Home Blog Page 1031

મનોજ કુમારના ઘરેથી પાછા ફરતી વખતે ધર્મેન્દ્રએ હાથ જોડીને પેપ્સને કરી વિંનતી કે…

અભિનેતા મનોજ કુમારનું ગઈકાલે શુક્રવાર 04 એપ્રિલના રોજ 87 વર્ષની વયે અવસાન થયું. આજે શનિવારે અભિનેતાના અંતિમ સંસ્કાર રાજ્ય સન્માન સાથે કરવામાં આવ્યા. પીઢ અભિનેતા, નિર્માતા-દિગ્દર્શક મનોજ કુમારના નિધનના સમાચાર મળ્યા પછી ઘણા સ્ટાર્સ તેમના અંતિમ દર્શન કરવા પહોંચ્યા હતાં. ધર્મેન્દ્ર ‘ભારત કુમાર’ના ઘરે પણ ગયા હતા. ત્યાંથી પાછા ફરતી વખતે તે પાપારાઝીથી ઘેરાયેલા હતા. આ દરમિયાન ધર્મેન્દ્રએ પેપ્સને હાથ જોડીને વિનંતી કરી કે તેમને કાર સુધી જવા દેવામાં આવે.

જ્યારે ધર્મેન્દ્ર મનોજ કુમારના ઘરેથી પાછા ફરી રહ્યા હતા, ત્યારે પાપારાઝી અને ચાહકોની ભીડે તેમને ઘેરી લીધા હતાં. આ સમય દરમિયાન અભિનેતાને પોતાની કાર સુધી પહોંચવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. પણ તેણે ધીરજ ગુમાવી નહીં. પાપારાઝી પર ગુસ્સે થવાને બદલે તેમણે હાથ જોડીને નમ્રતાથી રસ્તો માંગ્યો. ધર્મેન્દ્રએ કહ્યું, ‘મને ગાડીમાં બેસવા દો, પ્લીઝ બેટા’. અભિનેતાનો આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

ધર્મેન્દ્રની આ નમ્ર શૈલીએ યુઝર્સના દિલ જીતી લીધા. દરેક વ્યક્તિ અભિનેતાના વખાણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘ભાઈ, તમે તેને કેમ હેરાન કરો છો, ઓછામાં ઓછું તેની ઉંમરનો તો વિચાર કરો’. બીજા એક યુઝરે લખ્યું, ‘લોકો પોતાની મેળે કંઈ સમજી શકતા નથી’. એક યુઝરે લખ્યું, ‘લોકોને વૃદ્ધ કલાકારને હેરાન કરવામાં કોઈ શરમ નથી’. તાજેતરમાં અભિનેતા ધર્મેન્દ્રની આંખની સર્જરી થઈ છે. આમ છતાં, તે મનોજ કુમારને અંતિમ વિદાય આપવા તેમના ઘરે ગયો.

અભિનેતા મનોજ કુમારના અંતિમ સંસ્કાર આજે શનિવારે જુહુ સ્થિત પવનહંસ સ્મશાનગૃહમાં કરવામાં આવ્યા હતા. અનેક ફિલ્મી હસ્તીઓ અહીં પહોંચી હતી. હવે રવિવાર 06 એપ્રિલના રોજ, ગોસ્વામી પરિવાર મનોજ કુમારની યાદમાં પ્રાર્થના સભાનું આયોજન કરવા જઈ રહ્યું છે. આ અંગેની માહિતી પરિવાર દ્વારા આપવામાં આવી છે. પ્રાર્થના સભાનું આયોજન રવિવાર, 6 એપ્રિલ 2025ના રોજ કરવામાં આવશે. તે ડબલ્યુ મેરિયટ હોટેલ ખાતે સાંજે 4 થી 6 વાગ્યા સુધી યોજાશે.

