કેમ કેરળની નર્સને યમનમાં મળી મોતની સજા?

યમન: અહીંની જેલમાં બંધ કેરળની નર્સ નિમિષા પ્રિયાને ફાંસીની સજા આપવામાં આવી છે. જેને યમનના રાષ્ટ્રપતિ મોહમ્મદ અલ-અલીમીએ મંજૂરી આપી દીધી છે. યમનની કોર્ટે ભારતીય મહિલા નર્સ નિમિષાને હત્યા માટે દોષી ઠેરવી હતી અને તેને મૃત્યુદંડની સજા સંભળાવી હતી, જેને હવે ત્યાંના રાષ્ટ્રપતિએ મંજૂરી આપી દીધી છે. તે જ સમયે, ભારતના વિદેશ મંત્રાલયે નિમિષા પ્રિયાના મામલામાં નિવેદન આપ્યું છે. પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે સરકાર નિમિષા પ્રિયાના કેસથી વાકેફ છે અને તેના પરિવારને તમામ કાયદાકીય વિકલ્પોમાં સહકાર આપી રહી છે. મંત્રાલયે તમામ સંભવિત કાયદાકીય મદદ પૂરી પાડવાની ખાતરી આપી છે.

વર્ષ 2020માં મોતની સજા આપવામાં આવી

કેરળના પલક્કડની રહેવાસી નર્સ નિમિષા 2017થી યમનની જેલમાં છે. તેના પર 2017માં યમનના નાગરિક તલાલ અબ્દો મહદીને દવાનો ઓવરડોઝ આપીને મારવાનો આરોપ છે. આ કેસમાં તેને 2020માં મોતની સજા સંભળાવવામાં આવી હતી.

નિમિષા 2008માં યમન ગઈ હતી અને 2015માં પોતાનું ક્લિનિક શરૂ કરતા પહેલા તેણે ત્યાંની કેટલીક હોસ્પિટલોમાં કામ કર્યું હતું. નિમિષાને યમનના નાગરિક તલાલ અબ્દો મહદીની હત્યા માટે દોષી ઠેરવવામાં આવી હતી.

મહદીએ નર્સને શારીરિક અને આર્થિક ત્રાસ આપ્યો 
નિમિષા છેલ્લા એક દાયકાથી પોતાના પતિ અને પુત્રી સાથે યમનમાં કામ કરી રહી હતી. જો કે તેના 2014માં તેનો પતિ અને પુત્રી ભારત પરત ફર્યા હતા. પરંતુ 2016માં યમનમાં ગૃહયુદ્ધના કારણે દેશની બહાર જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. દિલ્હી હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે મહદીએ નર્સને શારીરિક અને આર્થિક રીતે ત્રાસ આપ્યો હતો. તેનો પાસપોર્ટ જપ્ત કરી લીધો હતો.