નવી દિલ્હીઃ આજના સમયમાં UPI આપણા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયું છે. એક વ્યક્તિ દરરોજ સરેરાશ લગભગ 60થી 70 ટકા લેવડ દેવડ UPI દ્વારા જ કરે છે. દેશમાં દરરોજ કરોડો UPI ટ્રાન્ઝેક્શન થઈ રહ્યા છે, જેના દ્વારા સેંકડો કરોડ રૂપિયાની લેવડદેવડ થઈ રહી છે. પણ હવે UPI પેમેન્ટ એપ યુઝર્સે ટૂંક સમયમાં જ એપનો ઉપયોગ કરવા માટે ફી ચૂકવવી પડે એવી શક્યતા છે.
વાસ્તવમાં સરકારે UPI સર્વિસ પર મર્ચન્ટને મળતી સબસિડીમાં ભારે ઘટાડો કર્યો છે. તેથી કંપનીઓ હવે તેને ગ્રાહકો પાસેથી વસૂલવાની તૈયારી કરી રહી છે. આવી સ્થિતિમાં હવે UPI એપ્લિકેશનનો ઉપયોગ કરવો મોંઘો પડશે. કંપનીઓએ ગ્રાહકો પાસેથી ફી વસૂલવાની શરૂઆત પણ કરી દીધી છે. ગૂગલ પેએ અનેક ટ્રાન્ઝેક્શન ફી વસૂલવાનું શરૂ કરી દીધું છે. ગૂગલ પેએ ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ પર 0.5 ટકા અને એક ટકા ફી લગાવી છે. તો Paytm અને PhonePeએ પણ મોબાઈલ રિચાર્જ માટે ફી વસૂલવાનું શરૂ કરી દીધું છે.
આ પહેલાં સરકાર 2000 રૂપિયાથી નીચેના UPI ટ્રાન્ઝેક્શન પર પેમેન્ટ કંપનીઓને સબસિડી આપી રહી હતી. અત્યાર સુધી ગ્રાહકો પાસેથી કોઈ ફી લેવામાં આવી રહી નહોતી. દર વર્ષે સરકાર પર પર્સન ટુ મર્ચન્ટ ટ્રાન્ઝેક્શન માટે લગભગ 12,000 કરોડ રૂપિયાનો બોજ આવી રહ્યો હતો. 2000 રૂપિયાથી ઓછાના ટ્રાન્ઝેક્શન પર બોજ 4000 કરોડ રૂપિયા છે.
સરકાર તરફથી આ માટે વર્ષ 2023માં 2600 કરોડ રૂપિયાની UPI સબસિડી મળી હતી. વર્ષ 2024માં આ સબસિડીની રકમ 2484 કરોડ રૂપિયાની UPI સબસિડી મળી હતી. તો વર્ષ 2025 માટે આ સબસિડીને ઘટાડીને 477 કરોડ રૂપિયા કરવામાં આવી છે. 2025માં સરકારે સબસિડીમાં ઘટાડો કર્યો છે, જેનાથી પેમેન્ટ કંપનીઓ માટે આ મોડલ નુકસાનીનો સોદો બનતું જઈ રહ્યું છે.