શું ધોની IPLમાંથી નિવૃત્તિ લેશે? પહેલી વાર માતા પિતા મેચ જોવા પહોંચ્યા

શું 15 ઓગસ્ટ 2020 ની જેમ, 5 એપ્રિલ 2025 ની તારીખ પણ ભારતીય ક્રિકેટ ચાહકોના હૃદય અને મનમાં કાયમ રહેશે? લગભગ 5 વર્ષ પહેલાં 15 ઓગસ્ટના રોજ, જ્યારે ધોનીએ સાંજે 7:29 વાગ્યે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી ત્યારે ભારતીય ચાહકોનું દિલ તૂટી ગયું હતું. પણ હવે શું ધોની 5 એપ્રિલ 2025 ના રોજ આઈપીએલમાંથી પણ નિવૃત્તિ લેશે? IPL 2025 ની વચ્ચે, ધોનીના ચાહકો અચાનક આ વાતથી ડરવા લાગ્યા છે કારણ કે લગભગ 20 વર્ષના તેના કરિયરમાં પહેલીવાર, ધોનીના માતા-પિતા તેને રમતા જોવા માટે સ્ટેડિયમ પહોંચ્યા છે.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી ધોની છેલ્લા 5 વર્ષથી ફક્ત IPL રમી રહ્યો છે. પરંતુ આ સમય દરમિયાન, ઘણીવાર પ્રશ્ન ઉભો થાય છે કે શું તે IPLમાંથી પણ નિવૃત્તિ લેવાનો છે. છેલ્લા બે સીઝનમાં આ પ્રશ્નો વધુ તીવ્ર બન્યા છે. ખાસ કરીને IPL 2023 માં તેમની કેપ્ટનશીપ હેઠળ ટીમ ચેમ્પિયન બન્યા પછી, એવું માનવામાં આવતું હતું કે ધોની કદાચ નિવૃત્તિ લઈ શકે છે. પરંતુ ચેન્નાઈની ટીમ અને ચાહકો માટે, ધોનીએ વાપસી કરી અને છેલ્લી સીઝનમાં પણ રમ્યો. પરંતુ આ સમયગાળા દરમિયાન પણ, તેના માતાપિતા તેને સ્ટેડિયમમાં એક પણ વાર જોવા આવ્યા ન હતા.

ચેપોક સ્ટેડિયમમાં મેચ જોવા માટે માતા-પિતા પહોંચ્યા
પરંતુ IPL 2025 ની ચોથી મેચમાં, ધોનીના માતા-પિતા અચાનક ચેન્નાઈ સુપર કિંગ્સની મેચ જોવા માટે આવી પહોંચ્યાના સમાચારથી ચાહકોમાં હલચલ અને બેચેની વધી ગઈ છે કે શું ધોની નિવૃત્તિ લેવા જઈ રહ્યો છે? ચેપોક સ્ટેડિયમ ખાતે શનિવાર, 5 એપ્રિલના રોજ દિલ્હી કેપિટલ્સ સામેની મેચ શરૂ થાય તે પહેલાં, શો દરમિયાન, જિયો-હોટસ્ટારના એન્કરે ખુલાસો કર્યો કે ધોનીના માતા-પિતા મેચ જોવા આવ્યા હતા અને તરત જ આ સમાચાર જંગલની આગની જેમ ફેલાઈ ગયા. થોડા સમય પછી ધોનીને ટીવી સ્ક્રીન પર જોયા પછી, ચાહકો વધુને વધુ ડરવા લાગ્યા કે કદાચ તેઓ ક્રિકેટના મેદાન પર છેલ્લી વાર તેમના થાલાને જોઈ રહ્યા છે?

અનેક રાજ્યોમાં પાંચ  દિવસ ભારે વરસાદ, કરાંની ચેતવણી

નવી દિલ્હીઃ હવામાન વિભાગ (IMD) એ કહ્યું છે કે નવ એપ્રિલ સુધી દેશનાં ઘણા રાજ્યોમાં ભારે વરસાદ અને કરાં પડે એવી શક્યતા છે. કેરળ, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, તામિલનાડુ અને આંદામાન-નિકોબાર દ્વીપોમાં વીજળી સાથે તેજ પવન (40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે) અને વરસાદ પડે એવી સંભાવના છે.

એપ્રિલના પ્રારંભથી જ તાપમાન વધી રહ્યું છે, ત્યારે હવામાન વિભાગે એક નવા પશ્ચિમી ડિસ્ટર્બન્સના સક્રિય થવાની આગાહી કરી છે. નવા પશ્ચિમી ડિસ્ટર્બન્સના સક્રિય થવાથી પશ્ચિમી હિમાલયના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. દિલ્હી- NCRમાં પણ એની અસરે હળવા વરસાદની શક્યતા છે.

