વન્યજીવ દિવસઃ અમદાવાદના આ પાર્કમાં સૃષ્ટિના સંતુલનનો પ્રયાસ…

અમદાવાદ: વિશ્વ વન્યજીવ દિવસ ઉજવી રહ્યું છે. વિશ્વમાં વન અને વન્યજીવોને બચાવવા બધા જ દેશોમાં પૂરતા પ્રયાસ થઇ રહ્યા છે. વધતી માનવ વસતી-માનવ વસાહતો કેટલીક જગ્યાએ વન્યજીવનમાં દખલ કરી રહી છે. જ્યારે કેટલીક જગ્યાએ ચુસ્તપણે વન્યજીવનમાં દખલ ન થાય એવું વાતાવરણ પણ ઉભું કરવામાં આવે છે. શહેરમાં પણ રિવરફ્રન્ટ પર બાયોડાયવર્સિટી પાર્ક બનાવી પર્યાવરણની નજીક જવાનો એક પ્રયાસ કરાયો છે.जीवो जीवस्य जीवनम्..જીવ એ જ જીવનો આહાર છે..સૃષ્ટિના સંતુલન માટે દરેક પ્રકારના જીવોને એકબીજાના પૂરક બનાવવા ખૂબ જ જરુરી છે. જીવ વિજ્ઞાન સાથે જોડાયેલા લોકો તેમજ પર્યાવરણ પ્રેમીઓ જૈવિક વિવિધતા ઉપર સતત જુદા-જુદા સંશોધન કરતા રહે છે. સંશોધનકર્તા, જાણકારો પોતે અભ્યાસ કરી જીજ્ઞાસુ લોકો માટે પણ માહિતી તૈયાર કરી પ્રયોગશાળા કે વાસ્તવિક ઉદ્યાન તૈયાર કરે છે. હા.. આવું જ એક ઉદ્યાન.. શહેરના રિવરફ્રન્ટ પર બાયોડાયવર્સિટી પાર્ક રુપે લોકો માટે ખુલ્લું મૂકાયેલું છે. સાબરમતી નદીને કાંઠે ઇવેન્ટ સેન્ટર, ફ્લાવર પાર્કના થોડા અંતર પછી વાસણા બેરેજની એકદમ નજીક બાયોડાયવર્સિટી પાર્ક તૈયાર કરાયો છે.

જૈવિક વિવધતાથી ભરપૂર આ પાર્ક સાથે જોડાયેલા આસિફભાઇ ચિત્રલેખા.કોમને જણાવે છે કે રિવરફ્રન્ટ પરના આ પાર્કમાં પહેલા જ ફેસમાં સાત હજાર જેટલા વૃક્ષ, વનસ્પતિ, છોડનું વાવેતર કરાયું છે. જેમાં 125 જાતની વેરાઇટીનો સમાવેશ થાય છે. અરીઠા, અરડુશી, નાગોડ, સીગ્રેપ્સ, અંજીર, પાઇનેપલ, કાજુ, મોસંબી, ગુંદા, બદામ જેવી અનેક ચીજ વસ્તુઓને ઉછેરી માવજત કરાઇ રહી છે. આ પાર્કમાં અનેક પ્રકારના પક્ષીઓ, જીવ જંતુઓ સહ અસ્તિત્વ માણી રહ્યા છે.બાયોડાયવર્સિટી પાર્કમાં કામ કરતાં સહ કર્મચારી કહે છે એકદમ કુદરતી રીતે તમામ પ્લાન્ટસ્ તૈયાર કરવામાં આવ્યા છે. આ ક્ષેત્રમાં કામ કરવા ઇચ્છતા, રસધરાવતા વિદ્યાર્થીઓ માટે આ પાર્ક ખૂબ જ ઉપયોગી થઇ પડશે. અહીંના મોટાભાગના પ્લાન્ટેશનની ઓળખ થાય એ રીતે લખાણ તૈયાર કરવામાં આવ્યા છે. ઝાડ પર નામ સાથેની પ્લેટ મુકવામાં આવી છે. બાયોડાયવર્સિટી પાર્ક જુદા-જુદા ફેસમાં તૈયાર કરાયો છે, બીજા ફેસમાં વિશાળતા અને વિવિધતા વધારાશે. બાયોડાયવર્સિટી, પર્યાવરણ સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓ સહિતના લોકો જૈવિક વિવિધતાથી ભરપૂર અમદાવાદના આ પાર્કને માણી રહ્યા છે.

(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)