ઓસ્ટ્રેલિયાના સિડની શહેરમાં આવેલા પ્રસિદ્ધ બોન્ડી બીચ પર વીકએન્ડ દરમિયાન થયેલી ગોળીબારીની ઘટનાએ દેશભરમાં ભય અને શોકની લાગણી ફેલાવી દીધી છે. રવિવારે બપોરના સમયે હનુક્કા ઉત્સવની ઉજવણી ચાલી રહી હતી, ત્યારે અચાનક બદમાશોએ ફાયરિંગ શરૂ કરી દીધી હતી. અલગ અલગ અહેવાલો મુજબ આ ઘટનામાં મૃત્યુઆંક અંગે વિસંગત માહિતી સામે આવી છે, જેમાં કેટલાક અહેવાલોમાં 10 લોકોના મોતની વાત કરવામાં આવી છે, જ્યારે પ્રાથમિક માહિતી અનુસાર 3 લોકોના મોત થયા હોવાનું અને 7 લોકો ઘાયલ હોવાનું જણાવવામાં આવ્યું છે. આ હુમલાએ શાંતિપૂર્ણ અને આનંદમય માહોલને એકાએક અફરાતફરીમાં ફેરવી નાખ્યો.

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, બોન્ડી બીચ પર અચાનક ગોળીઓના અવાજ સંભળાતા જ લોકોમાં ચીસાચીસ મચી ગઈ હતી. ઉત્સવમાં સામેલ પરિવારો, બાળકો અને વૃદ્ધો જીવ બચાવવા માટે અહીં-તહીં દોડતા નજરે પડ્યા હતા. કેટલાક લોકો જમીન પર પડી ગયા હતા, જ્યારે અનેક લોકો ઘાયલ હાલતમાં મદદ માટે બૂમો પાડતા હતા. સમગ્ર બીચ વિસ્તાર થોડા જ ક્ષણોમાં ભયાનક દ્રશ્યમાં ફેરવાઈ ગયો હતો.
રોયટર્સના અહેવાલ અનુસાર, ઘટનાની જાણ થતાં જ ઓસ્ટ્રેલિયન પોલીસે ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે બે સંદિગ્ધ શૂટરોને કાબૂમાં લીધા હોવાનું જણાવ્યું છે. સુરક્ષા દળો દ્વારા સમગ્ર વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો હતો અને લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો છે, જેમાં એક સામાન્ય નાગરિકે હિંમત દાખવીને ફાયરિંગ કરી રહેલા હુમલાખોર પર પાછળથી હુમલો કર્યો હોવાનું જોવા મળે છે. વીડિયોમાં તે વ્યક્તિ હુમલાખોર પાસેથી બંદૂક છીનવી લે છે અને તેને જમીન પર પાડી દે છે. ત્યારબાદ તે બંદૂક તાનીને ઉભો રહે છે, જોકે તે ફાયરિંગ કરતો નથી. આ દ્રશ્યને લઈને સોશિયલ મીડિયા પર લોકો સામાન્ય નાગરિકની બહાદુરીની પ્રશંસા કરી રહ્યા છે.
ઘટના પર ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બનીઝે ઊંડો દુઃખ વ્યક્ત કર્યો છે. તેમણે નિવેદન જાહેર કરીને જણાવ્યું કે બોન્ડીમાં જોવા મળેલા દ્રશ્યો અત્યંત ભયાનક અને દિલ તોડી નાંખે તેવા છે. તેમણે કહ્યું કે પોલીસ અને ઈમરજન્સી સેવાઓના કર્મચારીઓ સ્થળ પર હાજર છે અને લોકોની જાન બચાવવા માટે સતત પ્રયાસ કરી રહ્યા છે. વડાપ્રધાને આ ઘટનાથી પ્રભાવિત થયેલા તમામ લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.
વડાપ્રધાને આગળ જણાવ્યું કે તેમણે ઓસ્ટ્રેલિયન ફેડરલ પોલીસના કમિશ્નર અને ન્યૂ સાઉથ વેલ્સના મુખ્યમંત્રી સાથે વાત કરી છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર સાથે મળીને પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહી છે. જેમ જેમ વધુ પુષ્ટ માહિતી મળશે તેમ તેમ લોકોને અપડેટ આપવામાં આવશે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો છે.
આ હુમલાએ ઓસ્ટ્રેલિયામાં જાહેર સ્થળોની સુરક્ષા વ્યવસ્થા અંગે ફરી એકવાર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. ખાસ કરીને ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો દરમિયાન સુરક્ષા વ્યવસ્થા કેટલી મજબૂત છે, તે મુદ્દે ચર્ચા શરૂ થઈ ગઈ છે. બોન્ડી બીચ જેવી ભીડભાડવાળી જગ્યાએ થયેલી આ ઘટના બાદ લોકોમાં ભય અને અસુરક્ષાની લાગણી વધતી જોવા મળી રહી છે.
હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે. શૂટરોની ઓળખ, તેમની પૃષ્ઠભૂમિ અને હુમલાના હેતુ અંગે માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. બોન્ડી બીચ અને આસપાસના વિસ્તારોમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે, જેથી કોઈ બીજી અનિચ્છનીય ઘટના ન બને.