આ સાથે  ભારતના પૂર્વોત્તર ભાગોમાં જેમ કે આસામ, મેઘાલય અને નાગાલેન્ડ વગેરેમાં વરસાદ પડે એવી સંભાવના છે. આ ઉપરાંત બિહાર, ઓડિશા, પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં પણ પવન સાથે વરસાદ વરસે એવી શક્યતા છે.

આ સાથે આસામ અને મેઘાલયમાં કરાંની સંભાવના છે, જ્યારે  બિહારમાં પણ કરાં પડવાની શક્યતા છે. પહાડી વિસ્તારના રાજ્યોમાં -જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વીજળી સાથે વરસાદ અને પવન ફૂંકાઈ શકે છે. આ સાથે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં કરાં પડી શકે છે. લોકોના સલામતી માટે સાવધાન રહેવાની સલાહ આપવામાં આવી છે.

PM મોદી રામનવમીના પાવન દિવસે પંબન બ્રિજનું કરશે ઉદ્ધાટન

રામ નવમીના પાવન પ્રસંગે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 6 એપ્રિલે તમિલનાડુની મુલાકાતે રહેશે અને દેશ માટે ઐતિહાસિક દિવસ બનાવશે. બપોરે લગભગ 12 વાગ્યે, તેઓ દેશના પ્રથમ વર્ટિકલ લિફ્ટ સમુદ્રી રેલ બ્રિજ નવો પંબન બ્રિજનું ઉદ્ઘાટન કરશે. તેઓ જહાજ અને ટ્રેનને લીલી ઝંડી આપ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પુલના સંપૂર્ણ સંચાલનનું અવલોકન પણ કરશે.જે બાદ તેઓ 12:45 વાગ્યે રામનાથસ્વામી મંદિર જઈ દર્શન અને પૂજા કરશે. અહીંથી તેઓ બપોરે 1:30 વાગ્યે મોટી જાહેરસભાને સંબોધિત કરશે અને 8,300 કરોડના રેલ અને માર્ગ પ્રોજેક્ટ્સના શુભારંભ અને સમર્પણની ઘોષણા કરશે.

ઉલ્લેખનીય છે કે, 550 કરોડના ખર્ચે બનેલ અને 2.08 કિમી લંબાઈ ધરાવતા પુલ માં 99 સ્પાન અને એક 72.5 મીટર લાંબો લિફ્ટ સ્પાન છે, જે 17 મીટર સુધી ઊંચો થઇ શકે છે, જહાજોની અવરજવર માટે અનુકૂળ. પુલમાં ઉપયોગમાં લેવાયેલું પોલિસીલોક્સેન કોટિંગ, સ્ટેનલેસ સ્ટીલ અને ખાસ વેલ્ડીંગ ટેકનિક પુલને લાંબા ગાળે ટકાવી રાખશે, ખાસ કરીને દરિયાઈ વાતાવરણમાં.

પ્રધાનમંત્રીએ જે અનેક નેશનલ હાઇવે પ્રોજેક્ટ્સની જાહેરાત કરી છે, તેમાં NH-40, NH-332, NH-32 અને NH-36ના વિવિધ ભાગોના ચાર-લેન રસ્તાઓનો સમાવેશ થાય છે. આ માર્ગો પર્યટન, યાત્રાધામ, મેડિકલ અને ઔદ્યોગિક વિસ્તારો સુધી ઝડપી અને સરળ જથ્થાબંધ કનેક્ટિવિટી પ્રદાન કરશે. આ તકે ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતો અને નાના ઉદ્યોગોને બજાર સુધી સસ્તી અને ઝડપી ઢળાણ મળશે. ચામડા ઉદ્યોગો અને સ્થાનિક કારખાનાઓને નવી ઉર્જા મળશે. જે સમગ્ર પ્રદેશના વિકાસને વેગ આપશે.

