરાંત ‘થોડામાં ઘણું’ મોટીવેશનલ સુવિચારોને પણ વાચકોએ વખાણ્યા છે. માનવ સંબંધો, સ્વભાવ અને સમાજ વ્યવસ્થા ઉપર આધારિત એક લેખમાળા એમના સોશિયલ મીડિયા ઉપર નિયમિત પ્રસિદ્ધ થાય છે. આ કોલમમાં એ મહાભારત અને ગીતા ઉપર આધારિત વહીવટ તેમજ મોટીવેશનને લગતી વાતો સરળ ભાષામાં સમજાવે છે.)