તેજસ્વી યાદવને CM ચહેરો જાહેર કરવામાં કોંગ્રેસને ખચકાટ કેમ?

પટના: બિહારના રાજકારણમાં મહાગઠબંધનની વ્યૂહરચના ફરી એક વાર ચર્ચામાં છે. વિધાનસભાની ચૂંટણીની નજીક આવતાં સૌથી મોટો સવાલ એ છે કે શું કોંગ્રેસ તેજસ્વી યાદવને ખુલ્લેઆમ CMપદનો ચહેરો સ્વીકારશે કે પછી બેઠકોની સોદાબાજી અને સંગઠનાત્મક ગણિતને કારણે હાલ આ મુદ્દે ચુપ્પી સાધી રાખશે. જ્યારે આ જ સવાલ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને પૂછવામાં આવ્યો ત્યારે તેમણે પણ ટાળી દીધો અને એક રીતે સ્પષ્ટ કરી દીધું કે મહાગઠબંધન કોઈ એક CMના ચહેરા વિના જ મેદાનમાં ઊતરશે.

જો વર્ષ 2020ની વિધાનસભા ચૂંટણી પર નજર કરીએ તો મહાગઠબંધનની સાથી પાર્ટીઓમાં RJD સૌથી મોટી પાર્ટી બની હતી. RJDને 75 બેઠકો મળી હતી જ્યારે કોંગ્રેસને ફક્ત 19 બેઠકો અને વામપંથી પક્ષોને 16 બેઠકો મળી હતી. કોંગ્રેસને પોતાના પ્રદર્શનથી મોટો ઝટકો લાગ્યો અને અંદરખાને સવાલ ઊભો થયો હતો કે પાર્ટીએ શું એટલી બેઠકો પર લડવું જ જોઇતું હતું? તેમ છતાં તેજસ્વી યાદવ મહાગઠબંધનનો ચહેરો બનીને ચૂંટણી પ્રચાર કરતા રહ્યા અને વિરોધના મતોને એકજૂટ કરવામાં મોટી ભૂમિકા ભજવી હતી.


પાર્ટીના અંદરનાં સૂત્રો માને છે કે જો કોંગ્રેસ ચૂંટણી પહેલાં જ તેજસ્વીને CM ઉમેદવાર જાહેર કરી દે તો બેઠકોની સોદાબાજીમાં તેની સ્થિતિ નબળી પડી જશે. મતદારોની નજરમાં કોંગ્રેસ ફક્ત જુનિયર પાર્ટનર બનીને રહી જશે અને સ્થાનિક નેતાઓનો મનોબળ ઘટી જશે. કોંગ્રેસ પર દબાણ વધ્યું છે, કારણ કે જો વિરોધી એકતાની કમાન તેજસ્વીના હાથમાં જાય છે તો બિહારમાં કોંગ્રેસની બાર્ગેનિંગ પાવર વધુ નબળી પડશે.