ઇમર્જન્સી ફિલ્મ માટે કંગના રનૌતને મળી આ સુંદર ભેટ

મુંબઈ: કંગના રનૌતની છેલ્લી રિલીઝ થયેલી ફિલ્મ ‘ઇમર્જન્સી’ હાલમાં OTT પ્લેટફોર્મ પર સ્ટ્રીમ થઈ રહી છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કોઈ કમાલ કરી શકી નહીં. પરંતુ કંગના રનૌત માને છે કે તેની ફિલ્મ OTT પર ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. કંગના રનૌતે તેની તાજેતરની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર જણાવ્યું હતું કે તેની ફિલ્મ ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે અને તેને તેના માટે એક ભેટ મળી છે, જે તેના માટે ઘણા એવોર્ડ ટ્રોફી કરતાં વધુ સારી છે.

કંગનાએ ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી શેર કરી
કંગના રનૌતે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક પત્રનો ફોટો શેર કર્યો છે. જે કોઈએ કંગના માટે લખ્યું છે. આ પત્રમાં લેખકે કંગના રનૌતની ફિલ્મ ‘ઇમર્જન્સી’ની પ્રશંસા કરી છે. પોતાની સ્ટોરી પર પત્ર શેર કરતાં અભિનેત્રીએ લખ્યું, “આ ખૂબ જ સુંદર અને શાનદાર છે. મને ‘ઇમર્જન્સી’ બનાવવા માટે એક અદ્ભુત સાડી મળી. આ ઘણી બધી નકામી ટ્રોફી કરતાં વધુ સારી છે.” સ્વાભાવિક છે કે આ વાર્તામાં, કંગનાએ ફરી એકવાર એવોર્ડ ટ્રોફીને નકામી ગણાવીને મુખ્ય પ્રવાહના બોલિવૂડ પર કટાક્ષ કર્યો છે.

‘ઇમર્જન્સી’ 17 જાન્યુઆરીએ રિલીઝ થઈ હતી
17 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થયેલી કંગના રનૌત દિગ્દર્શિત ફિલ્મ ‘ઇમર્જન્સી’માં કંગના રનૌતે ભૂતપૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધીની ભૂમિકા ભજવી છે. આ ઉપરાંત ફિલ્મમાં અનુપમ ખેર જય પ્રકાશ નારાયણની ભૂમિકામાં દેખાયા છે, જ્યારે શ્રેયસ તલપડેએ ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની ભૂમિકા ભજવી છે. આ ફિલ્મ 197માં ઇન્દિરા ગાંધી દ્વારા લાદવામાં આવેલી કટોકટીના સમયને દર્શાવે છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કોઈ કમાલ કરી શકી નહીં અને ફ્લોપ રહી. જોકે, OTT પર રિલીઝ થયા પછી પણ આ ફિલ્મને થોડી પ્રશંસા મળી રહી હોય તેવું લાગે છે.

AX-4 મિશન હેઠળ અંતરિક્ષમાં ઉડાન ભરશે ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા

ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા ઇતિહાસ સર્જવા જઈ રહ્યાં છે, કારણ કે તેઓ આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) પર યાત્રા કરનાર પ્રથમ ભારતીય બની શકે છે. તેઓ મે 2025માં યોજાનારા એક્સિયમ મિશન 4 (Ax-4) અંતર્ગત અંતરિક્ષમાં ઉડાન ભરશે. આ મિશનનું આયોજન એક્સિયમ સ્પેસ દ્વારા કરવામાં આવ્યું છે અને તેમાં વિવિધ દેશોના અંતરિક્ષયાત્રીઓનો સમાવેશ છે.શુક્લા ભારતના “ગગનયાન” મિશન માટે પણ પસંદ થયેલા અંતરિક્ષયાત્રી છે. ગગનયાન ભારતનું પહેલું માનવયુક્ત અવકાશ મિશન છે, જેને લઈને દેશમાં ભારે ઉત્સાહ છે. આ પહેલાંનો અનુભવ તેઓને નેશનલ મિશનમાં મદદરૂપ થશે.

Ax-4 મિશનને નાસાની જાણીતી અંતરિક્ષયાત્રી પેગી વ્હિટસન લીડ કરશે. સાથે પોલેન્ડના સ્લાવોસ ઉઝનાન્સ્કી-વિસ્નીવસ્કી અને હંગેરીના ટિબોર કાપુ પણ આ અંતરિક્ષ યાત્રાનો ભાગ બનશે. આ ત્રણેય દેશોની માટે પણ આ મિશન પહેલું હશે જે તેમને ISS સુધી લઇ જાય છે.

