Opinion: નવા જિલ્લા અને મહાનગરપાલિકાઓના નિર્ણયથી વહીવટી વ્યવસ્થા બદલાશે?

ગુજરાતમાં વસતિ વધવાની સાથે જરૂરિયાત મુજબ સમયાંતરે નવા-નવા જિલ્લા બનતા ગયા છે. હમણાં નવા વર્ષની શરૂઆતમાં જ સરકારે બનાસકાંઠા જિલ્લાને બે ભાગમાં વિભાજીત કરીને વાવ-થરાદને નવો જિલ્લો જાહેર કર્યો છે. સાથે સાથે નવ પાલિકાને અપગ્રેડ કરીને મહાનગરપાલિકા બનાવવાની પણ જાહેરાત કરી છે.

એટલે હવે ગુજરાતમાં 34 જિલ્લા અને 17 મહાનગરપાલિકા છે. આના કારણે ગુજરાતનો અર્બન વિસ્તાર 50 ટકા કરતા પણ વધી ગયો છે. સરકારે સુઘડ વ્યવસ્થાની ગોઠવણ કરવા અને રાજ્યના ખુણે-ખુણા સુધી સરકારી યોજનાનો લાભ પહોંચાડવા માટે આ નવા જિલ્લાની અને મહાનગરપાલિકાઓની જાહેરાત કરી છે. હા, એ વાત સાચી કે નવા જિલ્લાથી બનાસકાંઠામાં કહીં ખુશી કહીં ગમનો માહોલ છે.

પરંતુ પ્રશ્ન એ થાય કે શું સરકારના આ નિર્ણયથી વહીવટી વ્યવસ્થા ખરેખર સુઘડ બનશે? નવા જિલ્લા સાથે ઘણા નવા સમીકરણોની પણ રાજ્યમાં એન્ટ્રી થાય છે. આ વખતેના ઓપિનિયન વિભાગમાં જાણો, નવા જિલ્લા અને મહાનગરપાલિકાઓના નિર્ણય અંગે લોકો શું માને છે?

ડૉ.નયનેશ ગઢવી, અધ્યાપક અને સમાજશાસ્ત્રી, અમદાવાદ

નવો જિલ્લો બનવાથી વ્યવસ્થા સરળ બની જશે. પ્રજા માટે આ નિર્ણય હિતકારી બનશે, જે તે વિસ્તારના ડેવલોપમેન્ટ માટે આ ઉપયોગ નિર્ણય સાબિત થશે. માળખાગત યોજનાનો લાભ મળવામાં ગતિ આવશે, કારણ કે જ્યારે એક જિલ્લો બને છે ત્યારે તે વિસ્તારમાં કલેક્ટર ફાળવવામાં આવે છે, અને તાલુકાનું કદ નાનું થાય છે. નાના તાલુકાના મોનીટરીંગ અને અમલીકરણ કલેક્ટર લેવલથી વધુ સારી થઈ શકે છે. નાનો તાલુકો હશે તો સરકારી યોજનાનો લાભ વધુ ઝડપથી પહોંચાડી શકાશે. આ નિર્ણય લોકસભા અને વિધાનસભાને પણ અસર કરશે. કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી મળતી ગ્રાન્ટ પણ પ્રજા સુધી પહોંચી શકશે. મારી દ્રષ્ટિએ નાનો જિલ્લો સરળતાથી મેઈન્ટેન વધુ સારી રીતે થય શકે છે. વાવ-થરાદ અલગ હોવાથી હવે તે એક જિલ્લા તરીકે પોતાની સુવિધા માગી શકે છે. આ સાથે જો જાતિગત સમીકરણ જોઈએ તો, સરકારે ચોધરી અને ઠાકોરનું વિભાજન કર્યું છે. જેની સીધી અસર વોટ બેંક પર થશે.

તિરેનકુમાર પી. લાડોલા, તાલુકા વિકાસ અધિકારી, વાવ

નવો જિલ્લો બનવાથી શરૂઆતમાં કચેરી વ્યવસ્થાપન પ્રમાણે થોડું આકરું લાગે છે, પણ આ નિર્ણય પ્રજા માટે સારો લાગે છે. બોર્ડરના તાલુકામાં આ નિર્ણયની સીધી અસર થશે, જિલ્લો થવાથી આ તાલુકા સુધી ગ્રાન્ટ પહોંચાડવામાં સરળ રહેશે. સ્થાનિક વિકાસના કાર્યોમાં સાથે સરકાર તરફથી મળતી સહુલિયત છે તે છેવાડાના ગામો સુધી પહોંચાડવા માટે આ નિર્ણય મદદ રૂપ બનશે. ભૌગોલિક દ્રષ્ટિએ જોઈએ તો પાલનપુર છેવાડાના ગામો માટે દૂર પડતું હતું, અને કોઈ પણ કામ માટે સમયનો બગાડ થતો જે હવે નહીં થાય. નર્મદાના પાણીને લઈ ખેડૂતોની માગ હોય છે, અને જેમ જેમ માળખું બનતું જશે તેમ પાણીની સુવિધા પણ ખેડૂતો સુધી પહોંચશે.

કિરણસિંહ રાજપુત, સરપંચ, રાછેણા, વાવ-થરાદ

એક નવો જિલ્લો બનવાથી સંચાલન કરવાનું સરળ બની જશે. હાલ સમય પ્રમાણે આ નિર્ણયના અમલીકરણ કરવા માટે પણ એટલા મોટા પડકારોનો સામનો કરવો નહીં પડે. મારા મત પ્રમાણે તો બનાસકાંઠામાં ગામડા અને તાલુકા વધુ હતા, જેનાથી અમને તકલીફ પડી રહી હતી. કેમકે અમારા છેવાડાના ગામથી પાલનપુર દૂર પડતું ત્યાં જવા માટે સમય વેડફાતો હતો, તેની જગ્યા પર હવે થરાદનું અંતર ઓછું હોવાથી કોઈ પણ કામમાટે સમયનો બગાડ નહીં થાય. પહેલા આમારા ગામના ખેડૂતોને સરકારી યોજનાનો લાભ પુરતો મળી શકતો ન હતો. હવે જ્યારે નજીક જિલ્લો હોવાથી એ લાભ જલ્દી પહોંચી શકશે.

શ્રવણ મણવર, સામાજિક કાર્યકર, લોદ્રાણી, વાવ-થરાદ

આ નિર્ણયથી લોકોને સરળતા પડે. પડેલા સરકારી કામ માટે દૂર સુધી જવું પડતું હતું. બનાસકાંઠા આમ પણ મોટો હતો, જેનાથી ગામડાઓ પર કોઈ પર અસર નહીં પડે. હા, એ વાત છે કે સોલાર જેવી મોટી સિસ્ટમ આવવાથી થોડી ઘણી અસર પડશે. પરંતુ આ નિર્ણય ગામડાને માળખાકીય સુવિધાઓ પૂરતી પડી રહેશે. અમારા ગામની વાત થાય તો, અમારા ગામ હાલ સુધીમાં હોસ્પિટલ, શાળા, હોસ્ટેલ જેવી સુવિધા હતી જ નહીં. પરંતુ આ નિર્ણયથી હવે ગામડાઓને પણ આ સુવિધા મળી રહેવાની આશા છે.

 

(તેજસ રાજપરા)