VIDEO: માણેક ચોકમાં વર્ષો જૂનું જર્જરિત મકાન ધરાશાયી, બે લોકો ઈજાગ્રસ્ત

અમદાવાદ: કોટ વિસ્તારમાં માણેકચોક ખાતે આવેલા ઘાંચીની પોળમાં જૂનું જર્જરિત મકાન ધરાશાયી થઈ છે. જૂનું મકાન પડી જવાની ઘટનામાં યુવતી સહિત બે લોકો દટાયા હતા. જેને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા બહાર કાઢી સારવાર અર્થે હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યા છે.

વર્ષો જૂનું મકાન હોવાના કારણે અચાનક જ ધરાશાયી થયું હતું. આ ઘટનાના પગલે મ્યુનિસિપલ કોર્પોરેશનનો એસ્ટેટ વિભાગ અને પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો.ફાયર બ્રિગેડમાંથી મળતી માહિતી મુજબ શહેરના માણેકચોક વિસ્તારમાં આવેલી ઘાંચીની પોળમાં વર્ષો જૂનું એક મકાન જે જર્જરિત હાલતમાં હતું. બપોરના સમયે અચાનક જ પડી ગયું હોવા અંગેનો મેસેજ કંટ્રોલરૂમમાં મળ્યો હતો. જેથી, ફાયર બ્રિગેડની બે ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે રવાના કરવામાં આવી હતી.મકાન પડવાની ઘટનામાં બે લોકો દટાયા હોવાની જાણકારી મળી હતી. જેથી, ફાયર બ્રિગેડના રેસ્ક્યુ ટીમ દ્વારા કાટમાળ હટાવી અને યુવતી અને અન્ય એક વ્યક્તિને બહાર કાઢ્યા હતા. વર્ષો જૂનું મકાન હતું જેથી મકાન પડી ગયું હોવાની ઘટના બની હતી. હાલમાં એસ્ટેટ વિભાગ દ્વારા આ મામલે કાર્યવાહી કરવામાં આવી છે.