શુભાંશુના વિકલ્પ તરીકે ગ્રુપ કેપ્ટન પ્રશાંત બાલકૃષ્ણન નાયરને બેકઅપ યાત્રી તરીકે રાખવામાં આવ્યા છે. જો શુક્લા કોઈ પણ કારણે મિશનમાં ભાગ ન લઈ શકે, તો નાયર તેમની જગ્યા લેશે. ફ્લોરિડાના કેનેડી સ્પેસ સેન્ટર પરથી લોન્ચ થનાર આ મિશન અંતરિક્ષયાત્રીઓને 14 દિવસ સુધી ISS પર રહેવા અને વૈજ્ઞાનિક અભ્યાસ, શૈક્ષણિક અને વ્યવસાયિક પ્રવૃત્તિઓ કરવા મોકો આપશે. આ મિશન માત્ર વ્યક્તિગત સિદ્ધિ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સહયોગ અને વૈજ્ઞાનિક વિકાસ માટે પણ એક મોટું પગલું સાબિત થશે.

વકફ બિલ મુદ્દે મોદી સરકાર પર ભડક્યા રાહુલ ગાંધી

નવી દિલ્હીઃ વકફ સંશોધન બિલને સંસદનાં બંને ગૃહમાં પસાર કરી દેવામાં આવ્યું છે. કોંગ્રેસ સહિત અન્ય વિરોધ પક્ષે આ મામલે સુપ્રીમમાં જવાની વાત કરી છે. ત્યારે હવે વકફ સુધારા બિલ પસાર થયા બાદ રાહુલ ગાંધીએ મોદી સરકાર પર પ્રહારો કરતાં કહ્યું હતું કે ભવિષ્યમાં અન્ય સમુદાયોને નિશાન બનાવવાની આશંકા છે. તેમનું કહેવું છે કે આ કાયદો મુસલમાનોની વિરુદ્ધ છે. આ મુદ્દે તેમણે સરકારને ઘેરી છે.

રાહુલ ગાંધીએ સોશિયલ મિડિયા પ્લેટફોર્મ X પર એક અંગ્રેજી અખબારનો અહેવાલ શેર કર્યો છે અને લખ્યું છે કે મેં કહ્યું હતું કે વકફ બિલ હાલમાં મુસ્લિમો પર હુમલો કરે છે, પરંતુ ભવિષ્યમાં અન્ય સમુદાયોને પણ નિશાન બનાવવામાં આવશે. તેમણે આગળ લખ્યું હતું કે વકફ બાદ RSSનું ધ્યાન ખ્રિસ્તીઓ તરફ જતા વધુ સમય નથી લાગ્યો. બંધારણ એકમાત્ર ઢાલ છે જે આપણા લોકોને આવા હુમલાઓથી રક્ષણ આપે છે અને તેનું રક્ષણ કરવું એ આપણું સામૂહિક કર્તવ્ય છે.

રાહુલ ગાંધીએ જે અહેવાલ શેર કર્યો છે તેમાં જણાવવામાં આવ્યું છે કે સંસદમાં વક્ફ બિલ સફળતાપૂર્વક પસાર થયા બાદ RSSનું ધ્યાન કેથોલિક ચર્ચની જમીન પર ગયું છે. RSS-સંલગ્ન મેગેઝિન ઓર્ગેનાઇઝરના વેબ પોર્ટલ પર ‘ભારતમાં કોની પાસે વધુ જમીન છે? કેથોલિક ચર્ચ વિરુદ્ધ વક્ફ બોર્ડ ચર્ચા- શીર્ષકવાળા લેખમાં દાવો કરવામાં આવ્યો છે કે કેથોલિક સંસ્થાનો પાસે સાત કરોડ હેક્ટર જમીનની માલિકી છે અને તેને સૌથી મોટા બિન-સરકારી જમીન માલિક તરીકે વર્ણવવામાં આવ્યા છે.

