નવી દિલ્હીઃ યુરોપિયન યુનિયને (EUએ) વિશ્વના સૌથી મોટા સર્ચ એન્જિન ગૂગલ પર ભારે-ભરખમ દંડ લગાવ્યો છે. ગૂગલ પર આ દંડ ડિજિટલ જાહેરાત સેવા નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ ફટકારાયો છે. EUના નિયામકોએ શુક્રવારે અમેરિકન કંપની ગૂગલ પર 2.95 અબજ યુરો એટલે કે 3.5 અબજ ડોલરનો દંડ કર્યો. આરોપ છે કે ગૂગલ ડિજિટલ જાહેરાત સેવાઓને પ્રાથમિકતા આપીને યુરોપિયન યુનિયનના સ્પર્ધા નિયમોનું ઉલ્લંઘન કરતી હતી. આ દંડનો ગૂગલે વિરોધ કર્યો છે અને જણાવ્યું છે કે તે આ દંડ સામે અપીલ કરશે. EUના આ દંડનો રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ વિરોધ કર્યો છે. પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ ટ્રૂથ સોશિયલ પર ટ્રમ્પે તેને “અન્યાયી” ગણાવ્યો છે.

EUનો શું છે આરોપ
યુરોપિયન કમિશનનો આરોપ છે કે ઓનલાઇન જાહેરાત બતાવવામાં ગૂગલ પક્ષપાત કરે છે. તે સ્પર્ધકોની તુલનામાં પોતાના પ્રોડક્ટ્સને ઓનલાઇન વધુ બતાવે છે. આવું કરવું સ્પર્ધા નિયમોનું ઉલ્લંઘન છે અને તેનાથી સ્પર્ધી કંપનીઓને નુકસાન થાય છે. EUનું કહેવું છે કે આવું ત્યારે બહાર આવ્યું જ્યારે વિશ્વભરમાં ઓનલાઇન સર્ચ અને એડવર્ટાઇઝિંગ ક્ષેત્રમાં ગૂગલના કામકાજની તપાસ થઈ હતી.
યુરોપિયન કમિશને ગૂગલ પર સ્પર્ધકોની તુલનામાં પોતાની ટેકનોલોજીને વધારે પ્રાધાન્ય આપવાનો આરોપ લગાવ્યો છે. કમિશનનો દાવો છે કે જ્યાં ઓનલાઇન જાહેરાતો વાસ્તવિક સમયમાં ખરીદવામાં અને વેચવામાં આવે છે. આ દંડ તે સૌથી મોટા દંડોમાંનો એક છે, જે કમિશને અત્યાર સુધી સ્પર્ધા નિયમોનું ઉલ્લંઘન કરનારી ટેક કંપનીઓ પર લગાવ્યો છે.

કમિશનની કાર્યકારી ઉપપ્રમુખ ટેરેસા રિબેરાએ એક નિવેદનમાં જણાવ્યું કે નિયામકોએ ગૂગલના ભૂતકાળના સ્પર્ધા વિરોધી વર્તનને ધ્યાનમાં રાખીને વધારે દંડ લગાવવાનો નિર્ણય કર્યો છે. રિબેરાએ ટેક દિગ્ગજને ચેતવણી આપતાં કહ્યું છે કે પોતાના કામકાજના રીત-રિવાજોમાં ફેરફાર લાવવા માટેની યોજના રજૂ કરવા તેની પાસે 60 દિવસ છે. ત્યાર બાદ કમિશન પોતાની તરફથી ઉકેલ અમલમાં લાવવાનો પ્રયાસ કરશે.