4 એપ્રિલ, 2025 શુક્રવારે સંસદે વકફ (સુધારા) બિલ 2025ને રાજ્યસભામાં લગભગ 14 કલાકની ચર્ચા બાદ મંજૂરી આપી દીધી હતી. રાજ્યસભામાં આ બિલનાં સમર્થનમાં 128 મતો પડ્યા હતા જ્યારે 95 સભ્યોએ વિરોધમાં મતદાન કર્યું હતું. સરકારે કહ્યું હતું કે આ કાયદો મુસ્લિમો વિરુદ્ધ નથી, તેને બદલે તેનો હેતુ ફક્ત વકફ મિલકતોના વહીવટમાં પારદર્શિતા લાવવાનો છે, જ્યારે વિપક્ષે આ બિલનો હેતુ મુસ્લિમોને બીજા વર્ગના નાગરિકો બનાવવાનો આરોપ લગાવ્યો હતો.

સુરતમાં 2017ના શ્રાવિકા દુષ્કર્મ કેસમાં જૈનમુનિને કોર્ટ 10 વર્ષની સંભળાવી

આઠ વર્ષ પહેલાં સુરતના ટીમલિયાવાડ સ્થિત જૈન ઉપાશ્રયમાં ધાર્મિક વિધિના બહાને વડોદરાની 19 વર્ષીય શ્રાવિકા પર બળાત્કાર આચરનાર જૈન મુનિ શાંતિસાગરને સેશન્સ કોર્ટે દોષિત ઠેરવ્યો છે. 4 એપ્રિલ, 2025ના રોજ એડિશનલ સેશન જજની અદાલતે તેને 10 વર્ષની કેદ અને 25,000 રૂપિયાના દંડની સજા સંભળાવી છે. શાંતિસાગર ઓક્ટોબર 2017થી જેલમાં છે અને સાડાસાત વર્ષની સજા ભોગવી ચૂક્યો હોવાથી હવે તેને માત્ર અઢી વર્ષ જેલમાં રહેવું પડશે. આથી તે ઓક્ટોબર 2027માં મુક્ત થઈ શકે છે.

ઘટના વખતે યુવતીની ઉંમર 19 વર્ષ હતી, જ્યારે શાંતિસાગર 49 વર્ષનો હતો. આ કેસમાં સરકારી વકીલ રાજેશ ડોબરિયા અને પીડિતા તરફથી એડવોકેટ મુખત્યાર શેખે મજબૂત દલીલો રજૂ કરી હતી. પીડિતાની જુબાની, મેડિકલ પુરાવા અને 32 સાક્ષીઓના નિવેદનો આરોપીને દોષિત સાબિત કરવામાં નિર્ણાયક રહ્યા. આ કેસની સુનાવણી દરમિયાન બે જજ બદલાયા હતા. શાંતિસાગરે જામીન મેળવવા સુપ્રીમ કોર્ટ સુધી પ્રયાસો કર્યા, પરંતુ આઠ વર્ષમાં તેને એક પણ વખત જામીન મળ્યા નહીં. ટ્રાયલ દરમિયાન પીડિતાના પિતાનું અવસાન થયું હતું, અને પીડિતાને સુરક્ષા માટે વેશ બદલીને કોર્ટમાં હાજર થવું પડતું હતું. આખરે ન્યાય મળતાં પીડિતા અને તેના પરિવારને રાહત મળી છે.

સરકારી વકીલ નયન સુખડવાલાએ આરોપીને આજીવન કેદની સજા આપવાની માગણી કરી હતી. તેમણે કહ્યું કે ગુરુનું સ્થાન માતા-પિતાથી પણ ઉપર હોય છે અને તેનો ઉદ્દેશ શિષ્યના દોષો દૂર કરવાનો હોય છે. પરંતુ જ્યારે ગુરુ જ દુષ્કર્મ જેવું કૃત્ય કરે, તો તે સમાજ માટે ખતરનાક સંદેશ બની જાય છે. તેમણે પીડિતાને થયેલા માનસિક-શારીરિક નુકસાન અને તેના પિતાના મૃત્યુનો ઉલ્લેખ કરીને પીડિત સહાય યોજના હેઠળ વળતરની માગ પણ કરી હતી. બચાવ પક્ષે ઓછી સજા માટે દલીલો કરી, પરંતુ કોર્ટે તેને નકારી કાઢી.

ફરિયાદ મુજબ, મધ્યપ્રદેશના મૂળ વતની અને વડોદરાના કારેલીબાગમાં રહેતી યુવતી 1 ઓક્ટોબર, 2017ના રોજ પરિવાર સાથે સુરતના જૈન દિગમ્બર મંદિરે આવી હતી. શાંતિસાગરે યુવતીના પિતાને ફોન કરીને બોલાવ્યા હતા અને પછી માતા-પિતા તથા ભાઈને અલગ રૂમમાં બેસાડીને યુવતીને બીજા રૂમમાં લઈ ગયો હતો. ત્યાં તેણે ધાર્મિક વિધિના નામે દુષ્કર્મ આચર્યું. પીડિતાના જણાવ્યા મુજબ, શાંતિસાગરે તેના પાસે નગ્ન ફોટા મગાવ્યા હતા અને ધમકી આપી હતી કે જો તેની વાત નહીં માને તો તેના માતા-પિતાનું મૃત્યુ થશે.

ઘટના બાદ યુવતીને શારીરિક પીડા થઈ અને તે બેહોશ થઈ ગઈ હતી. પરિવારે તેને હિંમત આપી અને પોલીસમાં ફરિયાદ નોંધાવી. અઠવા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી ઓક્ટોબર 2017માં શાંતિસાગરની ધરપકડ કરી હતી. આ કેસમાં IPCની કલમ 376(1), 376(2)(F) અને 379 હેઠળ ગુનો નોંધાયો હતો. પીડિતાએ જણાવ્યું કે તેણે ફરિયાદ એટલા માટે કરી કે ભવિષ્યમાં અન્ય કોઈ યુવતી આવા દુષ્કર્મનો ભોગ ન બને.

લખનઉ સુપર જાયન્ટ્સના કેપ્ટન અને બોલરને BCCIએ ફટકાર્યો દંડ

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025માં મુંબઈ ઈન્ડિયન્સ (MI) સામે શાનદાર જીત હાંસલ કરનાર લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) ટીમના કેપ્ટન રિષભ પંત અને બોલર દિગ્વેશ સિંહ રાઠીને BCCIએ આચારસંહિતાના ઉલ્લંઘન બદલ દંડ ફટકાર્યો છે. આ મેચ 4 એપ્રિલ, શુક્રવારે ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી એકાના ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાઈ હતી, જેમાં લખનઉએ 12 રનથી વિજય મેળવ્યો હતો. જોકે, આ જીતની ખુશીની સાથે ટીમને નિયમોના ભંગની સજા પણ ભોગવવી પડી.

રિષભ પંત પર ધીમી ઓવર રેટ જાળવવા બદલ 12 લાખ રૂપિયાનો દંડ લાદવામાં આવ્યો છે. IPL આચારસંહિતાની કલમ 2.22 અનુસાર, જે ન્યૂનતમ ઓવર-રેટના ગુનાઓને લગતી છે, આ સિઝનમાં લખનઉનો આ પ્રથમ ગુનો હોવાથી પંતને આ રકમનો દંડ ફટકારવામાં આવ્યો. મેચ દરમિયાન લખનઉની ટીમ નિર્ધારિત સમયમાં 20 ઓવર પૂર્ણ કરવામાં નિષ્ફળ રહી હતી, જેના કારણે આ કાર્યવાહી કરવામાં આવી.

બીજી તરફ, લખનઉના બોલર દિગ્વેશ સિંહ રાઠી પર પણ ગંભીર આરોપ હેઠળ દંડ લાદવામાં આવ્યો છે. મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચમાં એક બેટ્સમેનને આઉટ કર્યા બાદ દિગ્વેશે ફરીથી ‘નોટબુક સેલિબ્રેશન’ કર્યું, જેને આચારસંહિતાનું ઉલ્લંઘન ગણવામાં આવ્યું. આ સિઝનમાં આચારસંહિતાની કલમ 2.5 હેઠળ આ તેનો બીજો લેવલ 1 ગુનો હતો, જેના પરિણામે તેની મેચ ફીના 50 ટકા દંડ તરીકે કાપવામાં આવ્યા અને તેને બે ડિમેરિટ પોઈન્ટ આપવામાં આવ્યા. આ પહેલાં પણ 1 એપ્રિલ, 2025ના રોજ પંજાબ કિંગ્સ સામેની મેચમાં આવા જ એક સેલિબ્રેશન માટે તેને એક ડિમેરિટ પોઈન્ટ મળ્યો હતો. લેવલ 1ના ભંગ માટે મેચ રેફરીનો નિર્ણય અંતિમ અને બંધનકર્તા ગણાય છે.

મનોજ કુમાર પંચતત્વમાં વિલીન , પુત્ર કુણાલે ચિતાને અગ્નિદાહ આપ્યો

હિન્દી સિનેમાના પ્રખ્યાત અભિનેતા મનોજ કુમારનું શુક્રવારે નિધન થયું. આ પીઢ અભિનેતા ઘણા દિવસોથી બીમાર હતા. શુક્રવારે સવારે વાગ્યે મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા, ત્યારબાદ આજે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. પીઢ અભિનેતાના અંતિમ સંસ્કાર તેમના પુત્ર કુણાલે પવન હંસ સ્મશાનગૃહમાં કર્યા. દેશભક્તિની ફિલ્મો માટે પ્રખ્યાત મનોજ કુમારને રાજ્ય સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી.

અમિતાભ બચ્ચનની આંખો ભીની થઈ

આ દિગ્ગજ અભિનેતાને અંતિમ વિદાય આપવા માટે બોલિવૂડના ઘણા કલાકારો પહોંચ્યા હતા. સદીના સુપરસ્ટાર અમિતાભ બચ્ચન તેમના પુત્ર અભિષેક બચ્ચન સાથે, અરબાઝ ખાન તેમના પિતા સલીમ ખાન સાથે, સુભાષ ઘાઈ, રાજપાલ યાદવ, અનુ મલિક, પ્રેમ ચોપરા અને અન્ય ઘણા બોલિવૂડ કલાકારોએ મનોજ કુમારને અંતિમ વિદાય આપવા પહોંચ્યા હતાં. આ દરમિયાન અમિતાભ બચ્ચન સહિત તમામ કલાકારોની આંખો ભીની જોવા મળી હતી.

મનોજ કુમારને છેલ્લી વિદાય
મનોજ કુમારના મૃતદેહના અંતિમ સંસ્કાર પહેલા ઘરે લાવવામાં આવ્યો. જ્યાં ઘણા કલાકારો દ્વારા તેમને શ્રદ્ધાંજલિ આપવા આવી હતી. બધાએ ફૂલો અર્પણ કર્યા અને તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી. પરંતુ તેમની પત્ની શશી ગોસ્વામીની હાલત જોઈને બધાની આંખો ભીની થઈ ગઈ. મનોજ કુમારના પત્ની શશીએ તેમને આંસુભરી વિદાય આપી. તેમણે પહેલા મનોજ કુમારને માળા પહેરાવી અને પછી છેલ્લી વાર ચુંબન કરીને તેમને વિદાય આપી.

મનોજ કુમાર લાંબા સમયથી બીમાર હતા
મનોજ કુમાર લાંબા સમયથી બીમાર હતા. આ પીઢ અભિનેતા ડિકમ્પેન્સેટેડ લિવર સિરોસિસથી પીડાતા હતા. 21 ફેબ્રુઆરી, 2025 ના રોજ તેમની તબિયત બગડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મનોજ કુમાર ‘ઉપકાર’, ‘પૂર્વ-પશ્ચિમ’, ‘રોટી-કપડા’ અને ‘ક્રાંતિ’ જેવી સુપરહિટ ફિલ્મો માટે પ્રખ્યાત હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ભરત કુમાર તરીકે જાણીતા પીઢ અભિનેતાના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. મનોજ કુમારને તેમના ફિલ્મી કરિયરમાં 7 વખત ફિલ્મફેર એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા અને 1992માં તેમને પદ્મશ્રીથી પણ નવાજવામાં આવ્યા હતા. 2016માં મનોજ કુમારને દાદાસાહેબ ફાળકે એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.